બોટાદ : “મારી દુનિયા લૂંટાઈ ગઈ, મારું માણસ મારાથી વિખૂટું પડી ગયું” દુષ્કર્મ બાદ હત્યાનો ભોગ બનેલી પીડિતાના પરિવારની વ્યથા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
બોટાદમાં નવ વર્ષની નાનકડી બાળકીનો બળાત્કાર કરીને તેની હત્યા કરવાના મામલાને લઈને ગુજરાતના દેવીપૂજક સમાજમાં ભારે ગુસ્સાની લાગણી છે.
બોટાદ પોલીસે આ રેપકાંડના આરોપીની ધરપકડ કરી છે પણ હવે દેવીપૂજક સમાજના આગેવાનો આરોપીને ફાંસી આપવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
જોકે બોટાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરીને આ સમગ્ર ઘટના અંગે આરોપી સામે સ્થાનિક ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે.
(ઘટનાની સંવેદનશીલતા અને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અન્વયે પીડિત બાળકી અને તેમના પરિવારજનોની ઓળખ જાહેર નથી કરી)

ઇમેજ સ્રોત, Sachin Pithhva
સમગ્ર ગુજરાતના દેવીપુજક સમાજનો રોષ જેને કારણે ભભૂકી ઉઠ્યો તે બોટાદ રેપકાંડ શું છે?
15મી જાન્યુઆરીનો દિવસ હતો. આ દિવસ એટલે વાસી ઉત્તરાયણનો દિવસ. નવ વર્ષની જે દીકરી પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી તેને પતંગ ચડાવવાનો શોખ હતો. વાસી ઉત્તરાયણના દિવસે તે બપોરે લગભગ ચાર વાગ્યાની આસપાસ પતંગ ચગાવવા કે પછી લૂંટવા માટે ઘરની બહાર ગઈ. પણ સાંજ થઈ પરંતુ તે ઘરે પરત નહીં આવી. આથી પરિવારજનોને તેની ચિંતા થવા લાગી. તેઓ તેમને શોધવા નીકળ્યા.
ત્યાં બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર આવેલા ભગવાનપરા વિસ્તારમાં રાત્રીના સમયે એક અવાવરૂં જગ્યાએથી આ બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો. પરિવારજનોએ જ્યારે આ બાળકીનો મૃતદેહ જોઈને હેબતાઈ ગયાં હતાં. કારણકે જ્યારે તેની ભાળ મળી ત્યારે કમરથી નીચેના તેના કપડાં ગાયબ હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. ત્યાં તેના પર હત્યા પહેલાં બળાત્કાર થયાનું સામે આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બળાત્કાર અને હત્યા મામલે બોટાદમાં લોકોનો ચક્કાજામ

ઇમેજ સ્રોત, Sachin Pithhva
બાળકી દેવીપૂજક સમુદાયમાંથી આવતી હોવાને કારણે આ સમુદાયના લોકો બોટાદના પોલીસ સ્ટેશને ભેગા થઈ ગયા હતા.
તેમણે નાગલપર દરવાજા અને જ્યોતિગ્રામ સર્કલ પર ચક્કાજામ કરી દીધો હતો અને હત્યારાને તાત્કાલિક પકડીને પીડીતાના પરિવારને ન્યાય અપાવવાની માગ કરી હતી.
મામલો ગરમ થતો જોઈને જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોને સઘન તપાસ કરીને હત્યારાને પકડવાની ખાતરી આપી હતી.
પોલીસની ખાતરી બાદ સમુદાયના લોકોનો રોષ ઠંડો પડ્યો હતો.

પોલીસે આરોપીની કરી ધરપકડ

ઇમેજ સ્રોત, Sachin Pithhva
ત્યારબાદ પોલીસે તેની તપાસ તેજ કરી બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસનો દાવો છે કે રાજેશ ઉર્ફે રાજુ ચૌહાણે આ ગુનાની કબુલાત પણ કરી દીધી છે.
પોલીસના કહેવા પ્રમાણે બોટાદના ગઢડા રોડ પર આવેલા શીવનગરમાં રહેતા 39 વર્ષના અભિયુક્ત રાજુ ચૌહાણે પહેલા બાળકી પર દુષ્કર્મ કર્યું હતું.
પછી બાળકી બૂમાબૂમ ન કરે અને તેનો ગુનો પકડાઈ નહીં જાય તે માટે બાળકીના મોઢામાં પર ડૂચો મારીને ગળું દબાવીને હત્યા કરી નાખી, અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આરોપી રાજુ ચૌહાણ ટ્રક ક્લીનર તરીકે કામ કરે છે. તે અપરિણીત છે અને તે તેના ભાઈ સાથે રહે છે. અભિયુક્તના પરિવારમાં બે ભાઈઓ અને એક બહેન છે.
પોલીસનું કહેવું છે કે જ્યારે વાસી ઉત્તરાયણ દરમિયાન બાળકી જ્યારે પતંગ લૂંટવા ગઈ હતી ત્યારે આરોપીએ તેને પતંગ પકડી આપું તેવું કહીને તેને ફોસલાવીને તેની સાથે આ પ્રકારનું દુષ્કર્મ કર્યું હતું.

15 જ દિવસમાં પોલીસે આરોપી સામે કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ

ઇમેજ સ્રોત, Sachin Pithhva
બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "અમે આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ ચલાવી છે. ઘટનાસ્થળેથી મળેલા પૂરાવાઓને અમે ફોરેન્સિક વિભાગમાં મોકલ્યા હતા."
મહર્ષિ રાવલે વધુમાં કહ્યું કે, “પોલીસે પોક્સો કલમ ઉપરાંત આઈપીસી 302 અને આઈપીસી 376 અંતર્ગત ગુનો દાખલ કરી દીધો છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી દીધો છે. પોલીસે ગુનો બન્યાના માત્ર 15 જ દિવસમાં સ્થાનિક ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે અને કોર્ટને વિનંતી કરી છે કે આ કેસની ટ્રાયલ જલ્દી શરૂ કરવામાં આવે.”
મહર્ષિ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે તેમણે સાક્ષીઓના નિવેદનો પણ લીધા છે.

બોટાદ રેપ અને હત્યાકાંડના પડઘા ગુજરાતભરમાં
ભલે બોટાદ પોલીસે બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી લીધી હોય પરંતુ ગુજરાતભરના દેવીપૂજક સમાજમાં આ ઘટનાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.
ગુજરાતમાં ઠેરઠેર પ્રદર્શનો અને બાળકીને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાયા છે.
રાજકોટમાં દેવીપૂજક સમાજે વિવિધ બેનરો સાથે રેલી યોજીને ઉગ્ર પ્રદર્શન યોજ્યું હતું અને કલૅક્ટરને અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી હતી.
તો અમરેલીના વડિયામાં પણ દેવૂપૂજક સમાજના લોકોએ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમરેલીના સાવરકુંડલામાં પણ ઉગ્ર પ્રદર્શન યોજાયું હતું. પંચમહાલના ગોધરામાં પણ લાલબાગ ટેકરી પાસે લોકોએ કેન્ડલમાર્ચ કાઢીને બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રેલી બાદ બાળકીના ફોટાને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં પણ બાળકીના પરિવારને ન્યાય અપાવવાની માગ સાથે સુત્રોચ્ચારનો કાર્યક્રમ થયો હતો.

શું કહે છે બાળકીના પરિવારજનો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીડિત બાળકીના પિતા બોટાદના ભગવાનપરામાં રત્નકલાકાર છે અને હીરા ઘસીને તેનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાનમાં ચાર દીકરીો અને બે દીકરા છે. તે પૈકીની આ એક દીકરીની બળાત્કાર બાદ હત્યા થઈ.
પહેલાં તેમની દીકરી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. પણ આ બાળકીના પિતાએ ચોથી પુત્રી આવ્યા બાદ તેને વઢવાણથી બોટાદ બોલાવી દીધી હતી.
બાળકીના પિતાએ તેને એટલા માટે બોલાવી હતી કે તેના ભાઈ-બહેન નાના હતા અને જ્યારે તેઓ મજૂરીએ જાય ત્યારે તેમને રાખનારું બીજું કોઈ નહોતું.
બીબીસીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચિન પિઠવા સાથે પરિવારજનોની વાત થઈ ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. આંખમાં આંસુ સાથે પરિવારજનોએ સચિન પિઠવાને જણાવ્યું કે બેટીના જતા રહેવાથી તેમના માથા પર આભ તૂટી પડ્યું છે.
રડતાં રડતાં તેઓ કહે છે કે, “તે અમારા ઘરની લાડકી દીકરી હતી.” બાળકીના પિતાએ કહ્યું કે, “તેને પતંગ લૂંટવાનો શોખ હતો અને 15મી જાન્યુઆરીએ બપોરે તે મને અને મારી પત્નીને કહીને પતંગ લૂંટવા ગઈ. પણ પાછી ન આવી તેથી અમે શોધખોળ આદરી. રાત થઈ ગઈ ત્યારે અહીં અવાવરુ જગ્યામાં અમે રાજુને ભાગતા જોયો. તેથી અમને અંદેશો ગયો કે ક્યાંક કશું બન્યું હોવું જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "અમે જ્યારે ત્યાં તપાસ કરી તો મારી દીકરીને અર્ધનગ્નવસ્થામાં જોઈ. ત્યારબાદ ગભરાઈને અમે પોલીસને બોલાવી અને પોલીસે એમ્બ્યુલન્સ બોલાવીને મારી દીકરીને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરે કહ્યું કે તે હવે આ દુનિયામાં નથી.”
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા રડતાં રડતા તેમના પિતા કહે છે કે મારી દુનિયા લૂંટાઈ ગઈ હોય તેવો આભાસ થાય છે. મારું માણસ મારાથી વિખુટું પડી ગયું.
બાળકીના માતાએ સચિન પિઠવાને જણાવ્યું કે જ્યાં સુધી તેમની દીકરીના ગુનેગારને ફાંસી નહીં મળે ત્યાં સુધી તેમને ચેન નહીં પડે. તો બાળકીના દાદી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં રડી પડે છે.
રડતા રડતા તૂટેલા શબ્દોમાં કહે છે કે, “અમે તેને બહુ લાડ લડાવ્યા હતાં. છેલ્લે જ્યારે તે ગઈ ત્યારે કહીને ગઈ કે મારા નાના ભાઈ-બહેનને રમાડવા જાઉં છું. બસ તે ઉઘાડા પગે મારા વઢવાણના ઘરેથી નીકળીને બોટાદ ગઈ. બસ એક મહિનો થયો ગઈ તે ગઈ પાછી નહીં આવી.”

















