તુર્કી સીરિયા ભૂકંપ : ધરતીકંપમાં પણ ન પડે તેવી ઇમારતો બનાવવી શક્ય છે?

ઇમેજ સ્રોત, REUTERS/RONEN ZVULUN
તુર્કીના દક્ષિણ પૂર્વ વિસ્તાર ગાઝિયનટેપમાં સોમવારે એટલે કે છ ફેબ્રુઆરી 2023ની સવારે અચાનક ધરતી હલી અને ત્યાંની ઇમારતો ઝૂલવા લાગી. ભૂકંપ રોકાયો ત્યાં સુધીમાં તમામ ઇમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી.
બાદમાં બચાવકર્મીઓ સામે સૌથી મોટો પડકાર કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો હતો.
તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના આ ભૂકંપના કારણે 28 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત છે.

- તુર્કીના માથે ભૂકંપનો ખતરો ઝળુંબતો રહે છે. 1939થી 1999 વચ્ચે તુર્કીમાં પાંચ મોટા ભૂકંપ આવ્યા છે.
- વર્ષ 1900 બાદ અત્યાર સુધી તુર્કીમાં 76 ભૂકંપ આવી ચૂક્યાં છે, જેમાં 90 હજારથી લોકોનાં મૃત્યુ થયા છે. તેમાંથી અડધા મૃત્યુ તો 1939થી 1999 વચ્ચે થયા છે.
- છેલ્લા બે દાયકામાં વિશ્વમાં જે અન્ય ભયંકર ભૂકંપ આવ્યા છે, તેમાં 2021માં હૈતીમાં આવેલ ભૂકંપ પણ સામેલ છે. તેમાં 2200થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
- ઇન્ડોનેશિયામાં 2018માં આવેલા ભૂકંપમાં 4300થી વધુ લોકો માર્યા ગયા હતા.
- 2017માં અહીં આવેલા અન્ય એક ભૂકંપમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

નુક્સાનમાંથી બોધપાઠ

ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપના કારણે થનારાં મૃત્યુ અને નુક્સાન કુદરતનો એવો પ્રકોપ છે જેને રોકવો મુશ્કેલ છે.
શહેરોને ભૂકંપપ્રૂફ બનાવી શકાય છે. જેને લઈને યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજ સાથે સંકળાયેલાં ડૉ. ઍમિલી સો કહે છે કે ભૂકંપ દરમિયાન ઘણાં લોકોના મૃત્યુ ઇમારતો પડવાથી જ થાય છે.
વિશ્વમાં અલગ-અલગ પ્રકારની ઇમારતો છે. આ ઇમારતોનું પડવું ઘણી બાબતો પર નિર્ભર કરે છે.
તેની સાથે જોડાયેલા સૂક્ષ્મ અવલોકનો વિશે વાત કરતા તેઓ કહે છે કે ઇમારતો ટકાઉ કેમ નથી રહેતી, એ સમજવું જરૂરી છે. જેથી ભવિષ્યમાં તેમને વધુ મજબૂત બનાવી શકાય.
તેઓ કહે છે, "દક્ષિણ કૅલિફોર્નિયા, ઇન્ડોનેશિયા અને જાપાનમાં ભૂકંપની વધુ શક્યતા હોય છે. હિમાલય, નેપાળ, હૈતી અને તહેરાનમાં પણ ભૂકંપની શક્યતા વધુ છે. તહેરાનમાં 90 લાખથી વધુ લોકો રહે છે. ઇસ્તંબુલ પણ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "હું એક સિવિલ ઍન્જિનિયર છું. હું સમાચાર જોઈ રહી હતી. 2005માં પાકિસ્તાનમાં 86 હજાર લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટા ભાગનાં મૃત્યુ ઇમારતો પડવાથી થયાં હતાં. હું અત્યારે જે કામ કરી રહી છું, તેની પાછળની પ્રેરણા એ જ છે કે ઇમારતોને પડવાથી રોકીને લોકોના જીવ બચાવી શકાય."
2005માં પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના બે મહિના બાદ તેઓ તૂટેલી અને વેરવિખેર થયેલી ઇમારતોના કાટમાળ વચ્ચે પાકિસ્તાનમાં હતાં. ડૉ. ઍમિલી પહેલી વખત આવાં દૃશ્યો જોઈ રહ્યાં હતાં.
તેઓ જણાવે છે કે એ તસવીરો ઘણી ભયાનક હતી. પાકિસ્તાન બાદ તેમણે ઇન્ડોનેશિયા, પેરુ, ચીન, ઇટલી, જાપાન અને સમોઆમાં ભૂકંપના પ્રભાવનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે એકઠા કરેલા આંકડા મુજબ આ દેશોમાં ભૂકંપના કારણે બે લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇમેજ સ્રોત, REUTERS/KHALIL ASHAWI
આ દરમિયાન તેમણે વિકાસશીલ દેશોમાં એક જેવો ટ્રૅન્ડ જોયો. જે ચિંતાનું કારણ બની રહ્યો છે.
ડૉ. ઍમિલી કહે છે, "લોકો આધુનિક નિર્માણ સામગ્રીનો ઉપયોગ કરવા માગે છે પરંતુ તેને યોગ્ય રીતે વાપરવા માટે તેમની પાસે હુન્નર કે પૈસા નથી. તેમની પાસે કૉંક્રિટ તો છે પણ ઍન્જિનિયરિંગની જાણકારી નથી. એવામાં ભૂકંપ દરમિયાન આ ઇમારતો પડે છે અને લોકો દટાઈ જાય છે."
આ ઇમારતો એક રીતે સુરક્ષાનો અનુભવ કરાવે છે, પણ હકીકતમાં તે સુરિક્ષત હોતી નથી. ડૉ. ઍમિલી પ્રમાણે ઇમારતની ડિઝાઇન ઘણું મહત્ત્વ ધરાવે છે.
ઍમિલીનું માનીએ તો જે ઇમારતો ઠીક રીતે બની હોતી નથી તેમાં વધુ મૃત્યુ થાય છે.
તેઓ કહે છે, "રહેણાક ઇમારતોની ગુણવત્તાને લઈને એક વાત મહત્ત્વપૂર્ણ છે કે તે વિકસિત દેશોમાં બની છે કે વિકાસશીલ દેશોમાં. ઉદાહરણ તરીકે 1999માં તાઇવાનના ચીચીમાં આવેલા 7.6 તીવ્રતાના ભૂકંપમાં બે હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 2005માં પાકિસ્તાનમાં એટલી જ તીવ્રતાના ભૂકંપમાં 86 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં."
ડૉ. ઍમિલી ચેતવણી આપતા કહે છે કે ભૂકંપ દરમિયાન મૃત્યુનો ખતરો વધી રહ્યો છે. હવે શહેરોની વસતી વધવા લાગી છે. એવામાં સુરક્ષિત ઇમારતો તૈયાર કરવી ઘણી જરૂરી બની ગઈ છે.

ઊંચી ઇમારતો

ઇમેજ સ્રોત, Getty Images
આર્કિટૅક્ટ ડેવિડ મૅલૉટ કહે છે કે ઊંચી ઇમારતો ભૂકંપ દરમિયાન તેમની ઉંચાઈના કારણે વધુ ટકાઉ હોય છે.
વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાંથી કેટલીક ડેવિડે બનાવી છે. તેઓ કહે છે કે ઓછી કે મધ્યમ ઊંચાઈ ધરાવતી ઇમારતો જમીન હલવાને લઈને વધુ સંવેદનશીલ હોય છે. જ્યારે 100 માળની ઇમારત ભૂકંપની અસરથી બહાર હોય છે.
ડેવિડનો જન્મ જાપાનમાં થયો છે અને તેમના કહેવા પ્રમાણે જાપાનમાં ભૂકંપ એ રોજિંદા જીવનનો ભાગ છે.
પણ 11 માર્ચ 2011માં જાપાનમાં સૌથી લાંબા સમય સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની અસરથી ત્સુનામીની લહેરો ઊઠી. તેણે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટને તબાહ કરી દીધો અને 18 હજાર લોકોના જીવ લીધા હતા.
ડેવિડે હવે જાપાન માટે નવું સપનું જોયું છે. એ વિશે તેઓ કહે છે, "હું એક માઇલ ઊંચી ઇમારત બનાવા માગું છું. અંદાજે 1.6 કિલોમિટર ઊંચું ટાવર. આ વિશ્વની સૌથી ઊંચી ઇમારતથી લગભગ બમણી ઊંચી હશે. તેમાં અંદાજે 250 માળ હશે."

ઇમેજ સ્રોત, REUTERS/EMILIE MADI
તેઓ જણાવે છે કે આ ઇમારતમાં એક સાથે આશરે 50 હજાર લોકો રહી શકશે. એક રીતે એ આકાશમાં વસેલું શહેર હશે.
જોકે, ડેવિડ કહે છે કે આ ઇમારત સુરક્ષિત હશે. તેઓ જણાવે છે, "હું 15 વર્ષથી ઊંચી ઇમારતો પર કામ કરું છું. મેં સૌથી પહેલા જે ઇમારત બનાવી, એ છે શાંઘાઈ વર્લ્ડ ફાઇનાન્સિયલ સેન્ટર. તેની ઉંચાઈ 492 મીટર છે. વર્ષ 2008માં સિચુઆનમાં આવેલા ભૂકંપની શાંઘાઈ પર પણ અસર પડી હતી. ત્યારે પણ આ ઇમારતને કંઈ થયું ન હતું. ભૂકંપ દરમિયાન આ ટાવરનો ઉપલો ભાગ લગભગ એક મીટર હલ્યો હતો."
એક રીતે આ ઘણું વધારે લાગે છે પણ ડેવિડ કહે છે કે જ્યારે તમને ખબર પડે કે આ ઇમારત આશરે પાંચસો મીટર ઊંચી છે, તો એક મીટર ઘણું નાનું લાગે છે.
બીજી વાત એ છે કે એ સૌથી ઉત્કૃષ્ઠ ડિઝાઇન અને સામગ્રીથી તૈયાર થાય છે. તેના માટે ઘણા પૈસાની જરૂર પડે છે અને કોઈ એવું નહીં ઇચ્છે કે તે કાટમાળમાં પરિણમે.
ડેવિડ કહે છે, "આ ઇમારતો 100થી 200 વર્ષ સુધી ટકી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. માળખાની ડિઝાઇન તૈયાર કરવાથી લઈને તેને ટેસ્ટ કરવા પાછળ જે ખર્ચ થાય છે તે સમુદ્રમાં પાણીના એક ટીપા સમાન છે."
ડેવિડ જણાવે છે કે વધુ સારી ડિઝાઇન અને સખત પરીક્ષણથી તૈયાર થયેલી ઊંચી ઇમારતોને ઘણા અંશે ભૂકંપપ્રૂફ બનાવી શકાય છે.

પ્રયોગ અને તેનાં પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
આર્કિટૅક્ટ માર્ટિન શિલ્ડકૅમ્પ કહે છે, "આપણે જાપાનની તમામ ગગનચુંબી ઇમારતોની ગણતરી કરી શકીએ છીએ પણ ભારતમાં આ પ્રકારની ઇમારતોની ગણતરી કરવી મુશ્કેલ છે. યોગ્ય રીતે નિર્માણ ન થઈ હોય એવી ઇમારતોની અને ભૂકંપ દરમિયાન તેમની કેવી સ્થિતિ હશે એ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી."
માર્ટિનની સંસ્થા સ્માર્ટ શૅલ્ટર સસ્તા ઘર તૈયાર કરે છે. માર્ટિન કહે છે કે જો તમારી પાસે અઢળક પૈસા હોય તો તમે શહેરને ભૂકંપપ્રૂફ બનાવી શકો છો. પણ તેની પાછળ ખર્ચો કરનારા તાકતવર લોકોનું જૂથ નથી. કારણ કે તેમાં કરેલું રોકાણ ક્યારેય પાછું આવવાનું નથી.
માર્ટિન જણાવે છે કે તેમણે નેપાળમાં ભૂકંપપ્રૂફ સ્કૂલ બનાવી છે પણ શું ભૂકંપ દરમિયાન તેનું પરીક્ષણ થયું છે?
તેઓ કહે છે, "નેપાળમાં 2015માં આવેલા ભૂકંપ દરમિયાન અમારી ઇમારતોમાં એક તિરાડ પણ નહોતી પડી. આ ઇમારતો ભૂકંપના કેન્દ્રથી લગભગ 70 કિલોમિટર દૂર છે. જેને વધુ અંતર ન કહી શકાય."
"સત્ય એ પણ છે કે તે જે વિસ્તારમાં છે, ત્યાં કાઠમાંડુ જેવી તબાહી થઈ નહોતી. પણ હું એમ પણ કહી શકું છું કે જો અમારી સ્કૂલ કાઠમાંડુમાં હોત, તો પણ ટકીને રહેતી. એ વાત પણ સાચી છે કે તેનું પરીક્ષણ થઈ ચૂક્યું છે."
માર્ટિન એક રહસ્ય પરથી પડદો હઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ કહે છે કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ઘણી વખત જોવા મળે છે કે એક ઇમારત સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે પણ તેને અડીને આવેલી અને આબેહૂબ તેની જેમ જ બનેલી અન્ય ઇમારત મજબૂતીથી ઊભી રહે છે.

ઇમેજ સ્રોત, REUTERS/KHALIL ASHAWI
તેનું કારણ શું છે, એ સમજવા માટે તેમણે એક રિસર્ચ નેટવર્ક તૈયાર કર્યું. તેઓ જાણવા માગતા હતા કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સામગ્રીને કેવી રીતે વધુ સારી બનાવી શકાય?
તેઓ કહે છે, "દાખલા તરીકે પથ્થર, લાકડી અને ઈંટો. આપણે સમગ્ર વિશ્વમાં તેને જોઈએ છીએ. આપણે મૂળ રૂપે તેને લઈએ અને સ્થાનિક સ્તરે તેમાં થોડા ફેરફાર કરી લઈએ તો મને લાગે છે કે ઘણે દૂર જઈ શકીએ છીએ."
તેઓ નેપાળનું ઉદાહરણ આપે છે. જ્યાં ઇમારતમાં એક વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવે છે. ત્યાં સ્ટીલના તારને ગૂંથીને તેમાં પથ્થરો ભરવામાં આવે છે અને તેને પહાડના કિનારા પર લગાવવાની જગ્યાએ દિવાલમાં લગાવવામાં આવે છે. આમ કરવાથી સિમેન્ટની જરૂરિયાત રહેતી નથી. પરંતુ કેટલાક પ્રયોગો પણ થઈ રહ્યા છે જેને તેઓ રદિયો આપે છે.
માર્ટિન કહે છે કે શિલ્ડકૅમ્પમાં નેપાળમાં ઘણા પ્રકારના પ્રયોગ જોઈ રહ્યો છું. ત્યાં લોકો રેતી, ઘાસના ઢગલાં અને પ્લાસ્ટિકની બૉટલોનો ઉપયોગ નિર્માણકાર્યમાં કરી રહ્યા છે.
તેઓ કહે છે, "તેનાંથી નિર્માણકાર્યમાં ઝડપ આવે છે પણ હું સંપૂર્ણપણે તેના વિરોધમાં છું. તે લોકો એક વખત પોતાનું ઘર ગુમાવી ચૂક્યાં છે. તેમના આંગણામાં આવા પ્રયોગો ન થવા જોઈએ. આવું યુનિવર્સિટીના સુરક્ષિત માહોલમાં થવું જોઈએ. પહેલાં આપણે એ જાણવું જોઈએ કે શું આ કામ કરશે, બાદમાં નેપાળના ગામોમાં આ પ્રકારે હજારો ઘર બનાવવા વિશે વિચારવું જોઈએ."
માર્ટિન કહે છે કે ગરીબ દેશો વધુ સારી સ્થિતિ હાંસલ કરી શકે છે, પણ તેના માટે યોગ્ય પગલાં લેવા પડશે.

તૈયારીના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપથી થનારા તમામ નુક્સાનને રોકવાની પ્રક્રિયા ઘણી મોંઘી છે. પણ નુક્સાનને સીમિત કરવું શક્ય છે. શરત માત્ર એ છે કે તેના માટે સમય અને પ્રયાસ બંનેની જરૂર પડે છે.
ભૂકંપ વૈજ્ઞાનિક ડૉ. લૂસી જોન્સનો મત છે કે ઘણા ઓછા લોકોને એ વાતની ચિંતા હોય છે કે ભૂકંપનો એક જોરદાર ઝટકો મોટી તબાહી મચાવી શકે છે.
તેમણે વર્ષ 2008માં સંભવિત ખતરાને લઈને લોકોનો મત બદલવા માટે એક મોટો પ્રયત્ન કર્યો હતો. લૂસી કહે છે કે તેમણે જે સ્થિતિની કલ્પના કરી હતી, તેમાં જો ભૂકંપનો ઝટકો અંદાજે 50 સેકન્ડનો હોય તો દક્ષિણ કૅલિફોર્નિયાનો મોટો ભાગ પ્રભાવિત થશે.
તેઓ કહે છે, "આ વિસ્તારમાં કૅલિફોર્નિયાની લાઇફલાઇન સમાન ફ્રીવેઝ, રેલવે અને પ્રાકૃતિક ગેસ છે. લૉસ એન્જલસની રિફાઇનરીમાંથી પૅટ્રોલિયમ પદાર્થ નવાડા અને ઍરિઝોના જાય છે. વિજળી અને પાણીની લાઇનો પણ તેમાં સમાવિષ્ટ છે."
તેઓ કહે છે, "જે સમયે ગેસ લાઇન બ્રેક થાય છે, તે જ સમયે પેટ્રોલિયમની પાઇપલાઇન પણ ફાટી જાય છે. જગ્યા પણ અલગઅલગ હોય છે. તમે તેને એક જ જગ્યાએ બનાવી છે. તેનાંથી રેલવે અને અવરજવરના અન્ય સાધનો પણ બંધ થઈ જાય છે. પાસમાં ઇલેક્ટ્રિક લાઇન હોવાથી ત્યાં આગ પણ લાગી જાય છે."
"આ આગ કદાચ એક અઠવાડિયા સુધી સળગતી રહેશે કારણ કે તે સમયે અન્ય ભાગોમાં પણ આગ લાગી હશે અને તમામ બચાવકર્મીઓ શહેરમાં લાગેલી આગ બૂઝાવવામાં વ્યસ્ત હશે."

ઇમેજ સ્રોત, REUTERS/EMILIE MADI
ડૉ. લૂસીએ જે સંભવિત તસવીરો રજૂ કરી, તેણે ઘણા લોકોને ચોંકાવી દીધા. તેમાં સરકારના લોકો પણ સામેલ હતા. લૉસ એન્જલિસના મેયરે લૂસીને પોતાની સાથે જોડ્યા. મેયરે તમામ જૂની ઇમારતોનું રિનોવેશન અનિવાર્ય કરી દીધું.
તેમણે કહ્યું, "1950 અને 1960ના દાયકામાં નિર્માણની જે રીતો હતી. એ મુજબ બનેલી લગભગ 1500 ઇમારતો માત્ર લૉસ એન્જલિસ શહેરમાં હતી."
"જો ભૂકંપના જોરદાર ઝટકા આવે તો તેમાંથી 10થી 20 ટકા ઇમારતો ધ્વસ્ત થઈ શકે તેમ હતી. તેમાં ઘણા કૉંક્રિટનો ઉપયોગ થયો હતો. જેથી વધુ લોકોના જીવ જઈ શકે તેમ હતા. આ ઇમારતોને સુધારવામાં ઘણા પૈસા ખર્ચાય તેમ હતા. જે માટે અમે બિઝનેસ જૂથો પાસેથી મદદ માગી."
ડૉક્ટર લૂસી દ્વારા જાહેર કરાયેલી ભૂકંપની સંભવિત તસવીરો બાદ ઍન્જિનિયરોએ પાણીની લાઇનોને દુરસ્ત રાખવા પર ધ્યાન આપ્યું. તેમણે આગ બૂઝાવવા માટે સમુદ્રના પાણીનો ઉપયોગ કરવાનું વિચાર્યું. આજે વધુ લાખો લોકો ભૂકંપ સાથે જોડાયેલી ડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે.
ડૉ. લૂસી તેને હકારાત્મક દિશામાં એક પગલું માને છે.
આપણે શહેરોને સંપૂર્ણપણે ભૂકંપપ્રૂફ બનાવી શકતા નથી કારણ કે એમ કરવું ઘણું ખર્ચાળ હશે. પણ જો સમજી વિચારીને પૈસા ખર્ચવામાં આવે તો ભૂકંપના ભયને મહદંશે ઘટાડી શકાય છે.
સમસ્યા એ છે કે વિકાસશીલ દેશોમાં જ્યાં આ ખતરો સૌથી વધુ હોય છે, ત્યાં તે વિશે ઘણી ઓછી જાગૃતતા છે.
ભૂકંપના સંભવિત ખતરાવાળા વિસ્તારોમાં અસુરક્ષિત ઇમારતોમાં લોકોની વધતી સંખ્યા સાથે આ ખતરો પણ વધી રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















