તામિલનાડુ : 'મેં જ મારી બે દીકરીઓને મારી નાખી', એક માતાએ કહી આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રમિલા ક્રિષ્નન
- પદ, બીબીસી તામિળ

- એક માતાએ એમની બે દીકરીઓને ઝેર આપીને મારી નાખી
- મહિલા વાસુકીએ પોતાની કહાણી બીબીસી સાથે શૅર કરી
- કેમ દીકરીઓને મારી નાખી તેની કહાણી તેમના જ શબ્દોમાં

તમિલનાડુના વેલ્લોર જિલ્લાની વાત છે જ્યાં એક મહિલાએ એક બાદ એક ત્રણ દીકરીઓને જન્મ આપ્યો. ત્રણ દીકરી જન્મતાં મહિલાએ પરિવારજનો, સંબંધીઓ અને ગ્રામજનોની કડવી વાતો સાંભળવી પડી. આખરે માતાએ બે દીકરીઓને ઝેર આપીને મારી નાખી અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દીકરીઓ તો મરી ગઈ, પણ આત્મહત્યાના પ્રયાસમાં પોતે બચી ગયાં.
વાસુકી (બદલાયેલું નામ)ની ધરપકડ બાદ તેમને મદ્રાસ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમણે કહ્યું હતું કે તેમણે સામાન્ય સંજોગોમાં પોતાની દીકરીઓની હત્યા કરી ન હતી. જજ ભરત ચક્રવર્તીએ નક્કી કર્યું કે તેઓ વાસુકીના કેસને અલગ રીતે જોશે જેમાં વર્તમાન આધુનિક સમયમાં પણ દીકરી સાથે ભેદભાવ જોવા મળે છે.
તેમણે વાસુકીને એ વાત કહીને છોડી દીધાં કે તે સુનિશ્ચિત કરે કે તે પોતાની બીજી બે દીકરીઓની સંભાળ લે અને ભણાવી ગણાવીને મોટી કરે.
તમિલનાડુમાં દેવી નલ્લથંકાલની ઘણી જગ્યાએ પૂજા થાય છે.
કથા અનુસાર, એક વખત પોતાનાં સાત બાળકોનો ગરીબીના કારણે ઉછેર ન કરી શકતાં હોવાના કારણે એક મહિલાને તેમના પતિએ ત્યજી દીધાં. મહિલા પોતાના ભાઈને ઘરે ગયાં. ત્યાં તેમનાં ભાભી તેમને ઘરકામ સરખું નહીં કરતાં હોવાની વાતો કહી અપમાનિત કરતાં હતાં. ગુસ્સે ભરાયેલા નલ્લથંકાલે આવી પરિસ્થિતિમાં એક બાદ એક પોતાનાં બધાં બાળકોને કૂવામાં ફેંકી દીધા અને છેલ્લે પોતે પણ આત્મહત્યા કરી લીધી.
જસ્ટિસ ભરત ચક્રવર્તીનો મત છે કે આજના સમયમાં જ્યારે મહિલાઓ માટે ભણતર અને નોકરીની તકો વધારે છે ત્યારે પણ વાસુકી જેવી મહિલાઓ પોતાની દીકરીઓને નલ્લથંકાલની જેમ મારી નાખવા મજબૂર બની છે.
વાસુકીએ પોતાની કહાણી બીબીસી સાથે શૅર કરી.

વાંચો તેમની કહાણી, તેમના જ શબ્દોમાં :

ઇમેજ સ્રોત, Getty Images
મારા ઘરમાં અમે બધા કામ પર જતાં હતાં. મારા પિયર કે સાસરે અમને નાણાકીય મદદ કરી શકે એવું કોઈ ન હતું. અમને રોજનું કમાઈને રોજ ખાતાં અને એ રીતે અમારો જીવનનિર્વાહ કરતાં હતાં. મારે ત્રણ દીકરીઓ હતી. અમારા ગામમાં ઘણા લોકો મારી મજાક કરતા અને પીઠ પાછળ અમારી વાતો કરતા હતા. કોઈ મને મદદ કરતું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણે આજે પણ એવા સમાજમાં રહીએ છીએ જ્યાં દીકરીને મોટી કરવી ભારે બોજ સમાન જોવામાં આવે છે. મારું પહેલું સંતાન દીકરી હતી. બીજું સંતાન પણ દીકરી હતી. મને હતું કે ત્રીજું સંતાન દીકરો આવશે.
સામાન્ય રીતે ગર્ભવતી મહિલાને એ ચિંતા હોય છે કે તેમની કૂખમાં રહેલું બાળક સ્વસ્થ જન્મે. ભલે તે દીકરો હોય કે દીકરી. હું પણ તેવું જ વિચારતી. પરંતુ ત્રીજાં બાળકના જન્મ સમયે હું તણાવમાં રહેતી હતી. તે પણ દીકરી જન્મી. અમારા સંબંધીઓ અને ગામ લોકો ટોણો મારતા કે મારામાં જ કંઈક ખોટ છે.
જ્યારે તમે ગર્ભવતી હો ત્યારે એ વાત તમારા હાથની નથી રહેતી કે તમને દીકરો જન્મશે કે દીકરી. તો લોકો એવું કેવી રીતે કહી શકે કે મારો વાંક છે.
સાચું કહું તો મને ખબર નથી કે મેં મારી દીકરીઓને ઝેર આપીને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી? મને કોઈ ભાન જ રહ્યું ન હતું.
આજના દિવસમાં છોકરીઓ માટે કોઈ સુરક્ષા નથી. જો દીકરી કોઈને પ્રેમ કરે તો તે પરિવાર માટે સમસ્યા બની જાય છે. જો દીકરી કોઈ કારણોસર આત્મહત્યા કરે તો પણ આવું થાય છે. લોકો કહેશે કે છોકરીની જ કંઈક ભૂલ હશે. તેના પેટમાં કોઈનું બાળક હશે.

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા ભણેલી હોય કે અભણ, જો કોઈ મહિલા વધુ દીકરીઓને જન્મ આપે તો પાડોશીઓ વાતો કરવા લાગે છે.
જ્યારે મેં મારી દીકરીઓને ઝેર આપ્યું હતું ત્યારે હું કઈ સ્થિતિમાં હતી તે કોઈ નથી જાણતું. આવો નિર્ણય મહિલા જ્યારે લે છે ત્યારે તેની પાછળ એક નહીં અનેક કારણો હોય છે.
જેમાં પોતે, પાડોશીઓ, આસપાસનું વાતાવરણ બધું જ જવાબદાર હોય છે. મારી સામે આ જ બધાં કારણો હતાં જેમણે મને આવો નિર્ણય લેવા મજબૂર કરી. હું ખૂબ જ તણાવમાં હતી. હજુ પણ મારા પર તે દબાણ છે. પરંતુ મારી દીકરી માટે હું પરાણે હસીને જીવી રહી છું.
હવે હું મરીશ ત્યાં સુધી મારા વતનમાં જ રહીશ. હું અહીં કામ કરું છું, અંધારું થયા બાદ ઘરે પરત આવું છું, હું લોકો સાથે પહેલાં જે રીતે વાતચીત કરતી તેવી રીતે નથી કરતી. જો હું ઘરે વહેલી આવી જાઉં તો ઘરનો દરવાજો બંધ કરી દઉં છું અને અંદર જ રહું છું. મારામાં હિંમત નથી રહી.
મારી દીકરીઓની પીડા અને જે મેં કર્યું એ પાપ હું ક્યારેય નહીં ભૂલું.
હું જજ સામે રડી અને તેમને મારી સમસ્યા કહી. કેસના સમયે હું ગર્ભવતી હતી. મારા પેટમાં પણ દીકરી હતી.
મેં જજને કહ્યું કે હવે હું ક્યારેય કંઈ ખોટું કામ નહીં કરું.
અત્યારે મારી નાની દીકરી નર્સરીમાં ભણે છે જ્યારે મોટી દીકરી પાંચમાં ધોરણમાં ભણે છે.
બસ મારી દીકરીઓ જ છે મારું જીવન.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














