ત્રણ છોકરીઓના હત્યારા સીરિયલ કિલરને પોલીસે એક ટેકનિકથી મદદથી વર્ષો બાદ કેવી રીતે શોધી કાઢ્યો?

- લેેખક, ગિલ્બર્ટ જોન
- પદ, બીબીસી ન્યૂઝ
બીબીસીની નવીનતમ ડ્રામા સીરિઝ, સોળ વર્ષની ત્રણ છોકરીની ગળું દાબીને હત્યા કરનાર સીરિયલ કિલરને શોધી કાઢવા માટે દેશમાં અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલા સૌથી મોટા અભિયાન અને ગુનેગારને પકડી પાડવા માટે પોલીસે કરેલા ક્રાંતિકારી પદ્ધતિના ઉપયોગની સત્યકથા પર આધારિત છે.
ઘણાને ડર હતો કે ગુનાશોધક અધિકારીઓ ‘સેટરડે નાઇટ સ્ટ્રેંગલર’ તરીકે કુખ્યાત થયેલા ત્રણ છોકરીઓના હત્યારાને ક્યારેય શોધી શકશે નહીં, પરંતુ એ ગુનેગારને 30 વર્ષ પછી સૌથી ઓછી અપેક્ષિત જગ્યાએથી શોધી કાઢવામાં આવ્યો હતો.
આ સફળતાનો શ્રેયડીએનએ ટેકનિક્સને જાય છે. બ્રિટનના સાઉથ વેલ્સમાં આતંક ફેલાવનાર તે ગુનેગારને આ તકનીકને લીધે શોધી શકાયો હતો.
બીબીસી પર ‘સ્ટીલટાઉન મર્ડર્સ’ નામની સીરિઝનું પ્રસારણ શરૂ થયું છે અને તે આ કરુણાંતિકા તથા ન્યાયની કથા પર આધારિત છે.
આ કથાનો પ્રારંભ 1973ના ઉનાળામાં થયો હતો. બ્રિટનના બીજા ક્રમના સૌથી મોટા તથા ધાતુ ઉદ્યોગ માટે જાણીતા શહેર સ્વાનસી અને તેની આસપાસના વિસ્તારોના લોકો પાર્ટીમાં ગયેલી બે છોકરી ઘરે પાછી ન આવવાની ઘટનાથી ચકિત થઈ ગયા હતા.

સોળ વર્ષનાં સાન્ડ્રા જુલાઈમાં તેમના બૉયફ્રેન્ડ સાથે બ્રિટોન ફેરીમાં બાજુના ગામમાં ગયાં હતાં. તે ઘરથી પાંચ માઈલ દૂર આવેલા વિસ્તારમાંથી ગાયબ થઈ ગયાં હતાં.
પોલીસ એમ માનતી હતી કે સાન્ડ્રાએ કોઈની પાસે લિફ્ટ માગીને ગંતવ્યસ્થાન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
બે દિવસ પછી સાન્ડ્રાનો મૃતદેહ એક ગટરમાંથી મળી આવ્યો હતો. સાન્ડ્રાના માથા પર ફટકા મારવામાં આવ્યા હતા અને તેનું ગળું તેના પોતાના જ સ્કર્ટ વડે દબાવી દેવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી સપ્ટેમ્બરમાં ગેરાલ્ડિન હ્યુજીસ અને પૌલિન ફ્લોયડ નામની બે અન્ય છોકરીના મૃતદેહ લેન્ડર્સી નજીકના જંગલમાંથી મળી આવ્યા હતા. એ બન્નેએ પણ સાંજે સ્વાનસી ખાતેના પોતાના ઘરેથી રવાના થયા બાદ ગંતવ્યસ્થાને પહોંચવા માટે કોઈ ડ્રાઇવર પાસે લિફ્ટ માગી હતી.
સોળ વર્ષની આ સખીઓને પણ માર મારવામાં આવ્યો હતો. તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. એ બન્નેના મૃતદેહ, સાન્ડ્રાનું શબ મળ્યું તેનાથી લગભગ 11 કિલોમીટરના અંતરે મળી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, MIRRORPIX
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના મોતને પગલે વેલ્સમાં હત્યારાના સૌથી મોટા શોધ અભિયાનની શરૂઆત થઈ હતી. 150 પોલીસ અધિકારીઓની ટીમે 35,000 લોકોને પૂછપરછ કરી હતી. એમની પાસેથી મળેલી માહિતી, ગેરાલ્ડિન અને પૌલિન છેલ્લે જે પુરુષ સાથે જોવા મળ્યાં હતાં તેના વર્ણન સાથે મેળ ખાતી હતી.
તે પુરુષ ગાઢા વાળ અને મૂછ રાખતો 30-35 વર્ષનો હતો. એ ઉપરાંત તે જે વાહન ચલાવતો હતો તેની માહિતી પણ પોલીસને મળી હતી.
મુખ્ય સાક્ષીઓએ છોકરીઓને તે રાતે સ્વાનસીથી રવાના થતી અને લાઇટ કલરની મોરિસ-1100 કારમાં પ્રવાસ કરતી જોઈ હતી. એ કાર પેલો પુરુષ ચલાવી રહ્યો હતો.
બીબીસીના સંવાદદાતા તરીકે મેં 1973ની એ હત્યાઓનું રિપોર્ટિંગ કર્યું હતું. જે વિસ્તારમાં ભાગ્યે જ હત્યાઓ થતી હતી ત્યાં એ ઘટના બની હતી.
રાત્રે બહાર ગયેલી અને ગુમ થઈ ગયેલી છોકરીઓની ઘટનાને લીધે ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ગુનેગાર કોણ છે તેનાથી બધા બેખબર હતા.
પીડાનું જાણે કે પૂર આવ્યું હતું અને આ માટે જવાબદાર માણસની ધરપકડ તત્કાળ થવી જોઈએ તેવું નગરવાસીઓ ઇચ્છતા હતા, પરંતુ ગુનેગારની ધરપકડ કરી શકાઈ ન હતી અને પોલીસને નક્કર પગેરું પણ સાંપડ્યું ન હતું.

ગુનાશોધક અધિકારીઓની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, MIRRORPIX
આ હત્યાઓ બાબતે જાતજાતની વાતો થતી હતી. કોમ્પ્યુટરની મદદ વિના પોલીસ નિઃસહાય હતી. તેમણે શકમંદને શોધવા માટે જાતજાતના દસ્તાવેજો ચકાસવા પડ્યા હતા.
પોલીસ અધિકારીઓ એ સમયે માનતા હતા કે ત્રણેય છોકરીની હત્યા એક જ વ્યક્તિએ કરી છે, પરંતુ એ પહેલાં સાન્ડ્રાની હત્યા સંબંધે કેટલાક લોકો તેમના ધ્યાનમાં આવી ગયા હતા.
સાન્ડ્રાના મોત પહેલાં છેલ્લે તેમની સાથે તેમના બૉયફ્રેન્ડ હતા. જોકે, પોતે નિર્દોષ હોવાનું રટણ તેઓ કરતા રહ્યા હતા અને તેના પર ક્યારેય આરોપ મૂકવામાં આવ્યા ન હતા.
ત્રણેય છોકરીની હત્યામાં સમાનતા હોવા છતાં ગુનાશોધક અધિકારીઓ સાન્ડ્રા અને ગેરાલ્ડિન તથા પૌલાની હત્યાની તપાસ 30 વર્ષ સુધી અલગ-અલગ કેસ તરીકે કરતા રહ્યા હતા.
ગુનાશોધનના એક નવી પદ્ધતિના આવિષ્કારને પગલે વર્ષ 2000ની શરૂઆતમાં બન્ને કેસની સહિયારી તપાસ શરૂ કરવામાં આવી હતી. ડીએનએ વિશ્લેષણ ગુનેગારોને શોધી કાઢવામાં મદદરૂપ થશે એવી આશાએ સાઉથ વેલ્સ પોલીસે તે સમયથી સસ્પેન્ડેડ કેસોની તપાસ ફરીથી શરૂ કરી હતી.

ગેરાલ્ડિન અને પૌલાનાં વસ્ત્રો પરથી મળેલા વીર્યના ડાઘ એક જ વ્યક્તિના છે તે પુરવાર કરવા તેને અલગ તારવ્યા હતા, પરંતુ થોડા સમય પહેલાં જ શરૂ કરાયેલા ડીએનએ ડેટાબેઝમાં એ પુરુષ વિશે કોઈ માહિતી મળી ન હતી.
તપાસ શરૂ થયાના એક વર્ષ પછી ઑપરેશન મેગ્નમ તરીકે ઓળખાતું પરીક્ષણ સાન્ડ્રાના અન્ડરવેર પર કરવામાં આવ્યું હતું અને તેમાં ગુનાશોધક અધિકારીઓને પ્રથમ મોટી સફળતા મળી હતી. તેમાં એક અજાણ્યા પુરુષનું ડીએનએ જોવા મળ્યું હતું.
ફોરેન્સિક સાયન્ટિસ્ટ ડૉ. કોલિન ડાર્કે કહ્યું હતું કે “ડીએનએના એક ચોક્કસ લક્ષણને જોતાં જ હું પારખી ગયો હતો કે તે લેન્ડર્સીના હત્યારાનું છે. તે એકદમ ચોંકાવનારું હતું. તેનો અર્થ એ હતો કે સાઉથ વેલ્સના એક પુરુષે જ 1973માં ત્રણેય છોકરીની હત્યા કરી હતી.”
તે શોધને લીધે સ્પષ્ટ પુરવાર થયુ હતું કે સાન્ડ્રાના મોત માટે તેનો તત્કાલીન બૉયફ્રેન્ડ સંપૂર્ણપણે નિર્દોષ હતો.
ન્યૂ ઇન્વેસ્ટિગેશનના વડા ઇન્સ્પેક્ટર પૌલ બેથેલે કહ્યું હતું કે, “એક જ માણસે ત્રણેય છોકરીની હત્યા કરી હોવાની ખબર અમને 30 વર્ષ પછી પહેલી વાર પડી હતી.”

ડીએનએ વડે ઈતિહાસનું સર્જન : પહેલો તબક્કો

ઇમેજ સ્રોત, MIRRORPIX
ડીએનએના નેશનલ ડેટાબેઝમાં કોઈ મૅચિંગ સૅમ્પલ ન હોવાને કારણે હત્યારાની ઓળખ રહસ્ય બની રહી હતી. તેથી ગુનાશોધક અધિકારીઓએ બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ ‘ક્રાઇમવૉચ’ની મદદ માગી હતી. વણઉકેલાયેલા ગુનાઓનું આ કાર્યક્રમમાં સંભવતઃ કેવી રીતે આચરવામાં આવ્યા હશે તે આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવે છે.
જોકે, વિજ્ઞાનીઓએ હત્યારાની શોધ માટે ડીએનએના ઉપયોગની વધુ એક ક્રાંતિકારી પદ્ધતિ શોધી કાઢી હતી.
ડૉ. ડાર્કની ટીમ સતત વિસ્તરતા ડીએનએ ડેટાબેઝમાં નવી પ્રોફાઇલ સાથે નમૂના મૅચ કરવાનું કામ સતત કરતી રહે છે.
ડૉ. ડાર્કે કહ્યું હતું કે “ગુનો પારિવારિક લક્ષણ હોય તે શક્ય છે, એ બાબતે વિચારવાનું અમે શરૂ કર્યું હતું. આપણને આપણાં માતાપિતા પાસેથી ડીએનએનો વારસો મળે છે અને આપણા દ્વારા તે આપણાં સંતાનોને મળે છે. અમને સવાલ થયો કે ગુનેગારના સંતાનનો ડીએનએ ડેટાબેઝ મેળવી શકાય કે કેમ? તે જરૂર શક્ય હતું.”
ડૉ. ડાર્કના જણાવ્યા મુજબ, એ કામ જંગી હતું. “તેનો અર્થ એ હતો કે સાઉથ વેલ્સના હજારો પુરુષોની ડીએનએ પ્રોફાઇલની સ્પ્રેડશીટ છાપવી પડશે, પેન-પેન્સિલ લઈને બેસવું પડશે અને એકમેકની સાથે મેળ ન ખાતી હોય તેવી તમામ પ્રોફાઇલને પડતી મૂકવી પડશે.”
તેમણે ઉમેર્યું હતું કે “તે ક્રાંતિકારી ટેકનિક હતી. બ્રિટનમાં અને કદાચ વિશ્વમાં પહેલી વાર તેવું કરવામાં આવ્યું હતું. તેમાંથી ફેમિલિયલ ડીએનએ નામનું નવું રિસર્ચ ટૂલ વિકસાવવામાં આવ્યું હતું.”
“અમે બનાવેલી યાદી વ્યક્તિના વર્ણન પર આધારિત હતી. તેઓ મોરિસ-1100 કારના માલિક છે કે કેમ અને જાતીય હિંસા કે અન્ય ગુનાઓનો તેમનો ક્રિમિનલ રેકૉર્ડ છે કે કેમ તેની પણ અમે તપાસ કરી હતી.”

જો કેપેન નામનો એક શકમંદ

બન્ને લિસ્ટના ક્રોસ-રેફરન્સિંગ પછી એક નામ બહાર આવ્યું હતું. તે હતું : કેપેન.
પૉર્ટ ટેલ્બોટની આસપાસ અનેક ગુનાહિત કૃત્યો કરનાર કાર ચોર પોલ કેપેનનું ડીએનએ ડેટાબેઝમાં હતું, પરંતુ ત્રણેય છોકરીની હત્યા થઈ ત્યારે પોલ કેપેન માત્ર સાત વર્ષના હતા.
તેમના પિતાની 1973માં પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે તેઓ શકમંદ જેવા દેખાતા હતા અને તેઓ લાઇટ કલરની મોરિસ-1100 કાર પણ ચલાવતા હતા.
એ જ વર્ષે પોલીસે એક નાઇટક્લબના બાઉન્સર તથા બસ ડ્રાઇવર જોસેફ (જો) કેપેનના ઘરની મુલાકાત લીધી હતી. જો કેપેન પૉર્ટ ટાલ્બોટના સ્ટેનફિલ્ડમાં એક સબ્સિડાઇઝ્ડ મકાનમાં રહેતા હતા.
જોકે, તેમણે તેમનાં પત્નીની મદદથી એવો દાવો કર્યો હતો કે હત્યાની રાતે તેમની કાર ખરાબ થઈ ગઈ હતી.
એ ઘટનાને યાદ કરતાં ઇન્સ્પેક્ટર બેથેલે કહ્યું હતું કે “જો કેપેન ગામમાં દાદાગીરી કરતી વ્યક્તિ તરીકે કુખ્યાત હતો. તે ઘરેલુ હિંસાનો ગુનેગાર હતો અને અનેક વખત જેલમાં પણ રહ્યો હતો.”

ઇમેજ સ્રોત, MEAN PA
જો કેપેનના દીકરાના ડીએનએ સાથે હત્યારાના ડીએનએનું 50 ટકા મૅચ થતું હતું. આ રીતે હત્યાના ત્રણ દાયકા પછી જોસેફ
કેપેન મુખ્ય શકમંદ બન્યો હતો.
જોકે, પોલીસ તેના ડીએનએનું સૅમ્પલ લેવા તેના ઘરે ગઈ ત્યારે સમસ્યા સર્જાઈ હતી. કેપેનનું 11 વર્ષ પહેલાં, 1990માં ફેફસાંના કૅન્સરને કારણે 48 વર્ષની વયે મોત થયું હતું.
શંકાની પુષ્ટિ કરવા માટે પોલીસ તથા વિજ્ઞાનીઓએ કેપેનનાં ભૂતપૂર્વ પત્ની અને તેમની દીકરીને ડીએનએ સૅમ્પલ્સ માટે વિનંતી કરી હતી, જેથી તેને હત્યારાના ડીએનએના સૅમ્પલ સાથે સરખાવી શકાય.
વેલ્સના મોનમાઉથશાયરમાં ચેપસ્ટો ખાતેની જૂની ફોરેન્સિક લૅબોરેટરીમાં પોતાની ટીમ સાથે કામ કરતા ડૉ. ડાર્કે કહ્યું હતું કે “તેને લીધે અમને જો કેપેનના સંપૂર્ણ ડીએનએ પ્રોફાઇલનો બે-તૃતિયાંશ હિસ્સો સાંપડ્યો હતો.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે ગુનાના પુરાવામાંથી લેવામાં આવેલી બ્લોટ પ્રોફાઇલ સાથે તે મૅચ કરી ત્યારે તે સંપૂર્ણપણે મૅચ થઈ હતી. એ માણસ જ ખરો ગુનેગાર છે તેની ખાતરી કરવા માટે તેની સંપૂર્ણ પ્રોફાઇલ જરૂરી હતી.”

ડીએનએ વડે ઈતિહાસનું સર્જન : બીજો તબક્કો

જો કેપેને જ ત્રણેય છોકરીની હત્યા કરી હોવાનું સુનિશ્ચિત કરવા ગુનાશોધક અધિકારીઓને કૃતનિશ્ચય હતા, જેથી ત્રણેય છોકરીઓના પરિવારજનો આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી શકે.
એ પ્રક્રિયા માટે કેપેનનો મૃતદેહ કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. અપરાધ સાબિત કરવા કોઈ શકમંદનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોય તેવી બ્રિટનમાંની તે પહેલી ઘટના હતી.
એ માટે જરૂરી પરવાનગી મેળવવા ગુનાશોધક અધિકારીઓએ સર્વોચ્ચ સ્તરે અપીલ કરવી પડી હતી અને હોમ સેક્રેટરીની મંજૂરી લેવી પડી હતી.
ડેવિડ બ્લંકેટ 2001થી 2004 દરમિયાન હોમ સેક્રેટરી હતા. તેમણે કહ્યું હતું કે “પૂરતા પુરાવા છે કે કેમ તે મારી મુખ્ય ચિંતા હતી, કારણ કે તે બહુ મોટું પગલું હતું અને અમે તેમાં ખોટા સાબિત થઈશું તો તેમના પરિવારજનો અમારાથી નારાજ થશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “જોસેફ કેપેનને મૃતદેહને કબરની બહાર કાઢવાની મંજૂરીના મારા નિર્ણયનો સ્પષ્ટ હેતુ, ત્રણેય છોકરીની હત્યા જોસેફ કેપેને જ કરી હતી તે પુરવાર કરવાનો અને છોકરીઓના પરિવારજનોને એક પ્રકારના રાહત આપવાનો હતો. સત્ય શોધી કાઢવાનું બહુ મહત્ત્વનું હતું.”
કબર ખોદવાનું કામ મે, 2002માં એક મધરાતે શરૂ થવાની સાથે ઇતિહાસ રચાયો હતો.

ડૉ. ડાર્કે કહ્યું હતું કે, “એ ભયાનક રાત હતી અને અમે કેપેનની શબપેટી નજીક પહોંચ્યા તેની સાથે જ તાળીઓનો ગડગડાટ થયો હતો. મને લાગ્યું કે અમે દુષ્ટને ઓળખી કાઢ્યો છે. ગજબની ઠંડકનો અનુભવ થયો હતો.”
સ્વાનસીની મોરિસન હૉસ્પિટલમાં ફોરેન્સિક ડીએનએ પરીક્ષણથી લગભગ ત્રણ દાયકા બાદ પુરવાર થયું હતું કે ત્રણેય છોકરીની હત્યા જો કેપેને જ કરી હતી.
ગેરાલ્ડિનની પિતરાઈ બહેન જુલી બેગ્લેએ કહ્યું હતું કે, “એ વખતે અમે જે લાગણી અનુભવી હતી તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. બહુ જ રાહત થઈ હતી. અમને ખાતરી હતી કે ગુનેગારને એક દિવસ શોધી કાઢવામાં આવશે. જીવન આગળ ધપતું રહ્યું હતું, પણ એ ક્યારેય ભુલાયું ન હતું. ગેરાલ્ડિન અદભુત છોકરી હતી. કાયમ ખુશખુશાલ રહેતી હતી.”

ગેરાલ્ડિન અને પૌલીનના જ નહીં, સાન્ડ્રાના પરિવારજનોને પણ એક પ્રકરણ પૂર્ણ થવાથી રાહત મળી હતી.
સાન્ડ્રાની સખી થેરેસા મેએ કહ્યું હતું કે “હું છેલ્લાં ઘણાં વર્ષથી નિયમિત તેની કબર પર પ્રાર્થના કરવા જાઉં છું. એ મૃત્યુ પામી છે એ હું આજે પણ માની શકતી નથી.”
થેરેસાએ ઉમેર્યું હતું કે “હત્યારાએ મારી સુંદર સખીનો જીવ લઈ લીધો. તેનું ભવિષ્ય છીનવી લીધું. હું આજે પણ સાન્ડ્રા વિશે વિચારું છું. અમે જે સાથે કર્યું હતું અને સાથે કરી શક્યા હોત તેનો વિચાર કરું છું. હવે મને લાગે છે કે આટલાં વર્ષો પછી તેને શાંતિ મળશે.”














