સરકારી આંકડામાં ઘટતી મોઘવારી જનતાને કેમ નથી અનુભવાતી?
આ અઠવાડિયે જાહેર થયેલા સરકારી આંકડા અનુસાર છેલ્લા પાંચ મહિનામાં મોઘવારીના દરમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે.
સરકારી આંકડા કહે છે કે સપ્ટેમ્બર મહિનામાં મોઘવારીનો દર ઘટીને 4.35 ટકા થઈ ગયો છે. એક મહિના પહેલાં એટલે કે ઑગસ્ટમાં એ 5.3 ટકા હતો. સરકારનો દાવો છે કે સપ્ટેમ્બરમાં ખાદ્ય સામગ્રીના દર પણ ઑગસ્ટના 3.11 ટકાની સરખામણીએ 0.68 ટકા ઘટ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
દેશના અલગઅલગ ભાગમાં કામ કરતા બીબીસીના સહયોગીઓએ આમનાગરિકો સાથે વાતચીત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ખરેખર મોઘવારી ઓછી થઈ છે?
જો નથી ઘટી તો- એમના જીવનમાં એની શી અસરો પડી રહી છે? અમે લોકોને એમ પણ પૂછ્યું કે સાચ્ચે જ જો મોઘવારી છે તો પછી એ ચર્ચાનો મુદ્દો કેમ નથી બનતી?
સૌથી પહેલાં દેશના ઉત્તર-પૂર્વના રાજ્ય આસામથી વાતની શરૂઆત કરીએ. એના પછી જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં કેવી હાલત છે તે પણ જોઈશું.

દિલીપકુમાર શર્મા - ગુવાહાટી, આસામથી

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA
આસામમાં મરિયાની શહેરમાં દવાની દુકાનમાં કરતા 36 વર્ષના બાપન ડેને મોઘવારી વિશે અમે સવાલ પૂછ્યો, પણ જવાબ આપતાં પહેલાં તેમણે નારાજગી પ્રગટ કરી કે મીડિયા આ મામલે કશી ચર્ચા જ નથી કરતું. એ પછી તેઓ એક પછી બીજી, ત્રીજી એમ વસ્તુઓની વધતી જતી કિંમતો ગણાવવા જ માંડ્યા.
તેઓ જણાવે છે કે, "આજે એક લિટર સરસિયું તેલ 210 રૂપિયામાં મળે છે. થોડાક મહિના પહેલાં જ 120 રૂપિયે લિટર હતું. ગૅસનો બાટલો હવે 1,050 રૂપિયાનો થઈ ગયો છે. ફુલાવર 100 રૂપિયે કિલો તો ટમેટાં 60 રૂપિયે અને ડુંગળી 50 રૂપિયે."
બાપન ડે જણાવે છે, "પહેલાં 5,000 રૂપિયામાં આરામથી કરિયાણું ભરી લેવાતું હતું પણ હવે આટલા રૂપિયાથી કંઈ નથી થતું. પ્રાઇવેટ નોકરીમાં પગારમાં મામૂલી વધારો થાય છે, પરિણામે ઘરખર્ચ કરવા માટે કેટલીયે રીતના તોડ-જોડનાં ગણિત કરવા પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વાતને આગળ વધારતાં જણાવ્યું કે આ વખતે દુર્ગાપૂજામાં ઘરના લોકો માટે કપડાં પણ ના ખરીદી શકાયાં.

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA
તો એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા 42 વર્ષના રાણા દેબની ફરિયાદ છે કે, "ઓછા પગારની નોકરીવાળા લોકો કઈ રીતે ઘરખર્ચને પહોંચી વળે છે, એની ચિંતા કોઈને નથી. લોકોની આ વાત સરકાર સુધી પહોંચવી જોઈએ."
તેઓ જણાવે છે કે, "પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે, એનાથી આવનારા સમયમાં મોઘવારી ઓર વધશે. પણ કદાચ, રાજકીય પક્ષો માટે આ કંઈ મુદ્દો જ નથી. એટલે તો કોઈ મોઘવારી બાબતે ચર્ચા નથી કરતા."
રાણા દેબ સવાલ પૂછે છે કે બાળકો ઘરેથી ઑનલાઇન ક્લાસ ભરે છે પણ સ્કૂલ છે કે ટ્યૂશન ફી ઉપરાંત પણ બીજી કેટલીય ફી વસૂલે છે. આ પણ ચર્ચાનો મુદ્દો નથી બનતો.

મોહિત કંધારી - જમ્મુથી

ઇમેજ સ્રોત, PMO INDIA
જમ્મુમાં કામ કરતા અખનૂરના રાહુલે કટાક્ષમાં પૂછ્યું કે, "અચ્છે દિન કબ આયેંગે?"
રાહુલ ભાડાના એક રૂમમાં રહે છે. જીવનજરૂરી સામાનના નામે એમની પાસે એક ખાટલો, પંખો, થોડાં વાસણ અને કપડાં છે.
ભણતર પૂરું કર્યા પછી સરકારી નોકરી ના મળી, તે પછી હાલત એવી થઈ કે શાકભાજીની દુકાને કામ કરવું પડે છે. એમના પિતા કંઈ કામ નથી કરતા તો ઘર ચલાવવાની બધી જવાબદારી એમના ખભે છે. એમાં જો કોઈ બીમાર પડ્યું તો એમની લાચારી વધી જાય છે.
રાહુલ કરતાં બિલકુલ જુદી રીતે કાપડના વેપારી વિજયકુમારને મોઘવારીનો માર પડે છે.
વિજયકુમાર જણાવે છે કે, "તહેવાર છે તોપણ બજારમાં તેજી નથી આવી. વૈષ્ણોદેવી જનારા યાત્રાળુઓ સીધો કટરાનો માર્ગ પકડી લે છે, એ કારણે અમારાં કામધંધા પડી ભાંગ્યાં છે. ઉપરથી મોઘવારીને લીધે ખર્ચ સતત વધતો જ જાય છે."
તેમણે જણાવ્યું કે, "પહેલાં જ્યારે બીજેપી વિપક્ષમાં હતી તો મોઘવારીના મુદ્દે જોર-શોરથી કૉંગ્રેસને ઘેરી લેતી હતી. પણ મોદી સરકારની વિરુદ્ધ કૉંગ્રેસ આજ સુધી મોઘવારીને મુદ્દો નથી બનાવી શકી. આ જ કારણ છે કે આમજનતાને કોઈ નથી સાંભળતું અને મીડિયામાં માત્ર સરકારનાં ગુણગાન ગવાય છે."

ઇમરાન કુરેશી - બૅંગલુરુ, કર્ણાટકથી

ઇમેજ સ્રોત, NURPHOTO/ CONTRIBUTOR
મોટરસાઇકલ પર સવાર બે યુવાન દિશ્યંતીની ફૂલોની લારી સામે ઊભા રહે છે. ફૂલોના ભાવ સાંભળી તેઓ ભવાં ઊંચાં કરે છે અને આગળ વધી જાય છે.
બે બાળકોની માતા દિશ્યંતીએ કહ્યું કે, "સવારથી અનેક લોકોએ આમ જ કર્યું છે."
તેઓ જણાવે છે કે, "ત્રણ મહિના પહેલાં ચમેલી 400 રૂપિયે કિલો હતી, હવે એનો ભાવ 1,200 રૂપિયા થઈ ગયો છે. ગલગોટા 80 રૂપિયે કિલો વેચાતા હતા પણ આજકાલ 400ના કિલો મળે છે."
દિશ્યંતીએ જણાવ્યું કે, "જો લોકો ફૂલ નથી ખરીદતા કે ઓછી ખરીદી કરે છે તો દેખીતું છે કે એની અસર અમારા (રોજગાર/જીવન) પર પડે."
તેમનો માંસાહાર અઠવાડિયાના બે દિવસથી ઘટીને એક દિવસનો થઈ ગયો છે. જોકે તેઓ સ્કૂલવાળાનો આભાર માને છે કે એમણે બાળકોની ફી નથી વધારી.
દિશ્યંતીની લારીથી થોડા અંતરે રમેશ શૉપિંગ કરવામાં મશગૂલ છે. પણ એની વાર્તા થોડી જુદી છે.
તેઓ જણાવે છે કે, વધતી જતી કિંમતોની એમના પર કોઈ અસર નથી પડી. પણ, એમની આસપાસના લોકો પર એની બહુ જ ખરાબ અસર થઈ છે.
રમેશના જણાવ્યા અનુસાર, "લોકોને મહામારી અને પછી મોઘવારી એમ બેવડો માર પડ્યો છે." તેઓ જણાવે છે કે, જુદા જુદા લોકો એમની પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લઈ ગયા છે.
એમને એમ પૂછવામાં આવ્યું કે શું વિપક્ષે આ મોઘવારીના મુદ્દાને યોગ્ય રીતે ઉઠાવ્યો? તો તેઓએ કહ્યું કે તેઓ રાજકીય ચર્ચામાં પડવા નથી માગતા, પણ, આ મુદ્દો સરખી રીતે સામે નથી આવ્યો.

રવિપ્રકાશ - રાંચી, ઝારખંડ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
ગોડ્ડા જિલ્લાના બંદનવાર ગામના દલિતવર્ગમાં આવતાં સુનિતાદેવીએ છેલ્લા દોઢ વર્ષથી ગૅસનો બાટલો નથી ભરાવ્યો. એમની પાસે 'રિફિલ કરાવવાના પૈસા' નથી.
તેમણે બીબીસીને જણાવ્યું કે, "ઉજ્જ્વલા યોજનામાં એમને ગૅસનો બાટલો મળ્યો હતો. ત્યારે નહોતી ખબર કે એને ભરાવવાના આટલા પૈસા થશે. હવે, મોઘવારી એટલી બધી વધી ગઈ છે કે, પોતાના બીમાર પતિની સારવાર કરાવે, ખોરાકની વ્યવસ્થા કરે કે ગૅસનો બાટલો ભરાવે? એટલા માટે ચૂલા પર રાંધીએ છીએ. દવાની કિંમત પણ એટલી વધી ગઈ છે કે બધા પૈસા સારવાર, તપાસ (રિપૉર્ટ્સ) અને દવામાં જ વપરાઈ જાય છે."
તેમણે જણાવ્યું કે, "પહેલાં ઓછું કમાતી હતી તોપણ પૂજા વખતે સાડી ખરીદી શકતી હતી. અત્યારે તો નવી સાડી ખરીદ્યે કેટલાય મહિના થઈ ગયા. અમે અને અમારા બે દીકરા મજૂરી કરીએ છીએ ત્યારે ઘરનો ખર્ચો નીકળે છે. ખાવામાં પણ, ક્યારેક શાક-ભાત તો ક્યારેક માડ-ભાત (ખાલી ભાત) ખાઈને ચલાવી લઈએ છીએ. દાળ અને માંસ-માછલી ખરીદવાની તો હિંમત જ નથી થતી. એટલે આજના સમયમાં તો બધું કષ્ટ અમારા જેવા ગરીબો પર જ છે. પહેલાં એક કિલો કડુઆ (સરસિયું) તેલ ખરીદતાં હતાં, હવે 100 ગ્રામ લાવીએ છીએ. શું શું કહું?"

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
આનંદકુમાર દુબે વકીલ છે. ગોડ્ડા સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. મોઘવારીને લીધે તેમની ખેતીને અસર થઈ છે.
તેઓ જણાવે છે કે, "છેલ્લાં કેટલાંક વરસોમાં ખેતી માટે જરૂરી વસ્તુઓની કિંમતો ખૂબ વધી ગઈ છે. ખાતરની કિંમત પહેલાંની તુલનાએ બે ગણી થઈ ગઈ છે. જો તમે 100 વીઘા જમીનના માલિક હો તોપણ મોઘવારીને લીધે બધી જમીન પર ખેતી ના કરાવી શકો. થોડું ખેતર પડતર (ખાલી) રાખવું પડે. ખાતર, વીજળી, જંતુનાશકો, પશુઓનો ચારો, ડીઝલ બધાંમાં ભાવવધારો છે."
આનંદ જણાવે છે કે, "સરકારને ખેડૂતોની તકલીફો સાથે કશી નિસબત નથી. એમાં એ રાજકીય મુદ્દો કઈ રીતે બને? ખેડૂતોને જીપ નીચે કચડી નાખશે તો એમની આગેવાની કોણ કરશે? એટલે ખાતર-મોઘવારી પર નિયંત્રણ જરૂરી છે. તમે તમારાં બાળકોને ભણાવો છો તો ત્યાં પણ ધારણા બહારના ખર્ચા છે. દવાદારૂની કિંમતો પહેલાં કરતાં ક્યાંય વધી ગઈ છે. મીઠું પણ, 21 રૂપિયે કિલો છે, તો ગરીબોએ તો મીઠાવાળી રોટલી ખાવા માટેય વિચારવું પડશે. ઘી-તેલની તો વાત જ નહીં."

સીટૂ તિવારી - પટના, બિહારથી

ઇમેજ સ્રોત, SOPA IMAGES/ CONTRIBUTOR
બે વર્ષ પહેલાં સુધી સુનીતા મિશ્રા પોતાના પતિ નિર્મલકુમારની સાથે એક નાનકડી સ્કૂલ ચલાવતાં હતાં. કૉવિડ મહામારીને લીધે સ્કૂલ બંધ થઈ ગઈ. સુનીતા હવે ઘરે જ બાળકોને ટ્યૂશન કરાવે છે.
સુનીતા જણાવે છે કે, "ગૅસના ભાવ વધી ગયા એટલે આખા દિવસ માટે એક જ વાર શાક બનાવીને ખર્ચ ઓછો કરવાની કોશિશ કરીએ છીએ. લીલાં શાક ખાવાનાં પણ ઓછાં કરી દીધાં છે."
બાયોલૉજી ભણેલાં સુનીતાને બે બાળક છે, એક છઠ્ઠામાં અને બીજો અગિયારમામાં ભણે છે.
તેઓ જણાવે છે કે, "અમે અમારા નાના દીકરાને આ વખતે સ્કૂલમાં ઍડ્મિશન નથી અપાવ્યું. એને હું જાતે ભણાવું છું. મોઘવારીનો વિરોધ પહેલાં જેવી રીતે નથી થતો કેમ કે કૉરોનાએ લોકોના હળવામળવાના પ્રસંગો ઓછા કરી દીધા છે. લોકો મળશે ત્યારે જ તો વાતો કરશે ને!"
તો, કંકડબાગ વિસ્તારમાં રહેતાં કાદંબિની ઘરમાં જ હૉબી ક્લાસ ચલાવે છે. બે બાળકોનાં માતા કાદંબિનીના પતિ પ્રાઇવેટ જૉબ કરે છે. એમની દીકરી હવે કૉલેજમાં ભણવા જશે અને દીકરો સાતમા ધોરણમાં છે.
તેઓ જણાવે છે કે, "અમે અમારાં દીકરા-દીકરીને પોષણયુક્ત ખોરાક પણ નથી આપી શકતાં. અમારું જીવનસ્તર ઘણું નીચે આવી ગયું છે. સમાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે કેમ કે લોકો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આવકનું સાધન શોધી રહ્યા છે."
મોઘવારી વિરોધી આંદોલનો વિશે કાદંબિની જણાવે છે કે, "સત્તાપક્ષ અરાજક થઈ ગયો છે અને આમજનતા 'એકાકી' થઈને વિચારે છે. આ જ કારણ છે કે કોઈ રીતની એકતા નથી. એ પણ ખરું કે સત્તાની અરાજકતાને લીધે આંદોલનોમાં લાઠી-ડંડા પડવાની સંભાવના વધારે રહે છે. એમાં ખાસ કરીને મહિલાઓ સંભાળીને ચાલે છે."

પ્રભાકર મણિ તિવારી - કોલકાતા, પશ્ચિમ બંગાળથી

ઇમેજ સ્રોત, PM TIWARI
લાલ મોહન દાસ રોજમદાર છે. મોઘવારી વિશે પૂછતાં તેઓએ જણાવ્યું કે, "સમજાતું નથી કે છ લોકોના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું? રોજી ન હોવાની મારો દીકરો આઠમાથી આગળ ભણી ના શક્યો. હવે એ પણ મારી સાથે મજૂરી કરે છે. જ્યારે બે ટંકના રોટલાનો વેત ના હોય ત્યાં સ્કૂલની ફી ક્યાંથી ભરાય?"
લાલ મોહન જણાવે છે કે, "એક તો લૉકડાઉન અને કૉરોનાએ મારી નાખ્યા, ઉપરથી મોઘવારીએ. માણસ ખાય શું ને બચાવે શું? વચ્ચે વચ્ચે રાજ્યસરકાર મોઘવારીનો મુદ્દો જરૂર ઉઠાવે છે, પણ એનાથી આમજનતાને શો ફાયદો?"

ઇમેજ સ્રોત, PM TIWARI
તો, શાક-બકાલું વેચનાર મનોરંજન માઇતી જણાવે છે, "પહેલાં હું શાકભાજી વેચીને એટલું કમાતો હતો કે પાંચ લોકોના પરિવારનું ગુજરાન આરામથી થઈ જતું. ભાઈ-બહેનોની સ્કૂલ-ફી પણ ભરી દેતો હતો. લોકો કહે છે કે શાકભાજી મોઘાં થઈ ગયાં છે. પહેલાં જેઓ 500 ગ્રામ શાક ખરીદતાં હતાં તેઓ જ હવે અઢીસો ગ્રામથી કામ ચલાવી લે છે. કેટલાક વચેટિયા જરૂર કમાય છે, પણ અમારી આવક ઘટીને અડધી થઈ ગઈ છે."
એમના કહ્યા અનુસાર, "વિપક્ષી પાર્ટીઓ મોઘવારીનો મુદ્દો જરૂર ઉઠાવે છે પણ એમનો અવાજ જ્યાં પહોંચવો જોઈએ ત્યાં નથી પહોંચતો. કેટલાક જે જોડાય છે તેઓ ખાલી ફોટા પડાવવા અને ટીવી પર દેખાવા જ આવે છે."

મોહરસિંહ મીણા - જયપુર, રાજસ્થાનથી

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA
જયપુરના સાંગનેરના નિવાસી જગદીશપ્રસાદને બાળકોની ફી ભરવામાં તકલીફ પડે છે એટલે તેઓ વિચારે છે કે બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાડી લઈને સરકારી સ્કૂલમાં ભણવા બેસાડી દે.
તેઓ જણાવે છે કે, "પહેલાં 50 રૂપિયામાં બે દિવસનું શાક આવી જતું, હવે 200માં તો બે ટાઇમનાં શાકભાજી આવે છે. હવે તહેવારોમાં બાળકોની ઇચ્છાઓને પૂરી કરી શકાતી નથી."
તેઓ માને છે કે, સરકાર ચાહે તો મોઘવારી ઘટાડી શકે છે. એમના મતે, જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરી દેવાય તો પણ ઘણો બધો ફરક પડી જશે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA
તો, ઝુંઝુણુ, જિલ્લાના કૈલાસ ચંદ પોતાનાં બે બાળકો અને પત્નીથી દૂર જયપુરમાં લારી પર એક નાની દુકાન ચલાવે છે.
મોઘવારીને લીધે બદલાતી પરિસ્થિતિ વિશે નિરાશા સાથે તેમણે જણાવ્યું કે, "પહેલાં ગૅસ સિલિન્ડરથી ચલાવી લેતા હતા, પણ હવે લાકડાં લાવીને માટીના ચૂલાથી કામ ચલાવીએ છીએ."
કૈલાસ જણાવે છે કે, "વધતી જતી મોઘવારીને લીધે માણસો તણાવમાં રહે છે. પણ તેઓ કરે તો શું કરે? આમજનતાએ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. હવે કોઈ આશા નથી રહી."

શુરૈહ નિયાજી - ભાપોલ, મધ્યપ્રદેશ

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI
મધ્યપ્રદેશનો સમાવેશ દેશના એવા પ્રદેશોમાં થાય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધારે છે. ભોપાલમાં ડીઝલ 102.59 રૂપિયે તો પેટ્રોલ 113 રૂપિયે લિટર મળે છે.
હરદાનાં ગરિમા લાલ એમ કહે છે કે, "હવે તો હજાર રૂપિયાનો થઈ ગયેલો ગૅસનો બાટલો ભરાવવા માટે પણ વિચારવું પડે છે. એટલા માટે હવે એવી વસ્તુઓની જ ખરીદી કરે છે જેના વગર બિલકુલ ન ચાલે."

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI
તો, શાંતિકુમાર જૈસાની માને છે કે વિપક્ષ મોઘવારીના મુદ્દાને આગળ ધરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. તેઓ જણાવે છે કે, એવું લાગે છે કે સરકારનો વિરોધ કરવો જોઈએ એવું વિપક્ષ જાણતો જ નથી.
શાંતિ જૈસાની જણાવે છે કે, "મોઘવારીને લીધે લોકો ગુસ્સે જરૂર છે, પણ મધ્યમવર્ગ માટે પોતાનાં કામકાજ છોડીને રસ્તા પર ઊતરી પડવું હવે આસાન નથી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












