સુરત : બે પ્રેમિકાઓની હત્યાનો ભેદ 21 વર્ષ બાદ એક ધાર્મિક ઉત્સવે કઈ રીતે ઉકેલી નાખ્યો?

ઇમેજ સ્રોત, R. Brahmbhatt
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઓડિશામાં એક મહિનો ચાલતી ઠાકુરાની યાત્રામાંથી પરત આવેલા એક ટેક્સ્ટાઇલ કામદારે સુરતના ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને માહિતી આપી કે 21 વર્ષ પહેલાં સુરતમાં હત્યા કરીને ભાગેલો માણસ હાલ ગંજમ જિલ્લાના ચંદનપુર ગામમાં રહે છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી રૂપલ સોલંકીએ કહ્યું હતું કે, “આ માહિતી આપ્યા બાદ ઓડિશાની પોલીસ સાથે સંકલન કરી અમારી ટીમે જોખમી ઑપરેશન કરી પોતાની પ્રેમિકાઓની હત્યા કરનારા બે શખ્સોને પકડીને સુરત લઈ આવી.”
સુરત ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારી પાસે અનડિટેક્ટેડ કેસ આવ્યા હતા, જેમાં 2002માં તાપી નદીના કિનારે ઓડિશાની બે યુવતીઓની હત્યાનો કેસ 21 વર્ષથી વણઉક્લ્યો હતો.”
"તપાસ માટે પોલીસ વારંવાર ઓડિશા ગઈ હતી અને વૉરંટ હોવા છતાં તેઓ પકડાયા ન હતા. "
"અમે આ કેસ હાથમાં લીધો અને સુરતના અમરોલી વિસ્તારમાં અમારું નેટવર્ક સક્રિય કર્યું હતું. કારણકે મોટા ભાગના ઓડિશાના લોકો સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને તેઓ માર્ચથી એપ્રિલ મહિના સુધી ચાલતી ઠાકુરાની યાત્રામાં અને શ્રાવણ મહિનામાં જુલણયાત્રામાં મોટી સંખ્યામાં જાય છે."
"આ સમયે અહીંથી પરત આવેલા ઓડિશાના બાતમીદારે અમને માહિતી આપી હતી કે 2002માં ઓડિશાથી પોતાની પ્રેમિકાને સુરત લઈ આવ્યા પછી તેમની હત્યા કરનારા બે યુવાનો 21 વર્ષ પછી ઉત્સવમાં એમના ગામ આવ્યા છે."
"આ સાથે અમે ઓડિશા પોલીસ સાથે આ વાત શૅર કરી હતી તેમજ ઓડિશાની પોલીસે પણ આ ખબર સાચી હોવાનું જણાવ્યું હતું, તેથી અમે અહીંથી એક ટીમ રવાના કરી હતી."

શું કહ્યું ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ?

ઇમેજ સ્રોત, R. Brahmbhatt
સુરત ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી સોલંકીએ કહ્યું હતું કે, “અમારા માટે મોટો સવાલ એ હતો કે આ બંનેએ જ્યારે છોકરીઓની હત્યા કરી, ત્યારે એકની ઉંમર 18 અને બીજાની ઉંમર 23 હતી. હવે 21 વર્ષે માણસના દેખાવમાં પણ ઘણો ફરક પડી જાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે એમ પણ કહ્યું હતું કે, “ઓડિશાના ગંજમ જિલ્લાનું ચંદનપુર ગામ ગુનાઇત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીં મોટાભાગે ઊડિયા ભાષા બોલાય છે. તેથી સ્થાનિક પોલીસની જરૂર હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ત્યાં જઈને બે દિવસ આ હત્યારાઓની રેકી કરવી પડી હતી.”
વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ બંને યુવકના દૂરથી સ્ટિંગ ઑપરેશન કરી વીડિયો બનાવ્યા હતા. આ વીડિયો અમે સુરતમાં અમારા બાતમીદારને બતાવ્યા હતા. જ્યારે એમણે ચકાસ્યું કે આ જ બે હત્યારા છે, ત્યારે અમે અહીંથી અમારી ટીમને ધરપકડ કરવા ગ્રીન સિગ્નલ આપ્યું હતું.”
આ સાથે ડીસીપીએ કહ્યું હતું કે, "લોકલ પોલીસની મદદ વગર તેમની ધરપકડ કરવી મુશ્કેલ હતી, તેથી રાત્રે સર્ચ ઑપરેશન ગોઠવીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી સંગ્રામ શાહુ અને દિલીપ બિશ્નોઈને પકડી પાડ્યા હતા."
ડીસીપી સોલંકીએ કહ્યું કે, “આ બંને ગંજમ જિલ્લાના ચંદનપુરમાં રહેતા હતા. ત્યાંથી થોડે દૂર અર્ધશહેરી ગણાતા વિસ્તાર બ્રહ્મપુરમાં તેમના કાકા રહેતા હતા.”
“ત્યાં સંગ્રામ શાહુ સંતોષી નામની છોકરીના પ્રેમમાં હતો, ત્યારે દિલીપ બિશ્નોઈ નર્મદા નામની છોકરીના પ્રેમમાં પડ્યો હતો.”
“સંગ્રામ શાહુ ઊંચી જ્ઞાતિના હોવાથી એમનો પરિવાર સંતોષી સાથે પરણાવવા તૈયાર ન હતો આ બંને છોકરીઓને એમના ઘરેથી અન્ય જગ્યાએ લગ્ન કરવા માટે દબાણ કરતા હતા.”
“તેથી સંતોષી સંગ્રામને અને નર્મદા દિલીપને લગ્ન કરવા દબાણ કરતી હતી.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ત્યાંથી આ બંને યુવકો સુરતના અમરોલીમાં ટેક્સ્ટાઇલના કારખાનામાં કામ કરતા તેમના મિત્ર રાનુ નાઇક, રાજુ બિસોઈ, મૂગું બિસોઈનો સંપર્ક કરીને સુરત આવ્યા હતા.
ડીસીપી સોલંકી કહે છે કે “એ સમયે સંતોષી અને નર્મદાને તેમણે કહ્યું હતું કે, તેઓ સુરત જઈને તેમની સાથે લગ્ન કરશે. તેમણે અમરોલીમાં ઘર ભાડે રાખ્યું હતું. સંગ્રામ અને દિલીપનો પ્લાન અમરોલીમાં થોડા દિવસ રહીને આ બંને છોકરીઓને ચકમો આપીને ભાગી જવાનો હતો.”
“જોકે આ બંને છોકરીઓ અહીં રહેતા ઓડિશાના લોકો સાથે ભળવા લાગી હતી. બીજી તરફ એમના ગામ ચંદનપુરમાં છોકરીઓને ભગાડી જવાને કારણે એમના પરિવારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.”
“આ બંને છોકરીઓ સુરતમાં છે, એવા સમાચાર તેમના ગામમાં પહોંચી ગયા હતા. સંગ્રામ અને દિલીપે એમના બીજા ત્રણ મિત્રો સાથે મળીને બંને છોકરીઓની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.”
“તેથી તેઓ તેમને તાપી નદીના બેટ વિસ્તારમાં ફરવા લઈ જવાના બહાને સુમસામ જગ્યાએ લઈ ગયા અને તેમની હત્યા કરી સુરત છોડીને ભાગી ગયા હતા.”
21 વર્ષ સુધી તેઓ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ ઓડિશામાં તેમના ગામથી દૂર બાલુખાઈ, મંગલપુર મહાકાળીના મંદિરે તેમના પરિવારને મળવા બોલાવતા હતા.
ડીસીપી સોલંકીનું કહેવું છે કે “તેઓ પોતાના ગામ પણ નહોતા જતા કે ફોન પર વાતચીત પણ નહોતા કરતા. જેમની દીકરીઓની હત્યા થઈ હતી, એ પરિવારથી એમને ખતરો હતો. પરંતુ તે બંને ગામમાં આવ્યાની બાતમી મળતાં અમે તેમની ધરપકડ કરી હતી.”

ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઓડિશાના બ્રહ્મપુરાના ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારી બી. કે. રાયે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, “દેશભરમાં કામ કરવા ગયેલા ઓડિશાના લોકો હોળી સમયે ડોલાયાત્રા, તારા-તારીની યાત્રા, શિવરાત્રી, શ્રાવણ મહિનામાં આવતી જુલણયાત્રા અને માર્ચથી એપ્રિલ મહિના સુધી ચાલતી ઠાકુરાની યાત્રામાં આવે છે.”
“એ સમયે અમને ગુજરાત પોલીસ પાસેથી સંગ્રામ શાહુના ઇનપુટ આવ્યા હતા.”
“તેઓ 21 વર્ષ બાદ પોતાના ગામમાં ગયા હોવાની અમે પુષ્ટિ કરી હતી. બહારથી આવેલી પોલીસ સાથે કોઈ સંઘર્ષ ન થાય, તેથી અમે સ્થાનિક પોલીસની પણ મદદ લીધી હતી.”
તેઓ કહે છે કે, “એ દિવસે અમે મોડી રાત્રે રેડ કરી હતી, જેના કારણે સંગ્રામના સાથી દિલીપને ભાગવાનો સમય ન મળ્યો અને અમે તેમની ધરપકડ કરી શક્યા.”
ઓડિશાના વરિષ્ઠ પત્રકાર ડી. એન. સિંઘે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ઓડિશાના ગંજમ વિસ્તારમાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી, તેથી અહીંથી લોકો રોજગાર માટે બીજા રાજ્યોમાં જાય છે.”
“ગંજમમાં કેવડાના અત્તરનો અર્ક બનાવવાનું કામ વધારે થાય છે, પરંતુ અહીંના લોકો કાપડ વણાટમાં ભારે કુશળતા ધરાવે છે, તેથી ગુજરાતના સુરતમાં ગંજમના 6 લાખથી વધુ લોકો ટેક્સ્ટાઇલના કારખાનામાં અને અન્ય જગ્યાએ કામ કરે છે.”
“ઓડિશાના તમામ લોકો ગુજરાતમાં આવીને એક જ જગ્યાએ રહેવાનું પસંદ કરતા હોવાથી ઓડિશાની કોઈ પણ વ્યક્તિ અહીં આવે તો તેની ગંજમમાં તરત ખબર પડી જાય છે. આ વિસ્તાર રાજકીય રીતે પણ ઘણો સક્રિય છે, અહીં બીજેડીનું પ્રભુત્વ વધારે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
સિંઘ કહે છે કે “મહત્ત્વની વાત એ છે કે, અહીંના નાના ગામોમાં જ્ઞાતિપ્રથા મજબૂત છે. ઉચ્ચ જ્ઞાતિના યુવાન બીજી જ્ઞાતિની છોકરીઓ સાથે લગ્ન કરે તો સામાજિક નિયમ મુજબ તેમના પરિવારને દંડ થાય છે.”
“21 વર્ષ પહેલાં આ પ્રથા વધુ મજબૂત હતી. તેથી આ બંને યુવકો આ છોકરીઓને લઈને ભાગી ગયા હશે. ગામના લોકો યાત્રામાં તેમના ઘરે આવતા હોય છે.”
“તેથી જો કોઈ ગુનો કરીને ગામમાં છુપાય, તો પણ અહીં તહેવારમાં આવેલા લોકો પોતાના કામ પર પરત જાય ત્યારે પોલીસને જાણ કરી દેતા હોય છે. જેથી એમને ત્યાં રહેવાની અડચણ ના પડે.”
આ વિસ્તારમાં આવેલા લક્ષ્મી નરસિંહના મંદિરમાં લોકોને ખૂબ શ્રદ્ધા છે, અહીં આવીને કોઈ બે કુટુંબ વચ્ચે વર્ષો જૂની દુશ્મની હોય અને સમાધાન થાય તો તેમને ગામમાં રહેવાની મંજૂરી મળે છે.
સિંઘ કહે છે કે, “આ કિસ્સામાં લક્ષ્મી નરસિંહ મંદિરમાં આ બે યુવાનોએ માફી માગી હતી, તેથી તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે જે છોકરીઓની હત્યા થઈ હતી. તેમના સંબંધીને આ સમાધાન મંજૂર ન હોવાથી ઠાકુરાની યાત્રા બાદ ગુજરાત જઈ પોલીસને બાતમી આપી હશે, તેથી તે લોકો ગામમાં રહ્યા અને પોલીસના હાથે તેમની ધરપકડ કરવામાં આવી છે.”














