RSSનું જ્યાં હેડ ક્વાર્ટર છે એ જ નાગપુરમાં 66 વર્ષોથી ચાલી રહી છે હિન્દુમાંથી બૌદ્ધ બનવાની પરંપરા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGE
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, નાગપુરથી પાછા આવીને
પાંચમી ઑક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) જ્યાં વિજયાદશમી અને પોતાનો સ્થાપના દિવસ ઊજવી રહ્યો હતો, એ જ નાગપુર શહેરમાં, એ જ દિવસે, દલિતો અને નવા નવા બૌદ્ધ બનેલા લોકોનો એક વિશાળ સમૂહ 'અશોક વિજયાદશમી'નું આયોજન કરી રહ્યો હતો.
નોંધવા લાયક બાબત એ પણ છે કે દિલ્હીમાં જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમને હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓનું અપમાન કરવાના આરોપસર રાજીનામું આપવું પડ્યું, ત્યારે આવા જ કાર્યક્રમમાં નાગપુરમાં આવો કોઈ વિવાદ ના થયો. બલકે, નાગપુરમાં પણ એ જ 22 પ્રતિજ્ઞાઓનો પુનરુચ્ચાર થયો હતો જે દિલ્હીના કાર્યક્રમનો ભાગ હતી.
એ બાબાસાહેબ આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ છે, જેમાંની કેટલીકને ભારતીય જનતા પાર્ટી દેવતાઓનું અપમાન ગણાવે છે.
આ 22 પ્રતિજ્ઞાઓ 'ધમ્મ દીક્ષા'નો ભાગ છે જેને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ઘણા વિચારવિમર્શ પછી તૈયાર કરી હતી અને મહાબોધિ સોસાયટીના મહાસચિવને મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં એમણે તેની વિસ્તારથી ચર્ચા કરી છે.
14 ઑક્ટોબર, 1956ના દિવસે પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી આંબેડકરે સેંકડો લોકોને ત્રિશરણ અને પંચશીલના પાઠ પછી આ 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અન્ય હિન્દુ દેવી-દેવતાઓનાં નામ લઈને કહેવાયું કે તેઓ ન તો તેમાં આસ્થા રાખશે કે ન તો એમની પૂજા કરશે. બુદ્ધને વિષ્ણુનો અવતાર ન માનવાના સોગંદ પણ આ પ્રતિજ્ઞાનો ભાગ હતા.

ઇમેજ સ્રોત, SHANTIVAN, CHICHOLI

- અશોક વિજયાદશમીના પ્રસંગે નાગપુરની દીક્ષાભૂમિ પર ઘણા દલિત બૌદ્ધ ધર્મ અપનાવે છે
- આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલે છે
- 14 ઑક્ટોબર, 1956ના રોજ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી આંબેડકરે અહીં સેંકડો લોકોને 22 પ્રતિજ્ઞા લેવડાવી હતી
- નાગપુરમાં પણ લોકોએ એ જ 22 પ્રતિજ્ઞાઓનો પુનરુચ્ચાર કર્યો જે દિલ્હીના કાર્યક્રમમાં ઉચ્ચારી હતી
- દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમ બાબતે વિવાદ થયો અને એક નેતાએ રાજીનામું આપવું પડ્યું પરંતુ નાગપુરમાં આ બાબતે કશો વિવાદ નથી


મેળા જેવો માહોલ

દર વરસે 'અશોક વિજયાદશમી'ના દિવસે દુનિયાના ખૂણેખૂણેથી આંબેડકરના લાખો અનુયાયીઓ નાગપુરમાં એકઠા થાય છે, શહેરને જોડતા માર્ગો પર લોકોનાં ટોળાં દેખાય છે.
14 એકર જેટલા મોટા મેદાનમાં જે સ્થળે આંબેડકરે ધર્મપરિવર્તન કર્યું હતું એ જ જગ્યાને હવે 'દીક્ષાભૂમિ' કહેવામાં આવે છે, ત્યાં એક મેળા જેવો માહોલ દેખાય છે.
ચારે બાજુ પુસ્તકોથી લઈને પ્રતિમાઓની દુકાનો સજાવેલી હોય છે, શેરીનાટક અને બીજા કાર્યક્રમોનું આયોજન થાય છે અને સતત ત્રણ દિવસ સુધી બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનું ચાલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારના કૈમૂરથી 800 કિલોમિટરની મુસાફરી કરીને અહીં પહોંચેલાં લછમનિયા મૌર્યએ જણાવ્યું, "20 વર્ષ પહેલાં જ બધા પર્વ, તહેવાર, મનુવાદી પરંપરાનો મનથી ત્યાગ કરી ચૂકી છું. બૌદ્ધ ધર્મની જ્યારે વાત સાંભળી તો સારું લાગ્યું, એટલે અમે એમાં માનવા લાગ્યાં."
પાસેના શામિયાનામાં મંત્રોચ્ચાર સાંભળતાં ડઝનબંધ બૌદ્ધ ભિક્ષુ પોતાના ગેરુઆ રંગનાં કપડાંમાં બેઠા છે. લોકોનો સમૂહ વારાફરતી અંદર જાય છે અને મંચની સામે કતારબદ્ધ ઊભા રહી જાય છે, એમાં યુવક-યુવતીઓ, ઘરડાં, પુરુષ, ખોળામાં બાળક હોય એવી મહિલાઓ, મતલબ કે, બધા પ્રકારના લોકો છે.
સ્ટેજ પર બેઠેલા ભિક્ષુઓમાંના એક, હાથમાં માઇક્રોફોન પકડી લે છે અને લોકોને પોતાની પાછળ પાછળ પાલી ભાષામાં મંત્ર બોલવાનું કહે છે, એના પછી 22 પ્રતિજ્ઞાઓ લેવડાવાય છે.
એક સમૂહ જેવો બહાર આવે છે, એની જગ્યાએ નવી કતાર બની જાય છે.

માયા મૌર્યે તાજેતરમાં જ કામચલાઉ કાઉન્ટર પરથી એવું સર્ટિફિકેટ મેળવ્યું છે જેમાં એમનો ધર્મ બૌદ્ધ જણાવાયો છે. એ માટેનું ફૉર્મ એમણે ધમ્મ દીક્ષાની કતારમાં ઊભાં રહ્યાં પહેલાં ભર્યું હતું, ત્યાર બાદ એમણે પ્રતિજ્ઞાઓ લીધી હતી.
માયા મૌર્યને બાબાસાહેબની એ વાત ગમી છે કે, "એમણે અસ્પૃશ્યતા, ઊંચ-નીચ, નાના-મોટા કશામાં અસમાનતાનો ભેદભાવ ન રાખ્યો."
એવું પૂછતાં કે શું તેઓ એમ કહેવા માગે છે કે એમની સાથે ગામમાં ભેદભાવનો વ્યવહાર થાય છે, ત્યારે એમણે ભારપૂર્વક કહ્યું, "હા જી, પહેલાં થયો હતો, ખૂબ થયો હતો, તાજેતરમાં પણ થયો છે."
દીક્ષા આપવાનું કાર્ય ધર્મગુરુ ભંતે કુમાર કશ્યપના શિરે હતું. ઘણા દિવસો સુધી સતત ધમ્મ દીક્ષાના કાર્યમાં વ્યસ્ત રહેવાના લીધે મુખ્ય ગુરુ ભદંત નાગાર્જુન સુરેઈ સસાઈનું ગળું બેસી ગયું છે અને ઘણા પ્રયાસ કરવા છતાં તેઓ અમારી સાથે વાત ન કરી શક્યા.
ભંતે કુમાર કશ્યપે કહ્યું, "બે દિવસમાં જ 10 હજાર કરતાં વધારે લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારી ચૂક્યા છે અને આ સિલસિલો બીજા દિવસ એટલે કે 'અશોક વિજયાદશમી' સુધી ચાલશે."
છેલ્લાં 25-30 વર્ષોથી ધમ્મ દીક્ષા આપવાનું કાર્ય કરતા ભંતે કુમાર કશ્યપ અનુસાર, "વાર્ષિક આયોજનમાં દરેક ભારતીય રાજ્ય અને વિદેશોમાંથી પણ લોકો આવે છે, પરંતુ હવે લોકો પોતપોતાના વિસ્તારમાં પણ ધમ્મ દીક્ષાનો કાર્યક્રમ કરવા લાગ્યા છે."

આપ અને ભાજપની રાજકીય ખેંચતાણ

દિલ્હીમાં યોજાયેલા દીક્ષાના આવા જ એક કાર્યક્રમમાં દસ હજાર લોકો સામેલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ પણ આ આયોજનમાં હાજર હતા. દીક્ષામાં લેવડાવાયેલા સોગંદને ભાજપે હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યા.
દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તે દીક્ષા સમારંભમાં રાજેન્દ્રપાલ ગૌતમના 'નફરત ફેલાવનારા' કથિત બયાન માટે 'સજા કરવાની માગ' કરી, અરવિંદ કેજરીવાલને હિન્દુવિરોધી અને આમ આદમી પાર્ટીને દેશવિરોધી ઠરાવી દીધા.
ભાજપે પોલીસ ફરિયાદ કરી એ દરમિયાનમાં રાજેન્દ્રપાલ ગૌતમે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે એમણે કહેલું કે જે શબ્દો બાબતે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તેનો ભીમરાવ આંબેડકરે જ્યારથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારથી એટલે કે 1956થી સતત પુનરુચ્ચાર થતો રહ્યો છે,
ભીમરાવ આંબેડકરે 14 ઑક્ટોબર, 1956ની સવારે, લગભગ સાડા નવ વાગ્યે ત્રિશરણ અને પંચશીલની પંક્તિઓના પાલી ભાષામાં પાઠ વચ્ચે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. પછી એમણે બુદ્ધની પ્રતિમાના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને એમની સામે ત્રણ વાર નમન કર્યું.
ત્યાં જ બાબાસાહેબે એલાન કર્યું કે જે લોકો હિન્દુ ધર્મ છોડીને બૈદ્ધ મત અપનાવવા માગે છે તેઓ ત્રિશરણ અને પંચશીલનો પાઠ કરે. પછી એમણે એમને આ 22 પ્રતિજ્ઞાઓનો પુનરુચ્ચાર કરવાનું કહ્યું - જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને અન્ય દેવી-દેવતાઓનું નામ લઈને કહેવાયું કે તેઓ ન તો એમાં આસ્થા રાખશે, ન તો એમની પૂજા કરશે.
22 સંકલ્પોમાં પહેલા પાંચ સંકલ્પ હિન્દુ દેવી-દેવતાઓ સંબંધિત હતા જેનો બૌદ્ધ ધર્મ અપનાવનારા આજે પણ દીક્ષા લેતાં સમયે પુનરુચ્ચાર કરે છે.


પ્રતિજ્ઞાઓની સૂચિ
- હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં આસ્થા નહીં રાખું અને ન તો એમની પૂજા કરીશ.
- હું રામ અને કૃષ્ણમાં, જે ભગવાનના અવતાર મનાય છે, કોઈ આસ્થા નહીં રાખું અને ન તો એમની પૂજા કરીશ.
- હું ગૌરી, ગણપતિ અને હિન્દુઓનાં અન્ય દેવી-દેવતાઓમાં આસ્થા નહીં રાખું અને ન તો એમની પૂજા કરીશ.
- હું ભગવાનના અવતારમાં માનતો નથી.
- હું એવું નથી માનતો અને ક્યારેય નહીં માનું કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હું આને પાગલપણું અને ખોટો પ્રચાર-પ્રસાર માનું છું.
- હું શ્રાદ્ધમાં ભાગ નહીં લઉં અને પિંડદાન નહીં કરું.
- હું બુદ્ધના સિદ્ધાંતો અને ઉપદેશોનું ઉલ્લંઘન કરનારી રીતે કાર્ય નહીં કરું.
- હું બ્રાહ્મણો દ્વારા સંપન્ન થનારા કોઈ પણ સમારોહને સ્વીકારીશ નહીં.
- હું મનુષ્યની સમાનતામાં માનું છું.
- હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
- હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનું અનુસરણ કરીશ.
- હું બુદ્ધ દ્વારા નિર્ધારિત પારમિતોનું પાલન કરીશ.
- હું બધાં પ્રાણીઓ માટે દયાળુ રહીશ અને એમની રક્ષા કરીશ.
- હું ચોરી નહીં કરું.
- હું જુઠ્ઠું નહીં બોલું.
- હું કામુક પાપો નહીં કરું.
- હું દારૂ, ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું સેવન નહીં કરું.
- હું મહાન અષ્ટાંગિક માર્ગનું પાલન કરવાનો પ્રયાસ કરીશ અને સહાનુભૂતિ તથા પોતાના દૈનિક જીવનમાં દયાળુ રહેવાનો અભ્યાસ કરીશ.
- હું હિન્દુ ધર્મનો ત્યાગ કરું છું જે માનવતા માટે હાનિકારક છે અને ઉન્નતિ તથા માનવતાના વિકાસમાં બાધક છે, કેમ કે, તે અસમાનતા પર આધારિત છે અને સ્વ-ધર્મના રૂપમાં બૌદ્ધ ધર્મને અપનાવું છું.
- હું દૃઢતા સાથે એવો વિશ્વાસ ધરાવું છું કે બુદ્ધનો ધમ્મ જ સાચો ધર્મ છે.
- મને વિશ્વાસ છે કે હું (આ ધર્મપરિવર્તન દ્વારા) ફરીથી જન્મ લઈ રહ્યો છું.
- હું ગંભીરતા અને દૃઢતા સાથે જાહેર કરું છું કે હું આના (ધર્મપરિવર્તન) પછી પોતાના જીવનનું બુદ્ધના સિદ્ધાંત, શિક્ષણ અને એમના ધમ્મ અનુસાર માર્ગદર્શન કરીશ.

નરેન્દ્ર મોદી સરકારના સમાજકલ્યાણ મંત્રાલયના પ્રકાશનમાં 22 સંકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળ આવતી દિલ્હી પોલીસ ભાજપની ફરિયાદ મામલે "કેસની તપાસ કરી રહી છે."
રાજકીય બાબતોના જાણકારો દિલ્હીની ઘટનાને ગુજરાતની ચૂંટણી સાથે સાંકળીને પણ જોઈ રહ્યા છે.
જોકે, દીક્ષા લીધાના બરાબર આગળના દિવસે આંબેડકરે મરાઠી ભાષામાં એક કલાકનું ભાષણ આપ્યું, જેમાં ધર્મપરિવર્તનના કારણથી લઈને દીક્ષા માટે 14 ઑક્ટોબર અને એનું સ્થળ પસંદ કરવા જેવી વાતોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો.
નાગપુરને એમણે નાગ લોકોનો ગઢ ગણાવ્યું, એ નાગ સમુદાય જેણે બૌદ્ધ ધર્મને ભારતભરમાં પ્રસાર્યો અને જેમની આર્યો સાથે સંઘર્ષની સ્થિતિ રહી હતી.
આંબેડકરે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એમણે નાગપુરની પસંદગી એટલા માટે નથી કરી કે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું મુખ્યાલય છે. આરએસએસના વિરોધની ચર્ચા ત્યારે કદાચ થઈ રહી હોય જેનો જવાબ આંબેડકરે પોતાના ભાષણમાં આપ્યો હતો.
આરએસએસ અને ભાજપ આજે એમને 'મહાન વિભૂતિઓ'માં ગણે છે, જોકે, મુંબઈ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રૉફેસર ભાલચંદ્ર મુંગેકર જેવા ઘણા લોકો એને 'રાજકીય તિકડમ' માને છે.
મહારાષ્ટ્રમાં ઘણા રાજકીય નેતા 'અશોક વિજયાદશમી'એ દીક્ષાભૂમિએ જાય છે. આ વખતે ત્યાં જનારાઓમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી પણ હતા જે સવારે રેશિમબાગના આરએસએસ મુખ્યાલયના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા.
આકાશ બલવંત મૂનના દાદા એ લોકોમાંના એક હતા જેમણે આંબેડકરની સમક્ષ 22 પ્રતિજ્ઞાઓ લઈને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો હતો.

શોષિતો અને દલિતોનું મોટું આયોજન

આકાશ બળવંત મૂને કહ્યું, "બુદ્ધ ધર્મ અપનાવનારાઓમાં એક મોટો વર્ગ શોષિત વર્ગનો છે. જે રીતે અઢારમી અને ઓગણીસમી સદીમાં મોટા પાયે લોકો ખ્રિસ્તી બની રહ્યા હતા, એ જ રીતે હવે જે શોષિત છે એમને સમજાઈ ગયું છે કે બાબાસાહેબે આપણને જે ધમ્મ આપ્યો છે આપણે એને જ અપનાવીને વિકાસ કરી શકીએ છીએ. એ પણ સત્ય છે કે બાબાસાહેબ જો ના હોત તો કદાચ બુદ્ધિઝમની આવી ઇમ્પેક્ટ ન દેખાત."
આંબેડકરના મનમાં ધર્મપરિવર્તનનો વિચાર અચાનક જ નહીં બલકે દાયકાઓથી ચાલતો હતો અને નાસિક જિલ્લાના યેવલામાં મળેલી કૉંગ્રેસ પછી તો ઘોષણાપત્ર પ્રગટ કરીને એલાન કરવામાં આવ્યું કે શોષિત વર્ગ હિન્દુ ધર્મનો ત્યાગ કરશે.
દીક્ષા પછી અપાયેલી સ્પીચમાં આંબેડકરે યેવલા પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવાયું કે, "મેં ઘણા સમય પહેલાં પ્રણ લીધું હતું કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું પરંતુ હિન્દુ તરીકે નહીં મરું અને મેં એને કાલે સાબિત કરી દીધું."
પછીના વાક્યમાં એમણે કહ્યું, "હું ખૂબ ખુશ છું, હું ગૌરવ અનુભવું છું. મને અનુભૂતિ થઈ રહી છે, જાણે મને નરકથી આઝાદી મળી ગઈ હોય."
મુંબઈ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રૉફેસર ભાલચંદ્ર મુંગેકરે કહ્યું, "આંબેડકરનું વ્યક્તિત્વ એટલું મોટું છે કે તેઓ એમના તરફ આંગળી ચીંધવાની ભૂલ ના કરી શકે અને સૌથી મહત્ત્વની વાત એ કે રાજકીય રીતે તેઓ પરમ આવશ્યક છે."
અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્ ભાલચંદ્ર મુંગેકર આંબેડકર માટે ઑથૉરિટી મનાય છે અને એમણે 'ધ એસેન્શિયલ આંબેડકર' નામનું પુસ્તક પણ લખ્યું છે.
દિલ્હીમાં ગુરુવારે કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુસ્તક 'આંબેડકરઃ એ લાઇફ'ના વિમોચન દરમિયાન બીબીસી સાથે વાતચીત કરતાં એમણે કહ્યું, "આંબેડકરને આઇકન તરીકે રજૂ કરવા એક રાજકીય એજન્ડા છે, જેનો હેતુ રાજકીય લાભ માટે લોકોને સંગઠિત કરવાનો છે."
ધર્મપરિવર્તન અને બૌદ્ધધર્મમાં 'વાપસી' (આનો પ્રયોગ આંબેડકરના ઘણા સમર્થક કરે છે.)નો સિલસિલો મહારાષ્ટ્રમાં સૌથી વધારે ચાલ્યો અને ખાસ કરીને ત્રણ જાતિઓ માંગ, ચર્મકાર અને મહાર એના પ્રભાવમાં આવ્યા, પરંતુ ભાલચંદ્ર મુંગેકર અનુસાર, ઉત્તર ભારતની એ બહુજન જાતિઓમાંની જે હજુ સુધી હિન્દુ ધર્મમાં રહી છે, (તેને) આંબેડકર માટે અપાર શ્રદ્ધા છે.

આરએસએસ અને ભાજપનું વલણ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ચાલુ વર્ષના વિજયાદશમીના વાર્ષિક ભાષણમાં સામાજિક અસમાનતાની વાત કરતાં કહ્યું કે, "સામાજિક સમાનતા લાવ્યા વિના વાસ્તવિક અને ટકાઉ પરિવર્તન નહીં આવે, જેની ચેતવણી પૂજ્ય બાબાસાહેબ આંબેડકરે આપણને સૌને આપી હતી."
એમણે એમ પણ કહ્યું કે, "જ્યાં સુધી 'સામાજિક સ્તરે મંદિર, પાણી, શ્મશાન બધા હિન્દુઓ માટે ખુલ્લાં ન થાય ત્યાં સુધી સમાનતાની વાતો કેવળ સપનાની વાતો બની રહેશે."
"ભારત બૌદ્ધમય કરો" નામથી એક ઝુંબેશ પણ ચાલે છે, જેનો સ્ટૉલ નાગપુરની દીક્ષાભૂમિમાં પણ જોવા મળ્યો. એમની પત્રિકામાં આ પ્રકારના સવાલ છે - બહુજનોનો ધર્મ કયો છે?, બહુજનોએ પોતાનો ધર્મ બૌદ્ધ જ શા માટે લખવો જોઈએ? એના જવાબમાં કહેવાયું છે કે સમ્રાટ અશોક પછાત જાતિના હતા અને એમણે ભારતને બૌદ્ધમય બનાવ્યો હતો અને દેશનું ગૌરવ વધાર્યું હતું તો આપણે પણ એ તરફ આગળ વધવું જોઈએ.
એ સ્ટૉલ પર બેઠેલા રાજેશ પાટિલે કહ્યું, "મહામારીના કારણે અભિયાન બે વર્ષ પાછળ જતું રહ્યું છે, પરંતુ આપણે એને ઝડપી બનાવવું છે."
બહુજન મુદ્દા પર ખાસ ધ્યાન આપનારા 'આવાઝ ઇન્ડિયા' ટીવી ચેનલના ડાયરેક્ટર અમન સંતોષ કાંબલેનું માનવું છે કે મોટી સંખ્યામાં લોકો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે, પરંતુ એક તો વસ્તીગણતરીમાં જાણીબૂઝીને આ તથ્યને ઉજાગર કરવામાં નથી આવતું અને બીજું, લોકોમાં અનામતની બાબતે ભય છે.
અમન સંતોષ કાંબલેએ કહ્યું, "મૌનનું કારણ એ હોઈ શકે કે લોકોને લાગે છે કે રિઝર્વેશન પર અસર થશે. કેમ કે અનામત ધર્મના આધારે નહીં, જાતિના આધારે મળે છે."
ઉત્તર ભારતમાં દલિતોનાં સૌથી મોટાં નેતા મનાતાં માયાવતી બૌદ્ધ નથી, હિન્દુ છે, જોકે થોડાં વર્ષો પહેલાં એમણે કહેલું કે જો બહુજનો પર અત્યાચાર નહીં અટકે તો તેઓ ધર્મપરિવર્તન કરી લેશે.
આકાશ બળવંત મૂન અનુસાર, બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં સાક્ષરતાનો દર 81.29 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે તે 72.98 ટકા છે.
ભારતમાં બૌદ્ધ ધર્મનું અનુસરણ કરનારાની સંખ્યા વર્ષ 2011માં 84 લાખ હતી, જેમાંથી 87 ટકા લોકો ધર્મપરિવર્તન કરીને બૌદ્ધ બન્યા છે.
બૌદ્ધોની ઘણી મોટી સંખ્યા ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યો અને હિમાલયની નજીકના વિસ્તારો જેવા કે લદ્દાખમાં નિવાસ કરે છે. એ લોકો પહેલાંથી જ બૌદ્ધ ધર્મનો ભાગ રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













