વિશ્વમાં ક્રૂડઑઇલના ભાવો કેમ વધી રહ્યા છે અને અમેરિકા આ માટે કેટલું જવાબદાર છે?
- લેેખક, એન્જલ બર્મૂડેઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ગત સપ્તાહે ક્રૂડઑઇલનો ભાવ એક બેરલના 80 ડૉલરને પણ વટાવી ગયો તે પછી ચિંતાઓ વ્યક્ત થવા લાગી છે, કેમ કે આઠ વર્ષ પછી આટલો ઊંચો ભાવ ગયો છે.
અમેરિકામાં ક્રૂડનો ભાવ જેના આધારે નક્કી થાય છે તે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ગત સોમવારે $80.52 ડૉલર પર બંધ આવ્યો હતો, જે છેલ્લા કેટલાક મહિનાના વધતા ભાવની નવી ટોચ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના મહામારી ફેલાઈ છે ત્યારથી ક્રૂડઑઇલના ભાવનો મુદ્દો લોકોના મનમાંથી નીકળી ગયો હોય એવું લાગે છે, કેમ 2020નું આખું વર્ષ અને 2021ના મોટા ભાગના મહિનાઓમાં ખનીજ તેલના ભાવો નીચા રહ્યા હતા.
હજી એક વર્ષ પહેલાં જ WTI પ્રમાણે એક બેરલ ખનીજ તેલનો ભાવ 40 ડૉલર હતો - જે મહામારી ફેલાણી તે પહેલાંના ભાવ કરતાં 20% ઓછા હતા.
તેના કારણે વાહનોમાં બળતણ ભરાવવાની વાત ચિંતા નહોતી પરંતુ હવે લાખો વાહનચાલકોનાં ખિસ્સાં પર મોટો બોજ આવી રહ્યો છે.
પણ શા માટે ક્રૂડઑઇલનો ભાવ સતત વધી રહ્યો છે?
જાણકારો અનુસાર આ પ્રશ્નનો જવાબ માત્ર પરંપરાગત કારણોથી આપી શકાય તેમ નથી. જેમ કે ઑપેક દેશોની કામગીરી, સાથે જ કોરોના મહામારીને કારણે ઊભા થયેલાં પરિબળો વગેરે. તેના બદલે આ વખતે અમેરિકામાં શૅલ ઑઇલ ઉત્પાદન કંપનીઓએ અપનાવેલી નવી સ્ટ્રેટેજીને કારણે ભાવો વધી રહ્યા છે.

માગમાં વધારો, પુરવઠો નિયંત્રણમાં

ઇમેજ સ્રોત, Getty Images
રાઇસ યુનિવર્સિટીના બૅક ઇન્સ્ટિટ્યૂટ ખાતેના 'સેન્ટર ફૉર ઍનર્જી સ્ટડીઝ'ના સંશોધક અને ઊર્જાક્ષેત્રના જાણકાર માર્ક ફિનલેએ બીબીસી વર્લ્ડ સાથેની વાતચીતમાં જણાવ્યું કે "મને લાગે છે કે કોરોના રોગચાળાની સ્થિતિ અને ઑઇલના ભાવોમાં વધારો એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિનલે માને છે કે ગયા વર્ષે 2020માં કોરોના જગતભરમાં ફેલાયો તેના કારણે ક્રૂડઑઇલના ભાવો તળિયે પહોંચ્યા હતા, જ્યારે હવે જગતભરમાં આર્થિક સ્થિતિ સુધરવા લાગી છે તેના કારણે ક્રૂડની માગ અને પુરવઠો એમ બંને પર અસર થઈ છે.
તેઓ કહે છે, "એ એક મુખ્ય પરિબળ છે. માગની બાબતમાં જોઈએ તો આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થઈ અને લોકો હરતાફરતા થયા એટલે ગયા વર્ષે આપણે ક્રૂડની માગમાં જબરદસ્ત ઘટાડો જોયો હતો, તે રીતે જ હવે માગમાં જોરદાર વધારો થઈ રહ્યો છે."
"પુરવઠાની બાજુએથી જોઈએ તો ઑપેક અને બિન-ઑપેક દેશો તરફથી ઇરાદાપૂર્વક ઉત્પાદનમાં કાપ મૂકાયો છે. ગયા વર્ષે બેરલના ભાવો તળિયે બેઠા તે પછી અમેરિકામાં પણ ક્રૂડનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું," એમ તેઓ ઉમેરે છે.
ઑપેક, રશિયા અને બીજા ઉત્પાદક દેશો તબક્કાવાર પુરવઠો વધારવાના કરારને અનુસરી રહ્યા છે. દર મહિને લગભગ 400,000 બેરલનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે માગ ઘટી હતી તે દૂર કરવા માટે ધીમેધીમે ઉત્પાદન વધારાઈ રહ્યું છે.
જોકે આ વધારો આપોઆપ કરવામાં આવતો નથી, કેમ કે બજારની સ્થિતિ શું છે અને કેવી રીતે ઉત્પાદન વધારવું તેનો નિર્ણય કરવા માટે દર મહિને બેઠકો કરવામાં આવે છે.

અમેરિકાના ઉત્પાદકોની અનોખી સ્ટ્રેટેજી

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે ક્રૂડના ભાવોમાં વધારાનું એક નવીન કારણ છે અમેરિકાની ક્રૂડઑઇલ ઉત્પાદક કંપનીઓએ ઉત્પાદન વધારા પર રાખેલું નિયંત્રણ.
સામાન્ય રીતે ક્રૂડના ભાવો વધ્યા હોય ત્યારે તેનો લાભ લેવા માટે કંપનીઓ ઉત્પાદન વધારવામાં લાગી જતી હોય છે, તેવી સામાન્ય સ્ટ્રેટેજી કરતાં આ જુદો જ વ્યૂહ અપનાવાયો છે.
ફિનલે કહે છે, "આ વખતની ઑઇલ માર્કેટની એક નવાઈ લાગે તેવી વાત એ છે કે અમેરિકાના ઉત્પાદકોએ બહુ શિસ્તબદ્ધ રહીને વધતાં ભાવો સાથે સ્થાનિક ઑઇલનું ઉત્પાદન વધાર્યું નથી."
તેઓ ઉમેરે છે, "ઉત્પાદનમાં વધારો થયો છે ખરો, પણ કોરોના મહામારી પહેલાં થતો હતો તેની સરખામણીએ કશો નથી. તે વખતે ભાવો પણ નીચે હતા. આ એક મોટો તફાવત આ વખતે દેખાયો છે."
ઑઇલ સર્વિસ કંપની બૅકર હ્યુજીસના આંકડાંઓ અનુસાર અમેરિકામાં ગયા અઠવાડિયે લગભગ 533 જગ્યાએ ડ્રિલ્સ સક્રિય હતી.
ગત વર્ષ કરતાં આ સંખ્યામાં 233નો વધારો દર્શાવે છે.
આમ છતાં ઑક્ટોબર 2014માં અમેરિકામાં 1,580 ડ્રિલ્સ સક્રિય હતી તેના કરતાં આ સંખ્યા ઘણી ઓછી છે. તે વખતે ક્રૂડનો ભાવ આટલે ઊંચે પહોંચ્યો હતો અને ડ્રિલ્સ ધમધોકાર ઑઇલ બહાર કાઢી રહી હતી.
અમેરિકાની કંપનીઓ પાસે શૅલ ઑઇલનું ઉત્પાદન તાત્કાલિક વધારવાની ખાસ્સી ક્ષમતા છે. આ પ્રકારના તેલના કૂવાને બહુ ઝડપથી ચાલુ કરી શકાય છે અને તેમાં લાંબા ગાળાનું મોટું રોકાણ પણ કરવું પડતું નથી.
હાલમાં અમેરિકામાં કુલ ઉત્પાદનમાં 65% ઉત્પાદન શૅલ ઑઇલનું છે, એમ યુએસ ઍનર્જી ઍડમિનિસ્ટ્રેશનના આંકડાં જણાવે છે.
સામાન્ય રીતે જ્યારે પણ ક્રૂડઑઇલના ભાવો ઊંચા જાય ત્યારે તરત તેનો લાભ લેવા માટે શૅલ ઑઇલના ઉત્પાદકો ઉત્પાદન વધારી દેતા હોય છે. આ વખતે તેવું નથી થયું, તેનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ક ફિનલે કહે છે, "આ વખતે ઇન્વેસ્ટર્સને કારણે આવું થયું છે."
"છેલ્લાં 10 વર્ષોમાં આ કંપનીઓનો વિકાસ બહુ ઝડપથી થયો છે, પણ તેમાંથી ઇન્વેસ્ટર્સને બહુ મોટું વળતર મળ્યું નથી. તેથી ઇન્વેસ્ટર્સ સાવધ થયા છે અને તેઓ આ વખતે નફો થાય તેમાંથી નવા તેલના કૂવા ખોદવાના કાર્યમાં લગાવવાની વાતનો વિરોધ કરી રહ્યા છે. ઇન્વેસ્ટર્સની માગણી છે કે કંપનીઓ મૂડીનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરે અને સારો એવો નફો પેદા કરે."
કોરોના મહામારીને કારણે અર્થતંત્ર પડી ભાંગ્યું અને તેના કારણે ઘણી ઑઇલ-કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
એક તબક્કે WTI ક્રૂડનો ભાવ માઇનસમાં જતો રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો ઑઇલ-ઉત્પાદક કંપનીઓ ક્રૂડને લઈ જવા માટે સામેથી પૈસા ચૂકવવા તૈયાર હતી, જેથી ક્રૂડને સ્ટોર ના કરવું પડે.
ફિનલ કહે છે, "આવું અગાઉ ક્યારેય થયું નહોતું અને તેના કારણે જ આ વખતે બજારમાં સાવચેતી લેવામાં આવી રહી છે. મને લાગે છે કે કદાચ તેના કારણે પણ ઇન્વેસ્ટર્સનું વલણ બદલાયું છે અને તેઓ હવે ઇચ્છે છે કે આ ઑઇલ ઉત્પાદક કંપનીઓ અલગ રીતે કામ કરે."
તેઓ ઉમેરે છે, "વક્રતા એ છે કે આ સ્ટ્રેટેજીને કારણે અમેરિકાની શૅલ ઑઇલ કંપનીઓ કદાચ આ વર્ષે ઇતિહાસનાં સૌથી સારાં નાણાકીય પરિણામો હાંકલ કરશે."
આ રીતે અમેરિકામાં ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તેના કારણે ઑપેકના દેશોને તો ફાયદો થઈ જ રહ્યો છે, સાથે જ અમેરિકન શૅલ કંપનીઓ પણ કમાણી કરી રહી છે.

ફુગાવાનું દબાણ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના કારણે અર્થતંત્ર થંભી ગયું અને પછી હવે ઝડપથી કામકાજ વધી રહ્યું છે તેના કારણે આર્થિક પરિસ્થિતિ અનોખી રીતે આકાર લઈ રહી છે.
પુરવઠાની સ્થિતિમાં મુશ્કેલી છે અને કાચા માલસામાનનો ભાવવધારો થઈ રહ્યો છે, તેના કારણે કેટલાંક ઉત્પાદનોમાં તંગી ઊભી થઈ રહી છે. તેનાથી ફુગાવાનું દબાણ પણ વધ્યું છે અને તેમાં હવે ક્રૂડઑઇલનો ભાવવધારો બોજરૂપ બની રહ્યો છે.
હ્યુસ્ટન ખાતેની મેયર બ્રાઉન લૉ ફર્મના લૉયર અને ઑઇલ બજારના જાણકાર જૉઝ વૅલેરા કહે છે,
"ક્રૂડના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે ફુગાવો પણ વધી રહ્યો છે, કેમ કે વાહનવ્યવહાર માટે વપરાતાં ડીઝલ અને પેટ્રોલ મોંઘાં થઈ રહ્યાં છે. સાથે જ વીજઉત્પાદનમાં પણ આનો ઉપયોગ થાય છે તેથી પણ ફુગાવો વધી રહ્યો છે."
તેઓ વધુમાં જણાવે છે, "આ ઉપરાંત પૅટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ક્રૂડ કાચા માલ તરીકે વપરાય છે. પ્લાસ્ટિક તથા બીજી વસ્તુઓ કે જેમાંથી આખરે કન્ઝ્યુમર આઇટમ બને છે તેના ઉત્પાદનમાં પણ ક્રૂડની જરૂર પડે છે."
અમેરિકામાં વધતા ભાવોને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગયા વર્ષ કરતાં અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લગભગ 40% જેટલો વધારો થયેલો છે.
વૅલેરા કહે છે કે ક્રૂડના વધતા ભાવ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે અને તેના કારણે ઉત્પાદનો અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા બને. આખરે તે વધારો ગ્રાહકો પર જ નાખવામાં આવે અને વસ્તુઓની કિંમતો વધે.
"ભાવવધારાનો જે બોજ આવે તે ઉત્પાદકો અને ટ્રાન્સપોર્ટરો ગ્રાહકો પાસેથી જ વસૂલ કરવાના, તો જ તેમનો નફાનો ગાળો જળવાઈ રહે. તેના કારણે ક્રૂડમાં ભાવવધારો થાય એટલે ફુગાવામાં સીધો જ વધારો થતો હોય છે."
વૅલેરાને લાગે છે કે ક્રૂડઑઇલના ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે અથવા તો હાલના સ્તરેથી તેમાં ખાસ કોઈ ઘટાડો થાય તેમ લાગતું નથી.
"કોરાના મહામારી પછી હવે આર્થિક સુધારો આવી રહ્યો છે અને મોટા ભાગના દેશોમાં ગ્રૉથ દેખાઈ રહ્યો છે, તેના કારણે વીજળી અને બળતણની માગ વધી રહી છે. તેનો અર્થ એ કે ક્રૂડની માગ વધી રહી છે. તેની સામે એ જ દરે ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યું નથી," એવી ચેતવણી તેઓ આપે છે.

ક્લાઇમેટ ચેન્જનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
વૅલેરાના જણાવ્યા અનુસાર ઑપેક તથા અન્ય દેશોની ક્રૂડનું ઉત્પાદન મર્યાદિત રાખવાની સ્ટ્રેટેજી ઉપરાંત બીજું પણ એક કારણ ઉત્પાદનને મર્યાદિત રાખી રહ્યું છે. ઑઇલ-કંપનીઓ હવે પોતાના ક્ષેત્રમાં નવું મોટું રોકાણ કરી રહી નથી.
કેમ કે વૈશ્વિક તાપમાન તથા ક્લાઇમેટ ચેન્જ સામેની લડતના ભાગરૂપે વૈકલ્પિક ઊર્જાસ્રોતોમાં હવે રોકાણ વધી રહ્યું છે.
માર્ક ફિનલે પણ કહે છે કે વિશ્વભરમાં અત્યારે આવો જ પ્રવાહ ચાલી રહ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે કે તેઓ ઝડપથી વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતો તરફ વળે.
તેઓ કહે છે, "મને લાગે છે કે શૅલ, ટોટલ અને બીપી જેવી કંપનીઓ ઊર્જાના નવા સ્રોતો પાછળ વધારે રોકાણ કરી રહી છે. શેવરોન અને ઍક્ઝોનમોબિલ જેવી કેટલીક અમેરિકન કંપનીઓ પણ કહે છે કે તેમનો પ્રયાસ પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવા તરફ છે."
ફિનલે એ વાત તરફ પણ ધ્યાન દોરે છે કે વીજઉત્પાદન અને કોલસો પણ ઘણી જગ્યાએ મોંઘાં બન્યાં છે તેથી તેની અસરથી પણ ક્રૂડઑઇલના ભાવો ઊંચા ગયા છે.
તેઓ કહે છે, "અત્યારે જે થઈ રહ્યું છે તે પરંપરાગત રીતે ઊર્જાના ક્ષેત્રમાં ફેરફારો માટેના પ્રયાસોને કારણે છે, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે આજે પણ વિશ્વની ઊર્જાની 85% જરૂરિયાત આ પરંપરાગત સાધનોથી જ પૂરી થઈ રહી છે."
"એક સમાજ તરીકે, નીતિનિર્ધારકો માટે અને કંપનીઓ માટે મુખ્ય પડકાર એ છે કે અર્થતંત્રને ચાલતું રાખવા માટે તમે આધારભૂત અને સસ્તી વીજળી પૂરી પાડતા રહો. સાથે જ વૈકલ્પિક ઊર્જાસ્ત્રોતોના વિકાસ તરફ પણ ધ્યાન આપવાનું છે."
તેઓ અંતમાં કહે છે, "કોરોના રોગચાળાના કારણે એક બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ. ગયા વર્ષે વિશ્વના ઇતિહાસમાં CO2 ઉત્સર્જનમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો. પણ કોઈ આ સ્થિતિ નથી ઇચ્છતું, કેમ કે તેની સાથે જ વિશ્વના અર્થતંત્રમાં સૌથી મોટું ગાબડું પણ પડ્યું. બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયાના અર્થતંત્રમાં આ સૌથી મોટો ઘટાડો હતો. આ રીતે કાર્બનનું ઉત્પાદન ઘટાડી શકાય તેમ નથી."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












