ગુજરાત : એક જ પરિવારમાં ત્રણ-ત્રણ દીકરીનાં મોત, સગ્ગી પુત્રીની હત્યાની આરોપી માતાનો શું પ્લાન હતો?

ગુજરાત મહિલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મૂળ મધ્ય પ્રદેશના નાનકડા ગામમાં રહેતી 27 વર્ષીય નંદિનીની દીકરીની હત્યાના આરોપમાં ભરૂચ પોલીસે ધરપકડ કરી છે.

તેના પતિ માનવીરસિંહે નંદિની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

માતા દ્વારા જ પોતાની દીકરીની હત્યાની આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે તેણે આ હત્યા બાદ પરિવારજનોને દીકરી કુદરતી રીતે મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું.

જોકે, દીકરીની હત્યા બાદ તેના પતિને જો એક શંકા ન થઈ હોત તો આ હત્યા છુપાવવા માટે પણ તેણે કારસો રચી નાખ્યો હતો.

આ ઘટનામાં અન્ય ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પણ નંદિનીની બે પુત્રીનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં છે. તેની હત્યા થઈ હતી કે કુદરતી મૃત્યુ હતાં, તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

ગ્રે લાઇન

પ્રથમ બાળકીનો જન્મ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના મુરેના જિલ્લામાં આવેલા નાનકડા ગામ ખનોલીમાં જન્મેલી નંદિનીએ ભરૂચ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં કહ્યું, "મનાઈઓ વચ્ચે હું 19 વર્ષની થઈ અને ત્યારે જ મારા પિતાએ મારાં લગ્ન રાજસ્થાનના ગુમાનપુર ગામમાં રહેતા અમારી જ જ્ઞાતિના માનવીરસિંહ ચૌહાણ સાથે કરાવ્યાં."

તેણે આગળ કહ્યું, "લગ્ન પહેલાં મારા પતિએ કહેલું કે આપણે ગામડે નહીં, શહેર (ભરૂચ)માં રહીશું અને તારે ઢોરઢાંખર નહીં સંભાળવા પડે. પણ હું જ્યારે સાસરે આવી તો હાલત સાવ જુદી હતી. અહીં આખો દિવસ ઘૂંઘટમાં રહેવાનું, ઘરના કામકાજ કરવાનાં. શરૂઆતમાં તો મારે ગામડે જ રહેવું પડતું હતું. અનેક વખત કહ્યા પછી પતિએ ભરૂચમાં મારા જેઠની બાજુમાં ઘર રાખ્યું અને મને ત્યાં બોલાવી."

"ભરૂચમાં આવ્યા પછી થોડી છૂટછાટ મળી. અહીં સાડીને બદલે પંજાબી ડ્રેસ પહેરવા મળતાં હું ખુશ હતી."

મધ્ય પ્રદેશથી લગ્ન કરીને રાજસ્થાન અને છેલ્લે ગુજરાત પહોંચ્યા બાદ નંદિની અને માનવીરસિંહના ઘરે 'અંશુ' નામક દીકરીનો જન્મ થયો હતો.

દીકરીના જન્મ અને ત્યાર પછીની સ્થિતિ વિશે નંદિનીએ પોલીસને જણાવ્યું, "ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી સાસરિયાએ મ્હેણાં-ટોણાં મારતાં હતાં. હું તેનાથી કંટાળી ગઈ હતી અને આ દરમિયાન મારા પતિ સાથે પણ વારંવાર ઝઘડા થતા હતા."

ગ્રે લાઇન

બે દીકરીઓનાં 'અકસ્માતે' મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, iStock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નંદિનીના પતિ માનવીરસિંહ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અંશુના જન્મ બાદ અમારી વચ્ચે ઝઘડા વધી ગયા હતા. તે વારંવાર મારા પરિવારજનોનો વાંક કાઢીને લડતી હતી. મારા મોટા ભાઈ કલ્યાણસિંહને કોઈ સંતાન ન હતું. આથી ઝઘડાનો અંત લાવવા માટે તેમણે અંશુને દત્તક લેવાની તૈયારી દર્શાવી."

"અંશુ મોટા ભાઈને આપ્યા બાદ અમારી વચ્ચે ઝઘડા થોડા સમય સુધી બંધ રહ્યા અને સમય જતાં અમારે ત્યાં બીજી દીકરી 'બનશુકા'નો જન્મ થયો."

માનવીરસિંહના કહેવા પ્રમાણે, બીજી દીકરીના જન્મ બાદ નંદિની પોતાની જાતને કોસતી રહેતી હતી કે તેની કૂખેથી દીકરાનો જન્મ જ થતો નથી. તેને સમજાવતા તે ગુસ્સે થઈ જતી હતી.

તેઓ આગળ કહે છે, "મેં, તેના પિતા અને મારા પરિવારજનોએ સમજાવ્યા બાદ તે થોડી શાંત થઈ. જોકે, તેને દીકરો જોઈતો હતો. પણ અમારે ફરી દીકરીનો જ જન્મ થયો."

પરિવારમાં જન્મેલી ત્રીજી બાળકીનું જન્મના 20મા દિવસે જ મૃત્યુ થયું હતું. આ વિશે માનવીરસિંહે કહ્યું, "અમને એમ કે બીમારીના કારણે કદાચ તેનું અવસાન થયું હશે. બાદમાં અમે બનશુકા પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું."

માનવીરસિંહ પથ્થર ઘસવાનું કામ કરતા હોવાથી તેમની આવક વધારે નહોતી. તેમના કહેવા પ્રમાણે જ્યારે તેઓ દીકરીના ભવિષ્ય માટે પૈસા બચાવવાની વાત કરતા તો નંદિની ગુસ્સે થઈ જતી હતી અને ઝઘડો કરવા લાગતી હતી.

આ દરમિયાન નંદિનીએ જાન્યુઆરી મહિનામાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવીરસિંહે જણાવ્યું હતું.

જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ અંગે તેમણે કોઈ ફરિયાદ કરી ન હતી. માત્ર સારવાર કરાવીને તેનો જીવ બચાવી લીધો હતો.

બીબીસી

'અંશુ કંઈ બોલતી નથી'

ગુજરાત મહિલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

રાજસ્થાનમાં હોળીનો તહેવાર ઘણો મહત્ત્વપૂર્ણ હોય છે. આ વર્ષે હોળી દરમિયાન માનવીરસિંહ અને તેમની બાજુમાં જ રહેતા તેમના મોટા ભાઈ કલ્યાણસિંહ પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા.

તે દિવસ વિશે વાત કરતાં માનવીરસિંહે જણાવ્યું, "અમે હોળી ઊજવી રહ્યા હતા, એવામાં નંદિની મારી પાસે આવી અને કહ્યું કે બનશુકાનું અકસ્માતે મૃત્યુ થઈ ગયું છે. અમારા આખા પરિવારે માની લીધું કે તે એક અકસ્માત જ હતો."

"આઠ માર્ચે અમે બનશુકાની અંતિમવિધિ કરી, પણ આ અંગે રાજસ્થાન પોલીસને જાણ કરી ન હતી. અંતિમક્રિયા પતાવીને પાછા ભરૂચ આવ્યા બાદ પણ અમારી વચ્ચે ઝઘડા થતા રહેતા હતા."

માનવીરસિંહ અને કલ્યાણસિંહ બંનેને એમ લાગતું હતું કે એક પછી એક બે દીકરીઓ ગુમાવ્યા બાદ કદાચ હતાશાને કારણે તે ઝઘડા કરતી હશે. આથી નંદિનીનું મન લાગ્યું રહે તે માટે કલ્યાણસિંહ તેમની પાસેથી દત્તક લીધેલી દીકરી અંશુને તેમના ઘરે રમવા માટે મોકલતા હતા.

આ દરમિયાન એક દિવસે માનવીરસિંહ કામ પર હતા ત્યારે નંદિનીએ તેમને ફોન કર્યો અને રડમસ અવાજે કહ્યું, "અંશુ કંઈ બોલતી નથી."

આ સાંભળીને માનવીરસિંહ ઘરે દોડી આવ્યા. ત્યાં સુધીમાં તેમના મોટા ભાઈ કલ્યાણસિંહ અંશુને લઈને હૉસ્પિટલ જતા રહ્યા હતા. હૉસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ત્યાર પછી કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે અંશુના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાનો હતો. તે સમયે માનવીરસિંહે કંઈક એવું જોયું કે તેમને શંકા ગઈ.

બીબીસી

શું અન્ય બે દીકરીઓની પણ હત્યા થઈ?

ગુજરાત મહિલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

માનવીરસિંહ કહે છે, "મને અંશુના ગળા પર નિશાન જોવાં મળ્યાં. આથી મેં નંદિનીની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે બપોરે અંશુ તેમના ઘરે આવીને સૂઈ ગઈ હતી ત્યારે તેણે ગળું દબાવીને મારી નાખી છે. આ સાથે નંદિનીએ એમ પણ કહ્યું હતું કે બાદમાં તે છત પર લટકીને મરવા જતી હતી. એટલામાં જ પાડોશીનો દીકરો અંશુ સાથે રમવા માટે આવતા તે આત્મહત્યા ન કરી શકી."

તેમણે આગળ કહ્યું, "એ પછી નંદિનીએ પ્લાન બનાવ્યો અને જોરથી બૂમો પાડવાની શરૂ કરી કે અંશુને કંઈક થયું છે. તેણે કરેલી કબૂલાત બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી."

માનવીરસિંહે નોંધાવેલી ફરિયાદ અને આ કેસ વિશે ભરૂચના ડીવાયએસપી આરઆર સરવૈયાના કહેવા પ્રમાણે, "માનવીરસિંહે ફરિયાદ નોંધાવી હતી કે તેમની પત્નીએ જ દીકરીની હત્યા કરી છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ પ્રતીત થયું છે કે બાળકીનું મૃત્યુ ગળે ટૂંપો આપવાને લીધે થયું છે."

તેમણે આગળ કહ્યું કે "અમારી પૂછપરછમાં પણ તેણે બાળકીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બીજી એક વાત એ છે કે આ પરિવારમાં અગાઉ પણ બે બાળકીનાં મૃત્યુ થયાં છે. જે પૈકી હોળીના દિવસે થયેલી બાળકીનું મૃત્યુ ખરેખર અકસ્માતે થયું હતું કે હત્યા હતી? તેની તપાસ માટે અમારી એક ટીમ રાજસ્થાન ગઈ છે."

રાજસ્થાનના ધોલપુરના એએસપી આરકે વર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હોળીના દિવસે બાળકીની હત્યા કે અકસ્માતે મૃત્યુની કોઈ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી નથી.

તેમણે કહ્યું, "ગુજરાત પોલીસ પાસેથી અમને માહિતી મળ્યા બાદ અમે સ્મશાનગૃહો અને ગુમાનપુર ગ્રામપંચાયતમાં તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં કેટલાક સમાજમાં પાંચ વર્ષથી નાની વયનાં બાળકોના મૃત્યુ બાદ દફનાવવાની પ્રથા હોવાથી જો તેમણે પણ એમ કર્યું હશે તો ડીએનએ ટેસ્ટ થકી તપાસ કરવામાં આવશે અને ગુજરાત પોલીસને સાંયોગિક પુરાવા એકત્ર કરવામાં મદદ કરાશે."

બીબીસી

'પોસ્ટપાર્ટમ સાયકોસિસ'

આ પ્રકારના કિસ્સા પાછળનું મનોવિજ્ઞાન સમજાવતા જાણીતા મનોચિકિત્સક જ્યોતિક ભચેચ કહે છે, "જો કોઈ સ્ત્રી બાળપણમાં 'નિગ્લેક્ટડ ચાઇલ્ડ' હોય તો તેનામાં એક આક્રોશ ભરેલો હોય છે અને ગર્ભાવસ્થા દરમિયાન આ સ્ત્રીઓમાં અન્ય સ્ત્રીઓ કરતાં ડોપામાઇન નામક હૉર્મોન્સનું પ્રમાણ વધારે થઈ જાય છે. જેના કારણે 'પોસ્ટપાર્ટમ સાયકોસિસ' નામક રોગ થઈ જાય છે."

તેઓ આગળ કહે છે, "આ રોગમાં જાતભાતના ભ્રમ થઈ જતા હોય છે. 'બાળકના જન્મથી પરિવારના લોકો હેરાન કરશે, દીકરીને જન્મ આપ્યો એટલે તું યોગ્ય માતા નથી' આવા જાતભાતના ભ્રમ અને વિચારોને કારણે તેઓ પોતાની નિર્ણયશક્તિ ગુમાવી દેતા હોય છે આક્રોશના કારણે પોતાનાં બાળકોને પણ નુકસાન પહોંચાડી શકે છે."

"ઘણા કિસ્સામાં માતા બાળકને જન્મ આપ્યા બાદ ડિપ્રેશનનો પણ શિકાર બને છે. એમાં જો 'પોસ્ટપાર્ટમ સાયકોસિસ'થી પીડિત હોય તો પહેલા આત્મહત્યાનો પ્રયાસ કરે છે અને જો તેને અવગણવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે."

રેડ લાઇન
રેડ લાઇન