ભારતનું એ ગામ જ્યાં દલિતોના પ્રવેશ પર આજે પણ 'પાબંદી' છે

ઇરબ્બા

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

ઇમેજ કૅપ્શન, ઇરબ્બા
    • લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
    • પદ, બીબીસી માટે

21મી સદીમાં પણ ભારતમાં એક ગામ એવું છે જ્યાં આજે પણ દલિતોના પ્રવેશ પર પાબંદી છે. એટલું જ નહીં, આ ગામમાં ચંપલ પહેરીને પણ પ્રવેશી શકાતું નથી.

ગામમાં જિલ્લા કલેક્ટર આવે તો પણ તેમને ગામની બહાર પગરખાં ઉતારવાનું જણાવી દેવાય છે.

આજના યુગમાં પણ આવા ગામનું અસ્તિત્વ છે તે માનવું થોડું મુશ્કેલ છે.

ગ્રામજનો કહે છે કે અમે તો અમારા વડવાના સમયથી ચાલી આવતી ‘પરંપરા’નું પાલન કરીએ છીએ.

આ ગામમાં બહારના લોકોને પ્રવેશવાની છૂટ નથી અને ગામના લોકો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા છતાં ચંપલ પહેરતા નથી.

પોતે પાલવેકર અને દોરાવર જ્ઞાતિના હોવાનું ગ્રામજનો જણાવે છે. આ જ્ઞાતિઓ પછાત વર્ગમાં આવે છે. આ ગામમાં દરેકનું કુળ એક છે, પરંતુ તેમની જ્ઞાતિ અલગ-અલગ છે.

આંધ્ર પ્રદેશના તિરુપતિથી 50 કિલોમીટર દૂર આવેલ એક ગામની આ વાત છે. પકાલા જિલ્લાની ઉપ્પરા પલ્લી પંચાયત હેઠળના આ ગામનું નામ વેમન ઇંદલુ છે.

વેંકટેશ્વર સ્વામી વેમન ઇંદલુના ગ્રામદેવતા છે. ગામમાં લક્ષ્મી નરસિંહ સ્વામી અને ગંગામ્માની પૂજા પણ કરવામાં આવે છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ભગવાન વેંકટેશ્વર પ્રત્યેની શ્રદ્ધાને કારણે તેમણે જૂતાં-ચંપલ પહેરવાનું બંધ કર્યું છે.

ગામમાં આવતા લોકોએ પણ તેમના ચંપલ ગામ બહાર ઉતારી નાખવા પડે છે. એ પછી જ તેમને ગામમાં પ્રવેશ મળે છે.

વેમન ઇંદલુ ગામમાં રહેતા ઇરબ્બાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે શાળાએ જતા બાળકોથી માંડીને કૉલેજમાં અભ્યાસ કરતા યુવાઓ સુધીના તમામ અહીં ઉઘાડા પગે ચાલે છે.

તેમણે કહ્યું હતું કે, “મારો પુત્ર ગ્રૅજ્યુએટ થયો છે. તેની કૉલેજના પ્રિન્સિપાલે તેને ચંપલ પહેરવા કહ્યું હતું. એ પછી મારા દીકરાને બૅંગલુરૂમાં નોકરી મળી. તેમ છતાં તેણે ચંપલ પહેર્યાં ન હતાં.

અમે પાલવેકરી જ્ઞાતિના કુલીન લોકો છીએ. અમે વેંકટેશ્વર સ્વામી, નરસિંહ સ્વામી અને ગંગામ્માની પૂજા કરીએ છીએ. શાળા-કૉલેજમાં અભ્યાસ કરીને બાળકો પાછાં આવે પછી ઘરમાં પ્રવેશતા પહેલાં તેમણે સ્નાન કરવું પડે છે. અમારા વંશની શરૂઆતથી જ આ પરંપરા છે.”

બીબીસી ગુજરાતી

‘દલિતોને ગામમાં પ્રવેશ નહીં’

ગામમાં દલિતોને પ્રવેશવાની છૂટ નથી

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેમન ઇંદલુની બાજુમાં મલ્લેલા ચેરુવુપલ્લે નામનું ગામ આવેલું છે. એ ગામનાં રહેવાસી ભાવિતા નામનાં યુવતીએ બીબીસીને કહ્યું હતું કે, “કોઈ કામસર અમે વેમન ઇંદલુ ગામે જઈએ, ત્યારે અમને કોઈ પાણી આપતું નથી.”

ભાવિતાએ ઉમેર્યું હતું કે, “સાદા કારણસર પણ ગામમાં જઈ શકાતું નથી. તમે કામસર ગામમાં જાઓ તો ઘરની બહાર ઊભા રહીને એ ઘરના લોકો સાથે વાત કરવી પડે છે. તેમના ઘરમાં પ્રવેશી શકતા નથી. હું માનું છું ત્યાં સુધી એ ગામની કોઈ મહિલા ગર્ભવતી થાય ત્યારે પણ હૉસ્પિટલમાં જતી નથી.”

આ ગામમાં પ્રવેશવાની દલિતોને છૂટ નથી. તેમની સાથે કોઈ વાત કરતું નથી. માસિકના દિવસોમાં સ્ત્રીઓને ગામની બહાર રાખવાનો રિવાજ છે.

ગ્રામજનો માને છે કે તેમની આવી પ્રથા બાબતે મીડિયામાં ચર્ચા ન થવી જોઈએ. વેમન ઇંદલુ ગામને રૅશન પૂરું પાડતા બાબુ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું કે એ ગામના લોકોને અલગથી રૅશન આપવામાં આવે છે.

બાબુ રેડ્ડીએ કહ્યું હતું કે, “હું છેલ્લાં ચાર વર્ષથી રૅશન ડીલર તરીકે કામ કરું છું. પછાત જ્ઞાતિના લોકો ગામમાં જઈ શકે છે, પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોનો પ્રવેશ નિષિદ્ધ છે. વેમન ઇંદલુ ગામના લોકો અમારા ગામમાં, અમારા ઘરે આવતા નથી. એ ગામની સ્ત્રીઓએ માસિકના દિવસોમાં ગામની બહાર રહેવું પડે છે. એ માટે ગામની બહાર એક ઓરડો બનાવવામાં આવ્યો છે.”

બીબીસી ગુજરાતી

વર્તમાન સમયથી 100 વર્ષ પાછળ

ભાવિતા

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

ઇમેજ કૅપ્શન, ભાવિતા

જનવિજ્ઞાન વેદિકા સંસ્થાના જિલ્લા-પ્રમુખ એ. આર. રેડ્ડીએ જણાવ્યું હતું કે આ ગામ 100 વર્ષ પાછળ છે.

તેમણે કહ્યું હતું કે, “હું નાનો હતો ત્યારે આવી વાતો સાંભળી હતી. અસ્પૃશ્યતા આજે ગુનો છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. શિક્ષિત લોકો આગળ આવીને આવી ઘટનાઓ જાહેર કરતા નથી.”

તેમણે ઉમેર્યું હતું કે, “લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ હસ્તક્ષેપ કરીને લોકોને જાગૃત કરવા જોઈએ.

માસિક આવ્યું હોય તેવી મહિલાઓને ગામની બહાર રાખવી તે હળાહળ અંધશ્રદ્ધા છે. સરકારે ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવો જોઈએ. એ પછી જ લોકોમાં પરિવર્તન આવશે.”

બીબીસી ગુજરાતી

બહારના લોકોને સ્પર્શ કરવાની મનાઈ

ગામના રહેવાસી

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

ગામના લોકોને બહારના લોકોને સ્પર્શ કરવાની છૂટ નથી. ગામના લોકો બહારગામ જાય ત્યારે પણ બહારનો ખોરાક સુધ્ધાં સ્પર્શ કરતા નથી.

ઇરબ્બાના કહેવા મુજબ, તેઓ ગામની બહાર જાય ત્યારે કશું ખાતા નથી, પાણી પણ પીતા નથી.

ઇરબ્બાએ કહ્યું હતું કે, “તમે મને સ્પર્શ કરશો તો હું સ્નાન કરી લઈશ. કપડાં બદલીને મારા ઘરે જઈશ. મારે કોર્ટના કામે હૈદરાબાદ જવું પડે છે, પણ હું ત્યાં કશું ખાતો નથી. ઘરે આવીને સ્નાન કરું પછી જ જમું છું. હું બહાર ગામ જાઉં ત્યારે પાણી સાથે લઈને જાઉં છું.”

વેંકટેશ્વર સ્વામી અહીંના ગ્રામદેવતા છે અને ગામના લોકો નજીકમાં આવેલા તિરુમાલા શ્રીવારી મંદિરે પણ જતા નથી.

બીબીસી ગુજરાતી

બીમાર પડો ત્યારે ડૉક્ટર પાસે નહીં, મંદિરે જવાનું

ગામમાં કોઈ ચપ્પલ પહેરતું નથી

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

કોઈ ગ્રામવાસી બીમાર પડે ત્યારે ગ્રામદેવતા વેંકટેશ્વરના મંદિરે જઈને પૂજા કરે છે, પરંતુ ડૉક્ટર પાસે જતા નથી.

ગામલોકો ભારપૂર્વક માને છે કે તેમને કંઈ પણ થાય ત્યારે વેંકટેશ્વર સ્વામી તેમની મદદે ધસી આવે છે અને તેમને બીમારીમાંથી સાજા કરે છે. આ ગામમાં કોઈએ કોવિડની રસી પણ લીધી નથી.

ઇરબ્બાએ કહ્યું હતું કે, “કોઈને સાપ કરડ્યો હોય તો પણ તે વ્યક્તિ હૉસ્પિટલ જવાને બદલે વેંકટેશ્વર મંદિરની પરિક્રમા કરે એટલે સાજો થઈ જાય છે. ભગવાન તેનું રક્ષણ કરે છે.”

ઇરબ્બાનો પરિવાર વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં રોજ પૂજા-અર્ચના કરે છે. આ ગામમાં પ્રારંભે એક જ પરિવાર રહેવા આવ્યો હતો. એ પરિવારના વંશજો આજે 25 પરિવારોમાં વિસ્તરેલા છે.

માત્ર 80 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં બાવન મતદાતા છે. એ પૈકીના એક-બે જણ જ એવા છે કે જેમણે ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.

બાળકોએ પણ ગામની પ્રથા-પરંપરાનું પાલન કરવું પડે છે. ગામમાં બાળકો ચંપલ પહેરતાં નથી. તેઓ શાળામાં આપવામાં આવતું ભોજન ખાતાં નથી. બહારના માણસોને સ્પર્શ કર્યો હોય તો સ્નાન કર્યા પછી જ તેઓ ઘરમાં પ્રવેશે છે.

આજુબાજુના ગામના લોકો અહીં આવે તો તેમણે પણ પગરખાં ગામની બહાર ઉતારવાં પડે છે. બહારગામથી આવેલા લોકોને અહીંના રહેવાસીઓ પોતાના ઘરે બોલાવતા નથી.

બીબીસી ગુજરાતી

ગામના પછાતપણા બાબતે જિલ્લા કલેક્ટર શું માને છે?

 ગામવાસીઓના સંબંધીઓ પણ રિવાજનું પાલન કરે છે

ઇમેજ સ્રોત, BBC/TULASI PRASAD REDDY

મહેશ નામના એક માણસ તેમનાં મોટાં બહેનના ખબરઅંતર પૂછવા માટે અન્ય ગામથી વેમન ઇંદલુ ગામે આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગામવાસીઓના બહારથી આવતા સંબંધીઓએ પણ અહીંના રિવાજનું પાલન કરવું પડે છે.

મહેશે કહ્યું હતું કે, “મેં મારા ચંપલ ઉતારીને ગામ બહારની કાંટાળી ઝાડીમાં રાખ્યાં પછી હું મારાં મોટાં બહેનના ઘરે ગયો હતો. આ ગામમાં અલગ-અલગ રિવાજો છે. અમારે પણ તેનું પાલન કરવું પડે છે.”

વેમન ઇંદલુ ગામની આ પ્રથા બાબતે વધુ માહિતી મેળવવા બીબીસીએ તિરુપતિના જિલ્લા કલેક્ટર વેંકટ રમણ રેડ્ડીનો સંપર્ક સાધ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજીને ગ્રામજનોમાં પરિવર્તન લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી