તુર્કી ભૂકંપઃ 10 દિવસના દીકરા સાથે 90 કલાક કાટમાળમાં જીવતાં રહેલાં માતાની કહાણી

તુર્કી સીરિયા ભૂકંપ
    • લેેખક, એલિસ કડી
    • પદ, બીબીસી ન્યૂઝ, સમંદગ, તુર્કીથી

તુર્કી અને સીરિયામાં ત્રાટકેલા ઘાતક ભૂકંપમાં હજારો લોકો હોમાઈ ગયા તેને એક સપ્તાહનો સમય થયો છે, પરંતુ પારાવાર નિરાશા વચ્ચે 'ચમત્કાર'ની કથાઓ બહાર આવી રહી છે. આ કથા એ પૈકીની એક છે.

નેક્લા કેમુઝે 27 જાન્યુઆરીએ તેમના બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને તેનું નામ રાખ્યું હતું. યાગીઝ. તેનો અર્થ છે, 'બહાદુર વ્યક્તિ'

10 દિવસ પછી સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે નેક્લા દક્ષિણ તુર્કીના હેતાય પ્રાંતમાંના તેમના ઘરે નવજાત પુત્રને સ્તનપાન કરાવી રહ્યાં હતાં. તેની થોડીક જ ક્ષણ પછી તેઓ કાટમાળ હેઠળ દટાઈ ગયાં હતાં.

નેક્લા અને તેમનો પરિવાર સમંદગ શહેરમાં પાંચ માળની આધુનિક ઇમારતમાં બીજા માળે રહેતાં હતાં. નેક્લા કહે છે, "તે સરસ ઇમારત હતી. તેમાં સલામતી અનુભવાતી હતી."

એ સવારે નેક્લાને ખબર ન હતી કે તેઓ જે વિસ્તારમાં રહે છે તે ધરતીકંપમાં ફાટી પડશે. દરેક ઇમારતને નુકસાન થશે અને બધું નાશ પામશે.

નેક્લા કહે છે, "ભૂકંપના આંચકા આવવાના શરૂ થયા ત્યારે મારા પતિ બીજા રૂમમાં હતા અને હું તેમની પાસે જવાનો પ્રયાસ કરતી હતી. તેઓ પણ મારી પાસે આવવાના પ્રયાસ કરતા હતા, પરંતુ તેઓ અમારા બીજા પુત્ર સાથે મારી તરફ આવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે કપડાનો આખો કબાટ તેમને પર પડ્યો હતો અને તેને ખસેડવાનું તેમના માટે શક્ય ન હતું."

"ભૂકંપ વધુ આકરો થયો ત્યારે દીવાલો તૂટી પડી હતી. ઓરડો ધ્રૂજી રહ્યો હતો અને આખી ઇમારતની સ્થિતિ બદલાવા લાગી હતી. ધરતીકંપનો આંચકો અટક્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે હું એક માળ નીચે પટકાઈ ગઈ છું. મેં મારા પતિને બૂમ પાડી હતી, પણ કોઈ જવાબ મળ્યો ન હતો."

33 વર્ષનાં નેક્લા તેમના સંતાનને છાતીસરસું ચાંપીને ઊંધાં પડ્યાં હતાં. બાજુમાં પડેલા કપડાંના કબાટને કારણે તેઓ કૉન્ક્રિટના મોટા સ્લૅબ તળે કચડાતાં બચી ગયાં હતાં. મા-દીકરો આ સ્થિતિમાં ચાર દિવસ સુધી રહ્યાં હતાં.

line

પહેલો દિવસ

તુર્કી સીરિયા ભૂકંપ
ઇમેજ કૅપ્શન, ઘૂળને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી પણ તે ટૂંક સમયમાં બધું ઠીક થઈ ગયું હતું. તેમણે કાટમાળમાં ઉષ્મા અનુભવી હતી.

કાટમાળ નીચે દટાયેલાં નેક્લાને ચારે બાજુ અંધારું દેખાતું હતું. શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તેમણે તેમની અન્ય ઇન્દ્રીઓ પર આધાર રાખવો પડ્યો હતો. તેમને એ જાણીને રાહત થઈ હતી કે યાગીઝના શ્વાસ ચાલુ હતા.

ઘૂળને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી પણ તે ટૂંક સમયમાં બધું ઠીક થઈ ગયું હતું. તેમણે કાટમાળમાં ઉષ્મા અનુભવી હતી.

નેક્લાને લાગ્યું કે બાળકોનાં રમકડાં તેમની નીચે દટાયેલાં છે, પરંતુ તેઓ જરાય હલનચલન કરી શકતાં ન હતાં. કબાટ, પોતાના નવજાત દીકરાની કોમળ ત્વચા અને તેમણે પહેરેલાં વસ્ત્રો સિવાય તેઓ કૉન્ક્રિટ તથા કાટમાળ સિવાય બીજું કશું અનુભવી શકતાં ન હતાં.

તેમને દૂરથી અવાજ સંભળાતો હતો. તેમણે મદદ માટે બૂમ પાડવાનો પ્રયાસ કર્યો હતો, કબાટ પર હાથ પછાડીને અવાજ કર્યો હતો. નેક્લાએ બૂમ પાડી હતી કે "કોઈ ત્યાં છે? મારો અવાજ સંભળાય છે?"

કોઈ પ્રત્યુત્તર ન મળ્યો ત્યારે તેમણે બાજુમાં પડેલો કૉન્ક્રિટનો એક ટુકડો ઉઠાવ્યો હતો. તેને કબાટ સાથે જોરથી અફળાવીને અવાજ કર્યો હતો. ઉપરની છત પોતાના પર ક્યાંક તૂટી પડશે એવો ડર તેમને લાગતો હતો.

છતાં કોઈ જવાબ ન મળ્યો. નેક્લાને સમજાઈ ગયું હતું કે કોઈ આવે તેવી શક્યતા નથી.

નેક્લા કહે છે, "હું ડરી ગઈ હતી."

line

કાટમાળ હેઠળનું જીવન

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

કાટમાળ હેઠળના અંધકારમાં નેક્લા સમયનું ભાન ભૂલી ગયાં હતાં. તેમણે આવી સ્થિતિ આવશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું.

નેક્લા કહે છે, "બાળક જન્મે ત્યારે આપણે ઘણું બધું વિચાર્યું હોય છે અને પછી અચાનક તમે કાટમાળ હેઠળ દટાઈ જાઓ છો."

તેમ છતાં નેક્લા જાણતાં હતાં કે તેમણે યાગીઝની સંભાળ રાખવાની છે. મર્યાદિત જગ્યામાં પણ તેઓ યાગીઝને સ્તનપાન કરાવી શકે તેમ હતાં.

પોતાના માટે પાણી કે ભોજનનો કોઈ સ્રોત ન હતો ત્યારે નેક્લાએ હતાશ થઈને પોતાના સ્તનમાંનું દૂધ પીવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

નેક્લા ઉપરના ભાગમાં થતો ડ્રિલિંગનો અને લોકોના પગલાંનો અવાજ સાંભળી શકતાં હતાં, પરંતુ એ અવાજ દૂરથી આવતો હોય એવું લાગતું હતું.

આખરે તેમણે, બહારનો અવાજ નજીક ન આવે ત્યાં સુધી, પોતાની ઊર્જા બચાવવાનો અને મૌન રહેવાનો નિર્ણય કર્યો હતો.

બીજા દીકરાને છાતીએ વળગાડીને તેઓ તેમના પરિવાર વિશે સતત વિચાર કરતાં હતાં. મોટો દીકરો અને પતિ કાટમાળમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. ભૂકંપમાં અન્ય પરિવારજનોનું શું થયું હશે તેની ચિંતા પણ તેમને થતી હતી.

પોતે કાટમાળમાંથી બહાર આવશે એવું નેક્લાએ વિચાર્યું ન હતું, પણ યાગીઝની હાજરીએ તેમને આશાન્વિત રહેવાનું કારણ આપ્યું હતું.

યાગીઝ મોટાભાગે ઊંઘતો રહેતો હતો અને રડતાં ઊઠતો હતો ત્યારે નેક્લા તેને, તે શાંત ન થઈ જાય ત્યાં સુધી સ્તનપાન કરાવતાં હતાં.

line

અદભુત બચાવ

તુર્કી સીરિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EKREM IMAMOGLU

90 કલાકથી વધુ સમય સુધી કાટમાળ નીચે રહ્યા બાદ નેક્લાને કુતરાના ભસવાનો અવાજ સંભળાયો હતો. તેને લાગ્યું કે આ સપનું તો નથીને!

કુતરાના ભસવાનો અવાજ નજીકને નજીક આવી રહ્યો હતો.

બહારથી અવાજ આવ્યો, "તમે સલામત છો? હા કહેવા માટે એક વખત ટકોરા મારો. તમે ક્યા એપાર્ટમેન્ટમાં રહો છો?"

બચાવકર્મીઓએ નેક્લાને શોધી કાઢ્યાં હતાં.

બચાવકર્મીઓએ નેક્લાને શોધવા માટે કાળજીપૂર્વક ખોદકામ કર્યું હતું, કારણ કે નેક્લાએ યાગીઝને પકડી રાખ્યો હતો. ટોર્ચનો ચમકતો પ્રકાશ નેક્લાને નજરે પડ્યો હતો અને અંધારું ભેદાઈ ગયું હતું.

યાગીઝની વય કેટલી છે, એવું ઈસ્તાંબુલ સુધરાઈના અગ્નિશામકદળની બચાવ ટુકડીએ પૂછ્યું ત્યારે નેક્લા જવાબ આપી શક્યાં ન હતાં. તેઓ એટલું જ જાણતા હતા કે ધરતીકંપ થયો ત્યારે યાગીઝ દસ દિવસનો હતો.

યાગીઝને બચાવકર્મીઓને હવાલે કર્યા બાદ નેક્લાને એક સ્ટ્રેચરમાં બહાર કાઢવામાં આવ્યાં હતાં. મોટા ટોળામાં ઘણા લોકો હતા, પરંતુ નેક્લા કોઈ ચહેરાને ઓળખી શક્યાં ન હતાં.

તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવાતાં હતાં ત્યારે તેમણે ખાતરી કરી કે તેમનો મોટો દીકરો પણ બચી ગયો છે.

line

કાટમાળમાંથી બહાર નીકળ્યા બાદ

તુર્કી સીરિયા ભૂકંપ

નેક્લા હૉસ્પિટલે પહોંચ્યાં ત્યારે ત્યાં પરિવારજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પરિવારજનોએ નેક્લાને જણાવ્યું હતું કે તમારા પતિ ઇરફાન અને ત્રણ વર્ષના મોટા દીકરા યિજિત કેરીમને પણ કાટમાળ નીચેથી બચાવી લેવાયા છે, પરંતુ તેમના પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેમને દૂરના અદાના પ્રાંતની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેક્લા અને યાગીઝને કોઈ ગંભીર શારીરિક ઈજા થઈ ન હતી. ડિસ્ચાર્જ આપતા પહેલાં તેમને હૉસ્પિટલમાં 24 કલાક નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.

નેક્લા પાસે પાછા ફરવા માટે ઘર ન હતું, પરંતુ પરિવારના એક સભ્ય તેમને લાકડી તથા તાડપત્રીમાંથી બનાવવામાં આવેલો કામચલાઉ ટેન્ટમાં લઈ ગયા હતા. એવાં 13 તંબુ હતાં અને એમાં આશ્રય લેતાં બધા લોકો તેમના ઘર ગુમાવી ચૂક્યા હતા.

ટેન્ટમાં પરિવારના સભ્યો એકમેકને સધિયારો આપે છે, નાનકડા સ્ટવ પર કૉફી બનાવે છે, ચેસ રમે છે અને કથાઓ કહે છે.

નેક્લા તેમની સાથે જે થયું હતું તેમાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ કહે છે, "મારું જીવન બચાવવા બદલ હું યાગીઝની ઋણી છું. મારો દીકરો આ બધું સહન કરવા જેટલો મજબૂત ન હોત તો હું પણ જીવતી રહી ન હોત."

નેક્લા એટલું જ ઇચ્છે છે કે યાગીઝે તેના સમગ્ર જીવનમાં આવો અનુભવ ફરી ક્યારેય ન કરવો પડે.

નેક્લા કહે છે, "યાગીઝ નવજાત શિશુ છે અને તેને કશું યાદ નથી એ વાતથી હું બહુ ખુશ છું."

ફોનકૉલ આવતાંની સાથે જ નેક્લાના ચહેરા પર સ્મિત ફરી વળે છે. અદાના પ્રાંતની હૉસ્પિટલમાંથી ફોન આવ્યો છે. પલંગ પર પડેલા ઇરફાન અને યિજિત કરીમ સ્મિત કરીને હાથ હલાવે છે.

ઇરફાન સ્ક્રીમ મારફત યાગીઝને સવાલ કરે છે, "હેલ્લો યોદ્ધા, મારો દીકરો મજામાં છેને?"

(પૂરક માહિતીઃ ઇમરાહ બુલુત)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન