તુર્કી, સીરિયા ભૂકંપઃ કાટમાળમાં દબાયેલા લોકો કેટલો સમય જીવતા રહી શકે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, કેજિલ કાસાપોગ્લુ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
તુર્કી અને સીરિયાના કેટલાક પ્રદેશમાં સોમવારે મળસ્કે થયેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં ભોંય ભેગી થઈ ગયેલી ઈમારતોના કાટમાળ હેઠળ ફસાયેલા લોકો માટે સમય બહુ ઝડપથી વીતી રહ્યો છે.
બન્ને દેશની અને વિશ્વભરમાંથી આવેલી બચાવ ટુકડીઓ, જીવનનો સંકેત દેખાય તે દરેક જગ્યાએથી કાટમાળ હટાવવાના પ્રયાસ દિવસ-રાત કરી રહી છે, પરંતુ કાટમાળ હેઠળ દટાયેલો માણસ કેટલો સમય જીવંત રહી શકે?
તેનો આધાર ઘણી બાબતો પર છે, એવું નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું. તેમાં ઇમારત ધરાશાયી થઈ એ વખત જે તે વ્યક્તિ ક્યાં હતી, હવા-પાણીની ઉપલબ્ધતા, હવામાનની પરિસ્થિતિ અને કાટમાળ હેઠળ ફસાયેલી વ્યક્તિની શારીરિક સજ્જતાનો સમાવેશ થાય છે.
મોટા ભાગનો બચાવ આપત્તિના 24 કલાકની અંદર થતો હોય છે, પરંતુ લાંબા સમય સુધી કાટમાળ નીચે ફસાયેલા લોકો બચી ગયા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ ફસાયેલા લોકોને શોધવાનું અને તેમને બચાવી લેવાનું કામ સામાન્ય રીતે દુર્ઘટનાના પાંચ અને સાત દિવસ વચ્ચે બંધ કરી દેતું હોય છે. બચાવ કામગીરી દરમિયાન સતત બે દિવસ સુધી ફસાયેલી કોઈ વ્યક્તિને શોધી ન શકાય ત્યારે આવો નિર્ણય લેવામાં આવતો હોય છે.
તેથી સવાલ એ થાય કે કાટમાળમાં ફસાયેલી વ્યક્તિ જીવંત રહેવાનો આધાર કયાં પરિબળો પર હોય છે?

જાગૃતિ અને તૈયારી

ઇમેજ સ્રોત, EPA
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભૂકંપ ક્યારે થશે કે ઈમારત ક્યારે તૂટી પડશે તેની આગાહી કરવાનું આસાન નથી, પણ કટોકટીની આવી પરિસ્થિતિમાં જીવંત રહેવા માટે વ્યક્તિ કેવી પોઝિશન લે છે તે મહત્ત્વનું હોય છે.
વ્યક્તિએ પસંદ કરેલી યોગ્ય જગ્યા કાટમાળ હેઠળ તેનું રક્ષણ કરી શકે અને તેને હવા પણ મળી રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટર્કીના સૌથી મોટા સિવિલ સોસાયટી અને બચાવ સંગઠન ટર્કીશ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઍસોસિયેશન (અકુત)ના સંયોજક મુરાત હારુન ઓન્ગોરેને કહ્યું હતું કે "ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ પોઝિશન લઈ લેવાથી બચવાની મોકળાશ સર્જાશે, હવા મળતી રહેશે."
ડ્રોપ, કવર ઍન્ડ હોલ્ડનો અર્થ સમજી લેવો જરૂરી છે. ડ્રોપ એટલે ગોઠણભેર જમીન પર બેસી જવું, ટેબલ કે કશુંક મજબૂત હોય તેની નીચે ઘૂસીને તમારી જાતને કવર કરવી અને હોલ્ડ એટલે આંચકા થંભે નહીં ત્યાં સુધી કશુંક ઝકડી રાખવું.
તેમણે કહ્યું હતું કે "(ભૂકંપ જેવી આફત ત્રાટકે તે પહેલાં) તાકીદનાં પગલાં બાબતે જાણકારી મેળવવી, તાલીમ લેવી અને જાગૃતિ કેળવવી બહુ જરૂરી છે, પણ તેની મહદઅંશે અવગણના કરવામાં આવે છે. તમે કાટમાળ નીચે દટાયા પછી પણ કેટલો સમય જીવંત રહી શકશો તેનો આધાર એ તાલીમ પર હોય છે."
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી પ્રોગ્રામનાં ટેકનિકલ ઑફિસર ડો. જેત્રી રેગ્મી પણ તૈયારી પર ભાર મૂકે છે.
તેમણે કહ્યું હતું કે "ટેબલ કે મજબૂત ડેસ્ક હેઠળ આશરો લેવાથી જીવંત રહેવાની શક્યતા વધી જાય છે. દરેક આપદા અલગ હોય છે, પરંતુ પ્રારંભિક શોધ તથા બચાવકાર્યનો મોટો આધાર સ્થાનિક સમુદાયની તૈયારીની ક્ષમતા પર હોય છે."

હવા અને પાણી સુધીની પહોંચ

ઇમેજ સ્રોત, EPA
ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાં ફસાયેલા લોકોની જીવંત રહેવા માટે હવા તથા પાણીનો પુરવઠો મહત્ત્વનો હોય છે. કાટમાળમાં ફસાયેલી વ્યક્તિ કેટલા પ્રમાણમાં ઈજા થઈ છે એ પણ મહત્ત્વનું છે, કારણ કે એવી વ્યક્તિના શરીરમાંથી લોહી વહેતું હોય તો 24 કલાક પછી તેના બચાવની શક્યતા ધૂંધળી થઈ જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બચી ગયેલી વ્યક્તિને ગંભીર ઈજા ન થઈ હોય અને તેને શ્વાસ લેવા માટે સરળતાથી હવા મળતી હોય તો તેને પૂરતા પ્રમાણમાં પાણી મળતું રહે તે જરૂરી છે.
અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના ઈન્ટેન્સિવ કેર વિષયના પ્રોફેસર રિચર્ડ એડવર્ડ મૂને કહ્યું હતું કે "પાણી અને ઓક્સિજનનો અભાવ અસ્તિત્વ માટેની નિર્ણાયક બાબતો છે. પુખ્ત વયની દરેક વ્યક્તિ રોજ 1.2 લિટર પાણી પેશાબ, શ્વાસોશ્વાસ તથા પરસેવા મારફત ગુમાવતી હોય છે. કોઈ વ્યક્તિના શરીરમાંથી આઠ કે તેથી વધુ લિટર પાણી ઓછું થાય ત્યારે તે ગંભીર રીતે બીમાર પડે છે."
કેટલાક અનુમાન સૂચવે છે કે લોકો પાણી પીધા વિના ત્રણથી સાત દિવસ સુધી જીવી શકે છે.

ઈજાનું પ્રમાણ

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ વ્યક્તિને માથામાં ઈજા કે અન્ય કોઈ ગંભીર ઈજાઓ થઈ હોય અને તેને શ્વાસ લેવા માટે જરૂરી મોકળાશ ન હોય તો તેની આપત્તિ પછીના દિવસે બચવાની તક ઓછી હોય છે.
ડૉ. રેગ્મીના જણાવ્યા અનુસાર, ઈજાની તીવ્રતાનું મૂલ્યાંકન બહુ મહત્ત્વનું હોય છે.
તેમણે કહ્યું હતું કે "કરોડરજ્જુ, માથામાં કે છાતીમાં ઈજા થઈ હોય તેવા લોકો, તેમને એક્યૂટ ટ્રોમા હૉસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યાં સુધી જીવંત ન રહે તે શક્ય છે."
ઈજાને કારણે બહુ લોહી વહી ગયું હોય, હાડકાં ભાંગ્યા હોય અથવા શરીરમાં ઊંડા ઘા પડ્યા હોય તેવા કિસ્સામાં મૃત્યુની સંભાવના વધી જાય છે.
ડૉ. રેગ્મીના જણાવ્યા અનુસાર, વ્યક્તિને બચાવી લેવામાં આવે એ પછીની તેની સારવારની વ્યવસ્થા પણ એટલી જ મહત્ત્વની હોય છે.
"જે લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હોય તેઓ પણ ક્રશ સિન્ડ્રોમને કારણે મૃત્યુ પામી શકે છે. સામાન્ય રીતે ધરતીકંપ જેવી આપદામાં કે જે વ્યક્તિ પડી ગઈ હોય અથવા કાટમાળમાં ફસાયેલી હોય તેવા કિસ્સામાં આવું થતું હોય છે."
ડૉ. જેત્રી રેગ્મીએ જણાવ્યું હતું કે કાટમાળના વજન સ્નાયુઓને નુકસાન થવાને અથવા શરીરમાં ઝેર ફેલાવાને કારણે ક્રશ સિન્ડ્રોમની પરિસ્થિતિ સર્જાય છે. કાટમાળ દૂર કરવામાં આવે પછી શરીરમાં ઝેર પ્રસરે છે અને તેની આરોગ્ય પર માઠી અસર થાય છે.

આબોહવા અને હવામાનની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, TWITTER
જે વિસ્તારમાં દુર્ઘટના થઈ હોય તે વિસ્તારમાંની આબોહવા કેવી છે તેના પર, ઈજાગ્રસ્ત વ્યક્તિ કેટલો સમય જીવંત રહેશે તેનો આધાર હોય છે.
પ્રોફેસર મૂનના જણાવ્યા મુજબ, તુર્કીમાંના હાલના આકરા શિયાળાને લીધે પરિસ્થિતિ વણસી શકે છે.
તેમણે કહ્યું હતું કે "સામાન્ય પુખ્ત વ્યક્તિ, શરીરની ગરમી જાળવી રાખવાની ક્ષમતા ગુમાવ્યા વિના, 21 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા નીચા ઉષ્ણતામાન સામે ઝીંક ઝીલી શકે છે, પરંતુ તેનાથી વધારે ઠંડી હોય તો ચિત્ર પલટાઈ જાય છે." એ તબક્કે શરીરનું તાપમાન આસપાસના તાપમાનને જ અનુસરે છે.
પ્રોફેસર મૂને કહ્યું હતું કે "હાયપોથર્મિયા કઈ ઝડપે થશે તેનો આધાર વ્યક્તિ કેટલી અલગ-અલગ છે અથવા તેનો આશ્રય કેટલો સલામત છે તેના પર હોય છે, પરંતુ આખરે ઓછી નસીબદાર લોકો પૈકીના ઘણાને આ પરિસ્થિતિમાં હાયપોથર્મિયા થાય છે."
તેનાથી વિપરીત ઉનાળામાં, ઢંકાયેલો વિસ્તાર બહુ જ ગરમ હોય તો માણસના શરીરમાંથી પાણી ઝડપભેર ઘટી જાય છે અને તેનાથી તેના બચવાની શક્યતા ઓછી થઈ જાય છે.

માનસિક શક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આપદા વખતે ટકી રહેવાની માણસની ક્ષમતા સંદર્ભે માનસિક સ્વસ્થતા અને જાત પરના અંકુશને નજર અંદાજ કરવામાં આવે છે.
ઇચ્છાશક્તિ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની માનસિકતા વ્યક્તિના જીવંત રહેવા માટે નિર્ણાયક બની શકે છે.
મુરાત હારુત ઓન્ગોરેને કહ્યું હતું કે "ડર એ કુદરતી પ્રતિક્રિયા છે, પણ આપણે ગભરાવું ન જોઈએ. ટકી રહેવા માટે વ્યક્તિએ માનસિક રીતે મજબૂત બનવું જોઈએ."
એ માટે દૃઢ નિર્ધાર અનિવાર્ય હોય છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે "ભયની લાગણીને દૂર હટાવવાના અને જાત પર અંકુશ મેળવવાના પ્રયાસ જરૂરી છે. એવું વિચારવું જોઈએ કે હું ફસાયો છું તે ઠીક છે, પણ મારે જીવંત રહેવાનો માર્ગ શોધવાનો છે. આવું વિચારશો તો બૂમબરાડા અને શારીરિક હિલચાલ ઓછાં થશે. તમારી ઈન્દ્રિયો અને ગભરાટ પર નિયંત્રણ મેળવીને ઊર્જા બચાવવી જોઈએ."

આપદામાંથી ઊગરવાના સંઘર્ષની કથાઓ

ઇમેજ સ્રોત, REFIK TEKIN/EPA-EFE/REX/SHUTTERSTOCK
દક્ષિણ કોરિયામાં 1995માં થયેલા ભૂકંપના દસ દિવસ પછી કાટમાળમાંથી એક વ્યક્તિને જીવંત બહાર કાઢવામાં આવી હતી. તેઓ વરસાદનું પાણી પીને અને પૂઠું ખાઈને જીવતી રહી હતી. પોતાનું દિમાગ સક્રિય રાખવા માટે તે બાળકોનાં રમકડાં વડે રમતી રહી હતી.
બાંગ્લાદેશમાં મે, 2013માં એક મહિલાને ફેક્ટરી બિલ્ડિંગના કાટમાળ હેઠળથી દુર્ઘટનાના 17 દિવસ બાદ જીવંત બહાર કાઢવામાં આવી હતી. બહાર આવ્યા પછી એ મહિલાએ કહ્યું હતું કે "મને બચાવ કાર્યકરોના અવાજ અનેક દિવસ સુધી સંભળાયા હતા. હું તેમનું ધ્યાન ખેંચવા માટે લાકડી વડે કાટમાળ તથા રસ્તા પર ફટકા મારીને સતત અવાજ કરતી હતી, પણ એ અવાજ કોઈએ સાંભળ્યો ન હતો. મેં 15 દિવસ સુધી સુકો ખોરાક ખાધો હતો. છેલ્લા બે દિવસ તો પાણી સિવાય બીજું કશું લીધું ન હતું."
હૈતીમાં જાન્યુઆરી, 2010માં થયેલા ભૂકંપમાં 2,20,000થી વધારે લોકો માર્યા ગયા હતા, પણ એક માણસ દુર્ઘટનાના 12 દિવસ પછી એક દુકાનના કાટમાળ હેઠળથી જીવંત મળી આવ્યો હતો. એ પછી બીજો માણસ 27 દિવસ પછી કાટમાળ હેઠળથી જીવંત મળી આવ્યો હતો.
પાકિસ્તાનના કાશ્મીરમાં ધરતીકંપના બે મહિના પછી ઑક્ટોબર, 2005માં નક્શા બીબી નામનાં 40 વર્ષનાં મહિલાને તેમને રસોડાના કાટમાળમાંથી જીવંત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
તેમના સ્નાયુ જકડાઈ ગયાં હતાં અને તેમની હાલત એટલી નબળી હતી કે તેઓ માંડ ચાલી શકતાં હતાં.
2005માં બીબીસી સાથે વાત કરતાં તેમના પિતરાઈએ કહ્યું હતું કે "પહેલાં તો અમને એવું લાગ્યું હતું કે નક્શા બીબી મૃત્યુ પામ્યાં છે, પણ અમે તેમને કાટમાળમાંથી બહાર કાઢતાં હતાં ત્યારે તેમણે આંખો ખોલી હતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














