સ્વામી શ્રદ્ધાનંદ : જીવતી દાટી દીધેલી પત્નીની કબર પર ડાન્સ પાર્ટીઓની ખોફનાક કહાણી

ઇમેજ સ્રોત, Twitter/PrimeVideo
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
શકેરેહનો જન્મ તત્કાલીન બેંગલોરના સમૃદ્ધ નમાઝી પરિવારમાં થયો હતો. તેમનાં નાના ઇસ્માઇલ મિર્ઝા તત્કાલીન મૈસુર, જયપુર અને હૈદરાબાદ રજવાડા દીવાનપદે રહ્યા હતા.
શકેરેહ નમાઝીના નિકાહ અકબર ખલીલી સાથે થયા હતા, જેઓ તેમના પહેલી પેઢીના પિત્રાઈ અને ભારતીય વિદેશ સેવાના અધિકારી હતા.
શકેરેહ ટીનએજમાં પણ ન હતા, ત્યારે નાના ઇસ્માઇલ મિર્ઝાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો. બંનેનાં સુખી દામ્પત્યજીવનમાં ચાર દીકરીઓનો જન્મ થયો હતો. છતાં તેમને એક દીકરાની આશા હતી.
આવા સમયે તેમના જીવનમાં મુરલી મનોહર મિશ્રાનો પ્રવેશ થયો, જેણે નાનપણમાં મૃત્યુને થાપ આપી હતી. જેના કારણે તેને 'સ્વામી શ્રદ્ધાનંદ' એવું નવું નામ મળવાનું હતું. જે પ્રૌઢાવસ્થામાં વધુ એક ફાંસીના ફંદાને થાપ આપવાનો હતો.
(આ લેખના કેટલાક અંશ વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત છે.)
શકેરેહ-અકબરના લગભગ બે દાયકાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું. બન્નેના તલાક થઈ ગયા. નવા પ્રેમસંબંધમાં ધર્મના કારણે અવરોધ પણ ઊભો થયો હતો.
સમૃદ્ધ પરિવારના શકેરેહને વારસામાં પુષ્કળ જમીન અને સંપત્તિ મળ્યાં હતાં. કેટલાકનું માનવું હતું કે આ સંબંધના પાયામાં શ્રદ્ધાનંદનાં લાલચ અને છળ હતા, જે શકેરેહના કમકમાટીભર્યા મૃત્યુ સુધી દોરી ગયા હતા.
ઓટીટી પ્લૅટફૉર્મ એમેઝોન પ્રાઇમ પર ચાર ઍપિસોડની ' Dancing on the Grave' નામની ડૉક્યુસિરીઝ આ કમકમાટીભરી ઘટના પર આધારિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વામી શ્રદ્ધાનંદે તેનું પ્રસારણ અટકાવવા માટે અદાલતમાં અરજી કરી છે. આ સિવાય તેણે હંગામી પેરોલ આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી છે.

પ્રેમની તલાશ અને આશ

ઇમેજ સ્રોત, Twitter/PrimeVideo
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખલીલી પરિવારમાં મુરલી મનોહર મિશ્રા ઉર્ફે સ્વામી શ્રદ્ધાનંદનો પ્રવેશ અસામાન્ય સંજોગોમાં થયો હતો. શરૂઆતમાં તો બધું સામાન્ય રહ્યું, પરંતુ ટૂંક સમયમાં બધું બદલાઈ જવાનું હતું.
શકેરેહ ખલીલીનાં દીકરી સબા ખલીલીના કહેવા (સર્વોચ્ચ અદાલતનો ચુકાદો, પેજનંબર-2) પ્રમાણે, તેમના પરિવાર અને સ્વામી શ્રદ્ધાનંદની પ્રથમ મુલાકાત 1983માં દિલ્હીમાં રામપુરના પૂર્વ નવાબી પરિવારનાં બેગમના ઘરે થઈ હતી. ચુકાદામાં તેમને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે, "મને એવું લાગ્યું કે તેની પાસે દિવ્યશક્તિ છે અને તે દેવદૂત છે. તે ખૂબ જ સારી રીતે વર્તન કરતા હતા."
શકેરેહ પાસે સારા એવા પ્રમાણમાં જમીન અને સ્થાયી મિલકત હતી. એ સમયે 'જમીન ટોચમર્યાદા ધારો' લાગુ થતા શકેરેહને પ્રૉપર્ટી અને બીજી કેટલીક સમસ્યા ઊભી થઈ હતી.
સ્વામી શ્રદ્ધાનંદે રામપુરના નવાબના પરિવારને લૅન્ડ સિલિંગની બાબતમાં મદદ કરી હતી, એટલે એ સમસ્યાના ઉકેલમાં મદદ કરવા માટે સ્વામી શ્રદ્ધાનંદને એ સમયે બેંગલોર બોલાવવામાં આવ્યા હતા.
સબાના કહેવા પ્રમાણે, 'એ સમયે મારા પિતાનું ઈરાનમાં પોસ્ટિંગ થયું હતું અને અમારો પરિવાર બેંગલોરમાં (હાલનું બેંગલુરુ) હતો, ત્યારે સ્વામી શ્રદ્ધાનંદની અવરજવર શરૂ થઈ હતી. ઘણીવખત તેઓ અમારા ઘરે જ રોકાઈ જતા. તેઓ સારા અને મળતાવડા લાગતા અને પારિવારિક બાબતોમાં મદદ કરવા માટે તત્પર રહેતા.'
આ એ સમય હતો કે જ્યારે ઈરાનની રાજકીય પરિસ્થિતિઅસ્થિર હતી. 1979માં તખતાપલટો થયો હતો અને શાહને ઉથલાવી દેવામાં આવ્યા હતા. 1980થી ઈરાક સાથે તેનું યુદ્ધ ચાલી રહ્યું હતું, જે 88 સુધી ચાલવાનું હતું.
આવા સમયે તત્કાલીન ઇંદિરા ગાંધી સરકાર ઇચ્છતી હતી કે ત્યાં કોઈ સબળ ભારતીય રાજદૂત હોય. અકબર ખલીલી શિયા મુસ્લિમ હોવાથી અને તેમનો અનુભવ વ્યાપક હોવાને કારણે તેમને તહેરાન મોકલવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે આઈએફએસ સેવાના અધિકારીઓ દેશદેશાવરના પોસ્ટિંગ દરમિયાન પોતાના પરિવારજનો સાથે જ રહેતા હોય છે. પરંતુ યુદ્ધ જેવા કટોકટીના સંજોગો ધરાવતા દેશોમાં તેઓ પરિવારજનોને પોતાની સાથે લઈ જવાનું ટાળતા હોય છે અને અકબર ખલીલીએ પણ એમ જ કર્યું હતું.
યુદ્ધના કારણે અકબર તેમના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા, જેના લીધે તેઓ શકેરેહને પૂરતો સમય આપી શકતા નહોતા. આથી શકેરેહ સ્વામી શ્રદ્ધાનંદની તરફ આકર્ષાતા રહ્યાં.
મિશ્રા અને શકેરેહની વચ્ચે જેમ-જેમ નિકટતા વધતી ગઈ, તેમ-તેમ ઍમ્બેસેડર ખલીલી અને શકેરેહ વચ્ચે અંતર વધતું ગયું. દંપતી વચ્ચે અલગ-અલગ બાબતે ઝગડા થવા લાગ્યા.
સ્વામી શ્રદ્ધાનંદના કહેવા પ્રમાણે, શકેરેહના કહેવાથી તેણે રિયલ ઍસ્ટેટની સંભાળ લેવાનું ચાલુ કર્યું હતું. આ કામમાં તેના પૈસા ખર્ચાઈ રહ્યા હોવાથી શકેરેહે જ તેને પોતાની સાથે રહેવા માટે ઇજન આપ્યું હતું.

વિજાતીય પાત્ર, વિજાતીય ધ્રુવ
આખરે સમાજમાં હાઈ પ્રોફાઈલ ગણાતા આ યુગલ શકેરેહ-અકબરના ઑક્ટોબર-1985માં તલાક થઈ ગયા હતા. શકેરેહે ખલીલી પરિવારને દાગીના વગેરે પરત કરી દીધા. દીકરીઓ, પરિવાર તથા નિકટજનો માટે આ પગલું ચોંકાવનારું અને આઘાતજનક હતું.
હજી બધાને આ આઘાતની કળ વળે, તેના છ મહિનાની અંદર તેમને બીજો આંચકો લાગવાનો હતો. એપ્રિલ-1986માં શકેરેહે સ્વામી શ્રદ્ધાનંદ સાથે લગ્ન કરી લીધાં. કેટલાકના મતે બન્ને તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતાં હતાં.
અકબર ખલીલી આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. આઈએફએસના અધિકારી હોવાને કારણે તેમને આ માટેની તાલીમ મળેલી હતી. આ સિવાય તેમના નાના ઇસ્માઇલ મિર્ઝા અને મામા હુમાયુ મિર્ઝાનો તેમના પર પ્રભાવ હતો. હુમાયુ પણ વિદેશ મંત્રાલયમાં ઉચ્ચ અધિકારી હતા.
અકબર ખલીલીને વિદેશ મંત્રાલયમાં હરતા-ફરતા વિશ્વકોશ તરીકે ઓળખવામાં આવતા. તેની સામે સ્વામી શ્રદ્ધાનંદ સરેરાશ દેખાવ ધરાવતા સરેરાશ પુરુષ લાગે.
કથિત રીતે તેણે મિલકતની બાબતમાં મદદ કરવાની અને પોતાની અલૌકિક શક્તિઓથી દીકરો આપવાની ખાતરી તેણે શકેરેહને આપી હતી.
સ્વામી શ્રદ્ધાનંદના કહેવા પ્રમાણે, 'લગ્નનો પ્રસ્તાવ શકેરેહે મૂક્યો હતો, એ પહેલાં અમારી વચ્ચે એ પ્રકારના કોઈ સંબંધ ન હતા. 1986માં અમે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવી હતી.'
'પરિવારજનો માટે આ બાબત સમજવી મુશ્કેલ હતી. તેમને લાગતું હતું કે શકેરેહ એક મૂર્તિપૂજક સાથે કેવી રીતે લગ્ન કરી શકે. અનેકે શકેરેહ સાથે સામાજિક વ્યવહારો કાપી નાખ્યા, એટલું જ નહીં, તેમની સામે સંપત્તિને લગતા અનેક કોર્ટકેસ કર્યા હતા, જેનો તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.'
'અમને એક પ્રિમૅચ્યોર દીકરો પણ થયો હતો, જે મૃત્યુ પામ્યો હતો. આ બાબતે કોઈ શું કરી શકે?'
બન્ને સાથે મળીને વિશ્વના અનેક દેશોના પ્રવાસ ખેડ્યાં હતાં અને મોંઘી-મોંઘી હોટલોમાં રહેતાં હતાં. શકેરેહ ખાવા-પીવાના શોખીન હતાં. બન્ને એકસાથે બેંગલોરની રેસ્ટોરાંઓમાં જોવા મળતાં.
શકેરેહની માલિકીની જમીન ઉપર બન્નેનાં નામના મૂળાક્ષરો પરથી 'એસ. એસ. મેન્શન' નામના રહેણાંક ફ્લૅટ પણ ઊભા કર્યા હતા અને ફાયનાન્સ કંપનીની સ્થાપના કરી હતી.
બન્નેનાં નામથી સંયુક્ત બૅન્ક એકાઉન્ટ અને લોકર ખોલવામાં આવ્યાં હતાં. શકેરેહે તેમની સંપત્તિના વહીવટની 'પાવર ઑફ ઍટર્ની' લખી આપી હતી.
એ સમયે સબા મુંબઈમાં મૉડલિંગની દુનિયામાં પગ માંડી ચૂક્યાં હતાં. મજબૂત મનોબળવાળા શકેરેહ એકલાં પડી ગયાં હતાં. આવા સંજોગોમાં શ્રદ્ધાનંદ સાથે તેમની નિકટતા વધવા લાગી. તેણે શકેરેહના જીવનનાં તમામ પાસા પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું.
અકબર ખલીલી સાથે તેમના તલાક બાદ શકેરેહની દીકરીઓ પિતા પાસે ઈટાલી જતી રહી. જોકે, સબા અને તેમનાં માતા વચ્ચે સંપર્ક અને નિકટતા જળવાયાં હતાં.
માતાની સલાહ હતી કે સબાએ મૉડલિંગનો વિચાર છોડીને લંડનમાં અભ્યાસ કરવો જોઈએ અને આ માટે જરૂરી વ્યવસ્થા કરવાની તત્પરતા પણ દાખવી હતી. ખુદ શકેરેહ પણ સિંગાપોરમાં ભણ્યાં હતાં.
ગૌહર તાજ નમાઝીએ પોતાના પિતા પાસેથી મળેલી સંપત્તિ તેમની સંપત્તિ પુત્રી શકેરેહ અને પ્રપૌત્રીઓને નામે કરી દીધી હતી. પરંતુ હવે તેઓ સંપત્તિનો અમુક હિસ્સો પાછો માગવા લાગ્યાં હતાં.
છતાં માતા-દીકરી વચ્ચે સામાન્ય સંબંધો જળવાઈ રહ્યા હતા. તા. 19 એપ્રિલ, 1991ના દિવસે ફોન પર શકેરેહ અને સબાની વાત થઈ હતી, પરંતુ મે-1991માં શકેરેહ અચાનક ગુમ થઈ ગયાં.

હતાશા અને આશા

ઇમેજ સ્રોત, Instagram/csslatha.official
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં (પૃષ્ઠક્રમાંક 3-4) વિવરણ પ્રમાણે, માતા દ્વારા તેમનાં દીકરીઓ વચ્ચે નિયમિત ફોન કોલ થતાં, પરંતુ જ્યારે માતાના કોલ આવવાના બંધ થયા, ત્યારે સબાએ સામેથી ફોન કર્યા. પરંતુ શ્રદ્ધાનંદ બહાના બનાવીને ગોળગોળ જવાબ આપીને તેને ટાળવા લાગ્યો.
અત્રે એ યાદ રાખવું ઘટે કે આ એ સમય હતો કે જ્યારે લાંબા અંતરના કોલ કરવા માટે એસટીડી કોલ બૂક કરવા પડતા. એ ટ્રંક કોલ અને આંતરરાષ્ટ્રીય કોલ બૂક કરવાનો જમાનો હતો.
જ્યારે સબાએ બેંગલોર રૂબરૂ આવીને માતા વિશે પૃચ્છા કરી, ત્યારે તેણે સબાને એમ કહીને ટાળી દીધાં કે શકેરેહ ગર્ભવતી છે અને ન્યૂ યૉર્કની રૂઝવૅલ્ટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે સબાએ ત્યાં ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે હૉસ્પિટલે શકેરેહ નામનાં કોઈ દર્દી ત્યાં દાખલ ન હોવાનું જણાવ્યું.
આ પછી શ્રદ્ધાનંદે પોતાની કહાણી ફેરવી નાખી અને તે લંડનમાં હોવાનું જણાવ્યું. આને પગલે સબાને તેમના સાવકા પિતા ઉપર શંકા થવા લાગી હતી. એ પછી તેણે ઇન્કમટેક્સ વિભાગના કેસને કારણે લો-પ્રોફાઇલ થઈ ગયા હોવાનું જણાવ્યું.
મુંબઈની હોટલમાં અકસ્માતે સબાના હાથમાં શકેરેહનો પાસપૉર્ટ આવ્યો, જેનાથી ફલિત થયું કે શકેરેહ યુએસ કે યુકે નથી ગયાં. જુલાઈ 1991માં સબાએ બેંગલોરના અશોકનગર પોલીસસ્ટેશનમાં તેમનાં માતા ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવી.
શરૂઆતનાં ત્રણ વર્ષ સુધી સ્વામી શ્રદ્ધાનંદને બેંગલોર પોલીસને ટાળવામાં સફળતા મળી. પોલીસે સંદિગ્ધ ઉપર વૉચ પણ રાખી હતી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી. તે પોલીસના સવાલોના જવાબ ખૂબ જ સ્વસ્થતાપૂર્વક આપતો અને શકેરેહ ગુમ થઈ ગયાં હોવાની વાત કહેતો.
પોલીસના દબાણની તેના ઉપર કોઈ અસર થઈ ન હતી, એક તબક્કે પોલીસ 'સી સમરી' ભરીને કેસને બંધ કરી દેવા વિચારી રહી હતી. ત્યારે સબાહે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી. એ પછી કેસની તપાસ બેંગલોર સૅન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ડાન્સિંગ ઑન ધ ગ્રેવ

ઇમેજ સ્રોત, Twitter/IndiaToday
વિન્ટેજ ગાડીઓનાં શોખીન શકેરેહ બેંગલોરની હાઈક્લાસ સોસાયટીનાં સભ્ય હતાં. તેઓ સમૃદ્ધ પરિવારનાં મહિલા હતાં, એટલે જ જ્યારે તેમનાં ગુમ થવા વિશેના અહેવાલો બહાર આવ્યાં, ત્યારે માત્ર સ્થાનિક કે રાજ્યકક્ષાનાં અખબારો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય મીડિયા માટે પણ તે સનસનાટીપૂર્ણ સમાચાર બની ગયા.
શકેરેહ અને શ્રદ્ધાનંદે રાજુ નામના શખ્સને કામે રાખ્યો હતો, જે તેમની પ્રૉપર્ટીમાં માળીકામ અને છૂટક કામકાજ કરતો અને તેનાં પત્ની જોસફાઇન ઘરકામ કરતાં.
તપાસનીશ અધિકારી બી. અઝમતુલ્લાહના કહેવા પ્રમાણે, "જોસફાઇનનું કહેવું હતું કે અમે ગામડે ગયાં પછી તેમણે (શ્રદ્ધાનંદે) આંગણાંમાં તુલસીનો છોડ વાવ્યો હતો અને મને તેનું જતન કરવા માટે કહ્યું હતું. મુરલી મનોહર મિશ્રા તેને નિયમિત દૂધ ચઢાવે છે."
"અમારા વિસ્તારમાં બ્રાહ્મણો મૃત સ્વજનની પાછળ તુલસી રોપતા અને તેને દૂધ ચઢાવતા. એટલે શકેરેહનું મૃત્યુ થયું છે, એમ તો લાગતું હતું, પરંતુ તેના મૃત્યુ વિશે બીજી કોઈ માહિતી નહોતી મળી રહી."
વચ્ચેના સમયગાળામાં શ્રદ્ધાનંદે પાવર ઑફ ઍટર્નીના આધારે સંપત્તિને વેચવાનું ચાલુ રાખ્યું હતું. બૅન્ક એકાઉન્ટ ખાલી થઈ ગયાં હતાં અને દાગીના વેચાઈ ગયા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીનો જવાબ પણ આપ્યો હતો, જેના ઉપર શકેરેહની પણ સહી હતી.
સબા કહે છે કે તે પાર્ટી કરતો, રેસ્ટોરાં અને પબમાં જતો. તેણે દેશ-વિદેશમાં પ્રવાસ પણ કર્યા હતા. તે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યો હતો.
જોસેફાઈનના કહેવા પ્રમાણે, ઘરના આંગણામાં પાર્ટીઓ યોજી હતી, જેમાં તે નિકટના લોકો સાથે ડાન્સ કરતો. ત્યાં જ નીચે શકેરેહને જીવતા દફનાવવામાં આવ્યા હતા, જેના વિશે સબા અને મહેમાનો અજાણ હતાં.
એટલે જ જ્યારે સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો ત્યારે મીડિયામાં હેડલાઇન હતી, 'ડાન્સિંગ ઑન ધ ગ્રૅવ', કબર પર નાચગાન.

દારૂ અંદર, રહસ્ય બહાર

ઇમેજ સ્રોત, Twitter/PrimeVideo
એવામાં પોલીસ અધિકારીઓને મહાદેવ નામના એક હેડકૉન્સ્ટેબલ મારફતે સફળતા મળી. જેના વિશે તપાસનીશ અધિકારીએ બીબીસી હિંદીના બેંગલોર ખાતેના સહયોગી ઇમરાન કુરૈશીને તે સમયે વીડિયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
રાજુ એરેકના (કન્નડ ભાષામાં દેશી દારૂ) નશામાં હતા અને શકેરેહ વિશે બોલી રહ્યા હતા, ત્યારે મહાદેવ ચોંક્યા હતા. એમણે રાજુ સાથે બેસીને દારુ પીવાનો ડોળ ચાલુ રાખ્યો. રાજુએ કહ્યું કે તેના સાહેબે સુથાર પાસે પ્લાયવૂડનું એક બોકસ બનાવડાવ્યું હતું, જેમાં નીચે પૈડાં લગાવેલાં હતાં. તેને ગેસ્ટહાઉસમાં રખાવ્યું હતું.
પરિવારજન બીમાર હોવાથી તેણે આંધ્ર પ્રદેશ જવાનું થયું, ત્યારે મૅડમને છેલ્લીવાર જોયા હતા. સામાન્ય રીતે મૅડમ 9-10 વાગ્યે ઉઠી જતાં, પરંતુ ત્યારે તેઓ ઊંઘતાં હતાં. બોક્સ મૂક્યા પછી મને માલિકે રૂ. 100 વાપરવા માટે આપ્યા હતા. એ પછી અમે પાછાં આવ્યાં ત્યારથી મૅડમને જોયાં નહોતાં.
હવે, પોલીસ પાસે સગડ હતા, પરંતુ શ્રદ્ધાનંદને સાણસામાં કેવી રીતે લેવો? તે પોલીસતપાસમાં સહયોગ કરી રહ્યો હતો અને સારી રીતે જવાબ આપતો. એક વખત ક્રાઇમ બ્રાન્ચે તેને અડધી રાત્રે ઉઠાવ્યો અને તેની આગવી ઢબે પૂછપરછ કરી, એ પછી તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો.
તપાસનીશ અધિકારીઓના કહેવા પ્રમાણે, શકેરેહ શ્રદ્ધાનંદ સાથે નોકર જેવો વ્યવહાર કરતાં અને તેમની વચ્ચે વારંવાર ઝગડાં થતાં. એટલે તા. 28મી મે 1991ના દિવસે તેણે શકેરેહને રસ્તામાંથી હઠાવી દેવાનું નક્કી કર્યું.
તેણે શકેરેહની ચામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. પથારી સાથે શકેરેહને લાકડાંના બોક્સમાં ધકેલીને પરથી બોક્સને કરી દીધું. પછી તેને આંગણામાં ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં ધકેલી તેની ઉપર માટી નાખી દીધી અને ટાઇલ્સ જડાવી દીધી હતી.
1994માં પોલીસ જ્યારે શ્રદ્ધાનંદને શકેરેહના ઘરે લઈ ગઈ ત્યારે તેણે નિશાન કરી આપ્યાં. ત્યાં ખોદકામ કરતા ત્યાંથી બોક્સમાંથી કંકાળ મળી આવ્યું હતું. વીંટી, બંગડી, વાળ અને કપડાંના થોડા ટુકડા મળ્યાં હતાં. ખોપડી તથા શકેરેહની તસવીર અને ડીએનએના આધારે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી.
મૃતદેહના હાથ પથારી સાથે સજડ હતા, એટલે એવું અનુમાન કરવામાં આવ્યું કે જ્યારે શકેરેહને બોક્સમાં નાખીને દફનાવવામાં આવ્યા ત્યારે તેઓ જીવિત હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
શ્રદ્ધાનંદનું કહેવું છે, ‘શકેરેહ ખૂબ જ સારાં વ્યક્તિ હતાં. અમે સાથે ખુશ હતાં. જો તેઓ હયાત હોત તો અમે સાથે હોત. શકેરેહ મને 'રાજ' કહેતા અને કહેતા કે 20 વર્ષના લગ્નજીવનમાં મને જેટલી ખુશી નહોતી મળી એટલી તમે આપી છે. મારું મોત થાય તો મને આ પ્રૉપર્ટીમાં જ દફનાવજો.’
‘મારાથી એક ભૂલ થઈ ગઈ. એ દિવસે તે મૃત્યુ પામી હોવાનું જાણી મેં તેને દફનાવી દેવાનું કર્યું. જો, મેં પોલીસને તત્કાળ જાણ કરી દીધી હોત તો સારું હતું. પરંતુ અગાઉથી જ લોકો ધર્મના કારણે અમારા સંબંધની વિરુદ્ધ હતા. આ સંજોગોમાં જો હું તેનું મૃત્યુ થયું હોવાનું જણાવતે તો મને ફસાવી દેવામાં આવ્યો હોત.’
‘એટલે તેનાં મૃતદેહને બોક્સમાં રાખીને ઇસ્લામિક વિધિ પ્રમાણે, તેના માથાને કાબા તરફ રાખીને દફનાવી દીધી. એક ભૂલ થઈ પછી બીજી અને એક પછી એક ભૂલ કરતો ગયો. મને ખબર હતી કે એક દિવસ હું પકડાઈ જઈશ.’
‘છતાં મારો પોતાની જાત ઉપર કાબૂ નહોતો. મને કંઈ સૂજતું ન હતું. મારી પાસે બળજબરીપૂર્વક દબાણ હેઠળ નિવેદન લેવામાં આવ્યાં હતાં. શકેરેહની હત્યા મેં નથી કરી.’
30મી માર્ચ 1994ના રોજ શકેરેહના મૃતદેહને બહાર કાઢવા માટે 81 રિચમંડ રોડ ખાતે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તેમના વકીલ આલોક નાગરેચા પોલીસ તપાસ અને પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે, ‘ધરપકડ બાદ જ્યારે સ્વામી શ્રદ્ધાનંદને જ્યારે ઘટના સ્થળે લાવવામાં આવ્યા, ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢે છે. તેઓ પોલીસ કસ્ટડીમાં હતા તો ચાવી પોલીસકસ્ટડીમાં હોવી જોઈતી હતી.’
‘ઘરને સીલ કરવામાં નહોતું આવ્યું. ઘટનાના ત્રણ વર્ષ બાદ પોલીસે કબાટમાંથી ઘેનની ગોળીઓ કાઢી આપતા શ્રદ્ધાનંદનું વીડિયો રેકર્ડિંગ કર્યું. વાસ્તવમાં આટલો સમય સુધી કોઈ ગુનેગાર પુરાવા રાખે તે તર્કસંગત નથી. જે દવાઓ મળી તે સસ્તી અને સામાન્ય પ્રકારની દવાઓ હતી.’
નાગરેચાનું કહેવું છેકે ઓછી સંપત્તિ અને હેસિયત ધરાવતા સ્વામી શ્રદ્ધાનંદે શકેરેહનાં નિકટતમ વર્તુળોમાં પ્રવેશ મેળવ્યો હતો. જે કેટલાકને માટે સ્વીકાર્ય ન હતું. એમાં બીજાનાં આર્થિક હિતો પણ સંકળાયેલાં હતાં, એટલે મૃત્યુ માટે માત્ર સ્વામી શ્રદ્ધાનંદ સિવાય અન્ય લોકો પાસે પણ મૉટિવ હતો. સ્વામી શ્રદ્ધાનંદ આજે પોતાની હયાતી માટે નાગરેચાનો જ આભાર માને છે.

મુરલી મનોહરની મૃત્યુને હાથતાળી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રચલિત પ્રથા પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિ સાંસારિક જીવનનો ત્યાગ કરે ત્યારે કોઈ ગુરૂ તેને દીક્ષા આપે, જે અનુયાયીને નવું નામ અને ઓળખ આપે. પરંતુ મુરલી મનોહર મિશ્રાની સ્વામી શ્રદ્ધાનંદ બનવા પાછળ બીજી કહાણી છે.
તેનો જન્મ મધ્ય પ્રદેશના સાગરમાં થયો હતો. સ્વામી શ્રદ્ધાનંદના કહેવા પ્રમાણે, નાનપણમાં એક વખત તેને ભારે બીમારી થઈ ગઈ હતી. પરિવારે તેને શક્ય એટલી સારવાર આપવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી અને તે મૃત્યુની નજીક પહોંચી ગયો હતો.
એ સમયે આર્યસમાજ સાથે જોડાયેલા સ્વામી શ્રદ્ધાનંદે આગાહી કરી હતી કે તે જીવી જશે અને મોટો થયે તેનું નામ શ્રદ્ધાનંદ રાખવું.
તેણે કોઈ ગુરૂ પાસેથી દીક્ષા લીધી હોવાનું ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પરથી સ્પષ્ટ નથી થતું. હાઇસ્કૂલ ડ્રૉપઆઉટ શ્રદ્ધાનંદને નાનપણથી જ તેનું મન, શરીર અને આત્મા કોઈ અસામાન્ય કાર્ય માટે અસ્તિત્વમાં હોવાનો તેને વિશ્વાસ હતો.
નીચલી અદાલતે અપરાધને 'જ્વલ્લેથી પણ જ્વલ્લે જોવા મળતો ગુનો' ગણીને ક્રૂરતાપૂર્વકની હત્યા બદલ તેને ફાંસીની સજા આપી હતી, જેને ઉચ્ચ અદાલતે બહાલ રાખી હતી.
જોકે, સર્વોચ્ચ અદાલતમાં શ્રદ્ધાનંદને ફાંસી આપવા માટે જજો એકમત ન હતા અને તેને જેલમાં જ રાખવાનો હુકમ કર્યો હતો. તેણે પોતાની સજામાફી માટે દયાઅરજી કરી છે, જે વિચારાધીન છે.
શ્રદ્ધાનંદનું કહેવું છે કે તેનો જેલવાસ મૃત્યુ કરતાં પણ બદતર છે, તે દરરોજ મૃત્યુની રાહ જુએ છે. તે કહે છેકે આના કરતાં તો ફાંસી આપી દીધી હોત, તો સારું હોત. જેલમાં તે મરજીથી હરી ફરી ન શકે, ખાઈ પી ન શકે. ખાવાનું, પીવાનું અને ઊંઘવાનું. લગભગ ત્રણ દાયકાથી તેની આ જ દિનચર્યા છે. તેને એક પણ દિવસની પેરોલ મળી નથી. જ્યારે રાજીવ ગાંધીના ફાંસીના દોષિત હત્યારાઓને પણ છોડી દેવમાં આવ્યા છે.
બેંગલુરુની જેલમાં કેદ સ્વામી શ્રદ્ધાનંદને મધ્ય પ્રદેશની સાગર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્યુસિરીઝ 'ડાન્સિંગ ઑન ધ ગ્રૅવ' માટે તેનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં તે સ્વૈચ્છાએ ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોવાનું જણાવે છે.
બહાર કાઢવામાં આવેલા શકેરેહના કંકાળને કેટલાકના વિરોધને કારણે યોગ્ય રીતે કબર પણ નસીબ થઈ ન હતી. કોઈએ જનાજાની નમાજ પઢી નહીં કે ન તો તેમના માટે દુઆ કરી. ડૉક્યુસિરીઝ પ્રમાણે, કંકાળનું શું થયું તેના વિશે સ્પષ્ટતા નથી થતી. આ એજ કબ્રસ્તાન હતું, જેના માટે નાના ઇસ્માઇલ મિર્ઝાએ સમાજને મદદ કરી હતી.
(અહેવાલમાં મુરલી મનોહર મિશ્રા ઉર્ફ સ્વામી શ્રદ્ધાનંદના નિવેદન ડૉક્યુસિરીઝમાં સ્વકથનને આધારે.)














