ગાંધીએ સાવરકરને માફી માટે અરજી લખવા કહ્યું હતું? નવા પુસ્તકમાં શું છે? ફૅક્ટ ચેક
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
વિનાયક દામોદર સાવરકરે આંદામાનની સેલ્યુલર જેલમાં સજા ભોગવતી વખતે અંગ્રેજી હકૂમતને જે દયાની અરજી (મર્સી પિટિશન) કરી હતી તે શું મહાત્મા ગાંધીના કહેવાથી લખી-મોકલી હતી?
જો સુરક્ષામંત્રી રાજનાથસિંહે કરેલા દાવાને સાચો માની લેવામાં આવે તો - બિલકુલ એમ જ બન્યું હતું. રાજનાથસિંહે આ દાવો 12મી ઑક્ટોબરે સાવરકર પર લખાયેલા એક નવા પુસ્તકના વિમોચનપ્રસંગે કર્યો હતો.

ઇમેજ સ્રોત, AFP/BBC
'વીર સાવરકરઃ ધ મૅન હૂ કુડ હૅવ પ્રિવેન્ટેન્ડ પાર્ટિશન' નામના પુસ્તકવિમોચન સમારોહમાં રાજનાથસિંહે કહ્યું કે, "સાવરકર વિશે જુઠ્ઠાણું ફેલાવાયું છે. એમ કહેવાતું રહ્યું છે કે અંગ્રેજોને તેમણે વારંવાર દયાની અરજી કરી, પણ સચ્ચાઈ એ છે કે એ દયાની અરજી તેમણે પોતાને માફ કરી દેવા માટે નહોતી કરી, તેમને મહાત્મા ગાંધીએ કહેલું કે દયાની અરજી કરો. મહાત્મા ગાંધીના કહેવાથી એમણે દયાની અરજી કરી હતી."
તેમના આવા બયાન પછી ભારતમાં આ વિશે ચર્ચા ચગડોળે ચડી છે. જેમાં એક તરફ વિપક્ષો આ બયાનની બાબતે સરકાર પર નિશાન તાકી રહ્યા છે તો બીજી તરફ ઇતિહાસકારો પણ આ બયાનની સત્યતા સામે પ્રશ્નો પૂછી રહ્યા છે.

નવા પુસ્તકમાં આવો કોઈ ઉલ્લેખ નથી

ઇમેજ સ્રોત, ANI
'વીર સાવરકરઃ ધ મૅન હૂ કુડ હૅવ પ્રિવેન્ટેડ પાર્ટિશન' અથવા 'વીર સાવરકરઃ એ વ્યક્તિ જે ભાગલાને રોકી શકતી હતી' પુસ્તક ઉદય માહુરકર અને ચિરાયુ પંડિતે લખ્યું છે.
ઉદય માહુરકર પત્રકાર હતા અને હાલમાં તેઓ ભારત સરકારમાં માહિતી કમિશનરના પદે વિરાજમાન છે.
બીબીસીએ એમને પૂછ્યું કે શું એમના નવા પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે મહાત્મા ગાંધીના કહેવાથી વીર સાવરકરે અંગ્રેજોને દયાની અરજી મોકલી હતી. એના જવાબમાં માહુરકરે જણાવ્યું કે, "ના, મારા પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ એમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે ભવિષ્યમાં એ પુસ્તકની બીજી આવૃત્તિઓમાં શું તેઓ આ વાતનો ઉલ્લેખ કરશે? તો તેમણે કહ્યું, "એ મારે નક્કી કરવાનું છે. તમે મને ફસાવો નહીં."
અમે (બીબીસીએ) માહુરકરને પૂછ્યું કે રાજનાથસિંહ જે દાવો કરી રહ્યા છે એવી કોઈ માહિતી તમને સાવરકર વિશે પુસ્તક લખતી વેળા કરેલી શોધ દરમિયાન જાણવા મળી હતી?
એના જવાબમાં એમણે કહ્યું કે, "હું એમ નહીં કહું કે સાવરકર વિશે મેં પૂરો અભ્યાસ કર્યો છે. સાવરકર વિશે હજુ પણ એવાં ઘણાં તથ્યો છે જેની લોકોને ખબર નથી.
સાવરકરજી પરનો મારો અભ્યાસ હજી પૂરો નથી થયો. બની શકે કે આગળ જતાં હું બીજું પુસ્તક પણ લખું અને આ વાતનો ઉલ્લેખ કરું. હું એવો દાવો નથી કરતો કે સાવરકર વિશે હું બધું જ જાણું છું."
માહુરકરે આ મામલે પોતાના સહ-શોધકર્તા સાથે ચર્ચાવિચાર કરવા માટે થોડોક સમય માગ્યો અને થોડી વાર પછી તેમણે બીબીસીને જણાવ્યું કે, "એ વાત સાચી છે. બાબારાવ સાવરકર જે એમના ભાઈ હતા, તેઓ ગાંધીજીને મળવા ગયેલા અને ગાંધીજીએ એમને સલાહ આપેલી. પુસ્તકની નવી આવૃત્તિમાં અમે એ વાતને સામેલ કરીશું. બાબારાવ જ્યારે ગાંધીજીને મળેલા ત્યારે આરએસએસના કેટલાક લોકો પણ એમની સાથે ગયેલા. આ વાત બાબારાવના લેખનમાં મળે છે."

શું સાવરકર ભારતના ભાગલા અટકાવી શકતા?

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
આ પુસ્તકનું નામ ખરેખર દિલચસ્પ છેઃ 'વીર સાવરકરઃ ધ મૅન હૂ કુડ હૅવ પ્રિવેન્ટેડ પાર્ટિશન', જ્યારે સચ્ચાઈ એ પણ છે કે સાવરકર એવા વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે જેમણે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતોની વાત સૌ પહેલાં કરી હતી.
1940માં મુસ્લિમ લીગે પહેલી વાર, લાહોર અધિવેશનમાં, મુસલમાનો માટે અલગ દેશનો મુદ્દો છેડેલો, પણ સાવરકર તો પહેલેથી જ આવું કહેતા રહ્યા હતા.
એમણે આ અધિવેશનનાં ત્રણ વર્ષ પહેલાં, 1937માં, અમદાવાદમાં ચોખ્ખા શબ્દોમાં કહેલું કે હિન્દુ અને મુસલમાન બે અલગ અલગ રાષ્ટ્ર છે અને આ ભૂમિ પર બંનેનો એકસરખો હક્ક નથી.
આની પહેલાં એમણે (સાવરકરે) પોતાના પુસ્તક 'હિન્દુત્વઃ હૂ ઇઝ અ હિન્દુ'માં લખ્યું છે કે રાષ્ટ્રનો આધાર ધર્મ છે અને એમણે ભારતને 'હિન્દુસ્થાન' (સ્તાનના બદલે સ્થાન) કહ્યું.
એમણે પોતાના પુસ્તકમાં લખ્યું, "હિન્દુસ્થાનનો અર્થ હિન્દુઓની ભૂમિ છે. હિન્દુત્વ માટે ભૌગોલિક એકતા બહુ જરૂરી છે. એક હિન્દુ પ્રાથમિકરૂપે અહીંનો નાગરિક છે અથવા પોતાના પૂર્વજોને કારણે 'હિન્દુસ્થાન'નો નાગરિક છે."
સાવરકરે 'હિન્દુત્વઃ હૂ ઇઝ અ હિન્દુ'માં લખ્યું છે કે, "આપણા મુસલમાનો અને ખ્રિસ્તીઓના કેટલાક મામલામાં જેમને જબરજસ્તી ગેર-હિન્દુ ધર્મમાં ધર્માંતરિત કરી દેવાયા, એમની પિતૃભૂમિ પણ આ જ છે અને મોટા ભાગની સંસ્કૃતિ પણ એકસરખી છે, તેમ છતાં તેમને હિન્દુ ન માની શકાય. જોકે હિન્દુઓની જેમ જ હિન્દુસ્થાન એમની પણ પિતૃભૂમિ છે પણ, એમની પુણ્યભૂમિ નથી. એમની પુણ્યભૂમિ સુદૂર અરબ છે. એમની માન્યતાઓ, એમના ધર્મગુરુ, વિચાર અને નાટક આ ધરતીની પેદાશ નથી."
આ રીતે સાવરકરે રાષ્ટ્રના નાગરિકરૂપે હિન્દુઓ અને મુસલમાન-ખ્રિસ્તીઓને મૂળભૂત રીતે એકબીજાથી જુદા ગણાવ્યા અને પુણ્યભૂમિ અલગ હોવાના આધારે રાષ્ટ્ર માટેની એમની નિષ્ઠાને સંદિગ્ધ માની.
ભારતના ભાગલામાં હિન્દુ-મુસ્લિમ રમખાણોની મોટી ભૂમિકા હતી. હિન્દુ-મુસ્લિમ એકતાથી જ ભારતના ભાગલા થતા અટકી શકે એમ હતા, જેના માટે ગાંધીજી પ્રયત્નશીલ હતા. પણ, મૂળભૂત રીતે બંને એકબીજાથી ભિન્ન છે, જુદા-અલગ છે એ સાબિત કરવામાં સાવરકરે મોટી ભૂમિકા ભજવી હતી.

વીર સાવરકરના વંશજો શું કહે છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/RANJIT SAVARKAR
રણજિત (રંજિત) સાવરકર વીર સાવરકરના નાના ભાઈ ડૉ. નારાયણરાવ સાવરકરના પૌત્ર છે અને મુંબઈમાં 'સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક' સાથે જોડાયેલા છે.
તેઓ નથી માનતા કે મહાત્મા ગાંધીના કહેવાથી વીર સાવરકરે દયા-અરજી કરી હતી.
રાજનાથસિંહના બયાન વિશે તેઓ જણાવે છે કે, "મને લાગે છે કે આમાં જીભે લોચા વાળ્યા હોવા જોઈએ (સ્લિપ ઑફ ટંગ). મહાત્મા ગાંધીએ પોતાના લેખોમાં દયા-અરજી કરવાની વાતનું સમર્થન કર્યું હતું. એમણે સાવરકરબંધુની જેલમુક્તિ વિષય પર બે લેખ લખ્યા હતા."
"ગાંધીએ કહેલું કે અમારા વૈચારિક મતભેદ છે પણ જો સાવરકર શાંતિપૂર્ણ ચર્ચાના માર્ગે ચાલવા ચાહે છે તો અમે એમનું સ્વાગત કરીએ છીએ. એમણે સ્પષ્ટ કહ્યું છે કે સાવરકર એક મહાન દેશભક્ત છે અને તેઓ આંદામાનમાં રહીને માતૃભૂમિને પ્રેમ કરવાની કિંમત ચૂકવી રહ્યા છે."
રણજિત સાવરકર એમ કહે છે કે વીર સાવરકરની અરજી માત્ર પોતાના માટેની નહીં બલકે અન્ય બધા જ રાજકીય કેદીઓ માટેની હતી.
તેઓ જણાવે છે કે એ સમયના ગૃહમંત્રી રેજિનૉલ્ડ ક્રૅડૉકે વીર સાવરકરની દયા-અરજી વિશે લખ્યું છે કે, "આ દયા માટેની એક અરજ છે પણ આમાં કોઈ ખેદ કે પસ્તાવો નથી."
રણજિત જણાવે છે કે, "સાવરકરે જે કર્યું એને ગાંધીનું સમર્થન હતું અને એમાં એમની સ્વીકૃતિ હતી. મને લાગે છે કે સંરક્ષણમંત્રી રાજનાથસિંહના કહ્યાનો આ જ મતલબ હતો."

ઇતિહાસમાં અદલાબદલી?

ઇમેજ સ્રોત, KUMAR PRASHANT
વિવાદિત બયાન વિશે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ચૅરમૅન અને ગાંધીના ગહન અધ્યેતા કુમાર પ્રશાંત જણાવે છે કે, "આવું તો પહેલાં ક્યાંય જોયું નથી કે નથી સાંભળ્યું, કેમ કે આવું કશું બન્યું નથી અને નથી ક્યાંય આ વિશે કશું લખાયું."
તેઓ જણાવે છે કે, "આ લોકો ઇતિહાસનાં નવાં નવાં પાનાં લખવાની કળામાં પારંગત છે. હું અવારનવાર કહું છું કે જે લોકો પાસે પોતાનો ઇતિહાસ ન હોય તેવા લોકો હંમેશાં બીજાના ઇતિહાસને પોતાની મુઠ્ઠીમાં કરવાના પ્રયાસોમાં રત રહે છે. રાજનાથજીએ બહુ વાહિયાત વાત કરી છે."
કુમાર પ્રશાંત એમ કહે છે કે સાવરકરના માફીનામા સાથે ગાંધીનો ક્યારેય કોઈ સંબંધ નહોતો.
તેઓ જણાવે છે કે, "જો માફીનામા જેવી કોઈ વસ્તુ ગાંધીજીના જીવનમાં હોત તો અમણે પોતે એનો અમલ કર્યો હોત. એમણે પોતે ક્યારેય માફીનામું નથી લખ્યું અને નથી કોઈ બીજા સત્યાગ્રહીને માફીનામાનો માર્ગ બતાવ્યો. એટલે આ વાતમાં કંઈ સાચું નથી, ઇમાનદારી નથી. આ બહુ છીછરી વસ્તુ છે પણ આ સમય જ એવો ચાલે છે જેમાં આ પ્રકારની વાતો થઈ રહી છે."

'ગાંધીની હત્યા સાથે સંકળાયેલા ડાઘ ધોવાના પ્રયાસ'

ઇમેજ સ્રોત, NILANJAN MUKHOPADHYAY
વરિષ્ઠ પત્રકાર નીલાંજન મુખોપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોટાં માથાં પર 'ધ આરએસએસઃ આઇકન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ' નામે પુસ્તક લખ્યું છે.
તેઓ જણાવે છે કે, સાવરકર પરનો જે સૌથી મોટો વિવાદ છે તે તો મહાત્મા ગાંધીની હત્યા સાથે સંકળાયેલો છે. "એ કેસમાં સાવરકર નિર્દોષ ઠર્યા, પણ, એ પછી બનાવાયેલા કપૂર કમિશનના રિપોર્ટમાં એમને સંપૂણ દોષમુક્ત નથી મનાયા અને ગાંધી હત્યાકાંડમાં સાવરકર પણ સામેલ હતા એ વાત તરફ શંકા વ્યક્ત કરાતી રહી. આ સાવરકરે આપેલો વારસાઈ ડાઘ છે જેને ધોવાનો સરકાર પ્રયાસ કરે છે."
1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની ગાંધીની હત્યાના ષડ્યંત્રમાં સામેલ હોવાની શંકાના આધારે મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને ફેબ્રુઆરી 1949માં છોડી મુકાયા હતા.
મુખોપાધ્યાય જણાવે છે કે, "રાજનાથસિંહનું 'ગાંધીજીના કહેવાથી સાવરકરે અંગ્રેજોને માફીનામું લખ્યું' એ બયાન એમના પર લાગેલા મોટા ધબ્બાને ધોવાનો પ્રયાસ છે. હવે માત્ર એક ચીજ બચી છે. ભવિષ્યમાં કોઈ બીજા નેતા આવશે અને કહેશે કે ગોડસેએ પણ, ગાંધીજીએ કહેલું એટલે બંદૂક તાકી, અને એમને મારી નાખ્યા."
તેઓ એમ જણાવે છે કે, "આપણે ઇતિહાસના મિથ્યાકરણના સમયમાં જીવીએ છીએ. રોજેરોજ એક જુઠ્ઠાણું વારંવાર બોલીને એને સત્ય સાબિત કરી દેવાય છે."
મુખોપાધ્યાયના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ મથાળામાં ઇતિહાસની વાત કરવાની પ્રવૃત્તિને જેવો છે.
તેઓ જણાવે છે કે, "ઇતિહાસની વાતો મથાળામાં ન થઈ શકે, એના વિશે તો વિસ્તારપૂર્ણ વાતો કરવાની હોય છે. મને લાગે છે કે એમ કહી દેવું કે ગાંધીજીના કહેવાથી સાવરકરે માફીનામું લખ્યું એ ઐતિહાસિક રીતે ખોટું છે."

'હિન્દુત્વ શબ્દના રચયિતા'

ઇતિહાસકારો અનુસાર, સાવરકરનું રાજકીય જીવન સ્પષ્ટરૂપે બે જુદાં ચરણોમાં વહેંચી શકાય છે.
મુખોપાધ્યાય જણાવે છે કે, "પહેલો દોર શરૂ થાય છે વીસમી સદીના પહેલા દશકમાં જ્યારે તેઓ એક યુવા રાષ્ટ્રવાદી હતા. વિલાયત ગયા અને રાષ્ટ્રવાદી આંદોલનોમાં સામેલ થયા. જેના કારણે તેમને કાળાપાણીની સજા થઈ અને એમને આંદામાનની જેલમાં મોકલી દેવાયા."
એમના મતાનુસાર, પોતાના રાજકીય જીવનના આ દોરમાં સાવરકરે 1857ના વિષયમાં એક ખૂબ મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું "જેમાં તેમણે 1857ની ક્રાંતિને હિન્દુ-મુસલમાન એકતાનું એક અદ્વિતીય ઉદાહરણ ગણાવી; અને કહેલું કે 'હિન્દુ અને મુસલમાન ભેગા થયા એટલે અંગ્રેજી શાસનને આટલો મોટો ઝટકો લાગ્યો હતો.'"
મુખોપાધ્યાય જણાવે છે કે, સાવરકરના રાજકીય જીવનના બીજા દોરમાં આંદામાનની જેલમાં રહીને તેમનું હૃદયપરિવર્તન થાય છે અને તેઓ અંગ્રેજોની માફી માગે છે.
તેઓ જણાવે છે કે, "તેમને આંદામાનની જેલમાંથી મુક્ત કરાયા, પણ નાગપુર અને પૂણેની જેલોમાં રાખવામાં આવ્યા. કેમ કે તેઓ ક્રાંતિકારી રાષ્ટ્રવાદના એક ભાગીદાર હતા, એટલે એમની સતત ન્યાયિક કેદના વિરોધમાં ઘણા રાષ્ટ્રવાદી નેતાઓએ વાંધો પ્રકટ કરેલો અને તેમને છોડી દેવા માટેની અરજીઓ આપેલી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પણ, મુખોપાધ્યાય એમ જણાવે છે કે, જે કારણે સાવરકર આજ સુધી વિવાદમાં છે એ સેલ્યુલર જેલમાં લખાયેલું હસ્તલિખિત 'હિન્દુત્વઃ આપણે કોણ છીએ' છે.
"આ દસ્તાવેજમાંથી પ્રેરણા લઈને કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાવ્યો. હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા સાવરકરની પહેલાંથી જ વિકસિત થઈ રહી હતી, પણ સાવરકરને એનું શ્રેય અપાય છે કે એમણે હિન્દુત્વને પોતાના પુસ્તક દ્વારા વ્યાખ્યાયિત કર્યું. એ પુસ્તક હેડગેવાર માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાવવા માટેનો પ્રેરક દસ્તાવેજ બન્યું."
મુખોપાધ્યાય માને છે કે સંગઠનના નેતાના રૂપે સાવરકર અનુપયુક્ત રહ્યા અને એ કારણે જ તેઓ ક્યારેય આરએસએસમાં જોડાયા નહીં, "બલકે તેઓ આરએસએસના બહુ મોટા ટીકાકાર હતા."
તેઓ જણાવે છે કે, "1966માં મૃત્યુ સુધી આરએસએસ સાથે તેમના સંબંધ ખરાબ હતા. સાવરકર આરએસએસને એક મહત્ત્વહીન સંગઠન માનતા હતા. સાથે જ તેઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ નીતિઓના ખાસ્સા સમર્થક હતા."
"એમણે કહેલું કે હિન્દુઓએ પોતાને મજબૂત કરવા માટે બ્રિટનની ફોજમાં જોડાવું જોઈએ. તેઓ પોતાના આખા જીવન દરમિયાન અંગ્રેજી શાસન વિરુદ્ધના કોઈ પણ આંદોલનમાં જોડાયા નહોતા. તેઓ ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા નહોતા."
એક વિડંબના એ છે કે સાવરકર જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘના ક્યારેય સદસ્ય નહોતા એ જ સંઘ પરિવારમાં એમનું નામ ઘણાં આદર-સન્માન સાથે બોલાય છે.
2000માં વાજપેયી સરકારે તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન પાસે જઈને સાવરકરને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારતરત્ન' આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો નારાયણને અસ્વીકાર કર્યો હતો.

બિનજરૂરી ઘોંઘાટ

ઇમેજ સ્રોત, RSS.ORG
ઇતિહાસકાર અને વીર સાવરકરના જીવનચરિત્રના લેખક વિક્રમ સંપતે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે આ બયાન અંગે થતો શોર-બકોર બિનજરૂરી છે અને તેઓ પોતાના પુસ્તક અને બીજા કેટલાક ઇન્ટરવ્યૂમાં એ પહેલાં જ કહી ચૂક્યા છે કે 1920માં ગાંધીજીએ સાવરકરબંધુને અરજી કરવાની સલાહ આપી હતી અને પોતાની પત્રિકા 'યંગ ઇન્ડિયા'માં એક લેખ લખીને એમની જેલમુક્તિની વાત કરી હતી.
'યંગ ઇન્ડિયા'માં ગાંધીએ જે લેખ લખેલો તેનું શીર્ષક હતું, 'સાવરકરબંધુ' અને એમાં ઘણી વાતોની સાથે એમણે એમ પણ લખેલું કે "તે બંને સ્પષ્ટપણે કહે છે કે તેઓ બ્રિટિશરાજ પાસેથી સ્વતંત્રતા નથી માગતા. એનાથી ઊલટું, એમને લાગે છે કે અંગ્રેજોના સહયોગથી ભારતની નિયતિ સૌથી સારી નિર્માણ કરી શકાય એમ છે."
શમ્સુલ ઇસ્લામ દિલ્લી વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન ભણાવી ચૂક્યા છે અને 'સાવરકર-હિન્દુત્વઃ મિથક ઔર સચ' નામના પુસ્તકના લેખક છે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિનું નામ 'સાવરકર અનમાસ્ક્ડ' છે.
તેઓ જણાવે છે કે, સાવરકરે 1911માં સેલ્યુલર જેલમાં જતાંના પહેલા જ વરસે દયા-અરજી કરી હતી. એ પછી એમણે 1913, 1914, 1918, 1920માં દયા-અરજી કરી હતી.
ઇસ્લામ જણાવે છે કે, "દયા-અરજી કરવી એ ગુનો નથી. એ તો કેદીઓનો પોતાની ફરિયાદો કહેવાનો એક અધિકાર છે. પણ સાવરકરનાં માફીનામાં ઘૂંટણિયે પડવા સમાન છે. કેટલાય ક્રાંતિકારીઓ જેમને ફાંસીના માંચડે લટકાવી દેવાયા, પાગલ થઈ ગયા અથવા જેમણે આત્મહત્યા કરી લીધી એમાંના કોઈએ માફીનામું નહોતું લખ્યું."

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
ઇસ્લામના મતાનુસાર માફીનામું માત્ર ચાર જણે લખેલું જેમાં સાવરકર, અરબિન્દો ઘોષના ભાઈ બારીન્દ્ર ઘોષ. ઋષિકેશ કાન્જીલાલ અને ગોપાલ સામેલ છે.
તેઓ જણાવે છે કે, "ઋષિકેશ કાન્જીલાલ અને ગોપાલની દયાઅરજીમાં કહેવાયેલું કે તેઓ રાજકીય કેદી છે અને એમની સાથે એવો જ વ્યવહાર કરવામાં આવે. એ બિલકુલ યોગ્ય અરજીઓ હતી જેનું ટૅક્નિકલ નામ દયાઅરજી છે, પણ સાવરકર અને બારીન્દ્ર ઘોષની અરજીઓ શરમજનક છે."
શમ્સુલ ઇસ્લામના મતાનુસાર હિન્દુ મહાસભા અને આરએસએસના ઘણા લોકોએ સાવરકરનું જીવનચરિત્ર લખ્યું છે, પણ એમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે ગાંધીજીના કહેવાથી એમણે અરજી કરી હતી.
તેઓ જણાવે છે કે, "સૌથી શરમજનક માફીનામું 14 નવેમ્બર 1913નું છે અને ગાંધીજી ભારતની રાજનીતિમાં 1915ના અંતમાં જોડાયા. તો એ સમજવું અતિઆવશ્યક છે કે ગાંધીના કહેવાથી માફીનામું લખ્યાની વાત એકદમ અર્થહીન (ખોટી) છે."
ઇસ્લામના જણાવ્યા અનુસાર, ગાંધીએ 'યંગ ઇન્ડિયા'માં સાવરકરના માફીનામા પર એક લેખ લખેલો, જેમાં કહેલું કે, "સાવરકર જેવા લોકોએ માફીનામું લખીને નૈતિક બળ પણ ખોઈ દીધું છે."
ઇસ્લામ માને છે કે આ પ્રકારનાં વિવાદાસ્પદ બયાનોથી ગાંધીનું અપમાન કરવાની કોશિશ થઈ રહી છે. તેઓ જણાવે છે કે, "આ લોકો ગાંધીજીને ઘસડીને નાથુરામ ગોડસે અને સાવરકરની સમાંતર લાવવા ઇચ્છે છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












