અફઘાનિસ્તાનમાં તાલિબાનના 'ઇસ્લામિક રાજ'માં શું બદલાઈ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર થોડા જ દિવસોમાં અફઘાનિસ્તાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દેશની શાસનધુરા સંભાળ્યા પછી તાલિબાનો જે રીતે નિઝામ નીમવા ઇચ્છે છે, એ અંગે બહુ ઓછી માહિતી પ્રાપ્ત થવાને કારણે હજુ પણ અસ્પષ્ટતા છે.
એક તરફ અમેરિકન સેના કાબુલ છોડી દેવા ઉતાવળી છે અને બીજી તરફ હામિદ કરજાઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ વિસ્તારમાં અફરાતફરીનાં દૃશ્યો છે, એ જોતાં એવું લાગે છે કે 'ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાન' હવે ઇતિહાસ બની ગયું છે.
અફઘાનિસ્તાન હાલ જે વિટંબણામાંથી પસાર થઈ રહ્યું છે, એના પ્રથમ અધ્યાયના કેટલાક કિસ્સા લખાઈ ચૂક્યા છે; જેવા કે, રાષ્ટ્રપતિ અશરફ ઘનીનું દેશ છોડી જતાં રહેવું, કાબુલનું પતન, તાલિબાનોના હાથમાં શાસનધુરા અને અફઘાનિસ્તાનને 'ઇસ્લામિક અમીરાત' બનાવવાની તાલિબાનની યોજના.
એક સચ્ચાઈ એ પણ છે કે તાલિબાન જાતે પોતાને 'ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન' તરીકે ઓળખાવે છે. 2020માં 'દોહા સમજૂતી' પર એમણે આ જ નામથી સહી કરી હતી. આ દસ્તાવેજ જ અફઘાનિસ્તાન છોડવા માટે અમેરિકાનું પહેલું કારણ છે.
તાલિબાનના પ્રવક્તા આજકાલ વારંવાર 'દોહા સમજૂતી'નો ઉલ્લેખ કર્યા કરે છે અને જબીહુલ્લા મુજાહિદે અનેક પત્રકારપરિષદોમાં અફઘાનિસ્તાનને આ જ નામે સંબોધ્યું છે.
નવા નિઝામને આ સંદર્ભે કાબુલ, જલાલાબાદ અને અસદાબાદ જેવાં શહેરોમાં થયેલાં વિરોધપ્રદર્શનોની પ્રતિક્રિયાઓ મળવા લાગી છે. આ શહેરોમાં 'ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાન'ના ઝંડાધારી દેખાવકારો પર ગોળીઓ છોડવામાં આવી. તાલિબાનીઓએ નક્કી કર્યું છે કે તેઓ હવેથી પોતાના ધ્વજનો જ ઉપયોગ કરશે.
અફઘાનિસ્તાનના નવા નામકરણને લીધે રાજકીય, વૈચારિક અને ધાર્મિક એમ વિવિધ બદલાવની અસરો પડવાની છે. અફઘાનિસ્તાન અને તેના નાગરિકોના ઇસ્લામિક દુનિયા અને બાકીના આંતરરાષ્ટ્રીય દેશો સાથેના તેમના સંબંધો પર પણ આ પરિવર્તનની અસર થશે.

અમીરાત એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
પર્શિયન ખાડી વિસ્તારમાં આ પ્રકારના દેશો છે; જેમ કે, કતાર અને કુવૈત અમીરાત છે. સંયુક્ત આરબ અમીરાતના નામથી જ એ સ્પષ્ટ છે કે એ અમીરાતોનો મહાસંઘ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યૉર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના ઝેવિયર ગ્વિરાડો, જેઓ મધ્યપૂર્વ બાબતોના જાણકાર છે. તેમણે કહ્યું કે, "પ્રજાસત્તાક દેશોમાં ધાર્મિક નેતા રાષ્ટ્રપતિ નથી હોતા, પરંતુ અમીરાત વ્યવસ્થામાં ધાર્મિક નેતૃત્વ હોય અને તેઓ જ રાષ્ટ્રપ્રમુખ હોય છે."
"જેમની પાસે રાજકીય અને ધાર્મિક એમ બંને કુનેહ-શક્તિઓ હોય તેવા લોકો જ દેશના અમીર હોય છે."
મોટા ભાગના મુસ્લિમ દેશોમાં એ સર્વસામાન્ય વાત છે કે આવી બંને શક્તિઓ એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થયેલી હોય.
બૉસ્ટન યુનિવર્સિટીમાં માનવવિજ્ઞાનના વિશેષજ્ઞ થૉમસ બારફિલ્ડે જણાવ્યું, "અમીરના ખિતાબનો ઇતિહાસ અમીર અલમુમિનિનના સમયથી છે. અમીરનો અર્થ 'વફાદાર અને ભરોસાપાત્ર લોકોનો સુકાની' થાય છે."
"મહંમદ પયગંબરના સમયમાં સેનાના કેટલાક સરદારો આ ખિતાબનો ઉપયોગ કરતા હતા."
થૉમસ બારફિલ્ડ જણાવે છે કે તાલિબાન જે અમીરાતની વાત કરી રહ્યું છે, એ ઇસ્લામિક સ્ટેટની હકૂમતથી જુદું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
"ઇસ્લામિક સ્ટેટ એમ કહે છે કે, ગમે ત્યાં રહેતા બધા મુસલમાનો પર એમના ખલીફાની હકૂમત હોય, એ એમની યોજના છે. તાલિબાન પોતાને એક એવું સ્વતંત્ર રાજકીય એકમ ગણે છે કે જેનો વિસ્તાર અફઘાનિસ્તાનની જમીન પર રહેનારા લોકો સુધી જ સીમિત છે."
ઝેવિયર ગ્વિરાડોએ જણાવ્યું કે, "ખિલાફત (ધાર્મિક સત્તા)ની સંકલ્પના ચાર ખલીફા (ધાર્મિક નેતા)ના સમય સાથે જોડાયેલી છે, જ્યારે સાતમી સદીમાં મહંમદ પયગંબરના વારસોની ઇસ્લામિક દુનિયા પર સીધી હકૂમત હતી."
થૉમસ બારફિલ્ડે જણાવ્યું કે, "જ્યારથી આ ખિલાફતના નિઝામ નબળા પડવા લાગ્યા ત્યારથી અમીરાતો અને સલ્તનતોનો ઉદય થવા લાગ્યો. સુલતાનનો અર્થ જ એવો નેતા કે જેના હાથમાં સેનાની કમાન હોય."
તો પછી તાલિબાનના અમીરાત અને ઇસ્લામિક સ્ટેટની ખિલાફત એ બેમાંથી જીત કોની થશે?
જવાબમાં થૉમસ બારફિલ્ડે કહ્યું કે, "બંને જૂથ એકબીજાને દુશ્મનની નજરે જુએ છે. કાબુલમાં ઇસ્લામિક સ્ટેટ બૉમ્બધડાકાનો સિલસિલો શરૂ ન કરે એ જોવું દિલચસ્પ હશે."
ગુરુવારે કાબુલ એરપૉર્ટ પર જે થયું એ આનો જ ભાગ હતું.
અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પશ્ચિમી દેશોનાં હિતો વિરુદ્ધ કરવામાં નહીં આવે, એવા તાલિબાનના વાયદા પર અમેરિકા વિશ્વાસ રાખવા ઇચ્છે છે; પણ, પોતાને 'ઇસ્લામિક સ્ટેટ' કહેનારા અંતિમવાદી સંગઠનનો ઇરાદો કંઈ જુદો જ છે.

અમીરાત જ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
ઝેવિયર ગ્વિરાડોએ જણાવ્યું કે, "તાલિબાનની રાજકીય પરંપરાના મૂળમાં જ અમીરાત છે અને એ જ અમીરાતવાળી વ્યવસ્થા પસંદ કરવાનું મુખ્ય કારણ છે."
2001માં તાલિબાનનું પતન થયું, ત્યાં સુધી એની સરદારી કરનારા મુલ્લા ઉમર, અમીરનો ખિતાબ ધરાવતા હતા.
ઝેવિયર એમ જણાવે છે કે જ્યારે અલગ વંશ અને ખાનદાનનું કોઈ નવું જૂથ સત્તા પર આવે તો એ પોતાનું રાજકીય સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે અમીરની પદવી ધારણ કરે છે.
અફઘાનિસ્તાન અનેક રાજકીય વ્યવસ્થાઓ અપનાવી ચૂક્યું છે. એમાં મહંમદ જાહિર શાહનું બંધારણીય રાજતંત્ર પણ હતું. જેની સામે ઈ.સ. 1973માં વિદ્રોહ થયો હતો અને એના પરિણામે સત્તાપલટો થયો હતો.
2001માં અમેરિકાના આગમન પછી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક ગણરાજ્યની સ્થાપના કરવામાં આવી, પરંતુ તાલિબાન પહેલાંથી જ અફઘાનિસ્તાનમાં અમીરાતવાળી જૂની વ્યવસ્થા બહાલ કરવા ઇચ્છે છે.
હવે એ નક્કી છે કે તેઓ એમાં કામિયાબ થઈ રહ્યા છે. જોકે, નેવુંના દાયકામાં જે દમનકારી હિંસક શાસનવ્યવસ્થા હતી એવી જ પ્રણાલી પાછી શરૂ થશે, એવી બીક ઘણા બધા અફઘાનોને છે.

કેવી હશે અમીરાત વ્યવસ્થાવાળી સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images
જે અમીરાત વ્યવસ્થાવાળી સરકારની સ્થાપનાની વાત તાલિબાનો કરી રહ્યા છે તે કેવી હશે? એ પ્રશ્ન સૌ કોઈ પૂછી રહ્યા છે.
2004માં અફઘાનિસ્તાન પર પશ્ચિમી દેશોની અસર હતી, એ વખતે બનેલા બંધારણે અફઘાનિસ્તાનને 'ઇસ્લામિક ગણરાજ્ય'નો દરજ્જો આપ્યો હતો.
એમાં લોકપ્રિય, લોકોની અપેક્ષાઓ સંતોષે એવી પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરવામાં આવી હતી. હવે તો એ સંવિધાન મૃતપ્રાય દસ્તાવેજથી વધુ કંઈ નથી.
થૉમસ બારફિલ્ડ જણાવે છે કે, "જ્યારે ઇસ્લામ અને શરિયત કાનૂન જ કાફી છે, ત્યારે એ નક્કી છે કે તાલિબાન કોઈ નવું બંધારણ નહીં બનાવે. અફઘાનિસ્તાનમાં હવે કોઈ ચૂંટણી નહીં થાય. કેમ કે, તાલિબાનની હકૂમત જનતાની મરજી પર આધારિત નહીં હોય, બલકે, એ અલ્લાહની મરજીથી ચાલશે."
તાલિબાનની હકૂમતમાં જે કોઈ શખ્સ અમીર બનશે એની પાસે રાજકીય અને ન્યાયિક અધિકારો હશે; એની પાસે જ ધાર્મિક સત્તા પણ હશે.
શું તે હરહંમેશ હકૂમત કરશે? થૉમસ બારફિલ્ડ જણાવે છે કે, "જો તમે અફઘાનના ઇતિહાસમાં ડોકિયું કરશો તો જણાશે કે મોટા ભાગના નેતાઓની હકૂમત એમના મૃત્યુ અથવા દેશનિકાલથી ખતમ થઈ છે."

ઇમેજ સ્રોત, Getty Images
એનો મતલબ એમ નહીં કે અફઘાનિસ્તાનના આમીરાત પાસે અમાપ અધિકારો હશે અને તેની નિયુક્તિ કોઈ પણ પ્રકારના સોદા કે વાતચીત વગર જ થઈ જશે.
ઝેવિયર ગ્વિરાડોએ જણાવ્યું કે, "અફઘાનિસ્તાનમાં કેટલાંય વંશ, કબીલા અને ખાનદાનો છે અને શક્ય છે કે એવા કોઈ પ્રભાવશાળી લોકોના સમૂહમાંથી કોઈકની વરણી થાય."
અત્યાર સુધી જે અટકળો કરવામાં આવી છે એ મુજબ દોહા સમજૂતીમાં તાલિબાન તરફથી અમેરિકા સાથે વાર્તાલાપ કરનાર મુલ્લા ઉમરના નજીકના સાથી મુલ્લા અબ્દુલ ઘની બરાદરને દેશનો નવો અમીર નિયુક્ત કરવામાં આવશે.
આ ઉપરાંત પણ હજી ઘણા પ્રશ્નો છે, જેના જવાબ શોધવા બાકી છે. અફઘાનિસ્તાનમાં અમીરાતની પરંપરા તાલિબાની આંદોલન કરતાં ક્યાંય જૂનીપુરાણી છે.
થૉમસ બારફિલ્ડે જણાવ્યું છે એમ, અફઘાનિસ્તાનમાં 19મી સદીમાં પહેલી વાર અમીરનો ખિતાબ આપવાની શરૂઆત થઈ હતી; ત્યાં સુધી અફઘાન નેતા 'શાહ'ની ઉપાધિ વાપરતા હતા.
એમાં એક સમસ્યા એ હતી કે 'શાહ' કહેવડાવવા માટે અહમદ શાહ દુર્રાની (1722-1772)ના વંશજ હોવું જરૂરી હતું. અહમદ શાહ દુર્રાની આધુનિક અફઘાનિસ્તાનના સંસ્થાપક તરીકે ઓળખાય છે.
તાલિબાનના પ્રવક્તાએ એ વાત વારંવાર કહી છે કે તેઓ એક 'સમાવેશી સરકાર'નું ગઠન કરવા ઇચ્છે છે.
થૉમસ બારફિલ્ડે જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં સુન્ની મતમાં માનનારો ઇસ્લામિક સમુદાય મોટી સંખ્યામાં છે.
શિયાઓની તુલનામાં સત્તાના પ્રારૂપ અંગે તેઓ ઘણા ઉદારવાદી (ફ્લેક્સિબલ) છે. એટલે તો એવી આશા રાખી શકાય છે કે તાલિબાન સાથે સંકળાયેલી કોઈ પણ સમજૂતી કરવામાં તેઓ પાછી પાની નહીં કરે.

કેવી હશે મહિલાઓની સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તા માટે કરવામાં આવતી સોદાબાજીમાં મહિલાઓ સાથે કોઈ ભાગીદારી થઈ રહી છે?
હાલ તો આવું કશું જ જોવા નથી મળતું અને નથી આવી કોઈ આશા. છોકરીઓને માત્ર ભણવા અને કામ કરવાની છૂટ આપવાનો મતલબ એ છે કે તાલિબાનનું વિચારપરિવર્તન થયું છે.
પરંતુ, છેલ્લાં વીસ વરસોમાં અફઘાનિસ્તાનમાં કેટલાંક એવાં પરિવર્તનો થયાં છે, જેને સુધારતાં સમય લાગશે અને તાલિબાને તો હાલ એ સમસ્યાનો સામનો કરવો પડશે.
ઝેવિયર ગ્વિરાડો ચેતવણીના સૂરમાં જણાવે છે કે, "અફઘાનિસ્તાનમાં અત્યારનું સ્વાતંત્ર્ય પહેલાં કરતાં ઘણું વધારે છે, ખાસ કરીને શહેરોમાં, જેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમણે વોટ આપ્યા છે. એ કારણે જ તાલિબાન કદાચ ભૂતકાળ જેવું શાસન કરવાનું ન વિચારે."
જો તાલિબાનો શક્તિ અને દમનના જોરે લોકોને પરેશાન કરશે અને દબાણમાં મૂકી દેશે તો એને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવી મુશ્કેલ થઈ પડશે અને એનાં કૂટનૈતિક અને આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે.
થૉમસ બારફિલ્ડે કહ્યું કે, "સવાલ એ છે કે શું તાલિબાનો એ શીખ્યા છે કે નહીં કે દેશ પર હકૂમત કરવા માટે તેમણે દુશ્મનો સાથે સમજૂતીઓ કરવી પડશે."
દેખાવો કરનારાઓ પર ગોળીઓ છોડવી અને પહેલાંની અફઘાન હકૂમતના માણસોને હળતાં-મળતાં લોકોને ધમકીઓ આપવાની ઘટનાઓથી અફઘાનસ્થિતિ વિશે વધારે આશા બંધાતી નથી. પણ આ સવાલનો જવાબ અને નવા અમીરની જાહેરાત, બંને, આવનારા સમયના ગર્ભમાં છુપાયેલાં છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














