એ જૂઠાણું, જેને લીધે અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રોએ સદ્દામ હુસૈનના ઇરાક પર 20 વર્ષ પહેલાં કર્યું હતું આક્રમણ

યુએસ મરિને બગદાદ પરના આક્રમણના અમુક દિવસો બાદ સદ્દામ હુસૈનના પૂતળાનું મોઢું ઢાંક્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસ મરિને બગદાદ પરના આક્રમણના અમુક દિવસો બાદ સદ્દામ હુસૈનના પૂતળાનું મોઢું ઢાંક્યું હતું
    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

આ એક એવાં પ્રકરણો પૈકીનું એક છે, જેણે તાજેતરના ઇતિહાસમાં વિવાદ સર્જ્યો છે.

અમેરિકાની આગેવાની હેઠળ યુનાઇટેડ કિંગડમ અને સ્પેન જેવાં તેનાં સાથી રાષ્ટ્રોએ 2003ની 20 માર્ચે ઇરાક પર આક્રમણ શરૂ કર્યું હતું.

તેનો ઉદ્દેશ ઇરાક પર લગભગ 25 વર્ષથી શાસન કરતા સદ્દામ હુસૈન અને સામૂહિક વિનાશનાં કથિત શસ્ત્રોનો અંત કરવાનો હતો.

ત્રણ સપ્તાહનું યુદ્ધ વાસ્તવમાં સાત વર્ષ ચાલ્યું હતું અને તેનું ઘાતક પરિણામ આવ્યું હતું. ઇરાક બૉડી કાઉન્ટ (આઈબીસી) સંસ્થાના જણાવ્યા અનુસાર, તેમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયા હતા અને ઇરાક અરાજકતામાં ડૂબી ગયું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અથવા જર્મની કે ફ્રાંસ જેવાં પરંપરાગત સાથી રાષ્ટ્રોનો ટેકો ન હોવા છતાં જ્યૉર્જ ડબલ્યુ. બુશ અને કેટલાંક સાથી રાષ્ટ્રોએ ઇરાક પર શા માટે હુમલો કર્યો હતો? આજે તેનું પરિણામ શું છે? તેની વાત પ્રસ્તુત છે.

આક્રમણ શા માટે?

આક્રમણ પહેલાં સદ્દામ હુસૈને ઇરાક પર 25 વર્ષ સુધી શાસન કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આક્રમણ પહેલાં સદ્દામ હુસૈને ઇરાક પર 25 વર્ષ સુધી શાસન કર્યું હતું

2003ની 20 માર્ચે શું થયું હતું એ સમજવા માટે ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.

સદ્દામ હુસૈને તેમના શાસનકાળનાં પ્રારંભિક વર્ષોમાં અમેરિકા સાથે સારા સંબંધ જાળવી રાખ્યા હતા, કારણ કે તેમના ઇરાની ઇસ્લામિક ક્રાંતિના પ્રભાવને ખાળવા માટે સ્વાભાવિક સાથી ગણવામાં આવતા હતા. તેમ છતાં 1990માં તેમણે કુવૈત પર આક્રમણનો નિર્ણય કર્યો ત્યારે પશ્ચિમના દેશો સાથેનો તેમનો સંબંધ તૂટી ગયો હતો.

ઇરાકના આક્રમણે પશ્ચિમમાં ખતરાની ઘંટડી વગાડી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમને આરબ દેશમાંથી પાછા ફરવા માટે ડેડલાઇન આપી હતી, પરંતુ સદ્દામ હુસૈને તેમ કરવાનું નકાર્યું હતું.

તેને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા અમેરિકા સહિતના 34 દેશોના આંતરરાષ્ટ્રીય ગઠબંધને હસ્તક્ષેપ કર્યો હતો અને ઇરાકનાં દળોને કુવૈતમાંથી હાંકી કાઢ્યાં હતાં. એ ઘટના ગલ્ફ વૉર તરીકે ઓળખાય છે.

પશ્ચિમની નજરમાં સદ્દામ હુસૈનની છબિ વધુને વધુ ખરડાતી ગઈ હતી. ઇરાક પર કઠોર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. તેનાથી ઇરાક સખત નાણાકીય કટોકટીમાં સરી પડ્યું હતું અને કુપોષણના ઊંચા પ્રમાણ તેમજ દવાઓની અછતને લીધે ઇરાકી લોકો નિરાધાર બની ગયા હતા.

કથિત રાસાયણિક શસ્ત્રોના નાશ પર નજર રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે શ્રેણીબદ્ધ તપાસ કરી હતી, પરંતુ તેમાં સદ્દામ હુસૈને સહકાર આપ્યો ન હતો.

એક દાયકા પછી 2001ની 11 સપ્ટેમ્બરે ન્યૂ યૉર્કમાં હુમલાઓ થયા હતા અને એ પછી અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ ડબલ્યુ. બુશે, આતંકવાદને કથિત ટેકો આપવા બદલ ઇરાકને ‘દુષ્ટ રાષ્ટ્રો’ની યાદીમાં મૂક્યું હતું. એ યાદીમાં નૉર્થ કોરિયા તથા ઈરાનનો પણ સમાવેશ હતો.

એ ઘટનાનાં લગભગ બે વર્ષ પછી વૉશિંગ્ટન અને તેમનાં સાથી રાષ્ટ્રોએ સદ્દામ હુસૈન સરકારને ઉથલાવવાનો નિર્ણય કર્યો હતો.

ગ્રે લાઇન

વ્યાપક વિનાશનાં શસ્ત્રો, જેનું અસ્તિત્વ જ ન હતું

દક્ષિણ ઇરાકમાં યુદ્ધ શરૂ થયાના અમુક દિવસો પછી અમેરિકન ટૅન્કની લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

“સદ્દામ હુસૈન અને તેમના પુત્રોએ આગામી 48 કલાકમાં ઇરાક છોડી દેવું પડશે. આમ કરવાનો તેમનો ઇનકાર અમારી પસંદગીના સમયે લશ્કરી સંઘર્ષના પ્રારંભમાં પરિણમશે.”

બુશ દ્વારા 2003ની 17 માર્ચે ઉચ્ચારવામાં આવેલી આ ચેતવણી જોરદાર આક્રમણના પ્રારંભનો સંકેત હતી. તેના ત્રણ દિવસ પછી ઇરાકમાં યુદ્ધ શરૂ થયું હતું.

ઇરાક પર હુમલાનું કારણ શું હતું? અનેક કારણો રજૂ કરવામાં આવ્યાં હતાં. એ પૈકીનું એક કારણ અલ કાયદા જેવાં આતંકવાદી સંગઠનોને સદ્દામ દ્વારા આપવામાં આવતો ટેકો હતું. બીજું મહત્ત્વનું એક અન્ય કારણ, ઇરાકમાં વ્યાપક જનસંહારના (રાસાયણિક, જૈવિક અને પરમાણુ) શસ્ત્રોનો કથિત શસ્ત્રભંડાર હતો.

જોકે, એ શસ્ત્રાગાર ક્યારેય મળ્યું નહીં.

વર્ષો પછી જાણવા મળ્યું હતું કે આ શસ્ત્રાગાર હોવાની પુષ્ટિ કરવા માટે ઉપયોગમાં માહિતી જૂઠાણાં અને બનાવટ પર આધારિત હતી, જે ઇતિહાસની સૌથી મોટી લશ્કરી ગુપ્તચર નિષ્ફળતાઓ પૈકીની એક હતી.

એ સમયના શાસકોએ પોતાના બચાવમાં એવું જણાવ્યું હતું કે આ શસ્ત્રોનું અસ્તિત્વ હોવાનું તેમના બાતમીદારોએ ખાતરીપૂર્વક જણાવ્યું હતું.

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે બીબીસીને કહ્યું હતું કે, “તેમને જે માહિતી મળતી હતી તેના પર તેમને વિશ્વાસ હતો એ સમજવું બહુ જરૂરી છે અને મને લાગે છે કે તેમને ભરોસો કરવાનો અધિકાર હતો.”

અહીં કેટલાક ઇરાકી જાસૂસોના જૂઠાણાંએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એ પૈકીના એક રફિદ અહમદ અલવાન અલ-જનાબી હતા. તેઓ ઇરાકી અસંતુષ્ટ હતા અને પોતે કેમિકલ ઇજનેર હોવાનું જણાવીને 1999માં જર્મનીમાં રાજ્યાશ્રય લેવા આવ્યા હતા. એ સમયે તેમણે દાવો કર્યો હતો કે સામૂહિક જનસંહારનાં કથિત શસ્ત્રો બનાવવાની ઇરાકની યોજનાના ભાગરૂપે મોબાઇલ બાયો-વેપન્સ લૅબોરેટરીનું નિર્માણ કરતા એકમમાં તેમણે કામ કર્યું હતું.

અલવાન અલ-જનાબી કર્વબોલ એટલે કે છેતરામણો વળાંક લેતા બૉલ તરીકે જાણીતા હતા. બ્રિટિશ, અમેરિકન અને જર્મન ગુપ્તચર સેવાઓએ તેમના દાવાની પ્રામાણિકતા વિશે સવાલ ઉઠાવ્યા હોવા છતાં વૉશિંગ્ટન તથા લંડને તેમનો ભરોસો કરવાનો નિર્ણય કર્યો હતો.

અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી કૉલિન પૉવેલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 2003માં જણાવ્યું હતું કે ઇરાક પાસે જૈવિક શસ્ત્રો બનાવવા માટેની ‘મોબાઇલ લૅબોરેટરીઓ’ છે, જ્યારે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન ટોની બ્લેરે કહ્યું હતું કે સદ્દામ હુસૈને આવાં શસ્ત્રો બનાવવાનું ચાલુ રાખ્યું છે તેમાં ‘કોઈ શંકા નથી.’

તેમ છતાં તેના કોઈ સજ્જડ પુરાવા ન હતા.

જોકે, બીબીસી ન્યૂઝના સલામતી સંબંધી બાબતોના સંવાદદાતા ગોર્ડન કોરેરાના જણાવ્યા મુજબ, “સામૂહિક જનસંહારનાં શસ્ત્રોનો મુદ્દો તો ગૌણ હતો, અસલી મુદ્દો સદ્દામ સરકારને ઉથલાવવાનો હતો.”

સીઆઈએના ઇરાકી કાર્યવાહી જૂથના વડા લુઇસ રુએડાએ ગોર્ડન કોરેરાને કહ્યું હતું કે, “સદ્દામ પાસે રબર બૅન્ડ અને પેપર ક્લિપ સુધ્ધાં હોત તો પણ અમે ઇરાક પર આક્રમણ કર્યું હોત. અમે તેમને કહ્યું હોત કે અમે તમારી આંખો બહાર કાઢી નાખીશું.”

બાદમાં અલવાન અલ-જનાબીએ કબૂલ્યું હતું કે સદ્દામને ઉથલાવવા માટે તેમણે ખોટી માહિતી આપી હતી. જોકે, ત્યાં સુધીમાં તો અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રોએ ઇરાક પર આક્રમણ શરૂ કરી દીધું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘનાં રાસાયણિક તથા જૈવિક શસ્ત્રો સંબંધી તપાસકર્તા હેન્સ બ્લિક્સે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ 2003ની શરૂઆત સુધી માનતા હતા કે ઇરાકમાં આવાં શસ્ત્રો છે, પરંતુ એ દાવાની પુષ્ટિ ન થઈ ત્યારથી તેઓ એવાં શસ્ત્રોના અસ્તિત્વ બાબતે શંકા સેવતા થઈ ગયા હતા.

એ યાદ રાખવું જરૂરી છે કે એક સમયે સદ્દામ હુસૈન પાસે વ્યાપક જનસંહારનાં શસ્ત્રો હતાં અને તેમણે તેનો ઉપયોગ 1980ના દાયકાના અંત ભાગમાં ઇરાકી કુર્દ લોકો પર કર્યો હતો.

ગોર્ડન કોરેરાના જણાવ્યા મુજબ, સદ્દામ હુસેને તેમના મોટા ભાગનાં શસ્ત્રોના નાશનો આદેશ 1990ના દાયકાની શરૂઆતમાં, પહેલી ગલ્ફ વૉર પછી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની તપાસના અનુસંધાને આપ્યો હતો.

જોકે, પોતાના પાડોશી દેશ સામે વાપરવા માટે થોડાં શસ્ત્રો બાકી છે એવો ઢોંગ કરીને બાકીનું બધું નષ્ટ કરી નાખ્યું હતું. તેથી બધું નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એવું પુરવાર કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘના નિરીક્ષકોએ જણાવ્યું ત્યારે તેઓ એ સાબિત કરી શક્યા ન હતા.

બીબીસી ગુજરાતી

યુદ્ધનું પરિણામ

એ સમયના યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમના નેતાઓ, અનુક્રમે જ્યોર્જ બુશ (ડાબે) અને ટોની બ્લેર (જમણે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ સમયના યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમના નેતાઓ, અનુક્રમે જ્યોર્જ બુશ (ડાબે) અને ટોની બ્લેર (જમણે)

વિવાદાસ્પદ લશ્કરી કાર્યવાહીને પગલે સદ્દામ હુસૈનના શાસનના અંતમાં લાંબો સમય થયો ન હતો. સદ્દામ હુસૈનને ડિસેમ્બર, 2003માં ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ પછી ફાંસી આપવામાં આવી હતી.

અલબત્ત, અમેરિકનોના આગમન સાથે ઇરાકી લોકોની આશા ધીરે ધીરે ધૂંધળી થવા લાગી હતી.

બીબીસી, મુંડો દ્વારા ઇરાકના યુદ્ધના રિપોર્ટિંગ માટે મોકલવામાં આવેલા મેટિયસ ઝિબેલે કહ્યુ હતું કે, “આક્રમણ પછી બગદાદ અને બસરા જેવાં શહેરોમાં એવી છાપ હતી કે સ્થાનિક વસ્તીને સહાય તથા સેવા પ્રદાન કરવાને બદલે પરદેશી લશ્કરી દળોને સદ્દામ હુસૈનને પકડી પાડવામાં અને કોઈ પણ પ્રકારના પ્રતિકારને કચડી નાખવામાં વધારે રસ હતો.”

આ રીતે સદ્દામ હુસૈનના પતન પછી સર્જાયેલા સત્તાના શૂન્યાવકાશને લીધે સ્થાનિક વસ્તીમાં અરાજકતા સર્જાઈ હતી. સરકારી ઇમારતો, સંગ્રહાલયો અને હૉસ્પિટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને લૂંટફાટ કરવામાં આવી હતી.

મહિનાઓ પછી લોહિયાળ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. ખાસ કરીને બહુમતી શિયાઓએ સુન્નીઓ પર અત્યાચાર કર્યો હતો. સદ્દામના શાસનકાળમાં તેમની પાસે સૌથી વધુ વિશેષાધિકાર હતા.

રાજકીય વિશ્લેષક હમઝેહ હદાદે બીબીસી મુંડોને કહ્યુ હતું કે, “યુદ્ધ પછી દેશ કેવી રીતે આગળ વધશે એ વિશેનું યુદ્ધ પહેલાનું આયોજન નબળું હતું. ચૂંટણી યોજવી કે નહીં, ઇરાકીઓએ બંધારણ નવેસરથી બનાવવું જોઈએ કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટ દૃષ્ટિકોણ ન હતો.”

“મને લાગે છે કે ઇરાકીઓને કોઈ ભૂમિકા આપવા માટે અને ઇરાકીઓને સદ્દામ હુસૈનથી છૂટકારો મળ્યો છે તેથી તેઓ તેમના નેતૃત્વની પસંદગી કરી શકે છે એ હકીકતના સ્વીકાર માટે અગાઉથી વધુ પ્રયત્નો કરવા જરૂરી હતા,” એમ તેમણે ઉમેર્યું હતું.

આક્રમણ પછીના આયોજનને સૌથી દારુણ નિષ્ફળતાઓ પૈકીનું એક ગણવામાં આવે છે અને તેની માઠી અસર આજે પણ જોવા મળી રહી છે.

બીબીસી ગુજરાતી

ઉગ્રવાદીઓનું ‘પારણું’

ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં યુદ્ધ સામે દેખાવો થયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં યુદ્ધ સામે દેખાવો થયા હતા

અમેરિકાએ લીધેલા સૌથી વિવાદાસ્પદ નિર્ણય પૈકીનો એક ઇરાકી સેનાને વિખેરી નાખવાનો હતો.

લશ્કરી અનુભવ ધરાવતા હજારો લોકો બેરોજગાર થઈ ગયા હતા અને એ પૈકીના ઘણા બળવાખોરી તરફ વળ્યા હતા. આ રીતે વિધ્વંસક જૂથો રચાયાં હતાં અને ઇરાક જાણે કે જેહાદી ઉગ્રવાદીઓનું ઉછેર કેન્દ્ર બની ગયુ હતું.

અલ કાયદાને વફાદાર ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક આ યુદ્ધમાંથી આકાર પામ્યું હતું અને મધ્ય-પૂર્વમાં હિંસા તથા અનિશ્ચિતતા માટે તે આજે પણ એક જવાબદાર પરિબળ છે.

મુક્તદા અલ-સદ્ર નામના એક મૌલવીના વડપણ હેઠળના અલ-મહદી આર્મી જેવા, અમેરિકન સૈન્ય પર હુમલો કરી ચૂકેલાં બળવાખોર જૂથો શિયા વિસ્તારોમાં રચાયાં હતાં.

યુદ્ધના અંતે એક લાખ કરતાં વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં તેમજ દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધના અંતે એક લાખ કરતાં વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં તેમજ દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી

બળવાખોર જૂથો સામેની લડાઈ નિયંત્રણ હેઠળ છે એવું માનીને અમેરિકાના સૈન્યે 2011ના અંતે ઇરાક છોડ્યું હતું, પરંતુ કેટલાંક ઉગ્રવાદી જૂથોના બળવાને કારણે અમેરિકાએ તેનું લશ્કરી દળ ઇરાકમાં વારંવાર ગોઠવવું પડ્યું હતું.

અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં ઇરાકને થોડી સ્થિરતા મળી છે અને પ્રદેશમાં તેનું થોડું મહત્ત્વ પણ વધ્યું છે.

હમઝેહ હદાદે કહ્યુ હતું કે, “ખાસ કરીને 2017માં ઇસ્લામિક સ્ટેટની હાર પછી ઇરાકે પ્રાદેશિક સ્તરે મોટી ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. તે ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. બગદાદમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પરિષદો યોજવામાં આવી રહી છે અને મને લાગે છે કે તે મહત્ત્વપૂર્ણ છે.”

થોડી પ્રગતિ થઈ હોવા છતાં, આક્રમણના બે દાયકા પછી પણ ઇરાક ગંભીર આર્થિક અને રાજકીય કટોકટીથી પીડાય છે અને સામાજિક આઘાતમાંથી બહાર આવ્યું નથી.

(બીબીસી ન્યૂઝ મુંડોના ગોન્ઝાલો કેનેડા તથા ફર્નાન્ડા પૌલ અને બીબીસી ન્યૂઝના સલામતી સંવાદદાતા ગોર્ડન કોરેરાના અહેવાલોને આધારે)

બીબીસી ગુજરાતી

સદ્દામ હુસૈનનું વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી
સદ્દામ હુસૈન

ઇમેજ સ્રોત, Getty Images

સદ્દામને 'કોહિબા' સિગાર પીવાનો શોખ હતો. તેઓ તેને ભીના વાઇપ્સના ડબ્બામાં રાખતા હતા. તેઓ જણાવતા હતા કે વર્ષો પહેલાં ફિડેલ કાસ્ત્રોએ તેમને સિગાર પીવાનું શીખવ્યું હતું.

બાર્ડેનવર્પરે જણાવ્યું છે કે સદ્દામને માળીકામનો પણ ઘણો શોખ હતો. તેઓ જેલના પરિસરમાં ઊગેલાં નકામાં ઝાડીઝાંખરાંને પણ સુંદર ફૂલની જેમ ગણતા હતા.

સદ્દામ પોતાના ખોરાક વિશે બહુ સંવેદનશીલ હતા.

તેઓ જુદાજુદા તબક્કામાં નાસ્તો કરતા હતા. સૌથી પહેલા આમલેટ, ત્યારપછી મફીન અને છેલ્લે તાજાં ફળ ખાતા હતા.

ભૂલથી તેમની આમલેટ તૂટી જાય તો તેઓ તેને ખાવાની ના પાડી દેતા હતા.

બાર્ડેનવર્પર યાદ કરે છે કે એક વખત સદ્દામે તેમના પુત્ર ઉદયની ક્રૂરતાનો બિભત્સ કિસ્સો સંભળાવ્યો હતો જેના કારણે સદ્દામ બહુ ગુસ્સે ભરાયા હતા.

બન્યું એવું કે ઉદયે એક પાર્ટીમાં ગોળીબાર કર્યો હતો. તેના કારણે ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.

તેનાથી સદ્દામ એટલા ગુસ્સે ભરાયા કે તેમણે ઉદયની તમામ કારોમાં આગ લગાવી દેવાનો હુકમ આપ્યો હતો.

સદ્દામે જાતે હસતાં હસતાં જણાવ્યું હતું કે તેમણે ઉદયની મોંઘીદાટ રોલ્સ રૉયસ, ફરારી અને પૉર્શ ગાડીઓના સંગ્રહને આગ લગાડવાનો હુકમ આપ્યો હતો અને તેમાંથી ઊઠેલી આગની જ્વાળાઓને નિહાળતા રહ્યા હતા.

યુદ્ધ બાદ હુસૈન સામે ચાલતો હતો તે દરમિયાન તેમને બે જેલમાં રાખવામાં આવ્યા હતા.

સદ્દામની અંતિમ ઘડીઓ સુધી સાથે રહેલા 551 મિલિટરી પોલીસ કંપનીના ચુનંદા સૈનિકોને 'સુપર ટ્વેલ્વ' તરીકે ઓળખવામાં આવતા હતા.

તે પૈકીના એક સૈનિક વિલ બાર્ડેનવર્પરે એક પુસ્તક લખ્યું છે, 'ધ પ્રિઝનર ઇન હિઝ પૅલેસ, હિઝ અમેરિકન ગાર્ડ્સ ઍન્ડ વ્હાઈટ હિસ્ટ્રી લૅફ્ટ અનસેડ'. તેમાં તેમણે સદ્દામની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી વખતે તેમના છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.

બાર્ડેનવર્પર માને છે કે જ્યારે તેમણે સદ્દામની સોંપણી તેમને ફાંસી લગાવનારા લોકોને કરી, ત્યારે સદ્દામની સુરક્ષામાં લાગેલા તમામ સૈનિકોની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

સદ્દામની સુરક્ષા બંદોબસ્તમાં લાગેલા એક અમેરિકન સૈનિકે તેમને જણાવ્યું કે તેના ભાઈનું મૃત્યું થયું છે. આ સંભાળીને સદ્દામે તેમને ગળે લગાવીને કહ્યું કે, 'આજથી મને જ તમારો ભાઈ સમજો.'

સદ્દામે એક અમેરિકન સૈનિકને કહ્યું હતું કે મને મારાં નાણાંનો ઉપયોગ કરવાની છૂટ મળે તો હું તમારા પુત્રના કૉલેજ શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છું.

એક વખત બધાએ વીસ વર્ષના એક સૈનિક ડોસનને વિચિત્ર માપના સૂટમાં આંટા મારતા જોયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે સદ્દામે ડોસનને પોતાનો સૂટ ભેટમાં આપ્યો હતો.

બાર્ડેનવર્પર લખે છે કે, "ઘણા દિવસો સુધી અમે ડોસન પર હસતા રહ્યા, કારણ કે તે સૂટ પહેરીને એવી રીતે ચાલતો હતો, જાણે કોઈ ફેશન શોમાં "કેટવૉક" કરી રહ્યો હોય."

સદ્દામ અને તેની સુરક્ષામાં લાગેલા ગાર્ડ્સ વચ્ચે દોસ્તી વધતી ગઈ. જોકે તેમને સ્પષ્ટ આદેશ અપાયા હતા કે તેઓ સદ્દામની નજીક જવાનો બિલકુલ પ્રયાસ ન કરે.

હુસૈન સામે કેસ ચાલતો હતો તે દરમિયાન તેમને બે જેલમાં રાખવામાં આવ્યા હતા.

એક જેલ તરીકે બગદાદમાં આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની કોટડી હતી. બીજી જેલ ઉત્તર બગદાદમાં તેમનો મહેલ હતો જે એક ટાપુ પર હતો. ત્યાં પહોંચવા માટે એક પુલ પરથી જવું પડતું હતું.

બાર્ડેનવર્પર લખે છે, "અમે સદ્દામને તેઓ જેના હક્કદાર હતા તેનાથી વિશેષ કંઈ આપ્યું ન હતું. પરંતુ અમે ક્યારેય તેમની ગરિમાને ઠેસ પહોંચાડી ન હતી."

સ્ટીવ હચિન્સન, ક્રિસ ટાસ્કર અને બીજા ગાર્ડ્સે એક સ્ટોરરૂમને સદ્દામ હુસૈનની ઑફિસ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન