પોલીસે ચોરીના અસલી આરોપીને બદલે નિર્દોષને પકડ્યો અને તેનું જીવન ધૂળધાણી થઈ ગયું

ઇમેજ સ્રોત, VK THAJUDHEEN
- લેેખક, અશરફ પદન્ના
- પદ, બીબીસી સંવાદદાતા, ત્રિવેન્દ્રમ, કેરળ
વર્ષ 2018માં કેરળમાં રહેનારા વી કે થજુદ્દીનને ખોટી રીતે ચોર સમજી લેવાયા બાદ 54 દિવસ જેલમાં પસાર કરવાનો વારો આવ્યો હતો. બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોલીસને થયેલી આ ગેરસમજની મોટી કિંમત ચૂકવવી પડી છે, જેને કારણે તેમની જિંદગી વેર-વિખેર થઈ ગઈ છે. તેઓ હજુ પણ ન્યાય માટે લડી રહ્યા છે.
વી. કે. થજુદ્દીનની પોલીસે સીસીટીવી ઇમેજને આધારે નેકલેસ ચોર તરીકે ધરપકડ કરી હતી. એ વખતે તેઓ અન્યત્ર હતા, પરંતુ સાચા ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય તેવા પુરાવા મિત્રો તથા પરિવારજનોના સહકાર વડે શોધ્યા બાદ જ તેઓ ખુદને નિર્દોષ સાબિત કરી શક્યા હતા.
થજુદ્દીનનો અનુભવ અસામાન્ય નથી. આ વર્ષની શરૂઆતમાં એક કામદારના મૃત્યુ માટે પોલીસે આપેલા ત્રાસને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. તે કામદારને પણ સીસીટીવી ઇમેજને આધારે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
તે ઘટનાને પગલે આક્રોશ ફેલાયો હતો અને ભારતીય શહેરોમાં સિક્યૉરિટી કૅમેરા તથા સર્વેલન્સનાં અન્ય સાધનોના વધતા જતા ઉપયોગ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું હતું. કાયદાના અમલીકરણનું કામ કરતી એજન્સીઓ ગુનાઓ ઉકેલવા માટે સીસીટીવી કૅમેરા અને ફેસિયલ રેકગ્નિશન પ્રણાલીનો ઉપયોગ કરતી થઈ છે ત્યારે કર્મશીલો માનવાધિકારના ઉલ્લંઘનની શક્યતા બાબતે ચેતવણી આપી રહ્યા છે.
આ અગ્નિપરીક્ષાને કારણે પોતાને પારાવાર પીડા થઈ હોવાનું થજુદ્દીને જણાવ્યું હતું. થજુદ્દીનની જે અધિકારીએ ધરપકડ કરી હતી તેમની બદલી કરવામાં આવી હતી અને તેનો પગારવધારો રોકી દેવામાં આવ્યો હતો, પરંતુ થજુદ્દીન તે સજાને બહુ હળવી માને છે.

દીકરીનાં લગ્ન માટે ભારત આવ્યા અને પોલીસે પકડી લીધા

ઇમેજ સ્રોત, VK THAJUDHEEN
પોલીસ પાસેથી વળતર મેળવવા અદાલતી લડાઈ લડી રહેલા થજુદ્દીને તેમની આપવીતી એક નવા પુસ્તકમાં શૅર કરી છે. એ પુસ્તકનું સહલેખન પત્રકાર શેવલિન સેબેસ્ટિયને કર્યું છે.
થજુદ્દીનની કથા સાંભળ્યા પછી પોતે આ પુસ્તક માટે કામ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવતા સેબેસ્ટિયને કહ્યું હતું કે, “આવું થજુદ્દીન સાથે થયું તો મારી સાથે પણ થઈ શકે.”
થજુદ્દીનની અગ્નિપરીક્ષા 2018ની 10 જુલાઈએ શરૂ થઈ હતી. તેઓ તેમની પુત્રીનાં લગ્નની ઉજવણી નિમિત્તે યોજાયેલા રાત્રિભોજન પછી તેમના પરિવાર સાથે ઘરે પાછા ફરી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં જ તેમની પુત્રીનાં લગ્ન થયાં હતાં. તેઓ દોહામાં મોટરકાર ભાડે આપવાનો બિઝનેસ કરતા હતા અને પુત્રીનાં લગ્ન માટે 15 દિવસ રજા લઈને ઘરે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થજુદ્દીને કહ્યું હતું કે, “હું સાતમા આસમાન પર હતો, કારણ કે બધું યોજના મુજબ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક મારું જીવન નરક બની ગયું હતું.”
થજુદ્દીન મધરાત પછી તેમના ઘર પાસે પહોંચ્યા ત્યારે જોયું તો પોલીસ તેમની રાહ જોઈ રહી હતી. થજુદ્દીનને કારમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમનાં પત્નીને ધૂંધળી સીસીટીવી ઇમેજમાં દેખાતા માણસની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું હતું.
થજુદ્દીનના કહેવા મુજબ, “બહાર અંધારું હતું અને મારી પત્ની ગૂંચવાયેલી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે ઇમેજમાંની વ્યક્તિ મારા જેવી દેખાય છે.”
પોલીસે થજુદ્દીનને તત્કાળ તેમના વાહનમાં બેસી જવા જણાવ્યું હતું. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
થજુદ્દીને કહ્યું હતું કે, “શું થઈ રહ્યું છે તે મારી પત્ની તથા બાળકોને સમજાતું ન હતું.”
થજુદ્દીનના પરિવારને બાદમાં સમજાયું હતું કે તેમનાં પત્ની નસીરાના નિવેદનનો ઉપયોગ, એક મહિલાના ગળામાંથી સોનાનો હાર આંચકી લેવાનો આરોપ તેમના પતિ પર મૂકવા માટે કરવામાં આવી રહ્યો હતો.
સીસીટીવી ઇમેજમાં સફેદ સ્કૂટર ચલાવતી એક દાઢીધારી વ્યક્તિ દેખાતી હતી. તે અદ્દલ થજુદ્દીન જેવી જ દેખાતી હતી. થજુદ્દીનને પોતાને પણ પહેલી નજરે એવું લાગ્યું હતું એ તેમના જેવો જ દેખાય છે.
પોલીસે દાવો કર્યો હતો કે થજુદ્દીને નેકલેસની ચોરી કરી હતી, કારણ કે તેમને દીકરીનાં લગ્ન અને ઘર બનાવવા માટે પૈસાની જરૂર હતી. જે મહિલાનો નેકલેસ આંચકી લેવાયો હતો એ મહિલાએ પણ થજુદ્દીન ચોર હોવાનું જણાવ્યું હતું. થજુદ્દીનને કહેવા મુજબ, તેમણે બચત દ્વારા એકઠા કરેલાં નાણાં વડે દીકરીનાં લગ્ન કર્યાં હતાં અને ઘર બનાવ્યું હતું.

જેલમાં વજન ઊતરી ગયું

ઇમેજ સ્રોત, VK THAJUDHEEN
થજુદ્દીન પાસે પોતે નિર્દોષ હોવાનું કારણ હતું. એક મહિલાએ જણાવ્યું હતું કે તે અને તેમનો પરિવાર ઘટના બની ત્યારે એક બ્યૂટી પાર્લરમાં હતાં. એક સાક્ષીએ જણાવ્યું હતું કે થજુદ્દીન ચોર નથી, પરંતુ થજુદ્દીનના કહેવા મુજબ, “પોલીસને કેસ બંધ કરવાની ઉતાવળ હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “મારી સાથે શું થઈ રહ્યું છે તે હું સમજી શકતો ન હતો. મારી પત્ની અને બાળકો મને મળવા પોલીસ સ્ટેશને આવ્યાં હતાં, પરંતુ પોલીસે મને મળવાની મંજૂરી તેમને આપી ન હતી.”
થજુદ્દીને આક્ષેપ કર્યો હતો કે પોલીસ કસ્ટડીમાં તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તે આરોપ તેમણે બાદમાં અદાલતમાં નકારી કાઢ્યો હતો.
થજુદ્દીને જામીન મળ્યા એ પહેલાં 54 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા.
થજુદ્દીન જેલમાંથી ઘરે પાછા આવ્યા ત્યારે તેમનું વજન 23 કિલો ઘટી ગયું હતું. પાડોશીઓ કંઈક ભળતું જ ધારી લેશે એવું માનીને તેમણે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. તેમનો સાત વર્ષનો પુત્ર પિતાની દુર્દશાથી પરેશાન થઈ ગયો હતો અને તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું.
ફરિયાદ પક્ષે અદાલતમાં દલીલ કરી હતી કે સીસીટીવી ઇમેજમાં જોવા મળતી વ્યક્તિ અદ્દલ થજુદ્દીન જેવી જ લાગે છે અને થજુદ્દીનના પરિવારે તેમને ચોર ગણાવ્યા છે.

દુ:સ્વપ્નનો બીજો તબક્કો
થજુદ્દીન અત્યંત નિરાશ થઈ ગયા હતા ત્યારે દોહામાંના તેમના દોસ્તોએ તેમને ન્યાય અપાવવા ઓનલાઇન ઝુંબેશ શરૂ કરી હતી. તેમના મોટા દીકરાએ પોતાના દોસ્તો અને એક પોલીસ અધિકારીની મદદથી, સીસીટીવી ઇમેજમાં દેખાતા માણસની શોધ શરૂ કરી હતી.
તેમના સહિયારા પ્રયાસોથી ખરા ગુનેગારને શોધી શકાયો હતો અને એ માણસ અન્ય એક ચોરી બદલ પહેલેથી જ જેલમાં હતો.
પોતાના કેસની નવેસરથી, અલગ અધિકારી મારફત તપાસ કરાવવાની માગણી સાથે થજુદ્દીનના પરિવારે રાજ્યના મુખ્ય મંત્રી અને પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો. એ પછી ગુનેગારે ઉપયોગમાં લીધેલા સ્કૂટર તથા ચોરાયેલા નેકલેસની શોધ પોલીસે શરૂ કરી હતી.
થજુદ્દીનને રાહત થઈ હતી, પરંતુ તેમના દુઃસ્વપ્નનો અંત આવ્યો ન હતો.
ધરપકડના સાત મહિના પછી થજુદ્દીન કતાર પાછા ફર્યા ત્યારે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. નોકરીદાતાએ થજુદ્દીન “ફરાર” હોવાનો આરોપ મૂકીને તેમના પર કેસ કર્યો હતો.
તેમનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને તેમના ફરી કતારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારત પાછા ફરેલા થજુદ્દીને અપમાન તથા કલંકથી દૂર રહેવા કેરળ છોડી દીધું હતું. હવે તેઓ પાડોશના કર્ણાટકમાં રહે છે, જ્યાં થજુદ્દીન કપડાનો વ્યવસાય કરે છે.
તેમણે પોલીસ સામે કેસ દાખલ કર્યો છે અને રૂ. 1.4 કરોડના વળતરની માગણી કરી છે.
થજુદ્દીનને આશા છે કે પોલીસ દ્વારા જેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે તે લોકોએ કેવી વેદનાનો સામનો કરવો પડે છે તેના પર તેમનાં પુસ્તકને લીધે લોકોનું ધ્યાન ખેંચાશે.














