એ દેશ જે હજારો ગેરકાયદે પ્રવાસીઓને યુરોપમાં ઘુસાડી રહ્યો છે

    • લેેખક, પૉલ એડમ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

યુરોપિયન યુનિયને મૂકેલા પ્રતિબંધો સામે બદલો લેવા માટે બેલારુસ માઇગ્રન્ટ ટુરિસ્ટને વિઝા આપીને તેમને સરહદ પાર યુરોપના દેશોમાં ઘૂસવા માટે મદદરૂપ થઈ રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. પ્રવાસીઓના એક જૂથે આ રીતે જર્મનીમાં જવાની કોશિશ કરી તેનું પગેરું બીબીસીએ મેળવ્યું.

મોબાઇલ ફોનના કૅમેરાને ડાબેથી જમણે ફેરવવામાં આવ્યો, પણ કોઈએ કશી હલચલ કરી નહીં. વૃક્ષો વચ્ચે થાકીને લોથ થઈ ગયેલા પ્રવાસીઓ એમ જ બેઠા રહ્યા.

જમીલ માથું પકડીને બેઠો છે. તેમનાં બેગમ રોશિન પણ બાજુમાં ઢળેલાં છે. બીજા લોકો તો સાવ જ નિષ્પ્રાણ હોય તેમ પડેલા છે.

જંગલમાં સાંજનું થોડું અજવાળું પથરાયેલું છે, જેની વચ્ચે પાઇન વૃક્ષો જાણે કુદરતી કેદખાનું બનીને ઊભાં હોય તેવાં લાગી રહ્યાં છે. સવારના ચાર વાગ્યાથી આ લોકો ચાલી રહ્યા હતા.

શરણાર્થી

ઇમેજ સ્રોત, Bestgreenscreen

ઇમેજ કૅપ્શન, રાજકીય અસ્થિરતા, દમનનો ભય અને રોજગારીના અભાવને કારણે લોકો વિદેશ જતા હોય છે, પરંતુ આ વખતે આ લોકોએ તદ્દન નવો રૂટ લીધો છે.

જમીલનો પિતરાઈ ઇદ્રીસ ઉદાસ સ્વરોમાં કહે છે, "અમે સાવ ભાંગી પડ્યા છીએ, સાવ જ."

સીરિયાના મિત્રોનું આ જૂથ ગાઢ ઝાડીઓ અને ગંધાતાં પાણીનાં ખાબોચિયાં વચ્ચેથી પસાર થઈને અહીં પહોંચ્યું છે.

તેમણે એક દાણચોરને મળવાનું હતું, પણ તે હજી સુધી આવ્યો નથી. તેમની પાસેની ભોજનસામગ્રી અને પાણી પણ હવે ખૂટવાં આવ્યાં છે.

ઠંડી લાગી રહી છે, પણ આ સીરિયન લોકો તાપણું કરવાની હિંમત કરી શકે તેમ નથી. બેલારુસની સરહદ પાર કરીને તેઓ પૉલૅન્ડમાં ઘૂસી આવ્યા છે, અને તે રીતે આખરે યુરોપિયન યુનિયનની સરહદમાં પહોંચી ગયા છે. પણ હજી સલામત સ્થિતિ આવી નથી.

બેલારુસની મદદથી આવા હજારો લોકો પોલૅન્ડ, લિથુઆનિયા અને લાતિવિયામાં ઘૂસી આવ્યા છે, પણ મોટા ભાગના લોકોને અટકમાં લઈ લેવાયા છે. પોલૅન્ડનાં જંગલોમાં ભારે ઠંડીને કારણે સાતેક જણનાં મોત પણ થઈ ચૂક્યાં છે.

ઇદ્રીસ અને તેમના મિત્રોએ ગત સપ્ટેમ્બરમાં ઉત્તર ઇરાકમાંથી પોતાની સફર શરૂ કરી ત્યારથી અમે તેમનું પગેરું દબાવી રહ્યા છીએ. ઇદ્રીસે પોતાના ફોનમાં આ સફરને કંડારતા રહ્યા છે અને સમયાંતરે અમને વીડિયો મોકલતા રહ્યા છે.

આ જૂથ સીરિયાના કુર્દ લોકોનું છે. મોટા ભાગના તેમની વીસીમાં છે અને સારા ભવિષ્ય માટે યુરોપમાં સ્થાયી થવા માગે છે. 2014માં ઇસ્લામિક સ્ટેટ અને કુર્દ લડાકુઓ વચ્ચે જ્યાં ભારે લડાઈ થઈ હતી તે કોબાને વિસ્તારમાંથી આ લોકો નીકળ્યા છે.

આ રીતે લોકો વતન છોડીને નીકળી રહ્યા છે તે નવું નથી. રાજકીય અસ્થિરતા, દમનનો ભય અને રોજગારીના અભાવને કારણે લોકો વિદેશ જતા હોય છે, પરંતુ આ વખતે આ લોકોએ તદ્દન નવો રૂટ લીધો છે.

line

બેલારુસે રસ્તો ખોલ્યો

ઇદરીસ જંગલમાં વીડિયો રેકૉર્ડ કરી લે છે
ઇમેજ કૅપ્શન, ઇદ્રીસ જંગલમાં વીડિયો રેકૉર્ડ કરીને મોકલતા હતા

ઇદ્રીસ કબૂલે છે કે બેલારુસમાંથી સલામત રીતે યુરોપ જવાની તક મળી તેના કારણે જ તેમણે આ જોખમ લીધું છે.

બેલારુસના આપખુદ શાસક ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોએ પોતાના દેશમાંથી યુરોપમાં ઘૂસવાનો એક નવો જ રસ્તો આ રીતે ખોલી આપ્યો છે.

યુરોપમાં જવા માટે આ માર્ગ કેમ લીધો તે વિશે પૂછ્યું ત્યારે ઇદ્રીસે મને જણાવ્યું કે "યુરોપિયન યુનિયન સાથે બેલારુસનો ઝઘડો ચાલે છે. એટલે બેલારુસના પ્રમુખે યુરોપ સાથેની પોતાની સરહદને મોકળી મૂકી દીધી છે."

આ વર્ષની શરૂઆતમાં લુકાશેન્કોએ ચેતવણી આપી હતી, તેની વાત જ ઇદ્રીસ કરી રહ્યા છે.

લુકાશેન્કોએ ચેતવણી આપી હતી કે તેઓ યુરોપિયન યુનિયનના દેશોમાં વસાહતીઓ ઘૂસી જાય કે ડ્રગ્ઝની દાણચોરી થાય તો તેને અટકાવશે નહીં.

line

બેલારુસ પર પ્રતિબંધો

2014 કોબનમાં ભારે યુદ્ધમાં તબાહ થયેલી ઇમારત
ઇમેજ કૅપ્શન, 2014 કોબનમાં ભારે યુદ્ધમાં તબાહ થયેલી ઇમારત

યુરોપિયન યુનિયને એક પછી એક પ્રતિબંધો બેલારુસ પર લગાવ્યા છે, તેનાથી બેલારુસના પ્રમુખ ભડક્યા છે. 2020માં વિવાદાસ્પદ સંજોગોમાં પ્રમુખની ચૂંટણી થઈ અને તે પછી રાજકીય હરિફો સામે કાર્યવાહી થઈ રહી છે તેના કારણે પ્રતિબંધો લાગ્યા છે.

ટીકા કરનારા પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડ જે વિમાનમાં હતાં, તે રાયનઍરનું વિમાન પરાણે ડાઇવર્ટ કરાયું તેના કારણે પણ પ્રતિબંધો લાગ્યા હતા.

પડોશી લુથિઆનિયાના અધિકારીઓ કહે છે કે માર્ચ મહિનાથી જ આ ચેતવણી સાચી પડી રહી હોય તેવું દેખાવા લાગ્યું છે.

લિથુઆનિયાના ગૃહવિભાગના નાયબમંત્રી કેસ્તુસીસ લૅન્કિસ્કાસે અમને જણાવ્યું કે "ઇરાકના 'પ્રવાસીઓ' માટે વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવાની વાત કરીને બેલારુસની સરકારે તેનો અણસાર આપી દીધો હતો."

ભૂમધ્ય સમુદ્રમાં નાની હોડીમાં ખતરનાક રીતે પ્રવાસ કરવાના બદલે પ્રવાસી લોકો માટે હવે બેલારુસ વિમાનમાં પહોંચી જવાનું સરળ બન્યું છે

ત્યાંથી ઘણા કલાકો સુધી લાંબી સરહદ સુધીનો પ્રવાસ વાહનમાં કરવાનો અને પછી પગપાળા યુરોપિયન યુનિયનના ત્રણમાંથી કોઈ એક દેશ - પોલૅન્ડ, લિથુઆનિયા કે લાતવિયામાં ઘૂસી જવાનું.

2020ના સમગ્ર વર્ષ કરતાં જુલાઈ અને ઑગસ્ટમાં રાજ્યાશ્રય માગનારાની સંખ્યા લિથુઆનિયામાં 50ગણી વધી ગઈ હતી.

ઇદ્રીસ કહે છે, "તુર્કી અને ઉત્તર આફ્રિકા થઈને જવા કરતાં આ રૂટ ઘણો સરળ પડે છે."

ઇદ્રીસ અને તેના મિત્રો 25 સપ્ટેમ્બરે ઉત્તર ઇરાકના ઇરબિલમાંથી નીકળ્યા હતા. ઇદ્રીસ ત્યાં કામ કરતા હતા, પણ હવે તેમણે પત્ની અને બે જોડકી પુત્રીઓને કૉબાનેમાં છોડીને યુરોપ જવાનું નક્કી કર્યું. 'ભવિષ્યમાં તમને પણ યુરોપમાં લઈ આવીશ' એમ તેમણે પરિવારને જણાવ્યું હતું

છેલ્લાં 10 વર્ષના ગૃહયુદ્ધને કારણે તેમના જેવા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયેલા છે. ઇદ્રીસે તુર્કીમાં ઘણો સમય નિરાશ્રિત તરીકે કાઢ્યો છે.

શા માટે વિદેશ જવાનું નક્કી કર્યું તેના જવાબમાં ઇદ્રીસે મને કહ્યું કે "દોસ્ત એ બહુ લાંબી કહાણી છે, પણ બહુ અફસોસ કરવા જેવું છે. કશું અમારા કાબૂમાં નથી. સીરિયામાં કોઈ ભવિષ્ય રહ્યું નથી."

ઇદ્રીસે શરૂઆતમાં વીડિયો મોકલ્યા તેમાંનો એક ઇરબિલ ઍરપૉર્ટની બહારનો હતો.

આગળની મુસાફરી વિશે તેઓ તેમાં ઉત્સાહથી વાત કરતા હતા. તે લોકોને ટિકિટ મળી ગઈ હતી અને બેલારુસના સાત દિવસના પ્રવાસી વિઝા પણ મળી ગયા હતા. તે લોકો મુસાફરી માટે ઉત્સાહમાં હતા.

line

ટ્રાવેલ એજન્ટોની જાળ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અત્યાર સુધીની તેમની મુસાફરી સરળ રહી છે, પણ ખરેખર કેટલું સહેલું છે તે જાણવા અમે પોતે પણ ઉત્તર ઇરાક પહોંચ્યા હતા અને ત્યાં આ કામ કરી આપનારા લોકોને પણ મળ્યા.

સ્વાયત્ત કુર્દિસ્તાન પ્રદેશની રાજધાની ઇરબિલ ધમધમતું શહેર છે. 15 લાખથી વધુની વસતિમાં પાડોશી સીરિયામાંથી તથા ઇરાકના બીજા ભાગોમાંથી આવેલા હજારો શરણાર્થીઓ છે. આ શહેર ઘણા લોકો માટે યુરોપ જવા માટેનું દ્વાર પણ બન્યું છે.

જોકે યુરોપ જવાનો માર્ગ સહેલાઈથી મળી જાય એવું પણ નથી. ઘણા બધા ટ્રાવેલ એજન્ટ છે, જે ચારે બાજુ તમને મળી જશે. પરંતુ અહીં બધી વાતો મૌખિક રીતે થતી હોય છે. મોઢામોઢ ધંધો થાય અને ફેસબૂક તથા ચેટ ગ્રૂપમાં યુરોપમાં કેમ જવું તેની ટિપ્સ આપવામાં આવતી હોય છે.

એક ઑફિસમાં, મોટા ભાગે સીરિયાના પાસપોર્ટના ઢગલા વચ્ચે બેઠેલા મુરાદે મને સમજાવ્યું કે કઈ રીતે આખી કામગીરી થાય છે. મુરાદ તેમનું સાચું નામ પણ નથી. તેમનું કામ આમ કંઈ ગેરકાયદે નહીં, પરંતુ તેમ છતાં તેઓ પોતાનું સાચું નામ આપવા માગતા નથી.

તેમનું મુખ્ય કામ બેલારુસની રાજધાની મિન્સ્ક જવા માટે વિઝા મેળવવા અને વિમાનની ટિકિટની વ્યવસ્થા કરવાનું છે. લુકાશેન્કોએ યુરોપિયન યુનિયનને ધમકી આપી તે સમાચાર સારા એવા ચગ્યા હતા.

સોશિયલ મીડિયામાં તેની ચર્ચા પછી મુરાદે બેલારુસમાં પોતાના મિત્રોનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી વિઝાના નવા નિયમો જાણ્યા હતા.

મુરાદ યાદ કરતાં કહે છે, "તે લોકોએ કહ્યું કે હા, હવે સહેલાઈથી મળી જશે. જોકે મને ખબર છે કે તુર્કીમાં 2015માં થયું હતું, તેવું જ અહીં થશે."

2015માં તુર્કીના પ્રમુખ રેસેપ તૈયબ અર્દોઆનને પણ યુરોપિયન યુનિયન સાથે વાંધો પડ્યો હતો. એટલે તેમણે પણ હજારો લોકોને પોતાના દેશમાંથી પસાર થવા દીધા, જેથી તે લોકો યુરોપની સરહદમાં જઈ શકે.

તે પછી યુરોપિયન યુનિયને નિરાશ્રિતોના પ્રવાહને ખાળવા માટે જરૂરી છ અબજ યુરોની સહાય આપવાની જાહેરાત કરી હતી.

હવે મિન્સ્કથી યુરોપમાં ઘૂસવાનો સહેલો રસ્તો ખૂલ્યો છે. બેલારુસની ટ્રાવેલ કંપનીઓ શરૂઆતમાં લોકોને પાટનગર સુધી વિમાનથી આવવા માટે આમંત્રણ મોકલવા લાગી છે.

line

દાણચોરોનું નેટવર્ક

ઇરબિલ
ઇમેજ કૅપ્શન, ટ્રાવેલ એજન્ટ ઇરબિલ

જોકે આ રીતે ખોટાં આમંત્રણો મોકલીને ટ્રાવેલના એજન્ટો મોટી કમાણી કરવા લાગ્યા, તેના કારણે નિયમો બદલી નાખવામાં આવ્યા. હવે માઇગ્રન્ટે રૂબરૂમાં વિઝા સ્ટેમ્પ મરાવવો જરૂરી છે અને તે પછી જ વિમાનની ટિકિટ મળે છે. આના કારણે થોડું મોડું થાય છે, પણ કોઈ મોટી મુશ્કેલી થતી નથી.

તે પછી તમારે એક દાણચોરને શોધવો પડે. તે મોંઘું પડતું હોય છે.

મુરાદ કહે છે કે પોતે સ્મગલરો સાથે કામ કરતા નથી, પરંતુ પોતાના ક્લાયન્ટને સલાહ આપતા હોય છે કે એક વાર મિન્સ્ક પહોંચી જાવ. ત્યાં પહોંચીને પછી સ્મગલર-એજન્ટને શોધશો તો તે સસ્તું પડશે.

જોકે અમને એક સ્મગલર ત્યાં મુરાદની ઑફિસની બહાર જ મળી ગયો અને હકીકતમાં તેઓ એકબીજાને ઓળખતા પણ હતા.

અમને જણાવાયું કે આ માણસ જોવાન છે, જે તેનું સાચું નામ નથી, તે બહુ જૂનો સ્મગલર છે. તેણે 2015માં પણ માઇગ્રેશન ક્રાઇસીસ વખતે અનેક લોકોને તુર્કી અને ગ્રીસ પહોંચાડવાનું કામ કર્યું હતું.

જોવાન કહે છે, "તમે સ્મગલરની મદદ લો તો તમને મોંઘું પડવાનું. લગભગ 9,000થી 12,000 અમેરિકન ડૉલર થવાના.."

જોવાન કહે છે કે સામે જોખમ પણ એટલું જ છે.

"તમારે અજાણ્યાં જંગલોમાંથી પસાર થવાનું છે અને તે પણ વિદેશમાં. લૂંટારા તમને રસ્તામાં લૂંટી પણ લે. માફિયાની નજર તમારા પર જ હોય. રાની પશુઓ ફરતાં હોય, નદીઓ અને નાળાં વટાવવાનાં. તમે જીપીએસ વાપરો તો પણ તમારે અજાણ્યા માર્ગે જવાનું હોય છે."

બેલારુસના અધિકારીઓનું શું તે વિશેના જવાબમાં જોવાન પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે.

"તે લોકો તો મદદ કરે છે. લોકોને તેઓ ઉપયોગી થાય છે."

line

'અલ્લાના હાથમાં નસીબ'

ઈદરીસ
ઇમેજ કૅપ્શન, મિન્સ્ક ઍરપૉર્ટ પર પહોંચેલી ભીડ

ઇદ્રીસ અને તેના મિત્રો મિન્સ્ક પહોંચી ગયા તે પછી તેમણે જોયું કે યુરોપ જવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયેલા હતા. ઇદ્રીસે મિન્સ્ક ઍરપૉર્ટનાં દૃશ્યો મોકલ્યાં હતાં તેમાં અરાઇવલમાં ભારે ભીડ દેખાય છે. પોતાનો વારો આવે તેની રાહ જોઈને ચારે બાજુ લોકો બેઠા હતા.

ઑગસ્ટમાં યુરોપિયન યુનિયન તરફથી દબાણ આવ્યું તે પછી ઇરાકી ઍરવૅઝે બગદાદથી મિન્સ્કની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. જોકે પ્રવાસીઓ ઇસ્તંબૂલ, દુબઈ અને દમાસ્કસ થઈને મિન્સ્ક પહોંચી જાય છે.

આ રીતે મિન્સ્ક પહોંચી ગયા પછી ત્યાં ઇદ્રીસ અને તેના મિત્રોને સ્પુતનિક હોટલમાં ઉતારો મળ્યો. આવી હોટલો પોતાનો પ્રચાર "બિઝનેસ ટ્રિપ્સ અને પરિવારના હોલિડે માટે આદર્શ" એવી રીતે કરતી હોય છે.

જોકે ઇદ્રીસની જેમ બધા નસીબદાર નથી હોતા. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ વીડિયો મૂક્યા છે, જેમાં જોવા મળે છે કે માઇગ્રન્ટ્સે ખુલ્લામાં જ સૂઈ જવું પડે છે.

મેં ફોન પર ઇદ્રીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે સ્મગલર્સ સાથે સંપર્ક કર્યો છે, જેથી પોલૅન્ડની સરહદમાં ઘૂસી શકાય અને ત્યાંથી આગળ જર્મની પહોંચી શકાય. તેમના નીકળવા માટેની તૈયારીઓ થઈ રહી હતી. જોકે આગળ કેવી મુશ્કેલીઓ હશે તેની વાત પણ ઇદ્રીસે કરી.

"અમે ગેરકાયદે સરહદ પાર કરવાના છીએ. શું થશે તેની કંઈ ખબર નથી. અમને હવે કોઈના પર વિશ્વાસ નથી, સ્મગલર પર પણ નહીં. હવે બધુ અલ્લાના હાથમાં મૂકીને આગળ વધી રહ્યા છીએ."

line

વધતો ખર્ચ અને સાથે વધતી ચિંતા

લિથુઆનિયા કિબરતાઈમાં શરણાર્થીઓ માટે ડિટેન્શન સેન્ટર
ઇમેજ કૅપ્શન, લિથુઆનિયા કિબરતાઈમાં શરણાર્થીઓ માટે ડિટેન્શન સેન્ટર

ઇદ્રીસે જણાવ્યું કે ઇરબિલથી બેલારુસ પહોંચવામાં જ લગભગ 5,000 ડૉલરનો ખર્ચ થઈ ગયો છે. વિમાનની ટિકિટ, હોટલમાં રહેવાનું અને ટુરિસ્ટ વિઝાનો ખર્ચ આટલો આવ્યો છે. હવે આગળની મુસાફરી માટે દાણચોરોને કેટલા પૈસા આપવા તેની વાતચીત ચાલી રહી છે

એક દિવસ પછી ફરી ઇદ્રીસે મારી સાથે વાત કરી ત્યારે તેઓ નિરાશ જણાતા હતા, કેમ કે કામ થયું નહોતું.

તેમનું જૂથ મિન્સ્કથી બહુ મોડું નીકળ્યું હતું અને પોલૅન્ડમાં જવા માટે સ્મલગરને સમયસર મળી શક્યું નહોતું. તે લોકો હવે સરહદની નજીક બીજી એક હોટલમાં રોકાયા હતા. તેના કારણે ખર્ચો વધી રહ્યો હતો.

આ જૂથે મિન્સ્કથી અહીં પહોંચવા માટે બે ખાનગી કાર ભાડે લેવી પડી હતી, જેનો માણસદીઠ ખર્ચ 400 ડૉલરનો આવ્યો હતો.

આના કારણે ચિંતા પણ વધી રહી હતી, કેમ કે ખર્ચો વધી રહ્યો હતો, પણ કામ થશે કે નહીં તે પણ નક્કી થતું નહોતું.

ઇદ્રીસે મને કહ્યું, "અમને ખબર નથી કે અમે સરહદ પાર કરી શકીશું કે કેમ. શું અમે જંગલમાં જ ફસાઈ જઈશું, કે પછી સ્મગલર કહેતો હતો તે પ્રમાણે હવે બસ ચાર કે પાંચ કલાક ચાલવાનું છે?"

તે લોકો આગળ વધ્યા તે પહેલાં વધુ એક વીડિયો પણ તેણે મોકલ્યો. ઇદ્રીસે કૅમેરા સામે જોઈને કહ્યું,"અમારા માટે પ્રાર્થના કરજો."

line

હજારો લોકો

લિથુઆનિયા અને બેલારુસ વચ્ચે સરહદ
ઇમેજ કૅપ્શન, લિથુઆનિયા અને બેલારુસ વચ્ચે સરહદ

બેલારુસની વાયવ્ય સરહદે, લિથુઆનિયાની સરહદે ઇદ્રીસ જેવા હજારો લોકોનાં સપનાં તૂટ્યાં તેવું અમને જાણવા મળ્યું હતું.

ઑગસ્ટ સુધીમાં 4000થી વધુ લોકો તારની વાડ વિનાની ખુલ્લી સરહદમાંથી પસાર થઈ શક્યા હતા.

કેટલાક લોકો આગળ વધીને પશ્ચિમ યુરોપમાં પહોંચી ગયા, પણ ત્યાં તેમને પકડી લેવાયા હતા. તે લોકોને હવે લિથુઆનિયામાં જુદી-જુદી જગ્યાએ પકડીને રખાયા છે અને તેમનું શું કરવું તેની વિચારણા ચાલી રહી છે.

કેટલાક લોકોને આશરો આપવામાં આવ્યો છે, પરંતુ સીરિયા કે ઇરાકીમાંથી કોઈને હજી શરણાર્થી તરીકે સ્વીકારાયા નથી.

line

20 દેશોમાંથી આવતા શરણાર્થીઓ

પોલૅન્ડની સરહદ પર શરણાર્થીઓને રોકવા માટે વાડ બાંધવામાં આવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલૅન્ડની સરહદ પર શરણાર્થીઓને રોકવા માટે વાડ બાંધવામાં આવી છે, જોકે શરણાર્થીઓ એવી જગ્યાઓ શોધે જ્યાંથી તેઓ નીચે ખસકીને સરહદ પાર કરી શકે

પશ્ચિમમાં કેબર્તીમાં 670થી વધુ માઇગ્રન્ટને કામચલાઉ જેલમાં રાખવામાં આવ્યા છે. આ જગ્યા રહેવાલાયક બને તે માટે કોશિશ થઈ રહી છે.

હમણાં સુધી અટકાયતીઓને સરહદે છાવણીમાં રાખવામાં આવતા હતા, તેના કરતાં થોડી સ્થિતિ સારી છે અને ઠંડીમાં થોડી રાહત પણ મળે તેમ છે.

જોકે અમે આ કામચલાઉ જેલની મુલાકાત લીધી ત્યારે જોયું કે કાંટાળી તાર અને વૉચ ટાવર્સ વચ્ચે કફોડી સ્થિતિ હતી. ઘણા લોકોએ તેમના ફોનમાં કહ્યું કે "અમને અહીંથી છોડો."

આ કેદમાં રહેલા મોટા ભાગના લોકો પુરુષો છે, જે લગભગ જુદાજુદા 20 દેશોમાંથી આવેલા છે.

જોકે મોટા ભાગના ઇરાક અને સીરિયાના છે, પણ તે સિવાય યમન, સિએરા લિઓન અને શ્રીલંકાથી પણ કેટલાક લોકો આવેલા છે.

line

સુરક્ષાદળો માટે પડકારો

પોલૅન્ડ અને બેલારુસની સરહદ પાર કરતા છ શરણાર્થીઓ મૃત્યુ પામ્યા હતાં, તેમની યાદમાં નેધરલૅન્ડ્સમાં પૉલિશ દૂતલાયની બહાર તેમનાં સ્મૃતિચિહ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલૅન્ડ અને બેલારુસની સરહદ પાર કરતા છ શરણાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, તેમની યાદમાં નેધરલૅન્ડ્સમાં પૉલિશ દૂતલાયની બહાર તેમનાં સ્મૃતિચિહ્ન

ઇરાકથી આવેલા અબ્બાસે કહ્યું કે અહીં સ્થિતિ બહુ ખરાબ છે અને માઇગ્રન્ટ્સ સાથે ગુનેગારો જેવું વર્તન થાય છે.

તેઓ સવાલ પૂછે છે કે "શું એ અમારો વાંક છે કે બેલારુસે યુરોપિયન યુનિયન સાથેની સરહદને ખુલ્લી રાખી છે?"

તેઓ બેલારુસની સરહદ પસાર કરી રહ્યા હતા ત્યારે થોડી વાર માટે બેલારુસના સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. જોકે તે લોકોને તેમને અટકાવવામાં રસ નહોતો, પણ સાથે તસવીર પડાવવામાં રસ હતો.

અબ્બાસ કહે છે કે, "તે લોકોએ અમારી સાથે સૅલ્ફી લીધી અને અમને જવા માટેનો રસ્તો બતાવ્યો."

પોતાની સાથેના વ્યવહારથી તેઓ કંટાળ્યા હતા અને અત્યાર સુધીમાં 11,000 ડૉલર પણ ખર્ચાઈ ગયા હતા. તેના કારણે અબ્બાસ એક તબક્કે પાછો ફરી જવાનું પણ વિચારવા લાગ્યા હતા.

"જોકે મારે હવે ઇરાકમાં રહેવું નથી. હું તુર્કીમાં રહીશ પણ આગળ શું થશે તેની મને ખબર નથી, કેમ કે હવે મારી પાસે પૈસા પણ નથી."

આ રીતે પકડાયેલા લોકો જાણે છે કે બેલારુસ અને યુરોપિયન યુનિયન વચ્ચેની ખેંચતાણમાં તે લોકો ફસાયા છે. જોકે આમ છતાં યુરોપ સુધી ઘૂસવા માટેની સરળતા લુકાશેન્કોએ કરી આપી છે તેનો આભાર પણ માને છે.

અન્ય એક ઇરાકી અઝલે મને કહ્યું કે "હું અહીંથી બહાર આવીશ ત્યારે તેમના નામનું ટેટૂ મારા હાથ પર કરાવીશ."

લિથુઆનિયાએ જોકે હવે સરહદે ચોકીપહેરો વધારી દીધો છે અને તેના કારણે નિરાશ્રિતોનો પ્રવાહ ઓછો થયો છે.

લિથુઆનિયાને યુરોપિયન યુનિયની બૉર્ડર મૅનેજમૅન્ટ એજન્સી ફ્રોન્ટેક્સનો પણ સાથ મળી રહ્યો છે.

જોકે સુરક્ષાકર્મીઓએ અમને જણાવ્યું કે હજી પણ કેટલીક જગ્યાઓ એવી છે કે ત્યાંના જંગલમાંથી લોકો સહેલાઈથી ઘૂસી શકે છે.

આવી જ એક જગ્યાએ બેલારુસના ગાર્ડ અને સૈનિકોને સામેની બાજુએ અમે જોયા. એ લોકોએ અમારી સામે જોવાનું ટાળ્યું, પણ મોબાઇલ ફોનથી અમારો વીડિયો ઉતાર્યો હતો.

લિથુઆનિયાના સ્ટેટ બૉર્ડર ગાર્ડ સર્વિસના વિતોતાસ કુઓડિસે મને કહ્યું કે "ભૂતકાળમાં અમે ગેરકાયદે ઘૂસણખોરી વિશે એક બીજા સાથે સારી રીતે વાત કરી લેતા હતા."

જોકે ઉનાળા પછી સ્થિતિ બદલાઈ છે અને લિથુઆનિયાના અધિકારો ફોન કરીને પૃચ્છા કરે તો પણ જવાબ મળતો નથી.

કુઓડિસ કહે છે, "તે લોકો હવે અમારું સાંભળતા નથી."

હજી પણ બેલારુસમાંથી લિથુઆનિયામાં ઘૂસવા માટે ડઝનબંધ લોકો પ્રયાસો કરે છે, પણ હવે મોટા ભાગના લોકો પોલૅન્ડ તરફ વળી રહ્યા છે.

line

'બેલારુસના સૈનિકો વહારે આવ્યા'

શરણાર્થી

ઇમેજ સ્રોત, Juanmonino

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ બાજુ ઇદ્રીસ અને તેમના મિત્રોનો પોલૅન્ડની સરહદે ઘૂસવાનો બીજો પ્રયાસ પણ પ્રથમ પ્રયાસની જેમ નિષ્ફળ ગયો છે.

ઇદ્રીસે અમને વીડિયો મોકલ્યા તેમાં રશિયન, અંગ્રેજી અને અરબીમાં થતી વાતચીત અને ચિંતા સંભળાય છે.

બેલારુસની પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું, કેમ કે તેમણે આ જૂથને અટકાવ્યું હતું. તેમના પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા હતા અને તેમનાં વાહનોનાં ડ્રાઇવરોને કહેવાયું કે આ લોકોને ફરીથી મિન્સ્ક લઈ જાવ.

આ રીતે ઇદ્રીસના મિત્રો ફરીથી સ્પુતિનિક હોટલમાં આવી ગયા છે. હવે ડ્રાઇવરો કહી રહ્યા છે કે પૈસા આપો તો પોલીસે કબજે કરેલા પાસપોર્ટ પાછા મેળવી આપીએ.

હોટલ પર ઇદ્રીસના મિત્રોને બીજા અનેક દાણચોરો, એજન્ટો અને ગોઠવણ કરી આપનારા માણસો વગેરે મળી રહ્યા છે.

હોટલ પણ ભરચક છે અને સિરિયા, ઇરાક અને યેમનથી બીજા પણ ઘણા લોકો આવી પહોંચ્યા છે.

હોટલ સ્પુતનિકની બહારથી વીડિયો ઉતારીને ઇદ્રીસે જણાવ્યું છે કે "રોજેરોજ નવા આવનારાની સંખ્યા વધતી જાય છે."

ઇદ્રીસના જૂથની મુશ્કેલીઓ વધી રહી છે, કેમ કે તેમના વિઝા પણ પૂરા થઈ ગયા છે. એટલે તેમને હોટલમાંથી નીકળી જઈને એક ફ્લેટમાં આશરો લેવો પડ્યો છે.

આ રીતે મિન્સ્ક આવ્યા તેના 11મા દિવસે વધુ એક વાર ત્રીજી વાર તેમણે પૉલૅન્ડમાં જવાનો પ્રયાસ કર્યો. આ વખતે બેલારુસના બ્રેસ્ટમાંથી જવાની કોશિશ કરી. આ વખતે આખરે તે લોકો મઘરાતે પૉલૅન્ડની સરહદે આવી પહોંચ્યા. આ વખતે હવે બેલારુસના સૈનિકો તેમની વહારે આવ્યા.

લિથુઆનિયામાં અટકાયતમાં આવેલા શિક્ષક અમ્માર તથા તેમના જેવા ઘણાએ પોતાના અનુભવો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. તેમાં જણાવ્યું હતું તે પ્રમાણે ઇદ્રીસ અને તેના સિરિયન સાથીઓને આખરે બેલારુસની સેનાની મદદ મળી.

સરહદની સાવ નજીક તે લોકો ઊભા હતા ત્યારે સૈનિકો આવ્યા અને તેમને કહ્યું કે રાહ જુઓ. થોડી વાર પછી તેમને મિલિટરી ટ્રકમાં લઈ જવાયા. ઇદ્રીસ અને મિત્રોએ જોયું કે ટ્રકમાં બીજા 50 જેટલા માઇગ્રન્ટ ખીચોખીચ ભરેલા હતા.

line

અંધારિયા જંગલમાં ડગલાં માંડતાં લોકો

શરણાર્થી

ઇમેજ સ્રોત, Juanmonino

ટ્રક થોડી વાર ચાલતી રહી. ઇદ્રીસ કહે છે, "તે પછી એક જગ્યાએ સૈનિકોએ અમને રાહ જોવા કહ્યું કે જેથી તે લોકો પૉલૅન્ડની સરહદ ખુલ્લી છે કે નહીં તેની ચકાસણી કરી લે"

'તે પછી એક સૈનિક તે બધાને થોડે દૂર સુધી દોરી ગયો અને ત્યાંથી અમને સૌને પૉલૅન્ડ જવાનો રસ્તો દેખાડ્યો' એમ ઇદ્રીસ કહે છે. તેણે સૌને સરહદ પાર કરવામાં મદદ કરી.

ઇદ્રીસ કહે છે, "મને લાગે છે કે તેણે અમારા માટે વાયરો કાપી નાખ્યા હતા."

સરહદ પાર કર્યા પછી બધા નાનાંનાનાં જૂથોમાં વહેંચાઈ ગયા અને જીપીએસની મદદથી થોડા માઇલ સુધી પૉલૅન્ડની અંદર ચાલતા રહ્યા. અંધારિયા જંગલમાં તે લોકો ડગ ભરતા રહ્યા.

line

નૅધરલૅન્ડ્સમાં પ્રવેશ

શરણાર્થી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે તે પછીના બે દિવસ દરમિયાન ઇદ્રીસે વીડિયો મોકલ્યા તેમાં તેના સાથીઓ બહુ જ થાકી ગયેલા જણાય છે. તે લોકોએ કેટલાય ડઝન માઇલનો પ્રવાસ પગપાળા કર્યો હતો.

બે દિવસ સુધી જંગલમાં તે લોકો ચાલતા રહ્યા તેના કારણે સાવ જ થાકી ગયા હતા. એક વખતે એક ખાડામાં ઇદ્રીસનો પગ પડી ગયો અને તેના કારણે આગળ વધતા અટકી જવું પડ્યું હતું.

આખરે 9 ઑક્ટોબરે તે લોકો પૉલૅન્ડના શહેર મિલેજ્કઝાઇસી પાસે પહોંચ્યા, જ્યાં તેમને લેવા માટે કાર આવી હતી.

આખી રાત મુસાફરી કરીને તે લોકો વહેલી સવારે જર્મનીમાં પહોંચી ગયા. ત્યાં પહોંચીને સૌ છૂટા પડ્યા. જમીલ અને રોશિન ફ્રેન્કફર્ટ પહોંચ્યા, જ્યારે ઝોઝાન પોતાની ફિયાન્સેને મળવા ડેન્માર્ક તરફ રવાના થયા.

ઇદ્રીસ આગળ વધીને નૅધરલેન્ડ્સ પહોંચ્યો છે. ત્યાં તે સત્તાધીશો સમક્ષ હાજર થઈ જવા માગે છે. તેણે સાંભળ્યું છે કે તેને અહીં રાજ્યાશ્રય મળી જાય તો ડચ ફેમિલી રિયુનિયનના નિયમો હેઠળ તેમનાં પત્ની અને જોડકી દીકરીઓને પણ લાવી શકાશે.

જોકે તે માટે હજી ઘણો સમય લાગશે.

ઇદ્રીસ કહે છે, "હું યુરોપમાં રેફ્યુજી સ્ટેટસ માટે રિસર્ચ કરી રહ્યો છું. મને લાગે છે કે એક કે બે વર્ષ લાગી જશે."

લુકાશેન્કોએ પોતાની સરહદોને મોકળી કરી દીધી, તે પછી આવી રીતે કેટલા લોકો યુરોપમાં પહોંચી ગયા તેનો અંદજા લગાવવો મુશ્કેલ છે.

બેલારુસે એવા આક્ષેપોને નકારી કાઢ્યા છે કે તે લોકોને બેલારુસ આવી જવા અને ગેરકાયદે રીતે યુરોપમાં ઘૂસી જવામાં મદદરૂપ થવાની લાલચ આપી હોય. સરહદ પરની સ્થિતિ માટે યુરોપના સત્તાધીશોને જ દોષ આપવામાં આવી રહ્યો છે.

હાલમાં બાલ્ટિક્સ, પૉલૅન્ડ અને જર્મનીમાં લગભગ 10,000 માઇગ્રન્ટ્સ અટકાયતમાં છે. ઘણા લોકો બહુ ભોગવીને અહીં પહોંચ્યા છે; સમય અને નાણાંની બરબાદી ઉપરાંત આ પ્રયાસોમાં ઘણાએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

આ સ્થિતિમાં જુદાજુદા દેશોમાં સરહદે વધારે ચોકીપહેરાની માગણી થવા લાગી છે. જોકે અત્યારે તો લુકાશેન્કો પોતાની વાતમાંથી પીછેહઠ કરવાના મૂડમાં દેખાતા નથી.

(અતિરિક્ત રિપોર્ટિંગ ડેબી રૅન્ડલ)

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો