...તો આલ્બર્ટ આઈનસ્ટાઈન 6000 રૂપિયાના પગારે ભારતમાં વાઇસ ચાન્સેલર બન્યા હોત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મયૂરેશ કોણ્ણુર
- પદ, બીબીસી સંવાદદાતા
આલ્બર્ટ આઈનસ્ટાઈન અને ભારતનો એકસાથે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આઈનસ્ટાઈનનું મહાત્મા ગાંધી વિશેનું અવતરણ હંમેશાં ટાંકવામાં આવે છે. આઈનસ્ટાઈને ગાંધીજી વિશે કહ્યું હતું કે “આવનારી પેઢી ભાગ્યે જ માની શકશે કે હાડમાંસના આ માણસે પૃથ્વી પર ખરેખર ડગલાં ભર્યાં હતાં.”
ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીની દુનિયામાં વિશ્વશાંતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર આલ્બર્ટ આઈનસ્ટાઈન, પ્રચુર હિંસાનો જવાબ અહિંસાથી આપવાની સત્યાગ્રહ ફિલસૂફી સાથે જીવેલા મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક હતું.
ગાંધીજીના જીવનકાળથી લઈને આજના દિવસ સુધી વિશ્વના તમામ નેતાઓને ગાંધીજી પ્રત્યે આકર્ષણ છે. આઈનસ્ટાઈન તેમાં અપવાદ ન હતા અને તે માત્ર આકર્ષણ ન રહેતાં એક ઋણાનુબંધ બની ગયો હતો.
આઈનસ્ટાઈનનો ભારત સાથેનો સંબંધ માત્ર ગાંધીજી પૂરતો મર્યાદિત ન હતો. આઈનસ્ટાઈન કદી ભારત આવ્યા ન હતા, પણ આ દેશ પ્રત્યે તેમને ગજબનું આકર્ષણ હતું. તેમના આગવા વિચાર હતા. તેમના અને તેમના વિશેનાં લખાણોમાં આ સ્પષ્ટ થાય છે. એ ઉપરાંત કેટલાક સમકાલીન ભારતીયો સાથેના તેમના ઋણાનુબંધ અને મૈત્રીની સ્મૃતિ કાયમ રાખવી જોઈએ.
આલ્બર્ટ આઈનસ્ટાઈનનો જન્મ 1879માં અને મૃત્યુ 1955માં થયું હતું. તેઓ 76 વર્ષ જીવ્યા હતા. આઈનસ્ટાઈન પહેલાં અને પછી ઘણાં લોકો આટલું લાંબુ જીવ્યા છે, પરંતુ બહુ ઓછા લોકો અમીટ છાપ છોડી શક્યા છે.
આઈનસ્ટાઈને દુનિયાની પોતાના વિશેની ધારણા જ બદલી નાખી હતી. તેમનો સાપેક્ષતાનો સિદ્ધાંત, ન્યૂટોનિયન સિદ્ધાંતની તુલનામાં ગુરુત્વાકર્ષણની એક નવી તથા ક્રાંતિકારી સમજ અને અંતરિક્ષ તથા સમયના વ્યવહારની ક્રાંતિકારી વિભાવનાએ બ્રહ્માંડ વિશેની આપણી સમજને મૂળભૂત રીતે બદલી નાખી. આઈન્સ્ટાઈનનું સમીકરણ, E = mc2, જેને આજે સામાન્ય લોકો પણ જાણે છે, તેણે ઊર્જાને મુક્ત કરી અને વિશ્વને અણુ વિભાજન દ્વારા અણુ બોમ્બના યુગમાં દોરી ગયું.
આ સિદ્ધિ એટલી પ્રભાવશાળી હતી કે સમય અને વિશ્વને આઈનસ્ટાઈન પહેલાના અને પછીના યુગમાં વહેંચી શકાય. આધુનિક વિજ્ઞાન અને આધુનિક વિશ્વ નાટકીય રીતે બદલાઈ ગયાં છે.
સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી આઈનસ્ટાઈન પ્રભાવશાળી ફિલસૂફ, વિચારક અને ઉદ્દાત રાજદ્વારી વ્યક્તિ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફિલસૂફીએ આધુનિક ભારતીયો સાથેની આઈનસ્ટાઈનની મૈત્રીને પ્રગાઢ બનાવી હોવાનું કહેવાય છે. આઈનસ્ટાઈન મહાત્મા ગાંધી ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોર અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે સતત પત્રવ્યવહાર કરતા હતા. પત્રવ્યવહાર એટલો વ્યાપક હતો કે આઈનસ્ટાઈન અને ટાગોર વચ્ચેના સંબંધને આસાનીથી મૈત્રી કહી શકાય. ત્રણેય ભારતીયો સાથેનો આઈનસ્ટાઈનનો પત્રવ્યવહાર બહુ સારી રીતે સચવાયેલો છે. તેના વિશે ઘણું લખાયું છે અને કહેવામાં પણ આવ્યું છે.
આઈનસ્ટાઈનના ભારતીય રાજનેતાઓ સાથેના સંબંધની વાત કરતાં પહેલાં આઈનસ્ટાઈનના મૂળ વિષય, ભૌતિકશાસ્ત્ર પર નજર કરીએ. ભૌતિકશાસ્ત્રની વાત આવે ત્યારે આઈનસ્ટાઈનની સાથે સત્યેન્દ્રનાથ બોઝનું નામ પણ યાદ આવે.

બોઝ-આઈનસ્ટાઈન સિદ્ધાંત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૌતિકશાસ્ત્રનો દરેક વિદ્યાર્થી ‘બોઝ-આઈનસ્ટાઈન થિયરી’થી સારી રીતે વાકેફ છે, ખાસ કરીને ક્વૉન્ટમ મિકેનિક્સના અભ્યાસના સંદર્ભમાં. સત્યેન્દ્રનાથ બોઝ આઈનસ્ટાઈનના સમકાલીન ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા. આ આઈનસ્ટાઈન સાથેનો ભારતનો સૌથી મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંબંધ છે. તેનો પ્રભાવ આજના આધુનિક વિજ્ઞાન પર પણ જોવા મળે છે.
આ સિદ્ધાંત સમજવા માટે આપણે વીસમી સદીની શરૂઆતમાં પાછું ફરવું પડે. અહીં ઘણી જૂની વિભાવનાઓને તોડી નાખવામાં આવી હતી અને સમગ્ર સંશોધનને એક નવી જ દૃષ્ટિ આપવામાં આવી હતી. આધુનિક વિજ્ઞાનમાં તેને મહત્ત્વનો સમયગાળો ગણવો જોઈએ. આઈનસ્ટાઈન આ ક્ષેત્રની સૌથી જાણીતી વ્યક્તિ છે.
આઈઆઈટી, ચેન્નાઈ ખાતે કાર્યરત ભૌતિકશાસ્ત્રી ડો. સિદ્ધાર્થ ધોમકરે કહ્યું હતું કે “વીસમી સદીની શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે બળ, દળ અને ગતિના ન્યૂટોનિયન નિયમો ઇલેક્ટ્રોન કે એટમ જેવા ખૂબ જ નાના કણોને સંપૂર્ણપણે લાગુ પડતા નથી. આઈનસ્ટાઈને 1902-03ની આસપાસ તેમની કેટલી થિયરી રજૂ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રકાશ, તરંગોથી નહીં, પરંતુ કણોનો બનેલો છે. આવો ઉલ્લેખ કરનારા તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. અલબત, મૅક્સ પ્લૅન્કે પણ આ વિષયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.”
“જોકે, આઈનસ્ટાઈનની આ રજૂઆત બાદ, 1920ની આસપાસ નિલ્સ બ્હોર અને શ્રોડિન્જર જેવા ઘણા વિજ્ઞાનીઓએ બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ ક્વૉન્ટમ મિકેનિક્સનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.”
સંશોધકોના મતે, આ સૂક્ષ્મ કણોને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કોઈપણ કણના ગુણધર્મોમાં સમૂહ, ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. ક્વૉન્ટમ મિકેનિક્સમાં સ્પિન તરીકે ઓળખાતો ગુણધર્મ પણ ચિત્રમાં આવ્યો હતો. પ્રથમ પ્રકારના કણોને ફર્મિઓન્સ કહેવામાં આવે છે, કારણ કે ફર્મી નામના વિજ્ઞાનીએ તેની શોધ કરી હતી. આવા બે કણના ગુણધર્મ સમાન હોય તો તેઓ એક જગ્યાએ સાથે રહેશે નહીં.
ડો. સિદ્ધાર્થે કહ્યું હતું કે “તેનાથી વિપરીત, પ્રકાશથી બનેલા બીજા પ્રકારના કણો ફોટોન્સ અથવા ફોનોન્સ છે. આ કણો સમાન ગુણધર્મી હોવા છતાં સાથે રહી શકે છે.”
કથામાં સત્યેન્દ્રનાથ બોઝ અહીં પ્રવેશે છે. સત્યેન્દ્રનાથ બોઝ 1924માં, વિભાજન પહેલાંના બ્રિટિશ ભારતમાં ઢાકા ખાતે સંશોધન કરી રહ્યા હતા.
“આ બીજા પ્રકારના કણો સમાન ગુણધર્મો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે આ સિદ્ધાંત પ્રસ્તુત કર્યો હતો. આ કણોને તેમણે સૌપ્રથમ ઓળખી કાઢ્યા હતા અને તેઓ વિવિધ પરિસ્થિતિમાં એકમેકની સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તેનું વર્ણન કર્યું હતું,” એમ ડો. સિદ્ધાર્થે કહ્યું હતું.
નિષ્કર્ષ પર આવ્યા પછી સત્યેન્દ્રનાથ બોઝે વૈજ્ઞાનિક વિશ્વમાં ઔપચારિક પ્રક્રિયાનું અનુસરણ કર્યું હતું. તેમણે રિસર્ચ પેપર તૈયાર કરીને એક સાયન્ટિફિક જર્નલમાં સુપરત કર્યું હતું. અલબત, સત્યેન્દ્રનાથ કોણ હતા એ બહુ ઓછા લોકો ત્યારે જાણતા હતા. રિસર્ચ પેપર વાંચ્યા પછી જર્નલના તંત્રીએ પાછું મોકલી આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ સાચું હોય એવું મને લાગતું નથી. તેથી હું તે પ્રકાશિત કરીશ નહીં. બીજી બાજુ બોઝને ખાતરી હતી કે આ કંઈક નવું અને નોંધપાત્ર છે.
આ તબક્કે કથામાં આઈનસ્ટાઈનનો પ્રવેશ થાય છે. બોઝે આઈનસ્ટાઈનને રિસર્ચ પેપર મોકલ્યું ત્યારે તેઓ જર્મનીમાં હતા.
ડો. સિદ્ધાર્થે કહ્યું હતું કે “બોઝ પાસેથી રિસર્ચ પેપર મળ્યા બાદ આઈનસ્ટાઈન તરત પામી ગયા હતા કે તે બહુ જ મહત્ત્વનું છે. આઈનસ્ટાઈને પોતે તેનું ભાષાંતર કર્યું અને વિખ્યાત જર્મન વિજ્ઞાન સામયિકમાં મોકલી આપ્યું. સાથે તેમણે લખ્યું હતું કે “આ બહુ જ મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષ છે. તેથી કૃપા કરીને તેનું પ્રકાશન કરો.” તેનું પ્રકાશન થયું અને એ સમયે ક્વૉન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે કાર્યરત બધા જ લોકો તેનું મહત્ત્વ સમજી ગયા હતા.”

આ સંશોધન કેટલું ક્રાંતિકારી હતું અને આજે કેટલું સુસંગત છે?

ઇમેજ સ્રોત, ALBERT EINSTEIN ESTATE/TWITTER
હવે ‘બોઝ-આઈનસ્ટાઈન મૉડલ’ તરીકે ઓળખાતા આ સિદ્ધાંતે લાખો સૂક્ષ્મ કણોની વર્તણૂંક સમજાવી હતી. બોઝના સંશોધન બાદ આ કણોને વૈજ્ઞાનિક સમુદાયમાં ‘બોસોન’ તરીકે ઓળખવામાં આવે છે. તેને કારણે ક્વૉન્ટમ મિકેનિક્સમાં સંશોધનને નવો પરિપ્રેક્ષ્ય મળ્યો.
ડો. સિદ્ધાર્થના કહેવા મુજબ, “સ્વિત્ઝર્લેન્ડમાં સીઈઆરએન ખાતે જંગી હાઈડ્રોજન કોલાઈડર આવેલું છે એ બધા જાણે છે. ત્યાં આશરે 11 વર્ષ પહેલાં ‘હિગ્ઝ બોસોન’ પાર્ટિકલ શોધી કાઢવામાં આવ્યો હતો. તમામ મૂળ કણ માસ કેવી રીતે મેળવે છે એ વિશેનો એક સિદ્ધાંત પીટર હિગ્ઝ નામના વિજ્ઞાનીએ રજૂ કર્યો હતો. એ સિદ્ધાંત મુજબ, જે કણોને શોધી કાઢવામાં આવે છે તેની ગણતરી પણ કરવામાં આવે છે. પરિણામે તે 'હિગ્ઝ બોસોન' નામે ઓળખાય છે.”
બોઝના કન્સેપ્ટનું શ્રેય આઈનસ્ટાઈને લઈ લીધું?
આ સંદર્ભમાં આઈનસ્ટાઈનનો ઉલ્લેખ થાય ત્યારે સત્યેન્દ્રનાથ બોઝના નામનો ઉલ્લેખ પણ થવો જોઈએ, પરંતુ વૈજ્ઞાનિક સમુદાયમાં અન્ય ચર્ચા પણ થઈ હતી. કેટલાકે કહ્યું હતું કે આઈનસ્ટાઈન અને બોઝ વચ્ચે આ સંશોધન તથા શ્રેય બાબતે મતભેદ હતા. અલબત, કેટલાક વિદ્વાનોએ જણાવ્યું હતું કે આ ખોટું છે.
જર્મનીની ઓલ્ડનબર્ગ યુનિવર્સિટી ખાતેના વિજ્ઞાનના ઇતિહાસકાર રાજિન્દર સિંહે તેમના પુસ્તક ‘આઈનસ્ટાઈન રીડિસ્કવર્ડઃ ઈન્ટરએક્શન્શ વિથ ઈન્ડિયન એકેડેમિક્સ’માં થોડાં વર્ષો પહેલાં જણાવ્યું હતું કે કથિત વિવાદો સાચા નથી. ઈન્ડિયન સાયન્સ વાયરને આપેલી મુલાકાતમાં બોઝના વિદ્યાર્થીઓએ આવી કેટલીક વાતો ફેલાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આઈનસ્ટાઈન દ્વારા બોઝના આઈડિયાનો પોતાની આગવી સ્થિતિમાં ઉપયોગ કરવો તે વિશ્વાસઘાત સમાન ગણાય કે નહીં, એવું પૂછવામાં આવ્યું ત્યારે રાજીન્દર સિંહે કહ્યું હતું કે “ના. સંશોધન ક્ષેત્રે કોઈ વ્યક્તિ તેના પોતાના આઈડિયાના વિસ્તરણનું કામ અન્યને ઉધાર આપતું નથી. આઈનસ્ટાઈન પણ તેમાં અપવાદ ન હતા, પરંતુ આઈનસ્ટાઈન અને બોઝ વચ્ચેનો સંબંધ જીવંત રહ્યો કારણ કે આઈનસ્ટાઈન બોઝને કાયમ પોતાના સાથી માનતા હતા અને બોઝના કામ પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચાય એ માટે તેમણે સતત પ્રયાસ કર્યા હતા.”
ડો. સિદ્ધાર્થ ધોમકરે એમ પણ કહ્યું હતું કે “આઈનસ્ટાઈનની દીપ્તિ બોઝના આ સંશોધનના મહત્ત્વની તેમની સ્વીકૃતિમાં રહેલી છે. બોઝે પણ તેવું જ કર્યું હતું. તેમણે બોઝ-આઈનસ્ટાઈન ઈક્વેશન અથવા સ્ટેટેસ્ટિક્સ એ જ અભ્યાસમાં રજૂ કર્યા હતા. તેમનાં નામ કેટલાં સ્થળો સાથે સંકળાયેલાં છે તે બાબત તેમણે સાથે મળીને હાથ ધરેલા આ કામના કદને દર્શાવશે.”

આઈનસ્ટાઈન ભારતમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર?

ઇમેજ સ્રોત, ALBERT EINSTEIN ESTATE/TWITTER
આ વાત વિચિત્ર લાગે છે, પરંતુ એવું બન્યું હોત તો શું થયું હોત તેની કલ્પના તમને આશ્ચર્યચકિત કરી દેશે. વાત સાચી છે. આલ્બર્ટ આઈનસ્ટાનને 1937માં એક ભારતીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ ઓફર કરવામાં આવ્યું હતું. તે ત્રાવણકોર યુનિવર્સિટી (હવે કેરળ યુનિવર્સિટી) હતી અને માસિક પગાર હતો રૂ. 6,000.
ઈતિહાસકાર એ એસ મેનને લખેલા ત્રાવણકોર યુનિવર્સિટીના વિગતવાર ઈતિહાસનું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત માહિતી એ પુસ્તકમાં આપવામાં આવી છે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ત્રાવણકોરના છેલ્લા રાજાએ રાજ્યના દીવાન સર સી રામાસ્વામીની પહેલ અને સલાહને અનુસંધાને આઈનસ્ટાઈનને આ પદ ઓફર કર્યું હતું.
કેટલાક સ્થાનિક દસ્તાવેજ આ વાતની પુષ્ટિ કરે છે, પરંતુ આઈનસ્ટાઈનને મોકલવામાં આવેલો મૂળ પત્ર હજુ સુધી મળ્યો કે પ્રકાશિત થયો નથી. આઈનસ્ટાઈને તે ઓફરનો અસ્વીકાર કર્યો હતો અને અમેરિકાની પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ વિચારો કે આઈનસ્ટાઈન આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હોત તો? ભારતીય વિજ્ઞાન જગત આજે બેશક અલગ જ હોત.

આઈનસ્ટાઈનના ‘રબ્બી’ ટાગોર

આલ્બર્ટ આઈનસ્ટાઈનના ભારત સાથેના સંબંધની વાત થાય છે ત્યારે બન્ને નોબેલ પુરસ્કાર વિજેતાઓ વચ્ચેની મૈત્રીનો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે. રવીન્દ્રનાથને ભારતમાં આદરપૂર્વક ગુરુદેવ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આઈનસ્ટાઈન તેમનો ઉલ્લેખ ‘રબ્બી’ તરીકે સ-આદર કરતા હતા. હીબ્રુ ભાષામાં રબ્બી શબ્દનો અર્થ શિક્ષક અથવા ધાર્મિક નેતા એવો થાય છે.
આ બન્ને વચ્ચેના પત્રવ્યવહાર અને સંદેશવ્યવહાર બાબતે વિદ્વાનોએ ઘણું લખ્યું છે. સમગ્ર માનવતાના વર્તમાન તથા ભવિષ્ય વિશે તેમજ આપણા સમયના વિજ્ઞાન વિશેના તેમના પ્રગલ્ભ વિચાર અને ગાંભીર્ય તેમના સંવાદમાં સ્પષ્ટ જોવા મળતા હતા. તેમની વચ્ચે ધર્મ, સત્ય, વિજ્ઞાન, સુંદરતા, શાંતિ અને અન્ય સંખ્યાબંધ વિષયોની સતત ચર્ચા થતી હતી. લખાયેલા અને બોલાયેલા શબ્દોએ ફિલસૂફીનું સ્થાન લીધું હતું. બન્ને શક્તિશાળી અને સ્પષ્ટ વક્તાઓ હોવાની સાથે વિશ્વશાંતિના હિમાયતી હતા.
ભારત સાથેના આઈનસ્ટાનના સંબંધ વિશેના પોતાના 2005ના એક લેખમાં રેસુલ સોરખાબીએ ટાગોર-આઈનસ્ટાઈનની દોસ્તી બાબતે લખ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બન્ને વચ્ચે સતત પત્રવ્યવહાર ચાલતો હતો એટલું જ નહીં, પરંતુ તેમની વચ્ચે કમસેકમ ત્રણ અંગત મુલાકાત થઈ હોવાની નોંધ પણ છે.

ઇમેજ સ્રોત, ALBERT EINSTEIN/TWITTER
ટાગોર અને આઈનસ્ટાઈન પહેલી વખત જર્મનીમાં, 1912માં વિશ્વ યુદ્ધ પછી મળ્યા હતા. ટાગોરને 1913માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોકે, ટાગોર પશ્ચિમ અને સમગ્ર વિશ્વમાં પહેલેથી જ મહત્ત્વના સાહિત્યિક વિચારક તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેથી, માત્ર વિજ્ઞાન જ નહીં, પરંતુ વિશ્વ વિશે વ્યાપક દૃષ્ટિકોણ ધરાવતા આઈનસ્ટાઈન તેમની સાથે સંવાદ શરૂ કરે તે સ્વાભાવિક હતું.
એ સમયથી શરૂ થયેલો સંવાદ અંત સુધી ચાલતો રહ્યો હતો. આઈનસ્ટાઈન સાથેની પ્રથમ મુલાકાત બાબતે ટાગોરે લખ્યું હતું કે આઈનસ્ટાઈને તેમનું પુસ્તક ‘ધ રિલિજિયન ઑફ મૅન’ વાંચ્યું હતું અને એ બાબતે લાંબા સમયથી વાત કરતા હતા. 1930ની 14 જુલાઈએ ટાગોર આઈનસ્ટાઈનને તેમના બર્લિન પાસેના ઘરે બીજી વખત મળ્યા હતા. તેમની વચ્ચેની ત્રીજી અને અંતિમ મુલાકાત એ જ વર્ષે 14 ડિસેમ્બરે, અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યૂ યોર્કમાં થઈ હતી.
બંને મળ્યા અને લેખનમાં સહયોગ કર્યો. કેટલાક મતભેદ જરૂર હતા. સોરખાબીના જણાવ્યા મુજબ, સત્યની પ્રકૃતિ બાબતે બન્ને અલગ-અલગ મંતવ્ય ધરાવતા હતા. જોકે, તેનાથી સંવાદ અટક્યો ન હતો. તેઓ એકમેકની વૈશ્વિક પહેલને પણ ટેકો આપતા હતા. 1930માં આઈનસ્ટાઈન, ટાગોર અને ફ્રેંચ શાંતિવાદી રોમાં રોલાએ લશ્કર માટે યુવાનોની ભરતી અને તાલીમનો વિરોધ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. 1931માં ‘ગોલ્ડન બૂક ઓફ ટાગોર’નું પ્રકાશન થયું ત્યારે આઈનસ્ટાઈન, મહાત્મા ગાંધી અને રોમા રોલાએ તેની પ્રસ્તાવના પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને એકમેક માટે બહુ આદર ધરાવતા હતા. ટાગોરને 1932માં ઈરાનમાં આઈનસ્ટાઈન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે “આઈનસ્ટાઈન માનવતા અને શાંતિ પ્રત્યે કટિબદ્ધ છે. તેઓ અદ્ભુત વ્યક્તિ છે. તેઓ વંશવાદને કોઈ પણ સ્વરૂપે સ્વીકારતા નથી અને માને છે કે તમામ મનુષ્યો એકસમાન છે. આઈનસ્ટાઈન આપણા સમયના મહાન ફિલસૂફ તરીકે વ્યાપક સ્વીકૃતિ પામેલા છે.”

આઈનસ્ટાઈન અને મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઈનસ્ટાઈન વચ્ચે ક્યારેય મુલાકાત થઈ ન હતી, પરંતુ આઈનસ્ટાઈન ગાંધીજીથી મોહિત હતા. એ આદર સમય જતાં ઉત્તરોતર વધતો રહ્યો હતો. સંશોધન ઉપરાંત આઈનસ્ટાઈન શાંતિવાદી હતી અને તેમણે તેમનું બાકીનું જીવન શાંતિને સમર્પિત કર્યું હતું. વિશ્વમાં શાંતિના સૌથી પ્રખર પુરસ્કર્તા ગાંધી આવી વ્યક્તિની નજીક ન હોય એ કલ્પના કરવી મુશ્કેલ છે. બન્ને વચ્ચેની મૈત્રીને લીધે આઈનસ્ટાઈનના ઘરમાં ગાંધીજીનો ફોટો રાખવામાં આવ્યો હતો અને એ આજે પણ જોવા મળે છે.
સોરખાબીના લેખમાં જણાવ્યા મુજબ, ગાંધીજી અને આઈનસ્ટાઈન વચ્ચેનો એકમાત્ર જાણીતો પત્રવ્યવહાર 1931નો છે. એ વખતે ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે લંડન ગયા હતા. ગાંધીજીને વ્યક્તિગત રીતે મળવાની ઇચ્છા વ્યક્ત કરતાં આઈનસ્ટાઈને લખ્યું હતું કે “તમારી સિદ્ધિઓએ દર્શાવ્યું છે કે હિંસાનો આશરો લીધા વિના પણ આદર્શો પ્રાપ્ત કરી શકાય છે. અહિંસા દ્વારા હિંસક ગુનેગારો પર વિજય મેળવી શકાય છે. ફક્ત તમારા ઉદાહરણ દ્વારા જ માનવજાત હિંસામાંથી મુક્ત થઈ શકે. વધતી અશાંતિને વૈશ્વિક પ્રયાસો જ રોકી શકે.”
એ પત્રના જવાબમાં ગાંધીજીએ આઈનસ્ટાઈનને ભારત ખાતેના પોતાના આશ્રમની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીએ વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે “તમારા જેવી વ્યક્તિ દ્વારા આ રીતે લેવાયેલી નોંધ એક પ્રકારે મારા કાર્યની સ્વીકૃતિ છે.”
આઈનસ્ટાઈને તેમનાં ભાષણો, લખાણો અને મુલાકાતોમાં ગાંધીજીની વારંવાર પ્રશંસા કરી હતી. તેમની સ્તુતિ કરી હતી. તેમને ખાતરી હતી કે અહિંસાનો માર્ગ જ સાચો છે. આઈનસ્ટાઈન વિચારવંત માણસ હતા. વિજ્ઞાનીનો સ્વભાવ તેમની સામે હોય તેનું આકલન કરવાનો અને પોતાના તર્ક વડે નિરાકરણ કરવાનો હતો. મતભેદ હોય ત્યારે તેઓ જાહેર કરતા હતા. તેઓ કેટલીક બાબતોમાં ગાંધીજી સાથે અસહમત પણ હતા.
આઈનસ્ટાઇનના મતાનુસાર, ગાંધીજીની વિચારસરણીમાં બે ખામી હતી. ‘ગ્રાફિક સર્વે’માં સોરખાબીએ આઈનસ્ટાઈનના 1935ના ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો છે. તેમની વચ્ચે અહિંસાના માર્ગને કેવી પરિસ્થિતિમાં અનુસરી શકાય એ વિશે અને ઔદ્યોગિકીકરણ વિશેના ગાંધીજીના દૃષ્ટિકોણ બાબતે મતભેદ હતા.
તેમણે એ ઇન્ટરવ્યૂમાં “પ્રતિકૂળતાનો સામનો કરવા માટે બિન-પ્રતિરોધ એક બુદ્ધિગમ્ય માર્ગ છે, પરંતુ તેનો અમલ આદર્શ પરિસ્થિતિમાં જ કરી શકાય. ભારતમાં તે અંગ્રેજો સામે અપનાવવો શક્ય હોઈ શકે, પરંતુ જર્મનીમાં નાઝીઓ સામે તેને અનુસરવાનું શક્ય નથી.”
“આધુનિક સમયમાં મશીનોનો ઉપયોગ ઘટાડવા કે તદ્દન નહીં કરવાની બાબતમાં ગાંધી ભૂલ કરી રહ્યા છે. મશીનો નાબૂદ થવાનાં નથી અને એ સત્ય સ્વીકારવું જ રહ્યું.”

ઇમેજ સ્રોત, Getty Images
તેમ છતાં ગાંધીજી પ્રત્યેનો આઈનસ્ટાઈનનો આદર ક્યારેય ઘટ્યો ન હતો. 1948માં ગાંધીજીની હત્યા પછી કોલકાતા તથા અંબાલામાંના ગાંધીજીના ટીકાકારોના પત્રોના જવાબ આપતી વખતે આઈનસ્ટાઈને ગાંધીજીની તરફેણ કરી હતી.
તેમણે કોલકાતાના કલાકારને લખ્યું હતું કે “ટેક્નૉલૉજી પ્રત્યેના ગાંધીજીના વલણ વિશેની તમારી ટીકામાં સત્ય હોઈ શકે છે, પરંતુ આટલા મહાન વ્યક્તિત્વમાંથી આવી નાની ખામીઓ શોધવાનું યોગ્ય નથી.”
અંબાલાના એક પ્રોફેસરને તેમણે લખ્યું હતું કે “માનવ મહાનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગાંધીજીની આત્મકથા છે. તમારી સાથે અસહમત હોય તેની હત્યા કરવાનું તમે યોગ્ય ગણો છો?”
સોરખાબીએ આ બન્ને પ્રતિભાવનો ઉલ્લેખ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 1950ની 18 જુલાઈએ પ્રસારિત કરવામાં આવેલા પોતાના ખાસ ભાષણ ‘ઇન સર્ચ ઓફ પીસ’માં આઈનસ્ટાઈને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિશ્વ પાસે ગાંધીના માર્ગ સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.
“મારા મતે ગાંધીજી આપણા સમયના તમામ રાજકીય નેતાઓમાં સૌથી પ્રબુદ્ધ વ્યક્તિ હતા. તેમણે આપણને અહિંસાનો માર્ગ અપનાવવાની અને તમામ પ્રકારની અનિષ્ટથી દૂર રહેવાની સલાહ આપી હતી.”

આઈનસ્ટાઈન અને જવાહરલાલ નેહરુ

ઇમેજ સ્રોત, ALBERT EINSTEIN ESTATE/TWITTER
આઈનસ્ટાઈનને ભારતમાં સૌથી ઘનિષ્ઠ સંબંધ હોય તેવી ચોથી વ્યક્તિ પંડિત જવાહરલાલ નેહરુ હતા. નેહરુ પરત્વે આઈનસ્ટાઈનનું ધ્યાન થોડું મોડું ખેંચાયું હતું, પરંતુ નેહરુ આઈનસ્ટાઈનના વૈજ્ઞાનિક કાર્ય, સાપેક્ષતાના સિદ્ધાંત બાબતે પહેલેથી જ વાકેફ હતા. આ વાતનો ઉલ્લેખ નેહરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં કર્યો છે.
સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન તરીકે નેહરુ 1949માં અમેરિકા ગયા ત્યારે આઈનસ્ટાઈનને મળ્યા હતા. નેહરુએ તેમને 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તક ભેટ પણ આપ્યું હતું. એ વખતે નેહરુનાં પુત્રી ઇંદિરા ગાંધી પણ હાજર હતાં.
નેહરુનું આખું પુસ્તક વાંચ્યા બાદ આઈનસ્ટાઈને કરેલી ટિપ્પણી પણ સોરખાબીએ નોંધી છે. આઈનસ્ટાઈને લખ્યું હતું કે “મેં તમારું સુંદર પુસ્તક વાંચ્યું. કોઈ પણ પશ્ચિમી વાચકની માફક મને પણ તેનો પ્રથમ વિભાગ વાંચવાનું પડકારજનક લાગ્યું હતું. જોકે, આ પુસ્તક તમારા મહાન દેશની ભવ્ય આધ્યાત્મિક તથા બૌદ્ધિક પરંપરાનો પરિચય કરાવે છે.”
આઈનસ્ટાઈન યુદ્ધના વિરોધી હતા એ આપણે જાણીએ જ છીએ. બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયા અમેરિકા અને રશિયા એમ બે ફાંટામાં વહેંચાઈ ગઈ અને તેના કારણે જે સંઘર્ષ સર્જાયો હતો તેનાથી આઈનસ્ટાઈન ચિંતિત હતા. તેઓ નેહરુની આગેવાની હેઠળના બિન-જોડાણવાદી રાષ્ટ્રસમૂહના આંદોલનથી પ્રભાવિત હતા.
એકવાર એક પત્રકારે સવાલ કર્યો ત્યારે આઈનસ્ટાઈને કહ્યું હતું કે “હું ગાંધીજી અને નેહરુના યોગદાનની પ્રશંસા કરું છું. અમેરિકા-રશિયાના સંઘર્ષમાં ભારતની તટસ્થતાને લીધે આવાં વધુ રાષ્ટ્રો આગળ આવશે અને શાંતિમય ઉકેલની દિશામાં દોરી જશે.” આઈનસ્ટાઈને નેહરુને ચીન-તાઈવાન વિવાદમાં મધ્યસ્થી કરવા પણ જણાવ્યું હતું.

મહર્ષિ કર્વે જ્યારે આઈનસ્ટાઈનને મળ્યા

ઇમેજ સ્રોત, ALBERT EINSTEIN ESTATE/TWITTER
આલ્બર્ટ આઈનસ્ટાઈનને મળેલા ભારતીયોમાં વધુ મહત્ત્વનું એક નામ ‘ભારત રત્ન’ મહર્ષિ ધોંડો કેશવ કર્વે પણ છે. મહર્ષિ કર્વે જાણીતા સમાજ સુધારક હતા. તેમણે પુણેમાં વિધવાવિવાહ અને મહિલાઓના શિક્ષણ માટે કરેલું કામ કાલાતીત છે. તેમણે કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થા નામની વિશાળ સંસ્થાની સ્થાપના કરી હતી. મહિલાઓને શિક્ષિત કરવાના આ મહત્ત્વના કામમાં આઈનસ્ટાઈને તેમને મદદ કરી હતી એ બહુ ઓછા લોકો જાણે છે.
કર્વે આ હેતુ માટે 1928ની આસપાસ યુરોપના પ્રવાસે ગયા હતા ત્યારે બર્લિન, જર્મનીમાં તેઓ આઈનસ્ટાઈનને મળ્યા હતા. એ મુલાકાતનો ફોટોગ્રાફ પણ છે અને આઈનસ્ટાઈનની નોટબુકમાં એ મુલાકાતનો ઉલ્લેખ પણ છે. કર્વેએ પોતાના જીવનચરિત્રમાં જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ માટે યુનિવર્સિટીની સ્થાપના કરવા ઈચ્છતા હતા અને એ માટે તેમણે યુરોપનો પ્રવાસ કર્યો હતો.
યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ આઈનસ્ટાઈનને મળ્યા હતા. તેમને આઈનસ્ટાઈનની અપીલથી ફાયદો પણ થયો હશે.
આઈનસ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત રજૂ કર્યો પછી સાહા અને બોઝે 1919માં તેનો ભારત માટે અનુવાદ કર્યો હતો. એ પહેલાં સિદ્ધાંત પ્રાયોગિક રીતે સિદ્ધ થયો ન હતો. ભારત ત્યારથી આઈનસ્ટાઈન પર મોહેલું છે અને આઈનસ્ટાઈન ભારતથી. આજે પણ ઘણા ભારતીય યુવા વિજ્ઞાનીઓ આઈનસ્ટાઈનના સિદ્ધાંતો પર કામ કરે છે અને જરૂર પડ્યે તેને પડકારે પણ છે. અલબત, પારસ્પરિક પ્રભાવ આજે પણ ઓછો થયો નથી.














