વાકાપલ્લી બળાત્કાર કેસઃ પોતાના પર થયેલા 'દુષ્કર્મ'ની સામે લડનાર મહિલાઓની કહાણી

વાકાપલ્લી બળાત્કાર

ઇમેજ સ્રોત, RAMARAODORA

    • લેેખક, શ્રીનિવાસ લોક્કોજુ
    • પદ, બીબીસી તામિલ માટે

“આ કેસના તપાસકર્તા અધિકારીઓની નિષ્ફળતાને કારણે તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવે છે.”

વાકાપલ્લી આદિવાસી મહિલા બળાત્કાર કેસનો ચુકાદો છઠ્ઠી એપ્રિલે આપતાં વિશાખાપટ્ટનમ ખાતેની સ્પેશિયલ એસસી-એસટી કોર્ટે ઉપર મુજબનું અવલોકન રજૂ કર્યું હતું.

ઘટના બન્યાનાં 15 વર્ષ અને સાત મહિના પછી અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. પીડિતાઓને પૂરતું વળતર ચૂકવવાનો આદેશ અદાલતે રાજ્ય સરકારને આપ્યો હતો.

આ કેસમાં યોગ્ય રીતે તપાસ ન કરવા બદલ તપાસ અધિકારી સામે પગલાં લેવાનો આદેશ પણ અદાલતે આંધ્ર પ્રદેશ સરકારને આપ્યો હતો.

ગ્રે લાઇન

ખરેખર શું થયું હતું?

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

વાકાપલ્લી નામનું આદિવાસી ગામ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી આશરે 73 કિલોમીટર દૂર આવેલું છે. ઇસ્ટર્ન ઘાટમાં આવેલું આ ગામ માઓવાદગ્રસ્ત વિસ્તારમાં છે. માઓવાદીઓને શોધવા માટે પોલીસ ગામડાઓમાં વારંવાર કાર્યવાહી કરતી હોય છે.

માઓવાદીઓ વાકાપલ્લીમાં છુપાયા હોવાની બાતમીને પગલે ગ્રેહાઉન્ડ પોલીસે 2007ની 20 ઑગસ્ટની વહેલી સવારે ગામને ઘેરી લીધું હતું.

પીડિતોના જણાવ્યા મુજબ, "મળસ્કે ત્રણ કે ચાર વાગ્યે ગામના પુરુષો ખેતરમાં કામ કરવા માટે રવાના થયા હતા અને મહિલાઓ તથા બાળકો જ ઘરમાં હતાં. સર્ચ ઑપરેશન માટે આવેલા પોલીસ કર્મચારીઓએ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો."

વાકાપલ્લીની પીડિતાઓ સાથે બીબીસીએ અદાલતના ચુકાદા પહેલાં ગત જાન્યુઆરીમાં વાત કરી હતી. ચુકાદા પછી બીબીસીના પ્રતિનિધિ ફરીવાર ગામમાં પહોંચ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બળાત્કારનો ભોગ બનેલાં પાંગી સિતાઈએ કહ્યું હતું કે “મારા પતિ અને અન્ય પુરુષો વાવેતર કરવા મળસ્કે ત્રણ વાગ્યે ખેતરમાં ગયા હતા અને અમે રસોઈ કરવા માટે ઘરે હતાં. સવારે છએક વાગ્યે અમે પાણી ભરવા નદીએ ગયાં ત્યારે પોલીસે અમને અટકાવ્યાં હતાં અને અમારા પર બળાત્કાર કર્યો હતો. તેમણે બંદૂક દેખાડીને અમને ધમકી આપી હતી.”

“અમારા પુરુષો સવારે દસ-અગિયાર વાગ્યે ઘરે પાછા આવ્યા હતા અને સવાલ કર્યો હતો કે ભોજન કેમ રાંધ્યું નથી. અમે તેમને જણાવ્યું હતું કે પોલીસે અમારા પર બળાત્કાર કર્યો હતો. તેથી તેમણે અમને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં અને બાળકોને સ્પર્શવાં પણ દીધાં ન હતાં.”

ગામના સરપંચને અહીં મુંશુબુ કહેવામાં આવે છે અને તેઓ સ્થાનિક વિવાદ નિવારણનું કામ કરે છે.

સિતાઈ તથા અન્ય બળાત્કાર પીડિતાઓને મુંશુબુએ આશરો આપ્યો હતો અને પીડિતાઓ ત્યાં 10 દિવસ રહી હતી.

સિતાઈએ કહ્યું હતું કે, "અમે મુંશુબુના ઘરમાં રહ્યાં હતાં. અમે ઘરથી દૂર હતાં એટલે અમારા સંતાનો રડતાં હતાં. તેમની પીડા જોઈને અમે પણ રડતા હતાં. અમે લાંબા સમય સુધી ઘરની બહાર નીકળી શક્યાં ન હતાં."

"અમે જ્યાં પણ જતાં ત્યાં અમને પોલીસની પત્ની કહેવામાં આવતાં હતાં. અમે માર્કેટમાં જઈ શકતાં ન હતાં. કોઈ ઉત્સવમાં પણ નહીં. આખરે મુંશુબુએ અમારા પતિઓને અમને ઘરે પાછાં લઈ જવાં સમજાવ્યા હતા."

ગ્રે લાઇન

‘કોઈએ અમારો વિશ્વાસ ન કર્યો’

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

પોતાની સાથે થયેલા અન્યાય સામે લડવાનો નિર્ણય પીડિતાઓએ કર્યો હતો.

સિતાઈએ કહ્યું હતું કે, "મેં અન્યોને મારા પર બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું. બીજી પીડિતાઓએ પણ એવું કહ્યું હતું."

"કુલ 11 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યાનું જાણવાં મળ્યું હતું. અમે બધાએ સાથે મળીને પડેરુના સબ-કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી."

સિતાઈએ ઉમેર્યું હતું કે, "કોઈએ અમારી પીડાની દરકાર કરી ન હતી. અદાલતના હસ્તક્ષેપને કારણે કેસની કાર્યવાહી શરૂ થઈ શકી હતી."

"અમને આદિવાસીઓને નીચા ગણવામાં આવે છે. અન્યોના કેસમાં પોલીસ તરત કાર્યવાહી કરે છે, પરંતુ અમારા કિસ્સામાં એવું બનતું નથી. તેમ છતાં અમે લડ્યાં."

"બહુ ખરાબ લાગતું હતું છતાં અમે ન્યાય માટે સંઘર્ષ કર્યો."

સિતાઈએ એમ પણ કહ્યું હતું કે, "અમારી સાથે જે થયું તેનું સાક્ષી આકાશ છે. અમારી પીડા ધરતીએ સાંભળી હતી, પણ એની પાસે બોલવા માટે મોં નથી."

"પોલીસ સત્તાવાળાઓએ અમારો ભરોસો કર્યો ન હતો, પરંતુ અદાલતે માતાની માફક ચુકાદો આપ્યો. અદાલત સિવાનંદ રેડ્ડીને સજા કરે તેવી અમારી માગણી છે."

“અદાલતે અમને પીડિત ગણ્યાં તેનાંથી અમે ખુશ છીએ. સિવાનંદ રેડ્ડીને એક દિવસ સજા કરવામાં આવશે તેની અમને આશા છે."

સિવાનંદ રેડ્ડી એ બે અધિકારીઓ પૈકીના એક છે, જેમણે વાકાપલ્લી બળાત્કાર કેસની તપાસ કરી હતી.

આ કેસની 2007ની 20 ઑગસ્ટથી પહેલી ઑક્ટોબર સુધી હાથ ધરવામાં આવેલી તપાસ પહેલાં અધિકારી વિશાખાપટ્ટનમના એડિશનલ પોલીસ વડા બી આનંદરાવે કરી હતી. એ પછી સીઆઈડીના વડા એમ સિવાનંદ રેડ્ડીએ તપાસ પોતાના હાથમાં લીધી હતી.

સિતાઇએ કહ્યું હતું કે, "કોર્ટના ચુકાદા પછી હવે અમે થિમસા (આદિવાસી નૃત્ય) કરી શકીએ છીએ. સગા-સંબંધીના ઘરે જઈ શકીએ છીએ. માર્કેટ પણ જઈ શકીએ છીએ. સિવાનંદ રેડ્ડીને સજા થશે તો અમને વધારે આનંદ થશે."

વાકાપલ્લી બળાત્કાર કેસ

‘પોલીસવાળાની પત્ની’

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

એક પીડિતાના પતિ અપ્પા રાવે કહ્યું હતું કે "અમે ખેતરેથી ઘરે આવ્યા ત્યારે મારી પત્ની રડતી હતી. તેણે મને કહ્યું કે પોલીસે તેના પર બળાત્કાર કર્યો છે."

"તું ઘરમાં રહીશ તો મારી પ્રતિષ્ઠા ખરડાશે એમ કહીને મેં મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી."

"તેને મારી દીકરીને સ્પર્શવા પણ દીધી ન હતી. બધા પીડિતાઓને પોલીસવાળાની પત્ની કહેતા હતા. થોડા દિવસ પછી ગામના મુંશબુએ મને સમજાવ્યો એટલે હું મારી પત્નીને ઘરે પાછી લાવ્યો હતો."

"અલબત, મને એ ઘટના યાદ આવે છે ત્યારે બહુ ગુસ્સો આવે છે."

અપ્પા રાવે કહ્યું હતું કે, "જે કંઈ થયું તેમાં આ મહિલાઓનો કોઈ વાંક નથી, એની ખાતરી મુંશુબુએ અમને કરાવી હતી."

વાકાપલ્લી બળાત્કાર કેસ

સંતાનો હતાં માતાથી દૂર

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

પીડિતાઓએ જણાવ્યું હતું કે બળાત્કાર થયાનું જણાવ્યા પછી તેમના સંતાનોને તેમનાથી દૂર રાખવામાં આવ્યાં હતાં.

એક પીડિતાના દીકરા મત્સ્યરાજુએ કહ્યું હતું કે,"મારા પિતાએ મારી માતાને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. એ પછી મારાં માતા મુંશુબુના ઘરમાં રહેતા હતાં."

"હું ત્યાં જઈને મારાં માતાને મળતો હતો અને પછી સ્કૂલે જતો હતો. મારા પિતાએ મારાં માતાને ત્યજીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં અને બીજા ગામમાં ચાલ્યા ગયા હતા."

મહિલા ચેતના નામના સ્વયંસેવી સંગઠનના મંત્રી કે પદ્માએ જણાવ્યું હતું કે પીડિતાઓને પૂરતા વળતરનો અને તપાસ અધિકારી સામે પગલાં લેવાનો આદેશ આપીને અદાલતે થોડી રાહત આપી છે.

પદ્માએ કહ્યું હતું કે "પીડિતાઓને વળતર ચૂકવવાનો આદેશ અદાલતે આપ્યો છે. કાર્યવાહી યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવી હોવાને કારણે આરોપીએ છૂટી ગયા હોવાનું પણ અદાલતે જણાવ્યું હતું."

"કંગાળ તપાસ માટે જવાબદાર અધિકારી સિવાનંદ રેડ્ડી સામે પગલાં લેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. તેનાથી આદિવાસી મહિલાઓને થોડી રાહત મળી છે."

વાકાપલ્લી કેસમાં પીડિતાઓના સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટર તરીકે સુંકાર રાજેન્દ્ર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા.

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

પ્રસાદે કહ્યુ હતું કે "ઘટના બની પછી તરત જ પોલીસે કેસને નબળો પાડવાનો પ્રયાસ કર્યો હતો. અદાલતમાં પણ પોલીસે પૂરતો સહકાર આપ્યો ન હતો."

"અદાલતે જણાવ્યું હતું કે બધો જ વાંક તપાસ અધિકારીનો છે. પીડિતાઓને સંબંધ છે ત્યાં સુધી કોર્ટનો ચુકાદો દૂરગામી છે."

2012માં આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 13 આરોપી પોલીસ કર્મચારીએ આ કેસમાંથી પોતાની મુક્તિની માગણી કરતી એક અરજી 2017માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

વેંકાપલ્લી કેસની અદાલતી કાર્યવાહી છેલ્લાં 10 વર્ષથી પૂર્ણ ન થઈ હોવા બાબતે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે 13 આરોપીઓની અરજીને ફગાવી દીધી હતી.

આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે વિશાખાપટ્ટનમમાં એક ખાસ એસસી-એસટી કોર્ટની રચના કરી હતી અને અદાલતી કાર્યવાહી છ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વાકાપલ્લી કેસની અદાલતી કાર્યવાહી છ મહિનામાં પૂર્ણ થઈ ન હતી. કોર્ટનો ચુકાદો આવતાં વધુ છ વર્ષ થયાં હતાં.

લાંબી સુનાવણી પછી અદાલતે 2023ની છઠ્ઠી એપ્રિલે ચુકાદો આપ્યો હતો અને તમામ 13 આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા.

અદાલતે નોંધ્યું હતું કે “તપાસકર્તા અધિકારીની નિષ્ફળતાને કારણે તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવે છે.”

યોગ્ય તપાસ નહીં કરવા બદલ તપાસ અધિકારી સિવાનંદ રેડ્ડી સામે પગલાં લેવાનો આદેશ અદાલતે આંધ્ર પ્રદેશ સરકારને આપ્યો હતો.

વાકાપલ્લી બળાત્કાર કેસ

પીડિતાઓને વળતર

વાકાપલ્લી બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, RAMARAODORA

પીડિતાઓએ જે ત્રાસ સહન કરવો પડ્યો છે એ માટે તેમને વળતર ચૂકવવાનો આદેશ અદાલતે વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપ્યો હતો.

માનવ હક્કુલા વેદિકાની આંધ્ર-તેલંગાણા સંકલન સમિતિના સભ્ય વી એસ ક્રિષ્નાએ બીબીસીને કહ્યું હતું કે “આ વાકાપલ્લીની પીડિતાઓનો વિજય છે. સતત ગરીબીમાં સબડતા હોવા છતાં તેઓ ન્યાય માટે વર્ષો સુધી લડ્યા અને આખરે જીત્યાં.”

અલબત, આદિવાસી મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યાના આરોપને પોલીસ અધિકારીઓ શરૂઆતથી જ નકારતા રહ્યા છે.

ઘટના બની ત્યારે કે અત્યારે વિશાખાપટ્ટનમ જિલ્લામાં કામ કરતો કોઈ પોલીસ કર્મચારી વાકાપલ્લી કેસ બાબતે વાત કરવા આગળ આવ્યો નથી.

અદાલતે નોંધ્યું હતું કે બન્ને તપાસ અધિકારીઓએ આ કેસની તપાસ યોગ્ય રીતે કરી નથી. પહેલા તપાસ અધિકારી બી આનંદરાવ અવસાન પામ્યા છે. તેથી અદાલતે બીજા તપાસ અધિકારી સિવાનંદ રેડ્ડી સામે પગલાં લેવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. સિવાનંદ રેડ્ડીએ 2008માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને 2013થી તેઓ રાજકારણમાં સક્રિય છે.

સિવાનંદ રેડ્ડીએ બીબીસીને કહ્યું હતું કે “મેં ચુકાદાની કૉપી જોઈ નથી. તે વાંચીશ અને તેમાં શું લખ્યું છે તે જાણ્યા પછી જ હું કશું કહી શકીશ.”

રેડ લાઇન
રેડ લાઇન