સીરિયામાં આવેલા રૅફ્યૂજી કૅમ્પમાં આઈએસના લડવૈયાઓની પત્નીઓ, બાળકો કઈ રીતે રહે છે?
- લેેખક, પૂનમ તનેજા
- પદ, બીબીસી ન્યૂઝ
અલ-હોલ કૅમ્પમાં ધમાલ મચેલી છે, અને મજબૂરી વચ્ચે સ્થિતિ ખતરનાક પણ છે.
આ છાવણીમાં ઇસ્લામિક સ્ટેટના વિદેશી લડાયકોની પત્નીઓ અને બાળકોને રાખવામાં આવ્યાં છે. ચારે બાજુ તંબુઓ નાખી દેવામાં આવ્યા છે, જેમાં પરિવારો ગીચોગીચ રહે છે. ચારે બાજુ કાંટાળી તાર લગાવાયેલી છે, વૉચ ટાવર છે અને ફરતે સશસ્ત્ર ચોકિયાતો પણ ગોઠવાયેલા છે.

ઇમેજ સ્રોત, JEWAN ABDI
રણની વચ્ચે આવેલી આ વિશાળ છાવણી ઈશાન સીરિયામાં તુર્કીની સરહદ નજીક આવેલા અલ-મલ્કિયાથી કમિશ્લી શહેરથી આગળ ચારેક કલાક પહોંચતાં થાય એટલે દૂર આવેલી છે.
અંદર મહિલાઓ કાળાં વસ્ત્રો અને નકાબ પહેરીને રહે છે, જેમાં માત્ર આંખો જ બહાર જોઈ શકે તેટલી જાળી હોય છે. કેટલીક મહિલાઓ એક કોરાણે બેસી રહે છે, જ્યારે કેટલીકનો મીજાજ બહુ ઉગ્ર હોય છે.
એક ખૂણે નાનકડી શાકમાર્કેટ આવેલી છે. ધોમધખતા તાપમાં છાંયડામાં કેટલીક મહિલાઓ ઊભી રહીને વાતો કરી રહી છે. આ મહિલાઓ પૂર્વ યુરોપની છે.
મેં તેમને પૂછ્યું કે આ છાવણીમાં તમે કેવી રીતે આવી ગઈ ત્યારે ભાગ્યે જ કોઈએ મને કંઈ જણાવ્યું, પરંતુ પોતાના પતિઓ પર બળાપો કાઢ્યો કે તેણે હજારો માઇલનો પ્રવાસ કરીને આઈએસમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને તેના કારણે તે બધી અહીં ફસાઈ ગઈ છે.
હજારો લોકોને ગુલામ બનાવીને તેના પર ત્રાસ ગુજારનારા આઈએસ માટે કામ કરવા આ પુરુષો અહીં આવ્યા હતા અને અમારો વાંક એટલો જ કે અમે આવા ખોટા પુરુષોના પ્રેમમાં પડી તેમ આ મહિલાઓનું કહેવું હતું.
મોટા ભાગની આઈએસના ઉદ્દામવાદીઓની પત્નીઓની આવી જ કહાણી છે. તેઓ પોતે આ ત્રાસવાદી શાસન સાથે પોતાને કશી લેવાદેવા ન હોવાનું જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગની મહિલાઓના પતિ કાં તો માર્યા ગયા છે, જેલમાં છે અથવા ગૂમ થઈ ગયા છે. અને તેના કારણે આ મહિલાઓ સંતાનો સાથે આ છાવણીમાં ફસાઈ ગઈ છે.
આ છાવણીમાં લગભગ 60,000 લોકો છે, જેમાંથી 2,500 આઈએસના વિદેશી લડવૈયાઓના પરિવારો છે. 2019માં બેગહઝમાં જેહાદી ગ્રૂપની હાર થઈ ત્યારથી આ લોકો આ છાવણીમાં રહે છે.
આ સ્ત્રીઓ બહુ સંભાળીને વાતો કરે છે, કેમ કે કોઈ સાંભળી જશે અને મુશ્કેલી આવશે તેનો ડર હોય છે.
તેમને ગાર્ડ્સની બહુ ચિંતા નથી, પણ બીજી સ્ત્રીઓ સાંભળી જશે તેનો ફફડાટ હોય છે. આ છાવણીમાં પણ આઈએસના ઉદ્દામવાદીઓના કાયદા ચાલે છે.
અમે વહેલી સવારે આ છાવણીમાં પહોંચ્યા ત્યારે સવારે જ એક સ્ત્રીની હત્યા થઈ હતી.

રોજ હત્યાઓ

ઇમેજ સ્રોત, JEWAN ABDI
આ છાવણીમાં રોજ હિંસા અને હત્યાના કિસ્સા બને છે, જે કુર્દોની આગેવાની હેઠળના સીરિયન ડેમૉક્રેટિક દળો માટે માથાનો દુખાવો છે. આ છાવણીઓની જવાબદારી આ દળો પર નાખવામાં આવી છે.
કુર્દ લોકોની આગેવાની હેઠળ ચાલતા ઈશાન સીરિયાના તંત્રના ડિ-ફેક્ટો વિદેશમંત્રી ડૉ. અબ્દુલકરીમ ઓમર કબૂલે છે કે અલ-હોલ છાવણીમાં પણ હજી આઈએસના જ કાયદા ચાલે છે. તે કહે છે કે ઉદ્દામવાદી સ્ત્રીઓને કારણે આ છાવણીમાં હિંસા થાય છે.
તેઓ કહે છે, "રોજેરોજ હત્યાના કિસ્સા બને છે અને જે લોકો આઈએસઆઈએસની વિચારધારામાં ના માનતા હોય તેની છાવણીઓને સળગાવી દેવામાં આવે છે. આ સ્ત્રીઓ પોતાની ઉદ્દામવાદી વિચારસરણી બાળકોમાં પણ ભરી રહી છે."
અને છાવણીમાં બાળકોનો કોઈ પાર નથી. મોટાં ભાગનાં બાળકો એશિયા, આફ્રિકા અને યુરોપમાંથી આવેલા લોકોનાં સંતાનો છે, જે આઈએસમાં જોડાયા હતા.

ઇમેજ સ્રોત, AFP Contributor
આ બાળકો પાસે કરવા માટે ખાસ કંઈ પ્રવૃત્તિઓ નથી. કેટલાક છોકરાઓએ અમે પસાર થયા ત્યારે અમારા પર પથ્થરમારો પણ કર્યો હતો. અમારા એક વાહનનો કાચ તૂટી ગયો અને માંડમાંડ બચ્યા. આવું તો આ છાવણીમાં કાયમ થતું હોય છે.
કેટલાક છોકરાઓ શાંત હોય છે અને તંબુની બહાર એમ જ બેઠા રહેતા હોય છે. આ બધાં બાળકોએ બહુ ક્રૂરતા જોઈ છે અને ઇરાક તથા સીરિયામાં પોતાના કબજાનો પ્રદેશ બચાવવા માટે આઈએસ લડી રહ્યું હતું ત્યારે સતત ટુકડીઓ સાથે તેમણે ભાગદોડી કરી છે.
આ બાળકોએ યુદ્ધ સિવાય કશું જોયું નથી અને શાળાએ જવાની વાત પણ આવી નથી.
કેટલાંક બાળકોનાં શરીર પર ઈજાના ઘા જોઈ શકાય છે. મેં એક બાળકને જોયો, જેનો પગ કપાયેલો હતો અને તે લંગડાતો લંગડાતો રેતીમાં ચાલતો હતો. મોટાં ભાગનાં બાળકો જોખમો વચ્ચે જ રહ્યાં છે અને માતા કે પિતા એમ કોઈને કોઈ ગુમાવ્યાં છે.
છાવણીમાં થતી હિંસા રોકવા માટે વારંવાર સલામતી માટે તપાસ થતી હોય છે.
મોટા થયેલા છોકરાઓને જોખમ તરીકે જોવામાં આવે છે. કિશોરાવસ્થામાં પ્રવેશે એ સાથે જ તેમને અહીંથી હઠાવીને સલામત એવા ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.
ડૉ. ઓમર કહે છે, "આ બાળકો અમુક ઉમરે પહોંચે એટલે તેમના પર જાતનું જ જોખમ હોય. તેથી તેમને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવા સિવાય કોઈ ઉપાય અમારી પાસે હોતો નથી."
તેઓ કહે છે કે આ સંતાનોની માતા સાથે ઇન્ટરનેશનલ રેડ ક્રોસના માધ્યમથી સંપર્ક રાખવામાં આવે છે.

'મોટા થતાં સંતાનોની ચિંતા'

ઇમેજ સ્રોત, JEWAN ABDI
અલ-હોલના ઉત્તરમાં એક નાનકડી છાવણી રોજ નામની છે. તેમાં પણ આઈએસની પત્નીઓ અને સંતાનો રહે છે. અહીં પણ વારંવાર હિંસા થાય છે. આ જ છાવણીમાં શમીમાબેગમ, નિકોલ જૅક અને તેની દીકરીઓ જેવી બ્રિટિશ મહિલાઓ રહે છે.
છાવણીને ફરતે તારની વાડ કરીને તેને જુદી પાડવામાં આવી છે. હું ત્રિનિદાદ અને ટૉબેગા ટાપુ પરથી આવેલી મહિલાઓના એક જૂથને મળી. એક વખતે આ ટાપુ પરથી આઈએસમાં સૌથી વધુ ઉદ્દામવાદીઓ જોડાયેલા હતા.
એક સ્ત્રીનો પુત્ર 10 વર્ષની ઉંમરનો છે. આઈએસ સાથે રહેવા માટે તે બાળકો સાથે આવી હતી. તેનો પતિ માર્યો ગયો તે પછીય તે આઈએસ સાથે જ રહી હતી.
છોકરાઓ મોટા થાય એટલે તેને માતાથી દૂર કરવામાં આવે છે એવું તેમણે સાંભળ્યું છે અને તેને હવે ડર લાગે છે કે તેના પુત્રને તેની પાસેથી લઈ જવાશે.
પુત્ર મોટો થતો જાય છે, તે સાથે તેની ચિંતા વધતી જાય છે. "હું અહીં બેસીને તેને રોજેરોજ મોટો થતો જોઉં છું. મને લાગે છે કે એક દિવસ તે લોકો તેને મારી પાસેથી લઈ જશે."
નજીકમાં તેનો પુત્ર તેના નાનાં ભાઈબહેન સાથે ફૂટબોલ રમી રહ્યો છે. તેના પિતાનું ઍરસ્ટ્રાઇકમાં મોત થયું હતું. તે છોકરાએ પણ મને કહ્યું કે મને દૂર લઈ જવાશે તો માતા વિના ગમશે નહીં.
આ છાવણીમાં સફાઈનો મોટો પ્રશ્ન છે અને ખુલ્લામાં જ જાજરૂ અને બાથરૂમ જવું પડે છે. પીવાનું પાણી ટૅન્કરોમાંથી ભરવાનું. બાળકો ખરાબ પાણીની ફરિયાદ કરતાં હોય છે.
છાવણીમાં એક નાનકડી બજાર પણ ભરાય છે, જેમાં રમકડાં, ખાવાની વસ્તુઓ અને વસ્ત્રો વેચાય છે.
દર મહિને પરિવારને અનાજનો જથ્થો આપવામાં આવે છે. માતાઓને તથા બાળકોને વસ્ત્રો આપવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં એકથી વધુ પરિવારો ભેગા હોય છે. આઈએસના શાસનમાં પુરુષો એકથી વધુ બેગમો રાખતા હતા. આ બેગમો આજેય ભેગી રહે છે અને બાળકોને સંભાળે છે.

વિનાશ, બૉમ્બમારો અને યુદ્ધ

ઇમેજ સ્રોત, JEWAN ABDI
'સેવ ધ ચિલ્ડ્રન' સંસ્થાએ કેટલીક જગ્યાએ કામચલાઉ શાળા ખોલી છે.
આ સંસ્થાની સીરિયા રિસ્પોન્સ ઓફિસ સાથે કામ કરતાં સારા રાશદાન કહે છે, "અમે જાતભાતની કથાઓ સાંભળીએ છે અને તેમાં કશુંય હકારાત્મક નથી. જોકે અમને આશા છે કે આ લોકો તેમના ઘરે જઈ શકશે. સામાન્ય બાળકોની જેમ જીવી શકે અને સલામત અને તંદુરસ્ત રહે તેવી આશા રાખીએ છીએ."
"બાળકોના વર્તનમાં અમે બહુ ફેર થતો જોયો છે. અમે જોયું કે બાળકો વિનાશ, બૉમ્બમારો અને યુદ્ધનાં ચિત્રો દોરતા હતાં. ...પણ હવે બાળકો આનંદ, ફૂલો અને ઘર જેવાં સકારાત્મક ચિત્રો પણ દોરવા લાગ્યાં છે."
જોકે આ બાળકોને કેવી રીતે તેમના વતન મોકલી શકાશે અને તેમનું ભાવિ શું હશે તે કહેવું મુશ્કેલ જણાય છે.
પશ્ચિમના ઘણા દેશોમાં આઈએસના વિદેશી લડવૈયાઓની પત્નીઓને પણ ખતરા તરીકે જોવામાં આવે છે.
જોકે ઘણી મહિલાઓ પોતાના તરફથી કોઈ જોખમ નથી તે જણાવે છે. આમ છતાં આઈએસનો ભોગ બનેલાની ચર્ચા બહુ થતી નથી. આઈએસે હજારો યઝીદી મહિલાઓને ગુલામ બનાવી હતી અને ધર્મવિરોધી હોય તે લોકોની હત્યાઓ કરી દેવાઈ હતી.

ઇમેજ સ્રોત, JEWAN ABDI
આ મહિલાઓ એવું કહેતી હોય છે કે આઈએસની હિંસાના પ્રચારની તેમને કંઈ ખબર નથી. ખિલાફતની હેઠળ જીવતી હોવા છતાં શિરચ્છેદ, સામુહિક હત્યાઓ અને નરસંહારની પોતાને ખબર નથી એવું આ મહિલાઓ કહેતી હોય છે.
આઈએસમાં જોડાયેલા લોકો આવી જ વાતો કરતા હોય છે અને તેની ખરાઈ કરવાનો કોઈ રસ્તો હોતો નથી.
આ સ્ત્રીઓ દુનિયાથી કપાયેલી છે અને બીજા દેશોમાં તેને કેવી રીતે જોવામાં આવે છે તેના વિશે પણ આ સ્ત્રીઓને ખ્યાલ નથી.
સ્વીડન, જર્મની અને બેલ્જિયમ જેવા કેટલાક યુરોપિયન દેશોએ આવી કેટલીક સ્ત્રીઓ અને બાળકોને પોતાને ત્યાં લાવવાનું શરૂ કર્યું છે.
આ છાવણીઓમાં સ્થિતિ કથળી રહી છે તેથી કુર્દ સત્તાધીશો આ સ્ત્રીઓને તેઓ જ્યાંની નાગરિક છે તે દેશો ઝડપથી લઈ જાય તેમ ઈચ્છે છે.
ડૉ. ઓમર કહે છે, "આ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય તેની ફરજ બજાવી રહ્યો નથી અને જવાબદારી સ્વીકારી રહ્યો નથી. જો આવી જ સ્થિતિ રહી તો આપણી સામે એવું સંકટ આવશે જેને આપણે સંભાળી નહીં શકીએ."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












