ગુજરાત : ‘પત્નીના ચારિત્ર્ય પર શંકા’ રાખી ત્રણ બાળકોની હત્યા કરનાર કૉન્સ્ટેબલને છેલ્લા શ્વાસ સુધી કેદ, શું હતો સમગ્ર મામલો?

દોષિત સુખદેવ શિયાળ (વચ્ચે)

ઇમેજ સ્રોત, Arvind Bhatti

ઇમેજ કૅપ્શન, દોષિત સુખદેવ શિયાળ (વચ્ચે)
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટેૈ

“મને બરાબર યાદ છે કે અમારી પોલીસ લાઇનમાં એ વર્ષે કોઈએ નવરાત્રી મનાવી નહોતી, કારણ કે આખીય પોલીસ લાઇનનાં પ્રિય ત્રણ ભૂલકાંની મારા પતિના સાથી અને ત્રણેય ભૂલકાંના પોલીસ કૉન્સ્ટેબલ પિતાએ ધારિયાથી માથું વાઢીને હત્યા કરી દીધી હતી.”

આ ક્રૂર હત્યાનાં સાક્ષી અને એક સમયે ભાવનગર વિદ્યાનગર પોલીસ લાઇનમાં રહેતાં ભારતીબહેન ત્રણેય ભૂલકાંની પિતાએ જ કરેલી હત્યાના બનાવને યાદ કરતાં ઉપરોક્ત વાત કરે છે.

આ વાત વર્ષ 2019ના સપ્ટેમ્બર માસની છે. એ વર્ષે સપ્ટેમ્બર માસના અંતમાં નવરાત્રી હતી.

એ દરમિયાન ભાવનગરની પોલીસ લાઇનમાં માતમ છવાયેલું હતું, કારણ કે ભૂતપૂર્વ પોલીસ કૉન્સ્ટેબલ સુખદેવ શિયાળે એ દરમિયાન પોતાના જ ત્રણ માસૂમ દીકરાની ક્રૂર હત્યા કરી હતી. અને હત્યા બાદ દોષિત કૉન્સ્ટેબલ પોતાના ઘરમાં ‘આરામથી બેઠો હતો.’

નોંધનીય છે કે બુધવારે ભાવનગરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ એલ. એ. પીરજાદાએ આ અપરાધ કરનાર 37 વર્ષીય ભૂતપૂર્વ કૉન્સ્ટેબલ સુખદેવ શિયાળને અંતિમ શ્વાસ સુધી જેલ રહેવાની સજા ફટકારી હતી.

આ નિર્ણય બાદ આ ઘટના ફરી એક વાર સમાચારોમાં છવાઈ છે.

વર્ષ 2019માં દોષિત સુખદેવ શિયાળ પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો.

સુખદેવ શિયાળના આ ભયાનક કૃત્યનો શિકાર બનેલાં તેમનાં બાળકોની ઉંમર અનુક્રમે આઠ વર્ષ, પાંચ વર્ષ અને અઢી વર્ષની હતી.

આ સમગ્ર ઘટના વિશે વધુ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ઘટનાના કેટલાક સાક્ષીઓ અને પક્ષકારો સાથે વાત કરી હતી.

ગ્રે લાઇન

‘આખી પોલીસ લાઇનનાં લાડકવાયાં હતાં બાળકો’

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘટનાના દિવસને યાદ કરતાં આ કેસનાં મુખ્ય સાક્ષી ભારતીબહેન ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારા પતિ ભાવનગર પોલીસમાં નોકરી કરતા હતા. અમારી આખીય પોલીસ લાઇનમાં પોલીસ કૉન્સ્ટેબલ સુખદેવભાઈનાં બાળકો બધાને બહુ પ્રિય હતાં. કારણ કે પોલીસ લાઇનમાં અન્ય કોઈ નાનાં બાળકો નહોતાં.”

મૃતક બાળકો અને પરિવારની સ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “આખો દિવસ આ બાળકો પાડોશમાં રહેતાં, માસૂમ બાળકો એમના પિતાના ઝઘડાળુ સ્વભાવને કારણે કાયમ ગભરાયેલાં રહેતાં, એમના પિતા તેમની માતા સાથે પણ મારઝૂડ કરતા.”

1 સપ્ટેમ્બર 2019ના રોજ બનેલ બનાવોની વિગતો જણાવતાં તેઓ કહે છે કે, “એ દિવસે રોજની માફક અમે સુખદેવભાઈની પત્ની જિજ્ઞાને તેમના નાના બાબાને ઘરે મોકલવા કહ્યું હતું. કારણ કે અમે તેના માટે શીરો બનાવ્યો હતો. પરંતુ જિજ્ઞાએ કહ્યું હતું કે તેમના પિતા ડ્યૂટી પરથી વહેલા આવી ગયા હોઈ બાળકો તેમની સાથે રમી રહ્યાં હતાં. તેમણે થોડા સમય બાદ બાળકને મોકલવાનું કહ્યું.”

ભારતીબહેન આગળ જણાવે છે કે, “આ વાતને હજુ માત્ર 15 મિનિટ થઈ હતી. અને ત્યાં તો ખૂબ જોરથી બૂમાબૂમ થવાની શરૂઆત થઈ ગઈ. જ્યારે અમે સુખદેવભાઈના ઘરે પહોંચ્યા તો જોયું કે તેમનાં કપડાં પર લોહીના ડાઘ હતા અને ત્રણેય બાળકોની ગરદન કપાયેલી હતી.”

“આજે પણ એ દૃશ્ય યાદ આવી જતાં કંપારી છૂટી જાય છે. એ વર્ષે આખી પોલીસ લાઇનમાં દિવાળી પણ ઊજવાઈ નહોતી.”

ગ્રે લાઇન

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો દોષિત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Arvind Bhatti

ઇમેજ કૅપ્શન, ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ

સુખદેવ શિયાળનાં 31 વર્ષીય પત્ની જિજ્ઞાબહેન શિયાળે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સુખદેવ સાથેનાં પોતાના લગ્નજીવન વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, “મારાં લગ્નને આઠ વર્ષ થયાં હતાં. શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું. મારા પતિની ભાવનગર પોલીસ અધીક્ષકની કચેરીમાં બદલી થતા બધું બદલાઈ ગયું.”

“અમે ન્યુ વિદ્યાનગર પોલીસ લાઇનમાં રહેવા આવ્યાં, હું છઠ્ઠા ધોરણ સુધી ભણી છું, મારો મોટો દીકરો ખુશાલ એ વખતે બીજા ધોરણમાં ભણતો હતો. એને સ્કૂલનું ઘરકામ કરવામાં મુશ્કેલી ન પડે એટલે હું આડોશપાડોશમાં તેને ભણવા મોકલતી. વચલો દીકરો પાંચ વર્ષનો હતો અને બાલમંદિરમાં ભણતો હતો, નાનો અઢી વર્ષનો હતો.”

તેઓ તેમના પતિના વહેમી સ્વભાવ અંગે વાત કરતાં કહે છે કે, “હું છોકરાને સ્કૂલે મૂકવા જતી અને સાંજે અમારી લાઇન પાસે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા જતી. અમુક વખત એવું બન્યું કે મારા પતિ ઘરે આવે ત્યારે બાળકો આસપાસ રમતાં હોય અને હું મંદિરે ગઈ હોઉં. આ વાતથી મારા પતિને મારા શંકા થવા લાગી. તેઓ મારા ચારિત્ર્ય પર શંકા કરી મને ઢોર માર મારતા.”

દોષિત સુખદેવના વર્તન અંગે તેઓ આગળ જણાવે છે કે, “મંદિરેથી આવીને એક વખત મેં તેમને પ્રસાદ આપ્યો તો તેમણે મારા પર મંત્રતંત્ર કરવાનો આક્ષેપ મૂકીને મને ખૂબ માર માર્યો. હું કોઈની સાથે હસું-બોલું તો પણ તેઓ શંકા કરતા. તેઓ એવું પણ કહેતા કે અમારો નાનો બાબો તેમનો પુત્ર નથી. એને મેં અન્ય સાથે શારીરિક સંબંધ બાંધીને જન્મ આપ્યો છે. છોકરા પણ તેમના સ્વભાવને કારણે ગભરાયેલા રહેતા. મારઝૂડ વધતાં હું વર્ષ 2018માં મારા પિયર રાણીવાડા જતી રહી.”

બીબીસી ગુજરાતી

‘છોકરાને રમાડવાના બહાને હત્યા’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જિજ્ઞાબહેન આગળ જણાવે છે કે તેમના સમાજના લોકોએ તેમના પતિ સાથે સમાધાન કરાવતા તેઓ પતિના ઘરે પાછાં ફર્યાં હતાં.

તેમના પતિએ પણ મારઝૂડ ન કરવાનાં વચન આપ્યાં હતાં.

તેઓ આગળ કહે છે કે, “એ બાદ મારઝૂડ ઓછી થઈ ગઈ પણ મારા પતિના મનમાં વહેમ હતો કે હું તેમના ખોરાકમાં મંત્રતંત્રવાળી વસ્તુઓ ભેળવું છું. તેમણે ઑગસ્ટ 2019થી ઘરે જમવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓ છોકરાને બહુ રમાડતા પણ નહોતા.”

જિજ્ઞાબહેન ઘટનાના ગોઝારા દિવસના બનાવોને યાદ કરતાં કહે છે કે, “એ દિવસે અચાનક તેઓ ઘરે જલદી આવી ગયા. છોકરાઓ સાથે નવી રમત કરવી છે એવું કહી મને અન્ય રૂમમાં મોકલી આપી. મને એ દિવસે લાગ્યું કે બધું સારું થઈ રહ્યું છે, મેં પણ તેમણે કહ્યું એ પ્રમાણે જ કર્યું. પરંતુ થોડી વારમાં બીજા રૂમમાંથી બાળકોનો બચાઓ-બચાઓ પોકારતો અવાજ સંભળાયો. મેં બીજા રૂમમાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો બંધ હતો, તેમણે કહ્યું કે દરવાજો ત્યારે જ ખોલશે જ્યારે તેમને ખાતરી થશે કે આ બાળકો મારાં જ છે, તેં કોઈની સાથે શારીરિક સંબંધ બાંધીને તેમને પેદા નથી કર્યાં.”

તેઓ એ ક્ષણ વિશે વાત કરતાં કહે છે કે, “મેં તેમને મનાવવા માટે ભગવાનના સોગંદ ખાધા, તેઓ કહે તેવી પરીક્ષા આપવા તૈયારી બતાવી. પરંતુ એ ન માન્યા અને બાળકોની ચીસો ફરીથી સંભળાઈ. આ બાદ મેં બૂમાબૂમ કરીને પાડોશીઓને બોલાવ્યા. થોડી વાર બાદ મારું બારણું ખૂલ્યું તો મારી સામે મારાં બાળકોની લોહીથી લથબથ લાશો પડી હતી. મારા પતિના ચહેરા પર કોઈ અફસોસ નહોતો.”

અંતે જિજ્ઞાબહેન કોર્ટના નિર્ણયને લઈને સંતોષ વ્યક્ત કરતાં કહે છે કે, “હવે લાગે છે કે ભગવાને મારાં બાળકોને ન્યાય અપાવ્યો છે.”

આ કેસમાં સરકારી વકીલ રહેલાં મનોજ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કોર્ટની કાર્વયાહી અંગે વાત કરતાં કહ્યું કે, “સેસન્સ કોર્ટના જજ એલ. એસ. પીરજાદાએ આ કેસમાં 19 સાક્ષીઓને તપાસ્યા હતા, ભૂતપૂર્વ પોલીસ કૉન્સ્ટેબલ સામેના 70થી વધુ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. એફએસએલમાં ડીએનએ તપાસમાં પણ સાબિત થયું કે ત્રણેય બાળકો સુખદેવ શિયાળનાં જ હતાં.”

કેસ દરમિયાન સુખદેવ શિયાળને પોતાના કૃત્ય અંગે થયેલ અપરાધબોધ અંગે વાત કરતા કહે છે કે, “દોષિતે કોર્ટમાં પસ્તાવો વ્યક્ત કર્યો પણ તમામ દસ્તાવેજી પુરાવા અને એફએસએલના રિપોર્ટ ચકાસ્યા બાદ જજે પોતાનાં માસૂમ બાળકોની હત્યા બાદલ ભૂતપૂર્વ કૉન્સ્ટેબલ સુખદેવ શિયાળને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.”

આ ચુકાદા બાદ સુખદેવ શિયાળના કુટુંબના સભ્ય નાગજીભાઈ શિયાળ સાથે તેમનો પક્ષ અને પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન