હક્કાની નેટવર્ક કેટલું ખતરનાક, તાલિબાનનું સંગઠન માળખું શું છે?

ઇમેજ સ્રોત, Reuters
બે દાયકા બાદ જે ઝડપથી તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો જમાવ્યો તેણે દુનિયાના દેશોને મોટો ઝાટકો આપ્યો છે.
અમેરિકા સહિત અનેક દેશો બે દાયકાની લાંબી લડાઈ બાદ પણ તાલિબાનને સમજવામાં થાપ ખાઈ ગયા એમ માનવામાં આવી રહ્યું છે અને તેના વાજબી કારણો પણ છે.
તાલિબાને ગઝની-હેરાત સર કરી લીધું એની આસપાસમાં જ અમેરિકન ખૂફિયા એજન્સીઓ ત્રણેક મહિનામાં અફઘાનિસ્તાનમાં સત્તા બદલાઈ જશે એમ કહી રહી હતી પરંતુ અમેરિકાની સેના પાછી ખેંચવાની અંતિમ તારીખ યાને કે 31 ઑગસ્ટ આવે એ પહેલાં જ તાલિબાન રાજધાની કાબુલ સુધી પહોંચી ગયું છે. હવે, અમેરિકા તારીખ લંબાવે એવી માગણીઓ પણ થઈ રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાલની સ્થિતિ અનુસાર ઍરપૉર્ટ પર અમેરિકન સેનાનું નિયંત્રણ છે પણ એને જોડનારા આસપાસના તમામ રસ્તા પર તાલિબાનની આણ છે.
ભારત સહિત દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને કાઢવા મથી રહ્યાં છે અને બીજી તરફ હજારો અફઘાન લોકો પણ દેશ છોડી દેવા માટે મીટ માંડીને મદદની રાહ જોઈ રહ્યાં છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકાના સહયોગી યુકેએ છેલ્લા અઠવાડિયામાં જે ઘટનાઓ બની એમાં ખૂફિયાતંત્રની નિષ્ફળતા છે કે નહીં તેની તપાસ કરવાની પણ વાત કરી છે.
યુકેના પૂર્વ મંત્રી ડૉમિનિક ગ્રીવે સવાલ કર્યો છે કે રાતોરાત નાટકીય ઢબે સહયોગી દેશોની સેના પાછી ખેંચવામાં આવી એની પાછળ ખૂફિયાતંત્રની નિષ્ફળતા તો જવાબદાર નથી ને?
એક સવાલ એ પણ પૂછાઈ રહ્યો છે કે બે દાયદા સુધી અમેરિકા સહિત વિદેશી સેનાઓની હાજરી છતાં તાલિબાને આટલી ઝડપે કેવી રીતે અફઘાનિસ્તાન સર કરી લીધું અને તેનું માળખું અને તંત્ર શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તાલિબાનનું સંગઠન માળખું શું છે?


હક્કાની નેટવર્ક શું છે અને કેટલું ખતરનાક?

ઇમેજ સ્રોત, MARCUS YAM/LOS ANGELES TIMES via Getty Images
તાલિબાને જે ઝડપથી અફઘાનિસ્તાન કબજે કર્યું છે એમાં હક્કાની નેટવર્કની મહત્ત્વની ભૂમિકા છે. અનેક પ્રાંતોમાં તો તાલિબાન સામે કોઈ પડકાર જ ઊભો ન થયો અને શરણાગતિ સ્વીકારી લેવામાં આવી હતી.
તાલિબાનાનો જે ખોફ છે એની પાછળ પણ હક્કાની નેટવર્કની ભૂમિકા મોટી છે.
કાબુલ સર કર્યા પછી પણ જે રીતે અમેરિકા અને નેટોને સહયોગ કરનાર લોકોને શોધવામાં આવી રહ્યાં છે કે અફઘાનિસ્તાનના હોય એવા નાગરિકોને કાબુલ ઍરપૉર્ટ પર રોકવામાં આવી રહ્યાં છે જે સજ્જડ તંત્ર હોવાની સાબિતી આપે છે.
હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં તાલિબાનની એક સૈન્ય પાંખ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના નવા માળખામાં આ સૈન્ય પાંખની મોટી ભૂમિકા રહેશે.

ઇમેજ સ્રોત, DAUD YARDOST/AFP via Getty Images
સમાચાર સંસ્થા એએફપી અનુસાર જલાલુદ્દીન હક્કાનીએ આ જૂથની સ્થાપના કરી હતી.
જલાલુદ્દીન હક્કાનીએ સ્થાપેલી આ સૈન્ય પાંખે 1980ના દાયકામાં સોવિયત સંઘ સામેના યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી.
એ વખતે જલાલુદ્દીન હક્કાનીને સીઆઈએ અને પાકિસ્તાન જેવા સહયોગીની મદદ મળી હતી. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પૂર્ણ થયું એ પછી પણ હક્કાની નેટવર્કનો દબદબો બરકરાર રહ્યો.
1996માં જલાલુદ્દીન હક્કાની તાલિબાનની સાથે જોડાઈ ગયા અને તાલિબાનની જે પહેલી સરકાર બની એમાં મંત્રી તરીકે કામગીરી કરી.
વર્ષ 2018માં તાલિબાને જાહેરાત કરી તે જલાલુદ્દીન હક્કાનીનું લાંબી માંદગી પછી અવસાન થયું છે, એ પછી જલાલુદ્દીનના પુત્ર સિરાજુદ્દીન હક્કાની આ સમૂહના પ્રમુખ બન્યા.
તાલિબાને કાબુલ સર કરી લીધું ત્યારથી જ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને પૂર્વ મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સિરાજુદ્દીનના નાના ભાઈ અનસ હક્કાનીની વાતચીત ચાલી રહી છે.
વર્ષ 2019માં અનસ હક્કાનીને અફઘાનિસ્તાન સરકારની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને એ ઘટનાને જ અમેરિકા અને તાલિબાન વચ્ચે સંવાદની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.
આ શરૂઆતના પગલાંથી અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પરત ફરશે એ વાત શક્ય બની હતી.

ઇમેજ સ્રોત, A Majeed/AFP via Getty Images
હક્કાની નેટવર્ક પૈસા અને સૈન્ય શક્તિને લઈને એટલું સદ્ધર છે કે તેને તાલિબાનના આંતરિક માળખાંમાં પણ અર્ધ-સ્વાયત્ત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હક્કાની નેટવર્કને અમેરિકાએ વિદેશી ચરમપંથી સમૂહનો દરજ્જો આપેલો છે અને તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ પ્રતિબંધિત છે.
હવે જ્યારે ફરીથી તાલિબાનની આણ અફઘાનિસ્તાન પર પ્રવર્તી રહી છે ત્યારે આ સમૂહનું આંતરરાષ્ટ્રીય વજૂદ આવનારો સમય નક્કી કરશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












