માસિક આવે ત્યારે મહિલાઓ ઘરબાર છોડી જંગલમાં જતી રહે, ટેકરી પર જ રાંધીને જમે

રજસ્વલા
    • લેેખક, તુલસી પ્રસાદ રેડ્ડી નાંગા
    • પદ, બીબીસી તેલુગુ માટે

રજસ્વલા સ્ત્રીઓને એ સમયગાળામાં ઘરકામ તથા ધાર્મિક કર્મકાંડોથી દૂર રાખવામાં આવતી હોવાની પ્રથા ભારતમાં ઘણા સમાજોમાં જોવા મળે છે, પરંતુ આંધ્ર પ્રદેશ તથા તેલંગણા રાજ્યની સરહદે આવેલાં કેટલાંક ગામડાંની રજસ્વલા સ્ત્રીઓએ તો માસિકના દિવસો દરમિયાન નજીકના જંગલમાં, ભૂખ્યાં-તરસ્યાં રહેવું પડે છે.

સામાજિક મુદ્દાઓ પરની વિશેષ કથાઓની શ્રેણીના ભાગરૂપે બીબીસીએ માર્ચ, 2018માં આંધ્ર પ્રદેશના અનંતપુરમ જિલ્લાના રોલ્લા મંડલ હેઠળના ગંથાગોલહટ્ટી ગામની મુલાકાત લીધી હતી. એ ગામની કુપ્રથાઓ તથા તેના અંત બાબતે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા થતા પ્રયાસો વિશે બીબીસીએ અધિકારીઓ સાથે વાત કરી હતી.

જાગૃતિના પ્રસારનું કામ ચાલી રહ્યું હોવાનું અધિકારીઓએ તે સમયે જણાવ્યું હતું, પરંતુ એ ગામોમાં પરિસ્થિતિ જરાય બદલાઈ નથી, એવું પ્રતિમાએ બીબીસી માટેના અહેવાલમાં જણાવ્યું હતું.

ફક્ત આ જ ગામમાં નહીં, આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમ મંડલ હેઠળના ઉરીનયનપલ્લી, ઉરનયની કોથ્થરુ તથા સલ્લારાપલ્લી ગામ તેમજ તામિલનાડુના એકલનાથ્થમ ગામમાં પણ આવી પરિસ્થિતિ પ્રવર્તે છે.

એ ગામોમાં આશરે 2500 લોકોની વસ્તી છે. રજસ્વલા સ્ત્રીઓને ગામ બહાર રાખવાની કુપ્રથા પ્રવર્તે છે તે ગામોની મુલાકાત બીબીસીએ લીધી હતી અને ગામથી દૂર રાખવામાં આવેલી રજસ્વલા સ્ત્રીઓ સાથે વાત પણ કરી હતી.

ઉરીનયનપલ્લી, ઉરનયની કોથ્થરુ તથા સલ્લારાપલ્લી ગામ કુપ્પમ મંડલ હેડક્વાર્ટરથી આશરે આઠ કિલોમિટર દૂર આવેલાં છે, જ્યારે ગુડીપલ્લી મંડલનું પાલ્યમ ગામ એ ગામડાંથી થોડા કિલોમિટર દૂર આવેલું છે.

ઉરીનયનપલ્લીના જંગલમાંથી છ કિલોમિટર ચાલીને તામિલનાડુના ક્રિષ્નાગિરિ જિલ્લામાંના એકલનાથ્થમ પહોંચી શકાય છે.

અહીં મોટાભાગના લોકો વાલ્મીકિ નાયડુ જ્ઞાતિના છે. રજસ્વલા સ્ત્રીને ગામ બહાર મોકલવાની પ્રથાનું પાલન તેઓ દાયકાઓથી કરતા રહ્યા છે.

રજસ્વલા

રોડ મારફત એકલનાથ્થમ જવું હોય તો કુપ્પમ-ક્રિષ્નાગિરિ રોડ પર 30 કિલોમિટર પ્રવાસ કર્યા બાદ મહારાજા કડાઈ નજીકના સકનાવૂરુ મારફત પર્વતની ટોચે પહોંચવું પડે. એકલનાથ્થમ ગામ ત્યાં આવેલું છે. ગામના 200 ઘરમાં આશરે 900 લોકો રહે છે.

ગ્રે લાઇન

જંગલમાં રહેવાનું અને પથ્થર ઉપર ભોજન રાખવાનું

બીબીસી ગુજરાતી

આ ગામને વિકાસ સાથે દૂરનો સંબંધ નથી. અહીં પીવાના પાણી માટે લોકો હજુ પણ હેન્ડપંપનો ઉપયોગ કરે છે. રજસ્વલા સ્ત્રીઓ માટે ગામમાં આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું છે, પરંતુ સ્ત્રીઓ તેમાં રાતે જ રહી શકે છે.

તેમણે ગામથી દૂર આવેલી ટેકરીઓ પર જવા વહેલી સવારે નીકળી જવાનું હોય છે. ત્યાં તેઓ જળાશયની આસપાસ રહે છે. ખાવા માટે ભોજન રાંધે છે. અથાણું કે શાકભાજી બનાવવું હોય તો તેમણે એ પથ્થર પર વાટીને તૈયાર કરવાં પડે છે.

ઉનાળો હોય, શિયાળો હોય કે ભારે વરસાદ હોય, આ ગામની દરેક સ્ત્રીએ દર મહિને માસિક સ્રાવના ચાર દિવસ ગામ બહાર રહેવું પડે છે.

બીબીસી સાથે વાત કરતાં મલ્લિકાએ જણાવ્યું હતું કે આ કુપ્રથા વર્ષોથી ચાલી આવે છે.

મલ્લિકાનાં માતા તામિલનાડુના એકલપંથમનાં છે અને તેમનાં લગ્ન આંધ્ર પ્રદેશના ઉરીનયનપલ્લી ગામના પરિવારમાં થયાં છે. તેમના પિયર અને સાસરામાં બન્ને જગ્યાએ આ પરંપરાનું પાલન કરવું પડે છે.

રજસ્વલા

મલ્લિકાએ કહ્યું હતું કે, “રજસ્વલા મહિલાઓ ગામમાં પ્રવેશી શકતી નથી. રજસ્વલા સ્ત્રીને તેના ઘરમાં રહેવાની છૂટ નથી. અમારે ચાર દિવસ ટેકરી પર જ રહેવું પડે છે. ચાર દિવસ પછી જ અમે ઘરે પાછાં જઈ શકીએ છીએ. અમે આ ટેકરી પર એક ઝાડની નીચે રહીએ છીએ."

તેમણે વધુમાં કહ્યું, "ભારે વરસાદ હોય તો મોટી શિલા કે ઝાડના સહારે તાડપત્રી બાંધીને તેની નીચે આશરો લઈએ છીએ, કારણ કે બીજી બાજુ જઈએ તો સાપ કે વીંછીનો ભય હોય છે. એ દિવસોમાં અમારી સલામતીની જવાબદારી ભગવાન ભરોસે હોય છે. અમે બીજું શું કરી શકીએ? માસિક સ્રાવના ચાર દિવસ જે મુશ્કેલી થાય છે તેની સાથે જ જીવવું પડે છે.”

રજસ્વલા સ્ત્રીઓ જ નહીં, તેમનાં નાનાં સંતાનો પણ તેમની સાથે જંગલમાં રહે છે. એમનો પરિવાર તેમને જંગલમાં ભોજન બનાવવાની સામગ્રી પૂરી પાડે છે.

રજસ્વલા

“મારે એક દીકરો અને એક દીકરી એમ બે સંતાન છે. તેમને સ્નાન પછી જ ગામના અમારા ઘરમાં પ્રવેશ મળે છે. અન્યથા તેઓ ગામમાં જઈ શકતાં નથી. તેમણે અમારી સાથે જ રહેવું પડે છે.”

“બાળકો ઘરે પાછાં ફરે ત્યારે ખાવા માટે કશું હોય કે ન હોય, તેમને નાસ્તો જરૂર આપવામાં આવે છે. નાસ્તો ઉપલબ્ધ ન હોય તો અમે તળાવ નજીક જઈને ભોજન રાંધીએ છીએ અને ખાઈએ છીએ. આ પ્રથા અનાદિ કાળથી ચાલી રહી છે. બાળક માત્ર ત્રણ મહિનાનું હોય તો પણ તેને ઘરથી દૂર અમારી પાસે જ રાખવું પડે છે,” એમ પણ મલ્લિકાએ કહ્યુ હતું.

બીબીસી ગુજરાતી
  • માસિક ધર્મમાં હોય તેવાં સ્ત્રીઓ સાથે સામાજિક માળખામાં ઘણા પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા હોવાનું આપણે અવારનવાર જોયું, સાંભળ્યું હોઈ શકે
  • પરંતુ જો કોઈ એવું કહે કે એ કપરા દિવસો દરમિયાન અમુક સ્થળે મહિલાઓને ઘરની બહાર જંગલમાં રહેવા મજબૂર કરાય છે તો? તો આ વાત કલ્પનામાત્ર લાગી શકે
  • પરંતુ આંધ્ર પ્રદેશ - તામિલનાડુનાં પાંચ ગામમાં ખરેખર આ પ્રકારની કુપ્રથાનું પાલન કરાય છે
  • જે અંતર્ગત સ્ત્રીઓ જંગલમાં રહેવાની સાથોસાથ ભૂખ્યા-તરસ્યાં પણ રહેવાનું હોય છે
  • હવે આ પ્રથા સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, તેને લઈને માહિતી મેળવવા માટે બીબીસીએ સરકારી અધિકારીઓ સાથે વાત કરી હતી
  • પરંતુ શું આ પ્રયાસોનું ફળ મળ્યું છે ખરું?
  • માસિક દરમિયાન શારીરિક મુશ્કેલીઓ સાથે કુપ્રથાનો સામનો કરનાર સ્ત્રીઓ પર આ સમયગાળામાં શું શું વીતે છે? તેમને દર મહિને કેવી કેવી વિપત્તિઓનો સામનો કરવો પડે છે?
બીબીસી ગુજરાતી

રજસ્વલા છોકરીઓએ પણ ગામ બહાર રહેવાનું

બીબીસી ગુજરાતી

સલ્લારપલ્લીમાં પણ સ્ત્રીઓની સ્થિતિ આવી જ છે. અહીં માત્ર સ્ત્રીઓએ માસિકના ચાર દિવસ જંગલમાં રહેવું પડતું નથી, બલકે રજસ્વલા છોકરીઓએ પણ ગામ બહાર રહેવું પડે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, છોકરી પહેલી વખત રજસ્વલા થાય ત્યારે તેણે દસ દિવસ ગામ બહાર રહેવું પડે છે.

તેઓ સવારે અથવા દિવસ દરમિયાન ખેતરમાં રહી શકે છે, પરંતુ રાતે તેમની સલામતી ભગવાન ભરોસે હોય છે, એમ સલ્લારપલ્લીના બાલમ્માએ જણાવ્યું હતું.

રજસ્વલા

બાલમ્માએ કહ્યું હતું કે, “અગાઉ મહિલાઓ મોટા પથરાઓ નીચે ખાડા ખોદીને તેમાં રહેતી હતી, પરંતુ હવે હૉસ્પિટલ ઉપલબ્ધ હોવાથી ત્યાં જાય છે. તેઓ પાંચ દિવસ ત્યાં રહે છે. એ પછીના દિવસે સ્નાન કર્યા પછી તેમને ગામમાં પ્રવેશ મળે છે."

તેમણે વધુમાં કહ્યું, "છોકરી કૌમાર્યાવસ્થામાં પ્રવેશે પછી તેણે દસ દિવસ ગામની બહાર રહેવું પડે છે. 11મા દિવસે પૂજારી તેને ઘરે લઈ આવે છે. કેટલીક ધાર્મિક વિધિ કરીને છોકરીને ઘરે લાવવામાં આવે છે. માસિક દરમિયાન અમે ખેતરમાં કે પર્વત પર રહીએ છીએ. ભગવાને આ અમારા નસીબમાં લખ્યું છે. એમાં કશું કરી શકાય નહીં. કુટુંબમાં દીકરી હોય કે વહુ, માસિકના દિવસોમાં તેને ગામ બહાર મોકલવામાં આવે છે.”

માત્ર ગામની સ્ત્રીઓ જ નહીં, બહારગામથી આવેલી કોઈ મહિલા રજસ્વલા થાય તો તેણે પણ પાંચ દિવસ ગામથી દૂર સલારપલ્લીમાં રહેવું પડે છે.

બીબીસી ગુજરાતી

‘બહારના લોકોને અમારી પીડા નહીં સમજાય’

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એકલંથમ ગામની રજસ્વલા મહિલાઓએ પણ જંગલમાં રહેવું પડે છે એવું જાણ્યા પછી અમે તેમને મળવા ગયા હતા. કેટલીક મહિલાઓ રસોઈ કરતી હતી. અમે તેમને પૂછ્યું કે અહીં શા માટે રહો છો?

તેના જવાબમાં કસિમાએ કહ્યું હતું કે, “આ કુપ્રથાને બાદ કરતાં ગામમાં બધું જ સારું છે. બહારના લોકો કદાચ આ બાબતે કશું જાણતા નથી. આજકાલનાં બાળકોને પણ કશી ખબર નથી. આ પ્રથા મને ગમતી નથી."

તેમણે વધુમાં કહ્યું, "મારા વતન તંજાવૂરમાં આવી કોઈ કુપ્રથા નથી. મારા વતનમાં રજસ્વલા સ્ત્રીઓ મંદિરમાં પ્રવેશતી નથી, પણ ઘરમાં રહી શકે છે. લગ્ન કરીને હું આ ગામમાં આવી ત્યારે મને આ પ્રથાની ખબર પડી હતી. મારાં લગ્નને બે વર્ષ થયાં. માસિક દરમિયાન મારે ગામની બહાર રહેવું પડશે તેની ખબર લગ્ન પછી પડી હતી.”

કસિમાએ ઉમેર્યું હતું કે “આ બાબતે મેં મારા પિયરમાં કોઈને કશું કહ્યું નથી, કારણ કે તેઓ ગેરસમજ કરશે એવું મને લાગે છે. હવે અહીં જ રહેવાનું છે ત્યારે મારે ઍડજસ્ટ કરવું પડશે. મને આ પ્રથા ગમતી નથી, પરંતુ પિયર જાઉં ત્યારે કોઈને તેની વાત કરતી નથી."

તેમણે ઉમેર્યું કે, "ગામના લોકો કહે છે કે આ વર્ષો પુરાણી પરંપરા છે. એટલે આ પ્રથા મને ન ગમે તો પણ હું શું કરી શકું? આ પ્રથા બહુ જ ખરાબ છે. આ કુપ્રથાનું પાલન આજે પણ કરવામાં આવે છે. આ ચાલુ રહે તે યોગ્ય નથી. મારી દીકરીએ પણ આ ત્રાસ ભોગવવો પડશે? આ કુપ્રથાનો અંત કરવો જ પડશે.”

બીબીસી ગુજરાતી

સામાજિક કાર્યકરો કેટલા સફળ થયા?

રજસ્વલા

સમાજમાં ઊંડે સુધી ખૂંપેલી આ કુપ્રથાને બદલવાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોવાનું સામાજિક કાર્યકરો જણાવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં તેમને થોડી સફળતા મળી હશે, પરંતુ હજુ ઘણું બધું બદલવાનું છે, એવો મત કુપ્પમ પ્રજા વેદિકા સંસ્થાના સામાજિક કાર્યકર મુનિરાજુ બાબુએ બીબીસી સાથે વાત કરતાં વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે,"અમે 2016થી આ માટે કામ કરી રહ્યા છીએ. આ કુપ્રથા આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના ત્રણ અને તામિલનાડુના ક્રિષ્નાગિરિ જિલ્લાના એક ગામમાં પ્રવર્તે છે. એ ગામોની રજસ્વલા સ્ત્રીઓને ગામ બહાર મોકલી દેવામાં આવે છે એવું જાણ્યા પછી અમે વારંવાર ગામની મુલાકાત લઈએ છીએ."

તેમણે જણાવ્યું, "ડૉક્ટરો અને દ્રવિડિયન યુનિવર્સિટીમાં સામાજિક કાર્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અમે ગામના વડીલોને મળીએ છીએ. જનજાગૃતિનું કામ કરીએ છીએ. તેમને ગામમાં જરૂરી સુવિધા પૂરી પાડીએ છીએ. આ પ્રયાસોથી કેટલાક ફેરફાર થયા છે, પરંતુ વધુ પરિવર્તન થાય તે જરૂરી છે. અમારે હજુ ઘણું વધુ હાંસલ કરવાનું છે.”

રજસ્વલા

મુનિરાજુ માને છે કે ગ્રામજનો સાથે મળીને કામ કરવાથી જ સફળતા મળશે.

તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, “આ કુપ્રથાને બદલવાના પ્રયાસ છેલ્લા ચાર દાયકાથી અનેક સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને રાજનેતાઓએ કર્યા છે. આ કુપ્રથા બીજે ક્યાંય નહીં, માત્ર અહીં જ ચાલે છે, એ તેઓ જાણે છે. તેમ છતાં તેઓ સફળ થયા નથી."

મુનિરાજે કહ્યું,"ગામના લોકો સાથે હળીએ-મળીએ તો વડીલો અને મહિલાઓને સમજાવીને ઇચ્છિત પરિવર્તન લાવી શકાય. ગામની મોટી વયની મહિલાઓ કહે છે કે ગામના દેવતાનાં ઘરેણાં ગામમાં હોવાથી રજસ્વલા સ્ત્રીઓ ગામની બહાર રહે તે જરૂરી છે, પણ પરિસ્થિતિ બદલવાના પ્રયાસ અમે સતત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે.”

રજસ્વલા

મુનિરાજુએ વધુમાં જણાવ્યું હતું કે, "ગામના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે દાતાઓના સહયોગથી ગામની બહાર રજસ્વલા મહિલાઓની સલામતી માટે પાકું મકાન બાંધ્યું છે. ગામની બહાર ઘાસના છાપરાવાળું એક મકાન (મુટ્ટુ ગુડીસે) હતું, પણ કોઈ ત્યાં જતું ન હતું. અમે તેને રજસ્વલા મહિલાઓ માટેના આશ્રયસ્થાનમાં રૂપાંતરિત કર્યું છે. એ પરિવર્તનની દિશામાં પહેલું પગલું છે એવું અમે માનીએ છીએ."

મુનિરાજુએ ઉમેર્યું હતું કે, “અંગ્રેજી મીડિયામાં આ કુપ્રથા બાબતે સમાચાર પ્રકાશિત થયા પછી વિજયવાડાની કુરંગતી રવિશંકર નામની એક વ્યક્તિએ અમારો સંપર્ક સાધ્યો હતો. તેઓ અમેરિકામાં રહે છે. તેઓ કુપ્પમ આવ્યા હતા અને આ ઇમારતના નિર્માણમાં મદદ કરી હતી."

"તેમણે આંધ્ર પ્રદેશના ઉરીનયનપલ્લી અને તામિલનાડુના એકલંથમમાં પણ આવાં આશ્રયસ્થાન બાંધવામાં મદદ કરી હતી. માસિકના પાંચ દિવસમાં રક્તસ્રાવ થતો હોય છે, તેને લીધે મહિલાઓ બીમાર ન પડે અને સલામત રહે એવું વિચારીને આશ્રયસ્થાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુટ્ટુ ગુડીસે હવે રજસ્વલા મહિલાઓનું આશ્રયસ્થાન બન્યું છે. તે પરિવર્તનની દિશામાં પહેલું પગલું છે.”

બીબીસી ગુજરાતી

કુપ્રથાની શરૂઆત ક્યાંથી થઈ?

રજસ્વલા

આ ગામના મોટાભાગના રહેવાસીઓ ખેતી પર નિર્ભર છે. જીવનનિર્વાહ માટે તેઓ ગાય અને બકરાપાલન પણ કરે છે. ગામના લોકો આજે પણ સેન્ડલ કે ચંપલનો ઉપયોગ કરતા નથી. કેટલાક યુવાનોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કારણ કે કામ માટે ગામ બહાર જતા યુવાનો હવે ચપ્પલનો ઉપયોગ કરવા લાગ્યા છે.

ચંપલ પહેર્યાં હોય એવી કોઈ વ્યક્તિ ગામમાં ઉત્સવ દરમિયાન ભગવાનનાં ઘરેણાંને સ્પર્શ કરતી નથી. આમ કરવું અશુભ ગણવામાં આવે છે. આ પાંચેય ગામ પણ જંગલમાં છે અને તેમનાં કેટલાંક મંદિર પણ જંગલમાં આવેલાં છે.

ધાર્મિક ઉત્સવ વખતે દેવતાઓનાં ઘરેણાં અને અન્ય સામગ્રી પૂજારીઓ તૈયાર કરે છે તથા તેને એક ખાસ ઓરડામાં રાખવામાં આવે છે. તેથી કોઈએ તેને સ્પર્શ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે.

ઉરીનયનપલ્લીના રહેવાસી તય્યપાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “અમે કાદિરી લક્ષ્મી નરસિંહ સ્વામીના પૂજારી છીએ. અમારા સ્વામી ગામમાંથી પર્વત પર ચાલ્યા ગયા હતા અને ત્યાં પોતાની સ્થાપના કરી હતી. અમારા ભગવાનને સ્પર્શ કરવાનો નથી હોતો. એક વખત ઉત્સવ દરમિયાન ગામની મહિલા રજસ્વલા થઈ હતી. તેથી પરંપરાગત ઢોલ તૂટી ગયો હતો, એવી દંતકથા છે. ત્યારથી રજસ્વલા સ્ત્રીઓને ગામની બહાર મોકલી આપવાની પ્રથા શરૂ થઈ છે. અમારા ઈશ્વરનો શૃંગાર ચારે તરફ ફેલાયેલો હોવાથી આ પાંચ ગામમાં દાયકાઓથી આ પ્રથાનું પાલન કરવામાં આવે છે.”

રજસ્વલા સ્ત્રીઓને ગામમાંથી ખોરાક કે પાણી આપવામાં આવતા નથી. સ્ત્રીઓએ જંગલના તળાવમાંથી પાણી લાવીને ખોરાક રાંધવો પડે છે. કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે જ હોટલમાંથી ભોજન ઑર્ડર કરી શકાય છે. રજસ્વલા મહિલા ગામમાં કોઈ પણ ચીજને સ્પર્શ કરે તો તે અશુભ માનવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

લોકોના વિચાર બદલવાના સરકારના પ્રયાસો

રજસ્વલા

સરકારી અધિકારીઓ પણ સ્વીકારે છે કે આ કુપ્રથાને કારણે સંબંધિત ગામોની મહિલાઓએ જોખમ પરિસ્થિતિમાં રહેવું પડે છે. તેથી જાગૃતિ લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

કુપ્પમના મહેસૂલ અધિકારી શિવૈયાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકોના વિચાર ન બદલાય ત્યાં સુધી આવી કુપ્રથાને બદલવી મુશ્કેલ છે.

તેમણે કહ્યું હતું કે, “કેટલાક લોકો પૂર્વજોની પરંપરાના નામે રજસ્વલા મહિલાઓને ઘરની બહાર રાખે છે. તેથી એ મહિલાઓએ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમણે સાપ, વીંછી અને અન્ય જંગલી પ્રાણીઓ, જીવજંતુની વચ્ચે રહેવું પડે છે, જે ખતરનાક છે. તેથી અમે દરેક ગામમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. રજસ્વલા સ્ત્રીને ઘરની બહાર રાખવાને બદલે ઘરમાં રાખવી જોઈએ તેવું સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જનજાગૃતિના પ્રયાસ ભલે ગમે તેટલા કરવામાં આવે, પરંતુ પરિવર્તનની શરૂઆત ગ્રામજનોથી થાય તે જરૂરી છે. યુવા વર્ગમાં કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે.”

શિવૈયાએ જણાવ્યું હતું કે માસિક સ્ત્રાવના દિવસોમાં સ્ત્રીઓને પૌષ્ટિક ખોરાકની, તેમની વધુ કાળજી લેવાની જરૂર હોય છે. તેથી તેઓ ઘરમાં રહે તેમાં કશું ખોટું નથી, એ સમજાવવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે, “ગામડાંમાં લોકો સાથે મિટિંગ યોજીને જાનજાગૃતિ લાવવાનો વિચાર પણ છે, પરંતુ રજસ્વલા સ્ત્રી ઘરમાં રહે તે અયોગ્ય નથી, એવું ગામના લોકો માનતા થાય ત્યારે જ પરિવર્તન આવી શકે. અમે બધાને કહીએ છીએ કે રજસ્વલા સ્ત્રી સામાન્ય સ્ત્રી જેવી જ હોય છે. તેથી તેમને ઘરમાં જ રહેવા દો.”

રેડ લાઇન
રેડ લાઇન