એક પુત્રીએ તેની મનોવિકલાંગ માતા પર બળાત્કાર કરનાર પુરુષને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, CORTESÍA: MAGDALENA CRUZ
- લેેખક, એલેસાન્ડ્રા કોરીઆ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
અમેરિકન મહિલા મેગડેલેના ક્રુઝ જાણતાં હતાં કે તેમનો જન્મ બળાત્કારને કારણે થયો છે, પરંતુ તેઓ પુખ્ત થયાં પછી તેમણે તેમનાં માતા પરના બળાત્કારની વિગત, ગુનેગારની ઓળખ અને તેમના પિતાની શોધ કરવાનું શરૂ કર્યું.
મેગડેલેનાનાં માતા પર 1985માં બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેઓ ન્યૂયૉર્કના રોચેસ્ટર ખાતેના માનસિક અક્ષમતા ધરાવતા લોકો સાથે એક ઘરમાં રહેતાં હતાં. તેમનાં માતા માનસિક રીતે અક્ષમ હતાં, ડાયપર્સ પહેરતાં હતાં, બોલી શકતાં ન હતાં અને જાતે જમી પણ શકતાં ન હતાં.
મેગડેલેનાએ વર્ષો સુધી ગુનાના અને તેમનાં માતાના સંરક્ષણની જવાબદારી જેમના પર હતી એ સંસ્થાઓની બેદરકારીના તેમજ ગુના પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસોના પુરાવા શોધ્યા હતા.
ડીએનએસ વિશ્લેષણ ટેકનિક્સમાં થયેલી પ્રગતિને લીધે મેગડેલેના બળાત્કારીની ઓળખ શોધી શક્યાં હતાં અને એ પુરુષ તેમનાં માતા જે મકાનમાં રહેતાં હતાં ત્યાં કામ કરતો કર્મચારી હતો.
મેગડેલેનાએ ન્યૂયૉર્ક સ્ટેટ ઑફિસ ફૉર પીપલ વિથ ડેવલપમૅન્ટલ ડિસેબિલિટીઝ (ઓપીડબલ્યુડીડી)માં ગયા મહિને કેસ દાખલ કર્યો હતો. આ સરકારી એજન્સી માનસિક રીતે અક્ષમ દર્દીઓને આવાસની સુવિધા સહિતની મદદરૂપ સેવાઓનું સંકલન કરે છે.
મેગડેલેનાએ તેમના માતાના વકીલ તરીકે, માતા વતી કેસ દાખલ કર્યો હતો. તેમણે સંસ્થા પર “વધતા દુર્વ્યવહાર અને તેને પગલે સંસ્થાના કર્મચારી દ્વારા તેમની માતા પર હિંસક બળાત્કાર”નો આરોપ મૂક્યો હતો.
(ચેતવણીઃ આ અહેવાલમાં વિચલિત કરતી વિગત છે)

બળાત્કાર અને ગર્ભાધાન

ઇમેજ સ્રોત, Getty Images
જાતીય ગુનાના પીડિતા તરીકે અદાલતી કાર્યવાહીમાં મેગડેલેનાનાં માતાની ઓળખ તેમના નામના બે પ્રથમ અક્ષર આઈસી તરીકે રાખવામાં આવી હતી. આઈસીએ મોટા ભાગનું જીવન મનોવિકલાંગ લોકો માટેના ઘરમાં વિતાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમનો આઈક્યૂ 20થી ઓછો હતો. તેમને બૌદ્ધિક રીતે વિકલાંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. તેઓ બોલી શકતાં ન હતાં અને “કી કી કી” જેવી પ્રક્રિયામાં વર્ણિત અવાજ વડે જ વાતચીત કરી શકતાં હતાં.
આઈસી 1976માં 21 વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતાએ તેમને તેમના ઘર નજીકના મોનરો ડેવલપમૅન્ટ સેન્ટર (એમડીસી)માં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. પોતે દીકરીને વારંવાર મળી શકશે અને તેના પર નજર પણ રાખી શકશે એ વાતથી આઈસીનાં માતા-પિતા ઉત્સાહિત હતાં. તેમને આઈસી ઉપરાંત ચાર અન્ય સંતાન પણ હતાં અને તબીબી તાલીમ કે સંસાધનોના અભાવે તેઓ આઈસીની ઘરમાં સંપૂર્ણ સારસંભાળ લઈ શકે તેમ ન હતાં.
એ પછીનાં દસ વર્ષ સુધી એમડીસીમાં આઈસીનું જીવન પ્રમાણમાં ઘણું સરળ હતું, પરંતુ આઈસી સાથે દુર્વ્યવહાર થતો હોવાનું તેમનાં માતા-પિતા જાણતા ન હતાં.
વર્ષો પછી શોધી કાઢવામાં આવેલા અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો જણાવે છે કે આઈસીને છેક 1985થી વિવિધ પ્રકારની ઈજા થતી રહી હતી. તેમાં પીઠ પર 22 સેમીનો ઉઝરડો, ડાબા ખભા પર ક્રૉસ આકારનો ઉઝરડો, જમણા હાથ પર સોજો તથા કાળો ડાઘ, માથાના ઉપરના ભાગમાં ચીરો, નિતંબ પર ઉઝરડા અને ડાબા સ્તન પર ડંખના નિશાનનો સમાવેશ થતો હતો.
એ વર્ષના ઑક્ટોબરમાં જેબી નામના એમડીસીના કર્મચારીએ આઈસી વિશેના રિપોર્ટમાં લખ્યું હતું કે “આઈસી અશ્વેત લોકોની માફક કપડાં કાઢી નાખે છે, ક્યારેક બરાડા પાડે છે, કૂદકા મારે છે અને બહુ ઝડપથી જમે છે.”
આઈસી સાથે થતા દુર્વ્યવહાર બાબતે તેમનાં માતા-પિતા છેક મે, 1986 સુધી અજાણ હતાં. એ વખતે તેમને એમડીસીમાં બોલાવવામાં આવ્યાં હતાં અને જણાવવામાં આવ્યું હતું કે આઈસીના પેટમાં પાંચ માસનો ગર્ભ છે.
આ ઘટસ્ફોટથી વિચલિત થઈ ગયેલા આઈસીનાં માતા-પિતાએ સવાલ કર્યો હતો કે અત્યંત અક્ષમ અને સંસ્થાના મકાનમાંથી ક્યારેય બહાર ન જતી તેમની દીકરી ગર્ભવતી કેવી રીતે થઈ શકે?
કેસની અરજીમાં જણાવાયા મુજબ, “એમડીસીએ આઈસીનાં માતા-પિતાને જણાવ્યું હતું કે અન્ય કોઈ દર્દી આઈસી પર બળાત્કાર કરતો હોવાની સંસ્થાને શંકા છે. તેની તપાસ ચાલી રહી છે અને એ બાબતે પોલીસને જાણ કરવામાં આવશે.”
કેસની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે “આ સદંતર ખોટી વાત છે. હકીકતમાં એમડીસીએ બળાત્કાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન આઈસીની શરીર પર વધતા જતા ઘા તથા ઉઝરડાને છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.” આ બાબતે પોલીસને ક્યારેય માહિતી આપવામાં આવી ન હતી.
મેડેગડેલેના ક્રુઝ અને તેમના વકીલોના જણાવ્યા મુજબ, આઈસીની ગર્ભાવસ્થા બાબતે જાણકારી મળ્યા પછી ગુનેગારને ઓળખી કાઢવાના તથા તેના શિક્ષા કરવાનાં પગલાં લેવાને બદલે એમડીસીએ આઈસીને ગર્ભાવસ્થા દરમિયાન બીજા ઘરમાં સ્થાનાંતરિત કરવાનું અને તેના ગર્ભપાતનું સૂચન સુધ્ધાં કર્યું હતું.
આઈસીનાં માતા-પિતા એવું માનતાં હતાં કે એમડીસી આ બાબતે તપાસ કરીને શકમંદોને શોધી રહી છે. આઈસીને બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી અન્ય સ્થળે મોકલવા બાબતે પણ તેઓ સહમત થયાં હતાં.
કેસની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે “આઈસી સાથે કરવામાં આવતા દુર્વ્યવહાર વિશે કે એમડીસીનાં જુઠ્ઠાણાં બાબતે તેનાં માતા-પિતા કશું જાણતાં ન હતા.” બાળકને જન્મ આપ્યા પછી આઈસી વધુ નવ વર્ષ એમડીસીના ઘરમાં રહ્યાં હતાં.

દુર્વ્યવહાર અને ‘અસામાન્ય’ મોત

ઇમેજ સ્રોત, Getty Images
એમડીસીએ 2013માં કામકાજ બંધ કરી દીધું હતું. એમડીસીના અને અક્ષમતા ધરાવતા લોકો માટેના બીજા હોમ્સના કામકાજ પર નજર રાખતી ઓપીડબલ્યુડીડીને આ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવી છે.
ઓપીડબલ્યુડીડીના પ્રવક્તાએ બીબીસી ન્યૂઝ, બ્રાઝિલને જણાવ્યું હતું કે “વિચારાધીન કેસ બાબતે અમે કશું કહી શકીએ નહીં. ઓપીડબલ્યુડીડી માટે તેના આશ્રય હેઠળના લોકોની સલામતી તથા સુખાકારી સર્વોપરી છે.”
કેસની વિગત મુજબ, “એમડીસી પરના દર્દીઓ પ્રત્યે બેદરકારીના અને તેમની શારીરિક તથા જાતીય સતામણી તેમજ અન્ય પ્રકારના ગેરવહીવટના આક્ષેપો”થી આઈસીનાં માતા-પિતા અજાણ હતાં. એમડીસીમાં આશ્રય લઈ રહેલી એક તરુણીની જાતીય સતામણી કરવા બદલ થોડા વર્ષ પહેલાં સંસ્થાના સાત કર્મચારીઓને કારાવાસની સજા પણ થઈ હતી.
આ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે “એમડીસીની સ્વયંસેવક સેવાના ડિરેક્ટરને માનસિક અક્ષમતા ધરાવતા 19 વર્ષના એક છોકરા પર બળાત્કાર કરવા બદલ જૂન, 1976માં જેલમાં મોકલી દેવાયા હતા. એમડીસીના એક સલામતી રક્ષક પર પણ એવો જ આરોપ મૂકવામાં આવ્યો હતો.”
“14 વર્ષના અક્ષમ પુત્રને એમડીસીમાં દાખલ કર્યાના ત્રણ જ દિવસમાં તેની જાંધ તથા નિતંબ પર ઉઝરડા તથા ચાબુકના ફટકાનાં નિશાન તેનાં માતા-પિતાને મે, 1979માં જોવાં મળ્યાં હતાં. 1980માં 49 વર્ષની વયનો થૅરપિસ્ટ 15 વર્ષથી પથારીવશ એક દર્દી સાથે સહશયન કરતો જોવા મળ્યો હતો.”
આ ફરિયાદમાં ‘અસામાન્ય’ સંજોગોમાં મૃત્યુ પામેલા કેટલાક લોકોની યાદી પણ આપવામાં આવી છે. તેમાં પાંચ સર્જિકલ ગ્લોવ્ઝ ગળી જવાને કારણે 1982માં મૃત્યુ પામેલા 26 વર્ષના યુવાનનો અને એ જ વર્ષે પાણી પીધા વિના કલાકો સુધી સૂર્યપ્રકાશમાં રહેવાને લીધે ગરમીથી મૃત્યુ પામેલી 21 વર્ષના એક ક્વાડ્રાપ્લેજિકનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે “સ્ટાફ સુપરવાઈઝર, સલામતી રક્ષકો અને સ્વયંસેવકો સહિતના સંસ્થાના કમસે કમ 10 કર્મચારીઓ બાળકોની જાતીય સતામણી કરતા અને બળાત્કારીઓ હોવાનું 1976થી 1985 દરમિયાન જાણવા મળ્યું હતું. દર્દીઓના માનસિક યાતના આપવામાં આવી હોવાના વિસ્તૃત અહેવાલ પણ છે.”
જોકે, મેગડેલેના અને તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલોના જણાવ્યા મુજબ, એ સમયે તપાસ પછી આ કેસમાં સંડોવાયેલા અનેક કર્મચારીઓને “કાઢી મૂકવામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમને ફરી નોકરીએ રાખવામાં આવ્યા હતા અથવા તો તેમની પશ્ચાદભૂની ચકાસણી ક્યારેય કરવામાં આવી ન હતી. કોઈ નોંધપાત્ર નિયમનો અમલ કરવામાં આવ્યો ન હતો.”

તપાસમાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ, 1986માં સ્વસ્થ બાળકી તરીકે જન્મેલાં મેગડેલેના ક્રુઝને ખબર ન હતી કે તેમના પિતા કોણ છે. મેગડેલેનાના જણાવ્યા મુજબ, સમગ્ર બાળપણ દરમિયાન તેમને શાળા અભ્યાસમાં તકલીફ પડતી હતી અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
મોટા થવાની સાથે મેગડેલેનાને એવો ડર લાગવા માંડ્યો હતો કે તેઓ તેમના પોતાનાં સંતાનોને જન્મ આપી શકશે નહીં, કારણ કે “તેનાથી હિંસા અને આઘાતનું વિનાશકારી ચક્ર આગળ વધશે.”
મેગડેલેનાના કહેવા મુજબ, આ મુશ્કેલીઓમાંથી ઊગરવા માટે તેઓ ધર્મ ભણી વળ્યાં હતાં, લગ્ન કર્યાં હતાં અને પોતાનો પરિવાર બનાવ્યો હતો. એ પછી તેમણે તેમનાં માતાના મૃત્યુના સંજોગો વિશેની તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું હતું.
2019માં તેમણે રોચેસ્ટર સિટી અને ઓપીડબલ્યુડીડીની આર્કાઈવ્ઝમાં સંશોધન શરૂ કર્યું હતું. તેમના વકીલોએ ફરિયાદમાં જણાવ્યું છે કે “મેગડેલેનાને આ રીતે જાણવા મળ્યું હતું કે તેમના જન્મની આસપાસની ઘટનાઓ, તેમનો પરિવાર માને છે તેના કરતાં વધારે આઘાતજનક અને અત્યંત વિકૃત છે.”
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે “આઈસી પર કેટલા પુરુષો દ્વારા કેટલી વાર બળાત્કાર કરવામાં આવ્યો હતો એ અને આવા અન્ય કેટલા પીડિતો હતા એ જાણી શકાયું નથી. એમડીસીએ બળાત્કાર તથા સતામણીના અન્ય કિસ્સાઓમાં પણ સફળતાપૂર્વક ઢાંકપિછોડો કર્યો હતો. આઈસી ગર્ભવતી ન થયાં હોત તો તેમણે આ કેસમાં પણ ઢાંકપિછોડો કર્યો હોત.”
પોતાને જે જાણવા મળ્યું તેનાથી મેગડેલેનાને જોરદાર આઘાત લાગ્યો હતો. તેથી તેમણે તેમના માટે ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો હતો.
મેગડેલેનાનો અંદાજ છે કે તેમની જન્મતારીખ અને આઈસી પર બળાત્કાર કરવામાં આવ્યો તે સમયને ધ્યાનમાં લેતાં આઈસી 1985ના નવેમ્બરના અંતે અથવા ડિસેમ્બરની શરૂઆતમાં ગર્ભવતી થયાં હશે.
મેગડેલેનાએ જીનિયોલૉજી વેબસાઈટ એન્સેસ્ટ્રી ડોટ કોમને ડીએનએ ટેસ્ટ્સ માટે વિનતી કરી હતી.
ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે વર્જિનિયામાં તેમના એક પૈતૃક સગા રહેતા હતા. પોતાના પરિવારના અન્ય સભ્યો બાબતે માહિતી મેળવવા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર શોધ કર્યા પછી મેગડેલેનાને એક છોકરીનો ફોટોગ્રાફ જોવા મળ્યો હતો. તેની આંખો મેગડેલેના જેવી જ હતી.
આખરે તેમણે એ છોકરીના રોચેસ્ટરમાં રહેતા પિતાની ઓળખ શોધી કાઢી હતી. એ માણસના નામના પહેલા બે અક્ષર જેબી છે અને જેબી, આઈસી જે આધાર ગૃહમાં રહેતાં હતાં ત્યાંનો કર્મચારી હતો. મેગડેલેનાએ વર્ષો પછી જે રિપોર્ટ્સ શોધી કાઢ્યા હતા તે પૈકીના કેટલાક પર જેબીની જ સહી હતી.

પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના સંશોધનનાં તારણોથી સજ્જ મેગડેલેનાએ સપ્ટેમ્બર, 2019માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જેબી 1985માં એમડીસીમાં કામ કરતો હોવાની હકીકતને એજન્ટ્સે સમર્થન આપ્યા છતાં કશું કરી શકાય તેવું ન હતું, કારણ કે કાયદાકીય મર્યાદા સમાપ્ત થઈ ગઈ હતી.
અદાલતમાં કરાયેલી ફરિયાદ મુજબ, “કાયદાકીય મર્યાદાનો અંત આવે ત્યાં સુધી, લાંબા સમય સુધી આવા ઉલ્લંઘન પર ઢાંકપિછોડો કરવામાં એમડીસી સફળ રહ્યું હતું. પરિણામે પોલીસ કોઈ ઔપચારિક પગલાં લઈ શકી ન હતી.”
જોકે, એક વર્ષના સમયગાળા માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલો પુખ્ત વયના લોકોની જાતીય સતામણી સંબંધી એડલ્ટ સર્વાઈવર્સ એક્ટ ન્યૂયૉર્ક રાજ્યે ગયા વર્ષે અમલી બનાવ્યો પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
મેગડેલેના તેમનાં માતા માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા એ કાયદાને કારણે શરૂ કરી શક્યાં. તેમણે આરોપી સામે નહીં, પરંતુ અક્ષમતા ધરાવતા લોકોને સેવા આપવા માટે જવાબદાર અને જેબી જેવા લોકોને નોકરી આપતી સમગ્ર સરકારી યંત્રણા સામે કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
જુલિયા એલ્મેલેહ-સાશ નામનાં વકીલ મેગડેલેનાનું પ્રતિનિધિત્વ કરતી ક્રુમિલર્સ પીસી ઑફિસ સાથે સંકળાયેલાં છે.
તેમણે કહ્યું હતું કે “મેગડેલેના ઊંડી ધાર્મિક આસ્થા ધરાવતી વ્યક્તિ છે. તેઓ આસ્થાભર્યું જીવન જીવે છે. તેમને ધાર્મિક શ્રદ્ધામાંથી પારાવાર માર્ગદર્શન અને પ્રેરણા મળે છે.”
તેમણે ઉમેર્યું હતું કે “મેગડેલેના તેમના જૈવિક પિતા સામે દાવો દાખલ કરવા ઇચ્છતા ન હતાં. તેમના પિતાનું નામ સમગ્ર ફરિયાદમાં આપવામાં આવ્યું છે, પરંતુ અમે સંસ્થાકીય બેદરકારી અને ઓપીડબલ્યુડીડી તથા તેના જેવા અન્યોએ અમારા અસીલ સાથે કેટલું ભયંકર વર્તન કર્યું હતું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતા હતા.”
તેમણે એમ પણ કહ્યું હતું કે “આઈસી પરના જેબીના જાતીય હુમલા માટે પ્રતિવાદી ઓપીડબલ્યુડીડી સંપૂર્ણપણે જવાબદાર છે, કારણ કે બળાત્કાર વખતે જેબી સંસ્થાનો કાર્યરત કર્મચારી હતો.”
ખટલાની ફરિયાદ મુજબ, જેબીથી આઈસીને સુરક્ષિત રાખવાની ફરજ પ્રતિવાદીની હતી અને તેણે “આત્યંતિક, સ્પષ્ટ, અવિચારી અને ઇરાદાપૂર્વકની ઉદાસીનતાભરી” બેદરકારી દર્શાવી હતી.

ભવિષ્ય
આઈસીને તેમની પુત્રીના જન્મના નવ વર્ષ બાદ 1995માં વિકલાંગ લોકો માટેના પેનફિલ્ડ ખાતેના અન્ય આશ્રયગૃહમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં હતાં. હાલ તેઓ ત્યાં રહે છે.
આજે પણ માનસિક રીતે અક્ષમ છે અને તેમની શારીરિક સમસ્યાઓમાં વધારો થયો છે.
આઈસી સખત સંધિવા, કિડનીની બીમારી અને ગ્લુકોમાંથી પીડાય છે. ગ્લુકોમાને કારણે તેઓ કશું જ નિહાળી શકતાં નથી. તેઓ નક્કર ખોરાક ખાઈ શકતાં નથી અને વ્હીલચેરને આધીન છે. મેગડેલેના તેમનાં માતાને મળવા વારંવાર જાય છે.
“સરકારે વર્ષો સુધી આઈસીને અત્યાર સુધી જે સારસંભાળથી વંચિત રાખ્યાં હતાં તે સારસંભાળ હવે તેમને મળે તે મેગડેલેના સુનિશ્ચિત કરવા ઈચ્છે છે,” એમ જુલિયાએ કહ્યું હતું.
કેસ દાખલ કરવા પાછળનો તેમનો હેતુ, આવી સંસ્થાઓમાં રહેતા લોકોની ઇચ્છિત સારસંભાળ લેવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે, એમ જણાવતાં જુલિયાએ ઉમેર્યું હતું કે “જે સંસ્થાઓ આપણા પૈકીના સૌથી દયાજનક લોકોને આશ્રય આપે છે તેમણે સર્વોચ્ચ ધારાધોરણનું પાલન કરવું જોઈએ. આ કેસ વડે અમે એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”














