અમદાવાદ : પત્નીની હત્યાના 10 વર્ષે પતિને મોતનો વિચાર આવ્યો અને ભેદ ઉકેલાઈ ગયો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મને ખબર હતી કે જો હું મોબાઇલ વાપરીશ, ટ્રેનમાં કે બસમાં ભાગીશ તો ક્યાંક તો પકડાઈ જઈશ, એટલે મારી પત્નીનું ખૂન કરી હું શટલ રિક્ષામાં નડિયાદ ગયો, ત્યાંથી જુદાં જુદાં વાહનોમાં મધ્યપ્રદેશ ગયો. મેં વિચાર્યું કે કોઈ પણ કામ કરવા જઈશ તો કોઈ જોઈ જશે અને પોલીસ પકડી જશે. એટલે વેઇટર તરીકે વધારે પૈસા મળતા ન હોવા છતાં પણ હું હોટલમાં વાસણ ધોવાનું જ કામ કરતો અને હોટલના પાછળ ભાગમાં સૂઈ જતો એટલે કોઈની નજરે ના ચઢું. દસ વર્ષ વીતી ચૂક્યાં હતાં, પરંતુ આખરે પોલીસે મને પકડી લીધો."
આ શબ્દો છે પત્નીની હત્યા કરીને દસ વર્ષ સુધી છૂપાઈ રહેલા આરોપી ભીમસિંહ પાટિલના. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં પોલીસ સમક્ષ કબૂલાત કર્યા બાદ પોલીસ કસ્ટડી માં રહેલા આરોપી સાથે બીબીસીએ પોલીસ કર્મચારીની મદદથી વાતચીત કરી હતી.
પોતાની પત્નીની હત્યાના આરોપી 68 વર્ષીય ભીમસિંહ પાટીલ દસ વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યા છે.
ભીમસિંહ પાટીલ પર દસ વર્ષ પહેલાં અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોતાની પત્નીની હત્યા કરવાનો આરોપ છે.
તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવના ધાલકી ગામના રહેવાસી હતા, પરંતુ ત્યાં ખેતીનું કામ ન હોઈ મજૂરી કરી અમદાવાદમાં આવ્યા. પરંતુ નવા જીવનની શરૂઆતની આશાએ અમદાવાદ આવેલા ભીમસિંહ આખરે પોતાનાં જ પત્નીની હત્યા કરી નાસી છૂટ્યા.
આખરે કેવી રીતે દસ વર્ષથી કાયદાની પહોંચથી દૂર રહેલ આરોપીને પકડવામાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી?

- ગુજરાતના અમદાવાદમાં દસ વર્ષ પહેલાં કથિતપણે પત્નીની હત્યા કરનાર ભીમસિંહને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા
- દસ વર્ષ પહેલાં કથિતપણે પત્નીની હત્યા કરી આરોપી જુદી જુદી હોટલોમાં કામ કરતા
- ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની મહારાષ્ટ્રના જલગાંવથી ધરપકડ કરી હતી
- પરંતુ આટલાં વર્ષોથી વણઉકેલાયેલ અવસ્થામાં પડી રહેલ આ કેસ આખરે કેવી રીતે તેના અંજામ સુધી પહોંચ્યો
- આરોપીએ એક એવી ભૂલ કરી જેણે વર્ષોથી તેમને કાયદાની પહોંચથી દૂર રાખી રહેલી યુક્તિ પર પાણી ફેરવી દીધું

પત્નીના ચારિત્ર્ય પર શંકા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ભીમસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પોતાના અમદાવાદમાં પોતાના જીવન અંગે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "હું અમદાવાદ આવ્યો અને એક ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ બાદમાં ચાની લારી ચલાવવા લાગ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભીમસિંહે આગળ કહ્યું કે, "અમારાં બાળકોનાં લગ્ન થઈ ગયાં હતાં તેઓ અલગ રહેતાં. મારી પત્ની 45 વર્ષની હતી. હું જ્યારે પણ લારી પરથી ઘરે આવું તો તે ઘરે મળતી નહોતી. આખો દિવસ ફોન અને મૅસેજોના જવાબ આપવામાં લાગેલી રહેતી. તે નવાં કપડાં ખરીદતી, ફિલ્મો જોવા જતી."
પત્નીના આ પ્રકારના વર્તનને કારણે ભીમસિંહને પત્ની પર શંકા ગઈ. ભીમસિંહ કહે છે કે તેના વિશે લોકો પણ આવી જ વાતો કરતા.
ભીમસિંહના જણાવ્યાનુસાર જ્યારે તેમણે એક દિવસ પોતાની પત્નીને આ બાબતે પૂછ્યું તો તેમણે ઉડાઉ જવાબ આપ્યો.

'અને મેં પત્નીની હત્યા કરી નાખી'
ભીમસિંહ હત્યા અગાઉની બનેલી ઘટનાઓ અંગે વાત કરતાં કહે છે કે, "એ પછી અમારી વચ્ચે ઝઘડા થતા હતા, મેં એને કહ્યું કે તું આ બધું બંધ કર અથવા અપણા બેમાંથી એકે મરી જવું."
"ઝઘડો લાંબો ચાલ્યો. મને એ દિવસ યાદ છે, શનિવાર હતો કોઈએ મને ફોન કરીને કહ્યું કે તારી પત્ની ધનકોર સાજશણગાર બનીઠનીને રિક્ષામાં ક્યાંક બહાર ગઈ છે, હું ચાની લારી બંધ કરીને ઘરે આવ્યો."
"ઘરે કોઈ ન હતું એની રાહ જોઈને બેઠો હતો, એ ઘરે આવી અને મેં પૂછ્યું કે ક્યાં ગઈ હતી? આ વાતે અમારી વચ્ચે ઝઘડો થયો, મને ખૂબ ગુસ્સો આવ્યો અને ઘરમાં પડેલા ઍલ્યુમિનિયમના વજનદાર દસ્તાથી મેં એનું ખૂન કરી નાખ્યું. મેં દસ્તા પર પરથી લોહી લૂછીને તે મૂકી દીધો."
ભીમસિંહ હત્યા બાદ બનેલી ઘટનાઓ અંગે વાત કરતા કહે છે કે, "મને અહેસાસ થયો કે મેં હત્યા કરી છે. એટલે મેં ભાગી જવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં મેં મારો ફોન અને સીમકાર્ડ તોડી નાખ્યાં. પોલીસ પકડી ન શકે તેથી હું રિક્ષા મારફતે નડિયાદ પહોંચ્યો. ત્યાંથી જુદાં જુદાં વાહનો મારફતે ઇંદૌર પહોંચી ગયો."
હત્યા બાદ તેઓ પોલીસથી બચવા માટે જુદી જુદી યુક્તિઓ વિચારી રહ્યા હતા,
ભીમસિંહે કહ્યું, "મેં જાણીજોઈને ઇંદૌરની એક હોટલમાં માત્ર વાસણ ધોવાનું કામ કરવાની નોકરી મેળવી. એ મેં વિચારીને કર્યું હતું. કારણ કે, મને શંકા હતી કે જો હું વેઇટરનું કામ કરું કે ફૂડ ડિલિવરી કરું તો મને કોઈ ઓળખી જશે. તેથી મેં હોટલમાં જ રહેવા-જમવાની વ્યવસ્થા માગી લીધી. હું એ દરમિયાન ક્યાંય બહાર ન જતો."
ભીમસિંહે હત્યા બાદનાં વર્ષો કેવી રીતે વિતાવ્યાં તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "ઇંદૌરમાં પણ ઘણા સમય સુધી રહેવું જોખમી હતું, અને વિચાર આવ્યો કે મારે મારા ગામની આસપાસ બાકીનું જીવન પસાર કરવું જેથી ઓછામાં ઓછું કોઈ મારી અંતિમ ક્રિયા તો ઠીક પ્રકારે કરશે."
"આ વિચાર આવ્યો ને હું જલગાંવ પહોંચી ગયો અને ત્યાં એક હોટલમાં વાસણ સાફ કરવાનું કામ કરવા લાગ્યો. હું ત્યાં જ રહેતો. અને ઝૂંપડીમાં સૂઈ જતો."

આખરે પોલીસના હાથે કેવી રીતે ઝડપાયા આરોપી?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પાંચ વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશન નહી ઉકેલાયેલા જૂનાં કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેનાં ભાગરૂપે આ કેસ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવ્યો હતો.
પીએસઆઈ કે. એસ. સિસોદિયાની બદલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં થતાં જ એમને આ દસ વર્ષથી વણઉકેલાયેલો કેસ ઉકેલવાની જવાબદારી સોંપાઈ.
કે. એસ. સિસોદિયાએ બીબીસી ગુજરાતીને આ કેસ ઉકેલવાની મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહ્યું કે, "અમારી પાસે જયારે આ કેસ આવ્યો ત્યારે કોઈ ટેકનિકલ સર્વેલન્સ સંભવ જ ન હતું એટલે અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. આ ખૂનીને શોધવો એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું હતું."
સિસોદિયાએ આગળ જણાવ્યું હતું કે ભીમસિંહનાં બાળકોએ તેમની સાથે કોઈ પણ સંબંધ ન હોવાની વાત કરતાં તેમણે અલગ પ્રકારે તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું.
તેમણે તપાસની વિગતો જણાવતાં કહ્યું કે, "અમે પહેલાં અમરાઈવાડી વિસ્તારમાં તપાસ કરી ત્યાં કેટલાક લોકોએ અમને કહ્યું કે બની શકે કે ભીમસિંહ ચાની લારી ચલાવતો હશે કાં તો હોટલમાં કામ કરતો હશે, કારણ કે તેને બીજું કશું આવડતું નથી."
પીએસઆઈ સિસોદિયા આરોપીને પકડવા અંગે હાથ ધરાયેલ પ્રક્રિયા અંગે વાત કરતાં આગળ જણાવે છે કે, "અમે જલગાંવની આસપાસ તપાસ ચાલુ રાખી. દરમિયાન અમને ભીમસિંહનો દૂરનો સગો મળ્યો જેણે તેને જલગાંવમાં જોયો હતો. તેણે શક્યતા વ્યક્ત કરી હતી કે જલગાંવના સેગાંવથી ફૂલઘટ વિસ્તારમાં ક્યાંક હોવો જોઈએ. કારણ કે આસપાસનાં ગામમાંથી લોકોએ કોઈ પણ વસ્તુ લેવા માટે જલગાંવ આવવું પડતું હોય છે."
તેમણે ભીમસિંહ સુધી પહોંચવાની કડી મળી જતાં અનુસરેલી પ્રક્રિયા અંગે વાત કરતાં કહ્યું કે, "જલગાંવની આસપાસ હાઇવે પર ખૂબ ઓછી હોટલો હતી. અમે ત્યાં જ તપાસ કરવાનું નક્કી કર્યું. આ પૈકી એક હોટલમાં અને માલિકને ઓળખપત્ર આપ્યા વગર કામ કરતો 68 વર્ષનો વૃદ્ધ મળી આવ્યો."
"ભીમસિંહ ખૂબ ચાલાક હતો. તે હોટેલમાંથી ક્યારેય બહાર જતો ન હતો. તેણે પોતે ન પકડાય તેનું ખૂબ ધ્યાન રાખ્યું, તેથી તે ક્યારેય ફોન કે જાહેર ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ ન કરતો. હોટલના સીસીટીવીમાં કે અન્ય કોઈ સીસીટીવીમાં ન આવી જાય તે માટે તે હંમેશાં વાસણ ધોવાનું જ કામ કરતો."
"તે દસ વર્ષથી નાસતો ફરતો હતો પરંતુ તે જલગાંવ એટલા માટે આવ્યો કારણ કે તેને બીક હતી કે જ્યારે તે મરશે ત્યારે તેની અંતિમ ક્રિયા કરનાર કોઈ નહીં હોય તેથી તે ગામની નજીક જ રહેવા લાગ્યો અને ખિસ્સામાં પોતાની ઓળખ અને સરનામાવાળી એક ચિઠ્ઠી રાખતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














