1.6 લાખ લોકોને 'વળગાડ'માંથી મુક્ત કરનાર વ્યક્તિ જ ભૂત વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગેબ્રિયલ એમોર્થ નાના હતા ત્યારે તેમનાં માતા-પિતા સાથે દર રવિવારે મોડેના એક ચર્ચમાં કૅથલિક પ્રાર્થનાસભામાં જતા હતા.ઇટાલીની રાજધાની રોમથી 400 કિલોમીટર દૂર મોડે આવેલું છે. પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે તેમને બીજાં તોફાની બાળકો સાથે ચર્ચની આસપાસ સંતાકૂકડી રમવામાં વધુ રસ હતો.
સારી વર્તણૂંક બદલ ગેબ્રિયલને તેમનાં માતા મીઠાઈ આપતાં હતાં. તેમના માતાને એ વખતે ખબર ન હતી કે તેમનો તોફાની દીકરો એક દિવસે લોકોને વળગાડથી મુક્ત કરતા (ઍક્ઝોર્સિસ્ટ) વિશ્વવિખ્યાત લોકો પૈકીનો એક બનશે.
ફાધર ગેબ્રિયલ એમોર્થે 1,60,000થી વધુ લોકોને વળગાડમાંથી મુક્ત કર્યા છે.
તેમણે અનેક પુસ્તક લખ્યાં છે અને નેટફ્લિક્સ પર તેમના વિશેની એક દસ્તાવેજી ફિલ્મ પણ પ્રસારિત કરવામાં આવી છે. હાલ તેઓ હોલીવુડની એક બ્લૉકબસ્ટર ફિલ્મના કથાનાયક પણ બન્યા છે.
રસેલ ક્રોને ચમકાવતી ‘ધ પોપ્સ ઍક્ઝોર્સિસ્ટ’ ફિલ્મ એપ્રિલમાં સમગ્ર વિશ્વમાં રજૂ થઈ છે. એ ફિલ્મ ફાધર એમોર્થનાં બે પુસ્તક ‘એન ઍક્ઝોર્સિસ્ટ ટેલ્સ હિઝ સ્ટોરી’ અને ‘એન ઍક્ઝોર્સિસ્ટઃ ન્યૂ સ્ટોરીઝ’ પર આધારિત છે.
ફાધર એમોર્થનું 2016માં 91 વર્ષની વયે ફેફસાંની બીમારીને કારણે અવસાન થયું હતું.
ગેબ્રિયલ એમોર્થનો જન્મ 1925ની પહેલી મેએ થયો હતો. કિશોર વયે તેઓ નાઝીઓ સામે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અપ્રગટ રીતે યુદ્ધ લડ્યા હતા.
યુદ્ધનાં ઘણાં વર્ષ પછી તેમને મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. કાયદા અને પત્રકારત્વના સ્નાતક થયા પછી થોડા સમય માટે તેઓ ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પાર્ટીમાં જોડાયા હતા અને રાજકારણમાં સંકળાયા હતા, પરંતુ તેમણે પોતાના માટે એક ધાર્મિક મિશન શોધી લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાધર એમોર્થને 1954માં પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ વળગાડ-મુક્તિનું કામ તેમણે 32 વર્ષ પછી શરૂ કર્યું હતું.
એક તબક્કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઍક્ઝોર્સિસ્ટ બનવાનો નિર્ણય તેમનો પોતાનો ન હતો. તેમની નિમણૂક રોમના વિકર જનરલ કાર્ડિનલ ઉગા પોલેટી (1914-1997) દ્વારા કરવામાં આવી હતી. કાર્ડિનલ ઉગા પોલેટીને અમુક પાદરીને ઍક્ઝોર્સિઝમનું કામ સોંપવાની સત્તા હતી.
1986ની એક સવારે ફાધર એમોર્થને કાર્ડિનલ પોલેટી સાથે મુલાકાતની તક મળી હતી. એ પછી કાર્ડિનલ પોલેટીએ ફાધર કોડિન્ડો અમન્ટિની (1914-1992) પ્રત્યેના તેમના આદરની વાત કરી હતી. ફાધર કોન્ડિડો રોમમાં 36 વર્ષથી ઍક્ઝોર્સિસ્ટ તરીકે કામ કરતા હતા.
ફાધર એમોર્થે જણાવ્યું હતું કે કાર્ડિનલ પોલેટીએ તેમને ફાધર અમાન્ડિનીને મદદ કરવા માટે ઍક્ઝોર્સિસ્ટ બનાવ્યા હતા.

વળગાડનાં ચિહ્નો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થોડા દિવસ કામ કર્યા પછી ફાધર એમોર્થે કૅથલિક ધર્મમાં વળગાડમુક્તિના 21 ઉપદેશો જેવી બાબતો શીખવાનું શરૂ કર્યું હતું.
વળગાડગ્રસ્ત વ્યક્તિને વળગાડમાંથી મુક્ત કરવાની પ્રક્રિયાનો ઑલ્ડ અને ન્યૂ ટેસ્ટામેન્ટ બન્નેમાં ઉલ્લેખ છે. એ ઉપરાંત વેટિકને પણ આવી ધાર્મિક વિધિ વિશેના માર્ગદર્શક નિયમોમાં 1999માં સુધારા પણ કર્યા હતા.
પોતાના પુસ્તકમાં ફાધર એમોર્થે લખ્યું છે કે, “જે લોકો પોતાને ભૂત વળગ્યું હોવાનો દાવો કરતા હોય છે, તેઓ ખરેખર ભૂત સામે સંઘર્ષ કરતા હોતા નથી. એ પૈકીના મોટા ભાગના લોકો માનસિક સમસ્યાઓથી પીડાતા હોય છે, એમ હું માનતો હતો.”
તેમણે લખ્યું છે કે, “એવી વ્યક્તિને પહેલાં મનોચિકિત્સક પાસે લઈ જવી જોઈએ. એમ ન કરાયું હોય તો હું તેમનો વળગાડ દૂર કરતો ન હતો. પહેલાં તો હું એ જાણવા માગું છું કે તેમને તકલીફ શું છે.”
ભૂતના વળગાડની સૌથી ગંભીર નિશાની પવિત્રતા સામેનો દ્વેષ હોય છે. વૅટિકનની ભલામણ મુજબ, વળગાડ દૂર કરવાની પ્રક્રિયા ચર્ચ કે કોઈ અન્ય ધાર્મિક સ્થળમાં, જ્યાં ભીડ ન હોય ત્યાં કરવી જોઈએ. વળગાડથી પીડિત વ્યક્તિ બીમાર હોય તો એ પ્રક્રિયા તેમના ઘરે કરી શકાય.
સલામતીનાં પગલાં તરીકે, વળગાડ પીડિત વ્યક્તિને સામાન્ય પરિસ્થિતિમાં ખુરશીમાં અને આત્યંતિક પરિસ્થિતિમાં સ્ટ્રેચર પર સુવડાવવી જોઈએ.
વળગાડ-મુક્તિની પ્રક્રિયા દરમિયાન સામાન્ય લોકો ઍક્ઝોર્સિસ્ટને મદદ કરી શકે છે. કેટલાક લોકો વળગાડગ્રસ્ત લોકોને અંકુશમાં રાખવામાં મદદ કરી શકે, જ્યારે કેટલાક અન્ય પ્રાર્થનામાં મદદ કરી શકે. જોકે, વળગાડગ્રસ્ત વ્યક્તિ સાથે એ પૈકીના કોઈએ વાત કરવી ન જોઈએ.
એ ઉપરાંત ઍક્ઝોર્સિસ્ટે વધારે પડતી વાતો પણ ન કરવી જોઈએ. તેમણે વળગાડગ્રસ્ત વ્યક્તિને તમારું નામ શું છે, તમે પરણેલા છો કે કુંવારા છો અને તમે ક્યારે રવાના થવાના છો એવા પ્રશ્નો જ પૂછવા જોઈએ.
ઍક્ઝોર્સિઝમનો ઉદ્દેશ વળગાડગ્રસ્ત વ્યક્તિ પાસેથી તેને કથિત રીતે જે દુષ્ટ વળગેલો હોય તેનું નામ જાણવાનો હોય છે.
ફાધર એમોર્થના કહેવા મુજબ, “વળગાડગ્રસ્ત લોકો માટે તેનું નામ કહેવું એ મોટી નિષ્ફળતા હોય છે.” ઍક્ઝોર્સિસ્ટ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે ઈસુના આદેશ વડે વ્યક્તિને વળગાડમાંથી મુક્ત કરાવવાની હોય છે.

વળગાડ-મુક્તિનો પ્રથમ અનુભવ

ઇમેજ સ્રોત, Getty Images
ફાધર એમોર્થે વળગાડ-મુક્તિનો પ્રથમ પ્રયોગ 1987ની 21 ફેબ્રુઆરીએ કર્યો હતો. તેમણે 25 વર્ષના એક ખેડૂતને રાક્ષસના વળગાડમાંથી મુક્ત કર્યા હતા.
ફાધર અમાન્ડિનીએ તે કામ માટે તેમના સહાયક ફાધર એમોર્થને મોકલ્યા હતા. તે ક્રિયા રોમની પોન્ટિફિકલ યુનિવર્સિટી એન્ટોનિન ખાતે કરવામાં આવી હતી.
વળગાડ ઉતારવા આવેલા ફાધર એમોર્થ માટે એક આશ્ચર્ય રાહ જોઈ રહ્યું હતું. જે વ્યક્તિ વળગાડ પીડિત હોવાનું જણાવવામાં આવ્યું હતું, એ ત્યાં દુભાષિયા તરીકે આવી હતી.
ફાધર એમોર્થને જણાવવામાં આવ્યું હતું કે વળગાડગ્રસ્ત વ્યક્તિ માત્ર અંગ્રેજી બોલે છે અને એ માણસે અંગ્રેજીમાં જ દેવનિંદાની શરૂઆત કરી હતી.
એક અન્ય ઘટનામાં એમોર્થ એક અશિક્ષિત મહિલાનો વળગાડ દૂર કરવા ગયા, ત્યારે એ મહિલાએ એમોર્થને કોઈ અજાણી ભાષામાં શાપ આપ્યો હતો.
ફાધર એમોર્થે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, “કોયડો ઉકેલવા માટે મારે ઘણા પાદરીઓને સાથે લઈ જવા પડતા હતા. તેઓ (ઈસુ દ્વારા બોલવામાં આવેલી મનાતી પ્રાચીન ભાષા) અરમાઇકમાં બોલ્યા હતા.”
એક છોકરાને વળગાડમાંથી મુક્ત કરવાનો પોતાનો સૌપ્રથમ અનુભવ ભયાનક હોવાનો ઉલ્લેખ ફાધર એમોર્થે કર્યો છે.
તેમણે લખ્યું છે કે, “છોકરાની આંખો અંદરની તરફ હતી અને તેનું માથું ખુરશીની પાછળની બાજુ સુધી ઢળેલું હતું. ઓરડામાંના તાપમાનમાં જબરો ઘટાડો થયો હતો. જે ભૂત તેને વળગ્યું હતું તે રવાના થતું હતું. તે ગતિહીન હતું. ઘણી મિનિટો સુધી હવામાં લટકતું રહ્યું હતું.”
દુષ્ટાત્મા સામેની એ પ્રથમ લડાઈ જીતવામાં તેમને પાંચ મહિના લાગ્યા હતા, પરંતુ એમોર્થના જણાવ્યા મુજબ, એ સમય બહુ ઓછો કહેવાય. એક અન્ય ઘટનામાં વળગાડ કાઢતાં તેમને 30 વર્ષ થયાં હતાં. એવી જ રીતે એક ઘટનામાં માત્ર 10 મિનિટમાં ભૂત રફુચક્કર થઈ ગયું હતું.
વળગાડગ્રસ્ત વ્યક્તિઓ ફાધર એમોર્થ પર અસંખ્ય વખત થૂંકી હતી. તેની વાત કરતાં તેમણે લખ્યું છે કે, “એકવાર હું ગિસેલ નામની ઇટાલિયન સાધ્વીનો વળગાડ દૂર કરવાનો પ્રયાસ કરતો હતો. ગિસેલ નખ ઉપરાંત કાતર જેવી ધાતુની વસ્તુઓ સાથે મારફત મારા પર થૂંકી હતી.”
હા, પાદરી હોય કે સાધ્વી, વળગાડ કોઈને પણ થઈ શકે છે.
ઇટાલિયન પત્રકાર અને અનેક ઍક્ઝોર્સિસ્ટ પુસ્તકોના સહ-લેખક માર્કો તોસાટીના જણાવ્યા મુજબ, ઘણીવાર ફાધર એમોર્થના આખા શરીર પર સંખ્યાબંધ ઈજા પણ થઈ હતી.
‘પોપ્સ ઍક્ઝોર્સિસ્ટ’ ફિલ્મમાં પોતાને રસેલ ક્રોવનું પાત્ર ન ગમ્યું હોવાનું જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, “ફિલ્મમાં તેણે દાઢી રાખી છે, જ્યારે ફાધર એમોર્થે ક્યારેય દાઢી રાખી ન હતી. અલબત, કોઈ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિએ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.”

સોસાયટી ઑફ એક્ઝોર્સિસ્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ફાધર એમોર્થ અદ્ભુત રમૂજવૃત્તિ ધરાવતી વ્યક્તિ હતા. રમૂજ કાયમ તેમની વિશેષતા બની રહી હતી.
એકવાર એક માણસે ફાધર એમોર્થને કહ્યું હતું કે, “હું ભગવાનમાં માનું છું, પણ અનુસરતો નથી.”
તેના જવાબમાં ફાધર એમોર્થે મજાક કરી હતી કે, “રાક્ષસોનું પણ એવું જ છે. તેઓ ભગવાનમાં માને છે, પરંતુ તેને અનુસરતા નથી. બાય ધ વે, નાસ્તિકતા વિશે વાત કરતા ભૂતને હું ક્યારેય મળ્યો નથી,” એવું તેમણે કહ્યું હતું.
ફાધર એમોર્થને વળગાડ-મુક્તિનું કામ કરતા લોકોનું એક સંગઠન બનાવવાનો વિચાર 1991માં આવ્યો હતો. એ ઉપરાંત રોમના ડાયોસિસના એક ઍક્ઝોર્સિસ્ટ તરીકે તેઓ પોતાના નિર્ણયની જાણ ચોક્કસ કાર્ડિનલને કરવા ઇચ્છતા હતા. તેમનું નામ એમણે જાહેર કર્યું નથી.
કાર્ડિનલે તેમને એવો સવાલ કર્યો હતો કે, “તમને આવી વસ્તુઓમાં વિશ્વાસ છે એવું હું વિચારું એ તમે નથી ઇચ્છતા?”
અમોર્થે તેમને કહ્યું હતું કે, “તમારે એક પુસ્તક વાંચવું જોઈએ. તે મદદરૂપ થશે.”
કોર્નેલે તે પુસ્તકનું નામ પૂછ્યું ત્યારે ફાધર અમોર્થે તેમને કહ્યું હતું કે, “ગૂડ ન્યૂઝ.” એ સાંભળીને કોર્નેલને આશ્ચર્ય થયું હતું.
ફાધર અમોર્થે સવાલ કર્યો હતો કે, “ઈસુ ભૂતને ભગાડે છે, એવું ગોસ્પેલ (બાઇબલના ચાર ખંડ પૈકીનો એક) કહે છે તો ગોસ્પેલ પણ અંધશ્રદ્ધા ગણાય?”
ઇન્ટરનેશનલ ઍસોસિએશન ઑફ ઍક્ઝોર્સિસ્ટ્સ(આઇઇએ)ને 2014ની 13 જૂને કૅથલિક ચર્ચ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.
બ્રાઝિલના મોન્સિનોર રુબેલ મિરાગ્લિયા જોની તેના પ્રથમ સભ્યો પૈકીના એક હતા. 2013માં તેમની નિમણૂક ઍક્ઝોર્સિસ્ટ તરીકે કરવામાં આવી હતી. તેના એક વર્ષ પહેલાં તેઓ રોમમાં તાલીમ અભ્યાસક્રમ દરમિયાન ફાધર એમોર્થને મળ્યા હતા.
તે મુલાકાતની વાત કરતાં મોન્સિનોર જોનીએ કહ્યું હતું કે, “તેઓ સંસ્કારી, ખુશખુશાલ અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા.”
જીવનનાં છેલ્લાં વર્ષોમાં ફાધર ગેબ્રિયલ એમોર્થ દિવસમાં સરેરાશ પાંચ વ્યક્તિનો વળગાડ દૂર કરતા હતા. ઘણી વખત એ સંખ્યા 10-15ની થઈ જતી હતી. તેથી તેમણે વળગાડનું કામ ઓછું કરવાનું શરૂ કર્યું હતું.
તેઓ એવું કહેતા થયા હતા કે, “એ કામ માત્ર સોમવારે સવારે 6.30થી 7.30 દરમિયાન જ કરવામાં આવશે. રોમના ડાયોસીસ સાથે સંબંધ ન ધરાવતા લોકોએ તેમના પંથકના બિશપ પાસે જવું પડશે.”
એપ્રિલ 2016માં ફાધર એમોર્થને ક્લાસિક હોરર ફિલ્મ ‘ધ ઍક્ઝોર્સિસ્ટ’ના દિગ્દર્શક વિલિયમ ફ્રીડકિનનો એક સંદેશ મળ્યો હતો. તેમણે વળગાડ-મુક્તિની પ્રક્રિયાના રેકૉર્ડિંગની પરવાનગી માગી હતી. તેમણે તેમની એક ગુપ્ત નોંધમાં લખ્યું હતું કે, “હું ધ ઍક્ઝોર્સિસ્ટનો આભારી છું.”
ફાધર અમોર્થે નોંધ્યું હતું કે, “એ ફિલ્મ અવાસ્તવિક દૃશ્યો સાથે કંઈક અંશે સનસનાટીભરી હોવા છતાં નોંધપાત્ર રીતે સચોટ છે. ફિલ્મ દર્શકો સુધી પહોંચી હતી અને તેની સાથે ઍક્ઝોર્સિસ્ટ્સને લાવી હતી.”
થોડા દિવસ પછી 2016ની પહેલી મેએ (પોતાના મૃત્યુના ચાર મહિના પહેલાં) ફાધર અમોર્થે એમોર્થ ક્રિસ્ટીના નામના એક ઇટાલિયન સ્થપતિને વળગાડ-મુક્તિની પ્રક્રિયાના ફિલ્માંકનની પરવાનગી આપી હતી. નેટફ્લિક્સ પરની દસ્તાવેજી ફિલ્મ ‘ધ ડેવિલ ઍન્ડ ફાધર એમોર્થમાં’ તે જોવા મળે છે.
ફાધર એમોર્થે નોંધ્યું છે કે તેમણે વળગાડમાંથી મુક્ત કરેલા સરેરાશ લોકોમાં 90 ટકા મહિલાઓ હતી. તેનું કારણ તેઓ સમજાવી શક્યા નથી. કદાચ તેમને શંકા હતી કે રાક્ષસ માતા મેરી સામે બદલો લેવા માગતો હતો.
‘મેમરીઝ ઑફ એન ઍક્ઝોર્સિસ્ટ’ નામના પુસ્તક જણાવ્યા મુજબ, વળગાડ- મુક્તિની પ્રક્રિયા સંદર્ભે ફાધર એમોર્થને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે “ઈસુને બદલે હું મધરનું નામ લઉં છું ત્યારે તમે શા માટે વધુ ડરો છો?”
ફાધર એમોર્થે કહ્યું હતું કે, “ઈસુને બદલે એક માણસ સામે પરાજિત થવું મને વધારે શરમજનક લાગે છે.”














