પેટ્રોલ-ડીઝલ અને રાંધણગૅસમાં ભાવવધારો : 'ગૅસ સિલિન્ડર પોસાતો નથી, હવે ચૂલા પર રસોઈ કરવી પડે છે'

ઇમેજ સ્રોત, Pacific Press/Getty
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
પાટણ જિલ્લાના રાધનપુરમાં રહેતાં 38 વર્ષનાં રશીદાબહેન શેખ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ ટૂ-વ્હિલરનો ઉપયોગ નથી કરતાં.
ગામડાંની મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તે સમજાવવા માટે તેઓ દરરોજ અલગઅલગ ગામડાંમાં ફીલ્ડ વર્ક માટે જતાં હોય છે.
તેમના કહેવા પ્રમાણે જ્યારથી પેટ્રોલનો ભાવ 90 રૂપિયાથી વધારે થયો છે ત્યારથી તેઓ માત્ર શૅરિંગવાળી શટલ રિક્ષામાં જ પ્રવાસ કરે છે.
કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપૉર્ટનો ધંધો ચલાવતા ટ્રાન્સપૉર્ટરોએ પોતાની ટ્રકો બંધ કરીને પાર્કિંગમાં ઊભી રાખી દીધી છે.
કચ્છમાં ગાંધીધામ ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશનના સભ્યો ગુજરાતના અનેક વિસ્તારો અને તેની બહાર પણ માલ-સામાનની અવરજવરનું કામ કરતા હતા જે હાલમાં ઠપ જેવું છે. ટ્રકમાલિકોના મતે તેમને ડીઝલના વધેલા ભાવ પોસાતા નથી.
તેઓ કહે છે કે જ્યાં સુધી ટ્રાન્સપૉર્ટનું ભાડું નહીં વધે ત્યાં સુધી આવી અનેક ટ્રકો રોડ પર નહીં ઊતરે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાએ સામાન્ય લોકોને જ નહીં વેપારીવર્ગને પણ પરેશાનીમાં મૂકી દીધો છે.
સમાજના લગભગ દરેક વર્ગના લોકોને પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવે સીધી નહીં તો આડકતરી રીતે અસર કરી છે, ભલે તે મહિલા હોય, ખેડૂત હોય, વેપારી હોય કે પછી પગારદાર વ્યક્તિ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઈંધણના ભાવવધારાની અસર કેવી પડી રહી છે?

ઇમેજ સ્રોત, Hindustan Times
સાબરકાંઠાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામમાં રહેતાં 38 વર્ષીય પુષ્પાબહેન ઝાલાએ પોતાના ભોજનમાં તેલના વપરાશમાં ધરખમ ઘટાડો કરી દીધો છે.
તેમના પતિ ગુજરી ગયા છે અને તેઓ પોતાનું ગુજરાન એકલાં જ ચલાવે છે.
આવામાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવવધારા સામે તેઓ આક્રોશ વ્યક્ત કરતા કહે છે :
"હાલમાં તેલના ડબ્બાની કિંમત 2,300 રૂપિયા જેટલી થઈ ચૂકી છે. એક સમયે હું 15 રૂપિયાનું તેલ લાવીને આખા ઘરનું રાંધી શકતી હતી, હવે 40 રૂપિયા કે ઘણી વખત 50 રૂપિયાનું તેલ લાવવું પડે છે."

ઇમેજ સ્રોત, Pushpaben Jhala
જોકે આ ભાવવધારાને સમજવા માટે બીબીસીએ ગુજરાતના ખેડૂતો સાથે સંપર્ક કર્યો અને જાણ્યું કે ઈંધણનો ભાવવધારો તેમને કેવી રીતે નડી રહ્યો છે.
ખેડૂતનેતા ભરતસિંહ ઝાલા કહે છે કે ઈંધણના ભાવવધારાની સીધી અસર લોકોનાં રસોડાં પર પડે છે.
જેતપુરના એક ખેડૂત પ્રવીણભાઈએ બીબીસીને જણાવ્યું, "બિયારણથી લઈને મંડી સુધી જવાના દરેક કામમાં હાલમાં ભાવવધારો નડી રહ્યો છે."

ઇમેજ સ્રોત, The India Today Group
બે એકર જમીન ધરાવતા એક ખેડૂતનો દાખલો આપતાં તેમણે કહ્યું, "બે એકર જમીનમાં જો મગફળી કે કપાસ વાવ્યાં હોય તો ચાર મહિનાના પાકમાં ઓછામાં ઓછું 20 વખત ટ્રૅકટર ચલાવવું પડે. આ ચાર મહિના દરમિયાન બે એકર જમીન ધરાવતો કોઈ ખેડૂત આશરે 225 લીટર ડીઝલનો વપરાશ કરે છે."
"વપરાશ એટલો ને એટલો જ છે, પરંતુ ડીઝલનો ભાવ વધી રહ્યો છે. એટલે કે 2014માં ટ્રૅકટર ચલાવવાનો ખર્ચ 11,400 રૂપિયા થતો હતો, તે હવે વધીને 21,600 રૂપિયા જેટલો થઈ ચૂક્યો છે. આની સીધી અસર માર્કેટ પર પડે છે."
"ખેડૂત સૌથી વધુ નુકસાન સહન કરે છે, પણ આ પ્રકારનો ખર્ચ વધતો રહે તો ખેડૂત પણ કેટલું નુકસાન સહન કરી શકે?"
તેઓ વધુમાં કહે છે, "વાવણી વખતે જે બિયારણ અમને 2100 પ્રતિમણ મળતું હતું, તે હવે 2300 પ્રતિમણ મળે છે અને બે એકરની જમીનમાં આશરે છ મણ બિયારણ જાય છે. એટલે કે બિયારણમાં 1200 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે."
તેમણે એ પણ કહ્યું, "તૈયાર માલ મંડીએ લઈ જવા માટે પહેલાં દર 50 કિલોમીટરે સાતથી આઠ રૂપિયાનો ખર્ચ આવતો હતો, જે હવે 13થી 14 રૂપિયા થઈ ગયો છે."

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
પ્રવીણભાઈએ આ વર્ષથી પોતાનાં બે બાળકને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવી દીધાં છે, કારણ કે હવે તેમને ખેતી માટે વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે.
આ વિશે ખેડૂતનેતા પાલભાઈ આંબલિયાએ બીબીસીને જણાવ્યું, "2014 પહેલાં ડીઝલનો ભાવ 57 રૂપિયે પ્રતિલીટર હતો, જે હવે વધીને 96 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે."
"ખેડૂતો ટ્રૅકટર ઉપરાંત નહેર કે કૂવાથી પાણી ખેંચવા માટે પાણીની મોટરને ચલાવવા માટે જનરેટરમાં પણ ડીઝલનો ઉપયોગ કરતા હોય છે, તેવામાં ભાવવધારાની માઠી અસર થાય તે સ્વાભાવિક છે.
તેઓ કહે છે કે "હાલમાં જે પ્રકારની ખેતી થાય છે તેમાં ખેતીનું દરેક કામ ડીઝલના ભાવ પર નિર્ભર છે. આ ભાવવધારો સીધો આપણા રસોડાને અસર કરે છે, કારણ કે ખેડૂત એક હદ સુધી નુકસાન સહન કરશે, પછી તે પણ સારા ભાવમાં જ પોતાની ખેતપેદાશ વેચશે."

કેવી અસર થઈ છે ટ્રાન્સપૉર્ટ પર?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવની અસર ટ્રાન્સપૉર્ટરો પર પડી છે. તો તેની આડકતરી રીતે સામાન્ય લોકોના બજેટ પર પણ પડી રહી છે.
પુષ્પાબહેનનો જ દાખલો લઈએ તો તેમને હજુ થોડા મહિના પહેલાં તેમના ગામ ઉમેદગઢથી 13 કિલોમિટર દૂરના ગામમાં જવા-આવવા માટે 20 રૂપિયા રિક્ષાભાડું ચૂકવવું પડતું હતું જે હવે વધીને 30 રૂપિયા થઈ ગયું છે.
તેઓ અઠવાડિયામાં પાંચ વખત કામથી બહાર જાય જ છે એટલે તેમને અઠવાડિયે 50 રૂપિયાનો વધારાનો ખર્ચ ઉપાડવો પડે છે.

ઇમેજ સ્રોત, Rashidaben
રશીદાબહેને તો પોતાના પુત્રની બાઇક ઘરની બહાર મુકાવી દીધી છે, હવે તેમના પરિવારમાં બાઇકનો ઉપયોગ હાલપૂરતો બંધ છે.
ગાંધીધામ ટ્રક ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશન સાથે અનેક ટ્રકમાલિકો જોડાયેલા છે.
આ ઍસોસિયેશનના સેક્રેટરી રઘુવીર નહેરા કહે છે, "હાલમાં તમામ વેપાર નફા નહીં પણ નુકસાનના ધોરણે કરી રહ્યા છીએ. ડીઝલ, ટાયર અને ઑઇલની વધતી કિંમતો પછી ઘણા ટ્રકમાલિકોએ પોતાની ટ્રક પાર્ક કરી દીધી છે. તેમને હવે પોતાનો ધંધો પોસાતો નથી."

'ગૅસનો બાટલો મૂકી દીધો કબાટમાં'

ઇમેજ સ્રોત, Reza/Getty
રાધનપુરમાં રહેતાં આઇશા શેખ બેકરીમાં નોકરી કરીને દિવસે 300 રૂપિયાની કમાણી કરે છે.
'ઉજ્જવલા ગૅસ યોજના' અંતર્ગત તેમણે 250 રૂપિયામાં ગૅસનો બાટલો લીધો હતો, પરંતુ હવે ગૅસના બાટલાનો ભાવ 900 રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે તેમણે આ બાટલો કબાટમાં મૂકી દીધો છે અને ફરીથી ચૂલા પર જ રાંધવાનું શરૂ કરી દીધું છે.
તેઓ કહે છે, "બાટલો લઈ લીધો છે માટે મને કેરોસીન પણ મળતું નથી. મારી પાસે હવે ચૂલા પર રસોઈ કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નથી."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












