કુસ્તીબાજોનાં ધરણાં, રમતગમત મંત્રાલયે ફેડરેશનમાં 'માળખાગત ક્ષતિઓ' હોવાનું સ્વીકાર્યું

મહિલા કુસ્તીબાજો

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે ભારતના જાણીતા કુસ્તીબાજો ફરી એક વખત વિરોધપ્રદર્શન શરૂ કર્યા બાદ ભારતના રમતગમત મંત્રાલયે સ્વીકાર્યું છે કે ભારતીય કુસ્તીનું સંચાલન કરતા ફેડરેશનમાં માળખાગત ક્ષતિઓ છે.

આ કુસ્તીબાજો કથિત જાતીય સતામણી માટે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણસિંહની ધરપકડની માગ કરી રહ્યા છે.

જોકે, બ્રિજભૂષણસિંહે આ આરોપોને રદિયો આપ્યો છે.

રમતગમત મંત્રાલયે ભારતીય ઑલિમ્પિક સંઘને લખેલા પત્રમાં કથિત જાતીય સતામણીના આરોપો વિશે કોઈ ટિપ્પણી કરી નથી.

વિરોધ કરી રહેલાં કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે કેસ નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણસિંહ સામે કેસ નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.

તેમનો આક્ષેપ છે કે અનેક મહિલા કુસ્તીબાજોએ તેમના વિરુદ્ધ જાતીય સતામણી અને ધાકધમકીઓના આરોપણ સહિત પોલીસને ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો ગંભીર છે. સાથે જ તેમણે દિલ્હી પોલીસ પાસેથી જવાબ માગ્યો હતો કે તેમણે કેસ કેમ નોંધ્યો નથી.

મહિલા રેસલર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બ્રિજભૂષણ સિંહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

18 જાન્યુઆરી, 2023ના રોજ મહિલા કુસ્તી ચૅમ્પિયન વિનેશ ફોગાટ જ્યારે દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં પર બેસ્યાં ત્યારે સમગ્ર ખેલજગતમાં અરેરાટી વ્યાપી ગઈ.

તેમની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવાં ઑલમ્પિક મેડાલિસ્ટ્સ પણ ધરણાં પર બેઠાં હતાં.

આ લોકોએ ભારતીય કુસ્તીસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ઓછામાં ઓછી દસ મહિલા કુસ્તીબાજો પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો.

બ્રિજભૂષણસિંહ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને વર્ષોથી સક્રિય રાજકારણી છે.

આરોપો ગંભીર હોવાથી અને સતત ત્રણ દિવસ સુધી ધરણાપ્રદર્શન ચાલુ રહ્યા બાદ રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપથી તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી. તપાસ પૂરી થવા સુધી કુસ્તી સંઘના અધ્યક્ષપદેથી બ્રિજભૂષણ સિંહને દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

જ્યારે પણ કોઈ મહિલા જાતીય સતામણીના કિસ્સાને ઉજાગર કરે છે તો એક સવાલ મોટા ભાગના લોકો પૂછતા હોય છે કે આ વિશે પહેલાં ફરિયાદ કેમ ન કરી? જોકે, મનોવૈજ્ઞાનિકો અને આ મુદ્દે કામ કરનારા કાર્યકર્તાઓનું કહેવું છે કે જાતીય સતામણી વિશે વાત કરવી હંમેશાં મુશ્કેલ હોય છે.

આ કિસ્સા સાથે જોડાયેલા ઍક્સપર્ટ્સ માને છે કે ભારતીય રમતજગતની ઇકૉસિસ્ટમ જ એ પ્રકારની છે કે તેમાં મહિલા ખેલાડીઓ માટે ફરિયાદ કરવી વધુ મુશ્કેલ બની જાય છે.

ગ્રે લાઇન

તપાસસમિતિના રિપોર્ટમાં શું આવ્યું?

મહિલા ખેલાડીઓ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN

કમિટીએ એપ્રિલ મહિનામાં જ તેમનો રિપોર્ટ જમા કરાવ્યો હતો પરંતુ તેનાં તારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યાં નથી.

જોકે, સોમવારે ભારતના રમતગમત મંત્રાલયે જણાવ્યું કે ભારતીય ઑલિમ્પિક સંઘનો અહેવાલ 'તપાસ હેઠળ' છે પરંતુ તેની પ્રાથમિક તપાસ બાદ કેટલાંક 'મુખ્ય તારણો' જણાવ્યાં હતાં.

મંત્રાલયે સ્વીકાર્યું હતું કે ભારતીય કુસ્તી સંઘ પાસે કાયદા મુજબ જરૂરી એવી કોઈ આંતરિક ફરિયાદ સમિતિ નથી, જ્યાં જાતીય સતામણીના કિસ્સામાં ફરિયાદ થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે કુસ્તી સંઘ અને ખેલાડીઓ વચ્ચે 'વધુ પારદર્શકતા' અને 'અસરકારક સંચાર'ની જરૂર છે.

ભારતીય ઑલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે ઍસોસિયેશન આ મુદ્દે 27 એપ્રિલે ચર્ચા કરશે.

પુરુષોનો દબદબો

આ જગજાહેર છે કે ભારતમાં મોટા ભાગના સ્પૉર્ટ્સ ફેડરેશનની કમાન કાં તો રાજનેતાઓ પાસે અથવા તો પછી શક્તિશાળી અમલદારો અથવા તો પૈસાદાર વેપારી પુરુષો પાસે છે.

એવું નથી કે આ રાષ્ટ્રીય સ્તરે જ થઈ રહ્યું છે. આ સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યું છે.

એક મહિલા વેઇટલિફ્ટરે બીબીસી મરાઠી સંવાદદાતા જ્હાનવી મૂળેને કહ્યું, "તમામ લોકો સમજે છે કે જ્યારે શક્તિશાળી લોકો પર આરોપ લાગે છે તો કોઈ કાર્યવાહી કરાશે નહીં."

આ મહિલા વેઇટલિફ્ટરે જણાવ્યું, "શક્તિશાળી વ્યક્તિ રમત માટે પાયાની સવલતો અને સુવિધાઓ એકઠી કરી શકે છે, એ વાત સત્ય છે, એ રમત માટે પણ સારી છે. પરંતુ તેનાથી કેટલાક લોકોને લાગવા લાગે છે કે સ્પૉર્ટ્સ ફેડરેશન અને ખેલાડીઓના માલિક તેઓ જ છે. આવા પુરુષોનાં કૃત્યોને સામે લાવવાનું ક્યારેય સરળ હોતું નથી."

ગ્રે લાઇન

રમતમાં આક્રમકતા

રમતમાં ખેલાડીઓની આક્રમકતા સ્વાભાવિક ગુણ માનવામાં આવે છે. પરંતુ તેના પર એટલું ફોકસ કરવામાં આવે છે કે ક્યારે એ બુલિઇંગ અને જાતીય સતામણીની સીમાને ઓળંગી લે છે, તેનું ધ્યાન રાખવામાં આવતું નથી.

સ્વિટ્ઝર્લૅન્ડસ્થિત ઍથ્લીટના અધિકાર સાથે જોડાયેલાં કાર્યકર્તા પાયોશની મિત્રાએ એનડીટીવીને જણાવ્યું હતું કે, "માત્ર જાતીય હિંસા જ નહીં, પણ શક્તિશાળી લોકોની અપમાનજનક વર્તણૂકને પણ સામાન્ય રીતે વર્તણૂક પ્રકાર જે જોવામાં આવે છે. જ્યારે હું વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને મીડિયા સાથે વાતચીત કરતાં સાંભળી રહી હતી ત્યારે મારું ધ્યાન આ બાબત પર ગયું."

"રમતજગત ટોચથી લઈને નીચે સુધી એક પિરામિડમાં કામ કરે છે અને તેના લીધે ટોચમાં રહેતી વ્યક્તિ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા લાગે છે. આવી પરિસ્થિતિમાં ટોચના ખેલાડીઓનું આ રીતે સામે આવવું અને બોલવું એક મોટી બાબત છે."

મહિલા ખેલાડીઓને મજબૂત અને આદર્શ તરીકે જોવામાં આવે છે, પણ આપણે એ સમજવાની જરૂરી છે કે અંતે તેઓ પણ માણસ જ છે.

મહિલા કુસ્તીબાજો

ઇમેજ સ્રોત, VINESH PHOGAT@TWITTER

ઘણા સ્તરે હોય છે દબાણ

2018માં અમેરિકન જિમ્નાસ્ટ ટીમના ડૉક્ટર લૅરી નાસેર વિરુદ્ધ 150થી વધુ જિમ્નાસ્ટોએ સાક્ષી આપી હતી. જેના આધારે તેમને 175 વર્ષની સજા સંભળાવાઈ હતી.

ઑલિમ્પિક પદક વિજેતા અને સ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સે એ દબાણ વિશે જણાવ્યું હતું, જેના લીધે તેઓ આ મુદ્દે અગાઉ ન બોલી શક્યાં.

તેમણે ટુડે સમાચાર પત્રને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "મને લાગે છે કે આપણે વસ્તુઓને બાજુમાં મૂકી દેવામાં ખૂબ પાવરધા છીએ. આપણે તેને આપણા મગજમાં પાછળની બાજુએ ધકેલી દઈએ છીએ. કારણ કે આપણે નથી ઇચ્છતા કે કોઈ એ વિશે વિચારે, આપણે ખુદ પણ વિચારવા માગતા નથી."

નાસેરના કિસ્સાએ એ પણ દેખાડ્યું કે અમેરિકા જેવા દેશમાં પણ મૅન્ટર અને ટ્રેનિંગ આપનારી વ્યક્તિઓ ખેલાડીઓનું શોષણ કરી શકે છે.

ખેલાડીઓનું ધ્યાન પોતાના લક્ષ્ય પર હોય છે. અત્યંત સ્પર્ધાત્મક માહોલમાં સતત સારું કરવાનું દબાણ હોય છે. આવી સ્થિતિમાં જાતીય સતામણી કે અન્ય મુદ્દે બોલવું મુશ્કેલ હોય છે.

ભારતીય ઍથ્લીટ્સ ફેડરેશનના અધ્યક્ષ અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા આદિલ સુમારીવાલાએ બીબીસી મરાઠી સંવાદદાતા જ્હાનવી મૂળેને જણાવ્યું, "યાદ રાખો કે જ્યારે ખેલાડી મેદાનમાં રમી રહ્યો હોય ત્યારે તેઓ ભાવનાત્મક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પડકારોનો પણ સામનો કરતા હોય છે. એ પળોમાં હંમેશાં આપની સાથે એક જ શખ્સ હોય છે. એટલે કેટલાક કિસ્સામાં હદ પાર થઈ જાય છે."

મહિલા કુસ્તીબાજ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જિમ્નાસ્ટ સાઇમન બાઇલ્સ પોતાના સહયોગી જિમ્નાસ્ટ સાથે
મહિલા કુસ્તીબાજો

મહિલા ટ્રેનરોની અછત

રમતજગતમાં પુરુષોના દબદબાથી ખેલાડીઓના કોચ અને મૅન્ટરના સંબંધો પણ પ્રભાવિત થાય છે. ઇન્ડિયન ઍક્સપ્રેસે 2010થી 2020 વચ્ચેના આંકડા એકત્ર કર્યા હતા. જે મુજબ ભારતીય સ્પૉર્ટ્સ ઑથૉરિટી પાસે આ દસ વર્ષમાં જાતીય સતામણીની 45 ફરિયાદો આવી હતી. જેમાંથી 29 ફરિયાદો જુદા જુદા કોચ વિરુદ્ધ હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. એકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેને કાઢી મૂકવામાં આવ્યા હતા.

ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે જો મહિલા કોચ અને સહાયક સ્ટાફની સંખ્યા વધુ હોય તો મહિલાઓ માટે સ્થિતિ વધુ સારી રહેશે. પરંતુ હાલના સમયમાં વિશેષજ્ઞ મહિલા કોચોની ભારે અછત છે.

આ પછી પણ જો કોઈ મહિલા ખેલાડી સાહસ બતાવીને જાતીય સતામણી સામે બોલવાનો નિર્ણય લે, તો એ પોતાની વાત ક્યાં કહેશે? તેમની પાસે અન્ય કયા વિકલ્પો છે?

બીબીસી ગુજરાતી

જાતીય સતામણી રોકવા માટે સમિતિ?

મહિલા કુસ્તીબાજો

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ભારત સરકારની રાષ્ટ્રીય રમતગમત વિકાસ સંહિતા, 2011 અંતર્ગત મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી સ્પૉર્ટ્સ ફેડરેશનોની છે.

જાતીય સતામણીની ફરિયાદ માટે જાતીય સતામણી નિષેધ સમિતિનું ગઠન કરવું અનિવાર્ય છે.

જોકે, મોટા ભાગનાં સ્પૉર્ટ્સ ફેડરેશનોમાં આ સમિતિ નથી અને જ્યાં છે તેની જાણકારી વેબસાઇટો પર ઉપલબ્ધ નથી.

આ સમિતિઓ નિયમોને સંપૂર્ણપણે જાણે છે કે નહીં, તેની પણ માહિતી નથી. કુસ્તી સંઘની સમિતિમાં માત્ર એક જ મહિલા સભ્ય છે.

રેડ લાઇન
રેડ લાઇન