ગુજરાત : 'બાળકે પેદા થતા પહેલાં પિતા ગુમાવ્યા, મેં જુવાનજોધ દીકરો'

ઇમેજ સ્રોત, JALUBHAI PARMAR
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
"મેં મારો 20 વર્ષનો યુવાન દીકરો ગુમાવ્યો છે. એની પત્ની ગર્ભવતી છે. મારા દીકરાને એ લોકોએ સૅફ્ટીનાં સાધનો વગર જ ગટરમાં ઉતાર્યો હતો. ગટરમાં અંદર ગૂંગળામણથી એનું મોત થઈ ગયું. મારા પરિવારનું ગુજરાન એની કમાણીથી ચાલતું હતું."
તાજેતરમાં ભરૂચના દહેજમાં ગટરસફાઈનું કામ કરતી વખતે અંદર ગૂંગળામણથી મૃત્યુ પામનારા 20 વર્ષીય અનિપ પરમારના પરિવારની આ વ્યથા છે.
ધોળકામાં બનેલી આવી જ એક બીજી ઘટનાનો પીડિત પરિવાર વેદના વ્યક્ત કરતા કહે છે, "મારા ભાઈ અને બનેવી બંનેનાં ગટરસફાઈ કરતી વખતે મોત થયાં છે."
ગુજરાતમાં સફાઈકર્મીઓના આવા મોતની ઘટનાઓ વારંવાર બનતા પરિવારો અત્યંત વેદનામાં સરી પડે છે.
સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષોમાં ગટરસફાઈના કામ દરમિયાન કુલ 11 સફાઈકામદારોનાં મોત થયાં છે.
જેમાં સરકારમાં સામાજિક કલ્યાણમંત્રી ભાનુબહેન બાબરિયાના પ્રત્યુત્તર મુજબ એમાંથી 16 માર્ચ, 2023ની સ્થિતિ સુધી કુલ 5 પરિવારોને વળતર ચૂકવાયા હતા અને કુલ 6 પરિવારોને વળતર ચૂકવવાનું બાકી હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મંત્રી ભાનુબેને કહ્યું હતું કે, સફાઈકામદારોના મોત અંગે રાજ્ય સરકાર ચિંતિત છે. અને એવી ઘટનાઓ ન બને એ માટે સરકાર પગલાં પણ લે છે.
દરમિયાન બીબીસીએ ગુજરાત સરકારના સમાજ કલ્યાણમંત્રી ભાનુબહેન બાબરિયાની પ્રતિક્રિયા અને મત જાણવા તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો ઇમેલ મારફતે પણ સંપર્ક કરાયો છે. તેમનો પ્રત્યુત્તર પ્રાપ્ત થયા બાદ અહેવાલમાં સામેલ કરી લેવાશે.

'એક મહિનામાંં સાત સફાઈકર્મીનાં મોત'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સફાઈકર્મીના મોતના એકથી વધારે કેસ નોંધાયા છે.
કેટલાક દિવસો પૂર્વે અમદાવાદના ધોળકા જિલ્લામાં બે સફાઈકર્મીનાં મોત થયાં હતાં. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ભરૂચના દહેજમાં 3 સફાઈકર્મીનાં મોત થયાં હતાં.
બંને કેસમાં પોલીસે એફઆઈઆર નોંધીને કેસ દાખલ કર્યો છે, જેની કૉપી બીબીસી પાસે છે.
પોલીસે ભરૂચની ઘટનામાં મૃતક જે ગ્રામપંચાયતમાં કામ કરતા હતા, તેના સરપંચ અને તલાટી સહિતની વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે ધોળકાવાળા કેસમાં પોલીસે કૉન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો છે.
વધુમાં બનાસકાંઠાના થરાદમાં એક 23 વર્ષીય સફાઈકર્મીનું 26 એપ્રિલના રોજ મોત થયું હતું.
પીટીઆઈના અહેવાલ મુજબ ગટરમાં ઊતરેલા યુવા સફાઈકર્મીનું ઝેરી ગૅસના લીધે ગૂંગળામણ થવાથી મોત થયું.
અહેવાલમાં કહેવાયું છે કે થરાદ નગરપાલિકાના કામ માટે કૉન્ટ્રાક્ટરે યુવકને કામ સોંપ્યું હતું.
મોતની આ ઘટનાઓમાં કોઈકે પરિવારનો કમાનારો એકમાત્ર દીકરો ગુમાવ્યો, તો ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
એટલું જ નહીં પરંતુ સુરતમાં પણ તાજેતરમાં એક સફાઈકર્મીનું ગટરસફાઈ વખતે મોતનો કેસ નોંધાયો હતો. આમ ગટરસફાઈ કરતા સફાઈકામદારોના મોતનો આ સિલસિલો ચાલુ જ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અને માર્ગદર્શિકા તથા સરકારે બનાવેલા કાયદાઓમાં સ્પષ્ટરૂપે સફાઈકર્મીઓ પાસે જોખમી કામ કરવાવા પર પ્રતિબંધ લગાવાયો છે.
તેમને ભૂગર્ભ ગટરમાં કે મૅનહોલમાં ઉતારવા અને માનવમળ હાથથી સાફ કરાવવા સામે પ્રતિબંધ છે.
તેમને જીવના જોખમે અસુરક્ષિત હાલતમાં સુરક્ષાનાં ઉપકરણો વગર ગટરમાં અંદર ઉતારવા પર રોક છે અને જો ઉલ્લંઘન થાય તો એ દંડનીય છે.
જોકે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં આ કાયદાના ઉલ્લંઘન વિશે ફરિયાદ કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારને નોટિસો પણ પાઠવી છે.

‘વળતરનો ચેક મળ્યો પણ પૈસા હજુ જમા નથી થયા’

ઇમેજ સ્રોત, Getty Images
ભરૂચના દહેજમાં બનેલી ઘટનાનો પીડિત પરિવાર હજુ પણ વળતરની રાહ જોઈ રહ્યો છે.
જોકે પરિવારનું કહેવું છે કે ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં એમાંથી બે પીડિત પરિવારના ખાતામાં નાણાં જમા થઈ ગયાં છે. પરંતુ તેમનો ચેક હજુ પાસ નથી થયો એટલે વળતર ખાતામાં જમા નથી થયું.
બીબીસી સાથેની વાતચીતમાં પોતાની વેદના વ્યક્ત કરતા જાલુભાઈ પરમાર કહે છે, "મારો દીકરો 20 વર્ષનો હતો, એને કોઈ પણ સૅફ્ટીનાં સાધનો વગર એ લોકોએ અંદર ગટર સાફ કરવા ઉતાર્યો હતો."
"ઝેરી ગૅસના લીધે ગૂંગળામણ થઈ અને એ બહાર ન આવી શક્યો અને મરી ગયો. મારા પરિવારનું ભરણપોષણ એ જ કરતો હતો. એની પત્ની ગર્ભવતી છે."
"બાળકે પેદા થતા પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બાળકનો ચહેરો સુધ્ધાં એને જોવા નથી મળ્યો. એણે આવી અણધારી વિદાય લઈ લીધી."
દીકરો ગુમાવવાનું દુ:ખ હોવા છતાં મન મક્કમ રાખી તેઓ કેસ અને બનાવ વિશે જણાવતા ઉમેરે છે,"વહુ રૂમ પર હતી. એ ગર્ભવતી છે. એણે કહ્યું કે ફોન આવ્યો હતો કે કંઈક ગટરસફાઈનું કામ છે."
"એટલે એ ગયો હતો. મારો દીકરો અનિપ દહેજ ગ્રામપંચાયતના કામે ગયો હતો અને આવું થયું."
અત્રે ઉલ્લેખનીય છે કે સફાઈકર્મીઓને અનિવાર્ય સંજોગોમાં સુરક્ષાનાં વિવિધ મશીનો-ઉપકરણો સાથે જ અંદર ગટરમાં ઉતારવામાં આવે એવા નિયમો છે.
વળી એ પહેલાં એમને 10 લાખનો વીમો જેતે સંસ્થા-કૉન્ટ્રાક્ટરે કરાવવાનો હોય છે. તથા જો મહાનગરપાલિકા હોય તો ક્લાસ-2 અધિકારી અને નગરપાલિકાના કેસમાં ચીફ ઑફિસરને નોડલ ઑફિસર તરીકે રાખી તેમની બાંયધરી હેઠળ અને સુપરવિઝન હેઠળ આવી કામગીરી કરાવવાની હોવાનું જાણકારોનું કહેવું છે.
પરંતુ આ નિયમોનું પાલન યોગ્ય રીતે નહીં થવાથી આવી ઘટનાઓ બનતી હોવાનો તેમનો દાવો છે.
માર્ગદર્શિકા અને કાયદાના કેટલાક મુદ્દા
- 10 લાખ રૂપિયાનું વળતર આપવું
- ગટરમાં ઊતરવા સૅફ્ટીનાં સાધનો-મશીનો આપવાં
- ગટરસફાઈની કામગીરીની દેખરેખ માટે નોડલ ઑફિસરની નિમણૂક
- 10 લાખ રૂપિયાનો વીમો કરાવી આપવો

‘કાયદાનું ઉલ્લંઘન’

ગુજરાતમાં માનવ ગરિમા સંસ્થા સફાઈકર્મીઓના અધિકારો માટે કામ કરે છે. તેના ડિરેક્ટર પુરુષોત્તમ વાઘેલા સાથે બીબીસીએ આ વિશે વાત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં પુરુષોત્તમ વાઘેલા કહે છે, "મેં મૅન્યૂઅલ સ્કૅવેજિંગના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જેમાં સફાઈકર્મીઓના પ્રશ્નો, મોતના મામલા અને વળતર વિશે ઘણી રજૂઆતો કરવામાં આવી છે."
"વર્ષ 2013થી ‘પ્રૉહિબિશન ઑફ ઍમ્પ્લૉયમૅન્ટ ઍસ મૅન્યૂઅલ સ્કૅવેજિંગ ઍન્ડ ધૅર રિહેબિલિટેશન ઍક્ટ - 2013’ અમલમાં છે. એની સાથે સાથે ‘પ્રૉહિબિશન ઑફ ઍમ્પ્લૉયમૅન્ટ ઍસ મૅન્યૂઅલ સ્કૅવેજિંગ ઍન્ડ ધૅર રિહેબિલિટેશન ઍક્ટ - 2013’ પણ અમલમાં છે."
તેઓ કહે છે, કાયદા પ્રમાણે સફાઈકર્મીને ગટરમાં કે સૅપ્ટિક ટૅન્કમાં ઉતારવા સામે પ્રતિબંધ છે. છતાં તેમને અસુરક્ષિત જગ્યાઓમાં ઉતારવામાં આવે છે. અને હાથથી સફાઈ કરાવવામાં આવે છે.
"2019માં રાજ્ય સરકારના બે પરિપત્રો જાહેર થયા હતા. તે અનુસાર જો સફાઈકર્મીને ખાળકૂવા કે ગટરમાં અંદર ઉતારવામાં આવે અને તેમનું મોત થાય તો, સંબંધિત પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના નોડલ ઑફિસરને આરોપી બનાવવામાં આવે છે. પણ થાય છે એવું કે કૉન્ટ્રાક્ટરને આરોપી બનાવી દેવામાં આવે છે."
તેમના મતે, "શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના 2019ના ઠરાવમાં કહેવાયું છે કે, ફાયર વિભાગની તર્જ પર એક ઈઆરએસયુ (ઇમર્જન્સી રિસ્પૉન્સ સેનિટેશન યુનિટ)વિભાગ સ્થાપવામાં આવે."
"જે સફાઈકર્મીઓને તાલીમ, ઉપકરણો આપે અને મશીનો પૂરાં પાડે. ઉપરાંત કટોકટીના સમયે કઈ રીતે અકસ્માત નિવારી શકાય એની વ્યવસ્થાઓ કરે."
"એટલું જ નહીં પણ ભારત સરકારે એક 14420 નંબરની પણ વાત કરી છે, જેમાં ફોન કરીને સફાઈકર્મીને જોખમી રીતે ગટર-ખાળકૂવામાં કે ભૂગર્ભ ગટરોમાં સુરક્ષાની ખાતરી કર્યા વગર કોઈ ઉતારે તો એની સામે ફરિયાદ કરી શકાય છે."
"દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, આ નંબર આ પ્રકારની ફરિયાદ માટે ડેડિકેટેડ નંબર નથી."
"જે રીતે ગુજરાતમાં ઍમ્બ્યૂલન્સ માટે 108 અને પોલીસનો નંબર 100 ડાયલ કરાય છે, એ ડેડિકેટેડ નંબર હોવો જોઈએ. ઉપરોક્ત નંબર સિવેજની અન્ય સામાન્ય સમસ્યાઓ માટેનો સંકલિત નંબર છે.”

‘વળતર અને ન્યાય બંને આપો’

ઇમેજ સ્રોત, GETTY IMAGES/SUDHARAK OLWE
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોળકામાં જે બે સફાઈકર્મીનાં ગટરસફાઈ કરતી વખતે ગૂંગળામણથી મોત થયાં એમના પરિવાર સાથે બીબીસીએ વાત કરી.
પઢાર પરિવારના પ્રભુભાઈ કહે છે, “મારો ભાઈ અને બનેવી બંનેનાં મોત થયાં છે. 21 એપ્રિલની સાંજે ઘટના બની હતી. મારા ભાઈને બે નાનાં બાળકો છે, એકની ઉંમર 6 વર્ષ અને બીજાની 4 વર્ષની છે. જ્યારે બનેવીને ત્યાં પાંચ બાળકો છે. બાળકો નાનાં છે, એટલે સ્કૂલે નથી જતાં. હવે આખાય પરિવારની જવાબદારી મારા ખભે અને પિતાજી પર આવી ગઈ છે."
"મારા પિતાએ 25-25 લાખના વળતરની માગણી કરી છે. આશા છે કે સરકાર વળતર મંજૂર કરી આપશે. એનાથી અમને બાળકોના શિક્ષણમાં મદદ મળશે. જોકે છતાં વળતરની સાથે સાથે ન્યાય મળવો મહત્ત્વનો છે. અમને ન્યાય પણ જોઈએ છે."
આ વિશે વધુ માહિતી અને પ્રતિક્રિયા માટે બીબીસીએ ધોળકાના પોલીસ અધિકારી એસપી અમિત વસાવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી શકી. તેમની પ્રતિક્રિયા મળ્યા બાદ એને અહેવાલમાં સામેલ કરવી લેવામાં આવશે.

સફાઈકર્મીનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

ઇમેજ સ્રોત, Getty Images
સફાઈકર્મીઓની મોતના આંકડા અને એના સિલસિલા વિશે જણાવતા પુરુષોત્તમ વાઘેલા જણાવે છે, "1993માં જૂનો કાયદો હતો પછી વર્ષ 2013માં નવો સુધારેલો કાયદો આવ્યો. જોકે, મારા અંગત અભ્રિયાની વાત કરું તો, સફાઈકર્મીઓના મોતના કેસમાં અત્યાર સુધી કોર્ટમાં કોઈ કેસ પુરવાર નથી થયા અને કોઈને સજા નથી થઈ. ઘણી વાર પીડિત પરિવારને 50 હજારમાં પતાવટ કરી સમાધાન કરાવી દેવાય છે."
"ખરેખર સુપ્રીમ કોર્ટના વર્ષ 2014ના એક ચુકાદા પ્રમાણે મૃતક સફાઈકર્મીના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનું હોય છે. ચુકાદામાં એવું પણ કહેવાયું છે કે 44 પ્રકારનાં આધુનિક સાધનો વસાવવામાં આવે."
તેમનું કહેવું છે કે "એક રીતે તમે જુઓ તો વિદેશોમાં બધાં જ આધુનિક સાધનો છે. પણ ગુજરાતમાં કેમ નથી? કેમ કર્મીઓએ જાતે અંદર જોખમ લઈને ઊતરવું પડે છે?"
"ધોળકાવાળા કેસમાં 304ની કલમ લગાવી છે અને ઍટ્રોસિટીની કલમો લગાવી છે. ઍટ્રોસિટીના સુધારેલા 2015ના કાયદા પ્રમાણે પણ વ્યક્તિને માનવમળ સાફ કરવા ખાળકૂવામાં ઉતારવી એ ગેરકાનૂની અને દંડનીય છે."
"પણ ઉલ્લંઘન થતાં જ રહે છે. એને ગંભીરતાથી નથી લેવામાં આવતા. માનવાધિકાર નોટિસ પાઠવે છે પણ તેની પાસે દંડ કે કાર્યવાહી કરવાની સત્તાઓ નથી."
“સરકાર માત્ર 10 લાખનું વળતર આપી છટકી ન શકે. ન્યાય મળવો જોઈએ. સરકારે ધ્યાન રાખવું જોઈએ કે કાયદાનું યોગ્ય રીતે પાલન થાય અને ઉલ્લંઘન ન થાય.”
વર્ષ 2022માં લોકસભામાં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી વીરેન્દ્રકુમારે રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2017થી વર્ષ 2022 દરમિયાન દેશમાં કુલ 347 સફાઈકર્મીઓનાં મોત થયાં હતાં.
આ મોત સિવેજ અને સૅપ્ટિક ટૅન્કો સાફ કરતી વખતે થયેલાં છે. જેમાં 40 ટકા મોત ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને દિલ્હીમાં થયાં હતાં.

સરકાર પાસે ચોક્કસ આંકડા નથી?
પુરુષોત્તમ વાઘેલા વધુમાં ઉમેરે છે, "સરકાર પાસે ચોક્કસ આંકડા જ નથી. સરકારે ખુદ કબૂલ્યું છે કે, 121 લોકોને વળતર ચૂકવાયું છે. જોકે વર્ષ 2016ની પીઆઈએલમાં 1993થી 2016 સુધી થયેલાં 152 મોત વિશે માહિતી આપી હતી. અને હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી હતી. સરકારી ઠરાવમાં માનવ ગરિમા સંસ્થાનો ઉલ્લેખ કરી કહેવાયું હતું કે આ 152 પરિવારોને વળતર ચૂકવવું જોઈએ."
"સરકાર સહાય-વળતર ચૂકવે છે પણ આંકડા મામલે હજુ પણ સ્થિતિ સારી નથી.”
"આંકડાઓ ચકાસો તો, સમજશો કે 400 મહિલાઓ અત્યાર સુધી વિધવા થઈ છે."
"કેટલાંય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સફાઈકર્મી અંદર ઊંડે 20-25 ફૂટ નીચે ઊતરે છે, એમાં ગૅસ હોય છે અને ગૂંગળાવાથી મોત થઈ જાય છે."
"સફાઈકર્મીઓ બીમારીમાં સપડાય છે. ત્વાચાના રોગ થાય છે. અસાધ્ય રોગો થઈ જાય છે. આંખો જતી રહે છે."
"સરકારે જિલ્લા, તાલુકા અને શહેર સ્તરે મૉનિટરિંગ માટે સમિતિ બનાવવાની હોય છે. ગુજરાત સફાઈકામદાર વિકાસ નિગમ પણ કાર્યરત છે. છતાં સમસ્યા યથાવત્ છે."
"અમે કોશિશ કરીએ છે કે ગટર-સફાઈ કામદારોનું કામ સન્માનજનક બને અને સુરક્ષિત બને એમાં જોખમ ન હોય. અમે એમને નોકરી અપાવવાનું કે પ્રમૉશન મળે આ કામ નથી કરતા."














