સેક્સ, ડાકુઓ, ભૂત: ભારતની ભુલાઈ ગયેલી 'બી' ગ્રેડ ફિલ્મોની અંદર ડોકિયું

ઇમેજ સ્રોત, AMAZON PRIME VIDEO
- લેેખક, ચેરીલાન મોલ્લન અને મેરીલ સેબાસ્ટીયન
- પદ, બીબીસી ન્યૂઝ

- બોલિવૂડના બગડેલા ભાઈ તરીકે નીચલા દરજ્જે જોવામાં આવતી ભારતીય 'બી' ગ્રેડની ફિલ્મો નજીવા બજેટ અને સાવ ટૂંકી સમયમર્યાદામાં બનાવી નાખવામાં આવતી હતી
- આવી ફિલ્મોમાં મોટેભાગે અજાણ્યા કલાકારો રહેતા અને તેમાં ટૂંકી વાર્તાઓ, દ્વિઅર્થી સંવાદો, અંગ પ્રદર્શન અને સેક્સનો ભપકો ભરેલો રહેતો
- 'બી' ગ્રેડ ફિલ્મની ઈન્ડસ્ટ્રીમાં ચાર દિગ્દર્શકો વિનોદ તલવાર, જે નીલમ, કિશન શાહ અને દિલીપ ગુલાટીની ફિલ્મો હિટ રહી હતી અને તેઓ તેમના ટૂંકા બજેટ અને તેમની ટ્રેડમાર્ક શૈલીમાં ફિલ્મનું નિર્દેશન માટે જાણીતા હતા
- કેટલીકવાર કેટલાક દૃશ્યોમાં બોલિવૂડ સ્ટાર્સને જોડી દેવામાં આવતા અને જે તે દિવસ કામના બદલામાં તેમને રોકડા ચૂકવી દેવાતા હતા
- વિતરકો પ્રેક્ષકોની માંગને ધ્યાનમાં રાખીને આવી ફિલ્મોમાં વધુ ઉત્તેજક દ્રશ્યો ઉમેરવાનું દબાણ કરતા હતા
- સેન્સર બોર્ડ મંજૂરી નહીં આપે એ બીકે નિર્દેશકોએ એવા દૃશ્યો અલગથી શૂટ કર્યા અને સ્ક્રીનીંગ દરમિયાન આ "કટકા" ફિલ્મમાં જોડી દેતા હતા

બોલિવૂડની "બી મૂવીઝ" વિશેની નવી ડોક્યુઝરીઝમાં 'બી' ગ્રેડ ફિલ્મો વિશે દિગ્દર્શક દિલીપ ગુલાટી કહે છે, "ફિલ્મમાં દરેક દૃશ્ય કાં તો તમારા માથાને, તમારા હૃદયને... અથવા કમરની નીચે સ્પર્શવું જોઈએ."
ઘણી વખત બોલિવૂડના બગડેલા ભાઈ તરીકે નીચલા દરજ્જે જોવામાં આવતી ભારતીય 'બી' ગ્રેડની ફિલ્મો નજીવા બજેટ અને સાવ ટૂંકી સમયમર્યાદામાં બનાવી નાખવામાં આવતી હતી. આવી ફિલ્મોમાં મોટેભાગે અજાણ્યા કલાકારો હતા અને ટૂંકી વાર્તાઓ, દ્વિઅર્થી સંવાદો, અંગ પ્રદર્શન અને સેક્સનો ભપકો ભરેલો રહેતો.
આવી ફિલ્મોના સુવર્ણકાળ ગણાતા 1990ના દાયકામાં આ ફિલ્મો જોવા માટે દર્શકોની થિએટરોમાં ભીડ ઉમટી પડતી હતી પરંતુ 2004 આવતા સુધીમાં આવી ફિલ્મોનો ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો હતો.
એમેઝોન પ્રાઇમ પર એક નવી છ-ભાગની દસ્તાવેજી શ્રેણી - 'સિનેમા મરતે દમ તક'માં આવી ફિલ્મો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં આવી ફિલ્મો બનાવવા પાછળના હેતુ અને મુખ્ય પાત્રો, તેનો સમયકાળ અને અંતના કારણોની સમીક્ષા કરવામાં આવી છે.
'બી' ગ્રેડ ફિલ્મની ઈન્ડસ્ટ્રીમાં ચાર દિગ્દર્શકો વિનોદ તલવાર, જે નીલમ, કિશન શાહ અને દિલીપ ગુલાટીની ફિલ્મો હિટ રહી હતી અને તેઓ તેમના ટૂંકા બજેટ, ચુસ્ત સમયરેખા અને તેમની ટ્રેડમાર્ક શૈલીમાં ફિલ્મનું નિર્દેશન માટે જાણીતા હતા.
આ દિગ્દર્શકો દાયકાઓ પછી તેમના હુન્નર પર ફરી હાથ અજમાવે છે. તેઓ તેમના જૂના મિત્રો અને સહયોગીઓને સાથે લઈને તરત જ કામ પર લાગી જાય છે અને તેઓ દર્શકોને 90ના દાયકામાં પાછા લઈ જાય છે.

એક જ સેટમાં કામ તમામ

ઇમેજ સ્રોત, AMAZON PRIME VIDEO
દર્શકોને તેમની મૌત કે પીછે મૌત, કુંવારી ચૂડૈલ અને મૈં હું કુવાંરી દુલ્હન જેવા લચીલા ટાઇટલ સાથેની જૂની ફિલ્મોની ઝાંખી કરાવવામાં આવે.
આ ફિલ્મો એક જ સેટ પર શૂટ કરવામાં આવતી અને દિગ્દર્શકો આર્ટ ડિરેક્ટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર્સ અને ક્યારેક તો અભિનેતાઓ તરીકે કામ કરી લેતા હતા. દિગ્દર્શકના મગજમાં ફિતૂર ચડે તો મોટા પ્રેક્ષકવર્ગને આકર્ષવા માટે ઘણી વખત પ્લોટ બદલીને ફિલ્મોને નામ ભળતું-સળતું નામ આપી દેવામાં આવતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીકવાર કેટલાક દૃશ્યોમાં બોલિવૂડ સ્ટાર્સને જોડી દેવામાં આવતા અને જે તે દિવસ કામના બદલામાં રોકડા ચૂકવી દેવાતા હતા.
કાન્તિ શાહ બી-ગ્રેડ મૂવીઝના ઉત્કૃષ્ટ નિર્માતા હતા અને શ્રેણીનો એક ભાગ છે, તેમણે તેમની ફિલ્મોમાં ગોવિંદા, મિથુન ચક્રવર્તી અને ધર્મેન્દ્રને કેવી રીતે દેખાડ્યા તે વિશે વાત કરે છે.
આવી ફિલ્મોમાં જગ્યા આપવા માટે કોઈપણ બાબતોને સુગાળવી કે નિષેધવાળી ગણવામાં નહોતી આવતી. આવી ફિલ્મોમાં ડાકુની ગેંગમાં પુરૂષ માલિશ કરનારાઓની ભરતી કરવાની વાત હોય કે પછી દાસીઓ સાથે સંભોગ કરતા લિંગ બદલતા ભૂત હોય... બધું આવતું.
ફિલ્મ સંશોધક અસીમ ચંદાવર ખૂની ડ્રેક્યુલા નામની એક ફિલ્મ યાદ કરે છે, જેમાં એક પિચાશ ઝૂંપડપટ્ટીમાંથી પસાર થાય છે અને ખુલ્લામાં નહાતી સ્ત્રી સાથે સેક્સ કરે છે.
"મુખ્ય પ્રવાહની ફિલ્મમાં જો ભૂત લોકો સાથે સેક્સ કરતું બતાવવામાં આવે તો પણ તે કમસે કમ કોઈ સારા સ્થાને કે બાથટબમાં બતાવવામાં આવે. પરંતુ આ દિગ્દર્શકો તેમના પ્રેક્ષકોની વાસ્તવિકતા જાણતા હતા અને તેને સ્ક્રીન પર બતાવવામાં શરમાતા ન હતા."

થિએટરમાં "કટકા" જોડી દેવાતા

ઇમેજ સ્રોત, AMAZON PRIME VIDEO
આ ફિલ્મો દર્શાવતા સિનેમા ઘરો એટલા ભરાઈ જતા કે લોકોને બેસવા માટે વધારાની ખુરશીઓ ઉમેરવી પડતી. પ્રેક્ષકો મોટાભાગે ટુક-ટુક અને ટેક્સી ડ્રાઇવરો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, મજૂરો જેવા ભારતના મજૂર વર્ગના હતા. આ મજૂરો નાના નગરોમાં રહેતા અને કાળી મજૂરી કરીને પણ ઘણીવાર લઘુત્તમ વેતન કરતાં ઓછી મજૂરી મેળવતા હતા.
તેમના માટે, આ ફિલ્મોએ તેમના અંધકારમય રોજિંદા જીવનમાં મનોરંજન પુરૂ પાડ્યું. બે-અઢી કલાક માટે સિનેમા હૉલના ઝાંખા પ્રકાશમાં તેઓ તેમને ઉત્તેજિત અને રોમાંચિત કરતી આવી ફિલ્મોમાં પોતાની જાતને ભૂલી જતા.
આ શ્રેણીની ફિલ્મો સાથે દુર્વ્યવહાર પણ થતો જે આવી "ઓછા-બજેટની હોરર ફિલ્મો" સાથેના જોડાણને કારણે તેમાં કામ કરનારા લોકોને સામનો કરવો પડતો. તેઓને મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં અથવા વધુ ગંભીર ગણાતી ભૂમિકાઓમાં કામ મળવું મુશ્કેલ બનતું. ફિલ્મો ઘણીવાર સેન્સર બોર્ડમાં અટવાઈ જતી.
વિતરકો પ્રેક્ષકોની માંગને ધ્યાનમાં રાખીને આવી ફિલ્મોમાં વધુ ઉત્તેજક દૃશ્યો ઉમેરવાનું દબાણ કરતા હતા. પરંતુ સેન્સર બોર્ડ મંજૂરી નહીં આપે એ બીકે નિર્દેશકોએ એવા દૃશ્યો અલગથી શૂટ કર્યા અને સ્ક્રીનીંગ દરમિયાન આ "કટકા" ફિલ્મમાં જોડી દેતા હતા.
આમાં લોચો પણ થઈ જતો. જેમકે એક થિએટરે ભાઈ-બહેનના સીનમાં વચ્ચે સેક્સ સીન ચડાવી દીધો તો દર્શકોએ થિએટર માથે લીધું. ભારે હોબાળો મચી ગયો અને પોલીસે આ ફિલ્મો પર કડક કાર્યવાહી શરૂ કરી. 2004 સુધીમાં, 'બી' ગ્રેડ ફિલ્મોના ઉદ્યોગનો મૃત્યુઘંટ આવ્યો અને એ સાથે સેંકડો લોકોની આજીવિકા છીનવાઈ ગઈ.
આ "'બી' મૂવીઝનો સુવર્ણ યુગ" ભલે આથમી ગયો, તેમનો વારસો ચાહકો, મીમ્સ, સ્પૂફ્સ અને જોક્સ રૂપે આજેય જીવંત છે.
તેમણે પોસ્ટર આર્ટને પણ પ્રેરિત કરી છે અને તેમના દ્વિઅર્થી શીર્ષકોએ પણ પ્રેરણા પૂરી પાડી છે. ફિલ્મ સમીક્ષક વિભૂષણ સુબ્બા કહે છે કે આ ફિલ્મો તેમની "વિચિત્ર ચાતુર્ય, નિયમભંગની ગુણવત્તા અને અતિશય અંગ પ્રદર્શન"ને લઈને યાદ રહી ગઈ છે અને આ ફિલ્મોએ એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













