તુર્કી : "હું જીવતી છું?", ભૂકંપના કાટમાળ તળેથી જ્યારે બે બહેનોને જીવતી કાઢવામાં આવી

તુર્કી ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાટમાળમાંથી કાઢવામાં આવ્યા બાદ મર્વીએ પૂછ્યું, "શું હું જીવિત છું?"
    • લેેખક, નફીસે કોહનાવર્દ
    • પદ, બીબીસી પર્શિયન

'મર્વી! ઈરમ! મર્વી!' તુર્કીમાં ભૂકંપ બાદ લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢી રહેલા બચાવકર્મી મુસ્તફા જોરશોરથી કહી રહ્યા છે.

એ સ્થળે ઊભેલા બધા લોકોને ચૂપ રહેવા કહેવાયું છે. રાહતકર્મીઓની ટીમ ત્યાં કાટમાળ હેઠળ દબાયેલી બે બહેનની શોધ કરી રહી છે. કાટમાળ તળેથી કાઢવામાં આવેલા કેટલાક લોકોનું કહેવું છે કે એ બહેનો હજુ પણ કાટમાળના ઢગલા નીચે જ છે.

બચાવકર્મી સંવેદનશીલ યંત્ર વડે બન્ને બહેનનો અવાજ સાંભળવા માટે સંપૂર્ણપણે સતર્ક છે. દરેકના મનમાં આશા બંધાયેલી છે.

એ સમયે અવાજ આવે છે. મુસ્તફા કહે છે કે "ઇરમ, મારી દીકરી. હું તારી બિલકુલ નજીક છું. તને મારો અવાજ સંભળાય છે?"

આ કામગીરી નિહાળતા લોકોને કોઈ અવાજ સંભળાતો નથી, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાટમાળ નીચેથી છોકરીઓ જવાબ આપી રહી છે. બહાર છોકરીઓનું એક નાનું ટોળું ચૂપચાપ રાહ જોઈ રહ્યું છે.

મુસ્તફા અચાનક કહે છે કે "તમે કમાલ કરો છો. હવે બિલકુલ શાંત રહો અને મારા સવાલના જવાબ આપો. અરે વાહ, એ રહી મર્વી. મર્વી ડિયર. માત્ર મારી વાતનો જવાબ આપો."

24 વર્ષનાં મર્વી અને તેમના 19 વર્ષનાં બહેન ઈરમ દક્ષિણ તુર્કીના અંતકાયામાં એક ઍપાર્ટમેન્ટના કાટમાળ નીચે દટાયેલા હતાં. ભૂકંપને કારણે ઍપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધરાશયી થઈ ગયું હતું. ભૂકંપને હજુ બે દિવસ જ થયા છે, પરંતુ તેમને એવું લાગતું હતું કે જાણે અઠવાડિયાઓ પસાર થઈ ગયાં હોય.

મુસ્તફા તેમને હિમંત આપતાં કહે છે કે "નહીં દીકરી, આજે બુધવાર છે. તમે 14 દિવસથી કાટમાળ હેઠળ ફસાયેલા નથી. મને માત્ર પાંચ મિનિટ આપો. હું તમને બહાર કાઢીશ."

મર્વી અને ઈરમને રાહત થાય છે. હવે તો તેઓ મસ્તી-મજાક પણ કરી રહ્યાં છે. હું મુસ્તફાના ચહેરા પર સ્મિત જોઈ શકું છું.

line

'ડરશો નહીં, અમે તમને છોડીને નહીં જઈએ'

તુર્કીમાં ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

બચાવકર્મીઓના અનુમાન મુજબ, બન્ને છોકરીઓ તેમનાથી બે મીટર દૂર છે, પરંતુ રાહત ટુકડીના કમાન્ડર જણાવે છે કે કોન્ક્રિટમાં ભોંયરુ બનાવવા માટે બહુ સતર્ક રહેવું જરૂરી હોય છે. આ કામ બહુ મુશ્કેલ છે. એક ખોટું પગલું ભયાનક સાબિત થઈ શકે છે.

બહેનોને બહાર કાઢવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એક બુલડોઝર લાવવામાં આવે છે. તે કોન્ક્રિટના સ્લેબને થોડી ઉચાં કરીને પકડી રાખે છે, જેથી આખી ઇમારત સંપૂર્ણપણે ધસી ન પડે. એ દરમિયાન ખોદકામ શરૂ થઈ જાય છે.

મુસ્તફા કહે છે કે "છોકરીઓ, હવે ટૂંક સમયમાં હું તમને ધાબળો આપીશ." પરંતુ બહેનો અંદરથી કહે છે કે "અરે નહીં. તમે ચિંતા ન કરો. અમને ઠંડી લાગતી નથી અને અમે થાકેલાં પણ નથી."

મુસ્તફાના કહેવા મુજબ, મર્વીના રાહતકર્મીઓ પરિસ્થિતિ બાબતે ચિંતિત છે. રાતના સાડા આઠ વાગ્યા છે અને બહુ ઠંડી છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તાર સૌથી ઠંડા વિસ્તારો પૈકીનો એક છે.

બચાવકર્મીઓ પૂરી તાકાતથી ખોદકામ શરૂ કરે છે. તેઓ કોન્ક્રિટ સ્લેબના મોટા ટુકડાઓ પોતાના હાથેથી ઉઠાવીને દૂર ફેંકી રહ્યા છે, પરંતુ થોડા કલાકોમાં જ અમારા પગ હેઠળની જમીન હલતી જણાય છે. તે એક મોટો આફ્ટરશોક છે. બચાવ અભિયાન રોકવું પડશે. અમે તરત જ એ સ્થળેથી હટી જઈએ છીએ।

હસન કહે છે કે "આ એક મોટું ક્રૂર સત્ય છે, પરંતુ અમારી ટીમની સલામતી સર્વોચ્ચ અગ્રતા છે."

મુસ્તફા બૂમ પાડે છે કે "ડરશો નહીં. ભરોસા રાખજો. અમે તમને છોડીને નહીં જઈએ. હું તમને બહાર કાઢીશ અન પછી આપણે સાથે લંચ કરીશું."

line

આ રીતે થઈ બચાવ કામગીરી

તુર્કી ભૂકંપ

જમીન હલવાને કારણે બચાવકર્મીઓ એ સ્થળેથી ચાલ્યા ગયા બાદ છોકરીઓએ વિચાર્યું હતું કે તેમને મરવા માટે છોડી દેવામાં આવી છે. રાતના બાર વાગ્યાનો સમય થઈ રહ્યો છે. ખોદકામ ફરી શરૂ થઈ ગયું છે. પાછલા કેટલાક દિવસ દરમિયાન બચાવકર્મીઓ ભાગ્યે જ ઊંઘ્યા હશે. ખોદકામ ચાલી રહ્યું છે.

અમે લોકો બાજુની ઇમારત સામે કરવામાં આવેલા તાપણા સામે તાપવા માટે તાપણાની ચારે બાજુ એકઠા થઈ ગયા છીએ. એ દરમિયાન થોડી-થોડી વારે એક અવાજ ગૂંજે છે, "સેસિઝલિક." તેનો અર્થ થાય છે ચૂપ રહો. લાઈટ બંધ થઈ જાય છે. અંધારું છવાઈ જાય છે.

બચાવકર્મીઓએ કોન્ક્રિટના સ્લેબમાં એક નાનું બાકોરું બનાવી લીધું છે. મુસ્તફા ટોર્ચના પ્રકાશમાં છોકરીઓને જોઈ શકે છે કે કેમ એ તેઓ જોઈ રહ્યા છે.

"હા...બિલકુલ બરાબર. હું એક નાનો કૅમેરા સરકાવી રહ્યો છું. એ તમને દેખાય કે તરત મને જણાવજો. પછી હું કહીશ કે તમારે શું કરવાનું છે." અચાનક બધા લોકો ઉત્સાહિત થઈ જાય છે. હસન તેમની ટીમમાં સામેલ થઈ જાય છે, જેથી નાઈટ વિઝન કેમેરા સાથે જોડાયેલી સ્ક્રીનમાં પેલી છોકરીઓને જોઈ શકે.

"તમે બહુ સુંદર છો. વધુ હલચલ ન કરો. ઈરમ કૅમેરાને થોડો ખેંચો, જેથી અમે મર્વીને નિહાળી શકીએ."

સ્ક્રીન પર અમને દેખાય છે કે ઈરમ સ્મિત કરી રહી છે. સારી વાત એ છે કે કોન્ક્રિટથી ઘેરાયેલા હોવા છતાં એ બન્ને માટે પૂરતી જગ્યા બચેલી છે.

હવે દરેકના ચહેરા પર રાહત દેખાઈ રહી છે. છોકરીઓ સારી સ્થિતિમાં છે. કમસે કમ ઈરમ પાસે તો એટલી જગ્યા છે કે બાકોરું મોટું કરી શકાય, જેથી તે પોતે ત્યાંથી સરકીને બહાર નીકળી શકે.

અચાનક બચાવ ટીમ ચિંતિત થઈ જાય છે. મર્વીએ તેમને જણાવ્યું હતું કે તેને ઠંડી લાગે છે. તેના પગ પર કોઈ વજનદાર વસ્તુ પડી છે. બચાવ ટુકડીમાં સામે મેડિકલકર્મી ચિંતિત થઈ ગયા છે. એ લોકો વિચારે છે કે મર્વીના પગમાં ગેંગરીન થઈ ગયું છે કે પછી એ હાઇપોથર્મિયાના પ્રારંભિક લક્ષણ છે?

line

કાટમાળ હેઠળથી બહેનોને કેવી રીતે બહાર કાઢવામાં આવી?

તુર્કીમાં ભૂકંપ

ઇમેજ સ્રોત, NASA/Getty

સવારના પાંચ વાગ્યા છે. ભોંયરું એટલું પહોળું થઈ ગયું છે કે બચાવ ટુકડીમાંનો સૌથી પાતળો માણસ તેમાંથી સરકીને બહેનો સુધી પહોંચી શકે તેમ છે. એ પછીની થોડી ક્ષણોમાં જ એ પાતળો માણસ ઈરમ સુધી પહોંચી જાય છે. તેનો હાથ ઈરમને સ્પર્શે છે.

શર્રીરે કહ્યું કે "મારાં માતાનું શબ મારી સામે પડ્યું છે. તેમાંથી ગંધ આવી રહી છે. અમે યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી. આ છોકરીઓ તેમનાં માતાની લાશ પાસે ઘણા દિવસોથી હતી."

એ ઘટના હચમચાવનારી હતી. તમે તમારાં માતાથી દૂર થવા ઈચ્છો એવો સમય પણ આવી શકે?

હસને ત્યાં તણાવથી ઘેરાયેલી, પરંતુ શાંતિથી ઊભેલી ઈરમ તથા મર્વીની સખીઓને જણાવ્યું કે તેઓ તેમના ફોટોગ્રાફ શેર કરે, જેથી બચાવકર્મીઓને ખ્યાલ આવે કે બન્ને બહેનોને બહાર કાઢવા માટે ભોયરું કેટલું મોટું કરવું પડશે.

સખીઓએ બન્ને બહેનોના ફોટોગ્રાફ્સ દેખાડ્યા. એ કોઈ લગ્ન સમારંભના ફોટોગ્રાફ્સ હતા. બન્ને બહેનો પાર્ટી ડ્રેસ પહેરીને સ્મિત કરતી હતી. હસને કહ્યું, "એકદમ બરાબર. હવે અમે તેમને બહાર કાઢી શકીશું." મેડિકલ ટીમ થર્મલ ધાબળા અને સ્ટ્રેચર સાથે તૈયાર હતી. બધા લોકો રોમાંચિત હતા.

સવારના સાડા છ વાગ્યા હતા. બચાવકર્મીઓનું અભિયાન છેલ્લા તબક્કામાં હતું. પહેલાં ઈરમને બહાર કાઢવામાં આવ્યાં. તેઓ હસી રહ્યાં હતાં. સાથે તેમને રડવું પણ આવતું હતું.

"અલ્લા તમારું ભલું કરે. પ્લીઝ, મર્વીને પણ બહાર કાઢો." ઈરમ બચાવકર્મીઓને વિનંતી કરતાં હતાં.

હસન કહે છે કે "મર્વીને પણ બહાર કાઢીશું. ચિંતા ન કરો. હું વચન આપું છું." જોકે, મર્વીને બહાર કાઢવામાં બચાવકર્મીઓએ વધુ અર્ધો કલાક મહેનત કરવી પડી. કોન્ક્રિટ હેઠળ દબાયેલા તેમના પગ, તેને કોઈ ઈજા ન થાય તે રીતે ખેંચી કાઢ્યા.

line

છેલ્લો કૉલ

તુર્કીમાં ભૂકંપ

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

મર્વીને બહાર કાઢવામાં આવતાંની સાથે જ ત્યાં રાજીપાનું મોજું ફરી વળ્યું હતું. લોકો તાળીઓ વગાડીને ખુશી વ્યક્ત કરવા લાગ્યા. મેં સાંભળ્યું કે મર્વી પીડાને કારણે રડી રહી હતી અને સાથે પૂછતી પણ હતી કે "હું જીવતી છું?"

મુસ્તફાએ સ્મિત કરતાં કહ્યું કે "હા ડિયર. બિલકુલ." બિલ્ડિંગની ચારે તરફ આખી રાત ઊભા રહેલા બહેનોના દોસ્તો સહર્ષ ચિચિયારી પાડી રહ્યા હતા. તેમની આંખમાં આંસુ હતાં.

"મર્વી, ઈરમ, અમે બધા અહીં છીએ. ડરશો નહીં." બહાર કાઢતાંની સાથે જ ઈરમ તથા મર્વીને એમ્બ્યુલન્સ મારફત ફિલ્ડ હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં.

જોકે, આનંદની એ પળો પછી સન્નાટો છવાઈ જાય છે. ફરી એક અવાજ ગૂંજે ઢે. એક બચાવકર્મી બધાને ચૂપ રહેવા કહે છે. તે છેલ્લો કોલ છે. તેઓ કહે છે કે "કોઈને મારો અવાજ સંભળાતો હોય તો જવાબ આપો. તમે જવાબ ન આપી શકો તેમ હો તો સપાટીને સ્પર્શવાનો પ્રયાસ કરો."

હસન એ વાતનો પુનરોચ્ચાર કરે છે. ધરાશયી થયેલી ઈમારતના ખૂણે-ખૂણે જઈને એ વાતનો જોરજોરથી પુનરોચ્ચાર કરવામાં આવે છે.

એ પછી પણ કોઈ જવાબ નથી આવતો ત્યારે કોન્ક્રિટ પર લાલ રંગના સ્પ્રે વડે એક ચિન્હ બનાવવામાં આવે છે. તેમાં એક કોડ મૂકવામાં આવે છે, જેથી બીજી કોઈ બચાવ ટુકડી આ ઈમારતમાં શોધ કામગીરી હાથ ન ધરે.

હસન કહે છે કે "લોકોને બચાવવા તે એક સુંદર અનુભૂતી છે. અમારી દુઆ છે કે કોઈનું મોત ન થાય." આ કહેતી વખતે હસનના મોં પર ઉદાસી સ્પષ્ટ દેખાય છે.

હું તેમને પૂછું છું કે "તમે મર્વી તથા ઈરમ સાથે લંચ કરશો?" તેઓ સ્મિત કરે છે અને કહે છે કે "એક દિવસ અમે એવું કરી શકીશું તેવી આશા છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ બન્ને જીવંત છે અને સારા લોકોની દેખરેખ હેઠળ છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન