'તેમણે કહ્યું કે તમારા મગજમાં આગ લાગી હતી', ખોટા નિદાનનો ભોગ બનેલી મહિલાની વ્યથા

સુસાન

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, રેડિયો આઉટલૂક પ્રોગ્રામ

એક દાયકા પહેલાં 24 વર્ષનાં પત્રકાર સુસાન કાહલાન ભ્રમણા અને અન્યો પ્રત્યે અવિશ્વાસની વિકૃતિ (પેરાનોઈ)ની અકલ્પનીય સ્થિતિમાં અચાનક સપડાયાં હતાં.

તેમને જાતજાતના અવાજ સંભળાતા હતા અને આભાસ થતો હતો. તેમને એક વિચિત્ર, અજ્ઞાત બીમારી થઈ હતી અને એ બીમારીએ સુસાનની માનસિક સ્થિતિ ડળોળી નાખી હતી. તેમણે ભય અને મૂંઝવણમાં લાંબો સમય પસાર કર્યો હતો.

તે બીમારીને લીધે તેઓ વાતચીત કરી શકતા ન હતાં, ચાલી શકતાં ન હતાં. થોડા સપ્તાહમાં તેઓ પોતાના શરીર અને મન પરનો અંકુશ ગુમાવી બેસશે એવું લાગતું હતું.

સુસાન ભયભીત થઈ ગયાં હતાં અને ડૉક્ટર્સ ચોંકી ઊઠ્યા હતા.

આ સ્થિતિના સંખ્યાબંધ હુમલા અને શ્રેણીબદ્ધ ખોટાં નિદાન પછી સુસાનને ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

line

સુસાનની આપવીતી

સુસાન

ઇમેજ સ્રોત, SUSANNAH CAHALAN

"ટાઈમ સ્ક્વૅર વિસ્તાર ન્યૂયૉર્ક શહેરમાં સૌથી અપ્રિય સ્થળો પૈકીનો એક છે. ત્યાં ઢગલાબંધ બિલબોર્ડ્ઝ, રેસ્ટોરાં અને સ્ટોર્સ છે.

ન્યૂયૉર્ક પોસ્ટ ખાતેની મારી ઑફિસે જવા માટે મારે રોજ ટાઈમ સ્ક્વૅરના નરકમાંથી પસાર થવું પડતું હતું. ન્યૂયૉર્ક પોસ્ટ એક અડધિયા કદનું (ટેબ્લૉઇડ) છે, જે પહેલા પાને સનસનાટીભરી સ્ટોરી પ્રકાશિત કરવા માટે કુખ્યાત છે.

એક દિવસ સવારે હું ઝળહળતાં બિલબોર્ડ્ઝ અને લોકોની ભીડ વચ્ચેથી આગળ વધી રહી હતી ત્યારે મને અસાધારણ અનુભૂતિ થઈ હતી. એવું લાગ્યું કે હું અવાજ, દૃષ્ટિ, ગંધ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલ બની ગઈ છું. જાણે કે બધાનો અતિરેક થયો હતો.

મને લાગ્યું કે તેજસ્વી પ્રકાશ મને શારીરિક રીતે બીમાર બનાવી રહ્યો છે. મારી ખોપરી પર દબાણ અનુભવાતું હતું. પ્રકાશને લીધે મને ઊબકાં આવતાં હતાં અને હું તેમાંથી શક્ય તેટલી વહેલી તકે બહાર નીકળી જવા તલપાપડ હતી.

એ વખતે મને ખબર ન હતી કે ફોટોફૉબિયા, પ્રકાશ પ્રત્યેની તીવ્ર સંવેદનશીલતા જેવું પણ કંઈક હોય છે.

ઑફિસે પહોંચતા સુધીમાં તો મારા મનમાં લાગણીનું તોફાન સર્જાયું હતું. તેમાં ઝડપી સંવાદ ચાલતો હતો અને મારી કારકિર્દી વિશેના તમામ મહાન આઇડિયા તેમાં હતા. મેં અમારા અખબારના તંત્રીને બાજુમાં લઈ જઈને મારાં બધાં સપનાંની વાતો સુધ્ધાં કરી હતી. એ સપનાં સંદર્ભ વગરનાં હતાં. તેમને સમજાયું ન હતું કે શું થઈ રહ્યું છે.

હું એક ઉત્સાહી વ્યક્તિ છું. હું જે અનુભવી રહી હતી તે મારા વ્યક્તિત્વથી તદ્દન વેગળું ન હતું, પરંતુ તેનો વિસ્તાર થયો હતો.

મારી ઑફિસની પરસાળની ભીંત પર અખબારના મુખપૃષ્ઠના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. હું તે હોલવેમાંથી પસાર થઈ ત્યારે મને લાગ્યું કે એ બધાં મુખપૃષ્ઠ મારા પર કુદૃષ્ટિ કરી રહ્યાં છે, દીવાલો શ્વાસ લઈ રહી છે અને છત અચાનક ધસી રહી છે.

એ બધું ઉન્માદ ન હતું. હું જોરથી રડી રહી હતી અને મારા ડૅસ્ક નીચે સંતાઈ ગઈ હતી. હોલવેમાં આગળ વધતાં મને ઠોકર લાગી હતી અને એક સખી મને ન્યૂઝરૂમની બહાર લઈ ગયાં હતાં. સખીને ખબર પડી ગઈ હતી કે મને કંઈક થઈ રહ્યું છે."

અગાઉના મહિને સુસાનને બહુ હતાશાનો અનુભવ થયો હતો. તેમને પથારી છોડવાની ઇચ્છા થતી ન હતી. મગજ બહેર મારી ગયું હતું. કોઈ ઉત્સાહ ન હતો. તેઓ થાકી ગયાં હતાં.

થોડા દિવસ પછી તેઓ વધારે શારીરિક અસ્વસ્થતા અનુભવવા લાગ્યાં હતાં. કશુંક ચિંતાજનક થઈ રહ્યું હતું.

સુસાન કહે છે, "મારા શરીરનો ડાબો ભાગ અને હાથપગની આંગળી, અંગૂઠા સુન્ન થઈ ગયા હતા. હું એટલી ડરી ગઈ હતી કે ન્યૂરોલૉજિસ્ટ પાસે દોડી ગઈ હતી અને કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. ટેસ્ટ સૂચવતા હતા કે મને કશું થયું નથી.

એક દિવસે સવારે મારો બૉયફ્રેન્ડ જાગ્યો ત્યારે હું આક્રમક રીતે દાંત ભીંસી રહી હતી. તેણે મારું નામ પોકાર્યું અને મારા બન્ને હાથ અત્યંત સખત થઈ ગયા. લગભગ ફ્રેન્કેસ્ટાઈન અથવા ચાલતા મમી જેવી સ્થિતિ સર્જાઈ. મારું આખું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. મને સૌપ્રથમ વાર આંચકીનો હુમલો આવ્યો હતો.

મારા બૉયફ્રેન્ડે અગાઉ આવું ક્યારેય જોયું ન હતું. તેણે મને જકડી લીધી હતી અને ઇમરજન્સી સર્વિસ 911ને ફોન કર્યો હતો. કોઈને આંચકી આવે ત્યારે જે કરવું જોઈએ એ બધું જ મારા બૉયફ્રેન્ડે કર્યું હતું."

line

ઊંઘ ગાયબ

સુસાન

ઇમેજ સ્રોત, SUSANNAH CAHALAN

એમ્બ્યુલન્સ સુસાનને હૉસ્પિટલે લઈ ગઈ હતી. તેમને વધુ દર્દીવાળા રૂમમાં લઈ જવામાં આવ્યાં હતાં. સુસાને જોયું કે ત્યાં ચારેતરફ અંધાધૂંધી હતી.

તે વાતાવરણને કારણે સુસાનના પેરાનોઇયા અને ડરમાં વધારો થયો હતો. સુસાનને લાગ્યું કે ડૉક્ટરોએ તેમનું ખોટું નિદાન કર્યું છે, તેઓ મરી રહ્યાં છે. તેથી તેમણે ડૉક્ટર્સ સામે ચીસો પાડવા લાગ્યાં હતાં. આંચકીના એ હુમલા પછી સુસાનનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.

આંચકીનો પહેલો હુમલો, વ્યક્તિની તે પહેલાંની અને પછીની પરિસ્થિતિનો ખ્યાલ આપતો હોય છે.

સુસાન કહે છે, "હું ઊંધી શકતી ન હતી. ઊંઘવાને બદલે ઘરમાં આંટાફેરા કરતી હતી. એક મધરાતે મેં મારી મમ્મીને જગાડ્યાં હતાં. હું એટલી હદે ભયભીત હતી કે તેઓ મને નુકસાન ન કરે તે સુનિશ્ચિત કરવા માટે મેં તેમને મારી બાજુમાં જ સુવડાવ્યાં હતાં.

બીમારીનાં નવાં લક્ષણો મને ઘેરી રહ્યાં હતાં. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે પણ મને આંચકીના હુમલા આવતા હતા. તેથી ફરી હું ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે મને જણાવ્યું હતું કે આ વાઇરસ છે. તેમણે મને અનેક સવાલ પૂછ્યા હતા. એ પૈકીનો એક સવાલ એ હતો કે હું કેટલા પ્રમાણમાં શરાબ સેવન કરું છું? મેં જણાવ્યું હતું કે સાંજે એક કે બે ગ્લાસ વાઈન પીઉં છું.

ડૉક્ટરે મને એક-બે ડ્રીંક લેવાને બદલે વાઈનની આખી બોટલ પી જવાની સલાહ આપી હતી. તેનાથી મારી જાત પ્રત્યેનો, મને શું થઈ રહ્યું છે તે વિશેનો અને મારો મેડિકલ રેકોર્ડ ચકાસતા ડૉક્ટર્સ શું વિચારશે એ વિશેનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો."

પેરાનોઈયા ગંભીર બન્યો હતો અને એક દિવસ સુસાન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઇસીજી) કરાવવા ગયાં હતાં.

ઇસીજી ટેકનિશિયન જણાવ્યું હતું કે તેમને પરીક્ષણમાં કશું અસામાન્ય જણાયું નથી અને વૉલ સ્ટ્રીટમાં કામ કરતા, તણાવમાં રહેતા ઘણા લોકોને આવો અનુભવ સતત થતો હોય છે. તેમને કોઈ તકલીફ હોતી નથી. ટેકનિશિયને સુસાનને ખાતરી આપી હતી કે "આ માત્ર વિચારવાયુ છે."

સુસાનના કહેવા મુજબ, "હું ત્યાંથી નીકળીને ઑફિસના પ્રતીક્ષાકક્ષમાં ગઈ હતી. મારાં મમ્મી અને સાવકા પિતા ત્યાં મારી રાહ જોતા હતા. મને યાદ છે કે મેં ચારે તરફ શંકાભરની નજરે જોયું હતું. હું માનતી હતી કે તે ઓરડામાં બેઠેલા બધા લોકો કલાકારો છે અને મારાં માતા-પિતાએ પૈસા ચૂકવીને તેમની સેવા લીધી છે તથા એ બધા મને પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે અનુભૂતિ એક ભ્રમણા હતી.

લાઇન
  • મારી ઑફિસમાં લગાવેલા અખબારના મુખપૃષ્ઠના ફોટોગ્રાફ્સ જોઈને મને લાગ્યું કે એ બધાં મુખપૃષ્ઠ મારા પર કુદૃષ્ટિ કરી રહ્યાં છે, દીવાલો શ્વાસ લઈ રહી છે અને છત અચાનક ધસી રહી છે
  • અગાઉના મહિને સૂસાનને પથારી છોડવાની ઇચ્છા થતી ન હતી. મગજ બહેર મારી ગયું હતું. કોઈ ઉત્સાહ ન હતો. તેઓ થાકી ગયાં હતાં
  • એક દિવસે સવારે મારો બૉયફ્રેન્ડ જાગ્યો ત્યારે હું આક્રમક રીતે દાંત ભીંસી રહી હતી
  • બીમારીનાં નવાં લક્ષણો તેમને ઘેરી રહ્યાં હતાં, આ બધું ચાલી રહ્યું હતું ત્યારે પણ તેમને આંચકીના હુમલા આવતા હતા
  • તેમને ચડિયાતી હોવાની લાગણી થઈ હતી, કારણ કે તેમને લાગ્યું હતું કે તેમણે એ બધાને ઓળખી કાઢ્યા છે, તેઓ એ બધા કરતાં હોશિયાર છું અને જે થઈ રહ્યું છે એ બધું જ જાણે છું
  • બાથરૂમમાં રાખવામાં આવેલી બુદ્ધની પ્રતિમા મારી તરફ જોઈને સ્મિત કરતી હતી, કેટલાક કારણસર હું શાંત થઈ ગઈ અને બાથરૂમની બારીમાંથી બહાર કૂદવાનો વિચાર પડતો મૂક્યો
લાઇન

વિશેષ શક્તિનો ભાસ

સુસાન

ઇમેજ સ્રોત, SUSANNAH CAHALAN

હું ચડિયાતી હોવાની લાગણી થઈ હતી, કારણ કે મને લાગ્યું હતું કે મેં એ બધાને ઓળખી કાઢ્યા છે, હું એ બધા કરતાં હોશિયાર છું અને જે થઈ રહ્યું છે એ બધું જ જાણું છું.

સાયકોસીસ એટલે કે મનોવિકૃતિ તમારી જાત પ્રત્યેની ઓળખને બદલી નાખે છે. તમને એવું લાગે છે કે તમે ભગવાન છો અને તમારી પાસે મહાશક્તિ છે. મને લાગ્યું હતું કે જાત પર મારો સંપૂર્ણ અંકુશ છે.

હું અત્યારે મારા પિતાની જેટલી નજીક છું એટલી ત્યારે ન હતી. મને તેમના ઘર વિશે પણ ખાસ માહિતી ન હતી. તેઓ સંપૂર્ણપણે નવું તત્ત્વ હતા, જેણે મને ખલેલ પહોંચાડી હતી અને મારા મનોવિકૃતિને ઘેરી બનાવી હતી.

મારા સાવકા પિતાના ઘરમાં એક ઓરડો છે, જેમાં આંતરવિગ્રહની અનેક સ્મૃતિનો સંગ્રહ છે. એ સમયે મને તે વાતાવરણ બહુ અરોચક લાગતું હતું.

એ તબક્કે મારી નજર અબ્રાહમ લિંકનની પ્રતિમા પર પડી હતી. હું શું જોઈ રહી છું, તે મારા પિતા જોતા હતા. એ પછી અચાનક, મારા સાવકા પિતા મારી સાવકી માતાને તકલીફ આપતા હોય તેવા અવાજ સંભળાવા લાગ્યા હતો. મેં તેમની ચીસ સાંભળી હતી. તેમની વચ્ચેના ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો.

ખરેખર એવું કશું ન હતું. એ બધું મારા મગજમાં હતું, પણ એ દિવસે મને બધું સ્પષ્ટ સંભળાયું હતું. હું દોડીને ત્રણ માળ નીચે બાથરૂમમાં ધસી ગઈ હતી.

મારા પિતાએ મારી ચીસો સાંભળી હતી. તેથી તેમણે બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં તેમને અંદર ઘૂસવા દીધા ન હતા. સાવકા પિતાથી બચવા માટે મેં બાથરૂમની બારીમાંથી બહાર છલાંગ મારવાનો વિચાર કર્યો હતો, કારણ કે હવે શું થશે એ હું જાણતી ન હતી.

બાથરૂમમાં રાખવામાં આવેલી બુદ્ધની પ્રતિમા મારી તરફ જોઈને સ્મિત કરતી હતી. કેટલાક કારણસર હું શાંત થઈ ગઈ અને બાથરૂમની બારીમાંથી બહાર કૂદવાનો વિચાર પડતો મૂક્યો.

જોકે, બાથરૂમમાંથી બહાર આવવા મારા પિતાએ મને કલાકો સુધી સમજાવવી પડી હતી. હું ભયભીત હતી. તેમની સાથે કોઈ સંપર્ક રાખવા ઇચ્છતી ન હતી.

તેમણે મને બાથરૂમની બહાર કાઢી પછી મારાં મમ્મીને કહ્યું હતું કે પરિસ્થિતિ વણસી રહી છે. આપણે કંઈક કરવું પડશે."

સુસાનને ફરી હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં અને હૉસ્પિટલે પહોંચતાંની સાથે જ તેમને આંચકી આવી હતી. તેમને સીધાં એપીલેપ્સી એટલે કે આંચકીના દર્દીઓના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં એક આખો મહિનો તેમની સારવાર ચાલી હતી અને સુસાને 'પાગલપણાનો સંશોધન માસ'ની શરૂઆત કરી હતી.

તેમના સ્પાઈનલ ટેપ્સ, એમઆરઆઈ, સીટી સ્કેન, પીઈટી સ્કેન એમ બધા પરીક્ષણના રિપોર્ટ્સ નૅગેટિવ હતા.

સુસાનના કહેવા મુજબ, "પહેલાં બે સપ્તાહ મારી માનસિક હાલત બહુ અસ્થિર હતી. મારા પિતા અને માતા વિશેની મારી ભ્રમણા હૉસ્પિટલમાં પણ યથાવત રહી હતી. હું માનતી હતી કે મારા પિતાએ મારી સાવકી માતાની હત્યા ખરેખર કરી છે. હું એવું પણ માનતી હતી કે બીજા દર્દીઓ મારા વિશેની માહિતી એકઠી કરી રહેલા ગુપ્ત પત્રકારો છે.

મારી ભાવનાત્મક સ્થિતિ અત્યંત ગંભીર હતી. હું ભયભીત હતી, પરંતુ ઘણી વાર એવી રહસ્યમય ક્ષણો આવતી હતી, જેમાં મને લાગતું હતું કે હું મારી માનસિક શક્તિ વડે લોકોના કાયાકલ્પની અથવા તેમને વૃદ્ધ બનાવી શકું તેમ છું. તે અત્યંત શક્તિશાળી હથિયાર હતું."

હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એક દિવસ સુસાન પલંગ પર બંધ સેલફોન લઈને સૂતા હતાં. તેઓ અત્યંત ઉશ્કેરાયેલાં હતાં અને તેમની આંખના ડોળા કંઈક અંશે બહાર આવી ગયા હતા.

સુસાન એવું વિચારતા હતાં કે તેઓ ખુદને ટેલિવિઝન પર નિહાળી રહ્યાં છે અને તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે.

સુસાન કહે છે, "મેં મારી નસમાં ખોસવામાં આવેલી નળીઓ ખેંચી કાઢી હતી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફના વાયર ખેંચી કાઢ્યા હતા અને ઓરડામાં દોડવા લાગી હતી. મેં અનેક વખત બચવાના પ્રયાસ કર્યા હતા. નર્સીસને લાત, મુક્કા માર્યા હતા. તેઓ મારા પર 24 કલાક નજર રાખતા હતા.

line

અચાનક તોફાન શમ્યું અને મૌન બની ગયાં

સુસાન

ઇમેજ સ્રોત, SUSANNAH CAHALAN

એક દિવસ સાયકોસીસ તો ચાલ્યો ગયો, પરંતુ તેનું સ્થાન વધુ ગંભીર તકલીફે લીધું હતું. મેં વાત કરવાનું બંધ કરી દીધું હતું. હું ભાગ્યે જ ચાલી શકતી હતી. પ્રવાહી ગળવામાં તકલીફ થતી હતી. હું કોઈ શારીરિક હિલચાલ વિના, લાકડાની માફક પથારીમાં પડી રહેતી હતી.

એ સ્થિતિને ડૉક્ટરો કેટાટોનિયા નામે વર્ણવે છે અને તે ખોટી દિશામાં આગળ વધી રહી હતી.

પછી ડૉ. સોહેલ નજ્જર આવ્યા હતા. તેમણે મને એક કોરો કાગળ આપીને તેના પર ઘડિયાળનું ચિત્ર દોરવા કહ્યું હતું. મેં ઘણી વાર વર્તુળ દોર્યું હતું. તે માટે ઘણી મહેનત કરવી પડી હતી. પછી મેં એકથી બાર સુધીના આંકડા લખવાનું શરૂ કર્યું હતું અને તેમાં પણ ઘણો સમય લાગ્યો હતો.

આખરે મેં આખી ઘડિયાળ દોરી અને મેં શું કર્યું છે એ જોયું ત્યારે તેમણે ઊંડો શ્વાસ લીધો હતો. મેં એકથી બાર સુધીના આંકડા વર્તુળમાં જમણી બાજુ લખ્યા હતા, જ્યારે ડાબી બાજુ સાવ કોરી હતી. એ વખતે તેમને સમજાયું હતું કે મારા દિમાગમાં જમણી બાજુ કશીક તકલીફ છે, જે દૃષ્ટિના ડાબા ક્ષેત્રની સમસ્યા માટે જવાબદાર છે."

તે એ વાતની સાબિતી હતી કે સુસાનના મગજમાં મજ્જાતંતુઓને લગતી કોઈ ગડબડ છે.

line

વિશ્વની 217મી વ્યક્તિ

સુસાન કહે છે, "તેઓ મારાં માતા-પિતાને રૂમમાંથી બહાર લઈ ગયાં હતાં. એ પછી તેમણે કહેલું સૌપ્રથમ વાક્ય એ હતું કે તમારા દિમાગમાં આગ લાગી છે અને તમારું શરીર જ તમારા દિમાગ પર હુમલો કરી રહ્યું છે. એ પછી ડૉક્ટરે મારો હાથ પકડીને કહ્યું હતું કે ચાલો, એ શું છે તે શોધી કાઢીએ."

ડૉ. નજ્જરે સુસાનને એવું જણાવ્યું કે તેમના દિમાગમાં આગ લાગી છે ત્યારે તેનો અર્થ એ હતો કે સુઝાનના મગજમાં સોજો હતો. તેમની બીમારીનાં લક્ષણ સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીનાં લક્ષણ જેવાં હતાં.

ઑટોઈમ્યૂન રોગને કારણે સુસાનની આવી હાલત થયાની શંકા હતી અને તે સાચી પણ હતી. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એક ડૉક્ટરે પણ નિદાન કર્યું હતું કે સુસાન એનએમડીએ રિસેપ્ટર સામેના ઑટોઈમ્યૂન એન્સેફેલીટીસ નામની બીમારી થઈ હોય તેવી વિશ્વની 217મી વ્યક્તિ છે. આ રોગ સ્મૃતિ, શીખવાની પ્રક્રિયા અને વર્તન જેવી મૂળભૂત બાબતો પર અસર કરે છે.

બીમારીનું નિદાન થયું તે વખતે સુસાન વાંચી, લખી કે બોલી શકતાં ન હતાં. તેઓ બહુ મુશ્કેલીથી ચાલી શકતાં હતાં. તેમને સ્ટેરોઈડ ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપવામાં આવી હતી.

ડૉ. નજ્જર આશાવાદી હતા અને તેમણે સુસાનને જણાવ્યું હતું કે "તમે 80-90 ટકા સાજા થઈ જશો."

જોકે, દોઢ વર્ષ પછી સુસાન એવું કહેવા સક્ષમ થઈ ગયાં હતાં કે "હું તો સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છું."

(આ લેખ બીબીસી વર્લ્ડ રેડિયો સર્વિસના આઉટલૂક કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવેલી સુસાનની આપવીતીનો અંશ છે. સુસાને તેમની આપવીતીની સમગ્ર કથા 2012માં પ્રકાશિત તેમના પુસ્તક 'માય બ્રેન ઑન ફાયર'માં જણાવી છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન