મહેસાણા દલિત યુવતી પર બળાત્કાર અને હત્યા કેસ: પરિવાર મૃતદેહ કેમ સ્વીકારતો નથી?

મહેસાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ વિભાગની બાજુમાં કાળા કલરની પ્લાસ્ટિકની શીટવાળા એક મંડપમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો, કડકમાં કડક સજા કરવી– જેવાં બેનર સાથે આશરે 50 લોકો ધરણા પર બેઠા છે.

તેમની માગણી છે કે મહેસાણામાં જે 23 વર્ષની મહિલા પર કથિત બળાત્કાર અને બાદમાં હત્યા થઈ એ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ થવી જોઈએ.

બીજી બાજુ જિલ્લા પોલીસ પ્રમાણે હજી સુધી આ કેસમાં એક આરોપીની સંડોવણી બહાર આવી છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

કેસની વિગતવાર વાત કરવામાં આવે તો મહેસાણાના એક ગામમાં 23 વર્ષની એક દલિત યુવતી રીટા (નામ બદલેલું છે) 25મી એપ્રિલે ગુમ થઈ હતી અને તેનો મૃતદેહ 27મી એપ્રિલે મળ્યો હતો.

આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ હત્યા અને બળાત્કારના કેસમાં એક સ્થાનિક રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

રીટાના પરિવારજન સાથે બીબીસી ગુજરાતીએ મુલાકાત કરી. ધરણામાં બેઠેલા અનેક લોકોમાં પીડિતાના મામા પણ છે, જે નોકરી કરે છે.

તેઓ કહે છે કે, "અમારી તો એક જ માગણી છે કે અમને શંકા છે કે આ ગુનામાં એકથી વધુ લોકોની સંડોવણી છે અને પોલીસે હજી સુધી તેની યોગ્ય તપાસ કરી નથી. અમને યોગ્ય તપાસ જોઈએ. તમામ આરોપીઓની ધરપકડ તાત્કાલિક જોઈએ અને ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું."

રીટાનો મૃતદેહ 27મી એપ્રિલના રોજ મહેસાણાના એક ખેતરમાં નગ્ન અવસ્થામાં મળ્યો હતો. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લવાયો હતો. જોકે આ લખાય છે ત્યાં સુધી મૃતદેહ અહીં જ પડ્યો છે.

ગ્રે લાઇન

પરિવારજનો કેમ નથી સ્વીકારતા મૃતદેહ?

મહેસાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રીટાના પિતાની માનસિક હાલત સારી ન હોવાથી તેમના નાના ભાઈ, બહેન અને માતાની જવાબદારી રિટા પર હતી.

તે છેલ્લાં બે વર્ષથી મહેસાણાના જ એક મૉલમાં સેલ્સગર્લની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

તે 25મી તારીખે નોકરી પર ગઈ પછી મોડી રાત સુધી જ્યારે પાછી ન ફરી ત્યારે તેના પરિવારજનોએ જાણવાજોગ પોલીસ ફરિયાદ કરી હતી.

રીટાના મામા કહે છે કે, "27મી તારીખે અમને ફોન કરીને બોલાવાયા અને કહ્યું કે એક મૃતદેહ મળ્યો છે. તેનો દુપટ્ટો અને ચપ્પલના આધારે અમે તેની ઓળખ કરી. જોકે જે અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો, તેનાથી અમને શંકા છે કે આ કામ કોઈ એક જ માણસનું નથી. આ કામમાં એકથી વધુ લોકો સામેલ હોવા જોઈએ."

આ અંગે તેઓ વધુમાં કહે છે કે, "મૃતદેહનો એક ભાગ કાળો પડી ગયો છે અને તેના પર કોઈ પદાર્થથી બળી જવાનાં નિશાન પણ દેખાય છે. તેનાથી અમને શંકા છે કે આ મર્ડર જેટલું દેખાય છે, તેટલું સામાન્ય નથી. માટે અમે પોલીસને અરજ કરી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ."

આ કેસમાં પરિવારજનોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, દલિત પેન્થર અને જનતા સેના જેવી સંસ્થાઓ મદદ કરી રહી છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સુબોધ કુમુદ સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "મેં પોતે બીજા લોકો સાથે સ્થળની મુલાકાત લીધી છે. અમને પણ પ્રાથમિક તબક્કે તો એવું જ લાગી રહ્યું છે કે આ કામ કોઈ એક માણસનું નથી. બીજું કે અમને એ પણ જાણવા મળ્યું છે કે આરોપીની બહેન એક દલિત યુવક સાથે અગાઉ ભાગી ગઈ છે, માટે તેણે કદાચ બદલો લેવા માટે પણ આવું કર્યું હોય, તેવી પણ અમુક લોકોને શંકા છે."

દલિત પેન્થરના ગુજરાત પ્રમુખ રાહુલ પરમારે કહ્યું કે, "અમે પરિવારની સાથે છીએ. હાલમાં તેમને જે શંકા છે અને તેમને તે દિશામાં મદદ કરી રહ્યા છીએ."

ગ્રે લાઇન

નોકરીના સ્થળ પર પણ પરિવારને શંકા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, JAMES MORGAN/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પીડિતાના અન્ય એક પરિવારજન એ જ ગામમાં જ રહે છે, તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "અમે જ્યારે તેના કામના સ્થળે પહોંચ્યા તો જાણવા મળ્યું કે જે દિવસે તે ગુમ થઈ હતી, તે 25મી એપ્રિલના જ સીસીટીવી ફૂટેજ ગાયબ છે, બાકી તમામ દિવસોના ફૂટેજ હતા. અમુક દિવસોથી તેને કામ પરથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ 25મીના રોજ જ તેને કામ પર ફરીથી બોલાવાઈ હતી."

25મી પહેલાં તે ચોથી એપ્રિલે છેલ્લે પોતાના કામે ગઈ હતી. "તે બીજી જગ્યાએ નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપી રહી હતી. પરંતુ 23મીના રોજ તેના પર ફોન આવ્યો અને તે 25મીથી પાછી નોકરી પર જતી રહી હતી."

"અમને શંકા છે કે તેના કામના સ્થળે પણ કંઈક અજુગતું થયું છે, જેની તપાસ પોલીસે યોગ્ય રીતે કરવી જોઈએ", એમ પીડિતાના પરિવારજનોએ કહ્યું હતું.

આ મામલે બીબીસીએ આરોપી પરિવારનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

બીબીસી ગુજરાતી

શું કહેવું છે પોલીસનું?

મહેસાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રીટાના કામના સ્થળ વિશે જ્યારે મહેસાણા સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અચલ ત્યાગી સાથે વાત કરાઈ તો તેમણે કહ્યું કે, "પોલીસ તપાસમાં સૌપ્રથમ અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું તેનો કોઈની સાથે પ્રેમસંબંધ હતો કે નહીં, જેની અમને કોઈ વિગત મળી ન હતી. બીજું અમે તેના કામના સ્થળે તપાસ કરી હતી, જેમાં અમને કંઈ પણ શંકાસ્પદ હજી સુધી મળ્યું નથી."

ત્યાગી વધુમાં કહે છે કે, "પોલીસે પોતાની રીતે આ કેસનાં તમામ પાસાં પર તપાસ કરીને આરોપીને ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે અને જો તપાસ દરમિયાન બીજા લોકોનો કોઈ રોલ નીકળશે, તો તને જરૂરથી પકડવામાં આવશે."

આ કેસની તપાસ વીસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "આ ખૂબ જ સેન્સિટિવ કેસ છે, અમે તેની તપાસ દરેક દિશાથી કરી રહ્યા છીએ. આરોપીની ધરપકડ કર્યા બાદ અમે આખો ક્રાઇમ સીન ફરીથી ઊભો કર્યો છે, હજી સુધી બીજા કોઈ માણસનો રોલ સામે આવ્યો નથી, પરંતુ આરોપી અમારી પાસે હજી 10 દિવસ છે અને તે દરમિયાન અમે તે દિશામાં તપાસ કરીશું."

કેમિકલ વગેરેથી મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હોય એવા આરોપના જવાબમાં ચૌહાણ કહે છે કે, "આ મૃતદેહની રીકવરી અમે ફૉરેન્સિક એક્સ્પર્ટની હાજરીમાં કરી છે. તેમને આવું કંઈ જ દેખાયું નથી."

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ, વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ મહેસાણામાં આ પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સંવેદનશીલ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. આરોપીઓની ધરપકડ માટે તેમણે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.

જોકે તેના બાદ આરોપી 26 વર્ષના વિજયજી ઠાકોરની ધરપકડ થઈ હતી.

બીજી બાજુ ભાજપના અમદાવાદ (વેસ્ટ)ના સાંસદ કિરીટ સોલંકીએ પણ આ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું છે, પરંતુ પરિવારજનોને કોઈ ગેરમાર્ગે દોરતું હોઈ તેઓ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરે છે. ખરેખર તો તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારીને દીકરીની અંતિમવિધિ કરી લેવી જોઈએ."

રેડ લાઇન
રેડ લાઇન