રામનવમી : રામસેતુનું નિર્માણ ખરેખર રામે કર્યું હતું?

- લેેખક, ગૌતમી ખાન
- પદ, બીબીસી સંવાદદાતા
ભગવાન, રામ અને રામાયણ જેવા મુદ્દાઓ પર આસ્તિક અને નાસ્તિકો વચ્ચે હંમેશાં ચર્ચા છેડાતી રહે છે. આવો જ ચર્ચાનો એક મુદ્દો રામસેતુ છે. કેટલાક કહે છે કે રામસેતુ ભગવાન રામની સેનાએ બાંધ્યો હતો... તો કેટલાક કહે છે કે રામસેતુ દરિયામાં કુદરતી રીતે બંધાયો હતો.
પૃથ્વી વિજ્ઞાન મામલાના મંત્રી જિતેન્દ્રસિંહે અગાઉ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારતીય સેટલાઈટોને રામસેતુની ઉત્પત્તિ સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી.
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું, "ભારતીય સેટેસાઇટોએ ભારત અને શ્રીલંકાના જોડતા રામસેતુના વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચી છે. જોકે આ સેટેલાઇટ તસવીરમાં સીધી રીતે રામસેતુની ઉત્પત્તિ અને તે કેટલો જૂનો છે તેને સંબંધિત કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી."
જવાબમાં એ પણ લખ્યું કે સાગરની નીચે ડૂબેલા શહેર દ્વારકાની તસવીરો રિમોટ સેન્સિંગ સેટેલાઈટથી નથી લઈ શકાતી, કેમ કે તે સપાટીથી નીચેની તસવીર લઈ શકતું નથી.
પરંતુ વિપક્ષ સરકારના આ જવાબ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે આ વાત મનમોહનસિંહની સરકારે કહી હતી ત્યારે ભાજપે કૉંગ્રેસને હિન્દુવિરોધી ગણાવી હતી.
આ સવાલ હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માએ પૂછ્યો હતો.

રામસેતુનું બાંધકામ રામના સમયમાં થયું હતું?

ઇમેજ સ્રોત, TWITTER
રામસેતુ તામિલનાડુના પમ્બન ટાપુ અને શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ચેના સમુદ્રમાં બંધાયેલા પુલનું માળખું છે.
તેને દક્ષિણ ભારતમાં રામસેતુ અને શ્રીલંકામાં અદંગા પાલમ તરીકે ઓળખાય છે. તેને એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રામસેતુ ફિલ્મમાં અક્ષયકુમાર હીરો છે. રામસેતુનાં મહત્ત્વ, તેની પાછળની વાર્તાઓ અને કથાઓને કારણે ફિલ્મને ઘણી પ્રસિદ્ધિ મળી છે.
ફિલ્મના કથાનકના કેન્દ્રમાં એક નાસ્તિક પુરાતત્ત્વવિદ્ છે જે રામસેતુના નિર્માણની ઉત્પત્તિ વિશે જાણવા અને સેતુ ભગવાન રામના સમયમાં બનાવવામાં આવ્યો હતો કે નહીં તે જાણવા માટે પ્રયત્નશીલ છે.
રામસેતુનો વિષય ખરેખર ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો? આ અંગે શું છે વિવાદ? ચાલો હિંદુ માન્યતાઓ અને સંશોધનોના સારાંશ પર એક નજર કરીએ.

'આ પુલ 17 લાખ વર્ષ જૂનો છે'

રામાયણની યુદ્ધકથામાં રામસેતુના નિર્માણનું વર્ણન કરવામાં આવ્યું છે.
કેટલાક લોકોનું માનવું છે કે રાવણ દ્વારા સીતાનું અપહરણ કર્યા પછી સીતાને બચાવવા માટે રામ દ્વારા સમુદ્ર પાર કરીને લંકા જવા માટે આ પથ્થરનો પુલ બનાવવામાં આવ્યો હતો.
કેટલાક પુરાતત્ત્વવિદોનો અંદાજ છે કે આ પુલ 17 લાખ વર્ષ જૂનો હોઈ શકે છે.
લગભગ 3 કિલોમીટર પહોળો અને 30 માઈલ લાંબો આ પુલ કેવી રીતે બન્યો તે આજે પણ એક કોયડો જ છે.
આના ઘણા જવાબો છે, પરંતુ તેમાંથી કોઈની પાસે સ્પષ્ટ પુરાવા નથી. આ પથ્થરના પુલનું રહસ્ય શું છે તેના પર પણ સંશોધન કરવામાં આવ્યું છે.
કેટલાક વિજ્ઞાનીઓનું માનવું છે કે જ્યારે કોરલ અને સિલિકા પથ્થર ગરમ થાય છે, ત્યારે હવા તેમાં પ્રવેશે છે અને પથ્થર હળવા બને છે અને પાણી પર તરતા રહે છે. આમ, આ પુલ કુદરતી રીતે આવા પથ્થરોથી બનેલો હોઈ શકે છે.
આ પુલના વિસ્તારમાં સમુદ્રમાં ભારે ભરતી આવે છે.
એવું કહેવાય છે કે રામસેતુના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક પથ્થરો 2004ની સુનામી દરમિયાન રામેશ્વરમ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
આ વિસ્તારમાં હજુ પણ તરતા પથ્થરો જોઈ શકાય છે. ઘણા લોકો તેને જોવા માટે રામેશ્વરમ જાય છે.
નાસાએ પણ ઘણાં વર્ષો સુધી આ રચના પર સંશોધન કર્યું છે. નાસાએ કહ્યું છે કે સેટેલાઇટ ઇમેજમાં પથ્થરોનો 30 માઈલ લાંબો પુલ દેખાય છે. પરંતુ નાસાએ ક્યારેય પુષ્ટિ કરી નથી કે તે માનવનિર્મિત છે.

'આ એક અદ્વિતીય માનવસિદ્ધિ છે'

ડિસેમ્બર 2017માં અમેરિકાની સાયન્સ ચેનલે ફરી એક વાર 30 માઈલ લાંબો રામસેતુ માનવનિર્મિત હોવાની જાહેરાત કરીને ચર્ચા જગાવી હતી.
પુરાતત્ત્વ વિભાગના ડૉ. ઍલન લેસ્ટરે જણાવ્યું કે રામસેતુ કુદરતી રીતે નથી બન્યો, ત્યાંની રેતી કુદરતી છે, પરંતુ તેના પર પડેલા પથ્થરો અન્ય જગ્યાએથી લાવીને ગોઠવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે રેતી ચાર હજાર વર્ષ જૂની છે અને પથ્થરો સાત હજાર વર્ષ જૂના છે.
સાયન્સ ચેનલે જણાવ્યું હતું કે સરળ શબ્દોમાં કહીએ તો આ એક અદ્વિતીય માનવસિદ્ધિ છે.
અને આ પથ્થરોને કોણે અહીં લાવીને ગોઠવ્યા હશે? એ પથ્થરો પાછળની વાર્તા શું છે? તેઓ એક રહસ્ય છે.

રામસેતુનો રાજકીય વિવાદ

રામસેતુ છેલ્લા કેટલાક સમયથી રાજકીય રીતે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
2005માં યુપીએ સરકારે સેતુ સમુદ્રમ શિપ કેનાલ પ્રોજેક્ટના ભાગ રૂપે અહીં 12 મીટર ઊંડી અને 300 મીટર પહોળી નહેર ખોદવાની મંજૂરી આપી હતી.
તત્કાલીન યુપીએ સરકારનો હેતુ મન્નારના અખાતને ઊંડો ઉતારવાનો અને તેને શિપિંગ માટે યોગ્ય બનાવવાનો હતો.
આ પ્રોજેક્ટ હેઠળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વચ્ચે માર્ગ સ્થાપિત કરવાની યોજના હતી.
શ્રીલંકાની પણ યોજના હતી કે શ્રીલંકાની મુસાફરીમાં સમય અને નાણાંની બચત થશે. પણ હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો, કારણ કે આ યોજના સાકાર કરવા માટે રામસેતુ તોડવો જરૂરી હતો.
ભારત અને શ્રીલંકાના પર્યાવરણવાદીઓએ પણ દરિયાઈ પર્યાવરણને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી.

સુપ્રીમ કોર્ટ સમક્ષ વિવાદ પૅન્ડિંગ
આ પ્રોજેક્ટ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી.
કૉંગ્રેસે તેની અરજીમાં કહ્યું કે રામાયણમાં ઉલ્લેખિત વસ્તુઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ત્યાર બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો.
પુરાતત્ત્વ વિભાગે પણ કૉંગ્રેસની દલીલને સમર્થન આપ્યું જેને પગલે આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો છે.
પાછળથી 2018માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે પ્રોજેક્ટ માટે રામસેતુને સ્પર્શ કરશે નહીં.
બીજી તરફ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેને હેરિટેજ ઇમારત તરીકે માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જોકે, ધર્મ અને આસ્થા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં રામસેતુ આજે પણ વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













