દલિત કન્યાઓને ઘોડી પર બેસાડી તો દલિતોએ કેમ પરિવારનો બહિષ્કાર કર્યો?

મેઘવાલ બેહનો જેમના ઘોડી પર બેસવા પર બહિષ્કાર કરવામાં આવ્યો

ઇમેજ સ્રોત, Shankar Ram Meghwal

ઇમેજ કૅપ્શન, મેઘવાલ બેહનો જેમના ઘોડી પર બેસવા પર બહિષ્કાર કરવામાં આવ્યો
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી માટે

ભારતમાં ઘણી બધી જગ્યાએ છોકરીઓ હવે પોતાનાં લગ્નમાં ઘોડી પર બેસે છે.

પરિવારો આ રીતે ‘દીકરો-દીકરી એક સમાન’ પ્રકારના સંદેશ આપવા માટે આવું કરતા હોય છે.

ઘણા માટે આ એક ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે.

પરંતુ જ્યારે દલિત છોકરીઓને ઘોડી પર બેસાડવાની વાત આવે છે ત્યારે સમાજની અંદરથી જ વિરોધના સૂર ઊઠવા લાગે છે.

આ વાત માત્ર કલ્પના નથી પરંતુ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બનેલી એક સત્ય ઘટના છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના મેલી ગામમાં આ ઘટના બની હતી.

બાડમેરમાં બે દલિત બહેનોને ઘોડી પર બેસાડીને બિંદોલી કાઢવામાં આવી, પરંતુ હાથની મેદીનો રંગ ઊતરવાનું શરૂ થતાં જ તેમને ઘોડી પર બેસાડવાના મામાલાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું.

બિંદોલી નામની વિધિ લગ્નના એક દિવસ પહેલાં કરવામાં આવે છે. તેમાં છોકરીઓ કુળદેવીની પૂજા કરવા જાય છે.

દલિત ચિંતક ભંવર મેઘવંશી કહે છે કે, “દલિત મહિલાઓ બમણા શોષણનો શિકાર થાય છે. બહાર તેમની જ્ઞાતિને લઈને હેરાન કરાય છે અને પોતાના સમાજની અંદર તેમણે પિતૃસત્તાત્મક વિચારોને કારણે હેરાનગતિનો સામનો કરવો પડે છે.”

બાડમેરમાં સિવાના-કલ્યાણપુર સડક પર મેલી ગામ વસેલું છે.

લગભગ ચાર હજારની વસતિવાળા ગામમાં લગભગ 300 પરિવાર દલિત મેઘવાલ સમાજના છે. આ ગામમાં પ્રથમ વખત છોકરીઓને લગ્ન પહેલાં ઘોડી પર બેસાડાઈ હતી.

આ શરૂઆત એક દલિત પરિવારે કરી છે. ગામના તમામ સમાજોએ આ પહેલની સરાહના કરી છે.

ગ્રે લાઇન

ઘોડી પર બેસવાની સજા – સામાજિક બહિષ્કાર

પોતાની દીકરીઓના ફોટો સાથે શંકર
ઇમેજ કૅપ્શન, પોતાની દીકરીઓના ફોટો સાથે શંકર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શંકરરામ મેઘવાલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “આ બહેનોનાં લગ્નના લગભગ બે મહિના બાદ મેઘવાલ સમાજે 12 ગામના પંચોની પંચાયત ભરાઈ. ત્યાં મને બોલાવાયો અને બહેનોને ઘોડી પર બેસાડવાના કારણે 50 હજારનો દંડ કરાયો. અમે પૈસા ન ચૂકવ્યા તો સમાજમાંથી અમારો બહિષ્કાર કરી દેવાયો.”

મુખ્ય સડકથી લગભગ 500 મીટર દૂર સ્થિત ગામની અંદર શંકરરામ મેઘવાલનું ઘર છે. હાલ અહીં ગરમીની સિઝન કરતાં વધુ ઉકળાટ પંચાયતના નિર્ણયને કારણે જોવા મળી રહ્યો છે.

આ નિર્ણયને કારણે ગામમાં લગભગ ખામોશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

શંકરલાલ મેઘવાલના ઘરે ઠેરઠેર ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરો લાગેલી છે. આ ઘરમાં અમુક દિવસ પહેલાં લગ્ન અને આનંદનો માહોલ હતો. પરંતુ હાલ પરિવાર ચિંતિત છે.

શંકરનો ઉદાસ ચહેરો તેમની ચિંતાની કહાણી જણાવી રહ્યો છે. તેઓ કહે છે કે, "અમે પંચાયતના નિર્ણય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, હું એસડીએમ ઑફિસે પણ જઈ આવ્યો છું."

સિવાના પોલીસ સ્ટેશનના ઇનચાર્જ નાથુસિંહ ચારણે આ મામલા અંગે બીબીસીને જણાવ્યું કે, "મેલી ગામના શંકરરામે લેખિત ફરિયાદ આપી છે."

"પરંતુ તેમણે કોઈ વીડિયો, ઑડિયો, તસવીરો કે લેખિત પુરાવા રજૂ નથી કર્યા. અમે પ્રતિવાદીઓનાં નિવેદન લીધાં છે, તપાસ ચાલુ છે."

તેમજ સિવાના એસડીએમ દિનેશ બિશ્નોઈએ બીબીસીને કહ્યું, “પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.” પરંતુ મેઘવાલ સમાજના પંચો અને સ્થાનિકો આ અંગે વાત કરવાથી બચી રહ્યા છે.

મેઘવાલે પોતાની લેખિત ફરિયાદમાં લખ્યું છે કે, “દંડ અને બહિષ્કારના નિર્ણય બાદ પંચોએ સમાજને ધમકી આપી કે જો કોઈ અમારા પરિવાર સાથે વાતચીત કરશે કે આવવા-જવાનો વ્યવહાર રાખશે તો તેના પર પણ દંડ લાદવામાં આવશે.”

બીબીસી ગુજરાતી

પંચાયતે કેમ સજા આપી?

દીપુ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA

ઇમેજ કૅપ્શન, દીપુ

બીબીસીએ પંચાયત સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. પંચાયતમાં હાજર પોકર મેઘવાલે બીબીસીને કહ્યું, “પંચાયતમાં પંચોએ દંડ કર્યો હતો. એ પંચોનો નિર્ણય હતો. પરંતુ શંકરે દંડ ભરવાનો ઇનકાર કરી દીધો.”

શંકરલાલ મેઘવાલે પોલીસને આપેલી ફરિયાદમાં પંચ મોહનલાલ અને પંચ ભંજારામનું નામ પણ લખ્યું છે.

બીબીસીએ પંચ મોહનલાલને દંડ અંગે સવાલ પૂછ્યો અને તેમની સામે થયેલ પોલીસ ફરિયાદ અંગે પણ વાત કરી.

આ પ્રશ્નના જવાબમાં મોહનલાલ કહે છે કે, “પંચાયતમાં દંડ નથી લદાયો. અમારો તો ક્યારેય ઝઘડો પણ નથી થયો. તેમણે પોલીસ ફરિયાદ કેમ કરી, એ અંગે ખબર નથી.”

તેમજ પંચ ભંજારામનો સંપર્ક નહોતો થઈ શક્યો. જોકે, તેમના ભત્રીજા રમેશ મેઘવાલે કહ્યું કે તેઓ આ મામલાને લઈને બુઝુર્ગોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. રમેશ મેઘવાલ બે વર્ષ સિવાનાથી ભીમ આર્મીના બ્લૉક અધ્યક્ષ રહ્યા છે અને હવે સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, “હું પંચાયતમાં નહોતો, પરંતુ પંચાયતમાં જે થયું, તેની જાણકારી મળી છે. હું જોધપુર છું અને ફોન મારફતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અમે બુઝુર્ગોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. દંડ લાદવો અને સમાજમાંથી બહિષ્કૃત કરવાનો નિર્ણય ખોટો છે.”

બીબીસી ગુજરાતી

પહેલી વખત છોકરી ઘોડી પર બેઠી

લગ્નથી માંડીને પંચાયત અને પછી પોલીસ ફરિયાદમાં કર્યાને બે મહિના પસાર થયા.

દીપુ અને લક્ષ્મીનાં લગ્ન આ વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ થયાં હતાં.

સેંથામાં સિંદૂર. વાદળી રંગની બિંદી. હાથમાં ચૂડી. ગળામાં મંગળસૂત્ર અને ગુલાબી રંગનાં પરંપરાગત કપડાં ધારણ કરેલાં દીપુ.

દીપુ અને તેમનાં મોટાં બહેન લક્ષ્મને ઘોડી પર બેસાડીને બિંદોલી કાઢવામાં આવી હતી.

દીપુનું સાસરું જોધપુર અને લક્ષ્મીનું સાસરું પાલી જિલ્લામાં છે.

દીપુએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને ઘોડી પર બેસીને ઘણી ખુશી થઈ. ગામમાં પહેલી વખત છોકરીની ઘોડી પર બિંદોલી કાઢવામાં આવી."

આ વાત જણાવતાં તેમના ચહેરા પર હળવું સ્મિત હતું.

પરંતુ અચાનક તેમના ચહેરાના હાવભાવ બદલાયા. આમતેમ જોતાં અને પરેશાન થતાં તેમણે કહ્યું, "મોટાં બહેન લક્ષ્મી સાથે ફોન પર વાત થઈ. તેઓ પણ ઉદાસ છે, દુ:ખી છે. અમે કોઈ ગુનો નથી આચર્યો છતાં દંડ લાદી દીધો."

તે બાદ સ્મિત સાથે તેઓ કહે છે કે, "એ દરમિયાન બધા એક સાથે હતા. બધા ખુશ હતા અને ગામલોકોને ખૂબ સારું લાગ્યું હતું. પરંતુ બે મહિના બાદ ખબર નહીં શું થયું."

દીપુ ઘોડી પર સવાર થવાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં આત્મવિશ્વાસ સાથે જણાવે છે કે, "સાસરા પક્ષના લોકોએ કહ્યું કે આ એક સારી પહેલ હતી અને તેઓ પણ સાથે છે. પરિવર્તન જરૂરી છે. પછાત વિચારોનો સાથ ક્યાં સુધી આપશો."

દીપુના પતિ ડૉ. યશપાલ ડેન્ટિસ્ટ છે.

જોધપુરમાં પોતાનું ક્લિનિક ચલાવે છે અને એક રાજકીય વિચારધારા સાથે જોડાયેલા છે. તેઓ આ નિર્ણય અંગે પરેશાન થતાં જણાવે છે કે, "સમાજને સારા કામ માટે સંદેશ આપ્યો કે ખરાબ કામ માટે હવે એ સમજાતું નથી."

બીબીસી ગુજરાતી

નિર્ણયથી પરિવાર પરેશાન

પોતાનાં લગ્નમાં ઘોડી પર સવાર દીપુ અને લક્ષ્મી

ઇમેજ સ્રોત, SHANKAR RAM MEGHWAL

ઇમેજ કૅપ્શન, પોતાનાં લગ્નમાં ઘોડી પર સવાર દીપુ અને લક્ષ્મી

દીપુ સહિત પરિવારમાં આઠ બહેનો, એક ભાઈ શંકરરામ મેઘવાલ ને એક બુઝુર્ગ માતા છે.

પિતાનું વર્ષ 2010માં મૃત્યુ થયું હતું. પિતાની જગ્યાએ શંકરરામને રાજસ્થાન શિક્ષણવિભાગમાં અનુકંપા પર નોકરી મળી છે.

32 વર્ષના શંકરરામ મેઘવાલે પંચાયતના નિર્ણયને પડકાર્યો જરૂર છે, પરંતુ આ નિર્ણય બાદ તેઓ પરેશાન પણ છે.

તેઓ કહે છે કે, "મારી બહેનો જ મારા ભાઈ છે. હું તેમને પિતાની કમી વર્તાય એવું નથી થવા દેવા માગતો."

દીપુનાં ભાભી રેખા મેઘવાલ જણાવે છે કે, "હવે સમાજનાં કામો કે લગ્નપ્રસંગે અમને આમંત્રિત નથી કરાતા. આ ખોટું છે."

તેઓ આગળ જણાવે છે કે, "કહેવામાં તો સ્વતંત્રતા છે. પરંતુ અમારી સાથે જે થઈ રહ્યું છે તેનાથી લાગે છે કે મહિલાઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી."

"બંને બહેનો ઘોડી પર બેસીને ખૂબ ખુશ હતી. સમાજે પહેલાં કહ્યું હોત તો અમે ઘોડી પર ન બેસાડ્યાં હોત."

"અમે કહી દીધું કે ઘોડી પર બેસવાના કારણને લઈને અમે દંડ નહીં ભરીએ.”

બીબીસી ગુજરાતી

શું છે બિંદોલી પ્રથા?

રાજસ્થાન હાઇકોર્ટમાં ઍડ્વોકેટ અને બિંદોલી પ્રથાના જાણકાર સતીશકુમાર કહે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ રાજસ્થાનમાં બિંદોલી પ્રથા વધુ જોવા મળે છે.

તેઓ કહે છે કે, "ઘોડો હંમેશાંથી શાન, ગૌરવ, શૌર્ય અને સામંતવાદનું પ્રતીક રહ્યો છે. "

"વર પહેલાં જાનમાં બગી લઈને જતો. હાથી-ઘોડાની સવારી સ્ટેટસનું પણ પ્રતીક છે."

"બગી ચલણમાંથી બહાર ફેંકાઈ ગઈ, કારણે તેને શણગારવાનું અને તેની જાળવણી કરવાનું મુશ્કેલ હતું. આ કારણે આપણે ઘોડી પર આવી ગયા.”

તેમના અનુસાર, "ઘોડી પર આવ્યા બાદ, પાછલા લગભગ ત્રણ દાયકાથી દલિતોમાં પણ બિંદોલી પ્રથા શરૂ થઈ હોવાનું જોવા મળ્યું છે. તે બાદ દલિતોએ બિંદોલી કાઢવાની શરૂઆત કરી, ત્યારે વિરોધ પણ થયો."

દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર જિતેન્દ્ર મીણા કહે છે કે, "ઘણી જગ્યાએ બિંદોલી પગપાળા કાઢવામાં આવે છે. તેમજ ઘણી વાર ઘોડા અને ઊંટ પર પણ બિંદોલી કઢાય છે."

"લગ્નના એક દિવસ પહેલાં કુળદેવી અને કુળદેવતાની પૂજા કરાય છે. મહિલાઓ ગીત ગાતાં જાય છે."

"છોકરીઓને પણ ઘોડી પર બેસાડીને બિંદોલી કાઢવાનું શરૂ થયું છે. આ સ્વાભિમાન અને ગરિમાનું પ્રતીક છે."

બીબીસી ગુજરાતી

દલિત મહિલા દ્વારા ઘોડી પર સવાર થવું અગત્યનું

દલિત ચિંતક ભંવર મેઘવંશી કહે છે કે, "આત્મમુક્તિ માટે આનો સ્વીકાર કરવાની જરૂર છે. છોકરીઓને ઘોડી પર બેસાડાય એ ખૂબ જ હકારાત્મક અને મોટું પરિવર્તન છે."

"પરંતુ સમાજમાં મહિલાની જ સ્વીકાર્યતા નથી. તેઓ ઘોડા પર બેસવા લાગશે તો તેમના અને પુરુષો વચ્ચે શો ફરક રહેશે."

ડૉ.જિતેન્દ્ર મીણા કહે છે કે, "પહેલાં છોકરાનાં લગ્નમાં તેમને ઘોડા પર બેસાડાતા. પરંતુ, પાછલાં અમુક વર્ષોથી છોકરીઓની બિંદોલી કાઢવાનાં આયોજન પણ થવા લાગ્યાં છે."

"પિતૃસત્તાત્મક વિચાર મહિલાઓને આગળ કે પુરુષોની બરાબરીની કક્ષાએ સ્થાન મળે તેવું નથી ઇચ્છતો. દલિત સમાજની છોકરીઓ ઘોડી પર બેસે એ વાત સારો સંદેશ પૂરો પાડે છે."

ઍડ્વોકેટ સતીશકુમાર કહે છે કે, "સાર્વજનિક જગ્યાઓએ દલિતની બિંદોલી રોકવામાં આવી. અંતિમ યાત્રા પણ ન કાઢવા દેવાઈ."

"મે વર્, 2015માં એક જાહેર હિતની અરજી દાખલ કરી. એ બાદ સરકારને નોટિસ ફટકારવામાં આવી અને આ મામલાને ગંભીર ગણાવીને નિર્દેશ અપાયા."

તેઓ આગળ કહે છે કે, "એક દલિત મહિલાની બિંદોલી કાઢવામાં આવે એ વાતનો સંદેશ દૂર સુધી જાય છે."

"આ વાત સ્વાભિમાન સાથે જોડાયેલી છે. પિતૃસત્તાને પડકારી મહિલાઓને આગળ લાવવાની છે."

રાજસ્થાનથી થયેલી આ શરૂઆતનો પ્રભાવ પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

શું છે જાતિ પંચાયત?

સામાજિક કાર્યકર્તા કવિતા શ્રીવાસ્તવ કહે છે કે, "હરિયાણામાં જે ખાપ પંચાયત છે, રાજસ્થાનમાં અમે તેને જાતિ પંચાયત કહીએ છીએ."

"જ્યારે ટોચ પર બેઠેલા લોકોને અમુક પ્રકારનો પડકાર મળતો દેખાય છે ત્યારે તેઓ ફરમાન બહાર પાડે છે. જે બિલકુલ ગેરબંધારણીય છે."

તેઓ કહે છે કે, "જે લોકો કાયદો હાથમાં લઈને આવા ફરમાન બહાર પાડે છે, તેમની સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી થવી જોઈએ."

"રાજકીય પાર્ટીઓ આમને રોકતી નથી. કારણ કે આ લોકો જ તેમની વોટબૅંક છે."

મેલીનો મામલો પોલીસતંત્ર સુધી પહોંચ્યા બાદ દલિત મેઘવાલ સમાજની પંચાયત બૅકફૂટ પર આવી ગઈ છે.

શંકરરામ મેઘવાલ કહે છે કે, "પંચાયતે ફરી એક વાર મને બોલાવ્યો અને સમાધાન કરવા માટે સમજાવી રહ્યા છે. પરંતુ મારી માગ છે કે તેઓ સ્ટૅમ્પ પેપર પર લખીને પોતાની ભૂલ સ્વીકારે."

રેડ લાઇન
રેડ લાઇન