તાલિબાન, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટની ત્રિપુટી ક્યાં એક છે અને શું છે તફાવત?
- લેેખક, જોસ કાર્લોસ ક્વેટો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
અફઘાનિસ્તાનની સત્તાની લડાઈમાં ત્રણ જૂથો એક બીજા સાથે મળીને રહે છે: તાલિબાન, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ.
પશ્ચિમના દેશોની સેનાની વિદાય પછી તાલિબાન સત્તા પર આવ્યું છે, ત્યારે મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં જેહાદનો નવો યુગ શરૂ થવાનું જોખમ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લ થોડા વર્ષોમાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ (IS) નબળા પડ્યા છે, પણ હજીય તે સક્રિય છે અને હવે શક્તિશાળી બની શકે છે.
આ બંને તાલિબાન જેવા જ ઉદ્દામવાદી છે, પણ ત્રણેય જૂથોની મહત્ત્વાકાંક્ષાઓ જુદી જુદી છે અને ત્રણે અલગ રીતે કામ કરે છે.
"અફઘાનિસ્તાનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા તાલિબાનની છે. અલ-કાયદાનું જેહાદી જૂથ અત્યારે ફરીથી પોતાનું નેટવર્ક ઊભું કરવાની કોશિશ કરી રહ્યું છે. આઈએસ પણ પગદંડો જમાવવા માગે છે, પણ તેનું કામ મુશ્કેલ બની શકે છે કેમ કે તે તાલિબાન અને અલ-કાયદા બંનેનું દુશ્મન છે," એમ ન્યૂ યોર્કના સોફન સેન્ટરના સંશોધક અને સલામતી નિષ્ણાત કોલિન ક્લાર્ક કહે છે.
આ ત્રણેય વચ્ચે મૂળભૂત ફરક શું છે તે જોઈએ.
અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાનનું મૂળ

ઇમેજ સ્રોત, Getty
અલ-કાયદા અને તાલિબાનનો ઉદય સોવિયેત સંઘના આક્રમણનો સામનો કરવા માટે થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1980ના દાયકામાં રશિયન આક્રમણ પછી 1990ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સત્તા માટે આંતરિક લડાઈ ચાલતી રહી તેમાં અલ-કાયદા અને તાલિબાન ઊભા થયા હતા.
ઇસ્લામિક સ્ટેટ થોડા વર્ષો પહેલાં 2003માં અમેરિકાના આક્રમણ પછી ઇરાકી સૈનિકોમાંથી તૈયાર થયું હતું. તેમની સાથે ઇરાકમાં રહેલા અલ-કાયદાના ઉગ્રવાદીઓ પણ જોડાયા હતા.
અલ-કાયદાની સ્થાપના સાઉદી અબજપતિ ઓસામા બિન લાદેને એંસીના દાયકાના અંત ભાગમાં કરી હતી. અલ કાયદાનો અર્થ જ જોડાણ એવો થાય છે, અને તેનું કામ સોવિયેત સંઘ સામે લડનારા મુસ્લિમોને મદદ કરવા તેની સાથે જોડાવાનો હતો.
આ માટે સમગ્ર ઇસ્લામી જગતમાંથી ઉગ્રવાદીઓની ભરતી કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયેત સંઘને હરાવ્યા બાદ પશ્તુન લડાયકોનું એક જૂથ અને પાકિસ્તાનમાં પખ્તુન પ્રાંતની મદરેસામાં તૈયાર થયેલા યુવાનોનું જૂથ તાલિબાન અફઘાનિસ્તાનમાં વ્યાપક બન્યું.
અફઘાનિસ્તાનમાં શાંતિ અને સલામતી પૂરી પાડવાનો તેનો હેતુ હતો અને સત્તામાં આવ્યા પછી શરિયા લાગુ કરવાની તેની નેમ હતી.
તાલિબાનને ટેકો મળવા લાગ્યો અને થોડા જ વખતેમાં કાબુલ કબજે કર્યું અને 1996 સુધીમાં સમગ્ર અફઘાનિસ્તાનમાં કબજો જમાવી દીધો હતો.
તે વખતે અલ-કાયદા સહાય પૂરી પાડનારા એક નેટવર્ક જેવું જ હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે જેહાદના દાવા સાથે તે સક્રિય બન્યું હતું. અલ-કાયદા તરફથી મળતી મદદ અને ફંડિંગને કારણે તાલિબાને અલ-કાયદાનો અડ્ડો અફઘાનિસ્તાનમાં ઊભો થવા દીધો હતો.
ઇરાકમાં અલ-કાયદામાંથી જ આગળ જતા ઇસ્લામિક સ્ટેટ ઊભું થયું હતું. 2003માં અમેરિકાએ હુમલો કર્યો તે પછી ઇરાકમાં વિદેશી સેનાના આક્રમણ સામે તે લડ્યું હતું.
2006માં અલ-કાયદાએ ઇરાકના બીજા ઉદ્દામવાદી જૂથોને એકત્રિત કર્યા અને તેને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એવું નામ આપ્યું હતું. ઇસ્લામી જગત પર એકચક્રી શાસનના ઇરાદો પાર પાડવા માટે આ જૂથ બનાવ્યું હતું.
2011 પછી ઇસ્લામિક સ્ટેટ સીરિયામાં ઘૂસ્યું અને ત્યાંના ગૃહ યુદ્ધમાં સત્તા જમાવી શક્યું. તે પછી તેનું નામ બદલીને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને લેવાન્ત એવું અપાયું. અલ-કાયદાથી પોતાને અલગ કરીને તેણે હવે ખિલાફત પોતાના હાથમાં લેવાનો ઇરાદો જાહેર કર્યો.

અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાનનું ઇસ્લામનું અર્થઘટન કેટલું અલગ?

ઇમેજ સ્રોત, Getty
આ વિષયમાં નિષ્ણાતોએ જણાવ્યું કે તાલિબાન, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ત્રણેય ધર્મનું અર્થઘટન જેહાદ અને ઉદ્દામવાદી પ્રકારનું કરે છે.
આ ત્રણેય જૂથો સુન્ની મુસ્લિમોના બનેલા છે, જે શિયાઓ કરતાં વધારે કટ્ટર ઇસ્લામમાં માને છે. આ વિખવાદને કારણે જ ઘણા મુસ્લિમ દેશો વચ્ચે સંઘર્ષ થતો રહે છે.
"તે લોકો માને છે કે ધર્મના નામે હિંસા વાજબી છે. ધર્મ માટે લડવું ફરજ છે અને ન લડે તે ખરાબ મુસ્લિમ છે," એમ લંડનની કિંગ્ઝ કૉલેજના સંશોધક માઇકલ ગ્રોપ્પીએ બીબીસીને જણાવ્યું.
"આ ત્રણેય જૂથ માને છે કે સામાજિક અને રાજકીય વ્યવસ્થા ધાર્મિક વ્યવસ્થાથી અલગ હોઈ શકે નહીં," એમ તેઓ ઉમેરે છે.
"બાઇબલની જેમ કુરાનમાં પણ કેટલાક બહુ ઉશ્કેરણીજનક સૂત્રો છે. મોટા ભાગના મુસ્લિમો આ હિંસક સૂત્રોને માનતા નથી. તેમનું કહેવું છે કે ધર્મની સ્થાપના વખતે તેની જરૂર હતી, કેમ કે ત્યારે તેની સામે ખતરો હતો. તેથી તે વખતે જેહાદી યુદ્ધ બરાબર હતું," એમ ગ્રોપ્પી કહે છે.
જોકે આ ત્રણેય જૂથોની કટ્ટરતામાં થોડો ફરક છે. તેમના ઇરાદા પ્રમાણે તેમની કટ્ટરતામાં તફાવત તે બાબત જ ત્રણેય વચ્ચે મુખ્ય ફરક છે એમ જાણકારો કહે છે.

અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાનના ઇરાદાઓમાં કોઈ તફાવત છે?

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાનનો ઇરાદો અફઘાનિસ્તાનમાં શરિયા કાનૂન લાગુ કરવાનો છે. છેલ્લે સત્તા મળેલી ત્યારે તાલિબાને કડક શરિયા કાયદો લાગુ કરેલો, ખાસ કરીને મહિલાઓ સામે આકરા નિયમો હતા.
1996થી 2001 દરમિયાન તાલિબાને ગુજારેલા ત્રાસને યાદ કરીને જ લાખોની સંખ્યામાં અફઘાનો દેશ છોડીને નાસવા લાગ્યા. તાલિબાનની સત્તામાં જૂનો અત્યાચાર ફરી શરૂ થશે એવો ભય તેમને છે.
"જોકે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ કરતાં તાલિબાનના કાયદામાં થોડી ઓછી કટ્ટરતા છે. તાલિબાન મુસ્લિમોના ભવ્ય આદર્શ ભૂતકાળને યાદ કરીને અફઘાનિસ્તાનને ફરી તેવું બનાવવા માગે છે." એમ વૉશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ત્રાસવાદની બાબતોના જાણકાર ડેનિયલ બાયમેન કહે છે.
બાયમેન કહે છે, "અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદ ફેલાવા માગે છે, જ્યારે તાલિબાનને બીજા મુસ્લિમ દેશોમાં કોઈ રસ નથી, માત્ર અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે - આ સૌથી મોટો ફરક છે."
વક્રતા એ છે કે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ બંને ખિલાફતને પાછી લાવવા માગે છે. એટલે કે બધા જ મુસ્લિમ રાષ્ટ્રોમાં ધાર્મિક અને રાજકીય આગેવાનોની ચૂંટણી થાય અને તે ખિલાફત પ્રમાણે ચાલે.
"જોકે ખિલાફત ઊભી કરવાની બાબતમાં બંને વચ્ચે ભેદ છે. અલ-કાયદાને લાગે છે કે ખિલાફતની વાત કરવી હજી વહેલી છે. જેહાદીઓ અને મુસ્લિમ સમાજ હજી ખિલાફત માટે તૈયાર નથી. તેથી તેની અગ્રતા એ નથી," એમ બાયમેન વધુમાં જણાવે છે.

અમેરિકા સાથેની દુશ્મનાવટ બાબતે ત્રણે એક છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તાલિબાન, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ત્રણેયનો એક સમાન દુશ્મન છે- અમેરિકા અને પશ્ચિમ.
"આ ઉપરાંત જેમને દગાખોર ગણતા હોય તેવા પ્રાદેશિક દેશો સામે પણ તેની દુશ્મનાવટ છે, એટલે કે એવા દેશો જે અમેરિકાને અને પશ્ચિમને ટેકો આપતા હોય. અથવા એવો દેશો જેમણે કટ્ટર ઇસ્લામને છોડીને પશ્ચિમની જેમ વહીવટ અને ધર્મસત્તા વચ્ચે ભેદ રાખ્યો હોય." એમ ગ્રોપ્પી જણાવે છે.
આવા દેશોમાં ઈરાન, સીરિયાનો સમાવેશ થાય છે. જોકે આ રીતે તેની સામે દુશ્મનાવટ રાખવા સામે સવાલો પણ ઊભા થાય છે. અમેરિકાએ ઘણી વાર અહેવાલો આપ્યા છે કે ઈરાનની શિયા સરકારે ઘણી વાર સુન્ની જેહાદી અલ-કાયદાને ટેકો આપેલો છે.
"ઇસ્લામિક સ્ટેટ પહેલેથી અલ-કાયદા કરતાં વધારે હિંસક હતું અને તેણે પશ્ચિમ સામેની લડત ઉપરાંત પોતાની જેહાદમાં વિશ્વાસ ના રાખનારા મુસ્લિમો સામે વધારે ક્રૂરતા આચરી છે," એમ બાયમેન કહે છે.
જાણકારો કહે છે કે અલ-કાયદા માટે મુખ્ય દુશ્મન અમેરિકા છે, જ્યારે ઇસ્લામિક સ્ટેટ માટે શિયાઓ અને મધ્ય પૂર્વા બીજા લઘુમતી જૂથોને ખતમ કરવાનું કામ વધારે અગત્યનું છે.
"અલ-કાયદા પણ શિયાઓને કાફર માને છે, પણ તેની હત્યા કરી નાખવાની વાતને વધારે પડતી માને છે, તે માને છે કે આના કારણે શક્તિ વેડફાય છે અને જેહાદને જ નુકસાન થાય છે." એમ બાયમેન કહે છે.
આઈએસ માટે તાલિબાન પણ દુશ્મન છે, કેમ કે તે માને છે કે અમેરિકા સાથે વાટાઘાટો કરીને તાલિબાને દગાખોરી કરી છે.
જોકે કડીરૂપ જૂથો દ્વારા બંને એક બીજા સાથે જોડાયેલા છે ખરા.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના આઈએસ જૂથ અને હક્કાની નેટવર્ક વચ્ચે કડી છે. હક્કાની નેટવર્ક તાલિબાન સાથે જોડાયેલું છે.
જેહાદમાં આગેવાની લેવા માટે આઈએસે ઘણાની સામે મોરચો ખોલ્યો હતો. 2014થી અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલ-કાયદા સામે આઈએસ ઘર્ષણ કરી રહ્યું છે.

અલ-કાયદા, તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટની કાર્યપદ્ધતિ ક્યાં અલગ પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાને પાઠ ભણાવવા માટે બહુ નાટકીય રીતે 9/11નો હુમલો ન્યૂ યોર્કમાં અલ-કાયદાએ કરાવ્યો હતો.
મુસ્લિમોને જગાડવા અને વૉશિંગ્ટનને ડરાવવા માટે તેની જ ભૂમિ પર આતંકી હુમલા અને તેના સાથે પડોશના દેશોને પણ ત્રાસવાદી હુમલા દ્વારા ડરાવવાની કોશિશ થાય છે.
જેહાદ મુસ્લિમો માટે ફરજ છે અને પ્રાદેશિક હિતો કરતાંય અલ-કાયદાના હેતુઓ તેમના માટે અગ્રસ્થાને હોવા જોઈએ તેવું જણાવવા માટે પ્રોપેગેન્ડા અલ-કાયદા ચલાવે છે.
"ઇસ્લામિક સ્ટેટ પણ આવી જ વાતો કરે છે, પણ તે વધારે હિંસક રીતે કામ કરે છે. તેનો ઇરાદો મોટા પાયે વિસ્તારો પર કબજો જમાવવાનો અને વિશાળ પ્રદેશમાં મુસ્લિમોનું શાસન શરિયા પ્રમાણે કરવાનો છે." એમ બાયમેન કહે છે.
"આઈએસ માટે ત્રાસવાદ એ ક્રાંતિકારી યુદ્ધ જેવું છે. તેના કબજામાં આવતા પ્રદેશોમાં તે સામુહિક હત્યાકાંડ કરે છે, લોકોના માથા કાપી નાખે છે અને બળાત્કારો કરે છે. લોકો પર અત્યાચાર કરીને તેને કાબૂમાં કરવા માગે છે. પણ અલ-કાયદા તેનાથી થોડી નરમ રીતે કામ કરવામાં માને છે," એમ બાયમેન ઉમેરે છે.
આઈએસે હુમલા કરીને 2014થી 2017 સુધીમાં ઇરાક અને સીરિયાના વિશાળ પ્રદેશો કબજે પણ કરી લીધેલા.
જોકે હાલના વર્ષોમાં આઈએસને ફટકો પડ્યો છે અને સીરિયા તથા પશ્ચિમના દેશોની સેનાએ તેને ઘણી જગ્યાએથી ખદેડી દીધું છે. સીરિયાની સેનાને સોવિયેત સંઘનો પણ ટેકો મળેલો છે.
જોકે અફઘાનિસ્તાનમાં તેનું જૂથ ઇસ્લામિક સ્ટેટ ઑફ ગ્રેટર ખુરાસાન તરીકે ઓળખાય છે અને તે પ્રાદેશિક લઘુમતી પ્રજા પર ત્રાસ ગુજારીને ડર ફેલાવે છે. હાલમાં કાબુલ ઍરપૉર્ટ પર ખુરાસાનના ત્રાસવાદીઓએ જ હુમલો કર્યો હતો.
તાલિબાન અત્યાર સુધી ગેરિલા યુદ્ધ લડતું આવ્યું છે અને અફઘાન સેનાને માત આપતું આવ્યું છે. કાબુલ પર કબજો કરતાં પહેલાં મોટા ભાગના નગરોને તાલિબાને કબજે કરી લીધા હતા.
પ્રાંતોની રાજધાની પર કબજો કર્યા પછી તાલિબાને અફઘાની સૈનિકોની હત્યા કરી હોવાના સમાચારો આવ્યા હતા અને ખાસ કરીને મહિલાઓ પર પ્રતિબંધો મૂકવાનું શરૂ કરી દીધું હતું.
જોકે ગ્રોપ્પીના જણાવ્યા અનુસાર ત્રાસ આપવા ઉપરાંત, "તાલિબાન પ્રોપેગેન્ડા કરવામાં વધારે હોંશિયાર છે. તેણે ગામડાંના લોકોને એવું સમજાવ્યું છે કે તેની સત્તાને કારણે ઘણી સમસ્યાઓ, ખાસ કરીને ભ્રષ્ટાચાર દૂર થઈ શકશે."

જેહાદીઓની ભરતી કેવી રીતે કરે છે?

ઇમેજ સ્રોત, EPA
તાલિબાન, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ પોતાનો પ્રચાર કરીને સ્થાનિક લોકોને પોતાના જૂથમાં ભરતી કરે છે.
જેહાદ કરવી કેટલી જરૂરી છે અને કેવી રીતે ધર્મને શુદ્ધ કરીને બચાવવો જરૂરી છે એવી વાતો કરવામાં આવે છે.
જોકે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ વધારે વ્યાપક પ્રદેશોમાં કામ કરે છે એટલે તેની સાથે મધ્ય પૂર્વ સિવાયના ઘણા લોકો જોડાય છે.
"આ બાબતમાં આઈએસ વધારે સફળ રહ્યું છે. તેણે ઇન્ટરનેટની તાકાતનો ઉપયોગ કરીને ઇરાક અને સીરિયામાં પોતાની બ્રાન્ડને મજબૂત કરી છે. પોતાનો ધ્વજ, પ્રદેશ અને રાષ્ટ્ર દેખાડીને તાકાત ઊભી કરી છે," એમ ગ્રોપ્પી કહે છે.
"સોશિયલ મીડિયામાં પણ તેનો પ્રચાર જોરદાર હોય છે અને તેના કારણે પશ્ચિમના દેશોના યુવાનો પણ ભરમાઈને તેનું કામ કરવા તૈયાર થઈ જાય છે. સીરિયા કે ઇરાક જઈ ન શકતા હોય તે લોકો આવી રીતે તેનો સંપર્ક કરીને પોતાન જ દેશમાં આતંકી હુમલાઓ કરતા હોય છે." એમ બાયમેન જણાવે છે.
આ જ પદ્ધતિએ પેરિસમાં 2015માં હુમલો થયો હતો, જેમાં આઈએસના ઉદ્દામવાદીઓએ 130ની હત્યા કરી હતી. છેલ્લા દાયકાઓમાં થયેલો આ સૌથી મોટો હુમલો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













