સુદાનમાં એક ગુજરાતી વેપારીએ 150 વર્ષ પહેલાં ખોલ્યો હતો ધંધાનો રસ્તો, હવે ત્યાં શું કરે છે ભારતીયો?

ઇમેજ સ્રોત, PRABHU S
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
બે જૂથોની લડાઈમાં આફ્રિકન દેશ સુદાનનો મોટો હિસ્સો ફસાયેલો છે. આફ્રિકા અને ગુજરાતી વેપારીઓનો સંબંધ સેંકડો વર્ષો જૂનો છે.
તેલ અને સોનાના ભંડારથી છલોછલ સુદાન કેટલાય સમયથી હિંસામાં સપડાલો છે અનને હાલ ત્યાં બે સૈન્યજૂથો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સુદાનમાં રહેતા ભારતીયોની પણ કફોડી સ્થિતિ થઈ છે.
“અમને ભારત સરકાર પાસેથી સંદેશ મળ્યો છે કે અમારી વાપસીનો બંદોબસ્ત થઈ ગયો છે, પરંતુ અમારી પાસે હજુ કોઈ મદદ પહોંચી નથી.”
આ શબ્દો પ્રભુ એસ કેના છે, જે સુદાનના અલફશરમાં ફસાયેલા છે.
વૉટ્સએપ કૉલ પર બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “હું મારા ગામમાં ગરમ મસાલો વેચવા, પ્લાસ્ટિક, કાપડમાંથી બનેલા ફૂલો વેચવાનું કામ કરતો હતો, પરંતુ તે ચાલ્યો નહીં. મારા ગામમાંથી લોકો સુદાનમાં ગયા હતા અને તેઓએ કહ્યું કે તેઓ ત્યાં આયુર્વેદિક દવાઓ વેચવાનું કામ કરે છે. ત્યારબાદ હું મારા પત્ની સાથે અહીં આવી ગયો છું.”
પ્રભુ કર્નાટકના ચન્નાગિરીમાંથી આવે છે અને 10 મહિના પહેલાં જ સુદાનમાં આવ્યા છે.
તેઓ જણાવે છે કે, “હું પણ આયુર્વેદિક દવા વેચું છું. હું દવાઓ વિશે જાણું છું. અમે શુગર, ગૅસ, માથાનો દુખાવા માટે દવા અને વાળ માટે તેલ પણ બનાવીએ છીએ.”
પ્રભુએ વધુમાં ઉમેર્યું હતું કે, “મકાન માલિક આવ્યા છે અને તેઓ અમને અહીંથી નીકળવા માટે કહી રહ્યા છે.”
તેઓ ચિંતા વ્યક્ત કરતા કહે છે કે, “બસ આવશે, એવા જ અમે અહીંથી નીકળી જઈશું. અહીં અમારા જ ગામના 50થી વધુ લોકો છે. જો બસમાં બે ગાર્ડ હશે, તો સારું રહેશે. કારણ કે લૂટના મામલા સામે આવી રહ્યા છે.”
ઉત્તર પૂર્વી આફિક્રામાં વસેલા સુદાનમાં અર્ધસૈનિક દળ રૅપિડ સપોર્ટ ફોર્સ (આરએસએફ) અને સેના વચ્ચે યુદ્ધ જારી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું છે કે ત્યાં વસેલા ભારતીયોને લઈને પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.
તેઓએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “આઈએનએસ સુમેધા 278 લોકો સાથે સુદાન પોર્ટથી જેહાદ માટે રવાના થઈ ચૂક્યા છે.”

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે આ જાહેરાત કરી હતી કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ઑપરેશન કાવેરી જારી છે.
સુદાનના બંદરગાહ પર 500 ભારતીય પહોંચી ગયા છે, અન્ય બીજા લોકો પણ રસ્તામાં છે. અમારું જહાઝ અને એર ક્રાફ્ટ તેમને લાવવા માટે તૈયાર છે.
જાણકારી અનુસાર, સુદાનના અલગ-અલગ વિસ્તારોમાં 300 ભારતીય ફસાયેલા છે.
આ લોકોમાં 180થી વધુ લોકો કર્ણાટકની હક્કી-પિક્કી જનજાતિના છે.
પ્રભુ એસ પણ આ જ જનજાતિમાંથી આવે છે.
આ જનજાતિ ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગોના ખાસ કરીને જંગલ વિસ્તારમાં વસે છે. આ જનજાતિ પક્ષી પકડવા અને શિકાર કરવાનું કામ કરે છે.
બેંગુલુરમાં હાજર સ્થાનિક પત્રકાર ઇમરાન કુરેશી જણાવે છે કે, આ જનજાતિના લોકો પહેલા પક્ષી પકડવાનું કામ કરતા હતા, પરંતુ તેની પર પ્રતિબંધ લાગ્યા બાદ તેઓ પગમાં દુખાવો, ગૅસ વગેરે જેવી સમસ્યાઓ માટે જડી-બુટ્ટીઓ અને વૃક્ષોમાંથી દવા, તેલ કાઢવાનું કામ કરવા લાગ્યા છે.
તેમના અનુસાર, “આ જનજાતિના લોકો તેમનો સામાન આફ્રિકાના દેશોં, સિંગાપુર અને મલેશિયામાં વેચે છે.”

ભારત અને સુદાન વચ્ચે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતથી સૌપ્રથમ લવચંદ અમરચંદ શાહ નામના વેપારી 1860ના દાયકાની શરૂઆતમાં ભારતીય માલસામાન લઈને સુદાનમાં ધંધો કરવા માટે પહોંચ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર તેઓ યમનના અદેનમાં વેપાર કરતા હતા પરંતુ યમનમાં સંકટ દેખાતાં સુદાન તરફ આકર્ષાયા. સુદાનની ફળદ્રુપ જમીન અને વેપારની સંભાવનાઓ તરફ આકર્ષાઈને તેમણે પોતાના સંબંધીઓને ખારતૂમ જવા માટે મનાવ્યા.
ખારતૂમમાં સુદાનના દૂતાવાસ અનુસાર જ્યારે તેમનો ધંધો વિકસ્યો ત્યારે તેઓ સૌરાષ્ટ્રથી પોતાના સંબંધીઓને લઈને આવ્યા અને આ સિલસિલો આગળ વધતો હયો. આ રીતે સુદાનમાં ગુજરાતીઓનો સમુદાય વધતો ગયો.
સુદાનમાં 150 વર્ષોથી ભારતના લોકો વસેલા છે. અને અનેક આફ્રિકન દેશોની જેમ સુદાનમાં પણ ગુજરાતીઓ સહિત અનેક ભારતીય રાજ્યોના લોકો સુદાનમાં પણ વેપાર-ધંધા ચલાવે છે.
વિદેશ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1935માં ઇંગ્લૅન્ડ જવાના રસ્તે મહાત્મા ગાંધી પણ પોર્ટ સુદાન પર રોકાયા હતા જ્યાં ગુજરાતી સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. 1938માં પંડિત જવાહરલાલ નેહરુ પણ ત્યાં પહોચ્યા હતા અને છોટાલાલ સામજી વિરાણી નામના ગુજરાતીના ઘરે તેમનો સ્વાગત સમારંભ યોજાયો હતો.
સુદાનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા દીપક વોહરા જણાવે છે કે ભારતીયોની સુદાનમાં શાખ છે અને આ દેશના લોકો ભારતીય પર ઘણો વિશ્વાસ પણ કરે છે.
તેઓ વર્ષ 2005થી વર્ષ 2010 સુધી ત્યાં રાજદૂત રહી ચૂક્યા છે.
તેઓ જણાવે છે કે, “હું બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છું. વર્ષ 2005માં જ્યારે સુદાનમાં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે શાંતિ સમાધાન થયું, ત્યારે એ સમયે ભારત સરકાર તરફથી સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક દળ અંતર્ગત ભારતીય સૈન્ય પણ ત્યાં પહોંચ્યું હતું. તેમજ વર્ષ 2011માં દક્ષિણ સુદાન અલગ થઈ ગયું હતું.”
સુદાનના ઘણા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઇલાજ માટે ભારત પણ જાય છે.
આવી સ્થિતિમાં સુદાનમાં લોકોમાં એવો વિશ્વાસ છે કે ભારતીય મેડિકલ સાયન્સ બાબતે અત્યંત અનુભવી છે.
સુદાનમાં ભારતીયો દ્વારા આયુર્વેદિક દવાઓ વેચવાના સવાલ અંગે તેઓ કહે છે કે, “અહીં આયુર્વેદ ઘણો પ્રસિદ્ધ છે અને ત્યાંના લોકો ભારતીયો પર વિશ્વાસ પણ કરે છે. આવી સ્થિમાં ભારતીય આયુર્વેદ ઉત્પાદનો સાથે આ લોકો ત્યાં ગયા હશે.”
દીપક વોહરા જણાવે છે કે, “દારફુરની સ્થિતિ તો ઘણી ખરાબ છે, કારણ કે ત્યાં જંગ ચાલતો રહે છે. આવી સ્થિતિમાં ભારતીયો ત્યાં કેમ જાય છે એ વાતની ખબર નથી. પરંતુ એવું કહેવાય છે કે તેઓ આયુર્વેદનાં ઉત્પાદનો વેચવા માટે જાય છે, તો એ પણ શક્ય છે કે સુદાનમાં પણ સ્વાસ્થ્ય સેવા ખોરવાઈ ગઈ છે અને ત્યાં આયુર્વેદનું ચલણ છે.”
તેઓ પોતાની વાતને આગળ વધારતાં કહે છે કે આયુર્વેદની દવાઓ માટે તમને હૉસ્પિટલની જરૂર નથી હોતી અને દવાઓ પણ તમને ઘરે જ મળી શકે છે અને કદાચ એટલે જ ભારતીયો સુદાન જાય છે.

સુદાનમાં ભારતીય અને વેપાર

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ રાજદૂત દીપક વોહરા જણાવે છે કે ત્યાં વસેલા ભારતીયો નિકાસનું કામ વધુ કરે છે.
દીપક વોહરા અનુસાર, “ત્યાં વસેલા ભારતીયો પોતાની દુકાનો માટે પોતાના દેશ અને ચીનથી ઉપભોક્તા વસ્તુ, કપડાં વગેરે ખરીદે છે અને વેચે છે. પરંતુ તેઓ અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં નથી અને તેમની ત્યાં ઘણી ઇજ્જત પણ છે.”
રિપબ્લિક ઑફ સુદાનમાં મોટા ભાગે ગુજરાતીઓ વસે છે અને રાજદૂત પ્રમાણે ત્યાં 70 ટકા લોકો ગુજરાતી છે.
તેમજ રિપબ્લિક ઑફ દક્ષિણ સુદાનમાં ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી આવીને લોકો વસેલા છે.

સુદાનમાં શું ચાલી રહ્યું છે?
- સુદાનમાં અર્ધસૈનિક બળ ‘રેપિડ સપોર્ટ ફોર્સ’ (આરએસએફ) અને ત્યાંની સેના સામસામે આવી ગયાં છે
- આ સંઘર્ષમાં અત્યાર સુધી 400 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે
- આ લડાઈ શરૂ થયાને દસ દિવસનો સમય વીતી ચૂક્યો છે
- 15 એપ્રિલે તેની શરૂઆત થઈ હતી
- સંઘર્ષના કેન્દ્રમાં બે જનરલ સુદાની આર્મ્ડ ફોર્સિસ (એફએએસ)ના પ્રમુખ અબ્દેલ ફતહ અલ બુરહાન અને અર્ધસૈનિક બળ રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ)ના લીડર મોહમ્મદ હમદાન દગાલો છે, જેમને હેમેદતી તરીકે પણ કહેવામાં આવે છે
- એક સમયે બંનેએ સાથે મળીને કામ કર્યું હતું અને દેશમાં તખતાપલટની કાર્યવાહી કરવામાં બંનેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
- હવે સુદાનમાં દબદબા માટે બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે.

ઑઇલ અને સોનાના ભંડાર

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો અનુસાર જે દેશોમાં ઑઇલના ભંડાર હોય છે, ત્યાં લોકોને વધુ પ્રમાણમાં આર્થિક સંભાવનાઓ જોવા મળે છે.
જોકે, સુદાનની આર્થિક સ્થિતિ વિશે વાત કરાય તો વાર્ષિક પ્રતિ વ્યક્તિ આવક 700 ડૉલર છે.
ભૂતપૂર્વ રાજદૂત દીપક વોહરા જણાવે છે કે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં તેઓ ઘણું ફર્યા છે.
તેઓ કહે છે કે, “ભારતના લોકો સુદાન એટલા માટે પણ જાય છે, કારણ કે ત્યાં 1970ના મધ્ય ભાગમાં ઑઇલ મળી આવ્યું હતું. જે બાદ દેશના અર્થતંત્રમાં ઘણો વિકાસ થયો અને ભારતથી ઓએનજીસીના પ્રૉફેશનલો ત્યાં વર્ષ 1990માં ગયા હતા. દક્ષિણ સુદાન આઝાદ થયું ત્યારે પણ ઘણા ભારતીયો ત્યાં ગયા હતા.”
વર્ષ 2011માં દક્ષિણ સુદાન આઝાદ થયું હતું અને 80 ટકા ઑઇલ ત્યાં જતું રહ્યું હતું. સરકારી આંકડા અનુસાર માત્ર 2022માં જ સુદાને 41.8 ટન સોનાની નિકાસથી લગભગ અઢી અબજ ડૉલરની કમાણી કરી હતી.
સુદાન સંકટ વિશે બારીક જાણકારી ધરાવતા ઍક્સપર્ટ શેવિટ વોલ્ડમાઇકલે બીબીસીને જણાવ્યું કે, “આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દેશ માટેની ખાણો જ આવકનો મુખ્ય સ્રોત છે અને આ સંઘર્ષ સમયે વ્યૂહરચનાત્મક દૃષ્ટિએ તેનું મહત્ત્વ વધી ગયું છે.”
ભૂતપૂર્વ રાજદૂત દીપક વોહરા બીબીસી સાથેની વાતચીતમાં વિશ્વાસ અપાવતા કહે છે કે આ પહેલાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે ઑપરેશન ગંગા શરૂ કર્યું હતું જે અંતર્ગત હજારોની સંખ્યામાં ભારતીયોને સુરક્ષિત પરત લવાયા હતા.
તેઓ જણાવે છે કે ભારતે આવાં ઘણાં સફળ ઑપરેશન હાથ ધર્યાં છે, જેમાં ન માત્ર ભારતીય નાગરિકોને પરંતુ બીજા દેશોના લોકોને પણ અસરકારક રીતે દેશોમાંથી કાઢવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢી લેવાશે.










