'સ્વર્ગમાં જવું હોય તો ભૂખ્યા રહો' અને 80થી વધુ લોકો સ્વેચ્છાએ ભૂખથી મોતને ભેટ્યા

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ડેમિયન જેન
- પદ, બીબીસી ન્યૂઝ
કેન્યાના તટ પાસે એક જંગલમાં ફૉરેન્સિક ટીમો સામૂહિક કબરો શોધી રહી છે.
અત્યાર સુધી 14 સામૂહિક કબરોમાંથી 47થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હુસૈન ખાલિદ છેલ્લા ચાર દિવસથી એ કબરોમાંથી સંખ્યાબંધ મૃતદેહો કાઢી ચૂક્યા છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "હું ગંધ સહન કરી શકતો નથી."
તમામ મૃતકોને 'ગૂડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચ'ના સભ્ય માનવામાં આવી રહ્યા છે અને મૃતકોની કુલ સંખ્યા 80થી વધુ છે.
તેમનું માનવું છે કે દુનિયા ખતમ થઈ રહી છે અને સ્વર્ગ જવા માટે તેમણે ભૂખ્યા રહેવું પડશે.
ખાલિદ હકી એક માનવાધિકાર સંગઠન ચલાવે છે. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ આ સંસ્થાના લોકો સ્થાનિક તંત્ર સાથે મળીને જંગલમાં સામૂહિક કબરો શોધી રહ્યા છે.
ખાલિદે જણાવ્યું કે આ કબરો શાખોલા જંગલના એકદમ ગુપ્ત વિસ્તારોમાં આવેલી છે. ખાલિદે જણાવ્યું કે તેમની ટીમે રસ્તામાં ઝાડીઝાંખરાં હઠાવીને ત્યાં પહોંચવું પડ્યું હતું.

ઢગલાબંધ મૃતદેહો

ઇમેજ સ્રોત, Reuters
મંગળવાર સુધીમાં 89 મૃતદેહો કબજે લેવાયા છે. પોલીસનું અનુમાન છે કે મૃતકોની સંખ્યા વધારે હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રેડક્રૉસ અનુસાર, 112 લોકો ગુમ છે. પોલીસનું કહેવું છે કે એ મુજબ મૃતકોનો કુલ આંકડો વધી શકે છે.
ખાલિદનું અનુમાન છે કે સ્થળ પર 60થી વધુ સામૂહિક કબરો હોઈ શકે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર એક ચતુર્થાંશ કબરો ખોદાઈ શકી છે.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં 29 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પરંતુ પોલીસનું કહેવું છે કે તેઓ બચવા માટે તૈયાર ન હતા, કારણ કે તેમનું માનવું હતું કે દુનિયા ખતમ થઈ રહી છે.
ખાલિદે રવિવારે 20 વર્ષીય એક મહિલાને જોઈ. તે એકદમ અશક્ત દેખાઈ રહી હતી. ખાલિદે કહ્યું કે તેમના ચહેરા પર જીવવાની કોઈ આશા દેખાતી ન હતી અને તેઓ કોઈ મદદ પણ ઇચ્છતા ન હતા.
ખાલિદ જણાવે છે, "અમે તેમને ચમચીથી ગ્લુકોઝવાળું પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે નહોતી ઇચ્છતી હતી કે અમે એવું કરીએ. તેમનું મોં સંપૂર્ણ રીતે બંધ હતું. તેને કોઈ મદદ જોઈતી ન હતી."
તેમણે કહ્યું કે વધુ સારવાર માટે એ મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખાલિદ ચાળીસી વટાવી ચૂકેલી એક વ્યક્તિને મળ્યા. તેમણે કહ્યું કે તેઓ બોલવાની સ્થિતિમાં છે.
એ વ્યક્તિ સાથેની વાતચીત વિશે ખાલિદે કહ્યું, "તેમણે અમને કહ્યું કે અમને બચાવો નહીં, એકલા છોડી દો. તેણે અમને ટોણો પણ માર્યો કે તમે દુશ્મન છો. જે અમને સ્વર્ગ જતા રોકો છો."
એ વ્યક્તિને પણ સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી.

અહીં સુધી કે બાળકો પણ...

ઇમેજ સ્રોત, Getty Images
મલિંદી કૉમ્યુનિટી હ્યુમન રાઇટ્સ સેન્ટરના વિક્ટર કૉડો મૃતદેહો એકઠા કરવામાં મદદ કરી રહ્યા છે.
તેમનું માનવું છે કે ત્યાં અંદાજે 150 મૃતદેહો હશે.
વિક્ટરે કહ્યું કે એક વ્યક્તિએ તેમનાં ત્રણ બાળકોની સુરક્ષા માટે તેમના સંગઠનનો સંપર્ક કર્યો હતો.
તેમણે બીબીસીને જણાવ્યું, "આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે, કેમ કે અમે માત્ર એક વ્યક્તિને બચાવામાં સક્ષમ રહ્યા. એ બાળક છ વર્ષનું હોઈ શકે છે. બાળકના ભાઈ અને બહેનનું પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. અમે ત્યાં પહોંચ્યા એના એક દિવસ પહેલાં જ તેમને દફનાવવામાં આવ્યા હતા."
સમગ્ર દેશ ભયભીત હતો, કારણ કે આટલા બધા લોકો સ્વેચ્છાએ અને જાણી જોઈને ભૂખે મરી રહ્યા હતા.
કેન્યા એક ધાર્મિક દેશ છે. ત્યાંની 85 ટકા વસતી ખ્રિસ્તી છે.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો પણ એક ધાર્મિક વ્યક્તિ છે. ગૂડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચના નેતા, પાદરી મૅકેન્ઝી ઍનથેંગની રૂટોએ 'ધર્મ વગરના વ્યક્તિ' તરીકે ટીકા કરી હતી.
કેન્યાના ગૃહમંત્રી કિથુરે કિંડિકીએ આ ઘટનાને નરસંહાર ગણાવી હતી.
મૅકેન્ઝી પર ગયા મહિને બે બાળકોના મૃત્યુનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એ બાળકોના માતાપિતા હાલમાં જ ચર્ચમાં જોડાયા હતા.
ત્યાર પછી તેઓ જામીન પર છૂટી ગયા હતા. હાલ તેઓ પાછા પોલીસ કસ્ટડીમાં છે.

ઇમેજ સ્રોત, REX/SHUTTERSTOCK
કેન્યન સૅનેટના અધ્યક્ષ અમેઝન કિંગીએ પૂછ્યું, "એવું કેવું કે આટલા જઘન્ય ગુના વિશે અત્યાર સુધી કોઈને કંઈ ખબર ન પડી?"
સવાલ એ પણ ઊઠે છે કે તેઓ ભૂખે મરવા તૈયાર કેમ અને કેવી રીતે થયા?
ખાલિદે એક વ્યક્તિને યાદ કરતા કહ્યું કે તેમનો ભાઈ ચર્ચમાં સામેલ થવા માટે 14, 17 અને 21 વર્ષની ઉંમરના તેનાં બાળકોને સાથે લઈ ગયો હતો.
એ વ્યક્તિને ડર છે કે બાળકો મૃત્યુ પામી શકે છે.
મનોવૈજ્ઞાનિક ડૉ. જેમ્સ કિપસંગનું કહેવું છે કે કેન્યામાં નિયંત્રણ વગરનાં નાનકડાં ચર્ચોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે એક મોટી સમસ્યા બની ગઈ છે.
ખાલિદે કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું હતું કે 325 હૅક્ટરના જંગલમાં એક જગ્યા છે, જ્યાં લોકો સંતાઈને પ્રાર્થના કરે છે.
તેમણે પોલીસ અધિકારીઓને જલદીથી જલદી એ જગ્યા શોધવા અને ત્યાંથી લોકોને બચાવવા માટે કહ્યું છે.
સ્થાનિક લોકોને જાણ થતા તેઓ પણ જ્યાં સામૂહિક કબરો ખોદાઈ રહી છે, તે વિસ્તારમાં આવવા લાગ્યા અને પોલીસને પોતાના ગુમ સંબંધીઓ વિશે જણાવવા લાગ્યા હતા.














