કચ્છના ભૂકંપ જેવો વિનાશ તુર્કીમાં વેરાયો, ધરતીકંપ આવે ત્યારે જીવ બચાવવા શું કરી શકો?

ઇમેજ સ્રોત, Getty Images

- ભૂકંપ આવે ત્યારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- તુર્કી અને સીરિયામાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેમાં અત્યાર સુધી 20 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
- તુર્કી સહિત લેબનાન, સીરિયા, સાઈપ્રસ, ઇઝરાયલ અને પૅલેસ્ટાઈનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા
- તુર્કી સહિત આસપાસના વિસ્તાર એક પછી એક કેટલાક આફ્ટરશૉક આવ્યા છે
- તુર્કીમાં 1939થી 1999 સુધીમાં પાંચ મોટા ભૂકંપ આવ્યા હતા

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલો 7.8ની તીવ્રતાનો ભૂકંપ આ દાયકાનો દુનિયાનો સૌથી ભયંકર ભૂકંપ હતો. આ ભૂકંપના કારણે બંને દેશોમાં ચાર હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
આ એવો ભૂકંપ છે જેણે 2001માં ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદ અપાવી દીધી જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. શહેરના શહેર ધ્વસ્ત થઈ ગયા હતા, લાખો બેઘર થયા હતા અને કેટલાયે પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા.
ભારતના અનેક ભાગોની જેમ તુર્કી પણ એક એવો દેશ છે, જ્યાં ભૂકંપનો ખતરો હંમેશાં રહે છે. 1939થી 1999 વચ્ચે તુર્કીમાં પાંચ મોટા ભૂકંપ આવ્યા હતા.
વર્ષ 1900થી અત્યાર સુધીમાં તુર્કીમાં 76 ભૂકંપ આવ્યા છે, જેમાં 90 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. તેમાંથી મોટાભાગનાં મૃત્યુ તો 1939થી 1999 વચ્ચે થયાં હતાં.
2021માં હૈતીમાં આવેલો ભૂકંપ છેલ્લા બે દાયકા દરમિયાન દુનિયામાં આવેલો બીજો ભયંકર ભૂકંપમાંનો એક હતો. આ ભૂકંપમાં 2200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
2018માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં 4300થી વધુ લોકો માર્યા ગયા હતા. 2017માં આવેલા વધુ એક ભૂકંપમાં 400થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

ભૂકંપની આગાહી

ઇમેજ સ્રોત, UMIT BEKTAS/Reuters
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આંચકા ક્યાંથી આવશે એ જાણવું શક્ય હોય તો પણ ભૂકંપ ક્યારે આવશે તેની આગાહી કરવાથી આપણે ઘણા દૂર છીએ.
આવી સ્થિતિમાં શું ભૂકંપની સચોટ આગાહી કરી શકાય?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમ્પિરિયલ કૉલેજ લંડનના ભૂકંપ વૈજ્ઞાનિક ડૉક્ટર સ્ટીફેન હિક્સ આ સવાલનો જવાબ અફસોસ સાથે નકારાત્મક આપે છે.
ડૉક્ટર હિક્સ કહે છે કે, "આપણે ભૂકંપની આગાહી કરી શકીએ છીએ. અમે અનુમાન લગાવી શકીએ છીએ. અમેરિકા કે જાપાનમાં કૅલિફોર્નિયા જેવી જગ્યાઓએ ભૂકંપની આગાહી કરવાનું કામ હવે વધતું જઈ રહ્યું છે."
તમે સુરક્ષિત રહેવા માટે શું કરી શકો છો અને તમારે શું ન કરવું જોઈએ?


હંમેશાં તૈયાર રહો

ઇમેજ સ્રોત, Reuters
જોકે ભૂકંપ ક્યારે આવશે, એની આગાહી કરવી સરળ નથી, પરંતુ નિષ્ણાતો કહે છે કે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ. આનો અર્થ એ છે કે તમારી પાસે ભૂકંપનો સામનો કરવા માટે એક યોજના હંમેશાં હોવી જોઈએ.
ડૉક્ટર સ્ટીફેન હિક્સ કહે છે કે, "જ્યાં ભૂકંપ વારંવાર આવતા હોય, તેવા વિસ્તારમાં તમે રહેતા હોવ, તો ત્યારે તમારા ઘરમાં કોઈ પણ કટોકટી માટે એક બૅગ હંમેશાં તૈયાર રાખવી જોઈએ."
તેઓ કહે છે કે, "આ બૅગમાં પાણી, એક ટૉર્ચ, પ્રાથમિક સારવાર કીટ અને કેટલીક ખાદ્યસામગ્રીનો સામાન હોવો જોઈએ. રૅડક્રૉસ અનુસાર, આ કીટમાં લોકોએ કેટલીક રોકડ અને તેમના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે દવાઓના રેકૉર્ડની એક કૉપી પણ રાખવી જોઈએ.
તમે જે ઇમારતમાં રહો છો, એ સુરક્ષિત હોય તો જ તમે ત્યાં રહી શકો.
અમેરિકી સરકારની વૈજ્ઞાનિક સંસ્થા યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપ આવે ત્યારે તમે જ્યાં હોવ ત્યાં જ રહેશો, તો તમને ઈજા થવાની શક્યતા ઓછી રહે છે. તેથી જિયોલૉજિકલ સરવે સલાહ આપે છે કે જ્યારે ભૂકંપ આવે, ત્યારે તમે એક રૂમમાંથી બીજા રૂમમાં ભાગવાનું ટાળવું જોઈએ.
નિષ્ણાતો કહે છે કે તમારી જાતને સુરક્ષિત રાખવાનું માટેનું સૂત્ર છે- 'નીચે ઝૂકી જાવ, પોતાને ઢાંકી દો અને જકડીને પકડી રાખો.'
તમારા પગ અને ઘૂંટણ વડે નીચે ઝૂકી જવાથી તમારા પર પડી રહેલી વસ્તુઓ સામે બચવામાં મદદ મળશે અને જરૂર પડ્યે તમે થોડું આસપાસ ફરી પણ શકો છો. ધ્રુજારી ચાલુ હોય ત્યારે બચવા માટે અન્ય કોઈ જગ્યા ન હોય અને તમે કોઈ ટેબલ અથવા બૅન્ચ નીચે હોવ તો એ વસ્તુને જ પકડીને બેસી રહો.
ભૂકંપથી બચવાનો વધુ એક ઉપાય દરવાજાની ખૂબ નજીક ઊભા રહેવું જોઈએ. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો તમે કોઈ જૂના મકાનમાં રહો છો, તો તમારા માટે ટેબલ નીચે બેસવું સૌથી શ્રેષ્ઠ ઉપાય હશે.
ભૂકંપ આવે ત્યારે હંમેશા મકાનની બારીઓ અને છત સૌથી પહેલાં પડે છે. એવામાં એજ સલાહ આપવામાં આવે છે કે તમે આ ખતરનાક જગ્યાઓથી દૂર જ રહો.

જ્યારે સૌથી વધારે સલામતી અનુભવો, ત્યારે બહાર જાવ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
જ્યારે ધ્રુજારી બંધ થઈ જાય, ત્યારે તમારી માટે ઇમારતમાંથી બહાર નીકળી જવું જ સૌથી શ્રેષ્ઠ હોય છે, કારણ કે ઇમારત ઢળી પડવાનું જોખમ વધુ હોય છે.
જ્યારે ભૂકંપ આવે ત્યારે તમે બહાર હોવ તો શું કરવું જોઈએ?
નિષ્ણાતો કહે છે કે, "તમે જ્યાં હોવ, ત્યાં જ ઊભા રહો. કારણ કે ઇમારતો, વીજળી અને ફોન-કેબલના થાંભલા, તેલ અને ગૅસની પાઇપલાઇનોથી દૂર ભાગવાથી તમને ઈજા થવાનું જોખમ વધી જાય છે. જ્યાં ટેલિફોન અને વીજળીના થાંભલા ન હોય, કોઈ ઇમારત ન હોય એવા ખુલ્લા વિસ્તારમાં જતા રહો, એજ તમારા માટે સારું રહેશે. "


જોખમથી દૂર રહો

અર્થક્વેક કન્ટ્રી ઍલાયન્સ અનુસાર, મોટાભાગના લોકોને ઈજા થવાની અને મૃત્યુની ઘટનાઓ ટીવી, લૅમ્પ, અરીસા અને પુસ્તકોના કબાટ જેવા સામાનોના પડવાથી થાય છે.
આવી વસ્તુઓથી બચવાનો એક ઉપાય એ પણ હોઈ શકે છે કે, તમે તમારા ભારે ભરખમ ફર્નીચરને દિવાલ સાથે તારોથી બાંધીને રાખો.
તૂટેલી પાઇપમાંથી ગૅસ લીક થવાના કારણે જીવને જોખમ થઈ શકે છે.
ડૉક્ટર સ્ટીફેન હિક્સ તેના માટે 1906માં અમેરીકાના સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભૂકંપને ટાંકીને લખે છે, જેમાં ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
તેઓ જણાવે છે કે, "એ ઘટનામાં મોટાભાગનાં મૃત્યુ ભૂકંપના કારણે ઇમારતોના હલવા અથવા પડવાથી નહીં, પણ ગૅસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થવાનાં કારણે થયાં હતાં."
ડૉક્ટર હિક્સ સલાહ આપે છે કે, "લોકોએ કોઈ પણ જ્વલનશીલ સામાનથી દૂર જ રહેવું જોઈએ."
ડૉક્ટર હિક્સ ભૂકંપ સામે લડવાની તૈયારીઓની કવાયત પર પણ વધુ ભાર મૂકે છે.
તેઓ કહે છે કે, "ભૂકંપ આવવાથી ઘણા દેશોમાં શું કરવું જોઈએ, આ શીખવવા માટે નિયમિત રીતે રિહર્સલ કરવામાં આવે છે અને તેમાં દરેક વ્યક્તિએ સામેલ થવાનું હોય છે. પરંતુ તુર્કીના જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે, ત્યાં કદાચ એવું કંઈ કરવામાં આવ્યું ન હતું. કારણ કે તુર્કીના એ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ ભૂકંપ આવ્યો ન હતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














