ઉત્તર કોરિયાએ કહ્યું, ખતરનાક 'સબમરીન-મિસાઇલ'ને આંતરવી મુશ્કેલ
ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં એક સબમરીન બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચ કરી હોવાનું દક્ષિણ કોરિયાની મિલિટરીનું કહેવું છે. ઉત્તર કોરિયાએ સબમરીનથી લૉન્ચ થતી બૅલિસ્ટિક મિસાઇલના પરીક્ષણની પુષ્ટિ કરી છે.
જાન્યુઆરીમાં પ્યૉંગયાંગે મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું. તેને વિશ્વનું સૌથી ઘાતકી હથિયાર ગણાવાયું હતું.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયા સંસ્થાન કેસીએનએનું કહેવું છે કે આ મિસાઇલ "ઍડવાન્સ કંટ્રોલ ગાઇડ તકનીક" આધારિત છે જે તેને આંતરવી કે ઓળખવી મુશ્કેલ બનાવે છે.
જોકે દક્ષિણ કોરિયાએ કેટલાક સપ્તાહો પહેલાં આવા જ એક હથિયારનું પ્રદર્શન કર્યા બાદ આ ઘટના બની છે.

ઇમેજ સ્રોત, KCNA VIA REUTERS
તાજેતરના સપ્તાહોમાં ઉત્તર કોરિયાએ કેટલીક ઘાતકી મિસાઈલોનાં પરીક્ષણ કર્યાં છે, જેમાં હાયપરસૉનિક અને લૉંગ-રૅન્જનાં હથિયાર પણ સામેલ છે.
આમાંનાં કેટલાંક પરીક્ષણો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન પણ કરે છે.
કેમ કે ઉત્તર કોરિયા પર યુનાઇટેડ નેશન્સ દ્વારા બૅલિસ્ટિક મિસાઇલ તથા પરમાણુ હથિયારોના પરીક્ષણ પર પ્રતિબંધ છે.
યુએન માને છે કે ક્રૂઝ મિઝાઇલ કરતાં બૅલિસ્ટિક મિસાઇલ વધારે જોખમી અને ખતરનાક છે, કારણ કે તેમાં વધુ દારૂગોળો વહન કરવાની ક્ષમતા હોય છે અને તેની રેન્જ લાંબી હોય છે તથા તેની ગતિ પણ વધુ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફે કહ્યું કે ઉત્તર કોરિયાના પૂર્વમાં સિનપો બંદરેથી એક મિસાઇલ લૉન્ચ કરાઈ છે. અહીં પ્યૉંગયાગની સબમરીન રાખવામાં આવે છે. તેને પૂર્વીય સમુદ્રમાં (જેને જાપાનનો સમુદ્ર કહેવામાં આવે છે) લૅન્ડ કર્યું છે.
તેમનું કહેવું છે કે તેમને આશંકા છે કે આ એક સબમરીન દ્વારા લૉન્ચ કરાયેલી બૅલિસ્ટિક મિસાઇલ છે.
દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર આ મિસાઇલ 450 કિલોમિટરની રેન્જ ધરાવે છે અને મહત્તમ 60 કિલોમિટરની ઊંચાઈ સુધી ઊડી શકે છે.
જાપાનના વડા પ્રધાન ફુમીઓ કિશીદાએ કહ્યું કે બે બૅલિસ્ટિક મિસાઇલ છોડાઈ છે, અને આ ખૂબ જ અફસોસજનક બાબત છે.

સબમરીનથી લૉન્ચ કેમ મહત્ત્વનું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર 2019માં ઉત્તર કોરિયાએ સબમરીન દ્વારા બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચ કરી હતી. તેણે પાણીમાંથી પૂકૂગસોંગ-3 મિસાઇલ છોડી હતી.
એ સમયે ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી કેસીએનએ દ્વારા નિવેદનમાં કહેવાયું હતું કે, તેને ઊંચા ખૂણેથી છોડવામાં આવી છે, જેથી બહારના જોખમને નિવારી શકાય.
જો મિસાઇલને તેના સ્ટાન્ડર્ડ પૉઇન્ટથી સ્ટાન્ડર્ડ પથ માટે છોડવામાં આવે તો (નહીં કે સીધી રેખામાં) તે 1900 કિલોમિટર સુધી જઈ શકે છે. તેનાથી આખું દક્ષિણ કોરિયા અને જાપાન તેની રેન્જમાં આવી જાય છે.
વળી સબમરીનથી લૉન્ચ કરવામાં આવતા તે મિસાઇલને ડિટેક્ટ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે અને તે અન્ય ટાર્ગેટની નજીક જવાનું પણ મુશ્કેલ કરી દે છે.
દક્ષિણ કોરિયાએ આવું જ એક હથિયાર બનાવતા હવે ઉત્તર કોરિયાએ પણ પરીક્ષણ કર્યું છે. નિષ્ણાતો માને છે કે દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સાથે હથિયારી સ્પર્ધામાં ઊતર્યું છે.
આ સપ્તાહમાં સોલમાં દક્ષિણ કોરિયાનું સૌથી મોટું ડિફેન્સ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. તેમાં નવાં યુદ્ધજહાજો અને મિસાઇલ સહિતનાં હથિયારો પણ સામેલ રહેશે. તે પોતાનું અવકાશયાન પણ લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
ઉત્તર અને દક્ષિણ કોરિયા તકનીકી રીતે યુદ્ધની સ્થિતિમાં જ રહે છે. 1953ના યુદ્ધથી આવી સ્થિતિહતી, જેમાં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના ભાગલા થયા હતા. જેમાં અમેરિકા દક્ષિણ કોરિયાની તરફેણમાં છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઊને ગત સપ્તાહે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે ફરી યુદ્ધ ફાટી નીકળે. તેમણે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ દુશ્મની દેશો સામે રક્ષા માટે હથિયારો બનાવતા રહેવું પડશે. જેમાં તેમણે આડકતરી રીતે અમેરિકા તરફ ઇશારો કર્યો હતો.

સોલ સંવાદદાતા લૉરા બિકરનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, REUTERS
ઉત્તર કોરિયા વર્ષોથી પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઇલ અને સબમરીનથી લૉન્ચ થતી મિસાઇલનાં પરીક્ષણો કરતું આવ્યું છે.
પણ શું તેમણે ખરેખર સબમરીનમાંથી મિસાઇલ છોડી દીધી છે? આના માટે લૉન્ચિંગની તસવીરો જોવી પડશે, કેમ કે એ જોવું પડશે કે પ્યૉંયયાંગે આ કર્યું કેવી રીતે.
વળી જોખમ વિશે એક વાત સ્પષ્ટ છે કે દેશની સબમરીન ઘણો અવાજ કરે છે આથી તે ટ્રૅક થઈ શકે છે. તેમની પાસે મિસાઇલ લૉન્ચ કરી શકે એવી એક જ સબમરીન છે તથા બીજી સિનપો ખાતે તૈયાર થઈ રહી છે.
આથી લાગે છે કે માત્ર શક્તિપ્રદર્શન થઈ રહ્યું હોય એવી શક્યતા છે.
ગત મહિને દક્ષિણ કોરિયાએ સબમરીનથી લૉન્ચ થતી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું અને ઉત્તર કોરિયા તેનાથી ખુશ નહોતું.
આ બંને વચ્ચેની હથિયારોની સ્પર્ધા વચ્ચે વાટાઘાટની શક્યતા છે?
સોલ હજુ પણ આશા ધરાવે છે. પરંતુ કિમ જોંગ-ઊન મિશ્ર સંદેશ આપી રહ્યા છે. એક તરફ તે મિસાઇલ લૉન્ચ કરે છે અને બીજી તરફ સરકારી મીડિયા મારફતે શાંતિમંત્રણાનો સંદેશ મોકલે છે.
દર વખતની જેમ પ્યૉંગયાંગને સમજવું જટિલ અને મુશ્કેલ છે.
દરમિયાન દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના ઇન્ટેલિજન્સ વડાઓ સોલમાં મળી રહ્યા છે. તેઓ તેમાં ઉત્તર કોરિયા વિશે બેઠક કરશે.
અમેરિકાના ઉત્તર કોરિયાના રાજદ્વારી અધિકારી સૂંગ કિમ પ્યૉંગયાંગ સાથે કેવી રીતે વાટાઘાટ શરૂ કરી શકાય તેની ચર્ચા માટે પ્રવાસે છે. તેમાં કોરિયન યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો હોવાની જાહેરાતનો મુદ્દો પણ સામેલ છે.
છેલ્લા 24 કલાકમાં તેમણે કહ્યું કે અમેરિકી પ્રમુખ જો બાઇડનનું પ્રશાસન ઉત્તર કોરિયા સાથે કોઈ પૂર્વશરતો વિના ચર્ચા માટે તૈયાર છે.
અગાઉ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ નિશસ્ત્રીકરણની વાટાઘાટ પડી ભાંગી હતી.
અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા તેનાં પરમાણુ હથિયારો ત્યજી દે, પછી પ્રતિબંધો દૂર કરાશે. પણ ઉત્તર કોરિયા આ માટે તૈયાર નથી.

જ્યારે કોરિયાના બે ભાગ થયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વર્ષ 1948 સુધી કોરિયા એક જ હતું, પરંતુ એક શીતયુદ્ધ ચાલ્યું અને રક્તરંજિત ભાગલા થયા બાદ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અસ્તિત્વમાં આવ્યા. તેમની વચ્ચે 1953માં યુદ્ધ થયું હતું.
ભારત-પાકિસ્તાનની જેમ છૂટા પડેલા આ બે દેશ ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મની હંમેશાં ચર્ચામાં રહી છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઊન સાથે બેઠક કરી શાંતિમંત્રણા કરી હતી, પરંતુ તેના કોઈ નક્કર પરિણામો નથી મળી શક્યાં. હવે બાઇડન પ્રશાસન આ મામલે કામ કરી રહ્યું છે.
જોકે બીજી તરફ કિમ જોંગ-ઊન હથિયારોનો વિકાસ અને પરીક્ષણ પૂરજોશમાં કરતા જ રહે છે.
અત્રે નોંધવું કે 1910માં કોરિયાએ જાપાનનું આધિપત્ય સ્વીકારવું પડ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હારી ગયું એટલે યુનાઇટેડ નેશન્સે કોરિયાના બે ભાગ કરવાનું વિચાર્યું અને તેના બે ભાગ થયા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













