18 મહિલાઓ પર બે દિવસ સુધી રેપનો એ મામલો જેમાં સરકારી અધિકારીઓ દોષિત સાબિત થયા

મહિલા

ઇમેજ સ્રોત, Madan Prasad

    • લેેખક, પ્રમિલા ક્રિષ્નન
    • પદ, બીબીસી સંવાદદાતા, વાચતી, ધર્મપુરી જિલ્લો, તામિલનાડુ

“હું માત્ર 13 વર્ષની હતી. મેં તેમને વિનંતી કરી હતી કે હું તો કિશોરી છું, નાની છોકરી છું, પણ તેમણે મને છોડી નહીં. તેમને ભાઈ-બહેન હશે અથવા તેમના પરિવારમાં કોઈ છોકરી હશે કે નહીં તેની મને ખબર નથી. તેમણે અમારા પર બળાત્કાર કર્યો હતો, બહુ માર માર્યો હતો. આખા ગામમાં રડવાના, હિબકાં ભરવાના અવાજ સંભળાતા હતા.”

પીડિતાઓ પૈકીનાં એકે 1992ની 20 જૂનની રાતે બનેલી ઘટનાને યાદ કરતાં ઉપર મુજબ કહ્યું હતું.

વાચતી હુમલો અને બળાત્કાર કેસ ભારતની અદાલતોમાં સૌથી લાંબો સમય સુનાવણી ચાલી હોય તેવો કેસ છે. તેની અદાલતી કાર્યવાહી ત્રણ દાયકાથી ચાલી રહી છે.

તામિલનાડુના વાચતી ગામમાં 1992માં એક સાથે 18 સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા 100 અન્ય ગ્રામજનો પર પોલીસ તથા તામિલનાડુના વનવિભાગના અધિકારીઓએ હુમલો કર્યો હતો.

ગ્રામજનો ચંદનના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા હોવાની શંકાથી પોલીસ તથા વનવિભાગના અધિકારીઓ સહિતના સરકારી અધિકારીઓએ વાચતી ગામ પર દરોડો પાડ્યો હતો. વાચતી ગામ ઈશાન તામિલનાડુમાં સિતેરી પર્વતની તળેટીમાં આવેલું એક આદિવાસી ગામડું છે. આ ગામ તેના ચંદનનાં વૃક્ષો માટે જાણીતું છે.

1992ના જૂનમાં સતત બે દિવસ સુધી 18 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, આદિવાસી સમાજના કમસે કમ 100 લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને તેમનાં ઘર તથા ઢોર લૂંટી લેવાયાં હતાં.

એક ખાસ અદાલતે 2011માં આપેલા ચુકાદામાં પોલીસ તથા વનવિભાગ સહિતની 215થી વધુ સરકારી અધિકારીઓને ‘દલિતો પરના અત્યાચાર’ બદલ દોષિત ઠરાવવામાં આવ્યા હતા. વાતચીમાં દલિતો અને આદિવાસીઓની વસતિ છે. દોષી ઠરાવવામાં આવેલા અધિકારીઓ પૈકીના 54 અદાલતી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

ખાસ અદાલતે 2011માં કરેલી કારાવાસની સજાને પડકારતી એક અરજી દોષિત સરકારી અધિકારીઓએ દાખલ કરી હતી. એ અરજી વિશેનો ચુકાદો મદ્રાસ હાઇકોર્ટ ટૂંક સમયમાં આપશે તેવી અપેક્ષા છે.

વાચતી ગામમાં વડલાના એક મોટા વૃક્ષ નીચે બેઠેલાં સાડીધારી મહિલાઓના જૂથ પૈકીનાં એક પીડિતાએ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, “અમારા પર બળાત્કાર, હુમલો તથા અત્યાચાર કરવામાં આવ્યો હતો. અદાલતી લડાઈ ભલે 30 વર્ષથી ચાલી રહી હોય, પણ અમારા જખમ અમારા મનમાં હજુ પણ તાજા છે.”

અહીંનાં મહિલાઓને એ હુમલો હજુ ગઈ કાલે જ થયો હોય એ રીતે યાદ છે. જૂન, 1992ની રાતે કરવામાં આવેલા સામૂહિક બળાત્કાર વિશે વાત કરતાં તેમની આંખોમાંથી આંસુ દડી પડે છે. એ પૈકીનાં કેટલાંક સ્ત્રીઓએ જણાવ્યું હતું કે એ ઘટનાની યાદ આવે છે ત્યારે તેઓ આજે પણ ધ્રૂજી ઊઠે છે અને આખો દિવસ કશું ખાઈ શકતી નથી.

ગ્રે લાઇન

વાચતીની ઘટના બની ટર્નિંગ પૉઇન્ટ

મહિલા

ઇમેજ સ્રોત, Madan Prasad

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તામિલનાડુ સરકાર 1990ના દાયકામાં ચંદનચોર વીરપ્પનને પકડવામાં નિષ્ફળ રહી ત્યારે સિતેરી હિલ્સ અને સત્યમંગલમના જંગલ તથા તેની આસપાસનાં ગામડાંમાં વ્યાપક સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. વાચતી ગામ આ હિલ્સ અને વનની સરહદે આવેલું છે.

સત્તાવાળાઓ દરોડા દરમિયાન ગામવાસીઓને વારંવાર પૂછપરછ કરતા હતા અને તેમના પર અત્યાચાર કરતા હતા. એવો જ એક દરોડો 1992ની 20 જૂને પાડવામાં આવ્યો હતો. તે વખતે વાચતીના રહેવાસીઓને ચંદનની તસ્કરી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. એ પૂછપરછ વન અધિકારીઓ અને નિર્દોષ હોવાનો દાવો કરતા ગામવાસીઓ વચ્ચેની લડાઈમાં પરિણમી હતી.

એક તબક્કે બન્ને પક્ષ વચ્ચેની દલીલબાજીનો અંત એકમેક પરના હુમલામાં આવ્યો હતો. એ અથડામણના થોડા કલાકમાં તો હજારો પોલીસ, વનવિભાગના અધિકારીઓ અને કેટલાક મહેસૂલ અધિકારીઓ ગામમાં પ્રવેશ્યા હતા. તેમણે ગામમાં તોડફોડ કરી હતી અને 18 યુવતીઓ પર બળાત્કાર કર્યો હતો.

બળાત્કાર પીડિતા પૈકીની એક યુવતી એ સમયે શાળામાં અભ્યાસ કરતી હતી. તેણે જણાવ્યું હતું કે તેની તરુણાવસ્થા લૂંટી લેવામાં આવી હતી અને એ ઘટનાને કારણે તેને સ્કૂલનો અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો.

ગ્રે લાઇન

'તળાવની નજીક બળાત્કાર'

તળાવની તસવીર

ઇમેજ સ્રોત, Madan Prasad

બળાત્કાર પીડિતાએ કહ્યું હતું કે, “અમારા પર તળાવની નજીક બળાત્કાર કરવામાં આવ્યો હતો. હુમલો કરવામાં આવ્યો ત્યારે અમને સાનભાન રહ્યું ન હતું. એ પછી અમને વનવિભાગના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં હતાં, પણ અમને ઊંઘવા દેવાયાં ન હતાં. હું શાળામાં અભ્યાસ કરું છું અને મારી ઉંમર તથા શિક્ષણને ધ્યાનમાં રાખીને મને મુક્ત કરો, એવી વિનંતી મેં તેમને કરી ત્યારે એક ફૉરેસ્ટ રેન્જરે મને ગંદી ગાળો આપી હતી. તેણે મને પૂછ્યું હતું કે તારા શાળા શિક્ષણથી શું થશે. મારી બહેન, કાકા, કાકી, માતા, અને હું એમ બધાને સાલેમ જેલમાં લઈ જવાયાં હતાં.”

લેખક અને વકીલ એસ. બાલમુરુગને તે સર્ચ ઑપરેશન દરમિયાન આદિવાસીઓ પર કરવામાં આવેલા અત્યાચાર આધારિત એક નવલકથા લખી છે. તેમણે કહ્યું હતું કે, “સર્ચ ઑપરેશનમાં બળાત્કારનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરવામાં આવ્યો હતો, પરંતુ માર્ક્સવાદી પક્ષના ટેકાને કારણે વાચતીના અનેક પીડિતોએ અત્યાતાર બાબતે વાત કરી હતી અને સરકારી અધિકારીઓ સામે કેસ દાખલ કર્યા હતા. પીડિતાઓ એ ઘટના બાબતે બોલવા લાગી પછી સરકારનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો હતો. સરકાર આદિવાસીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી હતી. વાચતી કેસને કારણે આદિવાસીઓની હિંમત વધી હતી અને તેમના પરના અત્યાચારો બાબતે વાત કરતા થયા હતા.”

ગ્રે લાઇન

વિવિધ મામલાઓમાં હિંસક સતામણી

ગામની તસવીર

ઇમેજ સ્રોત, Madan Prasad

મહિલાઓના એક જૂથ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા જૂથને લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. એ હુમલા અને બળાત્કાર પછી 90થી વધારે સ્ત્રી તથા 20 બાળકોને એક મહિનાથી વધુ સમય સુધી જેલમાં ગોંધી દેવાયાં હતાં. કેટલાકે તો ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

બળાત્કારની ઘટના બની ત્યારે એક મહિલાના પેટમાં આઠ માસનો ગર્ભ હતો. એ પીડિતા સાથે પણ અમે વાત કરી હતી.

એ પીડિતાએ કહ્યું હતું કે, “હું ગર્ભવતી છું એ બધા જાણતા હોવા છતાં મને જોરદાર માર મારવામાં આવ્યો હતો. અધિકારીઓ ગંદા શબ્દો બોલતા હતા. મેં મારી દીકરી માલાને ચુસ્ત રીતે પકડી રાખી હતી. અમારા પુરુષો પૈકીના ઘણા દરોડાથી બચવા જંગલમાં ભાગી ગયા હતા એટલે અમે નિ:સહાય હતાં. ગામમાં કેટલાક છોકરાઓ અને વૃદ્ધો જ હતા. અમે એકમેકને આધાર આપી શકીએ તેમ ન હતાં. અમે ભયભીત થઈ ગયાં હતાં. હું ત્રણ મહિના જેલમાં રહી હતી અને મારી પ્રસૂતિ પણ જેલવાસ દરમિયાન જ થઈ હતી. જેલમાં જન્મેલી મારી દીકરીનું નામ જેલ રાની રાખ્યું હતું, પણ થોડા મહિનામાં તે મૃત્યુ પામી હતી.”

હુમલા પછી નબળા પડી ગયેલા ખભા એ પીડિતાએ અમને દેખાડ્યાં હતાં. અમારી સાથે વાત કરતી વખતે તેમનો અવાજ અને શરીર ધ્રૂજતાં હતું. તેમનો ચહેરો ભય તથા પીડાને કારણે વંકાઈ ગયો હતો. બાકીનાં 17 પીડિતાઓની હાલત પણ આવી જ છે. ગામમાં એ રાતે થયેલા હુમલાની ભયાનકતા તેમને આજે પણ યાદ છે.

એ રાતના હુમલા પછી લોકો ગામ છોડીને ભાગી ગયા હતા. ગામલોકોએ જણાવ્યું હતું કે અનેક મહિના પછી તેઓ પાછા આવ્યા ત્યારે ગામમાં ચારેકોર વિનાશ વેરાયેલો હતો. ઘરો સળગાવી દેવાયાં હતાં, પશુઓની હત્યા કરવામાં આવી હતી, કપડાં અને ઘરવખરી બહાર ફેંકી દેવામાં આવી હતી તેમજ ગામના કૂવામાં મરેલાં પશુ નાખી દેવામાં આવ્યાં હતાં.

એક ગામવાસીએ કહ્યું હતું કે, “અમે કૂવામાંથી પાણી ભરી શકતા ન હતા. તે પીવાલાયક રહ્યું ન હતું. કૂવામાં કચરો અને મૃત પશુઓ ફેંકવામાં આવ્યાં હતાં. જીવન ફરી શરૂ કરવા માટે અમારી પાસે કશું જ ન હતું. મારાં ત્રણ સંતાનોનું પેટ ભરાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. અનાજમાં કાચનો ભૂકો ભેળવી દેવામાં આવ્યો હતો, અમારાં વાસણો તોડી નાખવામાં આવ્યાં હતાં અને અમારાં કપડાં પણ બાળી નાખવામાં આવ્યાં હતાં. જેલમાં હતા ત્યારે અમને કમસે કમ કશુંક ખાવા તો મળતું હતું.”

તામિલનાડુ મહિલા અત્યાચાર

ફૅક્ટ ફાઇલ

  • ઘટના ક્યારે બની હતી – 20 જૂન, 1992
  • આદિવાસી પીડિતોની કુલ સંખ્યા – 217
  • મહિલાઓ – 94, બાળકો – 28
  • બળાત્કાર પીડિતાઓની સંખ્યા – 18
  • દોષી અધિકારીઓની સંખ્યા – વન, પોલીસ અને મહેસૂલ વિભાગ સહિતના કુલ 269 અધિકારીઓ
  • બળાત્કાર માટે દોષી અધિકારીઓની સંખ્યા – 17
  • કેસની કાર્યવાહી દરમિયાન 2011 સુધીમાં મૃત્યુ પામેલા અધિકારીઓની સંખ્યા – 54
  • એફઆઈઆર નોંધાયાનું વર્ષ – 1995
  • ટ્રાયલ કોર્ટની રચનાનું વર્ષ – 1995
  • ટ્રાયલ કોર્ટે ચુકાદો ક્યારે આપ્યો – 2011

દોષી અધિકારીઓએ કરેલી અપીલ બાબતે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો આગામી સપ્તાહોમાં અપેક્ષિત

તામિલનાડુ મહિલા અત્યાચાર

વિલંબનું કારણ

મહિલા

ઇમેજ સ્રોત, Madan Prasad

આદિવાસીઓને ન્યાય અપાવવા મોખરે રહેલા માર્કસવાદી પક્ષના નેતા પી. શણ્મુગમે જણાવ્યું હતું કે ગામની લગભગ દરેક વ્યક્તિ અત્યાચારનો ભોગ બની હતી અને લગભગ એક દાયકા પછી તેમનું જીવન ફરી પાટે ચડ્યું હતું.

ઘણાં મહિલાઓ બળાત્કારની વાત કરતાં ડરતાં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, “તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે ચૂપ રહેવા જણાવવામાં આવ્યું હતું. તેમને ધમકી આપવામાં આવી હતી કે બળાત્કાર બાબતે ખૂલીને વાત કરશો તો તમારે કાયમ જેલમાં જ રહેવું પડશે. ગામમાં તોડફોડના વિરોધમાં અમે શ્રેણીબદ્ધ વિરોધપ્રદર્શન કર્યું પછી આદિવાસી મહિલાઓમાં હિંમત આવી હતી અને તેમણે અમને સામૂહિક બળાત્કાર વિશે જણાવ્યું હતું. અમે મદ્રાસ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી, પરંતુ હજારો સિનિયર અધિકારીઓ આવું કરી શકે નહીં, એવું જણાવીને અમારી અરજી ફગાવી દેવામાં આવી હતી.”

“એ પછી અમે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને અમારી અરજી સાંભળવાનો આદેશ આપ્યો પછી કેસ આકાર પામ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ 269 અધિકારીઓ પર આરોપ મૂક્યા પછી ખાસ અદાલતની રચના કરવામાં આવી હતી. 20 વર્ષ ચાલેલી અદાલતી કાર્યવાહી દરમિયાન 54 અધિકારી મૃત્યુ પામ્યા હતા,” એમ શણ્મુગમે કહ્યું હતું.

કેસની વિગતવાર માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, “2011માં આપવામાં આવેલા ચુકાદામાં 215 અધિકારીઓને દોષી ઠરાવવામાં આવ્યા હતા. એ પૈકીના 12ને દસ વર્ષના કારાવાસની, સાતને પાંચ વર્ષના કારાવાસની અને બાકીના અધિકારીઓને બેથી દસ વર્ષ સુધીના કારાવાસની સજા કરવામાં આવી હતી.”

તામિલનાડુ મહિલા અત્યાચાર

ચુકાદાને પડકારતી અરજી

મહિલા

ઇમેજ સ્રોત, Madan Prasad

વકીલ ગાંધીકુમાર આરોપીઓ પૈકીના 43નું મદ્રાસ હાઇકોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ટ્રાયલ કોર્ટના 110 પાનાંના આદેશને હાથમાં રાખીને ગાંધીકુમારે જણાવ્યું હતું કે તેમના અરજદારો નિશ્ચિત રીતે નિર્દોષ સાબિત થશે.

તેમણે કહ્યું હતું કે, “સીબીઆઈએ ઘટના બની ત્યારે ફરજ પર હાજર ન હતા એવા અનેક અધિકારીઓને ચાર્જશીટ કર્યા હતા. મારા એક અરજદાર એ વખતે મેડિકલ લીવ પર હતા, પરંતુ તેમને પણ આ કેસમાં આરોપી બનાવાયા હતા અને બે વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.”

તેમણે જણાવ્યું હતું કે બળાત્કાર પીડિતાઓએ વર્ણવેલી અનેક ઘટનાઓ શંકાસ્પદ છે.

બીબીસી ગુજરાતી

ન્યાય માટે પ્રતીક્ષાના સમયમાં વાચતીની પ્રગતિ

ગામની તસવીર

ઇમેજ સ્રોત, Madan Prasad

જૂન, 1992ની ભયાનક ઘટના પછી વાચતી ગામે લાંબો પંથ કાપ્યો છે. હવે ગામમાં ઘાસની છતવાળા, ગારમાટીનાં બહુ ઓછાં મકાનો છે. પાકી છતવાળાં અનેક ઘર છે. લગભગ તમામ બાળકો શાળામાં અભ્યાસ કરે છે. કેટલાક જનરલ સ્ટોર્સ ખૂલ્યા અને બંધ થયા છે.

ગામના કેટલાક યુવાનો હવે ટ્રેન્ડી બાઇક્સ પર ફરતા જોવા મળે છે. ગામના મોટા ભાગના લોકો સેલફોનનો ઉપયોગ કરે છે. લગભગ દરેક ઘરમાં ટેલિવિઝન છે. ઘણા યુવક-યુવતી, પોતાનું ઘર બનાવવાના સપનાં સાથે નજીકના શહેરમાં આવેલી નિટિંગ મિલ્સમાં નોકરી કરે છે.

એ ઉપરાંત વાચતી ગામના પાંચ યુવાનો પરીક્ષા પાસ કરીને જુનીયર રૅન્કમાં પોલીસસેવામાં જોડાયા છે.

ગામનું વડલાનું વિશાળ વૃક્ષ જૂન, 1992ની ઘટનાનું સાક્ષી છે. એ વૃક્ષ આજે પણ મહિલાઓ, પુરુષો અને કેટલાક નવયુવાનોનું મિલન કેન્દ્ર બની રહ્યું છે.

રેડ લાઇન
રેડ લાઇન