કૅલિફોર્નિયા : નર્સે કહ્યું કે 'ડૉક્ટરે તમારું આખું ગર્ભાશય કાઢી નાખ્યું', જબરજસ્તી નસબંધીના અંધકારમય ઇતિહાસની કથા

મૂનલાઈટ પુલિડો

ઇમેજ સ્રોત, COURTESY OF MOONLIGHT PULIDO

ઇમેજ કૅપ્શન, મૂનલાઈટ પુલિડો
    • લેેખક, લેરી સાલેસ
    • પદ, બીબીસી વર્લ્ડ સંવાદદાતા, લોસ એન્જલસ

એ યુવતી સાથે કશુંક નિર્ણાયક બનવાનું હતું. એવું કંઈક કે જેને લીધે તેણે પોતાની ઓળખ પણ છુપાવવી પડશે, પરંતુ એ શું હશે તેની એ યુવતીને ખબર ન હતી.

એ વખતે તેમનું નામ ડીએન્ના હેન્ડરસન હતું અને તેઓ હત્યાના પ્રયાસના ગુના બદલ જેલમાં સજા ભોગવી રહ્યાં હતાં.

રાબેતા મુજબના મેડિકલ ચેક-અપ, પેપ સ્મીયર ટેસ્ટ પછી ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે "કૅન્સરની સંભાવના ધરાવતા બે ગઠ્ઠા" પરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવ્યા છે. ડૉક્ટરે તેમને પૂછ્યું હતું કે તમે તેને દૂર કરવા ઇચ્છો છો?

બીબીસી સાથે વાત કરતાં કૅલિફોર્નિયાના મૂનલાઈટ પુલિડોએ કહ્યું હતું કે "મેં તેમને જણાવેલું કે તે જરૂર દૂર કરવા છે. એ જીવન-મરણના સવાલ જેવું હતું. તેમણે બાયોપ્સીની વાત કરી નહીં તેનું મને આશ્ચર્ય હતું, પરંતુ મારી પાસે બીજો અભિપ્રાય લેવા ડૉક્ટરને ચૂકવવાના પૈસા ન હતા."

તેથી તેમણે કોઈ સવાલ પૂછ્યા વિના મંજૂરીપત્ર પર સહી કરી હતી અને ઑપરેશન કરાવ્યું હતું.

થોડા દિવસ પછી તેઓ અસ્વસ્થતા અનુભવતાં હતાં અને તેમને સતત પરસેવો વળતો હતો. તેથી તેઓ ચિંતિત થઈ ગયાં હતાં. એ વખતે એક નર્સે તેમનો મેડિકલ રિપોર્ટ વાંચ્યો ત્યારે તેમને સમજાયું હતું કે તેમના પર ખરેખર શેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. નર્સે કહ્યું હતું કે "ડૉક્ટરે તમારું આખું ગર્ભાશય કાઢી નાખ્યું છે."

મૂનલાઈટ પુલિડોનું ગર્ભાશય, સર્વિક્સ અને પ્રજનન પ્રણાલીના અન્ય ભાગો કાઢી નાખવામાં આવ્યા હતા. ડૉક્ટરે પુલિડોની નસબંધી કરી નાખી હતી.

પુલિડોએ કહ્યું હતું કે "મને જોરદાર આઘાત લાગ્યો હતો."

આ ઘટના કૅલિફોર્નિયાના કરેક્શન્શ તથા રિહેબિલિટેશન વિભાગની કોરોના મહિલા જેલમાં 2005માં બની હતી. રાજ્યની જેલ વ્યવસ્થાના કમસે કમ ત્રણ કેન્દ્રમાં સમગ્ર દાયકા દરમિયાન પુલિડો જેવા કિસ્સાઓનું પુનરાવર્તન થયું હતું.

તે કૅલિફોર્નિયામાં બળજબરીથી વંધ્યીકરણના કાળા ઇતિહાસમાંનું નવીનતમ પ્રકરણ છે. હવે પીડિતોને વળતર આપીને રાજ્ય ભૂલસુધારણાના પ્રયાસ કરી રહ્યું છે.

line

વસ્તીની 'સુધારણા'

જાણકારોના મતે કૅલિફોર્નિયામાં ઈચ્છા વિરુદ્ધ કે યોગ્ય સંમતિ વિના નસબંધીનો ઇતિહાસ લાંબો છે

ઇમેજ સ્રોત, Getty Images

લોરેના ગાર્સિયા ઝર્મેનો કૅલિફોર્નિયા લેટિનાસ ફૉર રિપ્રોડક્ટિવ જસ્ટિસ પૉલિસી અને કૉમ્યુનિકેશનના સંયોજક છે. આ જૂથે ધરાર નસબંધીના પીડિતોને વળતર અપાવવા માટે વર્ષો સુધી લડત ચલાવી હતી.

લોરેના ગાર્સિયા ઝર્મેનોએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "કૅલિફોર્નિયામાં ઇચ્છા વિરુદ્ધ કે યોગ્ય સંમતિ વિના નસબંધીનો ઇતિહાસ લાંબો છે અને તેની વિવિધ તબક્કે નોંધ કરવામાં આવી છે."

એ પૈકીનો પહેલો તબક્કો ઐતિહાસિક છે, જે યુજેનિક્સ કાયદા સંબંધિત છે. એ કાયદો કૅલિફોર્નિયામાં 1909 અને 1979 વચ્ચે અમલમાં હતો અને 1930ના દાયકામાં તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તે યુજેનિક્સ એટલે કે પ્રજનન અને નસબંધી દ્વારા વસ્તીની આનુવાંશિક લાક્ષણિકતામાં કથિત 'સુધારણા'. તેનો ઉપયોગ અમેરિકામાં તો નાઝી જર્મની પહેલાં કરવામાં આવતો હતો.

મિશિગન યુનિવર્સિટી ખાતેની નસબંધી અને સામાજિક ન્યાય પ્રયોગશાળાના ડિરેક્ટર એલેક્સ સ્ટર્ને કહ્યું હતું કે "વીસમી સદીમાં અમેરિકાનાં 48 રાજ્યો પૈકીના 32માં યુજેનિક કાયદાઓ અમલમાં હતા. એ કાયદા હેઠળ 'નબળા મનના' અથવા બૌદ્ધિક વિકલાંગ જણાતા હોય અને માનસિક રીતે બીમાર હોય તેવી વ્યક્તિની નસબંધી કરવાની સત્તા આપવામાં આવી હતી."

એલેક્સ સ્ટર્ને અમેરિકાના ઇતિહાસના અંધકારમય પ્રકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.

તેમણે કહ્યું હતું કે "પરિવારજનો દ્વારા અથવા પોલીસ રિપોર્ટ પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા એવા લોકોની માનસિક વય, તેમની બુદ્ધિમત્તાનું પરીક્ષણ કરવામાં આવતું હતું. તેમને સ્કોર આપવામાં આવતો હતો અને તેના આધારે સત્તાવાળાઓ નક્કી કરતા હતા કે એ લોકો સ્વસ્થ કે સંવર્ધન માટે યોગ્ય છે કે નહીં."

રાજ્યના સરકારી દસ્તાવેજો અને આંકડાઓની ઝીણવટભરી સમીક્ષા પછી સ્ટર્નની ટીમે એવું તારણ કાઢ્યું હતું કે યુજેનિક્સ કાયદા હેઠળ રાષ્ટ્રીયસ્તરે કરવામાં આવેલી 60,000 નસબંધી પૈકીની 20,000 કૅલિફોર્નિયામાં કરવામાં આવી હતી.

એલેક્સ સ્ટર્ને ઉમેર્યું હતું કે "કૅલિફોર્નિયા આ બાબતમાં બહુ આક્રમક રાજ્ય હતું. ભદ્ર વર્ગના ડબલ્યુએએસપી (વ્હાઈટ, એંગ્લો-સેક્શન અને પ્રોટેસ્ટન્ટ લોકોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતો સંક્ષેપાક્ષર) તરીકે ઓળખાતા તેમજ ધારાસભા તથા યુનિવર્સિટીઓમાં વ્યાપક વગ ધરાવતા લોકોનો રાજ્ય કેવું હોવું જોઈએ એ વિશેનો ચોક્કસ દૃષ્ટિકોણ હતો."

સ્ટર્નની ટીમે આંકડાકીય તકનીકોનો ઉપયોગ કરીને એક પૅટર્ન શોધી કાઢી હતી. એ મુજબ, ફરજિયાત નસબંધીની નીતિ સૌથી વધુ ભોગ લેટિન લોકો અને ખાસ કરીને યુવા લેટિનો બન્યા હતા.

તેમણે કહ્યું હતું કે "શ્વેત સ્ત્રીઓની સરખામણીએ સોનોમા અથવા નાપા કાઉન્ટીઓની સંસ્થામાં રહેતી 59 ટકા વધુ લેટિન સ્ત્રીઓની નસબંધી કરવામાં આવી હતી. પરદેશગમનના એ સમયમાં ભદ્ર વર્ગના લોકો, સૌથી વધુ ફળદ્રુપ લેટિનો પરિવારોના પ્રજનન તથા રાજ્યના જૈવિક ભવિષ્ય પર નિયંત્રણ મેળવવા ઇચ્છતા હતા. તેઓ બીજી તરફ મધ્યમવર્ગના શ્વેત પરિવારોને પ્રજનન માટે પ્રોત્સાહિત કરતા હતા."

લાઇન

'વ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતી' ગણાતા અમેરિકામાં ભૂતકાળમાં કેમ બળજબરીથી નસબંધી કરાતી?

લાઇન
  • અમેરિકામાં જેલમાં રહેલી મહિલા સાથે કંઈક એવું બન્યું જેના કારણે કૅલિફોર્નિયામાં ભૂતકાળમાં પરાણે કરાતા વંધ્યીકરણના ઑપરેશનના ઇતિહાસની યાદો તાજી થઈ ગઈ
  • પરાણે કરાતી નસબંધી સામે વર્ષો સુધી ઝઝૂમનારાં લોરેના ગાર્સિયાના મતે કૅલિફોર્નિયા બળજબરીપૂર્વક નસબંધી કરવાનો ઐતિહાસિક રીતે કુખ્યાત છે
  • એ પૈકીનો પહેલો તબક્કો ઐતિહાસિક છે, જે યુજેનિક્સ કાયદા સંબંધિત છે. એ કાયદો કૅલિફોર્નિયામાં 1909 અને 1979 વચ્ચે અમલમાં હતો અને 1930ના દાયકામાં તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • નિષ્ણાત અનુસાર વીસમી સદીમાં અમેરિકાનાં 48 રાજ્યો પૈકીનાં 32માં યુજેનિક કાયદાઓ અમલમાં હતા, એ કાયદા હેઠળ 'નબળા મનની' અથવા બૌદ્ધિક વિકલાંગ જણાતી હોય અને માનસિક રીતે બીમાર હોય તેવી વ્યક્તિની નસબંધી કરવાની સત્તા આપવામાં આવી હતી
  • યુજેનિક્સ કાયદા હેઠળ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલી 60,000 નસબંધી પૈકીની 20,000 કૅલિફોર્નિયામાં કરવામાં આવી હતી
  • ફરજિયાત નસબંધીની નીતિ સૌથી વધુ ભોગ લેટિન લોકો અને ખાસ કરીને યુવા લેટિનો બન્યા હતા
લાઇન

13 વર્ષની વયે નસબંધી

1934નું પોસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1934નું પોસ્ટર

યુજેનિક્સ કાયદાના સખત અમલનો ભોગ મેરી ફ્રાન્કો બની હતી. કૅલિફોર્નિયામાં મેક્સિકન માતા-પિતાને ત્યાં જન્મેલી મેરીની 1934માં નસબંધી કરી નાખવામાં આવી હતી. એ વખતે મેરી માંડ 13 વર્ષની હતી.

લોસ એન્જલસથી પૂર્વમાં આશરે 35 કિલોમીટર દૂર આવેલા આજના પોમોના શહેરની પેસિફિક કોલોની નામની સરકારી સંસ્થામાં મેરીને દાખલ કરવામાં આવી હતી.

મેરીનાં ભત્રીજી સ્ટેસી કોર્ડોવાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "એક પાડોશી મેરી સાથે દુર્વ્યવહાર કરતો હતો. તેથી પરિવારે મેરીને હૉસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું હતું, જેથી વાત આગળ ન વધે અને તેની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે. એવું કરવાનું કારણ એ હતું કે એ દિવસોમાં આવી બાબત માટે કોઈની ધરપકડ કરવામાં આવતી ન હતી."

આરોગ્યકેન્દ્રમાં મેરીનો બુદ્ધિઆંક માપવામાં આવ્યો હતો અને શ્રેણીબદ્ધ પરીક્ષણો પછી તેને 'જાતીય સંદર્ભમાં નબળા મનની વ્યક્તિ' જાહેર કરવામાં આવી હતી અને તેની નસબંધી કરી નાખવામાં આવી હતી.

સ્ટેસીએ કહ્યું હતું કે "એ કારણે મેરીને ઘણું નુકસાન થયું હતું. પોતાને સંતાન ન હોવાનો અફસોસ તેમને આખી જિંદગી રહ્યો હતો. તેઓ ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં, પણ તેનું નિદાન ક્યારેય થયું ન હતું."

મેરીનાં ભત્રીજી સ્ટેસી કાર્ડોવાના હાથમાં તેમનો ફોટો

ઇમેજ સ્રોત, COURTESY OF STACY CORDOVA

ઇમેજ કૅપ્શન, મેરીનાં ભત્રીજી સ્ટેસી કાર્ડોવાના હાથમાં તેમનો ફોટો

મેરીની આ કથા સ્ટેસીને તેના સગા કાકીએ 1997માં કહી હતી. એક વર્ષ પછી કાકી મૃત્યુ પામ્યાં હતાં. તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે તેમને ખબર ન હતી કે ફરજિયાત નસબંધીનો ભોગ બની હોય તેવી એકમાત્ર સ્ત્રી તેઓ ન હતાં.

સ્ટેસીએ કહ્યું હતું કે "મેરી માનતાં હતાં કે તેઓ ખરાબ છોકરી હતાં એટલે તેમની સાથે આવું થયું હતું. આ વાત વિચારીને મારું હૈયું વલોવાય છે."

સ્ટેસી કોર્ડોવા પોતે આ બાબતની ગંભીરતાથી 2017 સુધી વાકેફ ન હતાં. એક વખત તેઓ કાર ડ્રાઈવ કરી રહ્યા હતાં ત્યારે તેમણે ડૉ. સ્ટર્નને રેડિયો પર બોલતા સાંભળ્યા હતા. "એ સાંભળીને કાર હાઈવે પરથી અંદર લઈને પાર્ક કરવી પડી હતી. કૅલિફોર્નિયાના ઇતિહાસના આ કદરૂપા પ્રકરણ વિશે મેં ક્યારેય સાંભળ્યું ન હતું," એમ સ્ટેસીએ કહ્યું હતું.

સ્ટેસીએ ડૉ. સ્ટર્નનો સંપર્ક સાધ્યો હતો અને ટૂંક સમયમાં જ સ્ટરિલાઈઝેશન ઍન્ડ સોશિયલ જસ્ટિસ લૅબોરેટરીએ સ્ટેસીને તેમનાં કાકીના તબીબી ઇતિહાસ તથા તેમની નસબંધી સંબંધી દસ્તાવેજો મોકલી આપ્યા હતા.

સ્ટેસીએ કહ્યું હતું કે "એ દસ્તાવેજોની સમીક્ષા કરું છું ત્યારે સમજાય છે કે આ મુદ્દો એક મૅક્સિકન-અમેરિકન સ્ત્રી તરીકે મને અનેક સ્તરે સ્પર્શે છે, કારણ કે એ ઘટના મારા પરિવારમાં બની હતી, કારણ કે હું સ્પેશિયલ એજ્યુકેશન ટીચર છું અને આજે એવું બન્યું હોત તો મારી વિદ્યાર્થિનીઓની પણ નસબંધી કરવામાં આવી હોત."

line

'વસ્તીવિસ્ફોટ'

1970ના દાયકામાં લોસ એન્જલસના યુએસસી મેડિકલ સેન્ટર ખાતે બળજબરીપૂર્વક કે યોગ્ય સંમતિ લીધા વગર નસબંધી થતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1970ના દાયકામાં લોસ એન્જલસના યુએસસી મેડિકલ સેન્ટર ખાતે બળજબરીપૂર્વક કે યોગ્ય સંમતિ લીધા વગર નસબંધી થતી

ફ્રાન્કોની નસબંધીના દાયકાઓ પછી, મોટી કતલેઆમ જેવા યુજેનિક્સ કાયદાની સમાજશાસ્ત્રીઓ, નૃવંશવિજ્ઞાનીઓ અને અન્ય વિજ્ઞાનીઓએ જોરદાર ઝાટકણી કાઢી ચૂક્યા હોવા છતાં કૅલિફોર્નિયા આજે પણ તેમાંથી મુક્તિ મેળવી શક્યું નથી.

વાસ્તવમાં યુજેનિક્સ કાયદો રદ્દ કરવાની તૈયારી હતી એ સમયે 1968થી 1974 દરમિયાન અનેક સ્ત્રીઓને જાણતા-અજાણતાં અથવા બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી, જેથી તેઓ સંતાનને જન્મ ન આપી શકે.

એ કામ કોઈ કાઉન્ટી દ્વારા ચલાવવામાં આવતી હૉસ્પિટલમાં નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત લોસ એન્જલસ યુએસસી મેડિકલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.

વસ્તીનિયંત્રણ નીતિઓ અને પ્રજનન અન્યાયના નિષ્ણાત વર્જિનિયા એસ્પિનોએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "એ સમયે વધુ પડતી વસ્તી બાબતે વ્યાપક ચિંતા હતી."

1968માં 'ધ પોપ્યુલેશન બૉમ્બ' નામનું પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું. તેમાં "સમગ્ર માનવજાતનું પેટ ભરવાની લડાઈમાં પરાજય" અને "લાખો લોકો ભૂખે મરી જશે" એવા શબ્દસમૂહોનો સમાવેશ હતો.

વર્ષ 2000 સુધીમાં અમેરિકાની વસ્તીમાં 10 કરોડ લોકોનો ઉમેરો થશે તેવી ચેતવણી અમેરિકન કૉંગ્રેસને આપ્યા બાદ 1969માં પ્રમુખ રિચર્ડ નિકસને આ 'સમસ્યા'ના અભ્યાસ માટે એક પંચની રચનાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રપતિ નિક્સને વસ્તીવધારો અને અમેરિકાના ભવિષ્ય પર એક કમિશન બનાવવાનો હુકમ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ નિક્સને વસ્તીવધારો અને અમેરિકાના ભવિષ્ય પર એક કમિશન બનાવવાનો હુકમ આપ્યો

ઘણી સાર્વજનિક હૉસ્પિટલોમાં નસબંધી સહિતના કુટુંબનિયોજનના કાર્યક્રમો માટે સરકારે હજારો ડૉલર ઠાલવ્યા હતા, પરંતુ વધુ પડતી વસ્તી તથા ગરીબી વિશેની ચિંતા મારફત જૂના જાતિવાદી અને ભદ્ર વર્ગના પૂર્વગ્રહોને નવેસરથી રજૂ કરવામાં આવ્યા હતા એવાં રાજ્યોમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી. તેની ગરીબ અને ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓને માઠી અસર થઈ હતી.

લોસ એન્જલસના કિસ્સામાં ભાષાકીય અવરોધ અને પ્રસૂતા સ્ત્રીઓથી છલકાતા કાઉન્ટી હૉસ્પિટલના મેટરનિટી વોર્ડને લીધે બળતામાં ઘી હોમાયું હતું.

વર્જિનિયા એસ્પિનોએ કહ્યું હતું કે "જે સ્ત્રીઓ સુવાવડ માટે આવી હતી, પરંતુ કુદરતી રીતે બાળકને જન્મ આપી શકે તેમ ન હતી તેમના પર, સિઝેરીયન માટેના સંમતિપત્રક પર સહી કરતી વખતે નસબંધી માટે દબાણ કરવામાં આવ્યું હતું, ધમકી આપવામાં આવી હતી અથવા છેતરવામાં આવી હતી, એવું મારા સંશોધનમાં જાણવા મળ્યું છે."

"ઘણી સ્ત્રીઓને તો એ પણ જણાવવામાં આવ્યું ન હતું કે તેઓ શેની સંમતિ આપી રહી છે."

line

'સહી નહીં કરો તો તમે મરી જશો'

ચિકાના ચળવળકારોએ લોસ એન્જલસ યુએસસી મેડિકલ સેન્ટર વિરુદ્ધ અરજી કરનારને ટેકો આપ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિકાના ચળવળકારોએ લોસ એન્જલસ યુએસસી મેડિકલ સેન્ટર વિરુદ્ધ અરજી કરનારને ટેકો આપ્યો હતો

આવો એક કેસ મેલ્વિના હર્નાન્ડીઝનો હતો. તેઓ 23 વર્ષની વયે લોસ એન્જલસ યુએસસી મેડિકલ સેન્ટરમાં આવ્યાં હતાં. તેઓ અંગ્રેજી જાણતાં ન હતાં.

તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમનું તત્કાળ સિઝેરીયન કરવું જરૂરી છે, પરંતુ એ પહેલાં તેમણે કેટલાક કાગળ પર સહી કરવી પડશે. મેલ્વિનાએ સ્પેનિશ ભાષામાં ના કહીને જણાવ્યું હતું કે મારા પતિ અહીં હાજર નથી એટલે હું સહી નહીં કરું.

એ વખતે એક નર્સે અંગ્રેજીમાં લખાયેલો દસ્તાવેજ દેખાડીને મેલ્વિનાને કહ્યું હતું કે "સહી નહીં કરો તો તમે મરી જશો."

'નો મોર બેબીઝ' નામની એક દસ્તાવેજી ફિલ્મમાં મેલ્વિનાએ તે ઘટના સંદર્ભે કહ્યું હતું કે "પછી નર્સે મારો હાથ પકડ્યો હતો અને બળજબરીથી સહી કરાવી હતી."

મેલ્વિનાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તેમની ફેલોપિયન ટ્યૂબ પ્રસૂતિ બાદ બંધ કરી દેવામાં આવી હોવાની ખબર તેમને ચાર વર્ષ પછી પડી હતી.

મેલ્વિના અને અન્ય નવ સ્ત્રીઓએ 1975માં હૉસ્પિટલ વિરુદ્ધ ક્લાસ એક્શન કેસ કર્યો હતો. તેમની દલીલ એ હતી કે બાળકને જન્મ આપવાના તેમના બંધારણીય અધિકારને છીનવી લેવામાં આવ્યો છે.

અદાલતમાં તેમના વતી યુવા વકીલ એન્ટોનિયો હર્નાન્ડીઝે રજૂઆત કરી હતી અને તેમને શક્તિશાળી ચિકાનો ચળવળનો, ખાસ કરીને પોતાની રાજકીય ઓળખ તેમજ નારીવાદ વિકસાવી રહેલી મહિલા કર્મશીલોનો જોરદાર ટેકો સાંપડ્યો હતો.

હૉસ્પિટલ બહાર જોરદાર વિરોધપ્રદર્શન તથા લોકમતના દબાણ છતાં તેઓ એ કેસ હારી ગયાં હતાં. ન્યાયાધીશ જવાબદારી નક્કી કરી શક્યા ન હતા.

મેડિકલ સેન્ટરના મેટરનિટી વિભાગના ડિરેક્ટર એડવર્ડ જે ક્વિલિગને દસ્તાવેજી ફિલ્મમાં કહ્યું હતું કે "ખાસ કરીને કોઈ ચોક્કસ જૂથ પર કુટુંબનિયોજન માટે દબાણ કર્યું હોય એવી કોઈ વ્યક્તિને હું જાણતો નથી. હું માનું છું કે સ્ત્રીને ન્યાય લેવાનો અધિકાર છે."

જોકે, બળજબરીથી નસબંધીની ઘટનાઓ ફરી ન બને એટલા માટે અમુક નિયમો જરૂર ઘડવામાં આવ્યા હતા. તેમાં બાળજન્મ કે એનેસ્થેસિયાની અસર હેઠળ સ્ત્રીની સંમતિ નહીં લેવાનો અને સંમતિ પત્રમાં સ્પેનિશ ભાષા લખવાનો સમાવેશ થાય છે.

લોસ એન્જલસ કાઉન્ટી બોર્ડ ઑફ સુપરવાઈઝર્સે ફરજિયાત નસબંધીનો ભોગ બનેલા લોકોની 2018માં ઔપચારિક માફી માગી હતી.

વર્જિનિયા એસ્પિનોએ કહ્યું હતું કે "હૉસ્પિટલમાં ક્યારેય ગેરરીતિ આચરવામાં આવી નથી એટલે આવું કશું થાય નહીં, એવું તેમણે અમને જણાવ્યું હતું, પરંતુ એવું થયું હતું અને તે બહુ મહત્ત્વનું છે."

line

દુરસ્તી

વર્ષ 2014થી કુટુંબનિયોજન માટે જેલોમાં નસબંધી કરવાનું પ્રતિબંધિત કરાયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2014થી કુટુંબનિયોજન માટે જેલોમાં નસબંધી કરવાનું પ્રતિબંધિત કરાયું હતું

યુજેનિક્સ કાયદો દાયકાઓ પહેલાં રદ્દ કરવામાં આવ્યો હોવા છતાં રાજ્યના એક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કૅલિફોર્નિયાના ચાર જેલમાં કેદ 144 મહિલાઓની 2006 તથા 2010 દરમિયાન નસબંધી કરવામાં આવી હતી. તેમને અન્ય સારવાર કે વૈકલ્પિક કાઉન્સેલિંગ આપવામાં આવ્યાના કોઈ પુરાવા ન હતા.

1990ના દાયકાના અંત ભાગમાં વધુ 100 પીડિતો સાથે આવું કરાયું હોવાનું એ પછીના અભ્યાસમાં બહાર આવ્યું હતું. આ કિસ્સામાં ભોગ બનેલા લોકો ફરીથી લેટિનો અને આફ્રિકન-અમેરિકન હતા.

રાજ્ય વિધાનસભાએ 2014માં એક કાયદો પસાર કર્યો હતો અને ગર્ભનિરોધના હેતુ માટે જેલમાં નસબંધી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ન્યાયની માગણી કરી રહેલા શ્રેણીબદ્ધ સંગઠનોના સંઘર્ષને તેનાથી પ્રોત્સાહન મળ્યું હતું.

2022ની પહેલી જાન્યુઆરીએ અસરગ્રસ્તો માટે 45 લાખ ડૉલરના વળતરની યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, જે નોર્થ કેરોલિના (2013) અને વર્જિનિયા (2015) પછી ત્રીજા ક્રમે છે.

એ યોજનાને શક્ય બનાવતા કાયદા પર સહી કરતાં ગવર્નર ગેવિન ન્યૂસને કહ્યું હતું કે "કૅલિફોર્નિયા તેના ભૂતકાળના અંધકારમય અધ્યાયનો સામનો કરવા અને આ શરમજનક ઇતિહાસની લોકો પરની અસરના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે."

"તેમણે જે સહન કરવું પડ્યું છે એ બાબતમાં અમે ખાસ કશું કરી શકીએ તેમ નથી, પરંતુ આ ખોટી નસબંધીનો ભોગ બનેલા લોકોને વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર શક્ય તેટલું બધું જ કરશે."

કૅલિફોર્નિયા બોર્ડ ફૉર વિક્ટિમ કમ્પેન્સેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ઐતિહાસિક યુગના બચેલા લોકો અને રાજ્યની જેલમાં નસબંધી કરવામાં આવી હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.

અલબત્ત, 1970ના દાયકામાં લોસ એન્જલસ યુએસસી મેડિકલ સેન્ટરમાં ધરાર નસબંધીને કારણે સંતાનને જન્મ ન આપી શકતી સ્ત્રીઓનો તેમાં સમાવેશ થતો નથી.

line

બચી ગયેલાઓની શોધ

વળતરનો કાયદો મંજૂર કરવામાં આવ્યો ત્યારે સંગઠનોનો અંદાજ હતો કે 455 લોકોની યુજેનિક કાયદા હેઠળ, જ્યારે 244 લોકોની તેઓ જેલમાં હતા ત્યારે નસબંધી કરવામાં આવી હતી.

કૅલિફોર્નિયા લેટિનાસ ફૉર રિપ્રોડક્ટિવ જસ્ટિસના ગાર્સિયા ઝર્મેનોએ કહ્યું હતું કે "અન્ય રાજ્યોમાં સમાન યોજના હેઠળ, અસરગ્રસ્તો પૈકીના 25 ટકાને જ વળતર માટે લાયક ગણવામાં આવ્યા હતા. તેને ધ્યાનમાં લેતાં અમારો અંદાજ એવો હતો કે અહીં માત્ર 157 લોકોને નાણાકીય વળતર મળશે."

તેથી તેમણે ધરાર નસબંધીનો ભોગ બન્યા હોય અને જીવંત હોય તેવા લોકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું.

એક વર્ષ સુધી સઘન શોધખોળ બાદ જાન્યુઆરી-2023માં કૂલ 310 અરજી કરવામાં આવી હતી. એ પૈકીની 51 મંજૂર રાખવામાં આવી હતી, જ્યારે 103 ફગાવી દેવામાં આવી હતી, ત્રણ અરજી અધૂરી ગણીને કાઢી નાખવામાં આવી હતી અને બીજી 153 બાબતે પ્રક્રિયા ચાલી રહી છે.

કૅલિફોર્નિયા વિક્ટિમ કમ્પેન્સેશન બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિન્ડા ગ્લેહિલે કહ્યું હતું કે "અમે શક્ય તેટલી વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરીએ છીએ અને ઘણી વાર અમારે વધુ માહિતી મેળવવા માટે અન્ય લોકો પર આધાર રાખવો પડે છે. ક્યારેક શું થયું હતું તેની ચકાસણી અમે કરી શકતા નથી."

line

'આટલા પૈસા, પરંતુ બહુ ઓછા'

અત્યાર સુધી વળતર મેળવી ચૂકેલા લોકોમાં પુલિડોનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરી, 2022માં પેરોલ પર મુક્ત કરવામાં આવ્યાં પછી પુલિડોએ કૅલિફોર્નિયા કોએલિશન ફૉર વીમેન પ્રિઝનર્સ સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને વળતર માટે દાવો કર્યો હતો.

તેમનો દાવો મંજૂર થયા પછી વળતર પેટે 15,000 ડૉલર પાંચ સપ્તાહ પછી મળ્યા હતા.

પુલિડોએ ગળગળા અવાજે કહ્યું હતું કે "વળતરનો ચેક આવ્યો ત્યારે હું તેને હાથમાં લઈને બેસી ગઈ હતી અને રડી પડી હતી. લાંબા સમય સુધી આંકડો જોતી રહી હતી. આટલા બધા પૈસા મારી પાસે ક્યારેય ન હતા, પરંતુ તેમણે મારી સાથે જે કર્યું તેના પ્રમાણમાં તે વળતર બહુ ઓછું છે."

પુલિડોએ ઉમેર્યું હતું કે "હું ન્યૂ મૅક્સિકોના અપાચેસની નેટિવ અમેરિકન છું અને હું માનું છું કે પૃથ્વી માતાએ અમને સ્ત્રીઓને ગર્ભધારણ કરવાની ક્ષમતા આપી છે. તે ભેટ મારી પાસેથી, મારી પરવાનગી વિના અને મને જાણ કર્યા વિના ચોરી લેવામાં આવી હતી."

41 વર્ષની વયનાં પુલિડો હજુ પણ નારાજ છે. એક પુત્રના માતા પુલિડોએ કહ્યું હતું કે "સરકારી નીતિને કારણે હું પરિવારના વિસ્તારથી વંચિત રહી છું. આજે પણ હું બહાર જાઉં છું કે સ્ટોરમાં જાઉં છું અને માતાઓને તેમના સંતાનો સાથે જોઉં છું ત્યારે તેમના પરથી મારી નજર હટતી નથી."

"હું ફરી કોઈ સંતાનને જન્મ આપી શકીશ નહીં, એવું લાગે છે. એ હકીકતની પીડા હું ભાવનાત્મક રીતે રોજ અનુભવતી રહું છું."

પુલિડો સ્વાતંત્ર્યનો આનંદ માણે છે અને નવા નામ સાથે ભવિષ્યનો સામનો પણ કરે છે.

તેમણે કહ્યું હતું કે "ડીઆન્નાનું બાળપણ મુશ્કેલ હતું. તેની સાથે જે કંઈ કરવામાં આવ્યું હતું એ તેણે જોયું હતું, તેનો આઘાત અનુભવ્યો હતો. તેને એવું લાગતું હતું કે એ કોઈ મોટો બોજ લઈને આગળ વધી રહી છે."

તેઓ નેટિવ અમેરિકન બનવા ઇચ્છતાં હતાં તેથી તેમણે નવું નામ પસંદ કર્યું હતું. તેમને ચંદ્ર બહુ ગમતો હતો અને તેઓ કાયમ તેજસ્વી જીવન જીવવા ઇચ્છતાં હતાં. પોતાના નામ સાથે તેમણે તેમના માતાનું નામ જોડ્યું હતું.

મુનલાઇટ પુલિડોએ ઘણી યોજનાઓ બનાવી છે, જેમાં કૅલિફોર્નિયા છોડીને ઇલિનોઇસમાં રહેતા તેમના પુત્ર સાથે રહેવા જવાનો પણ સમાવેશ થાય છે.

તેમનું એક મિશન પણ છેઃ "મારી સાથે થયું તેવું જેમની સાથે થયું છે એ બધાને હું કહેવા માગું છું કે તેમણે બોલવું જોઈએ, વળતરનો દાવો કરવો જોઈએ અને તેને નકારવામાં આવે તો ફરી પ્રયાસ કરવા જોઈએ. હારવું તો ન જ જોઈએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન