સુદાનમાં હિંસક પ્રદર્શનો અને કેટલાંય મૃત્યુ, સૈન્યબળવા માટે કોણ જવાબદાર?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુદાનની સેનાએ દેશના નાગરિક શાસનને ભંગ કરી દીધું છે અને રાજનેતાઓની ધરપકડ કરી છે, આ સાથે જ કટોકટી લાદી દીધી છે.

નાગરિક તથા સૈન્યનેતાઓની સંયુક્ત સમિતિના વડા જનરલ અબ્દીલ ફતેહ બુરહાનનું કહેવું છે કે રાજનેતાઓની આંતરિક લડાઈને કારણે તેમને આ પગલું લેવું પડ્યું છે.

સુદાન

ઇમેજ સ્રોત, Getty Images

રાજધાની ખાર્તૂમ ખાતે કેટલાક દેખાવકારો રસ્તા ઉપર ઊતરી આવ્યા છે, આ સિવાય ગોળીબારના અવાજ પણ સાંભળવા મળ્યા છે.

સુદાન પર લાંબાગાળાથી ઓમર અલ-બશીરનું શાસન હતું. બે વર્ષ પહેલાં સૈન્ય અને નેતાઓએ મળીને સત્તાપરિવર્તન કર્યું હતું અને હંગામી સંક્રાંતિકાળ સરકારની સ્થાપના કરવામાં આવી હતી.

સુદાન અગાઉથી જ આર્થિક સંકટમાં સપડાયેલું છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક મદદથી તે બેઠું થવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સેના દ્વારા તખતાપલટ બાદ તેમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

line

શું થઈ રહ્યું છે સુદાનમાં?

સેનાના સમર્થનમાં રાષ્ટ્રપતિ મહેલની બહાર બેઠેલા દેખાવકારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેનાના સમર્થનમાં રાષ્ટ્રપતિ મહેલની બહાર બેઠેલા દેખાવકારો

જનરલ બુરહાને ટેલિવિઝન મારફત દેશને સંબોધિત કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકારણીઓની મહત્ત્વકાંક્ષા, રાજકારણીઓનાં આંતરિકકલહ અને હિંસા માટેની ઉશ્કેરણીને કારણે તેમને દેશની સલામતી તથા "ક્રાંતિને આડા પાટે ચડતી અટકાવવા" માટે દખલ દેવાની ફરજ પડી છે.

સેના દ્વારા વડા પ્રધાન અબ્દુલ્લાહ હામદોકને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક નેતાઓ, કૅબિનેટના મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણમંત્રાલયે ફેસબુક પર મૂકેલા નિવેદનમાં જણાવ્યું છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે, તેમને "અજાણ્યાસ્થળે" રાખવામાં આવ્યા છે.

જનરલ બુરહાનનું કહેવું છે કે સુદાન "આંતરરાષ્ટ્રીય કરારો"થી બંધાયેલું છે અને અગાઉથી નિર્ધારિત સમયમર્યાદા મુજબ જુલાઈ-2023માં ચૂંટણી યોજવામાં આવશે તથા નાગરિક સરકારને સત્તાનું હસ્તાંતરણ કરી દેવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન તથા આરબ સંઘે સુદાનમાં તાજેતરના ઘટનાક્રમ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. ખાર્તૂમ ઍરપૉર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે તથા આંતરરાષ્ટ્રીય ઉડ્ડાણો ઠપ થઈ ગઈ છે.

કથિત રીતે વડા પ્રધાન હામદોકને કહેવામાં આવ્યું હતું કે તેઓ સૈન્યસરકારને સમર્થન જાહેર કરે, પરંતુ તેમણે એમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને લોકશાહીની ફરીથી સ્થાપના કરવા આહ્વાન કર્યું હતું.

સેના દ્વારા ટીવી તથા રેડિયોમથકો ઉપર કબજો કરી લેવામાં આવ્યો હોય તેમ જણાય છે, જ્યારે ઇન્ટરનેટ પર પણ નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં છે.

line

'આ તો થવાનું જ હતું'

સુદાન

ઇમેજ સ્રોત, AFP

બીબીસીના વરિષ્ઠ આફ્રિકા સંવાદદાતા એની સોયના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ખાર્તૂમમાં તણાવ પ્રવર્તમાન હતો તથા સેના દ્વારા સત્તા પર કબજો કરી લેવાશે તેની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી.

આ માટેના સંકેત પણ સ્પષ્ટ હતા. રાષ્ટ્રપતિના મહેલની સામે સેના દ્વારા સત્તા પર કબજો કરવામાં આવે તેવી માગ સાથે પ્રદર્શન કરી રહેલાઓને હઠાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં નહોતા આવી રહ્યા. તેમની માગ હતી કે નાગરિક સરકાર નિષ્ફળ રહી છે એટલે સેના દ્વારા સત્તાની ધૂરા સંભાળવામાં આવે.

એક અઠવાડિયા પછી રાજધાનીમાં લોકશાહી સરકારની તરફેણમાં દેખાવો થયા, જેના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા.

લોકશાહીનું સમર્થન કરનારાઓએ 'સેના દ્વારા કરાયેલા બળવાના વિરોધ'માં વધુ મોટા દેખાવોનું આહ્વાન કર્યું હતું, જેને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.

હાલમાં સૉવરિન કાઉન્સિલને ભંગ કરી દેવામાં આવી છે તથા કૅબિનેટને પણ ભંગ કરી દેવામાં આવી છે.

line

સુદાનની શેરીઓમાં સંઘર્ષ શા માટે?

સુદાન

ઇમેજ સ્રોત, Getty Images

1989થી 2019 સુધી સુદાનની ઉપર ફિલ્ડમાર્શલ ઓમર અલ-બશીરનું સરમુખત્યારશાહી શાસન હતું. તેઓ સૈન્યઅધિકારી હતા.

2019માં સેના દ્વારા અલ-બશીરને પદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. અલ-બશીર પર ભ્રષ્ટાચાર તથા યુદ્ધ સમયે અત્યાચાર આચરવાના આરોપ છે અને તેમની સામે કેસ ચાલી રહ્યા છે.

સેના દ્વારા સત્તા સંભાળ્યા બાદ લોકશાહીના સમર્થનમાં થયેલા વ્યાપક દેખાવોને કારણે સેનાને સમાધાન કરવાની ફરજ પડી હતી અને લોકશાહીના સમર્થકોને પણ સાથે લેવા પડ્યા હતા.

લોકશાહી સમર્થકોએ 'ફોર્સિઝ ફૉર ફ્રિડમ ઍન્ડ ચેન્જ'ના નામે હંગામી ગઠન કર્યું હતું. બંને જૂથો દ્વારા સાથે મળીને સૉવરિન કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું હતું.

જોકે, બંને જૂથોના વિચાર, વિચારધારા અને શાસન અંગે વલણની બાબતમાં વ્યાપક વિરોધાભાસ હતા.

સંક્રાંતિ સરકારમાં રહેલા સૈન્યનેતાઓ દ્વારા નાગરિક મંત્રીઓને હઠાવવાની માગ કરવામાં આવી હતી. જોકે, નાગરિક નેતાઓએ તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, કારણ કે તેમને લાગતું હતું કે આ સત્તાને પચાવી પાડવા માટેનો પ્રયાસ છે.

વર્ષ 2019થી અનેક વખત સેના દ્વારા સત્તાને પચાવી પાડવાના પ્રયાસ થયા હતા, જેમાંથી તાજેતરનો પ્રયાસ ગત મહિને જ થયો હતો.

વડા પ્રધાન હામદોકે આરોપ મૂક્યો હતો કે સેના, સુરક્ષાબળો તથા અન્ય સંસ્થાઓમાં રહૈલા સૈન્યઅધિકારીઓએ આ બળવાનો પ્રયાસ કર્યો હતો.

સૈન્યશાસનની હિમાયત કરનારા દેખાવકારોનું કહેવું હતું કે વડા પ્રધાન હામદોક દેશને ફરી પાટે ચઢાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

line

હવે શું થઈ શકે છે?

સુદાન

ઇમેજ સ્રોત, RASD SUDAN NETWORK/HANDOUT/ANADOLU AGENCY VIA GETT

સુદાનને તેના અર્થતંત્રને ધબકતું રાખવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતા તથા સમર્થનની જરૂર છે. સેના દ્વારા સત્તા પર કબજો કરી લેવાથી આ પ્રયાસોને આંચકો લાગશે તથા તેને માન્યતા મળવામાં સમય લાગશે.

જનરલ બુરહાને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ 2023માં ચૂંટણી યોજવાની વાત કરી છે, પરંતુ એ વાત પર વિશ્વાસ કરવો આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મુશ્કેલ હશે.

હામદોકે લોકશાહી સમર્થકોને રસ્તા ઉપર ઊતરવા તથા શાંતિપૂર્ણ રીતે લોકશાહીની સ્થાપના માટે પ્રયાસો કરવા માટે અપીલ કરી છે.

ખાર્તૂમમાંથી મળી રહેલા અહેવાલો અને ત્યાંથી આવી રહેલાં વીડિયો અને તસવીરોને જોતાં લાગે છે કે ત્યાં લોકશાહી-સમર્થકો દ્વારા પ્રદર્શનો કરાઈ રહ્યાં છે.

રાજધાનીમાં મોટા પાયે સેના ખડકી દેવામાં આવી છે તથા નાગરિકોની અવરજવનર પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યાં છે.

1956માં સુદાન આઝાદ થયું, ત્યારથી અહીં સ્થિર રાજકીયવ્યવસ્થા ઊભી નથી થઈ શકી. સેના દ્વારા બળવા તથા બળવાના પ્રયાસ થતાં રહે છે.

2019માં સેના દ્વારા સત્તાનાં સૂત્રો સંભાળવામાં આવ્યાં, તે પહેલાં લોકશાહી સમર્થકો દ્વારા વ્યાપક દેખાવો કરવામાં આવ્યા હતા, જેને દબાવવા માટે સેના દ્વારા રાજધાની ખાર્તૂમમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ ગોળીબારમાં ઓછામાં ઓછા 87 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં હતાં. બંને પક્ષો જ્યારે સામ-સામે હશે ત્યારે એ યાદો બંનેના માનસપટ ઉપર તાજી હશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો