'તું વિકલાંગ છે, તારી સાથે દુષ્કર્મ કરી કોઈને શું મળે?'

ઇલેસ્ટ્રેશન

હું તમારી જેમ ચાલી નથી શકતી, એટલે બધા લોકો મારી મજાક કરે છે.

લંગડાવ છું, એટલે પોલીસ પણ મારી વાત નથી માનતી.

પોલીસ કહે છે, "તું વિકલાંગ છે, તારી સાથે દુષ્કર્મ કરવાથી કોઈને શું મળશે?"

પણ હું સાચું કહું છું, બે માણસોએ મારા પર દુષ્કર્મ આચર્યું છે.

જેમાંથી એક મારો પાડોશી રાઘવ હતો. તેના ઘરે કલર ટીવી હોવાથી હું ઘણી વખત એના ઘેર જતી.

ટીવી જોવાનું તો ગમતું જ હતું, રાઘવ પણ પસંદ હતો.

ઇલેસ્ટ્રેશન

મને લાગતું હતું કે હું પણ તેને પસંદ છું.

એક દિવસ તેણે મને પૂછ્યું પણ કે "લગ્ન કરીશ?" રૂમમાં જેટલા લોકો હતા, એ બધા હસી પડ્યા. હું શરમાઈ ગઈ.

રાઘવનો પરિવાર પણ મારી સંભાળ લેતો. એટલે મારી માની નજરમાં તેમનું ઘર મારા માટે સુરક્ષિત હતું.

પણ એક દિવસ હું રાઘવના ઘરે ટીવી જોવા ગઈ તો એ મને બહાર લઈ ગયો. એક કારમાં એનો મિત્ર હતો અને બન્નેએ મને ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું.

ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક સારાં લાગ્યાં, પણ એના પછી હું નશામાં જતી રહી.

ઇલેસ્ટ્રેશન

એથી આગળ કંઈ જ યાદ નથી. પણ સમજું છું, જાણું છું કે શું થયું.

પછી મારી મા અને પરિવારને હું પાસેના એક રસ્તા પર બેહોશ મળી.

મારી માએ મારી વાત માની, મારા ઘા જોયા, મારી સંભાળ લીધી. તે મને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ.

હું રાઘવ અને તેના મિત્રને સજા અપાવવા માગું છું. મને તેના મિત્રનું નામ તો નથી ખબર પણ મેં પોલીસને રાઘવનું નામ કહ્યું છે.

ઇલેસ્ટ્રેશન

પણ પોલીસને લાગે છે કે હું ખોટું બોલું છું.

મારા ઘાને કારણે પોલીસે મને હૉસ્પિટલમાં દાખલ તો કરી પણ વારંવાર કહેવા છતાં મારી વાત ન માની.

તેમણે મારી માને કહ્યું, "તમારી દીકરી 'નૉર્મલ' નથી. અમે કેવી રીતે માની લઈએ કે એણે સાચું જ નામ આપ્યું છે."

પોલીસે કેસ તો નોંધી લીધો છે, પણ તેમની નજરમાં હું ખોટી છું. તો તપાસ કઈ રીતે થશે, કોર્ટમાં પુરાવા કઈ રીતે રજૂ કરશે?

ઇલેસ્ટ્રેશન

હું ખૂબ જ રડી. બધી જ હિંમત તૂટી ગઈ. આજુબાજુમાં પણ બધાએ રાઘવનો વિશ્વાસ કર્યો.

બધાએ કહ્યું, "રાઘવ સારો છોકરો છે અને તું વિકલાંગ છે, તો એને તારી સાથે શારીરિક સંબંધ બાંધવામાં શું રસ હોય?"

મેં તો ખરેખર એનો વિશ્વાસ કર્યો હતો. એણે જ્યારે મને લગ્નનું પૂછ્યું હતું, ત્યારે મનોમન મેં 'હા' કહી હતી.

હું એને પ્રેમ કરતી હતી. પણ એણે મારી સાથે ખોટું કર્યું.

એ એક રાતે બધું જ બદલી નાખ્યું. મારા મોટા ભાઈ મારાથી નારાજ થઈ ગયા.

તેમણે કહ્યું, "ખબરદાર જો તું પોલીસ પાસે ગઈ, પરિવારની ઇજ્જત પર દાગ લાગશે."

જ્યારે મા ન માની તો અમને બન્નેને ઘરમાંથી કાઢી મૂક્યા.

ઇલેસ્ટ્રેશન

હવે હું અને મારી મા, મારી મોટી બહેન સાથે રહીએ છીએ.

પણ મારે ઘરે પાછું જવું છે. હું ત્યાં જ મોટી થઈ, ત્યાં બધું પોતાનું હતું.

બધા મિત્રો છૂટી ગયા. હવે દરેક પળે ડર લાગ્યા કરે છે.

હું મારી બહેનને ત્યાં નથી રહેવા માગતી. કંઈક કામ કરી પૈસા કમાવવા માગું છું એટલે ભાડા પર ઘર રાખી હું અને મારી મા પોતાની રીતે રહીએ.

એ પણ એટલું આસાન નથી. મારું ભણવાનું બાકી છે.

સ્કૂલમાં અન્ય બાળકોથી પાછળ રહી જતી હતી, તો શિક્ષકે કાઢી મૂકી.

પછી માએ ઘરમાં ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ મને એ સમજ નથી પડતી.

એટલે હવે એક સંસ્થા 'શ્રુતિ ડિસએબિલિટી રાઇટ્સ સેન્ટર'માં નાનો વ્યવસાય કરવાની ટ્રેનિંગ લેવા માગું છું.

ઇલેસ્ટ્રેશન

પરંતુ મા ડરે છે, એની ઇચ્છા છે કે પહેલા કોર્ટમાં દુષ્કર્મનો કેસ પૂરો થઈ જાય. બીજું બધું પછી કરીશું.

મારા પર સામૂહિક દુષ્કર્મ થયું છે અને લોકો મને ખોટી માને છે. મારી મા માટે આ કલંક હટાવવું જ મહત્ત્વનું છે.

મારા માટે પણ. જોકે આ તો દુનિયાનો દૃષ્ટિકોણ છે. મારી નજરમાં આ બધું થયા પછી પણ સપનાં જીવે છે. હું કામ પણ કરવા માગું છું અને લગ્ન પણ.

ટીવીમાં જોયું છે, છેવટે તો બધું સરખું થઈ જ જાય છે.

(બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય સાથેની વાતચીત પર આધારિત એક વિકલાંગ મહિલાની સાચી વાત)

(આ અહેવાલ સૌપ્રથમ 2017માં પ્રકાશિત થયો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન