અમેરિકા કોઈ યુદ્ધને આખરી અંજામ સુધી કેમ નથી પહોંચાડી શકતું?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

આખરે જાહેરાત અને ધારણા મુજબ અમેરિકાએ તાલિબાનમાં વાવટો સંકેલી લીધો છે અને હવે કાબુલ ઍરપૉર્ટ સહિત અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં 'અમેરિકાના પરાજયને અન્ય હુમલાખોર દેશો માટે બોધપાઠ' ગણાવ્યો અને 'ઐતિહાસિક જીત' કહી ફતેહ બદલ અફઘાન લોકોને અભિનંદન પણ આપ્યા.

અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાય છે. તેની પાસે અત્યાધુનિક સૈન્ય છે, અત્યાધુનિક ટેકનૉલૉજી છે અને અત્યાધુનિક ઍરફોર્સ પણ છે તેમ છતાં એ તાલિબાનને કેમ હરાવી શક્યું નહીં? આ સવાલનો જવાબ શોધવાના પ્રયાસ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી પછી કરવામાં આવી રહ્યા છે.

અમેરિકન બુદ્ધિજીવીઓ એ વાતે ચિંતિત છે કે અમેરિકા આધુનિક યુદ્ધ કેમ જીતી શકતું નથી?

એ સવાલ પણ મહત્ત્વનો છે કે 31 ઑગસ્ટે અમેરિકન સૈન્યની વાપસી પછી, ખાસ કરીને ચીન તથા રશિયાએ આગળ વધીને તાલિબાન સાથે સંબંધ બાંધ્યો છે ત્યારે, અફઘાનિસ્તાનમાં અમેરિકન ભાગીદારી પર પૂર્ણવિરામ મૂકાઈ જશે?

અમેરિકાના બચાવમાં કેટલાક લોકો એવી દલીલ કરે છે કે અમેરિકાને અફઘાનિસ્તાન અને ઇરાકમાં ઘણી સફળતા મળી છે.

શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ટૉમ કેસિડી કહે છે, “અમેરિકન સૈન્યએ ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો અને મારી નાખ્યો. અલ-કાયદાનો સફાયો કર્યો. તેના અનેક મોટા નેતા કાં તો માર્યા ગયા અથવા તો તેમની ધરપકડ કરવામાં આવી."

"અફઘાનિસ્તાનમાં પાયાની માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો. છોકરીઓને શિક્ષિત કરવા માટે શાળાઓ શરૂ કરવામાં આવી. એક ભણેલો-ગણેલો વર્ગ ઉભર્યો."

"ઈરાનમાં કથિત ઇસ્લામિક સ્ટેટ જેવા ખતરનાક આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા. સદ્દામ હુસૈન તથા લીબિયામાં કર્નલ ગદ્દાફી જેવા તાનાશાહોનો અંત આવ્યો. આ બધી સફળતા ઓછી છે?”

1945 પછી અમેરિકાના પાંચ મુખ્ય યુદ્ધ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના સૈન્યને સંપૂર્ણ રીતે હઠાવી લેવા માટે 31 ઑગસ્ટની ડેડલાઇન રાખી છે

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના સૈન્યને સંપૂર્ણ રીતે હઠાવી લેવા માટે 31 ઑગસ્ટની ડેડલાઇન રાખી છે

જોકે, અફઘાનિસ્તાન, સીરિયા, ઇરાક અને યમનમાંથી આતંકવાદીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવામાં વૉશિંગટન નિષ્ફળ રહ્યું હોવા બાબતે અમેરિકામાં સર્વસંમતિ છે. યુદ્ધમાં તાલિબાનની જીત અને તેનું સત્તા પર પાછું આવવું અમેરિકાની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે.

ઇતિહાસ પર નજર નાખીએ તો જાણવા મળે છે કે 1945 સુધી અમેરિકા તમામ મોટાં યુદ્ધ જીત્યું હતું, પરંતુ 1945 પછી અમેરિકા બહુ જ ઓછા યુદ્ધોમાં વિજેતા બની શક્યું છે.

1945 પછી અમેરિકા પાંચ મોટા યુદ્ધ લડ્યું છે. તેમાં કોરિયા, વિયેતનામ, અખાત, ઈરાક અને અફઘાનિસ્તાનમાંના યુદ્ધોનો સમાવેશ થાય છે. સોમાલિયા, યમન અને લીબિયામાં અમેરિકા નાનાં યુદ્ધ પણ લડ્યું છે.

1991ના અખાતી યુદ્ધને બાદ કરતાં અમેરિકા બાકીની તમામ લડાઈઓમાં પરાજિત થયું છે.

અમેરિકા માટે ફરજ બજાવવા દરમિયાન કાર્ટર મલકાસિયને અફઘાનિસ્તાનમાં ઘણાં વર્ષો પસાર કર્યાં છે. એ અનુભવને આધારે તેમણે ‘ધ અમેરિકન વૉર ઇન અફઘાનિસ્તાન, અ હિસ્ટ્રી’ નામનું પુસ્તક લખ્યું છે, જે પહેલી જુલાઈએ પ્રકાશિત થયું હતું.

line

અમેરિકા યુદ્ધ હારે છે ક્યા કારણોસર?

અફઘાન સૈનિક

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, અફઘાન સૈનિક

ઉપરોક્ત પુસ્તકમાં કાર્ટર મલકાસિયને એક રસપ્રદ પાસા પર પ્રકાશ ફેંક્યો છે. તેઓ જણાવે છે કે 1945 પહેલાંના યુદ્ધો દેશો વચ્ચે લડાયાં હતાં. એ યુદ્ધો અમેરિકા હંમેશા જીત્યું હતું.

“પણ લડવૈયાઓ સ્થાનિક બળવાખોરો હોય, સૈન્ય નિર્બળ હોય પરંતુ વધારે પ્રેરિત તથા પ્રતિબદ્ધ હોય એવાં નવા યુગના તમામ યુદ્ધોમાં અમેરિકાએ હારનો સામનો કરવો પડ્યો છે.”

પરાજયની વાત અલગ છે, પરંતુ બેનગાઝી, સોમાલિયા, સેગોન અને હવે કાબુલમાંથી જે લાચારી સાથે અમેરિકાના સૈનિકો પાછા ફર્યા છે એ હકીકત પરાજયને વધારે શરમજનક બનાવે છે.

સવાલ એ છે કે અમેરિકા યુદ્ધ હારી કેમ જાય છે? નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેના ઘણાં કારણો છે, જેમાં સ્થાનિક સંસ્કૃતિ વિશેની સમજનો અભાવ મુખ્ય કારણ છે.

અમેરિકાના વિદેશ નીતિના નિષ્ણાત અને સ્વાર્થમોર લેજના પ્રોફેસર ડૉમિનિક ટિયરનીએ બીબીસી હિન્દીને આપેલા એક ઈ-મેઈલ ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, “અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા અને લીબિયા જેવી લડાઈઓ ગંભીર ગૃહયુદ્ધો છે. એ યુદ્ધોમાં શક્તિ કે ભૌતિક શક્તિ જીતની ગેરન્ટી નથી આપતી. ખાસ કરીને અમેરિકા જેવો દેશ સ્થાનિક સંસ્કૃતિથી અજાણ છે અને એક એવા દુશ્મન સાથે લડે છે, જે વધારે જાણકાર અને વધારે કટિબદ્ધ છે.”

line

યુદ્ધના મેદાનમાં અમેરિકાની સ્થિતિ

વીડિયો કૅપ્શન, તાલિબાન : અફઘાનિસ્તાન છોડતી વખતે મહિલા પત્રકાર રડી પડ્યાં, 'મારું સપનું તૂટી ગયુંં',

ડૉમિનિક ટિયરીનીએ તેમના પુસ્તક ‘ધ રાઈટ ટુ લૂઝ અ વૉર, અમેરિકા ઇન એન ઍઝ ઑફ અનવિનેબલ કૉન્ફ્લિક્ટ્સ’માં સ્વીકારે છે કે અમેરિકા તાજેતરનાં યુદ્ધોમાં હાર્યું છે.

ઘાતક ગેરિલા લડાઈઓના આ નવા યુગને અનુકૂળ થવા માટે અમેરિકાએ કેટલો સંઘર્ષ કર્યો છે તે આ વિચારોત્તેજક પુસ્તકમાં ડૉમિનિક ટિયરનીએ જણાવ્યું છે.

પરિણામે મોટાભાગનાં મુખ્ય યુદ્ધો સૈન્યની નિષ્ફળતાને વર્યાં છે અને યુદ્ધના મેદાનમાં આપદા આવે છે ત્યારે અમેરિકા માટે એ કળણમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. તેનું પરિણામ હજ્જારો અમેરિકન સૈનિકો અને અમારા સહયોગીઓ માટે ગંભીર હોય છે.

રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશના પ્રવચન લેખક ડેવિડ ક્રુમે ઇરાકમાં અમેરિકાના યુદ્ધને પહેલાં ટેકો આપ્યો હતો, પણ હવે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો છે.

એક લેખમાં તેઓ જણાવે છે, “આપણે ઇરાકને બહેતર બનાવવા માટે તૈયાર હોવાનું વિચાર્યું હતું, પરંતુ આપણે અજ્ઞાની અને અભિમાની હતા તેમજ માનવીય પીડાનું કારણ બન્યા હતા, જે અમેરિકનો, ઇરાકીઓ કે પ્રદેશ એમ કોઈના પણ માટે સારું ન હતું.”

line

અમેરિકાના પરાજયનું મોટું કારણ

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયન બાબતોના નિષ્ણાત પ્રોફેસર આફતાબ કમાલ પાશા પણ સ્થાનિક સંસ્કૃતિની પૂરતી સમજના અભાવને અમેરિકાના પરાજયનું એક મોટું કારણ ગણે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, “અમેરિકા બીજા દેશોની સંસ્કૃતિને સમજતું નથી અને ઝીણવટપૂર્વક સમજવા પણ ઈચ્છતું નથી."

"અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડિક ચેની અને અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ડોનાલ્ડ રમ્સફેલ્ડ સ્પષ્ટ રીતે કહેતા હતા કે અમેરિકાનું સૈન્ય બગદાદમાં પ્રવેશ કરશે ત્યારે ઇરાકનો શિયા સમુદાય સદ્દામ હુસૈન સામે બળવો કરશે અને અમેરિકન સૈનિકોનું ફૂલહારથી સ્વાગત કરશે."

"ક્યાં થયું સ્વાગત? ક્યાં થયો બળવો? તે ઈરાકની આંતરિક બાબતો અને તેના સમાજ વિશેની બહુ મોટી ગેરસમજ હતી.”

અફઘાનિસ્તાનમાં અમેરિકાના પરાજયનું એક વધુ ઉદાહરણ આપતાં પ્રોફેસર પાશા કહે છે, “અફઘાનિસ્તાનમાં તેમણે મુશ્કેલ પ્રદેશોનો સામનો કરવો પડ્યો હતો. આટલી બધી ખીણો, પહાડો અને ગુફાઓમાંના ગુપ્ત ઠેકાણાઓનો તાલિબાનને ગાઢ પરિચય હતો, પરંતુ અમેરિકન સૈનિકને તેની ખબર ન હતી."

"અમેરિકન સૈનિકોને કોઈ જોખમ દેખાતું ત્યારે તેઓ તેમની તાકાતનો ઉપયોગ કરીને સમગ્ર પ્રદેશ પર જોરદાર બોમ્બમારો કરતા હતા અને સમગ્ર પ્રદેશને ખેદાનમેદાન કરી નાખતા હતા.”

line

રાષ્ટ્રવાદ, વિચારધારા અને ધર્મયુદ્ધ

વીડિયો કૅપ્શન, અફીણના વેપારમાંથી કેવી રીતે તાલિબાન કરોડો રૂપિયા કમાય છે?

વિયતનામ યુદ્ધમાં ઉતરેલી વિયતનામ સરકારે વિયત-કોંગ નામના એક કમ્યુનિસ્ટ ગેરિલા દળની સ્થાપના કરી હતી.

એ દળના સભ્યોની સામ્યવાદી વિચારધારા અને રાષ્ટ્રવાદ પ્રત્યેની કટિબદ્ધતા અમેરિકન સૈનિકોને ભારે પડી હતી, કારણ કે તેમને એ વાતનું હંમેશા આશ્ચર્ય થતું હતું કે તેઓ તેમના દેશથી હજારો કિલોમીટર દૂર કોઈ અન્ય માટે યુદ્ધ લડી રહ્યા છે.

મૃત્યુની પરવાહ ન કરતા અને પોતાની વિચારધારા માટે જીવ આપવા તત્પર ગેરિલા દળ આખરે અમેરિકનોને ભગાડવામાં સફળ થયું હતું.

તાલિબાનના કિસ્સામાં પણ કંઈક એવું જ છે. અનેક જાણકારોએ જણાવ્યા મુજબ, તાલિબાન અમેરિકા સામેના યુદ્ધને માત્ર દેશ સામેની લડાઈ જ નહીં, પણ ધર્મયુદ્ધ પણ બનાવવામાં સફળ થયા હતા.

પ્રોફેસર ડૉમિનિક ટિયરની કહે છે, “તાલિબાન પાસે એક લક્ષ્ય હતું. ધાર્મિક, વંશીય અને રાષ્ટ્રવાદી અપીલનું મિશ્રણ હતું. તેની સામે અફઘાન સરકાર લોકતંત્ર કે માનવાધિકાર કે એક રાષ્ટ્રવાદી અપીલને આધારે સકારાત્મક સંદેશની રૂપરેખા તૈયાર કરવામાં નિષ્ફળ રહી હતી.”

લેખક કાર્ટર મલકાસિયન કહે છે, “તાલિબાન એટલા ધર્મપ્રેરિત હતા કે તેણે તેમને આ યુદ્ધમાં શક્તિશાળી બનાવી દીધા હતા. તેમણે ખુદને ઇસ્લામના પ્રતિનિધિ તરીકે પ્રસ્તુત કર્યા હતા અને વિદેશી કબજાના વિરોધનું આહ્વાન કર્યું હતું."

"એ વિચારોથી સામાન્ય અફઘાન નાગરિકો પ્રભાવિત થયા હતા. સામાન્ય અફઘાન નાગરિકો કટ્ટરતાવાદી નથી, પણ મુસલમાન હોવાનો તેમને ગર્વ છે. સરકારી સૈનિકો માટે એવી કોઈ પ્રેરણા ન હતી. તેઓ કોઈ હેતુ માટે પણ લડતા ન હતા.”

line

જેહાદ પ્રત્યેની તાલિબાનની કટિબદ્ધતા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કાર્ટર મલકાસિયનના જણાવ્યા મુજબ, તાલિબાન માટે મારવા તૈયાર હોય એવા અફઘાનોની સંખ્યા વધારે હતી. તાલિબાનને તેનો ફાયદો યુદ્ધના મેદાનમાં થયો હતો.

કાર્ટર મલકાસિયન અફઘાનિસ્તાનમાં લાંબો સમય રહ્યા છે અને એ દરમિયાન તેઓ તાલિબાનના લોકો અને તેમના ટેકેદારોને પણ મળ્યા છે.

કાર્ટર મલકાસિયને તેમના પુસ્તકમાં તાલિબાનના એક નેતાનું નિવેદન આ રીતે નોંધ્યું છેઃ “પોલીસ કે સૈન્યના જવાન મરતા હોય એવી ઘટનાઓની વાત હું રોજ સાંભળું છું. તેઓ તાલિબાન સામે લડવા માટે કટિબદ્ધ છે કે નહીં એ હું જાણતો નથી."

"પોલીસ અને જવાનો તો માત્ર ડૉલર માટે લડે છે. તેમને સારો પગાર આપવામાં આવે છે, પણ તેમનામાં સરકારનો બચાવ કરવાની પ્રેરણા હોતી નથી, જ્યારે તાલિબાન જેહાદ માટે કટિબદ્ધ છે.”

પ્રોફેસર પાશાના જણાવ્યા અનુસાર, તાલિબાન યુદ્ધના મેદાનમાં લડવા ઉતરતા હતા ત્યારે માથે કફન બાંધીને આવતા હતા. તેની સામે અમેરિકન તથા અફઘાન સરકારના સૈન્ય માટે જીવ બચાવવાનું કામ અગ્ર હતું.

“અમેરિકન સૈનિકો તેમના પોતાના નહીં, પણ પરાયા દેશ માટે લડતા હતા. તેમની કટિબદ્ધતા તાલિબાન જેવી ન હતી. તાલિબાન તેમના દેશ માટે લડતા હતા અને તેમણે એ લડાઈને ધર્મયુદ્ધનું સ્વરૂપ આપ્યું હતું. તેને કારણે સામાન્ય અફઘાનોમાં તેના પ્રત્યે સહાનુભૂતિ સર્જાઈ હતી.”

line

આ હારમાંથી અમેરિકા શું શીખ્યું?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અમેરિકન નેતૃત્વ સાઈગોન, વિયતનામમાંથી કશું શીખ્યું નહીં. 1993માં અમેરિકાએ સોમાલિયામાં નાના પાયે સૈન્ય કાર્યવાહી કરી હતી, પરંતુ તેના પર અગાઉની ભૂલોના પુનરાવર્તનનો આરોપ મૂકાયો હતો.

મોગાદિશુના માર્ગો પર મૃત અમેરિકન સૈનિકોને ઘસડી જવાના દૃશ્યોની સમગ્ર વિશ્વમાં ટીકા કરવામાં આવી હતી. એ જોઈને અમેરિકનો નારાજ થયા હતા. કેટલાક ભાવુક થઈ ગયા હતા. અમેરિકા માટે તે આફ્રિકામાં મહત્ત્વનો વળાંક હતો.

અમેરિકન સૈનિકોએ ઑક્ટોબર-1993માં સોમાલિયાની રાજધાની મોગાદિશુ પર વિનાશકારી દરોડા પાડ્યા હતા. તેનો હેતુ સોમાલિયાના શક્તિશાળી વૉર લૉર્ડ જનરલ મહમ્મદ ફરાહ એડિડ તથા તેમના મુખ્ય સહયોગીઓને પકડવાનો હતો, પરંતુ અમેરિકન સૈન્ય તરફથી એડિડના મિલિશિયાના જોરદાર પ્રતિરોધનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાનાં બે બ્લૅક હૉક હેલિકોપ્ટર્સને તોડી પાડવામાં આવ્યાં હતાં. અમેરિકાના 18 અને સંયુક્ત રાષ્ટ્રના બે સૈનિકો માર્યા ગયા હતા. એ વખતે સોમાલિયામાં આંતરવિગ્રહ તથા દુષ્કાળના અંત માટેના સંયુક્ત રાષ્ટ્રસંઘના એક મિશનનું નેતૃત્વ અમેરિકા કરતું હતું.

છ મહિનામાં જ અમેરિકાએ સોમાલિયામાંથી પોતાનું સૈન્ય હટાવી લીધું હતું અને એ મિશનની નિષ્ફળતાએ અમેરિકાને આફ્રિકન સંકટોમાં હસ્તક્ષેપ બાબતે સાવચેત કર્યું હતું.

પ્રોફેસર ડૉમિનિક ટિયરની કહે છે, “પાઠ ભણવા જેવી ઘણી બાબતો છે. સૌથી મહત્વનો પાઠ એ છે કે પહેલું યુદ્ધ ખતમ ન થયું હોય ત્યારે બીજું યુદ્ધ શરૂ ન કરો. નૈતિકતા અને ધાર્મિક જોશને લીધે યુદ્ધ શરૂ ન કરો અને વાતચીતની તક હોય તો તેનો ઈનકાર ન કરો."

"હાંસલ કરી શકાય તેવું લક્ષ્યાંક રાખો. યુદ્ધ શરૂ કરવાને બદલે તેને પૂર્ણ કરવાનું વધારે મુશ્કેલ હોય છે એ વાત યાદ રાખો.”

line

‘વાપસી થઈ છે, રસ જળવાયેલો રહેશે’

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

પ્રોફેસર ડૉમિનિક ટિયરની કહે છે, “અફઘાનિસ્તાન અને ઇરાકમાં રાષ્ટ્રનિર્માણ, લોકશાહી, માનવાધિકાર અને મહિલા શિક્ષણ તો આવારણ હતાં. મોટો ખેલ ચીન અને રશિયાને દૂર રાખવાનો તેમજ મધ્ય એશિયામાં રશિયાનો પ્રભાવ ઘટાડવાનો હતો, પણ પરાજયને કારણે અમેરિકાની વ્યૂહરચના નિષ્ફળ નીવડી.”

“હવે અમેરિકાની વ્યૂહરચના ચીન તથા રશિયાને અફઘાનિસ્તાનથી કોઈક રીતે દૂર રાખવાની હશે. તાલિબાન પર મોટો પ્રભાવ ધરાવતા પાકિસ્તાનની જરૂર અમેરિકાને પડે એ પણ શક્ય છે.”

અમેરિકાએ તાલિબાન સાથે સીધો સંબંધ જાળવી રાખવો જોઈએ એવું પણ કેટલાક લોકો કહે છે. કાબુલ ઍરપોર્ટ બહાર તાજેતરમાં થયેલા બૉમ્બ વિસ્ફોટો પછી તેની ઝલક પણ જોવા મળી રહી છે.

રશિયા અને ચીન એક થઈ ગયાં છે. તેનાથી અમેરિકા પરેશાન છે. તાલિબાનનું અફઘાનિસ્તાન, અમેરિકાની અંદર કે બહાર અમેરિકન દૂતાવાસો કે તેના સૈન્ય સ્થાનકો પર ઉગ્રવાદી હુમલાઓ કરે તેવાં ઉગ્રવાદી સંગઠનોનો અડ્ડો ન બની જાય તેની પણ અમેરિકાને ચિંતા છે.

line

અમેરિકા તેનું સૈન્ય ફરી અફઘાનિસ્તાન મોકલશે?

પ્રોફેસર પાશાના જણાવ્યા અનુસાર, આવી પરિસ્થિતિમાં અમેરિકા સીધો હસ્તક્ષેપ નહીં કરે.

તેઓ કહે છે, “પાછલાં કેટલાંક વર્ષોમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનું અંતર વધ્યું છે. અમેરિકા પાકિસ્તાનથી ખુશ નથી."

"જોકે, અમેરિકાએ તાલિબાન સાથેની સમજૂતીમાં પાકિસ્તાનની મદદ લીધી હતી અને તેનું સૈન્ય સ્વદેશ પાછું ફરશે એ સમયે તાલિબાન હુમલો નહીં કરે તેની ગેરન્ટી પાકિસ્તાન પાસેથી મેળવી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકાની વ્યૂહરચના નિષ્ફળ રહી છે ત્યારે તેને આગામી દિવસોમાં પાકિસ્તાનની જરૂર પડશે."

"અમેરિકાને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સૈન્ય વડા જનરલ પરવેઝ મુશર્રફ જેવા નેતાઓની જરૂર પડશે, જેમણે પ્રમુખ બુશની અપીલને માન આપીને 2001માં અફઘાનિસ્તાન પર ચડાઈ વખતે અમેરિકાને સાથ આપ્યો હતો.”

તેઓ ઉમેરે છે, “વડાપ્રધાન ઇમરાન ખાન પરનું દબાણ વધશે. તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શકે છે કે કેમ તે જોવાનું રહે છે.”

પ્રોફેસર ડૉમિનિક ટિયરની કહે છે, “રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અફઘાનિસ્તાનમાં વધુ એક મોટા યુદ્ધની સખત વિરુદ્ધમાં છે, પરંતુ કેટલાક સંજોગોમાં અમેરિકા ફરી સામેલ થઈ શકે છે. એક, માનવીય સંકટ છે."

"બીજું છે આતંકવાદી સંગઠનોનો ઉદય. ભવિષ્ય તરફ જોઈએ તો ચીન સાથે વકરતી તંગદિલીને કારણે અફઘાનિસ્તાન મોટા દેશો વચ્ચેના છદ્મયુદ્ધનું ઠેકાણું બની શકે છે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો