કાબુલમાં ગોળીબાર-વિસ્ફોટો વચ્ચેથી ભારત પહોંચેલા એક ગુજરાતીની આપવીતી

વલસાડના ઇશ્વરભાઈ પટેલને (તસવીરમાં એકદમ ડાબે) અફઘાનિસ્તાનથી ભારત આવવા માટે કરવો પડ્યો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Ishwar Patel

ઇમેજ કૅપ્શન, વલસાડના ઇશ્વરભાઈ પટેલને (તસવીરમાં એકદમ ડાબે) અફઘાનિસ્તાનથી ભારત આવવા માટે સંઘર્ષ કરવો પડ્યો
    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"15મી ઑગસ્ટના રોજ રવિવારે સમાચાર આવ્યા કે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો છે. અમારે અડઘો કલાકની અંદર નિર્ણય કરવો પડ્યો કે, જો જીવતા રહેવું હોય તો હવે કાબુલ છોડવું જ પડશે. બીજા અડધા કલાકમાં અમે અમેરિકાના મિલિટરી બેઝથી સીધા કાબુલના સિવિલિયન ઍરપૉર્ટ ખાતે પહોંચી ગયા."

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો એ પછી કાબુલથી હેમખેમ ભારત પરત આવેલા ગુજરાતના ઈશ્વરભાઈ પટેલ માટે પરિસ્થિતિ કેટલી વિકટ રહી હશે તેનો અંદાજ તેમના ઉપરોક્ત શબ્દો પરથી આવી જાય છે.

ઈશ્વરભાઈ ગુજરાતના વલસાડ જિલ્લાના માલવણ ગામના રહેવાસી છે. તેઓ છેલ્લાં ચાર વર્ષથી અફઘાનિસ્તાના કાબુલમાં નોકરી કરતા હતા. 24મી ઑગસ્ટે તેઓ એક ખાસ રેસ્ક્યૂ ઑપરેશન અંતર્ગત વલસાડસ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા.

ઈશ્વરભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કાબુલથી ભારત પરત આવવાના ઘટનાક્રમ અને ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

line

તાલિબાને કાબુલ કબજે કર્યું એ દિવસે શું થયું હતું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઈશ્વરભાઈ બીબીસીને જણાવે છે, "11-12 ઑગસ્ટે અમને સમાચારમાં જોવા મળતું કે તાલિબાન કાબુલથી 400 કિલોમિટર દૂર છે."

"13-14 તારીખે સમાચાર જોયા તો જાણવા મળ્યું કે હવે માત્ર 40 કિલોમિટર દૂર છે અને 15મી તારીખે તો તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો હતો. ઘની સરકારના પૅલેસમાં તાલિબાનના લોકો જોવા મળ્યા, એટલે આ બધું એટલી ઝડપથી બન્યું કે કોઈને વિચારવાનો સમય જ નહોતો મળ્યો."

તાલિબાને કાબુલ પર કબજો કર્યો, એ દિવસ વિશે વાત કરતાં તેઓ કહે છે, "તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો, તે બપોરે અમે જ્યાં કામ કરતા હતા ત્યાં ભેગા થયા અને 30 મિનિટમાં નિર્ણય કર્યો કે કાબુલ છોડવાનું છે. અમે સામાન લીધો અને બીજી 30 મિનિટમાં સીધા કાબુલ ઍરપૉર્ટ પહોંચી ગયા."

અત્રે નોંધનીય છે કે ઈશ્વરભાઈ કાબુલ ઍરપોર્ટ પર આવેલા અમેરિકી લશ્કરના બેઝમાં મેન્ટનન્સનું કામ કરતા હતા.

કાબુલ ઍરપૉર્ટના રન-વેની એક બાજુ નાગરિકો માટેના ઍરપૉર્ટનું બિલ્ડિંગ છે અને બીજી બાજુ અમેરિકી બેઝ છે, બંને માટે રન-વે કૉમન છે. એટલે અમેરિકન બેઝ તથા નાગરિક અને કૉમર્સિયલ ફ્લાઇટ માટે આ એક જ રન-વે વપરાય છે.

line

કઈ રીતે ઍરપૉર્ટ પહોંચ્યા? ત્યાં શું થયું અને શું જોયું?

અફઘાનિસ્તાનના કાબુલ ઍરપૉર્ટથી ઘણા દેશો પોતાના નાગરિકોને અને શરણાર્થીઓને બહાર કાઢી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના કાબુલ ઍરપૉર્ટથી ઘણા દેશો પોતાના નાગરિકોને અને શરણાર્થીઓને બહાર કાઢી રહ્યા છે

તાલિબાને કાબુલ પર કબજો કર્યો, એ પછી ભારત સહિતના વિદેશી નાગરિકો માટે સૌથી મોટો પડકાર કાબુલથી બહાર નીકળી ઍરપૉર્ટ સુધી પહોંચવાનો હતો. કેમ કે, તાલિબાનના સભ્યો ઍરપૉર્ટની આસપાસ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા હતા, વાહનો ચૅક કરી રહ્યા હતા. એ સમયે લોકોમાં ડર હતો.

એવામાં ઈશ્વરભાઈ પોતે ઍરપૉર્ટ સુધી કઈ રીતે પહોંચ્યા એ અંગે તેઓ કહે છે, "બહાર તો તાલિબાનના સભ્યો હતા પણ અમે અમેરિકાના મિલિટરી બેઝ પર જ હતા, એટલે સુરક્ષિત હતા. અમારો ગેટ અલગ છે."

"ઍરપૉર્ટની અંદરનો જ એક રસ્તો નાગરિકોની ફ્લાઇટ માટેના ટર્મિનલને જોડે છે, અમે લોકો કંપનીની ગાડીમાં બેસીને ત્યાં સુધી પહોંચ્યા હતા."

"ત્યાં પહોંચતાં જોયું કે ઠેર-ઠેર અમેરિકાના સૈનિકો તહેનાત હતા, ઍરપૉર્ટમાં ખૂબ જ કોલાહલ હતો. અમે અમેરિકન આર્મીને કહ્યું કે અમને રેસ્ક્યૂ કરો, અમારે ભારત જવું છે."

"એ વખતે અમે ભારતીય દૂતાવાસના પણ સંપર્કમાં હતા. અમેરિકાના સૈનિકોએ અમને રાહ જોવા કહ્યું, અમારી ઍરપૉર્ટ સુધી પહોંચવાની સફર પૂરી થઈ હતી પણ જે પિરિસ્થિતિ હવે અમારે સહન કરવાની હતી, એનો અંદાજો પણ ન હતો."

"કોઈ એક ફ્લાઇટ આવી અને 30-40 લોકોને લઈને જતી રહી, પછી કોઈ ન આવ્યું. અમે આખી રાત ઍરપૉર્ટ પર વિતાવી."

તેઓ આગળ કહે છે, "બીજી બાજુ ગુજરાતમાં પરિવારજનો ન્યૂઝ જોઈને અત્યંત ચિંતા કરતા હતા, સવાલ પૂછતા કે ક્યારે ઘરે આવીશ? શું થશે?"

line

ઍરપૉર્ટ પર ભૂખ્યા-તરસ્યા 4 દિવસ વિતાવ્યા...

કાબુલથી અમેરિકાની આર્મી દ્વારા રૅસ્ક્યૂ કરાયા ત્યારની તસવીર

ઇમેજ સ્રોત, ISHWAR PATEL

ઇમેજ કૅપ્શન, કાબુલથી અમેરિકાની આર્મી દ્વારા રૅસ્ક્યૂ કરાયા ત્યારની તસવીર

બહાર તાલિબાન, અંદર અમેરિકાનું લશ્કર અને અફઘાનના નાગરિકોનું ટોળું ઍરપૉર્ટમાં ધસી આવ્યું.

કાબુલ ઍરપૉર્ટ પર એ દિવસે આ દૃશ્યો જોનારા ઈશ્વરભાઈ પટેલ કહે છે, "મનમાં ડરના લીધે એ સમયે આ બધું જોઈને એ જ પ્રશ્ન થયો કે, શું સુરક્ષિત રહીશું? ઘરે જઈ શકીશું અને પરિવારને મળી શકીશું? મનમાં શંકા થવા લાગી કે હવે શું થશે?"

"ઍરપૉર્ટ પર અફઘાનિસ્તાનનાં નાનાં બાળકો, મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં ઘૂસી આવ્યાં હતાં. તેઓ પણ જીવ બચાવવા દેશ છોડીને ભાગી રહ્યાં હોય, એવું લાગતું હતું. ઘણી મહિલાઓથી તો ઍરપૉર્ટ પર ઊભું પણ નહોતું રહેવાતું."

"અમે અમારી કંપનીના લગભગ 30-40 લોકો હતા અને ત્રણથી ચાર ગુજરાતીઓ હતા."

"ઍરપૉર્ટ પર અફઘાન નાગરિકો ઘૂસી આવ્યા એ જોતાં લાગ્યું કે અમેરિકન આર્મી આ બધાને નિયંત્રિત નહીં કરી શકે. કેમ કે એ લોકોની સંખ્યા ખૂબ વધારે હતી."

"તેઓ રન-વે પર ધસી ગયા, કેટલાક ત્યાં ઊભેલા કાર્ગો પ્લૅનમાં ચઢવા લાગ્યા અને અમેરિકન સૈન્ય જહેમત કરતું હતું પણ એ ભીડ નિયંત્રણમાં નહોતી."

"ભીડને કાબૂમાં લેવા માટે અમેરિકાના સૈનિકો ડમી ફાયરિંગ પણ કરતા હતા. જે લોકો વિમાનના લૅન્ડિંગ ગીયર પાસે ઘૂસી ગયા હતા, તે આકાશમાંથી નીચે પટકાયા એ વાત પણ સાચી છે. આ બધું જ ત્યાં થયું હતું અને અમે તેના સાક્ષી છીએ."

"આ બધું થયું એટલે રન-વે પણ બ્લૉક થયો, જેના લીધે કદાચ ભારતીય વાયુસેનાના બે વિમાન આવવાનાં હતાં, એમાંથી એક જ આવ્યું અને બીજું ન આવી શક્યું. રન-વે બ્લૉક થયા પછી સ્થિતિ વધારે કપરી બની ગઈ."

"અમે 15 તારીખે ઍરપૉર્ટ પહોંચ્યા હતા અને 19 તારીખ સુધી ત્યાં જ રહ્યા, ધાબળા પાથરીને સૂઈ જતા હતા. ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી."

"અમેરિકાના સૌનિકો પરવાનગી આપે તો એક-બે માણસ અમારી કંપનીની કૅન્ટીનમાં જતા અને ત્યાં કોલ્ડ ડ્રિંક્સ અને બ્રેડ હતાં, તે લઈ આવતા હતા. અમે બ્રેડ ખાઈને રાત-દિવસ પસાર કર્યા, બીજી બાજુ મનમાં ડર."

"આવી જ સ્થિતિ ત્યાં હાજર તમામ લોકોની હતી, નાનાં બાળકો પણ ઘણાં હતાં."

"અમેરિકાએ બીજા સૈનિકો મોકલ્યા અને ઍરપૉર્ટ પર લગભગ 10 હજાર સૈનિકો તહેનાત થઈ ગયા અને રન-વે બ્લૉક હતો, તેને ફરીથી ચાલુ કરી દેવાયો."

"19મી તારીખે અમને અમેરિકન આર્મીએ રેસ્ક્યૂ કર્યા, આથી અમને થોડી આશા જાગી."

તેઓ કહે છે કે એ સમયે ઍરપૉર્ટ પર સંખ્યાબંધ સૈનિકો, હથિયારબંધ વાહનો હતાં અને સૈન્યની ગતિવિધિ વધી ગઈ હતી. હેલિકૉપ્ટરો પણ આવી રહ્યાં હતાં.

"જે લોકો અમેરિકાની ઍમ્બૅસીમાં ફસાયા હતા, તેમને હેલિકૉપ્ટરથી સીધા ઍરપૉર્ટ લાવવામાં આવી રહ્યા હતા."

"19 ઑગસ્ટની રાત્રે 11 વાગ્યે અમને રેસ્ક્યૂ કરાયા, અમે અમેરિકાના વિમાનમાં કાબુલથી કતારના દોહા ગયા. ત્યાં અમને પહેલાં અમેરિકાના જ બેઝ સેન્ટરમાં રાખવામાં આવ્યા. પછી ત્યાંથી ઇન્ડિયન દૂતાવાસે અમારી જવાબદારી લીધી."

"ત્યાં અમે 20થી 22 તારીખ સુધી રહ્યા, અમારા રહેવા અને ખાવાની બધી જ વ્યવસ્થા અમેરિકાનાં સેન્ટરોમાં જ હતી, એ પછી દૂતાવાસે પ્રક્રિયા હાથ ધરી."

"પ્રવેશ માટે પાસપોર્ટ પર સિક્કા મારવામાં આવ્યા પણ થયું એવું કે દસ લોકો પાસે પાસપોર્ટ જ નહોતા કેમ કે તેમણે અન્ય કારણો અને વિઝા માટે અફઘાનિસ્તાનમાં સ્થિત દૂતાવાસમાં પાસપોર્ટ આપેલા હતા."

"ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નહોતી, કેમ કે બધું બંધ થઈ ગયું હતું. આથી આ લોકોને 'વ્હાઇટ પાસપોર્ટ' આપવામાં આવ્યા અને તેમની વ્યવસ્થા કરવામાં આવી."

line

આખરે ભારત પહોંચ્યા

અંતે ઈશ્વર પટેલના લાંબા ઇંતેજારનો આવ્યો અંત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંતે ઈશ્વર પટેલના લાંબા ઇંતેજારનો આવ્યો અંત (પ્રતીકાત્મક તસવીર)

કાબુલથી દોહા અને ત્યાંથી ભારતની યાત્રા વિશે જણાવતાં તેઓ ઉમેરે છે, "દોહાથી અમે 22મી તારીખે ભારત સરકારના જ વિમાનમાં દિલ્હી આવવા ઉડાણ ભરી, 23 તારીખે દિલ્હી પહોંચ્યા. કતાર પહોંચ્યા પછી થોડી રાહત અનુભવાઈ હતી, દિલ્હી આવ્યા પછી વધુ સારું લાગ્યું."

દિલ્હી પહોંચ્યા પછીના ક્રમ વિશે વાત કરતાં ઈશ્વરભાઈ કહે છે, "અહીં અમારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, અમને જમવાનું આપવામાં આવ્યું. અને ટેસ્ટના રિઝલ્ટની રાહ જોવાનું કહેવાયું. એ પછી અમારી કંપનીએ અમારો સંપર્ક કર્યો અને અમારે જ્યાં-જ્યાં જવાનું હતું, ત્યાંની ટિકિટો કરાવી આપી."

"24મી ઑગસ્ટે વહેલી સવારે હું દિલ્હીથી ફ્લાઇટમાં સુરત આવ્યો. સુરત ઍરપૉર્ટ પર જે કોઈ પ્રક્રિયા કરવાની હતી તે કરી અને પછી સુરતથી વલસાડની યાત્રા કરી."

આટલી વિકટ અને ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થયા બાદ પરિવારને મળવાનું થયું, એ ક્ષણો વર્ણવતાં તેઓ કહે છે, "કાબુલમાં ફસાયા હતા, ત્યારે પરિવાર સતત પૂછતો કે શું થશે? ક્યારે આવશો?"

"આખરે મને જ્યારે રૂબરૂ સુરક્ષિત જોયો તો આંખોમાં આંસુ આવી ગયાં હતાં, મને એ ક્ષણો આજીવન યાદ રહેશે. હું આવી પરિસ્થિતિમાં પણ સુરક્ષિત પરિવાર પાસે આવી ગયો, એ મારું સદ્ભાગ્ય છે."

line

હવે શું?

અમેરિકા અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસથી સકુશળ ભારત પહોંચ્યા ઇશ્વર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસથી સકુશળ ભારત પહોંચ્યા ઇશ્વર પટેલ

ઈશ્વરભાઈ વર્ષ 2017માં અફઘાનિસ્તાન ગયા હતા અને માર્ચ 2021માં જ પરિવારને મળવા ઘરે આવ્યા હતા, એ બાદ તેઓ પરત ગયા હતા.

તેમને એ વાતની જાણ હતી કે અમેરિકા આ રીતે લશ્કર પરત ખેંચવાનું છે અને એક ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.

જોકે તેમનું કહેવું છે કે તેમને એ વાતનો અંદાજ નહોતો કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

તેઓ ભાવિ વિશે કહે છે, "હું હવે ત્યાં પાછો નહીં જઉં અને દરેકને સલાહ આપીશ કે આવા દેશોમાં કામ કરવા જવું જ નહીં."

"મારી પાસે હાલ નોકરી નથી, બે દીકરા ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ખેતીકામ કરવું એ જ વિકલ્પ છે. છતાં કોશિશ કરીશ કે કોઈ અન્ય નોકરી મળી જાય, પણ કામ ભારતમાં જ કરીશ."

ઈશ્વરભાઈ પટેલ જ્યાં કામ કરતા હતા તે એક યુરોપની કંપની હતી. જે અમેરિકાના મિલિટરી બેઝને મેન્ટનન્સ માટે મૅનપાવર પૂરો પાડતી હતી. તેમાં રસોઈ, સુથારકામ સહિતનાં અન્ય કામકાજ કરતા લોકો સામેલ હતા.

છેલ્લે કાબુલમાં અમેરિકન લશ્કરના વિમાનમાં બેસ્યા હતા, એ વખતની ક્ષણો યાદ કરતાં તેઓ કહે છે, "અમે જે દિવસે રેસ્ક્યૂ થયા, એ દિવસે મિલિટરી બેઝ બાજુના ગેટ પાસેથી પણ ગોળીબાર અને ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા હતા. હવે શું થઈ રહ્યું છે, એ આપણે જાણીએ જ છીએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો