ટાઇગર: અમીરોને લૂંટીને ગરીબોને દાન કરતો 'ચોર', જેના પર બની રહી છે ચર્ચાસ્પદ ફિલ્મ

ટાઇગર
    • લેેખક, શંકર વેડિશેટ્ટી
    • પદ, બીબીસી માટે

તમે રૉબિન હૂડ વિશે જાણો છો? અમીરોને લૂંટીને તેમની સંપત્તિ ગરીબોમાં વહેંચતા લૂંટારુની કથા અંગ્રેજીમાં વાંચવા મળે છે. એવા લૂંટારા વિશે ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ પણ બની છે. રોબિન હૂડનું નામ હોલિવૂડની ફિલ્મોને કારણે લોકપ્રિય બન્યું હતું.

આંધ્રપ્રદેશના બાપટલા નજીકના સ્ટુઅર્ટપુરમ ગામનો ગોકરી નાગેશ્વર રાવ નામનો ચોર, 'ટાઇગર' નામે પણ ઓળખાય છે. કેટલાક લોકો તેને આંધ્રપ્રદેશનો રોબિન હૂડ કહે છે.

હવે 'ટાઈગર નાગેશ્વર રાવ' નામની એક ફિલ્મ બની રહી છે અને દક્ષિણના પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રવિ તેજા તેમાં મુખ્ય પાત્ર ભજવવાના છે.

ગ્રે લાઇન

ટાઇગર નાગેશ્વર રાવની ખરી કથા શું છે?

પોલીસ રેકર્ડ મુજબ, ગોકરી નાગેશ્વર રાવ સ્ટુઅર્ટપુરમના સૌથી કુખ્યાત ચોરોમાંથી એક હતો. તેની સામે અનેક કેસ નોંધાયેલા હતા. અનેક ચોરીઓમાં તે મુખ્ય ખેલાડી હતો અને તે ચોરની એક ટોળકીનો લીડર હોવાનું પણ કહેવાય છે.

વર્ષ 1980ની 24 માર્ચે પોલીસ ગોળીબારમાં તેનું મૃત્યુ થયું હતું. એ અગાઉ ઘણીવાર તે પોલીસના હાથમાંથી છટકી ગયો હતો. 23 માર્ચની રાતે તે એક મહિલા સાથે હતો ત્યારે પોલીસે તેના ઘરને ઘેરી લીધું હતું. તે અથડામણમાં માર્યો ગયો હોવાનું પોલીસે 24 માર્ચે જાહેર કર્યું હતું.

નાગેશ્વર રાવ 27 વર્ષની વયે લોકોમાં જાણીતો થયો હતો. તેનું કારણ તેની પ્રવૃત્તિઓ હોવાનું નાગેશ્વર રાવના ભાઈ પ્રભાકર રાવનું કહેવું છે.

પ્રભાકર રાવે બીબીસીને કહ્યું હતું કે, “ચોરીનો વારસો અમને અમારા પિતા પાસેથી મળ્યો હતો. અમે ઘણી ચોરી અને લૂંટફાટ કરી હતી. મારા નાના ભાઈ નાગેશ્વર રાવે પણ તેમાં ભાગ લીધો હતો. તેઓ ચોરી-લૂંટફાટમાંથી જે કંઇ મેળવતા હતા તે બધું જરૂરિયાતમંદોને દાનમાં આપી દેતા હતા. અમે બધાએ સાથે મળીને ચોરી કરી હોય તો પણ મળેલું બધું દાનમાં આપી દેતા હતા. તેમણે ચોરી શરૂ કરી એ પહેલાં બે એકર જમીન ખરીદી હતી. તેથી એ જમીન સિવાય અમારી પાસે બીજું કશું જ બચ્યું નથી.”

સ્ટુઅર્ટપુરમમાં એક નાનકડા ઘરમાં રહેતા પ્રભાકર રાવે જણાવ્યું હતું કે નાગેશ્વર રાવે ચોરીમાં લાખોની કમાણી કરી હતી અને તેને છૂપાવી રાખવાનું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. ચોરીના માલનું દાન કરવાની પ્રવૃત્તિને કારણે તેમને પોલીસથી બચવામાં મદદ મળતી રહી હતી. આખરે નાગેશ્વર રાવ પોલીસ ગોળીબારમાં માર્યો ગયો ત્યારે લોકોમાં જોરદાર રોષ જોવા મળ્યો હતો.

ગ્રે લાઇન

બાંગનપલ્લેમાં સનસનાટીભરી લૂંટ

નાગેશ્વર રાવ
ઇમેજ કૅપ્શન, નાગેશ્વર રાવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજના નાંદ્યાલ જિલ્લાના બાંગનપલ્લેમાં 1974માં એક બૅન્ક લૂંટવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સલામતીના જડબેસલાક બંદોબસ્ત છતાં લૂંટારાઓએ બૅન્ક લૂંટી હતી. ઘણી રોકડ અને દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. એ સમયે લગભગ રૂ. 35 લાખની લૂંટ કરવામાં આવી હતી.

મધરાતે બૅન્કમાં ઘૂસીને, કર્મચારીઓને કચડી અને તમામ સંપત્તિ ચોરી જવાની આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી.

પ્રભાકર રાવે બીબીસીને કહ્યું હતું કે, “દસ લોકોની ટોળકીએ બાંગનપલ્લે લૂંટ કરી હતી. અમે તમામ પ્રકારની સાવચેતી રાખી હતી, કારણ કે બૅન્ક પોલીસ સ્ટેશનની સામે જ આવેલી હતી. અમે મધરાતે બૅન્કનો પાછલો દરવાજો તોડીને અંદર દાખલ થયા હતા. અમે બૅન્કની તિજોરી નજીકના કબ્રસ્તાનમાં લઈ ગયા હતા. તેમાં 14 કિલો સોનું અને રૂ. 50 હજાર રોકડા હતા. એ બધો માલ અહીં લાવીને ટોળકીના સભ્યોમાં તેની વહેંચણી કરતા હતા ત્યારે પોલીસે અમારા ગામને ઘેરી લીધું હતું. નાગેશ્વર રાવ નાસી છૂટ્યો હતો, પણ મેં આત્મસમર્પણ કર્યું હતું.”

આ ઘટનામાં નાગેશ્વર રાવ નાસી છૂટવામાં સફળ થયો હોવાથી લોકોમાં તેને વધુ ખ્યાતિ મળી હતી, પરંતુ પોલીસ તેના પર રોષે ભરાઈ હતી.

બીબીસી ગુજરાતી

જેલમાંથી પણ પલાયન

1970ના દાયકામાં ઘણી ચોરીમાં સંડોવાયેલી પ્રભાકર રાવની ટોળકીમાં નાગેશ્વર રાવ જોડાયો હતો. તે લગભગ 15 વર્ષ સુધી મોટી ચોરીઓમાં સક્રિય રીતે સામેલ હતો. નાગેશ્વર રાવને આદરપાત્ર ગણતા લોકો તેને 'ટાઇગર' તરીકે ઓળખવા લાગ્યા હતા. તેનું કારણ એ હતું કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં અનેક મોટી લૂંટ ચલાવવા છતાં તે પોલીસ ગોળીબારમાંથી બચી ગયો હતો.

નાગેશ્વર રાવ કેટલીક વાર પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો, પરંતુ કેદમાંથી ભાગી છૂટવામાં તેને સફળતા મળી હતી.

પ્રભાકર રાવે જૂની ઘટના યાદ કરતા કહ્યું, “1976ની આસપાસ અમારી તામિલનાડુમાં ધરપકડ કરવામાં આવી હતી. અમે બન્ને અલગ-અલગ જેલમાં હતા. કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે અમારી મુલાકાત થઈ હતી. એ વખતે નાગેશ્વર રાવે કહ્યું હતું કે હું જેલમાં રહી શકું તેમ નથી. તેણે કહ્યું હતું તેમ એ જેલના સંત્રી પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો. એ વખતે તામિલનાડુ પોલીસે મને કહ્યું હતું કે એ ખરેખર ટાઇગર છે.”

બીબીસી ગુજરાતી

સ્ટુઅર્ટપુરમનું નામ બદલાયું

તસવીર

1980ના દાયકા સુધી સ્ટુઅર્ટપુરમ ગાજાડોંગાનું ઘર હતું. સ્ટુઅર્ટપુરમના લોકો ટોળકીઓ બનાવીને વિવિધ વિસ્તારમાં ચોરી કરતા હતા. ઘણા લોકોને ચિંતા થતી હતી કે સ્ટુઅર્ટપુરમના લોકો આવશે તો બધું લૂંટી જશે.

વાસ્તવમાં સ્ટુઅર્ટપુરમ ગામ વિવિધ વિસ્તારોમાં ચોરીમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે 1874ના સેટલમૅન્ટ એક્ટ હેઠળ બનાવવામાં આવ્યું હતું. તેથી ગુનો ગમે ત્યાં આચરવામાં આવ્યો હોય, પરંતુ શંકાની સોય આ ગામ ભણી જ તાકવામાં આવતી હતી.

1911થી 1914 દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકો અહીં સ્થાયી થયા હતા. ગામની સ્થાપના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના હોમ મેમ્બર હેરોલ્ડ સ્ટુઅર્ટ દ્વારા કરવામાં આવી હતી. બેરોજગારીને કારણે તેમજ વધુ ગુના આચરતા બધા લોકો પર નજર રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્ટુઅર્ટપુરમ ટાઇગર નાગેશ્વર રાવ અને તેમના સાથીઓનાં કારનામાં બહાર આવ્યાં પછી કુખ્યાત થયું હતું. તે પોલીસ માટે પડકાર બની ગયું હતું. આ લોકોના હૃદય પરિવર્તન માટે ચારેકોરથી ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી

ટાઇગરનું હૃદય પરિવર્તન કરવાના પ્રયાસો

ટાઇગર

બ્રિટિશ શાસનકાળના પ્રારંભિક વર્ષોમાં ચોરીને અંકુશમાં લેવા માટે ખ્રિસ્તી ધર્મ દ્વારા કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુનેગારોમાં પેઢી દર પેઢી વધારો થવાને કારણે એ પ્રયાસો સફળ થયા ન હતા.

પોલીસ અને સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મેદાનમાં ઊતરી હતી. ખાસ કરીને એથિસ્ટ સેન્ટરના સંચાલકો હેમલતા અને તેમના પતિ લવણમના પ્રયાસોથી કેટલાક લોકોનું હૃદય પરિવર્તન થયું હતું. તેમણે સંસ્કારના નામે બે દાયકાથી વધુ સમય સુધી કરેલા પ્રયાસોનું પરિણામ આજની પેઢીમાં જોવા મળે છે.

પ્રભાકર રાવ અને તેમના જેવા અન્ય લોકોનો હેમલતા અને લવણમમાં વિશ્વાસ વધ્યો હતો. બાંગનપલ્લેમાં જંગી લૂંટ પછી 1970ના દાયકામાં આ દંપતીએ સ્ટુઅર્ટપુરમમાં પણ પ્રયાસો શરૂ કર્યા હતા.

પ્રભાકર રાવ જેલમાં હતા ત્યારે તેમને મળ્યા હતા અને પત્રો દ્વારા તેમના હૃદય પરિવર્તનના પ્રયાસ કર્યા હતા. સ્ટુઅર્ટપુરમના ઇતિહાસ વિશે સંશોધન કરી ચૂકેલા કોમ્પલ્લી સુંદરે જણાવ્યું હતું કે આવા ગુનેગારો જેલમાંથી બહાર આવ્યા પછી તેમને જમીન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આજીવિકાનું સાધન આપવાના પ્રયાસોનું સુંદર પરિણામ મળ્યું હતું.

કોમ્પલ્લી સુંદરે બીબીસીને કહ્યું હતું કે “હેમલતા અને લવણમના અથાક પ્રયાસોને કારણે સ્ટુઅર્ટપુરમમાં પરિવર્તન આવ્યું હતું. શરૂઆતમાં બધાને એવું લાગ્યું હતું કે પ્રભાકર રાવ અને નાગેશ્વર રાવનું પણ અન્યોની માફક હૃદય પરિવર્તન થશે, પરંતુ સમાજ તરફથી સમાન પ્રતિસાદ મળ્યો ન હતો. સમાજની મુખ્ય ધારામાં જોડાવાના નાગેશ્વર રાવના પ્રયાસોમાં તેના ભૂતકાળના ગુનાઓ નડતરરૂપ બન્યા હતા. આખરે તે ફરી ગુનાખોરી તરફ વળ્યો હતો પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.”

સ્ટુઅર્ટપુરમ ગામમાં એક દરવાજાને હેમલતા-લવણમનું નામ આપવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતી

જૂના જખમ ખોતરશો નહીં

સ્ટુઅર્ટપુરમના નામે ભૂતકાળમાં પણ ફિલ્મો બની છે. દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગે પણ લૂંટારાઓ વિશેની બાયોપિક ફિલ્મો બનાવવાનું હિન્દી ફિલ્મોદ્યોગનું વલણ અપનાવ્યું છે. તેમાં હવે ટાઇગર નાગેશ્વર રાવ વિશે ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

આ ફિલ્મનું દિગ્દર્શન વામસી ક્રિષ્ના કરી રહ્યા છે અને તેનું શૂટિંગ ચાલુ છે. નાગેશ્વર રાવ વિશે ફિલ્મ બની રહી છે ત્યારે સ્ટુઅર્ટપુરમના રહેવાસીઓમાં અલગ-અલગ અભિપ્રાય સાંભળવા મળી રહ્યા છે.

પ્રભાકર રાવે કહ્યું હતું કે “ફિલ્મના યુનિટે મારી સાથે વાત કરી હતી. તેમણે મારી પાસે વિગત પણ માગી હતી. ફિલ્મમાં જરૂરિયાત મુજબ કેટલીક બાબતો ઉમેરવામાં આવે તે શક્ય છે, પરંતુ ઈતિહાસને વિકૃત રીતે રજૂ નહીં કરવામાં આવે તેવી મને આશા છે.”

સ્ટુઅર્ટપુરમમાં રહેતાં શારદાએ કહ્યું હતું કે “અમે સ્ટુઅર્ટપુરમમાં ભણતા ત્યારે લોકો અમને અલગ નજરે જોતા હતા. તે ખોટી છાપ હતી. હવે એ છાપ બદલાઈ રહી છે. ગામમાં ઘણા ફેરફાર થયા છે. ઘણા લોકોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને મોટા હોદ્દા પર સ્થાયી થયા છે. સ્ટુઅર્ટપુરમના જૂના ઘા રૂઝાઈ ગયા છે અને નવી પેઢી પણ આવી ગઈ છે. હવે કોઈ શંકા રહેવી ન જોઈએ.”

હાલ ચેન્નઈમાં આઈટી સેક્ટરમાં કામ કરતાં શારદાએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ફિલ્મને કારણે ગેરસમજ સર્જાવાનું જોખમ છે.

1990ના દાયકા સુધી ચોરો માટેનું આશ્રયસ્થાન બની રહેલા સ્ટુઅર્ટપુરમ ગામમાં ઘણું બદલાયું છે. હવે અહીં ભણેલા-ગણેલા યુવાનો સ્થાયી થવા માટે નોકરી શોધી રહ્યા છે અને ગામમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટ્યું છે.

રેડ લાઇન
રેડ લાઇન