ક્ષણવારમાં લાખો લોકોના જીવ લઈ લેનારા અને લાખો લોકોને બેઘર બનાવી દેનારા વિશ્વના સૌથી પાંચ મોટા ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરી આફ્રિકાના મધ્ય મોરોક્કોમાં 6.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
યુ.એસ. જીયોલૉજિકલ સરવેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 71 કિમી (44 માઇલ) અને 18.5 કિમીની ઊંડાઈએ હતું. આ ઍપિસેન્ટરવાળો વિસ્તાર હાઈ એટલાસ માઉન્ટેઈન્સ કહેવાય છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર મોરક્કોના આંતરિક મંત્રાલયએ 1000 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આંતરિક મંત્રાલય અનુસાર ઈજાગ્રસ્ત લોકોમાં 52ની હાલત ગંભીર છે.
ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે અગિયાર (22:11 GMT) વાગ્યે આવ્યો હતો. 19 મિનિટ પછી 4.9ની તીવ્રતાનો આફ્ટરશૉક પણ આવ્યો હતો.
મરાકેશ અને તેના દક્ષિણના વિસ્તારોમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા એમ મંત્રાલયે જણાવ્યું હતું.
મોરોક્કોમાં જે ભૂકંપ આવ્યો છે તેને હાલના સમયમાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે વર્ણાવવામાં આવે છે, પરંતુ વિશ્વમાં તેના કરતાં પણ વધુ શક્તિશાળી ભૂકંપ નોંધાયા છે.
યુએસ જિયોલૉજિકલ સરવેના ડેટા અનુસાર, રૅકર્ડ પર સૌથી શક્તિશાળી ભૂકંપ 1960ની સાલમાં ચિલીના દક્ષિણ વાલ્ડિવિયામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 9.5 માપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂકંપમાં 20 લાખ લોકો બેઘર થયા હતા અને 2000 લોકો મૃત્યુ પામ્યા હતા.
ભૂંકપના કારણે નજીકમાં આવેલાં જ્વાળામુખી ફાટી નીકળ્યાં હતા અને દરિયામાં આચંકા અનુભવાયા હતા. આ આંચકાઓના કારણે કિનારે આવેલા શહેરોમાં વ્યાપક નુકસાન થયું હતું.

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
21મી સદીના સૌથી શક્તિશાળી ભૂકંપ 2004માં ઈન્ડોનેશિયામાં અને 2011માં જાપાનમાં નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 9.1 માપવામાં આવી હતી.
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના પશ્ચિમ કિનારે આવેલા ભૂકંપની અસર વધુ તીવ્ર હતી.
ભૂકંપ બાદ સર્જાયલા સુનામીની દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકાના 14 દેશોમાં અસર જોવા મળી હતી. સુનામીના કારણે અંદાજીત 2,30,000 લોકો મૃત્યુ પામ્યાં હતા અથવા ગુમ થયાં હતા. 17 લાખ લોકો પળવારમાં ઘર વિહોણાં થઈ ગયા હતા.
છેલ્લા એક સદીમાં નોંધાયલી ઘટનાઓને જોઈએ તો સોમવારે તુર્કી અને સીરિયાને હચમચાવી નાખનાર ભૂકંપ 20 સૌથી શક્તિશાળી ભૂકંપમાંથી એક છે. 2020માં અમેરિકાના અલાસ્કામાં 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં આશરે 9 હજાર મૃત્યુ પામ્યા હતા.
તો મૃતકાંકની વાત કરીએ તો 2010માં હૈતીમાં જે ભૂકંપ આવ્યો હતો એ સૌથી ભયંકર છે. સૌથી વધુ તીવ્ર ન હોવા છતાં ભૂકંપમાં 3,16,000 લોકોનાં મૃત્યુ થયા હતા. યુએસ જિયોલૉજિકલ સરવેના ડેટા અનુસાર, અત્યાર સુધી નોંધાયેલા પાંચ સૌથી મોટાં ભૂકંપ આ પ્રમાણે છેઃ
ચિલી

ઇમેજ સ્રોત, AFP
તારીખ: 05/22/1960
તીવ્રતા: 9.5
22મે, 1960 ની રાત્રે, ચિલીમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી શક્તિશાળા ભૂકંપનો ઝાટકો આવ્યો હતો, જેના કારણે ચિલીમાં વ્યાપક નુકસાન થયું હતું.
આ કુદરતી આફતમાં આશરે 1600 લોકોનું મૃત્યુ થયું હતું અને 3000 લોકો ઘાયલ થયાં હતા. 20 લાખથી વધુ લોકો ભૂકંપના કારણે બેઘર થયા હતા. આ ભૂકંપમાં ચિલીને અંદાજિત 550 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
ભૂકંપ પછી સુનામી આવી હતી, જેમાં અમેરિકાના હવાઈમાં 61, જાપાનમાં 138 અને ફિલિપાઈન્સમાં 32 લોકોનાં મૃત્યુ થયાં હતા.

અલાસ્કા (અમેરિકા)

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ: 03/28/1964
તીવ્રતા: 9.2
સુનામી પછી આવેલા ભૂકંપમાં 131 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અંદાજીત 2.3 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. ભૂકંપના આંચકાની અસર અમેરિકાના કેટલાક શહેરોમાં તીવ્રપણે અનુભવાઈ હતી.

સુમાત્રા (ઇન્ડોનેશિયા)

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ: 12/26/2004
તીવ્રતા: 9.1
26 ડિસેમ્બર, 2004 ના રોજ સવારે 12:58 વાગ્યે, ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના પશ્ચિમ કિનારે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ બાદ આવેલી સુનામીની દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકાના 14 દેશોમાં અસર જોવા મળી હતી.
એકંદરે, આ દુર્ઘટનામાં લગભગ 2,30,000 લોકો મૃત્યુને ભેટ્યા હતા અથવા ગુમ થયા હતા. 17 લાખ લોકો આ ભૂકંપના કારણે ઘર વિહોણા બની ગયા હતા.

હોન્શુ (જાપાન)

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ: 03/11/2011
તીવ્રતા: 9.0
જાપાનનાં સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ હોન્શુના પૂર્વ કિનારે ભૂકંપ બાદ સુનામી આવતાં ઓછામાં ઓછા 15,700 લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપમાં 4600 વ્યક્તિઓ ગુમ થઈ ગયા હતા અને 5300 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભૂકંપ અને સુનામીના કારણે 1,30,000થી વધુ લોકો બેઘર થયા અને 3,00,000 ઘરો અને ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સૌથી વધુ મૃત્યુ ઇવાતે, મિયાગી અને ફુકુશિમા શહેરોમાં નોંધાયા હતા.
સુનામીના કારણે વિસ્તરમાં 38 મીટર ઊંચા દરિયાઈ મોજાં આવ્યાં હતાં. કુદરતી આફતના બેવડા મારના કારણે જાપાનને US$ 309 બિલિયનનું નુકસાન થયું હતું.

કામચટકા (રશિયા)

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ: 11/04/1952
તીવ્રતા: 9.0
1952માં રશિયાના સુદૂર પૂર્વમાં કામચાટકા દ્વીપકલ્પમાં ભૂકંપ બાદ સુનામી આવી હતી. મોટાભાગે આ પ્રદેશ ઓછી વસ્તી ધરાવતો હોવાથી જાનહાની થઈ હતી.
જોકે સુનામી અમેરિકાના હવાઈમાં ત્રાટકી હતી, જેના કારણે આશરે 1 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ઊંચા મોજાઓના કારણે હોડીઓ, ઘરો, થાંભલાઓ અને રસ્તાઓને નુકસાન થયું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













