'100 નવા ચહેરા' લાવવાનો કૉન્ફિડન્સ ભાજપમાં ક્યાંથી આવે છે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
'70 ધારાસભ્યો આપણે નવા શોધવાના છે અને ત્રીસેક રિટાયર થશે, એટલે લગભગ 100 તો થઈ જ જવાના નવા. અહીં બેઠેલા ધારાસભ્યોએ કંઈ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.'
સોમવારે ઉત્તર ગુજરાતના હિંમતનગર ખાતે ભાજપનો પેજપ્રમુખ કાર્ડવિતરણ તથા પેજ સમિતિ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે પાટીલે આ વાત કહી હતી. તેમના આ નિવેદનને રાજકીય વિશ્લેષકો બારિકાઈથી જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, PRAKASH SINGH
ગુજરાતમાં તાજેતરમાં જ ભાજપે મુખ્યમંત્રીની સાથે-સાથે કૅબિનેટ પણ બદલી નાખ્યું. એક રીતે કહીએ તો રાતોરાત મંત્રીઓ અને તેનું નેતૃત્ત્વ બદલાઈ ગયું.
આ ઘટના સાથે જ એક શબ્દ ઘણો ચર્ચાયો. એ શબ્દ છે 'નો રિપિટ થિયરી'.
નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારથી આ થિયરી રાજ્યના રાજકારણમાં સક્રિય રીતે અમલ થતી જોવા મળી છે. પરંતુ રાજકારણમાં 'નો રિપિટ' થિયરી અમલ કેમ કરવામાં આવે છે?
વળી આમ રાતોરાત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને ઉમેદવારો બદલી નાખવાનો કૉન્ફિડન્સ મોદી-શાહમાં ક્યાંથી આવે છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય વિશ્લેષકો અનુસાર વર્ષ 2010માં ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ મોટાભાગના ઉમેદવારો બદલી નાખ્યા હતા અને અહીંથી 'નો રિપિટ થિયરી' વધુ ચર્ચામાં આવી હતી.

નવી ટીમથી નો-રિપિટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
જોકે એક વાત એ પણ છે કે 2001માં ભાજપે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે બદલી તેમની જગ્યાએ નરેન્દ્ર મોદીને સીએમ બનાવાયા હતા. અને કૅબિનેટમાં પણ ફેરફાર કરાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નવો નેતા નવી ટીમ'નું સૂત્ર એ સમયે ગુજરાતના રાજકારણમાં ચરિતાર્થ પણ થયું અને પછીથી તે 'નો રિપિટ થિયરી'ના અનુસંધાને આગળ વધતું રહ્યું છે.
જોકે અહીં એક વાત એ પણ રસપ્રદ છે કે ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું તે પહેલાં કેરળના પિનરઈ વિજયને ચૂંટણીમાં વિજય બાદ મે-2021માં તેમની આખી કૅબિનેટ બદલી નાખી હતી અને કહેવાય છે કે તેનાથી હકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.
આથી મોદીએ ગુજરાતમાં પણ તેમની 'નો રિપિટ થિયરી' 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ લાગુ કરી દીધી.
જોકે રાતોરાત નેતૃત્ત્વ બદલી નાખવું અને કૅબિનેટ બદલી નાખવી, નવા ચહેરા મૂકી દેવા એ એક રીતે જોખમી નિર્ણય જ ગણાય છે.

પરિવર્તનનો 'પાવર' ક્યાં?
આવા નિર્ણય લેવા માટે ભાજપ પાસે એ 'કૉન્ફિડન્સ' ક્યાંથી આવે છે? કયા પરિબળો ભાજપમાં મોદી-શાહને આવા નિર્ણયો લેવા પ્રેરે છે?
સ્થાનિક રાજકારણ પર લાંબા સમયથી નજર રાખતા સુરતના વરિષ્ઠ પત્રકાર વૈશાલી પટેલ આ મામલે કહે છે, "આની પાછળ સૌથી મહત્ત્વનું પરિબળ મોદી ખુદ છે, કેમ કે એક વાત માન્યતા હવે પ્રવર્તમાન છે કે મોટાભાગે લોકો મોદીનો ચહેરો જોઈને વોટ આપે છે."
"સંગઠન પણ મજબૂત છે અને શિસ્તબદ્ધ હોવાથી સંતુલન જળવાઈ રહે છે. ઉપરાંત ઘણી વખત ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ લહેર પારખી લે છે કે આ વખતે સ્થિતિ કેવી રહેવાની છે. સારા પરિણામો તેમને આત્મવિશ્વાસ આપે છે કે 'નો રિપિટ' લાગુ કરી શકાય છે."
પટેલ વધુમાં ઉમેરે છે, "રાજકીય પક્ષ લાંબા સમયથી સત્તામાં હોય તો તેને જનતામાં સત્તાવિરોધી લાગણીનો પણ સામનો કરવો પડતો હોય છે. આથી નવા ચહેરા કામ લાગે છે, જે જનતામાં રહેલી સત્તાવિરોધી લાગણી દૂર કરવામાં ઉપયોગી નીવડે છે."
જોકે 'નો રિપિટ થિયરી' મામલે એક મહત્ત્વપૂર્ણ વાત કરતાં વૈશાલી પટેલ કહે છે, "ખરેખર સંપૂર્ણ નો રિપિટ થિયરી લાગુ થતી જ નથી. અને ન તે થઈ શકે છે. કેમ કે સરકાર ચલાવવા માટે, સંગઠન માટે અનુભવી લોકોની જરૂર રહેવાની જ છે. પણ એવું બની શકે કે મોટાભાગના ચહેરા નવા હોય જ્યારે માત્ર ગણતરીના જ જૂના ચહેરા હોય."
અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમમાં માત્ર ગણતરીના ચહેરા જ જૂના છે. બાકી મોટાભાગના તમામ ચહેરા નવા છે.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
દરમિયાન વરિષ્ઠ પત્રકાર અશોક પટેલ કહે છે, "નો રિપિટ થિયરી ખરેખર જૂના ઉમેદવારો સામે જે વિરોધ હોય છે તેને દૂર કરવા પણ થાય છે. કેમ કે વિપક્ષી નેતાઓ નેતા કે ઉમેદવાર સામે વિરોધી પ્રચાર કરતા રહેતા હોય છે. આથી જો તેને બદલી નાખવામાં આવે, તો વિરોધીઓ પાસે તરત નવા ચહેરાનો વિરોધ કરવા માટે તાજા મુદ્દા નથી રહેતા. જનતા પણ નવો ચહેરો જોઈને જૂની વાતો ભૂલી જાય છે."
"નરેન્દ્ર મોદીએ એક વાર સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ધરખમ બદલાવ કરી નાખ્યા હતા. અને નો રિપિટ અપનાવ્યું હતું. એટલે મોદી સમયે સમયે આ પ્રયોગ કરતા રહે છે. વળી થયું એવું કે તેનાથી નુકસાન નથી થયું એટલે હવે તેને સમયાંતરે લાગુ કરવા માટેનો કૉન્ફિડન્સ તેમને મળતો રહે છે."
વળી પીએમ મોદીની આક્રમક નેતૃત્ત્વશૈલી વિશે જણાવતા તેઓ કહે છે, "પીએમ મોદી મોટાભાગે તેમના વિચારો અનુસાર નિર્ણયો લે છે. તે કોઈનું કહેલું કરે એવું નથી બનતું. તેમની પોતાની એક લીડરશિપની શૈલી છે અને તેમનો અભિગમ આ વિશે જુદો છે."
"સરકાર અને સંગઠનમાં તેઓ પ્રયોગો કરતા રહે છે. તાજેતરનું લખીમપુર ખીરીનું ઉદાહરણ લઈએ તો રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્ર વિશે કેટલા લોકો જાણતા હતા? વિવાદ થયો એટલે તેઓ વધુ ચર્ચામાં આવ્યા. પણ જનતા માટે તો તે એકદમ નવો જ ચહેરો છે."
"આથી પહેલા લો-પ્રોફાઇલ રહેલા ચહેરા લાવવાથી નાહકની ચર્ચાનો અવકાશ નથી રહેતો. પણ તેમાં એવું પણ થાય છે કે જનતાને પછી યોગ્ય જાણકારી જ નથી હોતી કે તેમના મંત્રીઓનો ભૂતકાળ કેવો છે અને તેમની પૃષ્ઠભૂમિ કેવી છે.
"કેમ કે તેમની આ બાબતો વિશે મીડિયામાં પણ વધુ ચર્ચા કે જાણકારીઓ નથી હોતી. જ્યારે બીજી તરફ જૂના ચહેરાઓના વિવાદો અને તેમની સામેના કેસો ચર્ચામાં જ રહેલા હોય છે."

100થી વધુ ધારાસભ્યો નવા ચહેરા હશે?

ઇમેજ સ્રોત, Twitter/ Hardik Patel
વળી ચૂંટણી સંદર્ભે ભાજપની નો રિપિટ નીતિ વિશે જણાવતાં વૈશીલ પટેલ કહે છે કે, "ગુજરાતમાં પેટાચૂંટણીઓ થઈ, સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ થઈ. બધામાં જ ભાજપ જીત્યો અને કૉંગ્રેસનો રકાસ થઈ ગયો."
"જોકે સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીતી ગયા હતા. પણ સરવાળે ભાજપે અને તેના અધ્યક્ષ સી. આર. પાટિલે પકડ જમાવી લીધી. આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરા માટેનો વિશ્વાસ ફરીથી ભાજપને મળી ગયો છે."
દરમિયાન, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલે તાજેતરમાં એક નિવેદન પણ આપ્યું હતું કે 182માંથી 100થી વધુ ઉમેદવારો નવા ચહેરા હોઈ શકે છે.
એટલે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઘણા જૂના ઉમેદવારોની જગ્યાએ નવા ચહેરા જોવી મળી શકે છે. પરંતુ એક વાત એ પણ છે કે બાકીના 60-70 ઉમેદવારો જૂના હોઈ શકે છે.
આ નિવેદન મામલે પત્રકાર વૈશાલી પત્રકાર કહે છે, "તમામ ચહેરા બદલવું ભાજપ કે કોઈ પણ પક્ષ માટે શક્ય નથી. પણ 100થી વધુ ચહેરા નવા હશે એવું કહેવાનો અર્થ એ થાય કે મોટાભાગના જૂના નેતાઓની ટિકિટ કપાઈ શકે છે અને તેની જગ્યાએ નવા ચહેરા આવી શકે છે."
"સરકારમાં તો ચહેરા બદલી નાખ્યા હવે ધરાતલ પણ ચહેરા બદલાય એ સ્વાભાવિક બાબત લાગે છે. જોકે સુરતથી જેમ યુવા નેતા હર્ષ સંઘવી પ્રકારના નેતાઓ છે, જેમણે પોતાનું એક મજબૂત સ્થાન મતદારોમાં બનાવી લીધું છે, તેવા નેતાઓ રિપિટ થઈ શકે છે."
"એટલે કે જેમના જીતવા મામલે અને ક્ષમતા મામલે ભાજપને વિશ્વાસ છે એવા ચહેરા બાકી રહેશે. બાકીના માટે ભાજપ 'નો રિપિટ થિયરી' અપનાવી શકે છે."

ઇમેજ સ્રોત, GETTY IMAGES/UPGOVERNORWEBSITE
રાજકારણમાં 'નો રિપિટ થિયરી'ની વાત થઈ રહી છે, ત્યારે એ વાત પણ ઉલ્લેખનીય છે કે સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપે વર્તમાન નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાની નીતિ અપનાવી હતી. જેમાં નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ આ નીતિની ટીકા પણ કરી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે, ભાજપ પાર્ટીમાંના નેતાના એકેય સંબંધીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહીં આપશે. આ ચૂંટણીઓમાં પક્ષ 60 વર્ષથી મોટી વયના સાંસદો-ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારો તેમજ નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપે.
આમ પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીને ટિકિટ નહોતી આપવામાં આવી. જોકે બાદમાં ભાજપની આ નીતિનો યોગ્ય અમલ નથી થયો એવા આરોપો પણ લાગ્યા હતા.

કૉંગ્રેસમાં આવા નિર્ણયો કેમ નથી લેવાતા?

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL
જો ભાજપ આવા નિર્ણયો લઈ શકે છે, તો કૉંગ્રેસમાં આવા નિર્ણયો કેમ નથી લેવાતા એ વિશે વૈશાલી પટેલ કહે છે, "કૉંગ્રેસમાં સંગઠનશક્તિ અને માળખું બને નબળું પડી ગયું છે. સાહસિક મનોબળ અને મજબૂત નેતાગીરી જરૂરી હોય છે. ભાજપ નવા ચહેરા લાવી કાર્યકરોમાં નવું જોશ ઉમેરે છે. અને સંદેશ પણ આપે છે કે નવા લોકોને તે તક આપે છે."
"કૉંગ્રેસના જૂના ચહેરાઓ જ બધું ચલાવે છે. તેમાં નવા પ્રાણ ફૂંકવા માટે નવા નેતાઓ અને યુવા નેતાઓને તક આપવી પડે. તેમને ડ્રાઇવિંગ સીટ પર બેસાડવા પડે."
"વળી સામે વિપક્ષ આ રીતે સંગઠનની દૃષ્ટિએ ચૂંટણીમાં નબળો દેખાતો હોવાથી પણ ભાજપનો આત્મવિશ્વાસ નવા પ્રયોગો કરવા માટે વધી જાય છે."
જોકે સંગઠન મામલે જ્યારે સી. આર. પાટિલે અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી ત્યારે તેમણે કહ્યું હતું, "ભાજપ જ એવો રાજકીય પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતાને અનુસારની જવાબદારી મળે છે. જેણે નાના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો, તેને ત્રણ વખત સંસદસભ્ય અને આજે પ્રદેશાધ્યક્ષ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે."
જોકે અત્રે આ વાત નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાંથી મોટાભાગના સાંસદો રિપિટ જ કર્યાં હતા.
વળી બીજી તરફ ઉત્તરાખંડમાં બે વખત મુખ્યમંત્રીઓ બદલી નાખ્યા. આમ ભાજપ સંગઠન અને નેતાગીરી મામલે સક્રિયપણે પ્રયોગો કરતો જોવા મળે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












